|

એક ખિસકોલીનું વૃક્ષારોહણ……….! (લલિત નિબંધ) ~ ભાગ્યેશ જહા

કશું એમનેમ બનતું નથી. ત્યાં એક તારો ખરે છે તો અહીં એક ભાખરી દાઝે છે. આખું બ્રહ્માંડ એકબીજાથી જોડાયેલું છે. માણસ જોઈ ના શકે એવા થાંભલાઓ પર આકાશ લટક્યું છે, નરસિંહ કશુંક ‘ભાળી’ ગયો એટલે એણે ગાયું, ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે..’

હજી તો ઉનાળાના આવવાની ચિઠ્ઠી આવી નથી, વસંતના ગીતો ગાનારી કોયલનો કંઠ હજી આંગણાના કાનમાં ઉભરાણો નથી ત્યારે આ ક્ષિતિજ પર દેખાતા બોમ્બમારાથી કેવી રીતે છટકવું? કેવી રીતે નિર્દોષોને હણી નાખવાના રાવણહાકોટાને કાનની કોટડીમાં પેસવા જ ના દેવા? કોઈ શાળાને ખંડેર બનાવનાર બોમ્બર વિમાનના પાયલટ કે એના સેનાપતિને બહાદુર કહીશું કે કાયર!

હું વિસ્ફોટક વિશ્વની વાસંતી સવારે કો’ક અજાણ્યા પક્ષીની પ્રતીક્ષામાં બેઠો છું. બધા અવાજોને ભૂંસી નાંખવા માટે.. ! આવા સમયે, મિત્ર ડૉ. અમિત પટેલ કહે છે, ‘ચાલો, ઉદયપુર, હોટલ ‘અનંતા’!

હોટલ ‘અનંતા’

આ ‘અનંત’ શબ્દથી જ કાન સળવળી ઉઠ્યા. મન શ્લોક ગાઈ ઉઠ્યું, ‘સત્યં જ્ઞાનમનન્તં નિત્યં…!’.

પ્રસંગ લગ્નનો હતો, ડેસ્ટીનેશન વેડિંગ. દીકરીને અજાણ્યા ઘરે મોકલવા માટે અજાણ્યા પરિસરમાં જઈને કન્યાદાન દેવાનું. વિચાર નવો છે, લાગણીઓ જૂની છે.

મારા દાદાએ જે બીલીપત્ર શિવલિંગ પર ચઢાવેલું એવું જ બિલીપત્ર મારા હાથમાં છે, બધું નવું છે, જૂની છે શ્રદ્ધા, વારસામાં મળેલી અને દરેક પેઢીએ પોતાની બુદ્ધિ અને તર્કથી વિકસાવેલી. બિલીપત્રનો શ્લોક જ એ શાશ્વત ભાવનો વાહક છે, એના કાલજયી ધ્વનિની મઝા છે.

આવું જ કશુંક મનમાં ફરક્યું. ડેસ્ટીનેશન વેડિંગ, ફટાણાં અને લગ્નગીતો નહીં, પણ ડીજે અને ડાન્સ. કૉન્ટીનેન્ટલ નાસ્તો અને સુરવાલ-કુર્તાનો પરિવશ. એક નવી દુનિયામાં આવ્યો છું.

ઉદયપુર આમ તો ગુજરાતની  ભાગોળે આવ્યું છે પણ આ હોટલ ‘અનંતા’નો વૈભવ અલગ છે, એ પર્વતમાં કોતરાયેલી વસાહત જેવી છે. ફાઈવ સ્ટાર સ્વાગતકક્ષમાં ઊભેલી ડૉ. જાસ્મિન જે ચરોતરના પાટીદાર ઢોલ સાથે મહેમાનોને આવકારે એમાં નડિયાદ અને ખેડા અને કરમસદ અને હ્યુસ્ટનના મિશ્ર અવાજો ફરકે.

ઢોલ વાગે એટલે યુવાન હૈયાં નાચે એ તો લોહીનો લય અને સંબંધોની ફરફરતી ધજાના ગીત જ હોય પણ આ રાજસ્થાનનું નજરાણું કહી શકાય એવી ‘અનંતા”ના બારણાથી એક પ્રકારનો વાસંતી રોમાંચ દિલ-દિમાગનો કબજો લઈ લે છે.

છઠ્ઠી લેનમાં રૂમ હતો એટલે વારંવાર આવતી જતી ગાડીઓમાં જવા-આવવાનું હતું, વળાંકોમાંથી ચઢતી ઉતરતી, પીળા નંબરોનાં તિલક પહેરી લહેરાતી ગાડીઓ ઉત્સાહી જાનડીઓ જેવી લાગતી હતી. તો આ બધા રુમોની વીલાઓ પાછળ ઊભેલી અરવલ્લીની ટેકરીઓ સાફા બાંધેલા, સ્થિર અને છતાં મરક મરક હસતાં જાનૈયા અને માંડવાના મોભી જેવી લાગતી હતી.

હલચલ હતી અને ઢોલ હતા. નવા નક્કોર શબ્દોમાં સ્વાગતનો ઉમળકો હતો અને અઢળક હસતાં મિત્રોના ટોળામાં પડઘાતો પ્રેમ ચિરપરિચિત સ્નેહનો સરવાળાની જેમ ચમકતો હતો. ઉદયપુરનું આકાશ તારાઓથી ભરાયેલું હતું જાણે અનતં ચંદરવો. ઝીણી ઠંડીનું ઊતરી આવવું જાણે કે ભૂખવર્ધક કો’ક પીણાના સ્વાદ જેવું લાગતું હતું.

સવારનો સૂરજ પણ તેજસ્વી આકાશમાં આવી ચઢ્યો ત્યારે લાગ્યું કે આ ‘અનંતા’ તો કો’ક અનંત ગીતની પંક્તિ છે. બસ, આ વિચાર આવ્યો એટલે બધી લેન મારા માટે પંક્તિઓની હારબંધ અવતરેલી શબ્દાવલી લાગવા લાગી. વહેલી સવારથી જ પે’લા લીલાછમ્મ વૃક્ષોની આખી વસાહત કશુંક ગાતી હતી ત્યારે ‘અનંતા’ના વ્યવસ્થાપકોએ ઓમકારનો બ્રહ્મનાદ છેડ્યો. બધી શેરીઓ છલકાઈ ગઈ. હું બહાર નીકળીને એક ગાયત્રી મંત્ર બોલું એ પહેલાં તો આ ઓમકારના ધ્વનિએ મનને પકડી લીધું.

વૃક્ષો ગાતાં હતાં, દૂર દૂર નગરની અગાશીઓ અજવાળાથી જાગી ઊઠી હશે એવી કલ્પના કરું છું. કારણ, અમારા અડીખમ યજમાન જેવા પર્વતોએ તો ભાષાનો ચોકીપહેરો સંભાળી લીધેલો. ત્યાં મંગલાષ્ટકનો નાદ સંભળાતાં મેં વૃક્ષોની શેરીમાં ચાલવા માંડ્યું. ચીકુથી લથબથ ચીકુડીઓ ઝુકેલી હતી. આંબા અને આસોપાલવ કોઈ મોટી ઓરકેસ્ટ્રાના સાજિંદાઓ હોય એમ ઊભા હતા.

એક ખિસકોલી ‘ટીક ટીક… ‘કરતી કશુંક શોધી રહી હતી. કોણ હતી આ ખિસકોલી? હું કોઈને ના પૂછી શક્યો. એ કાળનું એક ક્રિયાપદ હતી કે રામના રામસેતુની કોઇ શ્રમિક..! ખબર નથી, પણ અરવલ્લીના હસ્તાક્ષર જેવી એ ખિસકોલી ઢોળાવમાં મળી અને હું ચાલતો હતો ને તે વારંવાર મળતી રહી. જાણે કે ઇશ્વરે કોક જીવને મારી સાથે વાત કરવા મોકલ્યો છે. મઝા આવી રહી છે.

હું રૂમના વરંડામાં પહોંચી ગયો છું અને બેસીને એમેન્યુઅલ કાન્ટ (Immanuel Kant)ના ‘ક્રીટીક ઑફ પ્રેક્ટીકલ રીઝન’ (Critique of Practical reason)ના એ વાક્યને મમળાવું છું….

“The starry sky above and the moral law within”… ત્યારે પેલી ખિસકોલી એના અદ્વિતીય ઉત્સાહથી એક વૃક્ષ પર ચઢી રહી છે. એના બે દાંતો વચ્ચેથી નીકળતો ‘ટીક ટીક’ અવાજ એ ચાવવાનો અવાજ નથી, એ ખોરાક જડ્યાનો અહ્લાદ નથી, એ સ્નેહ પામ્યાનો ઉદગાર નથી. કદાચ એ વૃક્ષારોહણની કવિતા છે.

હું એ ખિસકોલીને ‘અનંતા’ને બદલે અનંતની પ્રતિનિધિ તરીકે, એક લગ્નને કશાક બ્રહ્માંડના સંદર્ભમાં અને આ તીવ્ર લાગણીવાળા સંબંધોમાથી પ્રગટતા સંગીતને કોઇ ‘કૉસ્મિક આવર્તન’ સાથે સાંભળવા મથું છું.

ડાર્વિન જ્યારે દક્ષિણ અમેરિકાના નૈસર્ગિક સૌંદર્યમાં ડૂબી ગયેલો ત્યારે બોલી ઊઠેલો, “It is not possible to give an adequate idea of higher feelings of wonder, admiration, and devotion which fill and elevate the mind.”

.. ને, અચાનક થયું કે આ ‘અનંતા’ની ગલીઓ નથી કે નથી આ જાસ્મિન-અમિત પુત્રી અનુષ્કાનું લગ્ન, આ તો એક ખિસકોલીના વૃક્ષારોહણનો ઓચ્છવ છે. અહીં જ ક્યાંક એક વૃક્ષ બની ગયેલા ઋષિ પોકારી રહ્યા છે, “પશ્ય દેવસ્ય કાવ્યં મહિત્ત્વા, ન મમાર, ન જીર્યતે… (જો, આ દેવનું અનતં અને શાશ્વત કાવ્ય જો, જે નથી વૃદ્ધ થતું કે નથી મરી જતું) આ સમયના પરિઘ બહારની ઘટનાએ, આ ખિસકોલીના વૃક્ષારોહણે કાળ અને અવકાશનાં બધા વિભાજનોને વિચ્છેદી દીધાં. આ જ તો લગ્નનું કે જોડાવવાનું કે સંબંધનું કે જીવ-શિવનું અદ્વૈત છે.

ખિસકોલી હવે વૃક્ષ પર સ્થિર થઈને કશુંક ગાઈ રહી છે, એ એના વૃક્ષારોહણનું વિજયગીત જ હશેને!

~ ભાગ્યેશ જહા

Leave a Reply to ParbatkumarCancel reply

4 Comments

  1. પગલું માંડું હું અવકાશમાં નો ૬ઠ્ઠો ભાગ નથી આપ્યો. તો તે જરૂર મોકલશો.

  2. શ્રી. ભાગ્યેશ જહાને વાંચવા, સાંભળવા એ એક લ્હાવો છે. અદ્ભુત આલેખન. નિબંધ વાંચીને મનમાં ગીત ગુંજી ઊઠ્યું.