|

મારા પિતા- “રાખનું પંખી” ~ ડૉ. શ્રીરામ સોની

(આજથી એક મહિના પહેલાં, જાન્યુઆરી ૨૫મીએ, આપણાં ગુજરાતી બાળસાહિત્યકાર, શ્રી રમણલાલ સોનીની જન્મતિથિ નિમિત્તે એમના સુપુત્ર ડૉ. શ્રીરામ સોનીએ લખેલો આ સુંદર લઘુ સ્મરણલેખ મારા વાંચવામાં આવ્યો અને મારા હ્રદયને સ્પર્શી ગયો.

એ મોડો મોડો પણ આજે આપ સહુ સાથે વહેંચી રહી છું. આ લેખની નીચે, શ્રી રમણલાલ સોનીનો સવિશેષ પરિચય પણ મૂક્યો છે, જેથી એમનું પ્રદાન ગુજરાતી સાહિત્યમાં કેટલું વિશિષ્ટ અને વિપુલ રહ્યું છે, એનો સહુ વાચકોને ખ્યાલ આવે.

એમનાં જેટલું અને એમનાં જેવું પ્રશિષ્ટ બાળસાહિત્ય અને કિશોરસાહિત્ય એમનાં પછી સર્જાયું નથી, એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. એટલું જ નહીં પણ ગુજરાતી બાળસાહિત્યની નવી ક્ષિતિજો એમના પછી વણખેડાયેલી જ રહી છે.

આવા વિદ્વાન સાહિત્યકાર શ્રી રમણલાલ સોનીને “આપણું આંગણું”ની ટીમ તરફથી શતશત વંદન.) 

આજે ૨૫ મી જાન્યુઆરી. મારા પિતા શ્રી રમણલાલ સોનીની જન્મતિથિ. તેઓ એક વત્સલ પિતા તો હતા જ, પણ સાથે અમારા ગુરુ પણ જેમણે અમને “સંસ્કારપાઠો “ની દીક્ષા આપી.

એમણે, ૯૪ વર્ષ ની ઉંમરે એમને થયેલા અનુભવોનું પુસ્તક લખ્યું. અને નામ આપ્યું “રાખનું પંખી”. શ્રી સુરેશ દલાલે એની પ્રસ્તાવનામાં એને “પંખીનું લાખેણું ઉડ્ડયન” એમ કહ્યું છે.

બાપુજીએ “રાખનું પંખી”ની પ્રસ્તાવનામાં લખ્યું છેઃ

“જેણે મહોરું પહેરાવીને મને સંસારના મંચ પર ઉતાર્યો અને મારી પાસે, તેને ગમતો અભિનય કરાવ્યો, પાઠ કેવો ભજવાયો તે જોયું નહિ ને કેવળ પ્રસન્નતા દાખવી આશીર્વાદ દીધા, એ પિતા – પરમેશ્વર ના પાદ્પદમમાં , મારા એ પાઠના કાચાપાકા શબ્દો શરણભાવપૂર્વક સમર્પણ.”

એ હંમેશા કહેતા કે હું લખતો નથી, ઈશ્વર લખાવે છે. કવિ મકરંદ દવે જે કહેતા એવું જ. “કોઈ લે જા રહા હૈ, મે જા રહું હું.”

તેઓ આખી જિંદગી શબ્દ સાથે જીવ્યા. સતત લખતા રહ્યા. બાળકો માટે એમણે પુષ્કળ લખ્યું. બાળકોને રમૂજ સાથે કંઈ શીખવા મળે એવું વિપુલ બાળસાહિત્ય રચ્યું. એમાં બાલવાર્તાઓ સાથે કાવ્યો, જોડકણાં ને બાલનાટકો પણ લખ્યાં. એમણે અનુવાદો પણ પુષ્કળ કર્યા. એની સાથે મૌલિક સાહિત્ય પણ રચ્યું.

જિંદગીના છેલ્લા દિવસ સુધી જે કંઈ લખ્યું તે બધું જ પ્રેરક અને પ્રેરણાદાયક. એમનું વાંચન પણ એટલું જ વિશાળ. અનેક પુસ્તકો વાંચતા રહ્યા ને માણસોને પણ વાંચતા રહ્યા.

જાત અને જગત સાથેની ઓળખાણને સતત કેળવતા રહ્યા. અનેક વ્યક્તિ વિભુતિઓ, સંતોના પરિચયમાં આવેલા એ બધા અનુભવો એમણે આ પુસ્તકમાં આલેખ્યા છે.

એમના અનુભવોના આ પુસ્તકને એમણે “રાખનું પંખી” એવુ નામ આપેલું છે. એ શીર્ષક વિષે તેઓ લખે છે…

“મીસર ની પુરાણકથાઓમાં ફિનિક્સ નામે પંખીની વાત આવે છે. ગરુડ જેવડું મોટુ ને સુંદર. જાંબલી ને સોનેરી રંગનાં પીંછાં ને એ પાંચસોથી છસો વર્ષ જીવે છે. એક કાળે એવું એક જ પંખી હોય છે.

મરણકાળ આવે એટલે સ્વેચ્છાએ સળગીને રાખ થઈ જાય છે. એ રાખમાંથી ફરી પાછું નવુ પંખી પ્રકટ થાય છે. એ પંખી રાખમાંથી પોતાના અવશેષો લઈ જાય છે અને સૂર્યના મંદિરમાં સમર્પી આવે છે.

એ ફરી પાંચસો વર્ષ જીવે છે અને ફરી બળીને રાખ થાય છે. પછી ફરી રાખમાંથી જીવતું થઈને નીકળે છે, આ ઘટના  ચાલ્યા જ કરે છે.

રાખનું પંખી એટલે નશ્વરતાનો આંચળો ઓઢેલી અમરતા. આપણે સહુ આવા રાખના પંખી છીએ. આપણે પોતે, પોતાના કર્મફળે બળીને રાખ થઈએ છીએ અને ફરી એ જ કર્મફળના રાખમાંથી બેઠાં થઈએ છીએ. ફરી રાખ થઈએ છીએ ને ફરી બેઠાં થઈએ છીએ. રોજ રોજ આવું બન્યા કરે છે. એક જન્મમાં કોણ જાણે કેટલાયે જન્મો થઈ જાય છે .

“પુનરપિ જન્મમ્, પુનરપિ મરણમ્” – જેટલા જન્મ એટલા મરણ, કારણ? મરણ વગરનો જન્મ હોય નહીં અને જેટલા મરણ એટલા જન્મ. કારણ કે મરણ થાય છે એ જ બતાવે છે કે જન્મ છે. જન્મ મરણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. હું આવું રાખનું પંખી છું – નામરુપ વગરનું, પણ છું”

મારા સંત પિતાને, આજે એમની જન્મ તિથિએ શત શત વંદના!

~ ડૉ. શ્રીરામ સોની
~ ૨૫.૧.૨૫

સવિશેષ પરિચય:  શ્રી રમણલાલ પીતાંબરદાસ સોની, ‘સુદામો’ (જન્મઃ ૨૫-૧-૧૯૦૧૮) : 

બાળસાહિત્યકાર, અનુવાદક. જન્મ મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મોડાસામાં. ૧૯૪૦માં આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૪૫માં બી.ટી. મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય. સત્યાગ્રહની લડતમાં સક્રિયતા અને જેલગમન.

૧૯૪૫માં નોકરી છોડીને સાહિત્ય અને સમાજહિતનાં કાર્યોમાં વધુ સક્રિય. ખેડૂતો તથા હરિજનોના ઉદ્ધાર માટે અનેક પ્રવૃત્તિઓનું સંચાલન. ૧૯૫૨ થી ૧૯૫૭ સુધી મુંબઈ ધારાસભાના સભ્ય.

એમનો બાળસાહિત્યમાં કલ્પના, વસ્તુ અને નિર્માણનું વૈવિધ્ય છે. ‘શિશુકથા’ (૧૯૩૫), ‘શિશુસંસ્કારમાળા’ (૧૯૪૬), ‘ગલબા શિયાળનાં પરાક્રમો’ (૧૯૪૭), ‘શિશુભારતી ગ્રંથમાળા’ (૧૯૫૦), ‘ખવડાવીને ખાવું-જિવાડીને જીવવું’ (૧૯૬૨), ‘ખાટી દ્રાક્ષ’, ‘પૂંછકટ્ટો’, ‘રોહંત અને નંદિય’ (૧૯૭૨), ‘ધનોતપનોતની ધડાધડ’,(૧૯૭૭), ‘ભોળા ભાભા’ (૧૯૭૭), ‘ચટકચંદ ચટણી’ (૧૯૭૭) વગેરે મૌલિક અને અનૂદિત-રૂપાંતરિત બાળવાર્તાપુસ્તકો એમણે આપ્યાં છે.

‘રામાયણ કથામંગલ’ (૧૯૪૬), ‘ઉપનિષદ કથામંગલ’ (૧૯૪૬), ‘ભાગવત કથામંગલ’, ‘રામરાજ્યના મોતી’ (૧૯૬૨) વગેરે પુસ્તકોમાં પૌરાણિક વાર્તાઓને બાળભોગ્ય શૈલીમાં નિરૂપી છે.

‘સિંહાસનબત્રીસી’ (૧૯૪૨), ‘અરેબિયન નાઇટ્સની વાતો’ (૧૯૪૬), ‘વીર વિક્રમ’, ‘ઇસપની બાલવાતો’ (૧૯૮૨) વગેરેમાં અદ્-ભુત, રસિક બાળવાર્તામાળાઓ છે. ‘છબીલો લાલ’ (૧૯૫૯), ‘થાથા! થેઈ! થેઈ!’ (૧૯૫૯) ‘અમથો કારભારી ને ફૂલો ઠાકર’ (૧૯૫૯), ‘ભગવો ઝંડો’ (૧૯૫૯) અને ‘બાલમંદિરનાં નાટકો’ (૧૯૬૨)માં બાળમાનસમાં ઉચ્ચતર જીવનભાવનાનાં બીજ વાવે તેવી અભિનયક્ષમ નાટિકાઓ છે. આ બધાં નાટકોનું સંપાદન ‘રમણ સોનીનાં બાળનાટકો’ (૧૯૭૯)માં થયું છે.

‘રમણ સોનીનાં બાળકાવ્યો’ (૧૯૭૯)માં બાળકોને ગાવાં ગમે તેવા સરળ, પ્રેરક અને પ્રાસાદિક કાવ્યો-ગીતો છે. એમનાં અભિનય-ગીતો બાળકોની કલાભિરુચીને જાગ્રત કરે તેવાં છે. ‘રમણ સોનીનાં બાળજોડકણાં’ (૧૯૭૯)ના લય-પ્રાસ અને તાલ આકર્ષક છે. ‘

કિશોર રહસ્યકથામાળા’ (૧૯૬૭), ‘ટાગોરની દ્રષ્ટાંતકથાઓ’, ‘કુમારકથા’ (૧૯૭૯) વગેરે કિશોરો માટેના વાર્તાસંગ્રહો છે. ‘જગતના ઇતિહાસની વીરકથાઓ’ તથા ‘પૂંછડિયાના પ્રદેશમાં’ (૧૯૩૫)ની વાર્તાઓ બાળકોને શૂરવીર અને સાહસપ્રિય બનવા પ્રેરણારૂપ છે.

‘શંકરાચાર્ય’ (૧૯૪૮), ‘શ્રી કેશવચંદ્રસેન’ (૧૯૪૮), ‘શ્રી દાદાભાઈ નવરોજજી’ (૧૯૪૮), ‘ગુરુદેવ રવીન્દ્રનાથ’ (૧૯૬૪), ‘આણદાબાવા’ (૧૯૭૯) વગેરે ચરિત્રકૃતિઓ બાળકોની વૃત્તિઓને સંસ્કારે, કેળવે અને ઉદાત્ત બનાવે તેવી છે.

‘અમૃતકથા’ (૧૯૭૯)માં પ્રાચીન જાતકકથાઓ સંચિત થઈ છે. ‘વિશ્વની લોકકથાઓ’ (૧૯૮૨), ‘પ્રબોધક કથાઓ’ (૧૯૮૨) અને ‘વિશ્વનો લોકકથાભંડાર’ (૧૯૮૩)માં દેશપરદેશની લોકકથાઓ સંકલિત થઈ છે.

એમના વાર્તાસંગ્રહ ‘ચબૂતરો’ (૧૯૩૨)માં બાઇબલ-બોધિત પ્રેમ, દયા, ક્ષમા આદિ ગુણોને સ્વતંત્ર વાર્તારૂપે આલેખવાનો પ્રયાસ છે.

‘બ્રહ્મપુરીનો બ્રાહ્મણ’ (૧૯૬૬) ચરિત્રાત્મક લાંબી વાર્તા છે. ‘ગુજરાતનાં યાત્રાધામો’ (૧૯૭૧) એમનું પ્રવાસપુસ્તક છે. ‘ભારતીય કથામંગલ’ (૧૯૬૪)માં ઉપનિષદો, મહાભારત, રામાયણ, ભાગવત વગેરે સંસ્કૃત ગ્રંથોની પ્રસંગકથાઓનું લોકભોગ્ય શૈલીમાં આલેખન થયું છે.

બંગાળી સાહિત્યની ઉત્તમ કૃતિઓના અનુવાદક તરીકે એમનું આગવું સ્થાન છે. શરદબાબુ, રવીન્દ્રનાથ, દેવેશદાસ, નરેશબાબુ વગેરેની વાર્તા-નવલકથાઓના અનુવાદો એમણે આપ્યા છે.

‘સ્વામી’ (૧૯૩૪), ‘શ્રીકાંત’ (૧૯૩૭), ‘કથા ઓ કાહિની’ (૧૯૪૧), ‘સંન્યાસિની’ (૧૯૪૩), ‘ચોખેરવાલી’ (૧૯૪૬), ‘ગોરા’ –ભા. ૧-૨ (૧૯૪૬), ‘પથેરદાબી’ (૧૯૫૭), ‘વિરાજવહુ’ (૧૯૫૭), ‘બડી દીદી’ (૧૯૫૭) વગેરે એમના સફળ અને સંનિષ્ઠ અનુવાદો છે.

‘ભારતની કહાણી’ (૧૯૫૪), ‘ચમત્કારો આજે પણ બને છે’ (૧૯૭૫), ‘અનંતના યાત્રીઓ’ (૧૯૭૭), ‘શ્રીકૃષ્ણપ્રેમ’ વગેરે એમનાં અન્ય અનુવાદપુસ્તકો છે.

~ નિરંજન વોરા (“ગુજરાતી સાહિત્ય પરિષદ”ના સૌજન્યથી, સાભાર.)

Leave a Reply to પરમ પાલનપુરીCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. હું ખૂબ નસીબદાર છું કે મોડાસા માં એમના ઘરની નજીકમાં જ રહીને , એમને ઘેરથી , એમની પાસેથી જ પુસ્તકો લાવીને વાંચવાનો અમૂલ્ય અવસર મેળવ્યો છે. એ દિવ્ય ચેતનાને પ્રણામ કરું છું. ગિરિમા

    1. ગિરિમાબેન, આવા સંત સાહિત્યકારને ઓળખવાનો અને મૂંગા આશિષ મેળવવાનો મોકો મળ્યો. 🙏