પરોઢ થાતાં… (ગીત) ~ સંજય પંડ્યા (જન્મદિન: ૧૩ જૂન)

પરોઢ થાતાં, સૂર્યકિરણના પહેલા સ્પર્શે
નળિયાં સૌ સોનેરી લાગે
આળસ મરડી, નળિયાનું ત્યાં ઊભા થવું
ને કિરપોદાદો મંત્રગાનથી
ફળિયું આખું ગજવે

તુલસીકયારે લજજાના શણગાર ધરીને
હેતલવહુનું તાંબાના ચકચકતા લોટે
જળની ધારે
સૂર્યદેવનું સમરણ મીઠું લાગે

ખભે ભેરવી ડાંગ
રબારી જેહો જયારે સાદ પાડતો
ગામ વચેથી નીકળે ત્યારે
ગાયભેંસનું ધણ આખુંયે
પૂચ્છ ઉલાળી, હફરક કરતું નીકળે

સીમહેવાયો રણમલકાકો
સાફામાં સૂરજને બાંધી
ગાડું લઈને ખેતર જાવા નીકળે

વખત-રેંટ-મૂઠ-નારનો સાંજે
છોડેલો એ દાવ લેવાને
છૈયાં સઘળાં ઊમટે…

ગમાણમાં બાંધી રાખેલી પાડી એની
કૌતુક નજરે દુનિયા આખી નીરખે…

~ સંજય પંડ્યા
(કાવ્યસંગ્રહ: તાજી હવાનો કૅફ)

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

 1. આપના જન્મદિન પર પરમ કૃપાળુ પરમાત્મા આપને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન અર્પે તેવી શુભકામનાઓ

 2. વખત-રેંટ-મૂઠ-નારનો સાંજે
  છોડેલો એ દાવ લેવાને
  છૈયાં સઘળાં ઊમટે…
  વાહ્
  ભાષા જ્યા સુધી વાતચીત નુ માધ્યમ હોય ત્યા સુધી દરેક વ્યક્તિ એવા શબ્દો વાપરવાનો પ્રયાસ કરે કે જે જલદી જીભે ચડે તેમ જ સામે વાળી વ્યક્તિ સરળતાથી સમજી શકે.આજે ઘણા શબ્દો એવા છે જે આપણે જુદી જુદી ભાષામાંથી અપનાવેલા છે. જ્યારે કવિ લખે ત્યારે એની ભાષા શક્ય હોય ત્યા સુધી એ ગુજરાતી શબ્દકોષમાં થી જ વાપરવાની કોશિશ કરે છે. પણ એ જ કવિ કાવ્ય આપે ત્યારે એ સરળ સમજાય એવી ભાષામાં આપે છ જેમ કે
  વક્ટ રેંટ મૂઠ કરતી કરતી.
  જતી રહી. ઓ દૂર દૂરના લીમડા ડુંકે