ચાંદની ~ રઝિયા મિર્ઝા ‘રાઝ’

(જેલ કારકિર્દીના સ્મરણો)
~ કેદી નંબર ૨૪ ~

પઠન: લેખિકાના અવાજમાં

કોઈ મ્યુઝિકલ પાર્ટી આવવાની છે. હાશ, થોડીવાર માટે બહાર ઓપન થિયેટરમાં જવાનું મળશે તો ખરું! બધાં તૈયાર થઈ રહ્યાં છે. નવાં-નવાં ગીતો સાંભળવા મળશે. જ્યારથી માનવ અધિકાર બાબતે વેલફેરસાહેબને અહીં મૂક્યા છે, ત્યારથી આવા કાર્યક્રમો થતા રહે છે.

ત્રણ વર્ષની ચાંદનીએ ગુલાબી રંગનું ફ્રોક પહેર્યું છે. પેલી સંસ્થાવાળાં બહેને આપ્યું હતું એ જ! ચાંદનીને આનંદ છે કે આજે એ તેના પપ્પાને જોશે! જ્યારે-જ્યારે કાર્યક્રમ પતી જાય છે ત્યારે બધાં બાળકોને સાહેબ સ્ટેજ પર બોલાવીને ચોકલેટ આપે છે. એટલે એ સમયે ચાંદની કેદીઓની ભીડમાં પોતાના પપ્પાને પણ શોધી લે છે.

ચાંદનીનો જન્મ જ અહીં થયો છે. એને બહારની દુનિયાની ખબર જ નથી! ચાંદનીનાં મમ્મી-પપ્પા મિલિંદ-જાહ્નવીને અહીં ત્રણ વર્ષ પહેલાં લઈ આવવામાં આવ્યાં હતાં. મિલિંદ-જાહ્નવી એકબીજાંને ખૂબ ચાહતાં હતાં. સમાજ એમને સ્વીકારે એ શક્ય જ નહોતું. બંને જુદી-જુદી નાતનાં હતાં, અને વળી જાહ્નવી તો હજી ૧૭ વર્ષની જ હતી.

બન્નેની પાગલ બુદ્ધિએ તેમને ઊલટા રસ્તે ચઢાવ્યાં, અને બન્ને ઘર છોડી ભાગી ગયાં. જાહ્નવીના પિતાએ પોલીસ ફરિયાદ કરી કે મારી સગીર વયની પુત્રીને મિલિંદ ભગાડી ગયો છે. એને હજી ૧૮ વર્ષમાં ૩ મહિના બાકી છે. તપાસ કરતાં અસલિયત જાણવા મળી, કે જાહ્નવીએ પોતાના લિવિંગ સર્ટિફિકેટમાં ઉંમર સુધારી દીધી હતી. જાહ્નવીને જેલ થઈ સરકારી દસ્તાવેજ સાથે ચેડાં કરવાની, મિલિંદને સગીર બાળાને ભગાડવાની! આમ બન્ને અંદર!

જાહ્નવી હવે પ્રૅગ્નન્ટ હતી. જાહ્નવીનાં માતા-પિતાએ તો દીકરી મરી ગઈ એમ જ માની લીધું. જાહ્નવી પાસે ન તો મા-બાપ હતા, ન તો મિલિંદ! આમ ને આમ જાહ્નવીએ એક સુંદર બાળકી નામે ચાંદનીને જન્મ આપ્યો. મિલિંદ પણ ખુશ થયો હતો આ સાંભળીને! અઠવાડિયે એકવાર બન્ને જેલ-ટુ-જેલ મુલાકાત લઈ શકતાં હતાં. ચાંદની હવે ત્રણ વર્ષની થઈ ગઈ હતી જેલમાં જ! એને બહારની દુનિયા શું છે એ ખબર નહોતી. એને એટલી ખબર હતી કે દર અઠવાડિયે જે મુલાકાત લેવા આવે છે એ તેના પપ્પા છે. કોઈવાર ચોકલેટ કે બિસ્કિટ પણ મોકલાવે છે.

‘‘કાયદાઓથી અજ્ઞાનતા ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે!’’ જાહ્નવી વિચારતી હતી. બિચારી ચાંદની! એણે તો બહારની દુનિયા જોઈ જ નથી! બહાર ગયા પછી પોતે એને શું જવાબ આપશે? એ વિચારોમાં હતી ત્યાં જ ઓપન થિયેટર પર ગીત વાગવા માંડ્યું.

‘‘જિંદગી એક પહેલી હૈ…’’

 રાત્રે જાહ્નવીએ જોયું કે ચાંદનીના ગાલ પર કશુંક ચળકતું હતું. અંધારામાં ઉજાસ જેવું! એણે ઉપર નજર કરી, તો જોયું કે બેરેકની છત પર એક તૂટેલા નળિયામાંથી પૂનમના ચંદ્રની ચાંદની, નાનકડી ચાંદનીના ગાલ ઉપર ઊતરી આવી હતી.

***   

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. ચાંદની ~ રઝિયા મિર્ઝા ‘રાઝ’ના જેલ કારકિર્દીના સ્મરણોમા ચાંદની ~લેખિકાના અવાજમાં સ રસ પઠન:

  2. મારી વાર્તા ને આપણું આંગણું માં સ્થાન આપવા બદલ ખુબ ખુબ આભાર હિતેનભાઈ🙏🌺