|

મુક્તક અને ગ્રામ્યગઝલ ~ પિનાકીન ઠાકર (મુંબઈ)

૧. મુક્તક 
ગામનો સીમાડો ને વહેતી સરિત હો,
વૃક્ષોની ડાળ પર પંખીનું ગીત હો;
મંદ મંદ સુરભીથી લહેરાતાં ખેતરો,
નશ્વર આ વિશ્વમાં ઇશ્વર પ્રતીત હો!

૨. ગ્રામ્યગઝલ 
શહેર છોડું, ગામડાનો સે’જ અણસારો મળે;
ફૂંકણી, ચૂલો, ઉનમણું, વાંસનો ભારો મળે…

સ્વચ્છતાથી કેટલો હું તંગ આવી ગ્યો ભલા,
છાણ, વાસીદું, તગારું, ચીકણો ગારો મળે…

ભીડ કેવી કારમી કે ચીસ પણ ફાટી પડે,
કોતરો વગડા વચાળે એક વણઝારો મળે…

છાશ, મરચું, બાજરાનો રોટલો, ભાજી, કઢી,
હળ, બળદ, ખેતર, નદી ને કો’ક સથવારો મળે…

ઓઢણી, પાલવ, ગરેડી, બેડલું ને દોરડું;
ઓકળી, થાપા, ઈંઢોણી, કંઈક શણગારો મળે…

બોર, કોઠાં, આમલીના કાતરા ને ચીભડાં,
કાકડી, કેરી, કરમદાં, કેર, ગરમાળો મળે…

આભ ગોરંભાય, ડમરી ધૂળની આવી ચડે,
માવઠું, વરસાદ, વાદળ, વીજ ચમકારો મળે…

ઊંબરો, પરસાળ, ફળિયું, સીમ, પાદર, પીપળો,
રામજી મંદિર, ચોરો, ગામ વરતારો મળે…

– પિનાકીન ઠાકર (મુંબઈ)

Leave a Reply to pragnajuCancel reply

7 Comments

  1. ગીતની લચકનો પમરાટ લઈને અવતરેલી આ ગઝલ સીધીસટ હ્રદયમાં ઊતરી જાય છે. એકએક શબ્દ સચોટ શબ્દચિત્ર નજર સમક્ષ ખડું કરી દે છે.
    વાહ.

  2. હળવાશ અને તાજગી સભર ગઝલ . પિનાકીનભાઈ અને ‘આપણું આંગણું’ની સહમતીની અપેક્ષાએ આ ગઝલને અમારા ‘હળવા મિજાજે’ બ્લોગ ઉપર શિડ્યુઅલ કરવામાં આવી છે.

  3. ગામડું ઉભું કરી દીધું ભાઈ…..
    બીજા, ત્રીજા બે જ શે’રમાં શહેરની સ્થિતિ સ્પષ્ટ કરીને, રચના જેમ આગળ જતાં જતાં ગ્રામ્ય-જીવનનો સાક્ષાત્કાર કરાવે છે….
    ખૂબ જ સરસ…..

  4. ગ્રામ્ય પરિવેશનું વાતાવરણ સરસ રીતે બંને રચનાઓમાં ઝીલાયું છે.