વિદ્યા ગજ્જર ‘વિદ્યા’ની ચાર ગઝલો

વિદ્યા ગજ્જર ‘વિદ્યા’ તખલ્લુસથી કવિતાઓ લખે છે. રાજકોટનિવાસી આ કવયિત્રી કાવ્યસર્જનની સાથે ગદ્યલેખન પણ કરી રહ્યાં છે. માઇક્રોફિક્શન, વાર્તા, નિબંધ, કવિતા જેવાં સ્વરૂપોમાં તેઓ કામ કરી રહ્યાં છે. અન્ય કવિઓ સાથેના સહિયારા પુસ્તકમાં તેમની ઘણી રચનાઓ પ્રકાશિત થઈ ચૂકી છે. એક ગૃહિણી હોવાની સાથે તેઓ Save & Protect Animal સંસ્થા સાથે પણ જોડાયેલાં છે. જીવમાત્રની સલામતી ઇચ્છતાં આ કવયિત્રીની રચનાઓ માણવા જેવી છે.

ગઝલઃ 1

ટીસ હૈયાએ ગળી છે, ડાયરીની હૂંફમાં,
મુસ્કુરાહટ પણ જડી છે, ડાયરીની હૂંફમાં.

પંખીનાં ટહુકા, કદી પગરવ, કદી આંગણ સૂનું;
ત્યાં નજર આજે પડી છે! ડાયરીની હૂંફમાં.

બાળપણ પૂરું થયું ને સ્વપ્નને યૌવન જડ્યું,
કોઈ પ્રણય ગાથા મળી છે, ડાયરીની હૂંફમાં.

લાલ એક ગુલાબ સૂકાયેલું વચ્ચે છે હજુ,
તાજી ફોરમ ત્યાં ભળી છે, ડાયરીની હૂંફમાં.

નીતરે છે લોહી ધગધગતું હજું કાગળ ઉપર,
દિલની ઇચ્છાઓ મરી છે, ડાયરીની હૂંફમાં.

છે હકીકત સંઘરેલી નાનીમોટી આમ તો,
જાત મેં જાતે છળી છે! ડાયરીની હૂંફમાં.

કેદ છે યાદો, રહસ્યો ને હજારો ત્યાં વિચાર!
‘વિદ્યા’ની જાદૂગરી છે; ડાયરીની હૂંફમાં.

– વિદ્યા ગજ્જર ‘વિદ્યા’

ગઝલઃ 2

ક્યાં લગ રહેશે આ અંધારું? ઉપરવાળો બેઠો છે ને;
કાલ સવારે થાશે સારું, ઉપરવાળો બેઠો છે ને.

રોજ નવી તક સાથે સૂરજ રોજ નવું અજવાળું લાવે!
વીતી ગયું એ શું સંભારું? ઉપરવાળો બેઠો છે ને.

લાખ કરી લ્યો ટીલાં-ટપકાં પાપ કદી ના ઢંકાશે તોય,
કર્મો બોલે જ્યાં પરબારું, ઉપરવાળો બેઠો છે ને.

સારા-નરસા દિવસ હો પણ આવે દશકો નક્કી સૌનો,
સુખ-દુઃખ જાતે શાને ધારું? ઉપરવાળો બેઠો છે ને.

ધરતીની સરહદ વહેંચી છે, આભ કદીયે ક્યાં વહેંચાયું?
રાખે  થોડું એ મજિયારું, ઉપરવાળો બેઠો છે ને.

અખૂટ અમીરી આપી અમને, આભ ઉપર, ને નીચે ધરતી,
ક્યાં લાગ્યું જીવતર નોધારું? ઉપરવાળો બેઠો છે ને.

સ્વયં વરી છે વિદ્યા અમને, મુલ્યાંકન શબ્દોનું થાશે,
કામ કલમથી બનશે ન્યારું, ઉપરવાળો બેઠો છે ને.

– વિદ્યા ગજ્જર ‘વિદ્યા’

ગઝલઃ 3

દુનિયાની સૌ રકઝક છોડી ચાલ રમી લઈ રાજા રાણી,
હૈયાથી હૈયાને જોડી ચાલ રમી લઈ રાજા રાણી.

કલ્પનની ધરતી પર સાજન મ્હેલ ચણીશું સપનાનો બસ,
હોય ભલે પાસે ના કોડી, ચાલ રમી લઈ રાજા રાણી.

માર્ગ પ્રણયનો અઘરો છે પણ આશ સ્વરૂપી નકશો લઈને,
વાતો કરતાં થોડી થોડી, ચાલ રમી લઈ રાજા રાણી.

ચાંદ બને સાક્ષી એ પળનો તારલિયા પણ ઈર્ષા કરશે,
એમ બનાવી આજે જોડી, ચાલ રમી લઈ રાજા રાણી.

કાચ સમાં છે નાજુક શમણાં, ઇચ્છાઓ પડછાયા જેવી,
આભાસી ચિત્રો ત્યાં ચોડી, ચાલ રમી લઈ રાજા રાણી.

હીર રાંઝા કે લેલા મજનુ, નામ અમર એવું કરવાને,
શરતોની સૌ સાંકળ તોડી, ચાલ રમી લઈ રાજા રાણી.

તારા હૈયાંમાં હું છું? કે મારે હૈયે તું ધબકે છે?
તારું મારું સૌ તરછોડી, ચાલ રમી લઈ રાજા રાણી.

ઘર માટીનું હોય છતાંયે સપનાં સાચાં સોનાનાં છે,
નાની ભલે પણ લઈને હોડી, ચાલ રમી લઈ રાજા રાણી.

તારી વિદ્યા, તારી દોલત, મારી ફકીરી ને મજબૂરી,
છોડ બધીયે માથા ફોડી, ચાલ રમી લઈ રાજા રાણી.

– વિદ્યા ગજ્જર ‘વિદ્યા’

ગઝલઃ 4

કદી છે પ્યાસ દિલે, ને કદી મન પાણી પાણી છે,
તરસ આંસુ બની બેઠું તો લોચન પાણી પાણી છે.

તમારી મારી વચ્ચે થોડી પણ દૂરી નથી, માન્યું,
છતાં દરિયા સમું અંતર; ને જોજન પાણી પાણી છે.

ધરા પણ વિસ્તરી જાણે ગગન પાસે જવા માટે,
ક્ષિતિજે પહોંચીને દેખાતું મિલન પાણી પાણી છે.

મળેલી જિંદગી જીવો ખમીર ખુમારીથી ભરપૂર,
મરણ વાંકે જીવે છે એનું જીવન પાણી પાણી છે.

પ્રણયવિદ્યા મેં જાણી છે તમારી સાથમાં સાજન,
હૃદય છે તરબતર પ્રેમે ને સ્પંદન પાણી પાણી છે.

– વિદ્યા ગજ્જર ‘વિદ્યા’

Leave a Reply to Lata PatelCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment