પન્ના નાયકની ડાયસ્પોરિક કવિતાઓ ~ એક પ્રતિભાવ ~ “પન્ના પર્વ” નિમિત્તે ~ શિવાની દેસાઈ (અમેરિકા)

હજુ તો જુવાનીના ઉંબરે ડગલું માંડ્યું  હતું. રમેશ પારેખની સોનલ અમે જ હોઈશું એવા વહેમમાં રહેવાના દિવસો હતા અને લગભગ આઠમા કે નવમાં ધોરણમાં હતી, શાળાની લાયબ્રેરીમાં બેઠી બેઠી ત્યાં આવતા સામાયિકો ઉથલાવી રહી હતી ત્યાં એક નાની કવિતા પર ધ્યાન પડ્યું. એ કવિતા હતી,

“આજે
તાજા પડેલા સ્નોમાં
તારું નામ લખી આવી,
આંગળીઓ એવી તો થીજી ગઈ પણ મજા આવી …..!”

આ નાનકડું કાવ્ય વાંચીને મને તો બહુ મજા પડી ગઈ અને સ્નોની ઠંડીમાં લપેટાયેલો હૂંફાળો રોમાંચ અનુભવ્યો શરીરે…! પછી કવિનું નામ વાંચ્યું: પન્ના નાયક

નામ વાંચીને ગૌરવ અનુભવાયું અને ખબર નહિ એક પ્રકારનું તાદાત્મ્ય પણ અનુભવાયું. એ વખતે એ ખબર નહોતી કે આ કવિયત્રીની કવિતાઓ અને શબ્દો એક સમયે કેટલી શાતા અને સાંત્વના આપવાનાં છે! પછી તો પન્ના નાયકની જ્યાંથી અને જેટલી મળી, એ બધી કવિતાઓ વાંચી અને ભરપૂર માણી. પણ ત્યારે એ બધી કવિતાઓ પોતીકી બની જશે અને એનો હું એક ભાગ બની જઈશ, એવા દિવસો પણ આવશે એવો તો જરાયે ખ્યાલ નહિ!

પણ જિંદગી એ એક અનન્ય વળાંક લીધો અને લગ્ન કરીને અમેરિકા આવવાનું થયું, અમેરિકાને નજીકથી જાણવાનું, શ્વસવાનું થયું. અને સમય રહેતાં, પન્નાબેનની કવિતાઓને હવે ખરા અર્થમાં સમજવાનું અને પામવાનું પણ થયું. આજે આવી જ પન્નાબેનની મારી ગમતી બે-ત્રણ ડાયસ્પોરિક કવિતાઓની વાત કરવી છે.

“આ મારું ઘર.
એમાં ઘણી હતી
અવરજવર,
દોડધામ.
ધીરે ધીરે ધીરે
બધા અદ્રશ્ય.
ઘર વચ્ચોવચ
હું સાવ એકલી…”

“આ ઘર
મેં બારીકાઈથી
ક્યારેય જોયું નહોતું.
હવે
મને દેખાઈ એની
ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ.
દીવાલનો રંગ
આટલો મેલો હતો પહેલાં ?
અને
દેખાતી ઝીણી ઝીણી તિરાડો
ત્યાં હતી ખરી ?
આ ઓરડાને
બારીબારણાં હતાં ?

હું અંદર આવેલી
એ બારણું ક્યાં છે ?”

આ કવિતા વાંચીને કાયમ સુન્ન થઇ જવાય છે. એક નોસ્ટાલ્જિયા ઘેરી વળે છે. પન્નાબેને આ કવિતામાં મૂળસોતા ઉખડેલી સ્ત્રીની વેદનાને સચોટ વાચા આપી છે.

પરણીને વિદેશ આવતી સ્ત્રી પોતાનો દેશ અને પિયર છોડીને આવે છે એમ વિચારીને કે મારું  પણ પોતાનું ઘર હશે, સુખી સંસાર હશે…પણ એવું થાય છે ખરું? ઘર અને સંસાર તો બને છે, પણ મન કેમ ભટક્યા કરે છે? શેનો અજંપો, ઝીણું દર્દ રહ્યા કરે છે? સુખી સંસાર હોવા છતાં  મૂળમાંથી ઉખડેલી સ્ત્રી શું શોધ્યા કરે છે? પોતાની જાતને, પોતાની ઓળખને? આ કવિતા વાંચ્યા પછી આ ધારદાર પ્રશ્નો મનનો પીછો નથી છોડતાં ….. એમ થાય છે કે પન્નાબેન મારા દિલોદિમાગમાં ઉતરીને કેવી રીતે મારી વ્યથા અને કથાને વાચા આપી શકતા હશે?

અને આ બીજી કવિતામાં પન્નાબેન એક આખી પેઢીની વેદના ને શબ્દો આપે છે.

“આપણને

જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા.
મને
હજીય ફિલાડેલ્ફીયામાં
સપનાં
ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબિ છે

અને
મારું સપનું નંદવાઈ જાય છે.”
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી?)

પન્નાબેન કહે છે એમ આપણા સપનાની ભાષા એ આપણી માતૃભાષા હોય છે જે આપણી ઓળખ પણ હોય છે. પણ શું એ ઓળખ આપણાં બાળકોની પણ રહે છે? વિદેશમાં જન્મેલા બાળકો જયારે પૂછે કે ગાંધીજી કોણ હતા ત્યારે આપણે વતન છોડીને શું મેળવ્યું અને ગુમાવ્યું એનો હિસાબ માંડવો પડે છે અને એમાં જે ગુમાવ્યું એનું પલડું ભરી જ રહે છે.

વિદેશી ભાષા બોલતા આપણા બાળક સાથે માત્ર આપણી ઓળખને જ કાટ નથી લાગતો જતો પણ આપણાં  સંસ્કાર, સંસ્કૃતિ સાથે ભાષા પણ ધીરે ધીરે મરી પરવારતી જાય છે અને લાચાર મા-બાપ, – આમ જુઓ તો એક આખી પેઢી લાચાર આંખે આ જોયા કરે છે…!! પન્નાબેન આ કવિતામાં એ સપનાની ભાષા ગુમાવી રહેલી પેઢીને આબાદ વ્યક્ત કરે છે…!!

પન્નાબેનની ડાયસ્પોરિક કવિતાઓ વાંચી ને કાયમ લાગ્યું છે કે કેવું સંવેદનશીલ હૃદય હશે એમનું કે દરેક પરિસ્થિતિ અને માનવીને ખાસ કરીને મૂળસોતાં ઉખડી ગયેલા માણસ, સ્ત્રીની વેદના ને વાચા આપી શકતા હશે!

થેંક્યુ પન્નાબેન. તમારી કવિતાઓ દ્વારા અમને ઓળખ આપવા બદલ ….!!

~ શિવાની દેસાઈ (અમેરિકા)

Leave a Reply to હરીશ દાસાણી.મુંબઈCancel reply

2 Comments

  1. પન્ના નાયક સ્વયં એક અનન્ય અને અલાયદું સૌંદર્ય છે! શિવાની કે મારા જેવા કંઈ કેટલાંય ચાહકો હશે ગુજરાતી વિશ્વમાં… પણ કવિ કે કવિતાને સમજવા એક વાત છે અને તેનું આગવું રસદર્શન કરવું એ અલગ બાબત છે. શિવાનીએ અહીં એના પોતાના સાહિત્યીક નિસ્બત અને ગદ્યલય સંસ્પર્શથી એક જુદું જ પરિમાણ ઉજાગર કર્યું. પન્ના નાયક અને શિવાની દેસાઈ…. its a fantastic cocktail!