તરસ જગવતો વરસાદ (લલિત નિબંધ) ~ મણિલાલ હ. પટેલ

પહાડોમાં વરસાદ જોવાનો લોભ હજી બચ્યો છે. વૃક્ષો પર વરસતો વરસાદ અને વરસતાં વૃક્ષો પણ સંમોહિત કરે છે. દૂરના લીમડા નતમસ્તકે ઝીલે છે જળધારાને. સૃષ્ટિ થોડીવાર એકકાન થઈને જળસ્રોત સાંભળવામાં લીન થઈ જાય છે. વનરાજીમાંથી પસાર થતા વરસાદને જોવાનું ગમે છે. ઘણીવાર ડુંગરમાળની ટોચે બેસી સામી ક્ષિતિજના પહાડો ઉપર મેઘ અંધારતા, મંડરાતા ને પછી ધોધમાર તૂટી પડતા જોયા છે.

જોયો છે સાંજનો વરસતો વરસાદ વૃક્ષોમાં. ઢોર ચારતી કોક ગોપબાળાનાં ગીત અને શિશુ નિર્ઝરનો એકમેકમાં ગૂંથાઈ વણાઈ જતો સ્વર પણ સાંભળ્યો છે. એકાકી વાટે ચાલતાં મેઘછાયી બપોરમાં મન ભરાઈ આવ્યું છે કદીક કોઈ સ્વજનની યાદે, દર્દનાક સ્મરણ જગવી જતી શ્રાવણી ફુહારમાં પલળતાં પલળતાં નર્તતા મોરને જોયો છે.

એકલી એકાકી પલળતી સીમમાંથી પસાર થયો છું, પલળતો. સદ્ય વિધવાના જુવાનજોધ ચિત્તની અસહાયતા જેવી વરસાદી બપોર ડુંગરની તળેટીના ભીના ભીના સન્નાટામાં ગાળી છે. સંગાથ માટેનો સાદ દરેક વર્ષાઋતુમાં વળી વળીને સાંભળ્યો છે.

ડાંગરની ક્યારીમાં છમછમતો વરસાદ, મકાઈનાં ખેતર પર કન્યાના ઝાંઝર-શો રણકતો વરસાદ, બે ડુંગર વચ્ચે સપ્તરંગી સેતુ રચતો વરસાદ, અનૂરીનાં પાંદડાં પર પારા જેવો સરકતો વરસાદ. આંબાનાં ઝાડ પર પડતો વરસાદ કકરું દળતી માની પથ્થરિયા ઘંટીના અવાજ જેવો – ઘણાં ઘણાં રૂપો જોયાં છે આ વરસાદનાં. છતાં ધરવ નથી થતો, વાદળ ભાળું ને મનમાં ઊગે વરસાદ. બારીએ બારણે ઊભો ઊભો વરસાદ અટકે નહીં ત્યાં સુધી એને માણ્યા કરું… ઉતાર્યા કરું અંદર…

ગામમી સીમમાં નાગો વરસાદ થતો ને આભમાં ઇન્દ્રધનુષ્ય દેખાતાં. પાસ-પાસેનાં ગામોની સીમાઓ મેઘધનુષ્યથી એકાકાર થઈ જતી. વરસાદ પછીનો તરત નીકળતો તડકો વહાલોછમ લાગે છે. એ વેળાનું આકાશ કેટલું નીલ નીલ હોય છે ! ને સૂરજ શરમ મૂકીને હસી ઊઠતા કોઈ સાહ્યબા જેવો સલુણો દેખાય છે. હરિતા ધરતી સૂર્યવતી હોઈને જ સૌભાગ્યવતી હોય છે… સૂર્ય એનો ભરથાર. તડકા-છાંયાની રમત વર્ષામાં જ વધુ ખીલી ઊઠે છે. અંધારા-અજવાળાં આ ઋતુમાં એકાકાર લાગે… ધીમે ધીમે એકબીજાની સરહદને અડતાં આવે, પણ એકમેકને કદી મિટાવી દેવામાં માને નહીં !

વૃક્ષો નીચે જઈને ઊભો રહું છું. વરસાદ બંધ થાય છે પછી એ વૃક્ષો વરસતાં હોય છે. દાદા કોઈ વાત ગળે ઉતારવા એક પછી એક શબ્દો ગોઠવીને બોલતા એમ વૃક્ષો ટપ ટપ ટપ વરસાદની વાત ગોખાવતાં લાગે છે. એ આપણને ધીમે ધીમે પલાળે છે, પડખામાં લઈને પ્રેમ કરતી મા જેવાં વૃક્ષોમાં સાંજનો વરસાદ વધુ ને વધુ ઘેઘૂર ભાસે છે. બધાં રહસ્યો એ ક્ષણે તનમન ઉપર ઘેરો ઘાલે છે, ત્યારે ડરી પણ જવાયું છે.

દૂરની ટેકરીઓ રાતે શમણામાં આવે છે. ગામ ભાગોળે વહેતી નાનકડી નદી પણ ખળખળતી સંભળાય છે. કદીક કોઈકની વિદાયવેળાની આંખ જેવું લાગેલું પાદર-તળાવ અચાનક રાવજીની કવિતાની સારસીમાં કંઠ જેવું ટહુકી ઊઠે છે. રાખમાં દાબીને માએ ફોડી આપેલી મકાઈ ધાણીની સુગંધ શ્વાસમાં હણહણાટી નાખે છે. વરસાદ-બહાને દફ્તર મૂકીને સ્કૂલેથી વહેલું ભાગી છૂટેલું કોક બેફિકર શિશુ આપણામાં સળવળી ઊઠે છે.

પપૈયાનાં પાન પર બેઠેલું બુલબુલ પાંખો ફફડાવી ફફડાવીને નહાય છે – વચ્ચે વચ્ચે પિક-પિયુ-નો રવ ઊઠે છે. દૂરથી કોઈ બીજો નાદ ‘વેઈટ્-અ-બીટ્-’નો પડઘાય છે ધીમેથી. મીઠા લીમડાની ડાળે બેઠેલું નાચણ છાંટે છાંટે વધુ ચંચળ થતું રહે છે. ગોરસ આંબલીનાં પાંદડે પાંદડે ઝીણી ઝીણી જળઘૂઘરીઓ વાગે છે. પીપળો તો ખંખેરી નાખે છે વરસાદને. કાકડો પલળીને ગાભો થઈ ગયો છે. જળનાં બિંદુ ટપકાવતાં પેલા વીજળીના તાર જોઈને કવિતા સાંભરે છે – ‘આ જળધારામાં ઝૂલતી, પેલી તૂટે મોતનન માળ હો કોઈ ઝીલોજી !’ આખી સૃષ્ટિ જાણે દૂધે ધોઈ હોય એવી ચોખ્ખી છે – એક માનવીનાં મનનું કહી ના શકાય.

વરસાદ સૃષ્ટિનું આદિમ સત્ય છે. એની ગંધમાત્રથી માટીના કણકણમાં જીવ આવે છે. પાંખો ફૂટે છે સહસ્ર કીટ-કીટકોને. આદિમતાની સાક્ષી પૂરતું ઘાસ ઊગી નીકળે છે ચારેતરફ. ઊડી ગયેલી સારસી પાછી આવે છે ખેતરશેઢે. ઘાસનાં આક્રમણને ખાળતાં હળ ફરી વળે છે ખેતરમાં… સભ્યતા સંઘર્ષ કરીને આગળ વધતાં ઘાસને અટકાવે છે. પણ એને કાયમ રોકી શકાતું નથી. એ ક્યારેક તો કોટકિલ્લાઓ ઉપર પણ વિજયી થતું દેખાય છે. આ ઋતુમાં ઊગતાં ઘાસ અને લીલ માણસ-જાતને ઇતિહાસ સાથે આદિમતાનાં ચક્રની યાદ અપાવતાં રહે છે. આગને ઓલવી તરસને ઠારતો, આહ્લાદક શીતળાથી વહાલો લાગતો વરસાદ પાછી આગ જગવે છે, સંકોરે છે રાગને, ઊગવાની ઊઠરવાની તરસ જગાડે છે. ને એમ આપણને જરીય જંપવા નથી દેતો આ વરસાદ.

~ મણિલાલ હ. પટેલ
તા. 29-07-1996

આપનો પ્રતિભાવ આપો..

8 Comments

  1. એક વરસાદ ને એનાં કેટકેટલાં રૂપ, કહોકે સ્વરૂપ.. કાવ્યાત્મક બાનીમાં એ સઘળું આલેખવું તે માત્ર કલ્પના થકી કે શબ્દોની સુંદર ગોઠવણથી જ શક્ય નથી હોતું.. એ માટે એનો વિભિન્ન રીતે થયેલો અનુભવ જ સૌથી મોટું પરિબળ છે. સર્જક મણિલાલ પટેલની અનુભવ સમૃદ્ધિ સર્જકત્વનો સ્પર્શ પામીને અહીં ખીલી છે કહો કે વરસી પડી છે વરસાદની જેમ.. ને વરસાદ ઊગી નીકળ્યું છે ઘાસ બનીને રોમેરોમ

  2. શ્રી મણિલાલ હ. પટેલનો સ રસ જગવતો વરસાદ સ રસ લલિત નિબંધ

  3. વહાલા મેઘરાજાનું આવું કાવ્યાત્મક વર્ણન વાંચી મનહદય તરતબર થઈ ગયા.શબ્દે શબ્દે ટપકતા,વરસતા વરસાદને ઝીલ્યો.વાહ…
    વરસો વરસો ,તમે શબ્દોરૂપી મેઘમલ્હાર લઈ ખૂબ વરસો.

  4. નિબંધ કે એક સુંદર કાવ્ય..
    તન ને મન તરબોળ થઈ ગયા.

  5. મુંબઈમાં વરસતા વરસાદ સાથે માણ્યો”તરસ જગવતો વરસાદ.” વાહ! મન તરબતર થઈ ગયું.

  6. કોઈ દીર્ઘકાવ્ય માણતાં હોય તેવો સુંદર અનુભવ આપતો આ નિબંધ પ્રત્યેક વાક્ય પાસે રોકાવાનું મન થાય તેવો મોહક છે.વરસાદને પંચેન્દ્રિયોથી માણે એ મણિલાલ.