ઓળખ (વાર્તા) ~ જયશ્રી પટેલ ‘જયુ’

સરુ ને મોહન આજે બસમાં ન બેઠાં. તેઓની ઈચ્છા હતી આજના પૈસા બચાવી દીકરી દેઘાના જન્મદિએ તેને મજેની સુંદર ભેટ આલવી.

આમ તો હડી કાઢી તેઓ પહોંચી જાતા, આજનો ઉત્સાહ અલગ હતો. બન્નેને ઘરે પહોંચી પ્રથમ તો દેઘાને પૂછવું શે, “અલી સોડી તું હાંચુ કહે તને હું ગમે? કાનની વાળી કે બંગડિયું? આ ફેરા તો તને અલાવવું જ શે અમારે.”

જેમ જેમ ઘર નજીક આવતું ગ્યું તેમ તેમ માવતરનું જાણે દિલ હરખાતું ગ્યું.

અચાનક મોહનને પગમાં જોરદાર ઠોકર વાગી તે ઊથલી પડ્યો. સરુએ જોયું તો કોઈ ઘાયલ હરીર પડ્યું હતું, કણસતું હતું. જલ્દી જલ્દી સરુએ મોહનને ઊભો કર્યો ને બન્ને તે માનવદેહ પાસે આવ્યાં. તેના ડાબા પડખામાંથી લોહી વહેતું હતું.

મોહને પાઘડી કાઢી તેના ઘા પર દાબી દીધી. સરુએ માથે આઘે ઓઢ્યું અને મોહને એની બધી તાકાત વાપરી એ જોરાવર દેહને ખભે નાખ્યો ને ત્યાંથી રીતસર દોડ મૂકી.

ખોરડે આવી મોહને તે ઘાયલ દેહને ખાટલા પર સૂવાડ્યો અને વૈદ્ય બાપાને બોલાવવા દોડ્યો. તેમણે આવી હારવાર હરું કરી તઈજ પેલા માનવદેહે આંખ્યું ખોલી.

મોટી મોટી કાળી ભમ્મર આંખ્યું ને મૂંછો વચ્ચેનો તેનો ચહેરો, પેલા ભારીભરખમ ગલોફા ને મોટું કપાળ. જાણે કોઈ મોટો રાજવી હોય તેવો ગળામાં હારને ખભાનો ખેસ તો જરી-જરીવાળો. આવું કપડું જ પહેલીવાર જોયું દેઘાએ અને માવતરે.

વૈદ્યજી રોજ આવે, ગામના લોકો પણ રોજ આવે, સરુ શહેરમાં નહોતી જતી પણ મોહનને તો રોજ કામે જવું પડે, નહિતો રોજનું રોજ કમાનારા ખાય હું?

આજ એ વાતનો પાંચમો દિ’ થયો. પેલો માનવદેહ હવે સળવળતો, ડિલ પણ તેનું ધીરે ધીરે ઠંડું પડતું ગયું, સનેપાત ઓછો થયો. પોતાની જાતે હરીર બેઠું કરવા તે પ્રયત્ન કરતો.

દેઘા તેને હાથનો ટેકો આપતી, તેને ગરમ ગરમ કાવો આપતી, દવા આપતી. સરુ ક્યારેય તેની હામે ન્ય આવતી.

મોહન કહેતો, ”તંઈ તારે હું લાગતું વળગતું શે તે આટલી આઘી આઘી રેહ શે?”

સરુ તો ઘૂમટો લાંબો કરી દેતી. કોણ જાણે પણ વૈદ્યજી એકવાર, ”ગરમ જળ આલસો” એટલું બોલ્યા તો પણ એ ધ્રુજી ગઈ હતી, કારણ દેઘા ઘરમાં નહોતી અને જળ તેણે આપવા જવું પડવાનું હતું.

ત્યારે તેની મંદ ગતિ જોઈ પેલા માનવદેહે પૂછ્યું, ‘તું મેઘલી કે?’ તેણીએ તે જ ક્ષણે જોરથી માથું ધૂણાવીને નકાર કર્યો હતો. વૈદ્યજીએ ઓળખ આપી હતી, ‘મોહનની ઘરવાળી સરુ શે બાપુ.”

“બાપુ,” દેઘા હસી પડી, “વૈદ્યકાકા એ ચ્યાંના બાપુ સે? હું તમે ઓળખો શો?”

તે બોલી ઊઠ્યો, “હોવે હું પરભાણાનો બાપુ શું. તારો મામો થઉં. બોલ તું મામા કઈશ કે તારા બાપનો ભાઈ-કાકો બનાવીશ સોડી?

દેઘા તો દોડતી માની સોડમાં જ ભરાણી, એક તો પહેલી વાર તે બોલ્યો. તેનો ભારી અવાજ ડરામણો લાગ્યો ને ઉપરથી સીધો જ જવાબ માગ્યો?

સરુ સમજી ગઈ. તે દેઘાને લઈ અંદર ચાલી ગઈ. દેઘાના જન્મ દિ’ની ઉજવણી વિસરાય ગઈ. તે મનોમન ઈચ્છતી હતી કે હવે આ વ્યક્તિ જાય.

મોહને વૈદ્યજીને પૂછ્યું, “શું બાપુ હાજાહમા થૈ ગ્યાશ… તો તેમને ચ્યાં ગામે જવું શે તે હંધુ પૂછી જ લ્યો.”

બાપુએ કહ્યું,” પરભાણા ગામે મુ આલું તે સિટ્ટી પહોંચાડી દેવડાવો.”

મોહને તે કામ માથે લીધું, પણ સરુ ચ્યંમ કરી રાજી ના થઈ. તેણીએ મોહનના મિત્ર તખુને જવા કહ્યું. સિટ્ટી પહોંચીને બાપુને લેવા પાલખીને આઠદહ માણહ સાથે પૂંગી.

જવા ટાણે બાપુએ સરુને પૂછ્યું, “બેન તેં આટલા દિવસ સેવા કરી છે તો માંગ. હું તને જે માંગશે તે આપીશ.”

ત્યાં દેઘા બોલી ઊઠી, “મામા, મને તમારો જરીનો ખેહ છે તે આલો. મારે તેની ચુન્ની બનાવવી શે.”

મામા શબ્દ સાંભળી બાપુ હરખાયા. ખેહ તુરંત ઉતારી આલી દીધો. તિરછી નજરે સરુને જોઈને પાલખીમાં સવાર થઈ ગયા.

“બૂન, તે ચંઈ કરતાં ચંઈ જ ન માંગ્યું, પણ હું દેતો જાઉં શું… તારો સુહાગ સદા અમર રહે.”

સરુની આંખો ઘૂમટામાં ચૂઈ પડી. સરી જતાં એ આંસુને તે ચ્યંમ કરતાં પણ ન રોકી હકી. ‘કોણ જાણે પણ તેને આ મનેખ દેહ ને તેના આ હગપણ પર ક્રોધ આવ્યો.

કહી તો ગ્યો ‘સુહાગ અમર રહે’, પણ એક વખો એવો હતો કે ચોરે ને ચોકે તેના ડરથી હા પણ અધરો થઈ ગ્યો હતો. કેટલું છૂપાયા હતા આ ગામથી પેલા ગામ. મોહનના પ્રેમને લીધે ગામ, ઘર ને ભાઈ સોમાબાપુને છોડી નીકળી ગઈ હતી.

મોહનને ક્યારેય નહોતો મળ્યો તેથી ન ઓળખી શક્યો, પણ મુને તો ઓળખી જ ગ્યો’તો ને! મેઘલી કહી જ હતી ને? એ તો હારું કે સનેપાતમાં માડીનું ને જીવલીભાભીનું નામ બોલ્યો હતો તેથી ને અવાજ પરથી વીરા તુને ઓળખી જ ગઈ હતી.’

વિચારતી વિચારતી અંદર ગઈ ત્યાં મોહન આવી પૂગ્યો ને સરુને જોઈ બોલી ઊઠ્યો, “સરુ, તારો વીરો જ હતો ને?”

સરુ ફાટી આંખે જોતી રહી, “તુને ચ્યમ ખબર પડી?”

મોહને માંડીને વાત કરી. પાદરે પહોંચતા જ આ રૂપિયાની થેલી આપી તારો વીરો બોલ્યો,

“મેઘલીને કહેજે આ બાવડે મોટી કરી છે, તેની પરસેવાની ગંધ પણ પારખી જાઉં ને તેની ચાલ પણ, ને એ હાથના રોટલા ઘડેલા ચ્યંમ કરતાં વિસરું. આખરે તો હું તેનો માડી જાયો, મુને ચ્યમની છેતરી હકે?

રહેવા દે મોહન એમ કટારે હાથ ન નાખ. વચન આલીને આયો છું એના સુહાગને સલામત રાખીશ. તો હવે તારો વાળ પણ વાંકો ન થાવા દઉં.

તને મળ્યા પસી લાગે શે કે એણે તને પસંદ કરી કોઈ ભૂલ નથી કરી. એને કહેજે માફ કરી શકે તો જરૂર વીરાને માફ કરી પરભાણાના પાદરે પધારે.”

~ જયશ્રી પટેલ ‘જયુ’

Leave a Reply to NARESH V SHAHCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 Comments