“બ્લોક્સ અવશેષો ” ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ – 8 ) ~ પૂર્વી મોદી મલકાણ

                             
બ્લોક્સ અવશેષો
જેમ જાડાઈ વધારે તેમ તે અવશેષ જૂનો
 

લગભગ ૧૨,૯૯,૬૦૦ વર્ગ કી.મીમાં ફેલાયેલ હરપ્પાનો અર્થ થાય છે “પ્રેતોનો ટીલો” આ સાઇટ ખરેખર અમને  પ્રેતોનાં ટીલા જેવી જ લાગી. સૂમસામ….. નિઃસ્તબ્ધ સૂમસામ…. કારણ કે આ સ્થળથી ગામ દૂર છે પણ આ સ્થળની આસપાસ અમને ઘઉંનાં ઘણાં ખેતરો જોવા મળ્યાં. કદાચ ઘઉં એ આજ સ્થળનું અનાજ હોય તેવું અમને લાગ્યું, કારણ કે હરપ્પા મ્યુઝિયમમાં અમે અવશેષોમાંથી મળેલા સચવાયેલા ઘઉંનાં છોડવા અને ઘઉંનાં છોડવાવાળી ડિઝાઇન કરેલી સીલ પણ જોવા મળી હતી. આ સીલ જોઈ ખ્યાલ આવેલો કે અહીં ખેતી કરનારો ખેડૂત વર્ગ પણ હતો. પણ તેમ છતાં યે હરપ્પાની સભ્યતા અને વિકાસ ઉપર આ વણિક લોકોનો હાથ વધુ હતો તેમ અમને લાગ્યું. જેઓ રાવી ઉપર શાસન વ્યવસ્થા કરતાં હતાં, વહાણો દ્વારા બિઝનેઝ ચલાવતાં હતાં.

મ્યુઝિયમમાં ત્યાં જાણેલાં ઇતિહાસ મુજબ મોહેં-જો-દારો અને આ હર્પ્પિયન સંસ્કૃતિ વચ્ચે લગભગ ૫૦૦ વર્ષનો ફર્ક હતો. જ્યારે મોહેં-જો-દારોનો સમય પૂરો થઈ રહ્યો હતો ત્યારે હરપ્પા હજી ઉદયમાન થઈ રહ્યું હતુંએક સમયે આ સ્થળેથી રાવી નદી વહેતી હતી અને રાવી નદીને કારણે આ સ્થળ ઉત્તમ નદી બંદર કહેવાતું હતું, પણ આજે રાવી નદી ક્યાંય દેખાતી નથી. તેથી આ જગ્યા આજે કોરી ધાકટ છે.

રાવી પટ્ટની બાજુમાં કબ્રસ્તાન હતું. આ કબ્રસ્તાનની શોધ ૧૯૪૬ માં ખોદકામ દરમ્યાન કોઈક બ્લોક્સમાંથી થયેલી. બશીરજીનું કહેવું હતું કે હાલમાં આ નાનકડાં ગામમાં બે કબ્રસ્તાન છે. જેમાંથી આ કબ્રસ્તાનમાં રાવીનાં પાણીએ છીનવેલ મૃતકોને સુવડાવવામાં આવ્યાં છે.

બશીરજીની આ વાતથી અમને આશ્ચર્ય થયું ત્યારે તેમણે કહ્યું કે; અત્યારે રાવીનદીનાં પાણી ગામથી લગભગ ૬ – ૮ માઈલ દૂર ચાલી ગયાં છે, પણ જ્યારે જ્યારે રાવીમાં પૂર આવે છે ત્યારે ત્યારે આ પાણી હરપ્પાની આ સાઇટ સુધી ચોક્કસ આવી જાય છે. આ પૂર જે જે જિંદગી લઈ જાય છે તે મૃતકો માટે આ કબ્રસ્તાન છેહર્પ્પિયન સંસ્કૃતિનાં ચોરસાઓ સુધી પહોંચવા માટે અમારે આજ કબરો પાસેથી પસાર થવાનું હતું.

સાંજ પડવા આવી હતી. ક્યાંકથી કોઈક કૂતરાઓનો ભસવાનો અવાજ સંભળાતો હતો, તો સાથે સાથે ચીબરીની ચીખ પણ સંભળાતી હતી. આજુબાજુનાં ખેતરો પર કામ કરતાં લોકો સાઇકલ પર ગામ તરફ જઈ રહ્યાં હતાં.

અમારી આસપાસનું જીવંત વાતાવરણ બધું જ બદલી રહ્યું હતું, જેમને આ હલનચલનનો કોઈ ફર્ક પડવાનો ન હતો તેવી આ જગ્યામાંથી પણ ક્યાંક એક-બે શાહુડીઓ લડતી દેખાઈ, તો ક્યાંક છછુંદરો અને સસલાં રમતાં દેખાયાં.

આ શાંતિથી સૂતેલા લોકોની કબરો પરથી લાલિમા પોતાનો પડછાયો જે રીતે લાંબો કરતી હતી તે જોઈ અમને થોડો ડર લાગ્યો. ડર અમને આ મૃતકોનો નહીં, પણ અમારે જે જગ્યામાં પહોંચવાનું હતું તે જગ્યા માટેનો હતો. કારણ કે લાલિમાની પાછળ અંધકાર પણ આ ધરતી પર આવવા ઉતાવળો હતો. પણ કુદરતનો સાથ અમારી સાથે હતો, કારણ કે સંધ્યાનેય પોતાનું સામ્રાજ્ય ઝડપથી છોડવાની ઈચ્છા ન હતી

અને અમારું તો શું કહેવું. અમારે તો અમારા મન-હૃદય અને મગજના પાત્ર પૂરેપૂરા છલકાઈ જાય તે રીતે વિતેલા યુગની એક એક સ્મૃતિ ભેગી કરી લેવાની હતી. તેથી અમે જ્યારે આ બ્લોક્સ સુધી જવા માટે ઝડપથી પગ ઉપાડ્યાં ત્યારે મારી સામેની કબરમાં લખેલી “૧૬૫૪” ની સાલ તવારીખ ઝળકી રહી હતી. હરપ્પાના વિવિધ સમયનાં અનેક આકારો અમારા પ્રત્યેક પગલાંની નીચે  કચડાઈ રહ્યાં હતાં.

અવશેષ:- આ સાઇટ પર અમને બહુ જાણીતા ન હોય અને મ્યુઝિયમમાં તેવા ઘણાં અવશેષો જોવા મળ્યાં; જેઓ વિવિધ સંજ્ઞાને પ્રસ્તુત કરતાં હતાં.

આ અવશેષો અમને જોવા તો મળ્યાં પણ એનાં ફોટા લેવા ન મળ્યાં. તેનું કારણ એ હતું કે આ જગ્યાનાં અવશેષોને સરકારે ઓપન કરેલાં નથી. પણ સારા પૈસા મળશે તેવી આશામાં બશીરજી અમને જોવા માટે આપ્યાં, પણ એના ફોટાઓ જો વેબ પર આવી જાય તો બશીરજીને જેલમાં જવું પડે. આથી અમે પણ બશીરજીની ઈચ્છા મુજબ અમુક અવશેષોનાં ફોટાઓ ન લેવાંનું નક્કી કર્યું, પણ અમારું મન ન માનતાં તેમનું ધ્યાન ચૂકવીને અમે અમુક ફોટાઓ લઈ જ લીધાં.

સામાજિક જીવન અને ધર્મ:- જ્યાં જ્યાં અવશેષો કાઢવાની કામગીરી થતી હતી તેવી જગ્યાને બ્લોક્સ અને રૂમને નામે ઓળખવામાં આવતી હતી. આ બ્લોક્સની આસપાસ અમને બળદગાડા અને ભેંસોનાં હાડપિંજર અને શિંગ તેમજ ગાડાનાં કેટલાય ટુકડાઓ જોવા મળ્યાં.

આ અવશેષો પરથી એ ખ્યાલ આવ્યો કે લોકો કેવળ આ બે જ પ્રાણીઓનાં ગાડાઓનો ઉપયોગ રોજબરોજનાં જીવનમાં કરતાં હશે, આ બે પ્રાણીઓ સિવાય અન્ય કોઈ પ્રાણીઓનાં અવશેષો અમારા જોવામાં આવ્યાં નહીં. પણ આ લોકોનો ધર્મ કે માન્યતા શી હશે તે વિષે થોડું ચોક્કસ જાણવા મળ્યું.

બશીરજીએ બતાવેલ એક અવશેષમાં એક અર્ધતૂટી એક સ્ત્રીની મૂરત હતી. જેનાં ગર્ભમાંથી એક છોડ ઊગી રહ્યો હતો. આ છોડને જીવન સાથે સરખાવી શકાય છે. બશીરજીનાં કહેવા મુજબ આ મૂરત એ હર્પ્પિયન દેવી ઉરુરવા ઉર્વરતાની હતી, જે હર્પ્પિયન ધર્મની મૂરત હતી.

આ મૂરતની બીજી માન્યતા એ પણ છે કે તે સ્ત્રી એ પ્રજનન કરતી ધરતીદેવીનું પ્રતિક હતી. જેનું તેઓ પૂજન કરતાં હતાં. આ સાઇટ ઉપર ફરતાં ફરતાં અમે એક અન્ય ગ્રામવાસીને પણ મળ્યાં જેણે અમને કહ્યું કે હરપ્પા ગામના અંતે લાહોર જતાં આ દેવીની પ્રતિમાવાળું મંદિર તૈયાર કરાયું છેજેમાં રોજ હિન્દુધર્મ મુજબ સવાર, બપોર અને સાંજ એમ ત્રણ સમય આરતી કરવામાં આવે છે, કેવળ આરતી.

જ્યારે અમે લાહોર તરફ નીકળી રહ્યાં હતાં તે સમયે અમે આ મંદિર તરફ ગયેલાં, પણ અંધારું થઈ ગયેલું હોઈ આ સ્થળ મળ્યું નહીં.

આ દેવીની વાતથી એક વાત ચોક્કસ નજરમાં આવી કે પાકમાં બીજા હિન્દુ મંદિરોનું અસ્તિત્ત્વ ભલે માન્ય ન રાખવામાં આવ્યું હોય પણ હરપ્પા એક એવું ગામ જ્યાં હિન્દુઓનું નામોનિશાન જોવા મળતું નથી તેવાં ગામમાં આ ઉર્વરતા ધરતીનો મહિમા હોય તેઓએ હિન્દુ રિવાજ મુજબ આરતીને મહત્વ આપ્યું.

કદાચ જે ભૂમિએ આપણને જન્મ આપ્યો છે તે ભૂમિનો આભાર માનવાની પ્રક્રિયા જ હશે.

પૂર્વી મોદી મલકાણ યુ.એસ એ.

purvimalkan@yahoo.com

ફોટોગ્રાફી :- દિપક મલકાણ 

આપનો પ્રતિભાવ આપો..

One Comment