જસ્ટ એફ. વાય. આઈ (વાર્તા) ~ હિના મોદી (સુરત)

સાહિત્યપ્રેમી અને સંગીતપ્રેમી કૃષ્ણકાંતભાઈ કેલિફોર્નિયામાં પોતાના વિલાનાં બેકયાર્ડમાં ઈશ્વર પેટલીકરની વાર્તા લોહીની સગાઈ વાંચી રહ્યા હતા.

શાંત વાતાવરણ, હળવી પવનની લહેરખી અને રંગબેરંગી પુષ્પોની મલક મલક મહેંકથી તેમનું મન સંતત્વ અનુભવી રહ્યું હતું. મેપલનાં વૃક્ષ પર ટહુકતાં પંખીઓ તરફ એમનું ધ્યાન ખેંચાયું.  એક માતૃપંખી એનાં બાળપંખીને માળાનાં ઝરૂખામાંથી ડોકિયું બહાર કાઢી, એની પક્ષીત્વની ભાષામાં ઊંચેરા આભ વિષે અભ્યાસ કરાવી રહ્યું હશે એવું કૃષ્ણકાંતભાઈએ અનુમાન કર્યું.

તેઓ માનવીય પેરેન્ટીંગ અને પક્ષીય પેરેન્ટીંગ વિશે નિરીક્ષણ કરી સરખામણી કરી રહ્યા હતા અને પોતાની જાતને શીખવી રહ્યા હતા.  મા-બાપનું કામ સંતાનને અભ્યાસ કરાવવાનું છે, નહિ કે એમનાં આભનું માપન કરવાનું.  કૃષ્ણકાંતભાઈ સજીવ સૃષ્ટિનાં દરેક જાતિ-પ્રજાતિનાં માતા-પિતા અને સંતાનો વચ્ચેનાં હૂંફાળા સંબંધો મનોમન વાગોળી રહ્યા હતા. જાણે માતા-પિતા અને સંતાનોનાં ઋણાનુંબંધ સ્નેહનું સીટીસ્કેન તેમનાં હૃદયપટલ પરથી પસાર થઈ રહ્યું હતું. એમની આંખો સંબંધોના અહોભાવથી ભીની થઈ હતી. તે  સમયે જ એમના મોબાઈલની રીંગ રણકી…

“વ્હાલનો દરિયો છે તું
તું છલકતો જાય છે
લાગણી ઘેરાય છે ને
તું વરસતો જાય છે

તૂટી ને હું વિખરાઉં પણ
સપનાઓ તારા તૂટે નહીં
મારા શ્વાસ છૂટી જાય પણ
કદી સ્મિત તારુ છૂટે નહીં

પા પા પગલી તે કીધી, ઝાલીને મારો હાથ
જીવની ઢગલી મેં આખી, રાખી છે તારે કાજ”

રીંગ પૂરી થાય એ પહેલા જ કૃષ્ણકાંતભાઈને ટેલીપથી પરથી ખ્યાલ આવી ગયો કે દીકરા બિલ્વનો જ ફોન હશે. સાચ્ચે જ દીકરા બિલ્વનો ફોન હતો. એમનાં ગળે ડૂમો ભરાઈ આવ્યો કે “આ કેવા સ્નેહનાં તાંતણે જોડાયેલા હશે કે રીંગ પરથી પણ ખ્યાલ આવી જાય  કે મારા મોબાઈલમાં મારું જ લોહી ધસમસતી લાગણીઓ લઈ રણકી રહ્યું છે.

કૃષ્ણકાંતભાઈએ ફોન રીસીવ કર્યો.  સામેથી જાણે એકતારો સૂર વહેવડાવી રહ્યો હતો.  “હાય ડેડ! હાવ આર યુ? આર યુ ફ્રી ટુડે? હું ઘરે આવું છું. વીથ સમ વન સ્પેશીયલ.” ચૌદ વર્ષથી અભ્યાસ અર્થે દીકરો ઘરની બહાર ડોમમાં રહેતો હોય એના આગમનનાં સમાચારથી આનંદની છોળો ઉછળી રહી હતી.   

આમ તો, દીકરો વર્ષમાં એકાદ-બે વાર ઘરે આવતો હોય અને સાથે મિત્રમંડળને પણ લઈ આવતો હોય જ છે.  એટલે આ વખતે પણ કોઈને લઈ આવે એ વાત કંઈ નવી તો હતી જ નહિ. આમ છતાં, કૃષ્ણકાંતભાઈનું હૃદય ધડકી રહ્યું હતું.    

તેમની સિકસ્થ સેન્સ કહી રહી હતી, “બિલ્વ આ વખતે ગૃહલક્ષ્મીને લઈને આવશે કે શું? મને તો એવાં જ ઇન્ટયુઝન આવી રહ્યા છે.” ગૃહલક્ષ્મીનાં વિચાર માત્રથી એમનાં રગેરગમાં લખલખું પ્રસરી ગયું.  શરીરમાં એક અનેરો ઉત્સાહ અને જોમ વ્યાપી ગયા. એમણે ઘરમાં અસ્તવ્યસ્ત પડેલ વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવી દીધી. સુરતથી લઈ ગયેલ અને ફ્રોઝન કરેલ સમોસા એર ફ્રાયરમાં મૂકી દીધા. કોફી વિથ ચોકલેટની તૈયારી પણ શરુ કરી દીધી. ઘરમાં ફ્લુટની ટયુન ચાલુ કરી, મેઈન ડોર ખોલી સોફા પર બેસી ગયા. પોતાની અધીરાઈથી તેઓ મનોમન સંકોચ અનુભવી રહ્યા હતા, પણ લાગણીઓ કાબુ કરી શકતા નહોતા.    

બિલ્વ  એક રૂપકડી શ્યામવર્ણ છોકરીને લઈને ઘરમાં દાખલ થયો. બિલ્વએ કૃષ્ણકાંતભાઈને નમીને આશીર્વાદ લીધા. એ રૂપકડી શ્યામવર્ણી મધુર હાસ્ય રેલાવતી  છોકરીએ કૃષ્ણકાંતભાઈને ‘હેલો અંકલ’ કહીને હગ કર્યું. ‘હેલો અંકલ’ના ટહુકાથી કૃષ્ણકાંતભાઈનું સૂનું હ્રદય વૃંદાવનની જેમ ગુંજી ઊઠ્યું. એની શ્યામવર્ણી કાયા ક્રિષ્નાની છાયા હોય એવું કૃષ્ણકાંતભાઈને અનુભવાયું. કૃષ્ણકાંતભાઈએ મનોમન પ્રાર્થના કરી, “હે કાળિયા ઠાકર! હું જે વિચારી રહ્યો છું એ સાચું ઠરે.”

કૃષ્ણકાંતભાઈએ સમોસા અને કોલ્ડ કૉફી બંનેને સર્વ કર્યા. બંને ભૂખ્યા હતાં આથી રીતસરના ઝાપટવા માંડ્યા. કૃષ્ણકાંતભાઈએ પૂછ્યું, “વોટ્સ યોર ગુડ નેમ બચ્ચા?”  અણિયાળી મનોહર આંખો પલકારતી રણકતાં અવાજે એ બોલી “હેપી”. એનાં સુરોની સરગમથી ભર્યા ભર્યા અવાજે આખું ઘર ‘હેપી’ ‘હેપી’ થઈ ગયું. “બચ્ચા! ફર્સ્ટ ટાઇમ ‘હેપી ‘ નામ સાંભળ્યું. બટ વેરી નાઇસ નેઈમ. આઇ ફિલ હેપી હેપી.”

હેપીએ આંખોના ઇશારાથી બિલ્વને કહ્યું, “બિલ્વ! સે યોર ફાધર અબાઉટ અવર રીલેશનશીપ.” બિલ્વએ કૉફીનો મગ હાથમાં લેતા કહ્યું, “કુલ બેબી કુલ. કમ્પલીટ સ્નેક્સ એટ ફસ્ટૅ.” કૃષ્ણકાંતભાઈ મરક મરક  થતા હતા. એમને શુભનાં અણસાર સંભળાઈ રહ્યા હતા.

બિલ્વએ કહ્યું, “ડેડ! જસ્ટ એફ. વાય. આઈ.” કૃષ્ણકાંતભાઈની અધીરાઈ ઘટતી જતી હતી.  એમણે કહ્યું, “બોલ બેટા”.  બિલ્વએ કહ્યું “ડેડ! આઇ વોન્ટ ટુ મેરી વીથ હર.” કૃષ્ણકાંતભાઈ રાજીનાં રેડ થઈ ગયા અને બોલ્યા, “ધેટસ ગ્રેટ.”

 યુ નો? મમ્મી ઇન્ડિયા ગઈ છે. એ ઘરમાં હાજર હોત તો વહુને વિધિસર ઘરમાં પગલાં પડાવ્યા હોત. બિલ્વએ કહ્યું, “ઈટ્સ ઓકે ડેડ. બટ આઈ એમ સ્યોર એ ખુબ જ ખુશ થઇ જશે.”

હેપીનું  ફ્લુઅન્ટ ઇંગ્લીશ કૃષ્ણકાંતભાઈ સમજી શકતા નહોતા કે નહિ તો કૃષ્ણકાંતભાઈનું ભાંગ્યુંતૂંટ્યું ઇંગ્લીશ હેપી સમજી શકતી હતી. આથી બિલ્વ એ બંનેની વચ્ચે ટ્રાન્સલેટર બન્યો.  કૃષ્ણકાંતભાઈએ કહ્યું, “હમણાં ઇન્ડિયામાં અમારા ગુજરાતીઓમાં બહુ લગ્ન  ગોઠવતાં હોય છે.  માગશર મહિનો એટલે લગ્નસરાનો મહિનો કહેવાય. વળી, ડિસેમ્બર મહિનામાં ત્યાં શિયાળો હોય એટલે એનઆરઆઇને માફક હોય. ગયા વર્ષે કોવિડ પેન્ડેમિકનાં કારણે ઘણાં લગ્નો મોકૂફ રહ્યા હતા. અમારાં સગાસંબંધી અને મિત્રમંડળમાં લગભગ પાંચ જેટલા લગ્નો છે. સાક્ષીની ચોઈસ અમારા વર્તુળમાં બધાને વધારે ગમે. એટલે શોપિંગમાં મદદ મળી રહે એ હેતુથી સાક્ષીને વહેલી બોલાવી લીધી. હું નેક્સ્ટ વિકમાં જઈશ.”

હેપીને વાતોમાં રસ પડ્યો એવું કૃષ્ણકાંતભાઈએ નોંધ્યું પછી તો કૃષ્ણકાંતભાઈ અને હેપી વાતે ચડ્યા. જ્યાં ગાડું અટકે ત્યાં બિલ્વ બંનેને સમજાવી દે. પણ ખૂબ ટૂંકા સમયમાં કૃષ્ણકાંતભાઈ અને હેપી બંને એકબીજાની વાતનો સાર સમજતા થઇ ગયા. ત્રણેય વાતોની વણઝારે ચડ્યા હતા.

એ જ સમયે કૃષ્ણકાંતભાઈના પરમ મિત્ર ચંદ્રમોહનભાઈનો ઇન્ડિયાથી ફોન આવ્યો.  કૃષ્ણકાંતભાઈએ કહ્યું, “જો ચંદ્ર! આપણો બિલ્વ ઘરે આવ્યો છે. પણ એકલો નહીં સજોડે.”

મજાકિયા ચંદ્રમોહનભાઈ બોલ્યા, “તો જોડા તો પહેર્યા જ હોય ને હા… હા..” કૃષ્ણકાંતભાઈએ ચંદ્રમોહનભાઈને માંડીને વાત કરી. ચંદ્રમોહનભાઈ કૃષ્ણકાંતભાઈ ઉપર બગડ્યા, “કૃષ્ણ! તું સાવ ભોળો જ રહ્યો. લગ્ન જેવી બાબત! એ નાનીસૂની વાત નથી.  છોકરાઓ જિંદગીની ગંભીરતા સમજવા માટે નાદાન હોય. આવાં નિર્ણયો આપણે વડીલોએ જ લેવાના હોય. અને વળી, તું શું બોલ્યો? ‘જસ્ટ એફ. વાય…’ એ વળી શું તિકડમ છે?

કૃષ્ણકાંતભાઈએ કહ્યું, ‘જસ્ટ એફ. વાય.આઈ – મતલબ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન.’

ચંદ્રમોહનભાઈ અકળાયા, “કૃષ્ણકાંત! તારી બુદ્ધિ બહેર મારી ગઈ છે કે શું? તને પૂછ્યું સુદ્ધા પણ નહીં. સીધી જાણ કરી અને તું હરખપદુડો થઈ ગયો? તમારા જેવા આવા કહેવાતા સુધારેલા લોકોને કારણે જ સમાજ બગડે છે અને સંસ્કૃતિ ખાળે જાય છે.”

કૃષ્ણકાંતભાઈએ શાંત મગજે કહ્યું, “જો ચંદ્ર! જેવું વાવ્યું હોય એવું જ ઊગે. મને મારા સંસ્કાર પર શ્રદ્ધા છે. એ સ્ટેટ વેલ નોન ડોક્ટર છે. હેન્ડ અને માઇક્રોવાસ્ક્યુલર સર્જરી, રી-કન્સટ્રકટીવ એન્ડ રી-ઇમ્પ્લાન્ટેશન સર્જરી માટે બીજા સ્ટેટ પણ એને બોલાવે છે. એ ચૌદ  વર્ષથી ડોમ્સમાં રહ્યો છે. એણે મારા કરતાં વધારે જિંદગી જોઈએ છે, જાણી છે. એટલે શંકાને કોઈ સ્થાન નથી. એનાં દરેક ડિસિઝન પર મને ગર્વ હંમેશા રહ્યો છે.”  

ચંદ્રમોહન બોલ્યા, “જો કૃષ્ણ! મારી ફરજ પૂરી કરી. જરા વધારે ભણી લે એટલે શું જિંદગી ગણતા પણ આવડી જાય! આ તારો ભ્રમ છે. છોકરાઓને આટલી છૂટ ન અપાય. આટલું ભણેલા છોકરા માટે તો છોકરીઓની લાઈન લાગી જાય. અને ઈજ્જતથી વાજા વગાડીને વહુ લવાય.”

કૃષ્ણકાંતભાઇએ કહ્યું, “જેમ કળીમાંથી ફૂલ ખીલે એ જોઈ શકીએ, પણ એની એક-એક પાંખડીને વિકસતાં જોઈ નથી શકતા એમ આપણા બાળકો પણ પાંખડીએ–પાંખડીએ  વિકસ્યા હોય છે. આપણે ફક્ત એમનાં પર વિશ્વાસ રાખવાનો હોય, સુગંધ આપોઆપ મળી જ રહે.  ચંદ્રમોહન ફરી બોલ્યા, “એ કોંકણી છોકરી, આપણે ગુજરાતી. એની રીતભાત, ખાવા-પીવાનું બધું અલગ. તો શું આ ઉંમરે આપણે સેટ થવાનું? વળી કોંકણી છે તો નોનવેજ પણ ખાતી જ હશે. અરે! આ તમે શું કરી બેઠા. હજી મોડું નથી થયું. તું ના કહી દે. ભલેને મૂળ અને કુળ ભારતીય, પણ બોર્ન એન્ડ બ્રોટઅપ તો અમેરિકન જ ને! વળી એમાં પણ કોંકણી.  કૃષ્ણકાંતભાઈએ સમજણપૂર્વક કહ્યું, “જો ચંદ્ર! એની રીતભાત અને ખાણીપીણી સાથે મારે શું મતલબ? શું ખાવું? કેવું રહેવું? એ એની મરજી છે. એની જિંદગીની એ માલિકણ છે. મારે વચ્ચે શું કામ ડાંફા મારવા? મારું જીવન મને મુબારક.”

“હા! ફક્ત મને એક જ આશા છે કે ‘ન કરે નારાયણ’ને ઉંમરથી અસરગ્રસ્ત થઈ કોઈ શારીરિક કે માનસિક તકલીફો ઊભી થાય ત્યારે મને મોરલ સપોર્ટ મળી રહે બાકી હરિઇચ્છા. આપણાં બા૫-દાદાને હિંચકા પર આપણી મા-દાદી હાથમાં ચા આપવા જતાં. આપણે હવે પોતાની પત્નીને મદદ કરતાં થયા છીએ. આપણું પરિવર્તન જેમ આપણા બાપ-દાદાએ સ્વીકાર્યું એમ હવેની નવી પેઢીનું પરિવર્તન આપણે સ્વીકારવું જ રહ્યું. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે પણ કહ્યું છે: પરિવર્તન હી  સંસારકા નિયમ હૈ”.

કિચનમાંથી સોજીનાં શીરાની સોડમ લિવિંગ રૂમ સુધી આવી રહી હતી. કૃષ્ણકાંતભાઈ ચંદ્રમોહનભાઈને ગુડબાય કહી કિચનમાં ગયા. બિલ્વ  અને હેપી હમણાં ઘરમાં ડોક્ટર ન હતા.  ઘરમાં એક કેરિંગ દીકરા-વહુની ભૂમિકા સજોડે નિભાવી રહ્યા હતા. હેપી ભાંગ્યુંતૂંટ્યું ગુજરાતી બોલી, “ડેડ! બિલ્વએ મને કહ્યું હતું તમને સોજીનો શીરો બહુ ભાવે છે પણ તમે પ્રિડાયાબિટીક હોઈ સાક્ષીમોમ તમને ખાવા નથી દેતા પણ, ડેડ મેં શુગરની જગ્યાએ બનાના મેશ કરીને શીરામાં ઉમેર્યા જેથી નેચરલ શુગર વધુ હાર્મ નહિ કરે. ક્યારેક થોડું ખાઈ લેવાય.”

કૃષ્ણકાંતભાઈને શીરા અને હેપી બંનેનો ટેસ્ટ ભાવી ગયો. એમણે પત્ની સાક્ષીને ફોન જોડ્યો, “જસ્ટ એફ.વાય.આઈ. આપણા ઘરે વહુ આવી ગઈ છે.” સાક્ષીએ ઉમળકાભેર જવાબ આપ્યો, “જસ્ટ એફ.વાય.આઈ. એ મન અને સંસ્કારથી પણ ખૂબ જ સુંદર હશે જ. કારણકે મને મારા દીકરાના સંસ્કાર પર અને મારી માવજત અને કેળવણી પર ભરોસો છે.” સાક્ષીએ ઇન્ડિયામાં બધા સગાસંબંધીઓને પાર્ટી આપી કહ્યું, “જસ્ટ એફ. વાય.આઈ. મારા દીકરા બિલ્વને એની જીવનસાથી મળી ગઈ છે.”

વડીલોએ ટોકતાં કહ્યું “સાક્ષી! જોયા, પારખ્યાં વિના તે હા કહી દીધી?” સાક્ષીએ જવાબ આપ્યો, “લગ્ન બે વ્યક્તિના મનમેળની વાત છે. એ બે વ્યક્તિનાં નિર્ણય પર આપણને ભરોસો હોવો જોઈએ એવું મારું દ્રઢપણે માનવું છે. નહિ કે આપણું માલિકીપણું કે વડીલપણું એમના પર થોપવાનું હોય. જસ્ટ એફ.વાય. આઈ.”
***

લેખિકા
હિના મોદી (સુરત)

Leave a Reply to pragnajuCancel reply

2 Comments