તેરી ઝીલ સી ગહેરી આંખો મેં ~ (સત્યઘટના) ~ જયશ્રી વિનુ મરચંટ ~ કટારઃ જિંદગી ગુલઝાર હૈ

(સત્યઘટના પર આધારિત – ગોપનીયતા જાળવવા પાત્રોના નામ, સ્થળ, સમય અને ઘટનાક્રમમાં યથોચિત ફેરફાર કરવામાં આવ્યાં છે.)

૨૦૦૩, ડિસેમ્બરમાં મારા પિતાજીને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા એવા ખબર મળતાં જ હું પહેલી અવેલેબલ ફ્લાઈટ લઈને મુંબઈ પહોંચી હતી. ભાઈ-પિતાજી દસેક દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા. ભાઈ ઘરે આવી ગયા અને તબિયત પણ સુધારા પર આવવા માંડી હતી. ઘરમાં સહુની હોસ્પિટલની દોડાદોડી પણ ઓછી થઈ હતી. ચાર દિવસ પછી હું અમેરિકા આવવા નીકળવાની હતી. આ વખત દરમિયાન, હું ભાઈ-ભાભીને ઘરમાં મદદરૂપ થવાની કોશિશ કરતી હતી. એક દિવસ સાંજના મેં ભાભીને કહ્યું; “હું ફ્રુટ અને શાકભાજી લઈ આવીશ. તમે થોડો આરામ કરો.” 

ભાભી બોલ્યાં, “આપણા ટાઉનની શાક માર્કેટ હવે ખૂબ બદલાઈ ગઈ છે. તમને ફાવશે?”

મેં જવાબ આપ્યો; “ચિંતા ન કરો. બિલકુલ ફાવશે.”

અને હું શાકભાજી લેવા નીકળી. હું નાની હતી ત્યારે માની સાથે શાક લેવા જવાનું મને ખૂબ ગમતું. મુંબઈના નાનકડા સબર્બ મલાડમાં તે સમયે શાકભાજી લેવા જવું, એ એક જાતની સાંજની સેર હતી. મા કાયમ કાનજીભાઈ પાસેથી જ શાકભાજી અને ફ્રુટની ખરીદી કરતાં. મને વિચાર આવ્યો, ભાભીને પૂછી લેવા જેવું હતું કે શું કાનજીકાકાનો એ બાંકડો હજીયે છે?

કાનજીભાઈનો દીકરો મોહન મારી સાથે દસમા ધોરણ સુધી તો હતો પણ પછી એ પણ કાનજીભાઈની દુકાને બેસી ગયો હતો. લગ્ન પછી અમેરિકા આવવાની હતી ત્યારે છેલ્લે હું મા સાથે શાકભાજી લેવા ગઈ હતી. એ વખતે કાનજીભાઈને મેં મોહન વિષે પૂછ્યું હતું તો એમણે કહ્યું કે મોહને મુંબઈ શહેરની મોટી માર્કેટમાં, શાકભાજી અને ફ્રુટનો હોલસેલ વેપાર કરવાનું ત્યારે જ શરૂ કર્યું હતું. મોહન બહુ જ મહેનતુ છોકરો હતો. મને વિચાર આવ્યો, શું કરતો હશે મોહન હવે?

હું બજારમાં ગઈ પણ મને કાનજીભાઈની એ જાણીતી દુકાન ન મળી. હવે શાકભાજીવાળા એક વિશાળ, છાપરું બાંધેલી, અનેક લેનવાળી, નિશ્ચિત જગા પર દુકાનના લાયસન્સ લઈને બેસતાં હતાં. મને પહેલીવાર લાગ્યું કે વર્ષોના વ્હાણાં વાતાં જાણીતી જગાઓ પર અજાણ્યાપણની ધૂળ બાઝી ગઈ છે.

હું ક્યાંથી શાકભાજી લઉં એ નક્કી કરતાં બધે આમતેમ જોતી હતી. હું ઊભી રહી અને સહેજ ઉંમરલાયક લાગતાં એક ભાઈની દુકાનેથી શાકભાજી અને ફ્રુટ લીધાં. મારાથી અનાયાસે એમને પૂછાઈ જવાયું, “ભાઈ, ઘણાં વર્ષો પહેલાં કાનજીભાઈ અને એમનો દીકરો મોહન અહીં શાકભાજી વેચતા. તમને એમના વિષે કશી ખબર છે?”

“હા, હવે તો કાનજીભાઈ નથી રહ્યા પણ એમના દીકરા મોહને હવે રેડીમેડ કપડાની દુકાન કરી છે. આ લેનમાંથી જેવા બહાર નીકળશો અને ડાબી બાજુ મેઈન રોડ પર વળશો કે તરત જ પહેલી દુકાન “દિવ્યા ગારમેન્ટ” કાનજીભાઈના દીકરા મોહનની છે.”

અને હું બે-ત્રણ મિનિટમાં જ મોહનની દુકાન પર પહોંચી ગઈ. 

હું અંદર ગઈ. ગલ્લા પર લગભગ ૨૩-૨૫ વર્ષની લાગતી કોઈ યુવતી બેઠી હતી અને દુકાનમાં કાઉન્ટર પાછળ ચારેક સેલ્સમેન, ગ્રાહકો સાથે વ્યસ્ત હતા. મેં ગલ્લા પર બેઠેલી એ યુવતીને પૂછ્યું; “મારે મી. મોહન પટેલને મળવું છે. તેઓ અહીં દેખાતા નથી તો ક્યારે આવશે એ જણાવી શકશો? હું એ સમયે પાછી આવી જઈશ.” 

એ યુવતીએ મને હિંદીમાં પૂછ્યું; “આપ કોણ?”

“મારું નામ જયશ્રી મરચંટ, સોરી, જયશ્રી કાપડિયા છે. હું અને મોહન સાથે ભણતાં હતાં”

“બેસો. હું હમણાં જ બોલાવી આપું છું.” મને હિંદીમાં જ જવાબ આપતાં એણે ફોન જોડ્યો.

હું સામી દિવાલ પાસે મૂકેલી ખુરશી પર બેઠી અને એટલામાં જ મેં કાઉન્ટર પાછળનું બારણું ખૂલતાં જોયું અને ધેર હી વોઝ. મોહનના મોઢા પર આશ્ચર્ય અને આનંદ સંમિશ્રિત ભાવ હતાં.

“અરે, તમે ક્યારે આવ્યાં?” એ કાઉન્ટર પરની ડાબી બાજુ પર આવેલો દરવાજો ખોલીને મારી ખુરસી પાસે આવ્યો.

“હું ‘તમે’ ક્યારથી થઈ ગઈ? હું તો તને ‘તું ‘ જ કહીશ. મોહન.” 

એણે હાથ જોડીને હસીને કહ્યું, “ચાલ અંદર આવ. તારી ભાભી મંદિરે ગઈ છે અને પાંચેક મિનિટમાં તો આવી જવી જોઈએ.” અને અમે દુકાનની પાછળના ભાગમાં આવેલા ઓસરીવાળા એક રૂમમાં ગયા. ત્યાં સોફા પર બેઠાં.

મોહને પૂછ્યું, “તારી ભાભી હમણાં જ આવવી જોઈએ. પણ એ કહે, તું ક્યારે આવી? આપણા ક્લાસના કોઈ ફ્રેન્ડને મળી કે નહીં? હજુ કેટલા દિવસ છે? ડિનર માટે ઘરે આવવાનું રાખ. આપણે અહીં માર્વે રોડ પર જ ઘર છે.”

મેં એને આવવાનું કારણ કહ્યું અને પછી કહ્યું કે આ વખતે તો નહીં, પણ ભવિષ્યમાં નકી આવીશ. 

એણે મારા પરિવાર વિષે અને મારા પતિ વિનુ વિષે પૂછ્યું. અને હું અમેરિકામાં શું કરું છું વગેરે વાતો કરી.

મેં મોહનને પૂછ્યું, “તારે કેટલા બાળકો છે અને તેઓ શું કરે છે, મોહન? આઈ સી કે તેં કાનજીકાકાનું કામ બંધ કરીને આ નવું કામ લીધું છે.”

“બાળકોમાં તો એક જ દીકરો છે. એનું નામ સંજય. એને ચાર વર્ષનો મૂકીને મારી પહેલી પત્ની ગુજરી ગઈ હતી. પછી મેં બીજા લગ્ન કર્યાં, પણ બીજું બાળક નથી. મારી નવી જીવનસંગિનીએ જ મારા એ દીકરાને ખૂબ જતનથી મોટો કર્યો છે.” હવે એની આંખ ભરાઈ આવી હતી.

“બરાબર તો છે ને બધું? તારો સંજય સારો છે ને?”

મોહન હવે સ્વસ્થ થઈને એક નિશ્વાસ સાથે બોલ્યો; “શું કહું તને? જરાક લાંબી વાત છે.”

મેં માત્ર એટલું જ કહ્યું; “સોરી, તને તકલીફ પહોંચાડવાનો ઈરાદો નહોતો. તને જરા જેટલો પણ ત્રાસ થતો હોય તો મને કશું નથી જાણવું. તને આટલા બધાં વર્ષે મળી એનો ખૂબ આનંદ છે, બસ.”

“એવી વાત નથી જયુ… અને તારી પાસે વાત કરવામાં પણ મને કોઈ વાંધો નથી. મારા દીકરાને તે શું થવાનું હતું? એ તો મોજ કરે છે. મારી જેમ એ પણ માંડ દસમી સુધી ભણ્યો અને ૧૫-૧૬ વર્ષનો થયો ત્યારથી મારી સાથે ધંધે લાગી ગયો. મારો ફ્રુટ્સ અને વેજિટેબલનો હોલસેલનો ધંધો તો સંજયે સરસ ચલાવ્યો. એટલું જ નહીં, એણે આ બધું એક્સપોર્ટ કરવાનું ચાલુ કર્યું. સાઉથ મુંબઈમાં સંજયે સરસ ફ્લેટ પણ લઈ લીધો. આટલો બધો પ્રોગ્રેસ એણે માત્ર ૨૨-૨૩ વર્ષનો હતો ત્યાં સુધીમાં કરી લીધો.

એક વખત એ કોન્ટ્રેક્ટ ફાર્મિંગના કામે પંજાબ ગયો હતો. ત્યાં એક ખેતરમાં કામ કરતી અનાથ પંજાબી છોકરી ઝીલના પ્રેમમાં પડ્યો. અમારી ઈચ્છા વિરુદ્ધ એણે એ છોકરી સાથે ભાગીને લગ્ન કર્યાં. આ બધું માંડ હજી થાળે પડ્યું હતું. મેં અને એની માએ પણ એના લગન સ્વીકારી લીધાં, પણ અમે અમારા માર્વેના ફ્લેટમાં રહેવા જતાં રહ્યાં હતાં. સંજય હવે ભાગ્યે જ અમને મળવા અમારા ઘરે આવતો.  હું તો ઓફિસે જતો હતો તો એને મળવાનું થઈ જતું, પણ એની મા અહીં દીકરાને જોવા હિજરાતી.

સંજયની નાની ઉંમર અને અધધધ દોલત..! છતાં બધું ઠીકઠાક ચાલતું હતું. એવામાં અમે દાદા-દાદી બનવાના છીએ એવા ખબર મળતાં જ, પાછળની ફરિયાદો પાછળ જ છૂટી ગઈ ને અમારા ઘરમાં ખુશી છવાઈ ગઈ. પણ એ કેટલી ટૂંકી હતી, એની ત્યારે ક્યાં ખબર હતી?

ઝીલ – મારી ડૉટર ઈન લોએ એક બાળકીને જન્મ આપ્યો. એનું સરસ મજાનું નામ પાડ્યું – દિવ્યા. એના જન્મ પછી એક વર્ષમાં જ, મારા એ કપૂતે, ઝીલ અને દિવ્યાને ઘરમાંથી કાઢી મૂક્યાં. મારો સંજય… ના ના… મારો કહેવાનું મન નથી હવે. લાટસાહેબ સાઉથ મુંબઈના પૈસાદારો વચ્ચે મોટી ગાડીઓમાં અને ક્લબોમાં ફરતો રહે. એક વખત ખેતરમાં મજૂરી કરનારી પંજાબી છોકરી ઝીલને અને વિશેષ તો એમની દીકરી દિવ્યાને લીધે એને સોસાયટીમાં હરવા-ફરવામાં શરમ આવવા માંડી હતી. ઝીલ બિચારી ક્યાં જાય? એ રડતી રડતી અમારા ઘરે દિવ્યાને લઈને આવી.”

મોહન શ્વાસ ખાવા થોભ્યો. પછી કહે, “અમે અમારા દીકરા સાથે બધાં જ સંબંધો તોડી નાખ્યા છે. અમને તો શરમ આવે છે કે અમારો દીકરો નઠારો નીકળ્યો.”   

હું પણ જરા મૂંઝવણમાં પડી અને શું બોલવું એ સમજાયું નહીં. 

એટલામાં જ પાછલી ઓસરીમાંથી મોહનની પત્ની સ્ટ્રોલર (બાબાગાડી) લઈને રૂમમાં આવી. મોહને મારી ઓળખાણ કરાવી. એટલામાં સ્ટ્રોલરમાં સૂતેલી બાળકી જાગીને અંદર બેસી ગઈ. બહુ વ્હાલથી મોહનની પત્નીએ એને પોતાના હાથમાં ઊંચકી લીધી. “આ છે દિવ્યા, અમારી પૌત્રી. અમારી લક્ષ્મી. જે પણ બધું છે તે અમારી આ દીકરીને કારણે જ છે. આજે એ ચાર વર્ષની થઈ, તો હું એને મહાદેવના મંદિરે લઈ ગઈ હતી.” 

મેં એને ઊંચકવા માટે હાથ લાંબા કર્યાં પણ એણે ગભરાઈને એની દાદીના છેડામાં મોઢું છુપાવ્યું અને એમના ગળે જોરથી વીંટળાઈ ગઈ. 

મોહને કહ્યું; “સોરી જયુ, દિવ્યા ઑટિસ્ટિક છે. એને અજાણ્યાની ખૂબ બીક લાગે છે.”

હું અંદરથી ચોંકી ગઈ, પણ મોહને ખૂબ સહજતાથી કહ્યું હતું. આથી આ ચમકારો હું કન્ટ્રોલ કરી શકી.

હું બોલી, “આઈ અંડરસ્ટેન્ડ. એપોલોજીની કોઈ જરૂર નથી. તારી ડોટર ઈન લો બહાર ગઈ છે?”

મોહન ખૂબ જ સરળતાથી બોલ્યો, “અરે ના, ગલ્લા પર બેઠી હતી તે જ તો મારી ડોટર ઈન લો છે. ઝીલ.”

હું સાંભળતી જ રહી ગઈ. હવે મેં શાકની થેલી હાથમાં લીધી, મોહનની પત્નીની રજા લીધી અને દિવ્યાને ફ્લાઈંગ કિસ આપી. 

મોહનની પત્ની ખૂબ જ ઉંમગથી બોલી, “માફ કરજો જયુબેન, દિવ્યાને બહાર કસ્ટમરો વચ્ચે હજુ નથી લઈ જતાં. પણ હવે અમે એને ખાસ આવા બાળકોની સ્કૂલમાં મૂકી છે. તમે જ્યારે અમેરિકાથી ફરી પાછાં આવશો ત્યારે દિવ્યા તમારી સાથે જરૂર બોલશે અને રમશે. ખરું ને દિવ્યા?” દિવ્યાએ હજુ દાદીના ગળે બેઉ હાથ વીંટાળીને રાખ્યા હતાં.

મોહન બોલ્યો; “ચાલ, તને દિવ્યાની માની ઓળખાણ કરાવું.” પછી દિવ્યા તરફ ફરીને બોલ્યો, “દિવ્યા, દાદીને હેરાન ન કરતી. બેટા. દાદા આમ ગયા અને આમ પાછાં આવ્યા. ઓકે?” અને દિવ્યાના માથે હાથ ફેરવ્યો.

મારી હાજરી હોવાથી દિવ્યા પાછળ ફરીને જોવા જ નહોતી માંગતી. મોહનની પત્નીને નમસ્કાર હું મોહનની પાછળ ગઈ. દુકાનમાં મોહને મને ઝીલની ઓળખાણ કરાવી. 

મોહને ખૂબ ગર્વથી કહ્યું; “આ મારી વહુ. ઝીલ. હવે પ્રાઈવેટ ટ્યુશન લઈને અંગ્રેજી અને એકાઉન્ટીંગ પણ શીખી રહી છે. મારી આખી દુકાન બે-ચાર વર્ષમાં મારી દીકરી ઝીલ ચલાવતી થશે ત્યારે દિવ્યાનો આ દાદા ને દાદી પૂરેપૂરા રિટાયર્ડ થઈશું. દિવ્યાએ જ અમને ત્રણેયને અમારી આ નવી ઓળખાણ આપી છે. ”  

જતાં જતાં ઝીલના હાથમાં દિવ્યા માટે શુકનના પૈસા આપતાં કહ્યું; “બેટા, મને ના ન પાડતી. આ તો બ્લેસીંગ્સ છે. બિસાઈડ્સ, આજનો દિવસ સાચે જ યાદગાર છે. આજે મને દિવ્યાની, દિવ્યાની મમ્મીની અને દિવ્યાના દાદા-દાદીની ઓળખાણ થઈ છે. તે હું જિંદગીભર નહીં ભૂલું.“ 

જતાં જતાં મેં ઝીલને મારી કીકીઓમાં સમાવી. યુવાનીમાં એકલપેટી થઈ ગયેલી એની જિંદગી જ દિવ્યાનો સાચો સહારો હતો એ સમજી શકી. હું બધું જાણી ગઈ છું એનો ખ્યાલ એને આવી ગયો હતો. એટલે કદાચ એની આંખો થોડી વિચલિત લાગી, પણ એ આંખો વિવશ નહોતી. અનાથ તરીકે ઉછરવાનો અને સંસાર માંડીને પણ તારતાર થયાનો ઓછાયો દિવ્યા ઉપર ન પડે એનો અણસાર એના ચહેરા પર સ્પષ્ટ વંચાતો હતો.

હું દુકાનમાંથી બહાર નીકળી. બાજુમાં જ પાનની દુકાન પર રેડિયોમાંથી ગીત રેલાઈ રહ્યું હતું, ‘તેરી ઝીલ સી ગહેરી આંખો મેં….’

~ જયશ્રી વિનુ મરચંટ

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. બહુજ સુંદર અને ભાવ વિભોર કરતી વાત આપવા માટે આભાર.

  2. કેવી અટપટી છે આ જિંદગી. નાનકડી ઘટનાનો સરસ ચિતાર .