રણમાંથી રણઝણ શોધવાની મથામણ ~ નંદિતા ઠાકોર ~ કટાર: ફિલ્ટર કૉફી

એવું ક્યાંક વાંચેલું કે ભરભર ભીનાશથી છલકતા દરિયાને તળિયે રેતના કણ પણ મળે અને અફાટ રેતીના સુક્કાભઠ અવતારની ભીતર ક્યાંક દરિયાની ભીનાશનું એકાદ ટીપું ય છુપાયેલું હોઈ શકે.

રણ એટલે અફાટ રેતી. બેફામ પ્રજળતા સૂરજના કાળઝાળ કોપથી બળતું રણ, ગાંડાતૂર મેઘની ધારાઓનો આડેધડ માર ઝીલતું રણ, કે પવનના પાગલપનથી રેતી પર સર્જાતી અવનવી છટાઓને શમાવતું રણ… અને આ સિવાય પણ ઘણી બધી અવસ્થાઓ હશે. આપણે જે ક્યારેક જોઈ છે, જાણી છે કે સાંભળી છે એ સિવાયની અનેક અવસ્થાઓ હશે રણને તો.

એ હોય છે રણ જ્યાં આપણા પ્રકારનું જીવન નથી. એ હોય છે રણ, જ્યાં કશું નીપજતું નથી. એ હોય છે રણ, જ્યાં સતત એક પ્રકારની શાંતિ હોય છે પણ એ શાંતિ સૌમ્ય જ હોય એવું નથી હોતું. ક્યારેક એ સન્નાટો પણ હોય તો ક્યારેક એ સ્તબ્ધતા પણ. રેતના કણેકણને અકળ રીતે જોડતો વિખેરતો સન્નાટો, કણેકણમાં ચુપચાપ બેસી જતી સ્તબ્ધતા!    

એક સુક્કો,અંતહીન વિસ્તાર. પણ એક મિનિટ. આ કયા રણની વાત? બહારના કે અંદરના? આમ તો અનુભૂતિઓના અગાધ સમુદ્રો ઉછળતા જ રહે છે આપણી અંદર. સતત મોજાં જેવી હલચલ, ઉથલપાથલ, કાંઠા તરફ ધસી આવતો ઉછાળ અને કાંઠાથી દૂર સરી જતી લાગણીઓની ઓટ. 

ઊંડા સમુદ્રો, ઝળહળતા સૂર્યો અને એવું કંઈ કેટલુંય આપણી અંદર ભરીને જીવતાં હોઈએ છીએ આપણે. અને એની સાથે જાણે-અજાણે આપણી અંદર પણ રોપાયું હોય છે રણ. ઉદાસીનું, વ્યથાઓનું, એક્લતાનું,નિષ્ફળતાઓનું, કેટકેટલા પ્રકારનું રણ!  

અને રણ એટલે? શુષ્કતા, આંધી, બળતરા, ઝાંઝવાં અને સતત સરકતા પણ સૂમસામ સમયની વાત. ખબર પણ ના પડે એમ બહારનું ને ભીતરનું રણ એક થઇ જાય. ભીતરનું રણ છાનુંમાનું એક ખૂણે લપાઈને બેઠું હોય પણ તક મળતા જ એવું વિસ્તરે કે આપણું આખું ને આખું અસ્તિત્વ એ ગિરદમાં ગરક થઈ જાય અને આપણે ટળવળતા રહીએ, તરસતા રહીએ. ને પેલા બહારના રણની જેમ જ પાછાં આપણને દેખાય ઝાંઝવાં! સુખની, આનંદની શોધમાં રઝળતું મન, સરનામા વિનાની રઝળતી ઈચ્છાઓ સતત દોટ મૂકે મૃગજળ તરફ.    

પોતાની અપેક્ષાઓને આંગણે ઝૂલવા, હાશકારાના કોઈક સરનામે પહોંચવા મન ઝંખ્યા જ કરે અને ધગધગતી રેતીમાં ખુલ્લી પાની ચંપાઈ હોય તેવી પીડાને પંપાળતા પંપાળતા ચારે બાજુથી લલચાવતા લાલસાઓના મૃગજળને આંબવા દોડયા જ કરે આમથી તેમ.  

કહે છે કે રણમાં ભૂલા પડેલા માણસને દિશા પકડાતી જ નથી. માણસની અંદરના રણનું પણ એવું જ છે ને? કશીક ઝંખનામાં, અપેક્ષામાં, શોધમાં માણસ સરકતી રેત શો વેરાતો રહે અને ઘણીવાર એ અંદરનું રણ એને જ ગળી જાય.

રેતીને આકાર નથી, આધાર નથી, સરનામું નથી કે દિશા નથી. હવાની ચાલ મુજબ સપાટ સ્થળે અચાનક ઊભા થાય રેતના ટીંબા અને ટીંબાને સ્થળે મળે મોટા ઢૂવા. માણસની અંદર પણ એ જ બનતું રહે. સૌ પોતપોતાના અંગત રણની આંધી વચ્ચે સ્થિર રહેવા મથતા રહે. રણમાંથી રણઝણ શોધવા ફાંફા મારતા રહે.  

અસ્તિત્વ સાથે વણાયેલી અફાટ ઝંખનાઓનું રણ આપણા દરેકની અંદર બેઠેલું હોય છે. જીવનમાં વણાયેલી જાતજાતની તરસ પ્રજળતી રહે છે અને એને શમાવવા માટે રસ્તા મેળવવાની અને પોતાની બહાર કોઈ રણદ્વીપ શોધવાની એક સફર આપણામાં અવિરતપણે ચાલતી રહે છે.

મારી અંદર પણ નાનાં મોટાં રણ સતત સર્જાતા-વિખરાતા જાય છે. એ હું સતત અનુભવું છું પણ એ રણમાં દિશા ભૂલીને મૃગજળ કે રણદ્વીપની ઝંખનામાં પોતાને ખોઈ નાખવાના મતની હું તો નથી. તમે છો? 

~ નંદિતા ઠાકોર 

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. ‘ધગધગતી રેતીમાં ખુલ્લી પાની ચંપાઈ હોય તેવી પીડાને પંપાળતા પંપાળતા…’પૂ.રવિશંકર મહારાજ સાથે આ અનુભવેલી વાત
    સુશ્રી નંદિતા ઠાકોર ની ખૂબ સ રસ વાત-‘મારી અંદર પણ નાનાં મોટાં રણ સતત સર્જાતા-વિખરાતા જાય છે. એ હું સતત અનુભવું છું પણ એ રણમાં દિશા ભૂલીને મૃગજળ કે રણદ્વીપની ઝંખનામાં પોતાને ખોઈ નાખવાના મતની હું તો નથી. તમે છો? ‘