જળ હજી ઓસર્યાં નથી ~ કવિ: નરેન્દ્ર જોષી ~ કાવ્યસંગ્રહમાંથી ચૂંટેલાં કાવ્યો

(આ લો-પ્રોફાઈલ કવિ, “જળ હજી ઓસર્યાં નથી” કાવ્યસંગ્રહ દ્વારા સાચુકલાં સંવેદનોને ઉજાગર કરે છે. કવિઓ અને કાવ્યરસિકો આ સંગ્રહને વધાવશે તો અનહદ આનંદ થશે. – બ્લોગ સંપાદક)

૧. ધ્વંસ
મારામાં
દરરોજ એક પર્વત ઊંચો થાય.
ટોચ
થતાથતાંમાં
એ ધજા વિના જ
ધ્વંસ થાય!

૨. પટાવીને
ઢેફાં હવે ફળિયામાં ક્યાં છે?
જે પીગળી શકે વરસાદમાં!
છીંકણી જેવી ધૂળ
દાદીમાં સાથે ગુજ્રરી ગઈ
તે દિવસનો મેહ
મોસમીને બદલે વાયુ બની અહીંતહીં
બેકાબૂ બનીને ઉડાડે છે ઝાડ ઝાંખરાંને!
આસ્ફાલ્ટની સડકો શું કરવાની?
ફોરું પડ્યું નથીને પુરને ગળી જવાનું
નદી બદીઓ લઈ સાગરને મળે તે પહેલાં જ સુનામી થઈ.
દરિયો પીગળી ના શકતા
માણસને રેતરેત કરી ફીણફીણ કરી દેવાનો!
એટલે જ
ચકલી માળો બાંધે તે નળિયું જાણે
ફળિયા સમેત ફરફર કરતુ ઊડી ગયું આભલામાં ,
મારા દાદાવારાનું
વરસાદને કોઈ પરસાદની જેમ માગી લેજો
બે હાથે પટાવી પટાવીને!

૩. પોટલું
પોટલું
બંધાવી બાપે કહ્યું
અંદર છે બધું
જોતો રહેજે
ખટકો રાખીને!
ન જોઈતું
વહેંચી દેજે
ભાર ઘટી જશે
હળવો થઈશ!
જરૂરિયાત જેટલું છે
રસ્તામાં મળે તેને
તેને જોઈતું આપી શકાય તે પણ મૂક્યું છે.
હાથ નાખજે
અંદર!
ગાંઠેગાંઠે મળશે ચાવી
છોડવાની
નીચેથી ઉપર તરફ
પોટલું છૂટી જતાં જ
જોઈ શકીશ
સકળ વિશ્વમાં
હું ને તું
ઝળહળતા!
* * *

કાવ્યસંગ્રહ: જળ હજી ઓસર્યાં નથી
કવિ: નરેન્દ્ર જોષી. મો: +91 9825999797
પ્રથમ આવૃત્તિ: ૨૦૨૧, મૂલ્ય: રૂ ૨૦૦/-
પ્રકાશક:
મહીસાગર સાહિત્ય સભા, લુણાવાડા
ઠે. કન્યાશાળાની બાજુમાં, રાજમહેલ રોડ
મુ. પો. તા. લુણાવાડા.
જિલ્લો: મહીસાગર – ૩૮૯ ૨૩૦.Leave a Reply to Haresh Trivedi Cancel reply

5 Comments

  1. કવિ શ્રી નરેન્દ્રભાઈ જોષીની ત્રણેય રચનાઓ હૃદય સ્પર્શી છે. ખૂબ ખૂબ અભિનંદન,

  2. વાહ, ખૂબ સરસ રચનાઓ. કવિશ્રીને અભિનંદન અને શુભેચ્છાઓ. આપનો ખૂબ ખૂબ આભાર.

  3. સુંદર રચનાઓ ..
    હ્રદયના ભાવથી લખાયેલ કવિતાઓ સ્પર્શે છે..
    કાવ્ય સંગ્રહ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ..