અધૂરાં સપનાં ~ લઘુ નવલકથા ~ ભાગ ૨ ~ સપના વિજાપુરા

પ્રકરણ: ૧૧

નેહા  એકદમ ચોંકી ગઈ પ્રોફેસર ચુડાસમાએ  એને બે હાથથી ઊંચકી લીધી હતી. સાયકલવાળો તો ભાગી ગયો. હજુ એ ગુસ્સામાં હતી. સાયકલવાળાની ઝાટકણી કાઢવી હતી.

એટલામાં તો પ્રોફેસર બોલ્યા, “મિસ નેહા, અરે, તમને તો બેઉ હાથની કોણી પર વાગ્યું છે, અને જુઓ સહેજ લોહી પણ નીકળે છે.” એવું કહીને એમણે એમનો રૂમાલ અને પાણીની બોટલ બેગમાંથી કાઢી.

નેહા ઊભી થઈને બેઉ કોણી પરની ધૂળ ખંખરતી હતી ત્યાં તો પ્રોફેસરે પાણીથી બેઉ કોણી સાફ કરીને એમનાઅ રૂમાલથી લૂછતાં કહ્યું; “થેંક ગોડ કે તમને વધુ વાગ્યું નથી. લોહી તો બહુ નથી નીકળ્યું અને ધૂળ પણ સાફ થઈ ગઈ છે. ઘેર જઈને જખમ સાફ કરી લેજો જેથી ઈન્ફેક્શન ન થાય.”

છોભીલી પડી ગયેલી નેહાથી માંડમાંડ “થેંક્યુ સર.” એટલું જ બોલાયું.

“માફ કરજો, નેહા. ઈટ ઈઝ નોટ માય બિઝંસ પણ છેલ્લો કલાસ પાંચ વાગે પૂરો થાય છે. તમે આવી રીતે અંધારામાં એકલાં ચાલીને તમારી જાતને રિસ્કમાં મુકો છો. સમયસર ઘરે જાઓ. ઘરવાળા પણ તમારી ચિંતા કરતા હશે. આવા ગુંડા-મવાલીથી દુનિયા ભરી પડેલી છે. તમારો ખ્યાલ કરતાં શીખો. આટલાં  મોડે સુધી શું તમે કોઈ બોયફ્રેન્ડ સાથે હતાં ?”

આવો  સીધો સવાલ સાંભળી એ ગભરાઈ ગઈ.એ બોલી, “નો, નો, સર . મારે કોઈ બોયફ્રેન્ડ નથી હું તો બગીચામાં બેઠી હતી. ત્યાંથી નીકળતાં મને વાર થઈ. આભાર સર. તમે મને બચાવી લીઘી.”

પ્રોફેસરે કહ્યું, “ચાલો, હું તમને ઘર સુધી પહોંચાડી દઉં.” નેહા ના કહેતી રહી પણ પ્રોફેસર એની સાથે ચાલવા લાગ્યા. એમની વાતમાં આદેશ સાથે જાદુ પણ હતો કે કોઈ પણ એમને ના કહી શકે એમ નહોતું. એ પ્રોફેસરની પાછળ પાછળ એ રીતે ચાલી રહી હતી જાણે કોઈએ એને હિપ્નોટાઈઝ કરી હોય.

નેહા  પોતાના ઘર પાસે આવી અટકી ગઈ. “આભાર સર. હવે હું ધ્યાન રાખીશ. જલ્દી ઘરે આવી જઈશ. અહીં સુધી આવ્યા છો તો ઘરમાં આવો સર. બાને મળીને જાઓ. હું કોફી પણ સરસ બનાવું છું.”

પ્રોફેસર મંદમંદ હસ્યા અને કહ્યું, “ફરી ક્યારેક, આજે નહીં. ચાલો આવજો.” કહીને પ્રોફેસર ગયા.
****
નેહા જેવી ઘરમાં દાખલ થઈ એટલે બા તો એકદમ ગુસ્સે થઈ ગયાં. “ક્યાં રખડ્યાં  કરે છે અડધી રાત સુધી? ફોન કર્યાં તો ફોન પણ ઊપાડવાનો બહેનબાને સમય નથી? કેટલી ચિંતા થાય એનું ભાન છે કે નહિ?”

નેહાએ જોયું તો ઘેરથી છ-સાત મિસ્ડ કોલ હતા જે સાગર સાથેની વાતમાં મશગૂલ નેહાએ જોયાં પણ નહોતાં. એણે નરમ અવાજે કહ્યું, “સોરી બા.”

પણ બાનો મુડ આજે જુદો હતો. “નેહા, તારા પપ્પાએ આપેલી છૂટનો ગેરલાભ ઊઠાવે છે. દીકરીની જાત છે. કાંઈ ઊંચ નીચ થશે તો મોઢું બતાવવાને લાયક નહિ રહીએ! ફિલ્મમાં લખવા દીધું, હવે ઘરમાં ફિલ્મ બનાવતી નહિ.”

નેહા બધું ચૂપચાપ સાંભળી રહી હતી. એનો દોષ હતો. એ સાગરની વાતમાં મશગૂલ થઈ ગઈ હતી. એને સમયનું ભાન રહ્યું નહોતું. બાની વાત તો સાવ સાચી હતી. બાને “સોરી” કહીને એ કપડાં બદલવા રૂમમાં ગઈ.

એ મનમાં હજુ પણ સાગરના વિચારોમાં હતી. ‘સાગર સાથે કાંઈ વાત ખુલાસાથી કરવી પડશે. એ દરેક વાતનો ગોળગોળ જવાબ આપતો હતો. એના વિષે એને કાંઈ પણ માહિતી નહોતી. દરેક વાતને હસવામાં  ઉડાડી દેતો હતો. પણ જ્યા સુધી એના જીવન વિષે જાણું નહિ ત્યાં સુધી હું મારા પ્રેમનો એકરાર કરવાની નથી. એ ભલે મને ખૂબ ગમતો હોય!’
પછી એને થયું કે, ‘બાની વાત સાચી છે. મારે ઘરે જણાવી દેવું હતું કે મને સહેજ મોડું થયું છે! કોને ખબર,  બાનો ગુસ્સો ઉતરી ગયો હશે કે નહીં ?’ એટલામાં તો બાની બૂમ સંભળાઈ. જમવા માટે બોલાવતી હતી. સ્નેહા પણ એને બોલાવવા રૂમમાં આવી અને નેહાને પૂછ્યા વિના રહી ન શકી.

“હા, તો નેહા તું ક્યાં હતી આટલે મોડે સુધી ?” સ્નેહાએ પૂછ્યું.

નેહા  ગુસ્સે થઈ ગઈ. “ચિબાવલી, તને બધી પંચાત છે…!”

એટલામાં બાએ જમવા માટે ફરી સાદ પાડ્યો અને નેહા સ્નેહાનો ચોટલો ખેંચી ડાઇનિંગરૂમમાં લઈ ગઈ. બાનું મોઢું થોડું ચડેલું હતું.

નેહાએ બાને ગાલે ચૂમી ભરી કહ્યું, “બા હવે મોડી નહિ આવું પ્લીઝ..પ્લીઝ, પપ્પાને કહેતી નહિ. પ્રોમિસ કે કદી મોડી નહિ આવું. એક ભૂલ તો ભગવાન પણ માફ કરે, તું તો મારી વહાલી બા છે !” અને બા હસી પડી.

જમતાં જમતાં નેહા બોલી, “બા, આવતી વખતે એક સાઈકલવાળાની ટક્કર લાગતાં હું પડી ગઈ હતી. કળ વળતાં જરાક વાર થઈ. અમારી કૉલેજના પ્રોફેસર મારી પાછળ જ ચાલતા હતા તો એમણે ઊભા થવામાં મદદ કરી. સાઈકલવાળો તો ભાગી ગયો…!”

હવે બા ઊભા થઈને નેહા પાસે ગયા અને વહાલથી માથે હાથ ફેરવીને કહે, “જોવા દે, ક્યાંક વાગ્યું તો નથીને?”

નેહાએ કોણી બતાવીને કહ્યું, “કોણી છોલાઈ ગઈ છે. સરે એમની પાસે પાણીની બોટલ હતી એમણે પાણીથી બેઉ કોણી સાફ કરી આપઈ. બળે છે પણ લોહી નથી નીકળતું.”

હવે સ્નેહા પણ જમતાં જમતાં ઊભી થઈ ગઈ અને દોડીને ‘ફર્સ્ટ એઈડ’નો ડબ્બો લઈ આવીને નેહાના હાથને ધીરેથી સીધા કરીને જખમને ફરીથી આલ્કોહોલ સ્વોબથી સાફ કરીને નિયોસ્પોરીનનું ઓઈન્ટ્મેન્ટ લગાવ્યું. પછી બેન્ડેડ લગાવી આપ્યું. બા અને સ્નેહા બેઉએ નેહાને હગ આપી.

બાની આંખો ઉભરાઈ આવી અને એ બોલી, “બેટા, આવું કંઈ થાય તો ફોન તરત કરીએને? મારી દીકરી…!” અને એમના ગળામાં ડૂમો ભરાઈ ગયો…!

સ્નેહા અને બાની એ હગમાં નેહાને થયું કે એનાં આ સલામતીના કવચમાં એ કાયમ સુરક્ષિત છે!
****
રાત્રે સૂતાં પહેલાં, નેહાએ ઈ-મેઈલ ચેક કરી. સાગરની ઈ-મેઈલ નહોતી.. મનમાં ગુસ્સો પણ આવ્યો. બાયોડેટા મોકલ્યો નથી અને અમસ્તી વાતો, વાતો અને વાતો… કોઈ વજૂદ વિનાની!. સાગરની વાતો હવે રહસ્યમય લાગવા માંડી હતી. કદાચ સાગર પણ ફ્રોડ હોય તો?  નેહાને થયું કે એ સાગરને ક્યા આધારે મનોમન પ્રેમ કરવા માંડી છે? આવા નવિચારોમાં ગરકાવ થઈ ગઈ. રાત ધીરે ધીરે પસાર થઈ રહી હતી.

મનમાં વહેમે ઘર કરી લીધું હતું. સાગર પોતાને આટલો બધો રહસ્યમય શા માટે બનાવી રહ્યો છે. ફોટો મોકલી પહેલા દિલ મોહી લીધું અને હવે સસ્પેન્સ ઊભું કરી રહ્યો છે. ચાંદની આજ એને આંખોમાં ખુંચી રહી હતી. થોડીથોડી વારે પ્રોફેસર પણ ખ્યાલોમાં વિજળીની જેમ ચમકી જતા હતા. શું પ્રોફેસરની પ્રેમિકા ખૂબ સુંદર હશે કે પ્રોફેસરનું દિલ ક્યાંય લાગતું નથી? કે પ્રોફેસર એને ખૂબ પ્રેમ કરતા હશે. પણ એ છોકરી પ્રેમ નહિ કરતી હોય? શા માટે પ્રોફેસરને છોડી દીધા હશે? આવા કેટલાય સવાલ એની આંખને બંધ થવા દેતા ના હતા.

“સુનેહરા સપનાં”ની સ્ક્રિપ્ટ પણ તૈયાર કરવાની હતી. ‘ચેતનકુમાર આવે તો એની સાથે વાત થાય. આવતી કાલે હું ચેતનાકુમારની ઓફિસમાં જઈ આવીશ’ એવું એણે મનમાં નક્કી કરી લીધું. આમ તો એને બે લાખનો ચેક આપ્યો છે. એટલે ચિંતા નહોતી પણ ફિલ્મમાં પોતાનું નામ જોવાની નેહાને તાલાવેલી લાગી હતી. એક પછી એક વાર્તાના પ્લોટ મનમાં ચાલી રહ્યા હતા. ધીરેધીરે એની આંખો બંધ થવા લાગી. અને સરી પડી એ સપનાંની ફેઇમની દુનિયામાં! સપનાંમાં વિહરવાની કયાં પાબંદી હોય છે. વિના મૂલ્ય વિના રોકટોક જોવાતી ખૂબ સસ્તી અને મસ્તીવાળી ફિલ્મ, મરજી મુજબ બની જાય છે..!

બીજા દિવસે એ ચેતનકુમારની ઓફિસમાં પહોંચી ગઈ અને સેક્રેટરીને પૂછ્યું,” ચેતનકુમાર આવી ગયા ?”

સેક્રેટરી એ માથું ઘુણાવી ના કહી. નેહાએ તેને પૂછ્યું,” ક્યારે આવશે?”

સેક્રેટરી કાંઈ જવાબ આપે એ પહેલા તો ઓફિસમાંથી ચેતનકુમાર બહાર આવ્યા. નેહા તો ડઘાઈ ગઈ. પણ સેક્રેટરી ક્ષોભ પામી ગઈ હતી.

ચેતકુમાર સ્વસ્થ થતા બોલ્યા,” ઓહોહો, મિસ નેહા, તમે આવ્યા છે?” પછી સેક્રેટરી તરફ ફરીને કહે; “અરે, મને કેમ ન જણાવ્યું? આવો, આવો. આપણે ઓફિસમાં બેસીને વાત કરીએ.”

ચેતનકુમારે એનો હાથ પકડી લીધો. નેહાએ સાવચેતીથી હાથ છોડાવી લીધો. અને ઓફિસમાં દાખલ થઈ.

“સર, તમે પેરિસ ગયા હતા શૂટિંગ માટે મને ખબર પડી હતી. શું ‘અધૂરા સપનાં ‘નું શૂટિંગ હતું? આપને ખૂબ ખૂબ અભિનંદન !”

ચેતનકુમારે કહ્યું,” હા, નેહા લગભગ ફિલ્મ પૂરી થવા આવી છે. થોડું શૂટિંગ અહીં થશે અને થોડું કાશ્મીરમાં અને ફિલ્મ પૂરી થઈ જશે. પછી તને પ્રિમિયમ વખતે કાર્ડ મળી જશે તું આવીશ ને?”

નેહા એકદમ ખુશ થઈ ગઈ હતી. એ એ પણ ભૂલી ગઈ કે થોડી વાર પહેલા એની આગળ જુઠ્ઠું બોલવામાં આવ્યું હતું કે ચેતનકુમાર હજુ પાછા આવ્યા નથી.

” હા સર, ચોક્કસ આવીશ. મારી લખેલી ફિલ્મનાં પ્રિમિયમમાં  હું ના જાઉં તો કોણ જાય? હા, સર. પણ ચાર વ્યક્તિ માટે કાર્ડ મોકલશો. હું મારા માબાપ અને બહેનને પણ લઈ આવીશ.

ચેતનકુમાર મંદમંદ હસી રહ્યા હતા. એક લુચ્ચાઈની ચમક પણ હતી પણ એ નેહાને દેખાતી નહોતી. ભોળી હતી. પહેલો અનુભવ હતો. ફિલ્મી દુનિયાથી અજાણી હતી.

ચેતનકુમારે પૂછ્યું,” બીજી સ્ક્રિપટ તૈયાર થઈ ગઈ છે? હવે કોઈ વાર્તા બીજા કોઈ પણ મેગેઝીન કે છાપામાં મોકલતી નહિ. યુ વીલ નાઉ એક્સ્ક્લુઝિવલી રાઈટ ફોર અસ એ આપણે સિક્રેટ રાખવાનું. ખાલી તું અને હું જાણીએ. ” આમ કહી નેહા સામે આંખ મીચકારી.

“સારું સર, હું કોઈ મેગેઝિનમાં નહિ મોકલું. સીધી તમારી પાસે આવીશ. મારા મગજમાં ત્રણચાર પ્લોટ પણ છે. જેનું રફ કામ કરી તમને મોકલી આપીશ.”

ચેતનકુમાર  ખુરશી પરથી ઊઠી ગયા. “મિસ નેહા, મારે શૂટિંગમાં જવાનું છે. તો આપણે ફરી મુલાકાત કરીએ. ”

એમ કહી નેહાની નજીક આવ્યા અને નેહાના બંને ખભાને દબાવ્યા. નેહાને આ બધું થોડું અજુક્તું લાગતું હતું. અને ખબર નહિ,  કેમ પણ એમના સ્પર્શમાં એક ન ગમે એવી લાગણી ઊભી થતી હતી. એ સંકોચાઈ ગઈ.

એ  પણ ઊભી થઈ અને ચેતનકુમારને કહ્યું, “સર આપને વાંધો ના હોય તો હું એક દિવસ શૂટિંગ જોવા આવું? મારી બહેનને પણ ખૂબ શોખ છે!”

ચેતનકુમારે કહ્યું; “ચોક્કસ હું તમને જણાવીશ.”

નેહા ઓફિસમાંથી બહાર નીકળી ગઈ. એ ખુશ હતી. કે એની લખેલી વાર્તા પરથી સાચે જ ફિલ્મ બની રહી હતી. અને હવે એ ફેમસ થવાની હતી.

નેહા મનમાં મનમાં ગણગણી ” આજ કલ પાંવ જમીન પર નહિ પડતે મેરે , બોલો દેખા હૈ કભી તુમને મુજેહ ઉડતે હુએ?”

પ્રકરણ: ૧૨

ચેતનકુમારની  ઓફિસમાંથી નીકળી સીધી એ કૉલેજ ગઈ. સાયરાની બેચેનીથી રાહ જોવા લાગી. આજ એ વહેલી પહોંચી ગઈ હતી. કલાસમેટ કોઈ આવ્યાં હતાં નહોતા કે એની સાથે ગપશપ મારી શકે. એને સાગર યાદ આવી ગયો. એને થયું, “ચાલ, આજ તો સાગરને સરપ્રાઈઝ આપું અને મને જ સામેથી કોલ કરવા દે. આમ તો કાયમ એ જ કરે છે. વળી બાયોડેટા પણ નથી મોકલ્યો તો એટલે એ બહાને પણ વાત થશે. અને આમયે બે ત્રણ દિવસ થયા, એનો અવાજ પણ નથી સાંભળ્યો. આજે એને મારી ફિલ્મની વાત પણ કરીશ.”

એણે  સાગરનો નંબર પહેલીવાર ડાયલ કર્યો. સાગરે તરત પહેલી રિંગે ફોન ઉપાડી લીધો. “હલો, મિસ નેહા, સાગરની યાદ આવી ખરી! પણ જરા હોલ્ડ કરજો. હું જરા બહાર નીકળીને આપની સાથે વાત કરું, હું ઓફિસમાં આવ્યો છું.”

નેહા તરત બોલી,” કાંઈ તકલીફ જેવું હોય તો પછી વાત કરું.”

“ના, ના, ના, કોઈ તકલીફ નથી . આ તો થોડી પ્રાયવસી માટે. બોસ ફોન પર પ્રેમની વાતો કરે તો સ્ટાફ શું સમજે ?” કહી સાગર ખડખડાટ હસી પડ્યો. નેહા ફોન પકડી ઊભી રહી.

સાગર બહાર આવીને બોલ્યો, “કહો, મારી યાદ શા માટે આવી?”

નેહા  બોલી, “મારે તમને સમાચાર આપવા હતા કે મારી એક વાર્તા પરથી ચેતનકુમાર એક ફિલ્મ બનાવી રહ્યા હતા, એ ફિલ્મ લગભગ પૂરી થવા આવી છે.  હું થોડા સમયમાં સ્ટાર બનવાની છું.” એના અવાજમાં અપરિપક્વ અભિમાનની ઝલક દેખાતી હતી.

સાગર તો એકદમ  ઉછળી પડ્યો અને ખુશ થઈ ગયો. “વાહ , મને તો ખબર જ હતી કે એક દિવસ તમે મોટા સ્ટાર બનશો અને અમને યાદ પણ નહિ કરો. કહો સાચું કહ્યું ને? યાદ કરશો કે નહિ ?”

નેહા સહેજ ટિખળી સ્વરમાં બોલી, “એ તો સમય જ બતાવશે, પણ તમે તમારો બાયોડેટા મોકલ્યો નહિ. શું કોઈ રહસ્ય છે જે છુપાવી  રહ્યા છો ?”

સાગરે કહ્યું, “ના, કશું છુપાવવાનું નથી પણ જ્યાં સુધી તમે ફોટો ના મોકલો, ત્યાં સુધી બાયોડેટા શા માટે મોકલું? કે પછી તમે જ મારી સાથે લગ્ન…..” સાગરે વાત અડધી મૂકી દીધી.

નેહાએ વાતનો દોર ચાલું રાખતાં કહ્યું, “ચાલો, માની લો કે હું જ રસ લઉં છું. તો મારે તમારા વિષે જાણવું તો પડશે ને! અને તમારી એટલી બધી જીદ હોય તો આપણે વાત પડતી મૂકીએ. હવે તમે તમારે રસ્તે, હું મારે રસ્તે.” નેહાના અવાજમાં એ ધીરજ ગુમાવી રહી હતી, એવું સ્પષ્ટ દ્યોતક થતું હતું..

સાગરે કહ્યું , “એક શરતે હું બાયોડેટા મોકલીશ. તમે તમારો ફોટો મોકલો. તમારી પાસે મારો ફોટો તો છે જ.”

નેહાએ કહ્યું,” સારું!” અને વધુ વાત કહ્યા-સાંભળ્યાં વિના એણે ફોન મૂકી દીધો. દૂરથી સાયરાને આવતા જોઈ એ એના તરફ ધસી ગઈ અને ભેટી પડી.

સાયરા,” અરે વાહ! આજ તો બહુ સારા મૂડ માં લાગે છે? શું વાત છે?”

નેહા બોલી પડી, “હા, હા, ખૂબ સારા મૂડ માં છું. સાયરા, મારી વાર્તા પરથી જે ફિલ્મ બનવાની હતી તે લગભગ તૈયાર થઈ ગઈ છે. એકાદ મહિનામાં પ્રિમિયર શો પણ થશે. હું ખૂબ જ ખુશ છું. હવે તું જોજે, એકથી એક સ્ક્રિપટ લખીને હું બધા પ્રોડ્યસરોને આપીશ અને મારી ડિમાન્ડ વધી જશે.”

સાયરા બોલી,”નેહા, સ્લોડાઉન, માય ડિયર. પહેલા ફિલ્મ આવવા દે. સપનાં જોવાનો વાંધો નથી અને પણ પૂરા થવા માટેનો સમય તો આપ, માય ડિયર! તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એટલે સલાહ આપું છું કે ક્યારેક સપનાં તૂટતાં પણ હોય છે અને એની કરચો આંખોમાં ક્યારેક તો જિંદગી આખી આંખમાં ખૂંચે છે. પ્લીઝ, ડુ નોટ ટેઈક મી રોંગ, મારી  મિત્રની એ હાલત ન થાય એ માટે લેક્ચર આપું છું.

નેહાએ મોઢું બગાડ્યું. “સાયરા, તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. મારી ખુશી તારી સાથે ના શેર કરું, તો કોની સાથે કરું? સારું, તો ચાલ, તારી વાત માનીને આખી કૉલેજમાં ઢંઢેરો નહિ કરું. પણ તું તો ખુશી બતાવ!”

સાયરાએ નેહાને ગળે લગાવી દીધી. નેહા સાયરા સાથે પોતાના જીવનની દરેક વાત શેર કરતી. જીવનમાં એક પાત્ર તો એવું હોવું જોઈએ જેના ખભા પાર માથું મૂકી રડી શકાય અને એને ભેટીને હસી શકાય. એની સામે તમારું જીવન એની સામે ખુલ્લી કિતાબ જેવું હોય! પહેલો ‘ક્રશ’, પહેલી વાર દિલનું તૂટવું. પહેલીવારનું ચુંબન અને પહેલીવાર કોઈની બાહુપાશમાં પીગળવું, આ બધું જ કોઈ પણ છોછ વિના એકબીજા સાથે શેર કરી શકાય, સાયરા એવી બચપણની મિત્ર હતી. જે વાત ઘરનાંને ખબર ના હોય તે સાયરાને ખબર હોય!

સાયરા અને નેહા વચ્ચે કોઈપણ પ્રકારની ઈર્ષા કે વેરઝેર નહોતા. ઘણીવાર મિત્ર થઈને મિત્રનું ખરાબ ઈચ્છતા હોય છે. પણ સાયરા ખૂબ જ લોયલ મિત્ર હતી અને હંમેશા એને જે નેહા માટે સાચું અને સારું હોય એવી સલાહ આપતી. સાગર વિષે નેહાને સાયરાને બધું ખુલાસાથી કહેવું હતું. પણ જ્યારે સાગર બાયોડેટા મોકલે ત્યારે! નેહાને શંકા પણ થતી. “કોને ખબર કેમ સાગર બાયોડેટા મોકલવામાં શું કામ ઢીલ કરતો હશે? શું એના દિલમાં ચોર હશે? શું એ મારાથી કૈક છુપાવતો હશે?”

આજકાલ આગળ વધુ લખવામાં દિલ લાગતું નહોતું. ચેતનકુમારની ફિલ્મ રિલિઝ થાય, તો થોડો ઉત્સાહ આવે અથવા તો એને મનગમતો હોય એવો બાયોડેટા સાગર મોકલે! જિંદગી ‘લિમ્બો’ પર લટકી રહી હોય એવું લાગતું હતું. મન ક્યાંય ચોંટતું નહોતું. કલમ ઉપડતી નહોતી. જાણે હાથ કોઈએ બાંધી દીધા હોય એવું લાગતું હતું. ચેતનકુમાર પ્રિમિયર શોની ટિકિટ મોકલે તો સ્નેહા, પપ્પા અને બાને અને વધુ પાસ મળે તો સાયરાને પણ લઈ જવાનાં સપનાં નેહા જોતી હતી.

મહિનો નીકળી  ગયો. ન સાગરે બાયોડેટા મોકલ્યો કે ન ચેતનકુમારની ઓફિસમાંથી કોલ આવ્યો. એ દિવસે સવારે વહેલી ઊઠી એ કૉલેજ જવાની તૈયારી કરતી હતી અને ફોનની રિંગ વાગી. ચેતનકુમારની ઓફિસમાંથી ફોન હતો. “મેમ, તમારી ‘અધૂરાં સપનાં’ ની પ્રિમિયમ શોની ટિકિટ તૈયાર છે. તમે ઓફિસ આવી લઈ જશો કે હું તમને મેઇલ કરું ? મારું સજેશન છે કે ઓફિસ આવી લઈ જાઓ કે કારણકે આ રવિવારનો શો છે. મેઈલ કરીશ તો કદાચ તમને સમયસર ટિકિટ ન મળે!”

નેહા ખુશીથી લગભગ ઉછળી પડી અને ઉત્સાહથી કહ્યું એ પોતે જ ઓફિસ આવીને લઈ જશે!

એ ચેતનકુમારની ઓફિસમાં પહોંચી ગઈ. ટિકિટ એને મળી ગઈ. એણે ચેતનકુમારને મળવાની ઈચ્છા દર્શાવી પણ સેક્રેટરીએ ‘સાહેબ બીઝી છે’ કહી વાત ટાળી દીધી. નેહાએ સાયરા માટે એક વધુ ટિકિટ માટે વિનંતી પણ કરી પણ એને ન મળી શકી. નેહા સહેજ નિરાશ તો થઈ, પણ બીજો કોઈ ઈલાજ પણ શું હતો?

રવિવાર આવી ગયો. સવારે અગિયાર વાગ્યાનો શો હતો. બા, પપ્પા અને સ્નેહાને લઈને એ થિયેટર પર પહોંચી ગઈ. મોરપીછ રંગની સાડીમાં એ ‘મોરની’ જેવી લાગી રહી હતી. પાર્લરમાં જઈને મેકઅપ કરાવી આવી હતી. વાળને પણ સેટ કરાવ્યા હતા. આર્ટિફિશયલ ડાયમન્ડ જવેલરી પહેરી હતી. હિલવાળા સેન્ડલ અને ગોરી પાતળી નેહા કોઈ હીરોઈનથી ઓછી દેખાતી નહોતી. નેહા અને એનાં પરિવારજનો થિયેટરમાં દાખલ થયા અને સીટ પર બેઠાં.

આજુબાજુ  હિરો હિરોઈનનો  મહેરામણ ઊભરાંતો  હતો.

સૌ એકબીજાને મળી હાથ મેળવતાં   હતાં.  ચેતનકુમારે દૂરથી હાથ ઊંચો કર્યો. એ ખુશ થઈ ગઈ. ચેતનકુમાર કોઈ સાથે ઓળખાણ કરાવતા નહોતા કે આ મારી ફિલ્મની લેખિકા છે. એને જરા ગમ્યું નહિ પણ એને થયું કે, ‘મોટા માણસ છે. બીઝી છે. ઈવેન્ચ્યુઅલી તો ફિલ્મના રાઈટર તરીકે જરૂર મારી ઓળખાણ કરાવશે.’ સૌ પોતપોતાની ખુરશી પર ગોઠવાઈ ગયાં. પણ નેહાને થોડું અજુગતું લાગતું હતું. એણે એના પપ્પાની સાથે ચેતનકુમાર પાસે જવાનો નિર્ણય કર્યો.

પ્રકરણ: ૧૩

નેહા એનાં પપ્પા સાથે ઊભી થઈને ચેતનકુમાર પાસે જતી હતી કે એટલામાં જ અંધારું થવા લાગ્યું. નેહા સહેજ નિરાશ થઈને પાછી ચેર પર બેસી ગઈ. એણે વિચાર્યું, “કાંઈ નહિ. હું ફિલ્મ પુરી થાય એટલે એમની સાથે વાત કરી લઈશ.”

એ એકી નજરે સ્ક્રીન પર જોઈ રહી હતી. આમ તો ફિલ્મ શરુ થાય એટલે ફક્ત કલાકાર સિવાય બીજું કાંઈ જોવા માટે કોઈ રસ હોતો નથી. પણ આજ તો પોતાની લખેલી સ્ક્રિપટ પર ફિલ્મ બની હતી. ઘરનાં લોકો પણ ઉત્સુક્તાથી નેહાના નામની રાહ જોઈ રહ્યાં હતાં. કલાકાર, દિગ્દર્શક , નિર્માતા, ગાયક, અને સ્ટોરી રાઈટર આવતા નેહા ચેર પર અડધી ઊભી થઈ ગઈ. સ્ટોરી રાઈટર ચેતનકુમાર!

નેહાને લાગ્યું કે ચક્કર આવી જશે! “આ શું? મારું નામ કોઈ જગ્યાએ આવ્યું જ નહિ? એવું કેમ બને? એમણે મને સ્ટોરી માટે બે લાખ રૂપિયાનો ચેક આપ્યો છે. આવું કેમ કરી શકે? એને અંધારામાં ચેતનકુમાર સામે જોવા પ્રયત્ન કર્યો . પણ અફળ ગઈ. સારું છે, અંધારું છે નહીંતર એ દગાખોર પોતાનો ચહેરો શી રીતે છુપાવી  શકત? એની આંખો શરમથી ઝૂકી જાત!”

પણ ભાઈ, નેહાને કોણ સમજાવે કે આ તો ફિલ્મી દુનિયા છે! એ લોકો શરમ, લાજ- બધું નેવે મૂકી દે છે. દગો તો આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોહીમાં ભળેલો છે.

નેહાને સમજાયું કે એ એની જ ભૂલ હતી કે એણે ચેતનકુમારનો વિશ્વાસ કર્યો અને કોન્ટ્રેક્ટ બરાબર જોયા-કર્યા વગર અને જે પેપર્સ પર સહીઓ કરી આપી. કોન્ટ્રેક્ટની એક કોપી પોતાની પાસે રાખ્યા વગર જ  ચેતનકુમારને સ્ક્રિપટ આપી દીધી. બે લાખના ચેકે એને અંજાવી દીધી હતી. હવે એને સમજાતું હતું કે બરાબર કોન્ટ્રેક્ટ ન કરીને એણે ભૂલ કરી છે. એણે એના પપ્પાની મદદ એણે લેવી જોઈતી હતી. ઘરની બહારની જિંદગી ‘બ્રુટલ’ – ખૂબ જ ક્રૂર અને કઠોર છે. એક જ અનુભવે નેહાને આસમાન પરથી જમીન પાર ફેંકી દીધી. એકજ અનુભવે એને ખબર પડી કે કલા તો અહીં કોડીના ભાવે વેચાય છે. પણ હવે દૂધ ઢોળાઈ ગયા પછીનું આ ડાહપણ શું કામનું? નેહા દાંત કચકચાવીને રહી ગઈ. જિંદગીએ એની સાથે અજબ ખેલ ખેલ્યો.

નેહાના મનમાં કોઈ બીજી જ ફિલ્મ જ ચાલી રહી હતી. એને થતું હતું કે, “હવે હું  લોકોને શું મોઢું બતાવીશ? કૉલેજમાં ઢંઢેરો પીટી નાખ્યો કે મારી સ્ક્રિપટ પરથી ફિલ્મ બની રહી છે! હવે આખી કૉલેજ મારા પર હસશે. હું શું કરીશ? કૉલેજ તો મારે છોડવી પડશે. મારું ભણતર!! અને પપ્પા હવે મને લખવા દેશે?”

એણે આંસુથી તગતગતી આંખો સાથે અંધારામાં પપ્પા સામે જોયું! પપ્પાએ એનો હાથ પકડી લીધો અને દબાવ્યો. અને જ્યારે અંધારમાં પપ્પા સામે આંખ મળી તો પપ્પાએ બીજો હાથ ઊંચો કરી શાંતિ રાખવા કહ્યું. પણ એનું મગજ તો ચેતનકુમાર સામે કેટલાંય  ઝગડાં કરી રહ્યું હતું.

ફિલ્મ  ખૂબ સરસ બની હતી. પ્રેમ, રોમાન્સ અને આંસુ. બીજો શો મસાલો જોઈએ વાર્તા માટે? પણ નેહાનું નામ ક્યાંય ના આવ્યું . પોતાની લખેલી સ્ક્રિપટ અને પોતાનું નામ નહિ. નેહાને લાગ્યું કે જાણે કોઈએ એના હૃદયમાં જઈને ચોરી કરી છે. એ તો બીજી સ્ક્રિપટ તૈયાર કરી ચૂકી હતી. હવે એ ચેતનકુમારનું મોઢું પણ નહિ જુએ! શું સમજતો હશે ? એ તો દગાખોર નીકળ્યો.

ફિલ્મ પુરી થઈ અને થિયેટર  લાઇટથી પ્રકાશિત થઈ ગયું. નેહા ચેરમાંથી ઊભી થઈ ગઈ. એને ચેતનકુમાર પાસે જઈને જવાબ માંગવો હતો. પણ પપ્પાએ અને જોરથી એનો હાથ પકડી રાખ્યો અને એને રોકી રાખી.

નેહા ધુંધવાતી હતી. લાગતું હતું કે હમણાં બોમ્બની જેમ ફૂટી જશે. બધા કલાકાર અને નિર્માતા ચેતનકુમારને મુબારકબાદી આપી રહ્યા હતા. પપ્પાએ નેહાનો હાથ પકડી રાખ્યો હતો. બધાં  મુબારકબાદ આપી બહાર જવાં   લાગ્યાં. હોલ લગભગ ખાલી થઈ ગયો. તો નેહા પપ્પાનો હાથ છોડાવીને ઊભી થઈ. ચેતનકુમાર પાસે આવી. હજુ બેચાર લોકો એને વીંટળાઈને ઊભા હતા.

નેહાને શું કહેવું એ સમજ ના પડી. પણ એ બોલી, “મુબારક ચેતનકુમારજી, સરસ ફિલ્મ અને સરસ વાર્તા!” ચેતનકુમાર આભાર માની બીજી તરફ જોઈ ગયો.

નેહાએ સીધો સવાલ કર્યો, “ચેતનકુમારજી, આ ફિલ્મના રાઈટર તમે છો?”

ચેતનકુમારે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહ્યુ, “શું આપને વિશ્વાસ નથી આવતો ?” અને આસપાસ ટોળે વળેલા ઈન્ડસ્ટ્રીના માણસો ખડખડાટ હસી પડ્યા.

છતાં હૃદય પર કાબુ રાખતા નેહા ખૂબ જ ભદ્ર ભાષામાં બોલી, “હા, નથી આવતો કારણ કે મારી પાસે બે લાખ રૂપિયાનો ચેક છે ,જે તમે મને આપ્યો હતો આ સ્ક્રિપટ લખવા માટે!” હવે ટોળું સ્તબ્ધ થઈને સાંભળી રહ્યું.

હોલમાં સન્નાટો છવાઈ ગયો. ચેતનકુમાર અટ્ટહાસ્ય કર્યું. “તું કેવી વાત કરે છે, છોકરી? આ તારી સ્ક્રિપટ છે? અરે યાર, આ કોઈ પાગલ છોકરી લાગે છે, જે ફિલ્મ રાઈટર બનવાના સપના જુએ છે! સિક્યોરિટી, ચાલો, કાઢો એને અહીંથી! કોને ખબર ક્યાંથી પ્રિમિયર શોની ટિકિટ લઈને આવી છે. ” નેહાની આંખમાં આંસુ આવી ગયા.

એ ત્યાંથી નીકળી ગઈ. બા, પપ્પા અને સ્નેહા પણ પાછળ પાછળ આવી ગયાં અને પપ્પાએ નેહાનો હાથ પકડી રાખ્યો હતો.

ટોળામાં એક ખૂબજ સ્ટાઈલિશ સ્ત્રી હતી જે કદાચ પિસ્તાળીશ વર્ષની હશે. એ એકદમ બહાર ધસી આવી. અને એ નેહાની ફેમેલી સાથે ચાલવા લાગી. નેહાને એ પૂછવા લાગી,” તારું નામ શું છે?”

નેહાના ગળામાં ડૂસકાં ભરાયાં  હતાં. ન તો એને આજુબાજુનું કંઈ સંભળાતું હતું કે નતો એની આંખોની કીકીઓ કોઈ પણ દૃશ્યને D-Code કરીને  Process કરવા સમર્થ હતી.

નેહાને બદલે સ્નેહાએ એ સ્ટાઈલિશ લેડીને જવાબ આપ્યો. “આ મારી બહેન નેહા છે. એણે ચેતનકુમાર માટે સ્ક્રિપટ લખી હતી અને ચેતનકુમારે એને બે લાખનો ચેક આપ્યો હતો. અને ફિલ્મ રાઈટર તરીકે નામ આપવાના હતા. હવે બિલકુલ ફરી ગયા છે.”

એ સ્ત્રીએ કહ્યું , “હું જાણું છું. ચેતનકુમારે એવું જ કૈક કર્યું હશે. ચેતનકુમારને હું સારી રીતે જાણું છું. એની વે, મારું નામ મીનાક્ષીદેવી છે. આ મારું કાર્ડ છે. એ તારી બહેનને આપજે. એ શાંત થાય તો મારે એની સાથે વાત કરવી છે.  કદાચ હું એની મદદ કરી શકીશ. એક યા બીજી રીતે. બાય ધ વે, આ ફિલ્મ જોયા પછી એટલું ચોક્કસ કહીશ કે એ સારી રાઈટર છે. એને ચોક્કસ કહેજે કે મને ફોન કરે.” આટલું કહી મીનાક્ષીદેવી નમસ્કાર કરીને પોતાની લક્ઝરી કારમાં બેસીને નીકળી ગઈ.

નેહાના પપ્પાએ ટેક્સી ઊભી રખાવી અને બધાં અંદર બેસી ગયાં. નેહા આંખો લૂછતી હતી. એના પપ્પાએ કહ્યું; “આ શું દીકરા? આવું તો જિંદગીમાં થતું જ રહે છે, એક કે બીજા સ્વરૂપે. ઈટ ઈઝ ઓકે, દીકરા. એક પાઠ મળ્યો. બાકી તો બેટા, તું હજી એટલી નાની છે અને આવી પ્રોફેશનલ ડીલ તું પહેલીવાર કરતી હતી ત્યારે ઘરમાં વાત કરી હોત તો સારું થાત.”

“આઈ નો, મારી જ ભૂલ થઈ ગઈ કે મેં ઘરમાં પહેલાં વાત ન કરી. તો પણ… !“ નેહાનું ગળું ભરાઈ આવ્યું. પછી સહેજ ગળું ખંખેરીને કહ્યું, “શું પપ્પા, પણ આવું લોકો કઈ રીતે કરી શકતા હશે?” નેહાનો ઊભરો શમ્યો નહોતો.

પપ્પા એને આખે રસ્તે આશ્વાસન આપતા રહ્યા કે, “આવું તો બને. જિંદગીમાં બધા લોકો સારા જ મળે એવું થોડું છે? તું હજુ નાની છે. તારે ઘણું શીખવાનું છે. જીવનમાં સુખદુઃખ તો આવ્યા કરે. દરેક સમયે પોતાની જાતને સંભાળી રાખવી એજ મહત્વનું છે.”

નેહાના અવાજમાં ખૂબ વેદના હતી. “તમે અને બાએ મને મારા આત્મવિશ્વાસને વિકસાવીને મોટી કરી છે. મારો આત્મવિશ્વાસ જ આજે ડગી ગયો છે.”

“તો, દીકરા, આટલી અમથી વાતમાં તું નિરાશ થાય કે તારો આત્મવિશ્વાસ ડગી જાય, એ તો અમારા ઉછેરની સૌથી મોટી ખામી કહેવાયને? તારા તો આમાંથી બહાર નીકળીને આગળ વધવાનું છે.” પપ્પા ટેક્સીમાં આગળ બેઠા હતા અને પાછળ ફરીને નેહાને આશ્વાસન આપતા હતા.

નેહા, આંસુ લૂછતાં બોલી, “હું એને નહીં છોડું! આવી ચિટિંગ કરીને એ સાંગોપાંગ છૂટી જાય એવું તે કેમ બને? હું એને નહીં છોડું, તમે જોજો.”

અત્યાર સુધી ચૂપચાપ રહેલાં નેહાના બા બોલ્યાં, “એવી ભૂલ ન કરતી, બેટા. એ મોટો માણસ છે એ ગમે તેમ કરી પોતાની વાત સાચી પાડશે અને તારી જ બદનામી થશે. આપણે તો જાગ્યા ત્યારથી સવાર.”

પપ્પાએ એને કહ્યું, “દીકરા, આત્મવિશ્વાસ હોવો એ સારી વાત છે છતાં પણ જે કામનો અનુભવ ન હોય તે કામ કાં તો પહેલાં શીખી લેવું જોઈએ અથવા ઘરમાં વાત કરવી જોઈએ. જેથી આવી પરિસ્થિતિ ન ઊભી થાય. તારે ચેતનકુમાર સાથે કોન્ટ્રેક્ટ કરવા પહેલાં ઘરમાં વાત કરવી જરૂરી હતી.”

નેહા રૂમાલથી આંખો લૂછતી રહી. સ્નેહા બાજુમાં બેસીને એની દીદીનો હાથ પ્રસરાવતી રહી. આમ, વાતોમાં ને વાતોમાં ઘર આવી ગયું.
****

ઘરે પહોંચીને બા અને સ્નેહા રસોડામાં જમવાનું તૈયાર કરવા ગયાં અને નેહા એનાં રૂમમાં એવું કહીને જતી રહી કે, એને ભૂખ નથી. એનાં પપ્પાને નેહાને માઠે હાથ ફેરવ્યો અને કહ્યું, “બેટા, ભૂખ્યા રહેવાથી બધું સરખું થઈ જશે?”

નેહા બધાં સાથે ડિનર ટેબલ પર બેઠી ખરી પણ જમી ના શકી.

એ એનાં રૂમમાં ગઈ અને પથારીમાં પડી રહી. સ્નેહા એની બાજુમાં બેસી નોવેલ વાંચતી રહી. એ ખૂબ વિચારોમાં ખોવાયેલી લાગતી હતી. સ્નેહાને ચિંતા થતી હતી.

સ્નેહાએ કહ્યું, “ભૂલી જા કે તે ‘અધૂરાં સપનાં ‘ લખી હતી. તું કોઈ બીજી વાર્તા લખ. ફરી મેગેઝિનમાં મોકલી આપજે. તારા હાથમાંથી કોઈ લઈ જશે, તારી કિસ્મતમાંથી કોઈ ના લઈ શકે. અને તારી જે લખવાની પદ્ધતિ છે, એ  તારી આગવી છે અને એ જ તો ક્રિએટિવિટીની મજા છે.”

નેહાની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી. એને એ લાલ આંખથી સ્નેહા સામે જોયું અને કહ્યું , “સ્નેહા, હવે હું કદી કલમ ઉપાડવાની નથી.” આટલું કહી એ માથે ઓઢીને સુઈ ગઈ .

પ્રકરણ: ૧૪

બીજે દિવસે પણ નેહા આખો દિવસ પથારીમાં પડી રહી. એટલે અડધી રાતે એની ઊંઘ ઊડી ગઈ. એ કોમ્પ્યુટર લઈને બેઠી  ઈ-મેઈલ ચેક કરવા લાગી. અરે સાગરની ઈ-મેઈલ હતી. એેણે  ઈ-મેઈલ ખોલી.

“નેહાજી,

આપના  ફોટાની રાહ જોતો હતો. લાગે છે કે તમને મારા પર જરા પણ વિશ્વાસ નથી. પણ હું તમને દિલથી ચાહું છું. લો, આજ તમને મારો બાયોડેટા મોકલી આપું છું. હા, પણ તમે આ બાયોડેટા કોઈ જુવાન છોકરીને બતાવશો નહિ. નહીંતર એ તમારા પ્રેમીને છીનવી લે તો નવાઈ નહિ!

મારો બાયોડેટા વાંચીને મારા પર વિશ્વાસ આવે તો તમારો ફોટો મોકલી આપશો. મેં તમને જોયાં નથી અને તે છતાં આટલો પ્રેમ કરું છું તો  તમને જોઈને મારી શી હાલત થશે એ તમને બતાવી શકતો નથી. ‘બિન  દેખે જિસે પ્યાર કરું, ગર દેખું ઉસકો જાન ભી દે દું'”

મારી વાતો તમને પાગલપન  લાગતી હશે. પણ હું તમને જે કહું છું એ અક્ષરશ: સાચું કહું છું. તમે જેવા હશો તેવા હું તમને ચાહીશ. મેં તમારું વર્ણન કર્યું હતું એ મને વિશ્વાસ છે કે સાચું છે, કારણ કે મારા મનની આંખે તમને જોયા છે, તમને ઓળખ્યા છે.

તમારી ઈ-મેઈલની આતુરતાથી રાહ જોઇશ, કારણ કે આ ઈ-મેઈલમાં મને મારી હૃદયની મહારાણી જોવાં  મળવાની છે.

સાગર મલ્હોત્રા”

નેહાએ બાયોડેટા ખોલ્યો.
“સાગર મલ્હોત્રા,
વજન 60 કિલો
હાઈટ 5’10”
રંગ ગોરો
અભ્યાસ સોફ્ટવેર ઇંજિન્યર ,
જોબ પોતાનો બિઝનેસ.
શોખ દેશવિદેશ જોવાનો. અને વાંચન, ખાસ કરીને નૉવેલ, કવિતા અને વિવેચન.

બીજું ઘણું લખેલું હતું. ક્યાં ક્યાં એવોર્ડ મળેલા છે. સ્પોર્ટસમાં

મોરલ : હમ સબ એક ડાલ કે પંછી હૈ ! સબ ભાઈ ભાઈ હૈ ! માનવતા!”

નેહાને  બાયોડેટા ખૂબ ગમી ગયો પણ એને હજી બધાં પુરુષો પર ગુસ્સો હતો.

ચેતનકુમારે જે એની સાથે કર્યું તે એનાં મન, હ્રદય અને આત્માને હચમચાવી  ગયું હતું. ચેતનકુમારે એના વિશ્વાસને ખૂબ મોટો ધક્કો પહોંચાડ્યો હતો. હવે કોઈપણ પુરુષ પર ભરોસો કરવો એના માટે અઘરો હતો. ગઈકાલ સુધી હરણીની જેમ ઉછળતી, કૂદતી નેહા આજ જાણે પરિપકવ સ્ત્રી બની ગઈ હતી. માથામાં સણકા વાગી રહ્યા હતા. ચેતનકુમારે જે રીતે એને અપમાનિત કરી હતી, એ મનમાં મનમાં ધૂંધવાતી હતી. એની પાસે કોઈ હથિયાર નહોતું કે એ લડી શકે. કારણ કે ન તો એણે કોન્ટ્રેક્ટ વાંચ્યો હતો કે ન તો એની પાસે કોન્ટ્રેક્ટની કોપી પણ હતી! ચેતનકુમારે જ્યાં કહ્યું ત્યાં એણે એના પર વિશ્વાસ રાખીને સિગ્નેચર કર્યાં હતાં! એ પોતાની સ્ક્રિપટ માટે લડે તો પણ કેવી રીતે?

આવતી કાલે કૉલેજમાં જવું કેટલું અઘરું હતું! બધાંની સામે શરમિંદા થવાનું હતું. સાયરા ના પાડતી હતી તોયે એ મોટે ઉપાડે બધાંને કહેતી ફરતી કે એની એક ફિલ્મ આવવાની છે. અને હવે કૉલેજના તોફાની છોકરા-છોકરીઓ એનું જીવવાનું હરામ કરશે! બસ, હવે કૉલેજ  જ નથી જવું, અરે, ભણવું જ નથી. એ સામનો નહિ કરી શકે બધાનો!

કોમ્પ્યુટર  બંધ કરીને એને આંખો બંધ કરી સૂવા પ્રયત્ન કરવા લાગી. પણ એની ફૂલની પાંખડી જેવી બંધ આંખમાંથી આંસુની ધાર વહી રહી હતી. સાગરની ઈ-મેઈલ  પણ એનાં દિલને ના બહેલાવી શકી. ક્યાંય ચેન પડતું નહોતું. આટલી નાની ઉંમરે વિશ્વાસનું ખંડન થાય એટલે એનું નાજુક હૃદય તૂટી ગયું હતું. ચેતનકુમારે એના ભોળપણનો ખૂબ લાભ ઉઠાવ્યો અને એ સાથે ફિલ્મ જગતની સચ્ચાઈ એની સામે આવી ગઈ હતી. હવે એ કદી નહિ લખે. હવે એની કલમ પર મણમણ નો બોજ આવી ગયો હતો. મગજ સુન્ન થઈ ગયું હતું. વિચારો સ્થગિત થઈ ગયા હતા.

પપ્પા કેટલા સારા છે! ગુસ્સે થવાને બદલે, ત્યાં થિયેટરમાં મારો હાથ દ્રઢતાથી પકડી રાખ્યો હતો, જાણે વિશ્વાસ આપતા હતા કે ભલે દુનિયા તારી વિરોધમાં હોય હું હંમેશા તારી સાથે છું. એણે આંસુ લૂંછી નાંખ્યાં. ધીરેધીરે એની આંખો બંધ થવા લાગી. આવતી કાલ નવો સૂરજ એની સાથે લઈને આવશે. નવા સપનાં, નવી ઉમંગો!
****

બીજા દિવસે  એ ખૂબ મોડી ઊઠી. બાએ પણ એને સૂવા દીધી. બાનું મન પણ ખિન્ન હતું. કેટલી ખુશ હતી નેહા! એનું જીવનનું સૌથી મોટું સપનું પૂરું થવાનું હતું, અને પહેલા પગથિયે જ એને નાકામી મળી હતી. એ નાકામી પણ કોઈ પર અંધવિશ્વાસ કરવાથી. એ હવે કોઈનો વિશ્વાસ કરી શકશે ? બાને ચિંતા થતી હતી. હજુ તો કેટલી નાની છે અને કેટલા નિર્ણય જીવનમાં લેવાનાં છે. ચેતનકુમારે તો ફક્ત એક ફિલ્મ બનાવી દીધી, પણ નેહાના તો જીવન સાથે ખેલી ગયો. આવી હશે ફિલ્મી દુનિયા?

સ્નેહાએ સવારમાં ઊઠીને બાજુની પથારીમાં જોયું તો નેહા હજુ સૂતી હતી. એણે નેહાને ઊઠાડવા માટે માથા પર હાથ મૂક્યો અને બોલી, “દીદી, ઊભી થા, નહીં તો કૉલેજ જવાનું મોડું થશે. બાને મદદ પણ કરાવવાની છે.”

નેહાએ અર્ધખુલ્લી આંખે જવાબ આપ્યો, “તું જા. હું થોડીવારમાં આવું છું.”

સ્નેહા નાહીધોઈને, રસોડામાં જઈને બાને મદદ કરવા લાગી હતી.

“બા, નેહા હજી નથી ઊઠી. પાછી ઊઠાડી આવું?”

બાએ કંઈ પણ જવાબ ન આપ્યો. સ્નેહા તો નાહીધોઈને કૉલેજ જવા તૈયાર થઈ ગઈ હતી. પણ નેહાના ઊઠવાની રાહ જોતી હતી. સ્નેહા નેહાને જગાડવા ગઈ.

નેહાને ઢંઢોળીને કહ્યું,” નેહા, ઊઠ. મારે કૉલેજ જવું છે પણ જતાં પહેાલાં તને કૈક કહેવું છે. ”

નેહા બેઠી થઈ ગઈ. “ઓહ, સૂરજ માથે ચડી ગયો. મને કેમ ઊઠાડી નહિ?”

સ્નેહાએ કહ્યું, “તું મોડે સુધી જાગતી હતી. ચાલ, કાંઈ નહિ, એ બહાને થોડો આરામ થઈ ગયો. તું ઠીક તો છે ને દીદી?” સ્નેહાને નેહા પર ખૂબ હેત આવતું ત્યારે એને દીદી કહેતી.

નેહાએ ડોકું ધૂણાવ્યું.

સ્નેહાએ નેહાને એક કાર્ડ આપતાં કહ્યું;  “કાલે જ્યારે તું ગુસ્સામાં થિયેટરમાંથી નીકળી ત્યારે મને એક સ્ત્રી મળી હતી. એણે આ કાર્ડ આપ્યું હતું. એવું લાગે છે કે આ સ્ત્રી પણ ચેતનકુમારને હાથે દગો ખાઈ ચૂકી છે. એ તારી સાથે વાત કરવા માગતી હતી. પણ તું રડતી હતી તેથી તારી સાથે વાત ના કરી શકી. પણ મને એવું લાગે છે કે તારે આને મળવું જોઈએ. કારણ કે એણે ખૂબ આગ્રહ કર્યો છે કે એકવાર તું એને કોલ કરે. મને લાગે છે કે કઈ રસ્તો બતાવશે. ચાલ, મારે મોડું થાય છે. તારે કૉલેજ નથી આવવું?”

“ના ,આજ નહિ.” નેહાએ કાર્ડ હાથમાં લીધું. અને બાજુના મેજ પાર મૂક્યું. એને અત્યારે આ વિષે કોઈ વાત કરવાનો મૂડ નહોતો.

નેહા ઊઠીને પછી બા પાસે રસોડામાં ગઈ. બાએ ચા બનાવી દીધી. બા પણ મૂંગામૂંગા કામ કરતાં હતાં. બા બંને દીકરીઓને ખૂબ ચાહતાં  હતા. બંનેને આંચ પણ આવે તો બાનું કાળજું કપાઈ જતું. બંને દીકરીઓ બા માટે વહાલનો દરિયો હતો. પપ્પા ચૂપચાપ પ્રેમ વરસાવતા પણ બાનો પાલવ તો હંમેશા બંને બહેનોને પ્રેમથી છુપાવી લેતો.

પપ્પા દુકાને ગયા હતા. પપ્પાનો સરસ મજાનો ટીવી અને વોશિંગ મશીન અને અન્ય નાનાંમોટાં એપ્લ્યાન્સીસનો શો રૂમ હતો. ધૂમ કમાણી નહોતી પણ ઘરના ખર્ચા ઉપરાંત સારા એવી કમાણી થતી. પપ્પા એકદમ પ્રમાણિક અને લોકોમાં પ્રિય હતા. એમનો ગ્રાહકવર્ગ એકવાર એમની દુકાને આવે પછી કાયમ એમની દુકાને આવતો.

નેહા ચા પીને  નાહીધોઈને ફ્રેશ થઈને પોતાના રૂમમાં આવી. મેજ પર પડેલું કાર્ડ હાથમાં લીધું. વિચારમાં પડી ગઈ! કોલ કરું? પણ હવે શું ફર્ક પડશે? નકામી વાત ચોળાશે અને દુઃખ થયા કરશે. અને પપ્પાને કદાચ નહિ ગમે. બસ છોડી દે આ વાતને! પણ શા માટે ફોન કરીને ના પૂછું એમનું શું કહેવું છે? મારે વાત તો કરવી જોઈએ. હાથમાં કાર્ડ લઈને બેસી રહી! સરસ મરોડદાર અક્ષરથી ઉપર નામ લખેલું હતું. મીનાક્ષીદેવી! અને સાથે ફોન નંબર અને ઈ-મેઈલ એડ્રેસ પણ હતું. નેહાએ ફોન ઉપાડ્યો!

કાર્ડ પરનો નંબર ડાયલ કર્યો. સામેથી મીઠો અવાજ આવ્યો,” હલ્લો હું મીનાક્ષીદેવી બોલું છું .”

માતાપિતા સાથે વાત કર્યા વિના સીધો જ મિનાક્ષીદેવીને ફોન કરીને શું નેહાએ ફરીથી એની એ જ ભૂલ કરી રહી હતી?

પ્રકરણઃ  ૧૫

નેહાએ મીનાક્ષીદેવીનો નંબર ડાયલ કર્યો. સામેથી એક મધુર અવાજ સંભળાયો, “હલ્લો, હું મીનાક્ષીદેવી બોલું છું, આપ કોણ?”

નેહા કંપતા અવાજે બોલી,”  હું નેહા ! નેહા શાહ !”

નેહા કશું આગળ બોલે એ પહેલા મીનાક્ષીદેવી બોલ્યા, “ઓહો, ગઈ કાલે જેણે  ચેતનકુમારનીી ધૂળ કાઢી હતી એ?” મીનાક્ષીદેવી તરત એને ઓળખી ગયાં.

નેહાએ કહ્યું, “હા, એજ જે ચેતનકુમારના હાથે ધોખો ખાઈ બેઠી છે. તમને બેવકૂફ લાગતી હોઈશ પણ મેં એમનો વિશ્વાસ કર્યો હતો!”

“વિશ્વાસ કરવો અને બેવકૂફ હોવામાં ફર્ક છે.” મીનાક્ષીદેવી બોલ્યા,” હું અહીં તને જજ કરવા નથી બેઠી. પણ હું તારું દુઃખ સમજી શકું છું કારણકે હું પણ એજ પરિસ્થિતિમાંથી પસાર થઈ છું.”

નેહા આશ્રર્યચકિત થઈ એમની વાત સાંભળી રહી. મીનાક્ષીની સ્ટોરી એની વાર્તાથી જુદી નહોતી. મીનાક્ષીદેવી એકદમ સ્ટ્રોંગ લાગતી હતી.

એણે નેહાને કહ્યું કે, “તું મારે ઓફિસમાં આવ. મારે તારી સાથે વાત કરવી છે. હમણાં તું ચેતનકુમારને ભૂલી જા. આપણે તારી સ્ક્રિપટ પરથી બીજી ફિલ્મ બનાવવાની વાત કરીશું અને પછી ચેતનકુમારને પણ જોઈ લઈશું!” નેહાએ કહ્યું,” હું પાછો ફોન કરીશ.”

નેહાને વિશ્વાસ કરવાનું મન તો થયું. પણ પછી વિચાર્યું કે ‘આ તો ફિલ્મી દુનિયા છે. કોને ખબર મીનાક્ષીદેવી મારો શી રીતે ઉપયોગ કરે. મારે પપ્પાને વાત કરવી જોઈએ  હવે પપ્પાની સલાહ વગર હું કોઈ કામ કરવાની નથી. આ દુનિયામાં એક જ પુરુષ છે જેનો હું ભરોસો કરું છું.’

નેહાને  થયું કે બસ, પપ્પા જ બધું ઠીક કરી દેશે.

સમય મળે તો ઘણીવાર બપોરે પપ્પા લંચ લેવા આવતા હતા. તે દિવસે ખાસ નેહાનો વિચાર કરીને ઘરે આવ્યા. નેહાને ઘરમાં જોઈ તો પણ કોઈ સવાલ ના કર્યો કે કેમ કૉલેજ નથી ગઈ? એ પપ્પા સાથે લંચ લેવા બેઠી. બા ગરમ ગરમ રોટલી પીરસતાં હતાં. નેહા ગઈકાલ કરતા ઘણી સ્વસ્થ લાગતી હતી. પપ્પા આડીઅવળી ઘણી વાતો કરતા હતા. પણ ફિલ્મની કોઈ વાત ઉઘાડી નહિ. નેહાને નવાઈ લાગી. પપ્પાની અને એની વચ્ચે મોટે ભાગે ફિલ્મની અથવા કૉલેજની વાત થતી.

એ જમતાં  જમતાં બોલી, “પપ્પા, ગઈ કાલે સ્નેહાને એક મીનાક્ષીદેવી કરીને એક ઍક્ટ્રેસ પ્રિમિયર શો માં મળેલી. મેં જ્યારે ચેતનકુમાર સાથે બોલાચાલી કરી તો એ ત્યાં જ હતી. અને છેવટે એને સ્નેહાને કાર્ડ આપી મને કૉલ કરવા કહેલું, મેં આજ એમને કૉલ  કરેલો મને એ મળવા માંગે છે મારે શું કરવું? જવું કે નહિ?”

પપ્પા વિચારમાં પડી ગયા. પપ્પાએ કહ્યું,” નેહા બેટા , મને એક વાત કહે? તું કૉલેજ પૂરું કરીને શું કરવા માંગે છે? તારે લગ્ન કરવા છે કે તારે કેરિયર બનાવવી છે? જો કેરિયર બનાવવી હોય અને એ પણ ફિલ્મ જગતમાં એક લેખિકા તરીકે તો તારે મીનાક્ષીદેવીને મળવું જોઈએ, પણ જો તને એમાં રસ ના હોય તો સમયને વેડફી મગજને સ્ટ્રેસ આપવાનો અર્થ નથી. “

નેહા ચૂપ રહી. પપ્પાએ નોટિસ કર્યું અને કહે, “જો બેટા, ચેતનકુમાર જેવા કેટલાંય લોકો જીવનમાં આવવાનાં પણ એ

એ બધાંની સાથે લડવા ના બેસાય, નહિ તો આખી જિંદગી એક્ટિવિસ્ટ બનીને રહી જઈશ. તારી ઈચ્છા વાર્તા લખવાની હોય તો અને તારું દિલ કહે તો, મીનાક્ષીદેવીને મળ અને તારી બીજી સ્ક્રિપટ પણ એને બતાવ ભલે, પણ પ્રોપર પેપરવર્ક વિના એમની સાથે પણ ચેતીને ચાલજે.”

પપ્પા બોલતા બંધ થઈ ગયા. એકાદ મિનિટ માટે કોઈ કશું ન બોલ્યું પણ પછી પપ્પા કહે, “મારે તને ફરી એ જ આત્મવિશ્વાસથી જીવતાં જોવી છે. એટલું ધ્યાન રાખજે કે એકની એક ભૂલ ફરી ન થાય. અને હા, ભૂલ કદી નહીં થાય એવું પણ ન માનતી. ભૂલ થાય અને ઠોકર લાગે તો પણ ફરી ઊભાં થઈને ચાલવું એનું નામ જ જીવન છે, દીકરા.”

પણ પપ્પાના એકએક વાક્ય એના દિલ પર અસર છોડીને ગયા. પપ્પાના એકએક શબ્દમાં અનુભવ ટપકતો હતો. એ જમતાં જમતાં ઊભી થઈને પપ્પાને પાછળથી ભેટી પડી. અને કાનમાં ધીરેથી કહ્યું, “આભાર પપ્પા!”

આ જોઈને બાના ચહેરા પર પણ સ્મિત આવી ગયું, જાણે સો મણનો ભાર મગજ પરથી હટી ગયો.

નેહાએ રૂમમાં જઈને મીનાક્ષીદેવીને કોલ કર્યો. આ વખતે એમની સેક્રેટરીએ ફોન ઉપાડ્યો. નેહાએ મીનાક્ષીદેવીની એપોઈન્ટમેન્ટ લઈ લીધી. પોતાની સ્ક્રિપટ ‘સુનેહરાં સપનાં’ ને ફરી એકવાર જોઈ ગઈ. મનમાં પ્રોફેસર ચુડાસમાનો આભાર પણ માની લીધો. અને બધી તૈયારી કરી અને પછી આરામથી કોમ્પ્યુટર  લઈને બેસી ગઈ!

સાગરની ઈ-મેઈલ ખોલીને ફરી બાયોડેટા જોવા લાગી. સાગર ખરેખર ખૂબ લાયક યુવાન હતો. પણ  જલ્દી કોઈને દિલ દઈ દે એવી દિલફેંક પણ નહોતી. હા, પણ એક વાત હતી કે કોઈપણ વ્યક્તિની ખૂબ અવગણના કરો તો એ વ્યક્તિ છોડી જાય તો કદી પાછું ફરીને જોતી નથી. દરેકને પોતાનું સ્વમાન વહાલું હોય છે. કાં તો સાગરને સાવ ‘ના’ કહી દેવી અથવા તો એને મળવાનું નક્કી કરવું. એને થયું સાગર જેવો આધુનિક વિચારવાળો વ્યક્તિ લગ્ન પછી એને લખવાની ના નથી કહેવાનો. અથવા સાગર સાથે શરત રાખવાની કે લગ્ન પછી હું મારી કેરિયર છોડીશ નહિ! આ વિચાર કરતાં એ મનોમન શરમાઈ ગઈ. હજી તો મળી પણ નથી અને લગ્ન એની સાથે….” નેહાના મોઢા પર એક શર્મીલું મીઠું સ્મિત આવી ગયું.

એ સાગરની તસ્વીર સામે જોઈ રહી હતી છટાદાર યુવાન હતો. કોઈ ફિલ્મી હીરો લાગતો હતો. કદાચ કોઈપણ કુંવારી છોકરી તરત એને દિલ આપી દે, એવો તરવરીયો યુવાન દેખાતો હતો.

એટલામાં તો સ્નેહા કૉલેજથી આવી ગઈ. એનું મોઢું થોડું પડેલું હતું. નેહા સમજી ગઈ કે કૉલેજમાં એની ફિલ્મના પ્રિમિયર શોના નામે એની નાની બહેનને નક્કી સતામણી થઈ હશે! કાશ, એણે બધાં પાસે આગળ વધીને, એની ફિલ્મના પ્રિમિયર શોનો ઢંઢેરો ન પીટ્યો હોત!

નેહાએ પૂછ્યું, “સ્નેહા, શું થયું? કૉલેજમાં કશું થયું? આટલી ડાઉન કેમ દેખાય છે?” સ્નેહા કાંઈ બોલી નહિ.

નેહાને પણ ગિલ્ટી ફિલિંગ્સ થઈ કે મારે લીધે સ્નેહાને સાંભળવું પડ્યું હશે. એ ઊભી થઈને, સ્નેહાને ભેટીને કહે, “આઈ એમ સો સોરી, સ્નેહા. હું ઘરે બેસી રહી અને મારા ભાગનું પણ તને સાંભળવું પડ્યું. આઈ એમ વેરી સોરી.”

સ્નેહા મ્લાન હસીને કહે, “ઈટ ઈઝ ઓકે, દીદી.” અને નેહાને ફરી ભેટી પડી.

એકાદ મિનિટ પછી સ્નેહા જ બોલી, “મારા દિવસની વાત જવા દે પણ તેં શું કર્યું આખો દિવસ, આજે?”

નેહાએ સ્નેહાને પપ્પા સાથે થયેલી બધી જ વાતો કરીને કહ્યું , “સ્નેહા, મેં મીનાક્ષીદેવીને ફોન કર્યો હતો. હું આવતી કાલે એને મળવા જવાની છું. મારી સ્ક્રિપટ પણ લઈ જઈશ પણ હવે હું કોન્ટ્રેક્ટ વગર કોઈ કામ નહિ કરું. બધું લખાણમાં લઈ લઈશ. કાલે હું કૉલેજ આવીશ. સોરી બેના, મારે લીધે તું હેરાન થઈ.  હું પણ હવે એવી નાદાની નહિ કરું.  ચાલ, હવે તો પ્રોપરલી સ્માઈલ કર.” એમ કહીને સ્નેહાને ગલગલિયાં કરવા લાગી. સ્નેહાને ખૂબ ગલગલિયાં થતાં. એ જોરજોરથી હસવા લાગી. બાજુના રૂમમાં બાના ચહેરા પર સંતોષનું સ્મિત આવ્યું.

પ્રકરણઃ.  ૧૬

મીનાક્ષીદેવીની  સેક્રેટરીએ સવારે સાડા દસની એપોઈન્ટમેન્ટ આપેલી હતી. એ સવારે દસ વાગે એની ઓફિસમાં પહોંચી ગઈ. ચેતનકુમાર પ્રત્યેનો ગુસ્સો ઘરે મૂકીને આવી હતી. એણે વિચાર્યું, “પપ્પાની વાત સાચી છે. હજુ તો કેરિયરની શરૂઆત છે. હું આવા લોકોને મારું મોરલ તોડવા નહિ દઉં. હું એક મજબૂત વિચારોવાળી આધુનિક યુવતી છું. હું ભલે ઈંટનો  જવાબ પથ્થરથી ના આપું પણ વાર્તાનો જવાબ વાર્તાથી તો આપી શકાય ને ? હવે હું નહિ મારું લખાણ બોલશે કે ‘અધૂરાં સપનાં’ કોની સ્ક્રિપટ  છે?”  એના ચહેરા પર આછું સ્મિત આવી ગયું. રૂપની આભા કરતા પણ મક્કમતાની   આભાનો પ્રકાશ વધારે દેદીપ્યમાન હોય છે. અહીં તો રૂપ અને મક્કમતા બંને દેખાતાં હતાં.

સેક્રેટરીએ આવીને મીનાક્ષીદેવીને મળવા આમંત્રણ આપ્યું. મીનાક્ષીદેવીની  ઓફિસમાં એ સંકોચ સાથે દાખલ થઈ. સુંદર રીતે સજાવેલી ઓફિસ હતી. એની દરેક સજાવટમાં સ્ત્રીનો સ્પર્શ દેખાતો હતો. સામેની ભીંત ઉપર સુંદર રાધા કૃષ્ણનું પિક્ચર ફ્રેમ કરેલું હતું. ટેબલ પાર એક સિરામીકનું  સ્કલ્પ્ચર હતું, જેમાં માતા પોતાના બાળકને દૂધ પીવડાવી રહી હતી અને બાળકના મોં પર સાડીનો પાલવ નાખેલો હતો. ખૂણામાં ચંપાનો મોટો છોડ હતો જેમાં ચંપાના ફૂલ બેઠેલાં હતા. ચંપાની સુગંધથી રૂમ મહેકી રહ્યો હતો. ચંપાનો છોડ  જીવંત હતો.

એ બોલી, “મેં આઈ કમ ઈન મેમ?”

મીનાક્ષીદેવી એ કહ્યું, “અરે, આવ નેહા. ડોન્ટ બી ફોર્મલ.”

નેહા ચેરમાં બેઠી. વાતનો શી રીતે છેડવી, એને ખબર પડતી નહોતી, પણ મીનાક્ષીદેવીએ સહેલું કરી દીધું.

મીનાક્ષીદેવીએ કહ્યું, “ચેતનકુમારે તારી સ્ક્રિપટ પોતાને નામે ચડાવી દીઘી, ખરુંને?”

નેહાએ હકારમાં માથુ હલાવ્યું.  મીનાક્ષીદેવીએ વાત આગળ વધારી,”  જો નેહા, હું પંદર વર્ષ પહેલા તારી જેમ રડીને બેસી ગઈ હોત તો આજ આ ઓફિસની માલિક ના હોત.  પંદર વર્ષ પહેલા ચેતનકુમારે જે આજ તારી સાથે કર્યું એજ મારી સાથે કરેલું. અને હું પણ એ સમયે રડીને ઘેર આવી ગઈ હતી. પણ એ સમયે ત્યારના એક  પ્રખ્યાત લેખકે સમજાવીને ફરી લખવાનું  કહેલું અને  મેં લખવાનું  ફરીથી ચાલુ કર્યું . હવે હાલમાં મારી પાસે લખવાનો સમય નથી એટલી સ્ક્રિપટની  માંગણી મારી પાસે આવે છે. પણ એ સમયે હું બહુ લોકોને ઓળખતી નહોતી. હવે મીડિયામાં મારી બોલબાલા છે એટલે પહેલા તો આપણે  ચેતનકુમાર પાસે તારી સ્ક્રિપટમાં તારું નામ શી રીતે લખાવવું એ નક્કી કરશું. પછી તારી સ્ક્રિપટની  વાત કરીશું.”

મીનાક્ષીદેવીએ  એક શ્વાસ લીધો. સામે પડેલી પાણીની બોટલમાંથી પાણી પીધું. અને આગળ બોલ્યાં “એક ચેનલવાળાને હું ઓળખું છું. તેની સાથે વાત કરી તારો ઈન્ટરવ્યુ ગોઠવીએ. તારે બસ જે સત્ય હકીકત બની એજ કહેવાની. કોઈ જાતનું પ્રુફ આપણે આપવાનું નથી. એટલે ગભરાતી નહિ. મને ખબર છે તારી પાસે કોઈ પ્રુફ નથી કે એ સ્ક્રિપટ તેં લખી છે એની સાબિતી તારી પાસે નથી. પણ આટલાથી એમણે કરેલા ફ્રોડની આખી ઈન્ડસ્ટ્રીમાં ખબર પડી જશે. બસ પછી તારે કાંઈ કરવાનું નથી.”

નેહા થોડી ગભરાઈ ગઈ હતી. એ તો પોતાની ‘સુનેહરાં સપનાં’ની સ્ક્રિપટ લઈને આવી હતી. એને તો આવા કોઈ જમેલામાં પડવું નહોતું. પણ મીનાક્ષીદેવીએ તો જાણે નક્કી જ કરી નાખ્યું હતું કે ચેતનકુમારને કોઈપણ રીતે નીચે પાડી દેવો.

નેહા ધીમેથી બોલી, “મેમ, મારે મારા પપ્પાને પૂછવું પડશે, કારણ કે એમને નહિ ગમે કે હું કોઈની સામે લડાઈ કરું. પણ હું ચોક્કસ એકાદ દિવસમાં તમને જણાવું છું. માફ કરજો, પણ હું મારી બીજી સ્ક્રિપટ  લઈને આવી હતી. આપને અથવા આપના કોઈ મિત્રને ફિલ્મ બનાવવામાં રસ હોય તો જણાવજો.”

મીનાક્ષીદેવીએ કહ્યું, “હા, ચોક્કસ. આપણે એ સ્ક્રિપટ  વિષે પણ પછી વાત કરીશું. હવે તું ફિલ્મી દુનિયામાં શી રીતે જીવવું, એ પહેલા શીખી  જા. આ ઝાકમજોળની દુનિયા છે. અહીં કોઈ કોઈનું નથી અને સૌ કોઈ સૌનાં છે. ધીરેધીરે મારી વાત આ તને સમજાઈ જશે.”

નેહાને ખ્યાલ આવી ગયો કે હવે એને જવાનું છે. એણે ખુરશી પાછળ ખસેડતાં કહ્યું, “થેંક્યુ મેમ.”

નેહા જેવી જવા ઊભી થતી હતી કે મિનાક્ષીદેવી કહે, “સાંભળ. લેટ મી બી ક્લીયર.  તારા થકી મારો બદલો ચેતનકુમાર સાથે લેવાનો મારો કોઈ ઈરાદો નથી. મેં તો મારો બદલો લઈ લીધો છે. હું તો પ્રિમિયર શોમાં પણ આવી હતી. મને તો પંદર વર્ષ પહેલાની ‘મીનાક્ષી’ તારામાં નજર આવી, ત્યારે કોઈએ હાથ પકડીને મને  ઊભી  કરી હતી. આજ બસ, હું એ અહેસાનનું વળતર કરવા માંગુ છું.”

નેહા ઊભી  થઈ ગઈ,”જી, મેમ.  તમારો અહેસાન હું જિંદગીભર નહિ ભૂલું. સાચું કહું તો ગઈ કાલે મેં મારા ઘરવાળા ને પરિવારજનોને કહ્યું હતું કે હવે હું લખીશ જ નહિ! પણ તમારી સાથે આજ રૂબરૂ મળ્યા પછી  મારો ન લખવાનો નિર્ણય મેં બદલી નાખ્યો છે. હું દિલથી આપનો આભાર માનું છું.” એમ કહી નેહાએ હાથ જોડી દીધા.

મીનાક્ષીદેવીના તેજસ્વી મુખ પર સ્મિત આવી ગયું. એમણે  નેહાના બંને હાથ પકડી લીધાં, અને કહ્યું, “ચાલ, એ પણ ખૂબ સરસ વાત બની.  એક વાત કહું? હંમેશા નિજાનંદ માટે લખજે, કોઈ ચેતનકુમાર કે કોઈ મીનાક્ષીદેવી માટે નહિ! આઈ વીશ યુ ઓલ ધ બેસ્ટ ”

નેહા સ્ક્રિપટ  લઈને બહાર નીકળી ગઈ. એનાં મનમાં ગડમથલ ચાલી રહી હતી. “શું મારે ચેતનકુમાર સામે લડત કરવી જોઈએ? હું કદી નહિ જીતું. તો પછી લડવાનો ફાયદો શું? પણ હા, મીનાક્ષીદેવીએ કહ્યું એમ, એને દુનિયા સામે ઉઘાડો પાડી શકું તો બીજા લોકો ચેતીને ચાલશે. પપ્પાની સલાહ લઈશ.’

ત્યાંથી એ સીધી કૉલેજ જવા ઉપડી. એનાં મનમાં તો વિચારોનાં વમળે ચાલુ જ હતાં. ‘હા, લોકોનો સામનો તો કરવો પડશે. મેં મોટાઈ ના કરી હોત તો આ વારો ના આવ્યો હોત. સાયરા બિચારી સાચું કહેતી હતી કે તારું મોઢું બંધ રાખ, પણ ત્યારે હું ભવિષ્યમાં આવનારી કે મળનારી સફળતાના નશામાં હતી. અને ખરેખર ફેઈમ મળે એ પહેલા તો બધું છિન્નભિન્ન થઈ ગયું.

કૉલેજના દરવાજામાં દાખલ થતા જ કૉલેજના તોફાની બાર્કસનું ટોળું મળી ગયું. જીતુ, સની અને મેટ ! ત્રણે જણા એને જોઈને ખડખડાટ હસવા લાગ્યા.

જીતુએ આંખ મીંચકારીને કહ્યું, “અલ્યા સની , તારું મુવી  કયારે આવે છે? યાર, આપણને ટિકિટ આપજે હોં.”  સની  બોલ્યો,” અરે યાર તું આવજે ને. તારે ટિકિટની શી જરૂર? તું તો મારો યાર છે.  તું જોતો ખરો, કેવી અફલાતૂન મુવી બની છે! એકદમ હોટ!”

મેટ તો નેહાનો રસ્તો રોકીને ઊભો  રહી ગયો. “તો મિસ નેહા, આપની  મુવી ક્યાં થિયેટરમાં લાગી છે ? પાસ આપશો? ”

નેહાએ એના ગાલ પર એક તમાચો છોડી દીધો. પણ મેટે એનો હાથ જોરથી મરડી નાખ્યો કે એના મુખમાંથી ચીસ નીકળી ગઈ. સામેથી પ્રોફેસર ચુડાસમા આવતા હતા. તેમણે  મેટથી નેહાનો હાથ છોડાવ્યો અને કહ્યું, “ચાલો તમે બધા પ્રિન્સિપાલ પાસે.”

બધા પ્રિન્સિપાલની ઓફિસમાં દાખલ થયા. પ્રોફેસર ચુડાસમાએ બધી વાત વિગતથી કહી. આ તોફાની છોકરા મિસ નેહાની છેડછાડ કરતા હતા. અને મિસ નેહાએ મેટને લાફો મારી દીધો. પ્રિન્સિપાલે મેટ, સની અને જીતુને ત્રણ દિવસમાં માટે કૉલેજમાંથી સસ્પેન્ડ કર્યા અને બીજીવાર નેહાને સિચ્યુએશન પોતાના હાથમાં નહિ લેવાની સલાહ આપી.

આખી કૉલેજમાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ કે ત્રણે તોફાની સસ્પેન્ડ થયાં છે. હવે લોકોએ સામેથી નેહાને ચીડવવાનું કે અજુગતું બોલવાનું તો બંધ કર્યું પણ હજુ લોકો આંખોથી નેહાની ઠેકડી ઉડાવતાં હતા. નેહાએ નાની ઉંમરમાં મોટો સબક શીખી લીધો હતો કે કોઈપણ વાતની મોટાઈ કરવી  નહિ.

પ્રકરણઃ ૧૭

નેહા પ્રિન્સિપાલની ઓફિસમાંથી નીકળી! એનું મન ખિન્ન થઈ ગયું હતું. પણ એને પોતાને ભાન થઈ  ગયું કે મેં જે મોટાઈ કરી અને મોઢાને બંધ ના રાખ્યું, તેને લીધે આજનો દિવસ જોવા મળ્યો. ચેતનકુમાર સાથે બદલો લેવા કરતાં પણ સત્ય સાથે ઊભા રહેવામાં વધારે રસ હતો. અને ચેતનકુમારની સચ્ચાઈ બહાર પાડીને બીજા કેટલાય નવોદિત લેખકોને સચેત કરવા હતા. નેહાએ મનમાં મનમાં નક્કી કર્યું કે એ જરૂર મીડિયામાં જશે અને ચેતનકુમારની વાત દુનિયા આગળ જાહેર કરશે. પણ પપ્પાની અનુમતિ પહેલા લેશે.

એ ઘર તરફ  રવાના થઈ છોકરાઓની લુચ્ચી આંખોને નજરઅંદાજ કરતી એ કૉલેજના દરવાજામાંથી બહાર નીકળી ગઈ .કૉલેજના તોફાની છોકરાઓને કોઈ વિષય જોઈએ, ખાસ કરીને કૉલેજની રૂપાળી છોકરીને ચીડવવા માટે. બેચાર દિવસમાં જો બીજો વિષય મળી જાય તો આ વિષયને ભૂલીને આગળ વધી જાય. એ પણ નાદાન બાળકો જ છે. એમને બીજાની લાગણીની ખબર પડતી નથી. નિર્દોષતાથી એ બીજાને પીડા આપે છે. એમને મજા પડે છે, પણ કોઈનો જિંદગી અને મોતનો સવાલ ઊભો થઈ જાય છે.

નેહા ઘરે  આવી સાંજનો સૂરજ ઢળવાની તૈયારીમાં હતો. ગુલાબી આકાશ સૂરજને વિદાય આપવાની તૈયારીમાં હતું. કોઈ એકલું અટુલું પંખી જાણે ઘર ભૂલી ગયું હોય એમ અહીં તહીં ભટકી રહ્યું હતું. મંદ મંદ પવનની લહેરખી એના ઘનેરા વાળ સાથે અડપલાં કરતી હતી. ઘરના હીંચકા પર બેસી નેહા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ હતી. એકાંત એને પહેલેથી ગમતું. એકાંતમાં એ મન સાથે વાતો કરી શકતી. એ આંખો બંધ કરી કલાકો સુધી મન સાથે મનન કરતી. આજ પણ દિલ એવું ઉદાસ હતું. ગઈ કાલે બનેલો પ્રસંગ નજર સામે આવી જતો હતો. ચેતનકુમારની અવગણના ભરેલી નજર એના કાળજાને કોરી લેતી હતી.

પપ્પા  ઘરનો ડેલો ખોલીને ક્યારે આવીને એની સાથે હીંચકા પર બેસી ગયા એની એને ખબર પણ ના પડી. પપ્પાએ ધીરેથી એના માથા પર હાથ મૂક્યો . એ એકદમ ઝબકીને જાગી ગઈ.

“બેટા , કૉલેજથી આવી ગઈ?”

“જી પપ્પા.” નેહાએ જવાબ આપ્યો એના અવાજમાં ઉદાસી ટપકતી હતી.

“શું થયું? કશું બન્યું કૉલેજમાં? તું ઉદાસ કેમ દેખાય છે?” પપ્પાએ વાળ ને સેહલાવતાં પૂછ્યું.

નેહાએ  મેટ સાથે બનેલો આખો પ્રસંગ જણાવ્યો. એની આંખમાં આંસુ આવી ગયા. કૉલેજમાં જે હિંમત રાખી હતી એ તૂટી ગઈ. પપ્પાએ એનું માથું પોતાના ખભા પર મૂકતાં કહ્યું,” ગાંડી છે તું!  મારી હિંમતવાળી દીકરી આમ ઢીલી થઈ ગઈ. અરે બેટા, આ તો કાંઈ નથી. જિંદગીમાં તો આનાથી પણ વધારે કઠિન પડાવ આવશે. તું આવી નાની વાતથી હારી જાય તો ક્યાંથી ચાલે? તું તો મારો બહાદુર દીકરો છે. આ બધું તો તારા શબ્દોમાં કહું તો ‘પીસ ઓફ કેક’ છે. ચાલ આંસુ લૂંછી નાખ અને જમવા ચાલ મને તો ખૂબ ભૂખ લાગી છે. તારી બા આ આંસુ જોશે ને તો આખી રાત મને સુવા નહીં દે.”

નેહાએ કહ્યું, “પપ્પા મારે તમને બીજું કૈક પણ પૂછવું હતું.” કહી એને મીનાક્ષીદેવીની બધી વાત કરી.

પપ્પાએ કહ્યું, “મને એક દિવસ વિચારવા દે. હું આવતી કાલે તને કહીશ.”

સ્નેહા પણ આવી ગઈ હતી, ચારે જણાં જમવા બેઠા. એક ખૂબ સુખી પરિવાર હતું. એકબીજાની સંભાળ રાખતાં હતાં’ પ્રેમ કરતાં હતાં.  ચેતનકુમારના વિશ્વાસઘાતનાં  લીધે આખા કુટુંબ પર ઉદાસીની છાયા ફરી વળી હતી. પપ્પા વિચારતા હતા કે આ સંઘર્ષમાંથી બહાર નીકળવું જ પડશે.

બીજા દિવસે સવારે નાસ્તો કરતા કરતા પપ્પાએ કહ્યું, “જો બેટા, ચેતનકુમારે જે કર્યું તે કર્યું. એ હજુ પણ બીજા નવા લેખકોની વાર્તાઓ ચોરશે અને પોતાને નામે ચડાવી ને ફિલ્મ બનાવશે. તો ખાલી પોતાની દુશ્મની માટે થઈને ઈન્ટરવ્યુ આપવો હોય તો રહેવા દેજે. અને જો ભવિષ્યમાં બધાંને ન્યાય મળે એ માટે આ કામ કરતી હોય તો ચોક્કસ ઈન્ટરવ્યુ આપજે. પણ ચેતનકુમાર ખૂબ ચાલાક છે અને જમાનાનો ખાધેલો માણસ લાગે છે. એટલે જરા સંભાળીને કામ કરજે.”

નેહાએ માથું હલાવીને હા પાડીને કહ્યું, “પપ્પા,  હું સૌને ન્યાય મળે એ માટે જ વિચારતી હતી. મારી જેમ બીજા કોઈ  નવોદિત ફસાઈ ન જાય અને પહેલેથી ચેતીને ચાલે. હું આજ મીનાક્ષીદેવીને કૉલ કરું છું.”

પપ્પાએ કહ્યું, “મીનાક્ષીદેવીથી પણ સાંભળીને ચાલજે. કોઈ પાર વિશ્વાસ રાખવો સારો છે પણ આંધળો વિશ્વાસ રાખો એ ખુદને નુકસાન પહોંચાડે છે. હું તું કહે તો તારી સાથે આવું. પણ તારો આત્મવિશ્વાસ ન ડગે એટલા માટે  જ, હું તને એકલી જવા માટે રજા આપું છું, પણ કશું જ સાઈન ન કરતી. સમજી, દીકરા?”

નેહાએ હા કહી અને પછી નાસ્તો કરી, નાહીધોઈને પરવારીને એણે મીનાક્ષીદેવી ને ફોન જોડ્યો. સેક્રેટરીએ ફોન ટ્રાન્સફર કરી આપ્યો.

” મીનાક્ષીજી, હું નેહા બોલું છું.”

મીનાક્ષીદેવી હસીને બોલ્યા, “હા, નેહા. બોલ, પછી તારા પપ્પા સાથે વાત કરી? શું નક્કી કર્યું?”

નેહાએ પૂછ્યું, “હા, પપ્પા સાથે વાત કરી. મેમ, મારે ઈન્ટરવ્યુ તો આપવો છે પણ ચેતનકુમાર મને કાંઈ નુકસાન પહોંચાડે તો? એ માણસ ખૂબ પહોંચેલો છે અને હું તો મધ્યમ વર્ગના કુટુંબમાં ઉછરેલી છું.”

મીનાક્ષીદેવી બોલ્યા, “એ તારો વાળ પણ વાંકો નહિ કરી શકે એની ખાતરી હું આપું છું. બલ્કે એ ખુદ એવો ડરી જવાનો છે કે તારી માફી માંગતો આવી જશે. એને હું સારી રીતે ઓળખું છું. પણ તેં સારો અને સાચો નિર્ણય લીધો છે. કારણકે જુલ્મ ચૂપચાપ સહન કરનારો જુલ્મ કરનારથી પણ વધુ મોટો ગુનેગાર છે.  તો, ચાલ હું મીડિયા સાથે વાત કરીને તારો ઈન્ટરવ્યુ ગોઠવી દઉં છું. અને તું ગભરાતી નહિ.”

નેહા એ ફોન મૂકી દીધો. છાતીમાં ધડકન વધી ગઈ હતી. થોડો ગભરાટ પણ થતો હતો. પણ મીનાક્ષી દવી પર વિશ્વાસ પણ પડતો હતો. એ તૈયાર થઈને કૉલેજ ગઈ.

છૂપીછૂપી અનેક આંખો એની મજાક ઉડાવતી હતી. પણ એને હવે આ છોકરાઓની પડી નહોતી. એને તો મોટી છલાંગ મારવાની હતી. આ બધા તો નાદાન બાળકો હતા. એ લોકો ખાલી મજાક મસ્તી નિર્દોષતાથી કરતા હતા. જીવનમાં ગંભીરતા આવી નથી. ભલે આવું મસ્તીખોર જીવન જીવી લેતા. કાલે ઉઠીને કોઈ મોટો બિઝનેસમેન બની જશે, કોઈ નોકરી કરશે. બધા ખીલે બંધાઈ જશે. ગમે તેટલું છૂટવા પ્રયત્ન કરશે છૂટી નહિ શકે. સંસાર એનો એવો ભરડો લેશે કે ચહેરા ઉપરનું પેલું નિર્દોષ સ્મિત પણ અલોપ થઈ જશે.

“ચેતનકુમાર કે ચેતનકુમાર જેવા કોઈપણ માણસ મારા સપનાંને છિન્ન કરી નહિ શકે. કોઈ મારી સ્ક્રિપટ ચોરી લેશે કોઈ મારા વિચારો તો નહિ છીનવી શકે. હવે હું વધુ ઉત્સાહ અને વધારે ગંભીરતાથી લખવાનું ચાલુ કરીશ. શબ્દો તો મારું જીવન છે. એ કોઈ છીનવી લે તો મારા શ્વાસ અટકી જાય! ના ના હું લખવાનું કદી ના છોડું ! શબ્દો છે શ્વાસ મારા !” નેહામાં નવી ઉર્જા આવી ગઈ હતી.

નેહા સાયન્સની વિદ્યાર્થિની હોવાથી જો કૅમિસ્ટ્રી કે ફિઝિક્સના પિરિયડમાં રસ ન પડતો હોય તો કોઈ વાર્તાનો કે કોઈ નૉવેલનો પ્લોટ વિચારતી રહેતી. કેમેસ્ટ્રીના પ્રોફેસર પારેખ શું બોલી રહ્યા હતા એને સંભળાતું નહોતું. એ તો કલ્પના સહારે વાદળ પર ઊડી રહી હતી. એની આસપાસ એના પાત્રો નાચી રહ્યાં હતાં. નેહા પોતાના અગવા વિશ્વમાં રાચી રહી હતી. અહીં એનાં પાત્રોને એ એમને જે કરવું હોય તે કરાવતી, જે ભણવું હોય તે ભણાવતી અને મનપસંદ દોસ્તી કરાવતી ને ન પસંદ પડે તો એ તોડાવતી પણ ખરી. આ નેહાની પોતાની વસાવેલી દુનિયા હતી અને અહીં માત્ર ઊડવા માટે અનંત આકાશ અને ધરતી પર રહેવા માટે પ્રેમાળ સંસાર હતો.

પ્રકરણઃ ૧૮

આજનો દિવસ માંડ માંડ પૂરો થયો. એ કૉલેજના દરવાજામાંથી બહાર નીકળી. આજ મીનાક્ષીદેવી સાથે વાત કરી તેથી એને શાંતિ થઈ હતી. ચેતનકુમારને ઉઘાડો પાડવા માટે એને મીડિયાની જરૂર હતી. અને મીનાક્ષીદેવી મીડિયામાં ઘણા લોકોને જાણતાં હતાં.

નેહાને થયું કે ‘મારો ઈન્ટરવ્યુ ગોઠવાઈ જાય પછી હું મારી ‘સુનેહરા સપના’ ની સ્ક્રિપટ  બીજા કોઈ ફિલ્મ મેકર ને આપીશ. આવી નાની વાતથી હું હારવાની નથી. પપ્પાની વાત સાચી છે આ તો કાંઈ નથી હજુ તો ઈશ્કના ઇમ્તિહાન ઔર ભી હૈ !’

એટલામાં ફોનની રિંગ વાગી. સાગરનો કોલ હતો. એને ઝટ દઈને ફોન ઉપાડી લીધો.

“હલ્લો , સાગરકુમાર કેમ છો? ”

સાગરે રિસાયેલા અવાજમાં કહ્યું, “મિસ નેહા, તમે તો મને ભૂલી જ ગયાં! મારો પ્રોફાઈલ વાંચીને જવાબ પણ ના આપ્યો. શું હું એટલો બધો ખરાબ છું કે પછી તમને લાગે છે કે હું તમારે લાયક નથી? ”

“સોરી,  હું જરાક થોડા પ્રોબ્લેમમાં અટવાયેલી હતી. પણ એક સારા સમાચાર આપું? મારો ઈન્ટરવ્યુ મીડિયા પર જલદી આવવાનો છે.. જેવું નક્કી થાય એવું જ હું સમય અને ચેનલ જણાવું છું.  તમે મને લાઈવ જ જોઈ શકશો. અને હું શેમાં અટવાયેલી હતી એની પણ  તમને ખબર પડી જશે.”

એક જ  શ્વાસે આટલું બોલી ગઈ પણ પછી મનમાં પસ્તાવા પણ લાગી કે સાગર મારા માટે શું વિચારશે? મારે એને સાવ બેકગ્રાઉન્ડ આપ્યા વગર મારો ઈન્ટરવ્યુ જોવાનું કહેવાનું નહોતું.

પણ સાગર તરત જ બોલ્યોઃ “ઓહ. ખૂબ સરસ. જોજો, પાછા ફરી ના જતાં. હવે હું તમારા ઈન્ટરવ્યુની રાહ જોઈશ.   તમને પ્રોફાઈલ પરથી ખ્યાલ આવ્યો હશે કે હું બિઝનેસમેન છું. હા, મારી ઉંમર કૉલેજના છોકરાથી માંડ બે એક વરસ વ્ધુ હશે. હું નાની ઉંમરમાં મેચ્યોર થઈ ગયો છું.  જો તમને હું ગમ્યો હોઉં તો તમારા પપ્પાને જરૂર વાત કરશો. તો આપણને જલ્દી મળવાનું બહાનું પણ મળે. ”

“ચાલો સાગરકુમાર મારું ઘર આવી ગયું. હું પછી વાત કરીશ. ચેનલ નંબર અને સમય જણાવીશ. બાય બાય.”

સાગરની દરેક વાતને એ ટાળી દેતી હતી. પુરુષનો કેટલો વિશ્વાસ કરાય? સાગર પણ દગાખોર નીકળ્યો તો? એ પણ મારી લાગણીઓ સાથે રમી રહ્યો હોય તો? ના ,ના દરેક પગલું સાવચેતીથી ભરવાનું છે. અને હજુ હું ક્યાં એને મળી છું? અને ખરેખર કોઈને મળી લેવાથી એના વિષે બધું તમે જાણી લો છો? ક્યારેક તો વરસો સુધી સાથે રહેતી વ્યક્તિને પણ તમે જાણી શકતા નથી. તો આ તો દૂર વસતો માણસ છે. કોને ખબર, આ પ્રોફાઈલ પણ સાચો છે કે નહિ? આ ફોટો એનો છે કે કોઈ મોડેલનો? એ તો મળ્યા પછી જ ખ્યાલ આવે. પણ એક વાત છે કે એ મારી કલ્પનાને પરવાન ચડાવે છે. એ પણ કલ્પનાશીલ છે. સપનામાં રાચે છે. અને સપનામાંં જીવે છે. જો એની સાથે મારો મેળ પડેતો એક સુંદર જીવન જીવી શકાય. એના મને એને ફરી ટપારી, કે ‘નેહા, અટકી જા, થોભી જા. સપનાં જો પણ સપનાંને પણ શ્વાસ ખાવા જેટલો સમય જોઈએ છે!’ નેહા એકલી જ મલકી પડી.

નેહા મીનાક્ષીદેવીના  ફોનની બેતાબીથી રાહ જોઈ રહી હતી. એકવાર ઈન્ટરવ્યુ ગોઠવાઈ જાય તો ચેતનકુમારને મોઢું બતાવવું અઘરું થઈ પડશે અને મારા જેવા કેટલાંય નવોદિતને છેતરવાનું બંધ કરશે. આવા લોકોને સમાજ સામે એટલા માટે લાવવા જોઈએ કે એ બીજાની કલા ચોરીને પોતાના નામે ચડાવે છે અને જેની આ કલા ચોરી છે એને ઉપર આવવા નથી દેતા. જો કોઈ મોઢું ના ખોલે તો આવી ગંદગી પ્રદુષણ ની જેમ ફેલાતી જાય અને સાચી કલા રૂંધાતી જાય.

એ ઘરે પહોંચી. આજ એના ચહેરા પરથી ઉદાસી અને પરેશાની છાયા ઉડી ગઈ હતી. સ્નેહા સાથે બેસીને કેરમ રમવા લાગી. બંનેની કિલકિલારીથી ઘર ગુંજી ઊઠયું હતું. અને બાના ચહેરા પાર સંતોષનું સ્મિત આવી ગયું. બા ખૂબ ઓછાંબોાલાં હતાં. બા શાળામાં કદી ગયાં ના હતાં. પણ બાની વાતો બધી ફિલસૂફીથી ભરપૂર હતી. ખૂબ ઓછું અને સમજદારી ભરેલું બોલતાં ક્યારેક બંને બહેનોને લાગતું કે જો બા સ્કૂલે ગયા હોત તો કેટલાય પુસ્તકો લખી નાંખ્યાં હોત અને પંડિતાણી બની  ગયાં હોત .

પપ્પા પણ ઘરે આવી દીકરીઓ સાથે કેરમ રમવા બેસી ગયા. પપ્પા કેરમ અને ચેસ રમવામાં ખૂબ પારંગત હતા. પણ જાણી જોઈને હારી જઈને દીકરીઓને ખુશ કરી દેતા. ક્યારેક પત્તા, ક્યારેક ક્રિકેટ અને ક્યારેક કેરમ, અને ક્યારેક ચેસ. પપ્પાએ દીકરીઓને બધી જાતની ખુશી આપેલી હતી. મધ્યમ વર્ગનું એમનું ઘર હતું, પણ એમાં ખુશીઓની કોઈ સીમા નહોતી. જિંદગી ખૂબ આનંદથી ગુજરતી હતી. પપ્પાનો નિયમ હતો ‘થોડે હૈ થોડેકી જરૂરત હૈ’ પૈસા પાછળ ‘હાય, હાય’ કરતા ના હતા. બા પણ ખુશ હતાં. પપ્પા હંમેશા કહેતા પૈસાથી પણ વધારે છે મનની શાંતિ!

જમવાનું તૈયાર હતું. બાએ બૂમ પાડી, “ચાલો, હવે જમવા ચાલો! જમી લો તો હું રસોડાને તાળું મારું. ક્યાં સુધી હું અહીં કામ કર્યા કરું? જમીને રમજો.”

બાનો હુકમ એટલે બધાએ માથે ચડાવવો પડે.  જમતાં જમતાં પણ બંને બહેનોનાં તોફાન ચાલુ હતા. બા પણ ટેબલ પાસે ખુરશી ખેંચી બેસી ગયા. “જુઓ, અન્ન દેવતા ગણાય અન્ન આરોગતી સમયે શાંતિથી બેસો. ખેડૂતનો કેટલો પસીનો વહ્યો હશે ત્યારે આ રોટલી અને ભાત તમારા ટેબલ પર તમારી થાળીમાં આવ્યા હશે? અન્નનું સન્માન કરો!” બંને બહેનો મરક મરક હસતી ચૂપ થઈ ગઈ. પપ્પા તો પહેલેથી ચૂપ હતા.

એટલામાં નેહાના ફોનની રિંગ વાગી. ટ્રીન ટ્રીન ટ્રીન !

નેહાએ ફોન ઉપાડ્યો. મીનાક્ષીદેવી હતા. “નેહા, મીનાક્ષીદેવી બોલું છું.”

નેહા ઉભી થઈને ડ્રોઈંગ રૂમમાં ગઈ.” જી મેમ.”

મીનાક્ષીદેવી: “નેહા ગુરુવારે રાતના આઠ વાગ્યાના શોમાં ચેનલ “નાઈન ગુજરાતી” પર તારો ઈન્ટરવ્યુ ગોઠવ્યો છે. પ્રાઈમ ટાઈમ પર રાખેલ છે. તેથી મોટું ઓડિયન્સ મળે. તૈયાર છે ને?”

નેહા દ્રઢતાથી બોલી, “જી, મેમ બિલકુલ તૈયાર છું.”

મીનાક્ષીદેવીએ કહ્યું, “તું સાંજે છ વાગે મારી ઓફિસમાં આવી જજે. તને પાર્લરમાં મોકલીશ. સરસ સાડી પહેરીને આવજે. મેકઅપનો ખર્ચો મારા પર. જોકે તારે મેકઅપની જરૂર નથી, પણ ટીવી સામે જાઓ તો શું કરવું તે તને જણાવીશ.”

“જી, મેમ. હું ગુરુવારે આવું છું. જો ઈન્ટરવ્યુનું થોડું રિહર્સલ થઈ જાય તો સમજ પડે કે કેવા સવાલ પૂછાશે..”

મીનાક્ષીદેવી હસી પડ્યા. “જે સત્ય છે એજ તારે બોલવાનું છે. રિહર્સલની એને જરૂર પડે જેને સાચું ખોટું જોડીને બોલવાનું હોય. તું ચિંતા નહીં કર. યુ વીલ બી ફાઈન !”

નેહાએ ટેબલ  પર આવીને બધાને સમાચાર આપ્યા. “મારો ઈન્ટરવ્યુ ગુરુવારે રાતે આઠ વાગે “નાઈન ગુજરાતી” ચેનલ પર ગોઠવાઈ ગયો છે.  શું બોલવું એ પપ્પા તમારે મને શીખવાડવાનું છે. મીનાક્ષીદેવીએ તો કહ્યું કે સત્ય બોલવું એમાં રિહર્સલની જરૂર નથી ખાલી પ્રમાણિકતાથી જવાબ આપવાના છે.”

પપ્પાએ ગરદન હલાવી કહ્યું, ” સાચી વાત છે. તેમ છતાં હું તને કહીશ તારે શું નથી બોલવાનું. આપણે કાલે પોઈન્ટ્સ લખીશું.”

નેહા ઊઠી બાને રસોડામાં મદદ કરી. પછી સૂવાના રૂમમાં ગઈ અને કોમ્પ્યુટર હાથમાં લીધું. સાગરની મેઈલ ખોલી જવાબ આપ્યો. ઈન્ટરવ્યુનો સમય અને ચેનલ બતાવી.

પ્રકરણઃ  ૧૯

ગુરુવારે સાંજના છ વાગ્યે એ મીનાક્ષીની ઓફિસમાં પહોંચી ગઈ. મીનાક્ષીદેવી એની રાહ જોઈને જ બેઠી હતી. એને સેક્રેટરીને કહ્યું કે નેહાને પાર્લરમાં લઈ જાય. મીનાક્ષીદેવીની વાત સાચી હતી. ખરેખર નેહાને કોઈ મેકઅપના થપેડાની જરૂર નહોતી. છતાં એ પાર્લરમાં ગઈ.

ટીવી પર ડાર્ક રંગના કપડાં સારા લાગે છે, એ એને ટીવી સિરિયલ જોઈને ખ્યાલ આવી ગયો હતો. એને મોરપીછ રંગની સાડી પસંદ કરી હતી. એણે પાર્લરવાળીને એ સાડી બતાવી. બ્યુટીશને એ પ્રમાણે એનો મેકઅપ કરી દીધો. નેહાના વાળ કાળા અને લાંબા હતા. એનું સરસ બન બનાવી દીધું. નેહા ખૂબ સુંદર  દેખાતી હતી. મોરપીછ રંગની સાડી, અને એ રંગનો આછો આય શેડો , બન અને આગળ બે ગાલ પાસે લટકતી બે લટ, ગળામાં મોરપીછ રંગનું દોરાનું બનેલું ફિટ પેન્ડેન્ટ અને લટકતાં  મોરપીછ રંગના ઈયરરિંગ્સ. હાથમાં મોરપીછ બંગડી.  આકાશમાંથી ઉતરેલી અપ્સરા જેવી લાગી રહી હતી.

સેક્રેટરી સાથે એ ઓફિસમાં આવી. મીનાક્ષીદેવી ત્યાં તેની રાહ જોઈ રહ્યાં હતાં.  બધાં સ્ટુડિયો તરફ જવા નીકળ્યાં. નેહા થોડી નર્વસ લાગતી હતી. પપ્પા સાથે એણે વાત તો કરીને પોઈન્ટ્સ તો લખી લીધા હતા. શું વાત બોલવી નહીં તેના માટે જરૂરી રિહર્સલ પણ કરી લીધું હતું.

રસ્તામાં ખચકાતાં ખચકાતાં, એણે મીનાક્ષીદેવીને પૂછ્યું, “મેમ, તમને ખબર છે એ કેવા સવાલ કરશે? થોડો પણ આઈડિયા હોય તો હું તૈયાર રહું. મારો આ પહેલીવાર ટીવી પર ઈન્ટરવ્યુ છે હું થોડી નર્વસ છું.”

મીનાક્ષીદેવી હસીને બોલ્યા, “નેહા, તું જરાપણ ચિંતા ના કર. તને નર્વસ કરે એવા કોઈ સવાલ નહીં પૂછે. હા, તું જે સાચું હોય તે જ જણાવી દેજે. તારો ઈન્ટરવ્યુ બહુ લાંબો પણ નહીં હોય. કદાચ વધારેમાં વધારે સાત આઠ મિનિટનો. તો બસ, સત્ય જ બોલવાનું છે, જરા પણ ડર્યા વગર.”

નેહાએ માથું ધુણાવ્યું. બધાં સ્ટુડિયો  પહોંચી ગયાં. ઈન્ટરવ્યુ લેવાવાળા સંજય મહેતા હતા. એ પ્રાઈમ ટાઈમમાં ચેનલ પર મોટા મોટા કલાકારોના ઈન્ટરવ્યુ લેતા હતા.

મીનાક્ષીદેવીએ સંજયની ઓળખાણ કરાવી. “નેહા, આ સંજય મહેતા છે. તેં કદાચ એમને કલાકારોના ઈન્ટરવ્યુ લેતા જોયા હશે. મારા ખૂબ નજીકના મિત્ર છે. તું એની સાથે બિલકુલ કમ્ફર્ટેબલ રહીશ.”

નેહાએ ‘નમસ્તે’ કર્યા. સંજયે પણ ‘નમસ્તે’ કર્યા. સંજયની પર્સનાલિટી ખૂબ સરસ હતી. પહેલી નજરે માણસ અંજાઈ જાય તેવી.

સંજય એને અંદર ઓફિસમાં લઈ ગયો. મીનાક્ષીદેવીએ રજા લીધી અને નેહાને કહ્યું કે “હું અહીંથી બિલકુલ પાંચ મિનીટ દૂર રહું છું અને તારો ઈન્ટરવ્યુ મારે ઘરે જઈને જોઈશ. કાલે તને કૉલ  કરીશ. સંજય તને ઘેર મૂકી જવાની વ્યવસ્થા કરશે.”

સંજયે ચાની ઓફર કરી, નેહાએ ના કહી. હવે એનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. હાથમાં પસીનો વળી રહ્યો હતો. મીનાક્ષીદેવી હતાં તો એને હિંમત હતી. એમના જવાથી જાણે શબ્દો ગળામાં અટવાઈ જશે એવું લાગી રહ્યું હતું. સંજય સમજી ગયો.

સંજયે કહ્યું, “મિસ નેહા, જસ્ટ બી યોર સેલ્ફ, ડોન્ટ વરી અબાઉટ એની થીંગ. તમે જાણે મારી સાથે જ વાત કરો છો બસ, એવું ધ્યાનમાં રાખો. ટીવી, આ કેમેરા બધું ભૂલી જાઓ.”

નેહાને થોડી હિંમત આવી. સેટ તૈયાર થઈ ગયો હતો. લાઈવ શો હોવાથી રિટેકનો સવાલ નહોતો અને જે બોલ્યું છે તે પાછું ખેંચાઈ શકે એનો પણ અવકાશ નહોતો. નેહાને એક મિનિટ માટે થયું કે ચાલને સંજયને ના કહી દઉં કે મારે કોઈ ઈન્ટરવ્યુ નથી આપવો. પણ એમાં મીનાક્ષીદેવીનું ખરાબ દેખાશે. અને ચેતનકુમારનો લુચ્ચો ચહેરો યાદ આવી ગયો. એ સ્વસ્થ થઈ ગઈ.

એ અને સંજય સ્ટુડીઓમાં આવી ગયા. સામે કેમેરા ગોઠવાયેલા હતા. જમણી બાજુ, ડાબી બાજુ અને સામે!

સંજયે સ્ટુડીઓમાં આવીને ફરી કહ્યું, “કેમેરાને ભૂલી જાઓ, નેહા. ખાલી મારી સાથે વાત કરતા હો એમ બધી સત્ય હકીકત કહેતાં રહેજો. યુ વીલ બી ફાઈન.”

નેહા સ્વસ્થ થઈ ગઈ. નેહા અને સંજય સામ સામી ખુરશીમાં બેઠાં હતાં.

સંજય ઈશારાથી  એક બે ત્રણ કહ્યું અને કેમેરા ચાલુ થઈ ગયા. સંજયે બોલવાનું ચાલુ કર્યું, “મિત્રો, ચેનલ નાઈનમાં આપનું  સ્વાગત છે . આજના ટોક શો ‘વાત આપની સાથે’માં આપણી સાથે એક નવોદિત લેખિકા હાજર થયાં છે. મને આજના પ્રેક્ષકોને બતાવતા આનંદ થાય છે કે મિસ નેહા  હજુ કૉલેજનાં વિદ્યાર્થિની છે, એ પણ સાયન્સનાં. એમને ગુજરાતીમાં લખવાનો આટલો બધો શોખ છે. તેમની પોતાની વાર્તાઓ તેમ જ કવિતાઓ અને ગઝલ નાનામોટા મેગેઝિનમાં પ્રકાશિત થાય છે. એ આજ આપણી સાથે પોતાના જીવનના કડવા-મીઠા અનુભવ બતાવવા ટીવી પર આવ્યાં  છે. મિસ નેહા આપનું સ્વાગત છે.”

નેહાએ મીઠું સ્મિત કર્યું, “આભાર સંજયજી”

“મિસ નેહા, આપને લખવાની પ્રેરણા ક્યાંથી મળી?”

“મને બાળપણથી લખવાનો શોખ હતો, મારી નાની બહેન, સ્નેહાને હું કહેતી કે કોઈપણ શબ્દ આપ અને હું કવિતા બનાવીશ અને બનાવતી પણ ખરી! આ શોખ મને મારા પપ્પા તરફથી મળ્યો એમ કહું તો ખોટું નથી. પપ્પાને વાંચનનો શોખ એટલે ખૂબ પુસ્તકો લાવતા અને બસ, મેં પણ વાંચવા માંડ્યું અને ત્યારથી લખવાની પણ પ્રેરણા મળી.”

સંજય, “તમે કેવા પ્રકારનું સાહિત્ય પસંદ કરો છો? મારો મતલબ છે ગદ્ય કે પદ્ય ?”

“આમ તો બંને પ્રકાર મને ગમે ગમે છે પણ ગદ્ય હું વધારે પસંદ કરું છું કારણકે એમાં મારી કલ્પનાને હું પાંખો આપી શકું છું!” નેહા બોલી.

“તમે  ફિલ્મ માટે લખવાનું વિચાર્યું છે? જેમકે નાટક  કે ફિલ્મની સ્ક્રિપટ?” સંજય મુદ્દા પર આવી રહ્યો હતો. નેહાને એની રીત ગમી કારણકે અત્યાર સુધીમાં એની બીક ભાંગી ગઈ હતી.

નેહાએ  એકદમ સ્વસ્થતાથી જવાબ આપ્યો, “જી હા. મને ફિલ્મ માટે લખવાનું ગમે છે. હાલમાં જ એક ફિલ્મની સ્ક્રિપટ તૈયાર કરી હતી. પ્રોડ્યુસર ચેતનકુમાર માટે. કદાચ આપ સર્વ પ્રેક્ષકો આ નામથી અજાણ્યા નહીં હોય. જી હા, ખૂબ મોટા પ્રોડ્યુસર ડાયરેક્ટર છે. એમની આ અઠવાડિયામાં જે નવી ફિલ્મ આવી છે, “અધૂરાં  સપનાં” એની સ્ક્રિપટ મેં લખી હતી. એમણે મારી વાર્તા ડાઈજેસ્ટ વાંચી અને મને કૉલ કરીને મળવા માટે બોલાવી. હું ખૂબ ખુશ હતી કે આટલા મોટા ડાયરેક્ટર મારી વાર્તા પર ફિલ્મ બનાવવા માગે છે. એમણે મને વિનંતી કરી કે વાર્તાને સ્ક્રિપટનું સ્વરૂપ આપી દઉં. મેં તરત હા પાડી. એમણે મને ત્યાં ને ત્યાં બે લાખનો ચેક લખી આપ્યો.”

સંજય વચ્ચે અટકાવતાં કહ્યું,” પણ મિસ નેહા એ ફિલ્મ માં રાઈટર તરીકે તમારું નહિ, ચેતનકુમારનું નામ છે. ”

નેહા બોલી, “જી હા.  મને એમણે પ્રિમિયમ શોની ટિકિટ આપેલી. હું એવું સમજી કે મારું જ નામ હશે પણ જ્યારે મેં રાઈટર તરીકે મારું નામ ના જોયું તો મેં એમને સવાલ કર્યો તો એમણે મારી મજાક ઉડાડી અને મિત્રો વચ્ચે મને અપમાનિત કરી. મને દુઃખ એ વાતનું થયું કે આટલા મોટા ડાયરેક્ટરને મારી જેવી નાની વ્યક્તિને દગો શું કામ દેવો પડ્યો? શું મારા જેવાં કેટલાંય નવોદિત સાથે આવું જ બનતું હશે? શું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈનો વિશ્વાસ ના કરાય? શું ચોરીની વાર્તાથી બનાવેલી ફિલ્મની પ્રસિદ્ધિથી એમનો આત્મા ડંખતો નહિ હોય? હું તો કાલે બીજી વાર્તા લખીશ, બીજી સ્ક્રિપટ તૈયાર કરીશ.  જિંદગી આગળ જશે અને નવી ફિલ્મોયે બનશે. પણ શું એમનાં જેવા કહેવાતા મોટા માણસોની ચોરી કદીયે અટકશે ખરી? ”

સંજય બોલી ઉઠ્યો, “નેહાજી , તમારી વાત સાંભળીને ખૂબ દુઃખ થયું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધા માણસો એવા નથી. મને આશા છે કે આપણા પ્રેક્ષકો આપણી વાત ધ્યાનથી સાંભળતા હશે, અને તમને સપોર્ટ કરશે. તમે આ વાતને કોર્ટ સુધી પણ લઈ જઈ શકો છો, પણ આશા રાખું કે ત્યાં સુધી મામલો ના પહોંચે અને તમને ન્યાય મળી જાય. તમે લખવાનું ના છોડશો. ગુજરાતીને જીવંત રાખવા તમારા જેવા રાઇટરોની જરૂર છે. મિત્રો ફરી મળીશું આવતા ગુરુવારે  ‘ વાત આપની સાથે ‘માં. શુભરાત્રી ”

સંજયે નેહાને શાબાશી આપી કે નેહાએ સરસ ઈન્ટરવ્યુ આપ્યો!

પ્રકરણઃ  ૨૦

સંજયે નેહાને અભિનંદન આપ્યા. સરસ ઈન્ટરવ્યુ થયો હતો, પણ સવાલ એ હતો કે ચેતનકુમારે આ ઈન્ટરવ્યુ જોયો કે નહિ? અને જોયો તો એનું શું રિએક્શન હતું? અને પ્રેક્ષકોનું શું માનવું હતું? શું લોકોએ નેહાની વાતનો વિશ્વાસ કર્યો હશે? શું ચેતનકુમાર પોતાની ભૂલ સ્વીકારશે? અને સ્વીકારશે તો ફિલ્મમાં શી રીતે ફેરફાર થી શકે? એવું પણ બને કે ચેતનકુમાર આવા કોઈ પ્રહાર માટે તૈયાર હોય અને એને પોતાની સાઇડને મજબૂત કરી લીધી હોય! આ કાંઈ એક વાર થોડી ચોરી કરી છે! મીનાક્ષીદેવીએ જ કહ્યું હતું કે આવું એમની સાથે પણ બન્યું હતું. એટલે એમની પાસે દલીલો તો હશે જ!

રિક્ષામાં બેઠાં બેઠાં  એ કેટલું બધું વિચારતી રહી. એટલામાં એના ફોનની રિંગ વાગી. મીનાક્ષીદેવીનો કૉલ હતો.

“નેહા , સરસ ઈન્ટરવ્યુ થયો! હવે તું કાંઈ ચિંતા કરતી નહિ. ચેતનકુમારના દરમાં હાથ નાખી દીધો છે. એના દરમાંથી બહાર આવવાની રાહ જોવાની છે. તેમ જ હવે પછી એ આગળ શું પગલાં લે છે એના પરથી આપણે આગળ વધવાનું છે. જો મામલો શાંતિથી પતતો હોય તો આપણે જંગ કરવાની જરૂર નથી, કારણકે તારે આ લોકો સાથે જિંદગીભરનો પનારો પાડવાનો છે. જો તારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેરિયર  બનાવવી હોય તો! હું ચેતનકુમારને જાણું છું એ મામલો ઠંડો પાડી દેશે! પણ તું શાંતિથી ઘરે જઈને સુઈ જા! જો હોગા દેખા જાયેગા!”

નેહાએ આભાર માન્યો અને મીનાક્ષીદેવીએ ફોન રાખી દીધો. નેહાએ પણ ઘરે ફોન કરીને જણાવી દીધું કે સંજયે એના માટે કારની વ્યવસ્થા કરી હતી. એ સુખરૂપ ઘરે પહોંચી ગઈ. બા પપ્પા અને સ્નેહા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એ આવીને બાને વીંટળાઈ ગઈ. પપ્પાએ માથા પાર હાથ રાખી આશીર્વાદ આપ્યા.

સ્નેહા ટહૂકી, “નેહા, અમે તારો ઈન્ટરવ્યુ જોયો! તું તો એકદમ પ્રો લાગતી હતી. જરાપણ ગભરાતી નહોતી. બા તો એકદમ ખુશ થઈ ગયા. પણ હા, સાથેસાથે ગભરાતાં પણ હતાં કે ચેતનકુમાર તને કાંઈ નુકસાન ના પહોંચાડે.

પપ્પા એમને આશ્વાસન આપતા હતા. “મને તો એકદમ વિશ્વાસ છે કે ચેતનકુમારને એની ભૂલ જરૂર સમજાય જશે. જીવનમાં બધું પોતાનું ધાર્યું થતું નથી પણ બધું ઈશ્વરનું ધાર્યું થાય છે. શેર માથે સવા શેર હોય જ છે કેમ પપ્પા ? ”

પપ્પાએ માથું હકારમાં હલાવ્યું. નેહા બોલી, “ચાલો, હું ફ્રેશ થઈને આવું, મને બહુ ભૂખ લાગી છે. બા, સ્નેહાને કહોને આજે એ રોટલી બનાવે.”

બાએ કહ્યું ,” મેં આજ ખીચડી અને કઢી જ બનાવ્યાં  છે તું જલ્દી આવી જા ગરમાગરમ જ છે. હું પાપડ શેકું છું.”

સ્નેહાએ હસીને નેહા સામે ડિંગો બતાવ્યો. નેહા પણ હસતી હસતી ફ્રેશ થવા ગઈ.

બધાએ શાંતિથી વાળું કર્યું. એ થાકી ગઈ હતી. એ રૂમમાં આવી એને કોમ્પ્યુટર ખોલ્યું. સાગરની ઈ-મેઈલ  આવી હતી!

“ડિયર નેહાજી,

આજ ડિયર કહેવાની હિંમત એકઠી કરી છે. એવું ના સમજતાં કે તમારું ટીવી પર સૌંદર્ય જોઈને આવું કર્યું છે. પણ હા, તમારી ટીવી પર હિંમત જોઈને ચોક્કસ મેં હિંમત એકઠી કરી છે. નેહા .. નેહા.. નેહા ..હવે મારાથી નથી રહેવાતું. તમે મારી જિંદગીમાં આવી જાઓ અને કોયલની જેમ ટહૂકી જાઓ, વાદળની જેમ વરસી જાઓ, ફૂલની જેમ મહેકી જાઓ, અને હું તમારી મદભરી આંખોમાં ડૂબી જાઉં, તમારા મીઠાં સુરીલાં   અવાજમાં ખોવાતો જાઉં, અને અને તમારાં નેહની વર્ષામાં ભીંજાતો જાઉં.

હવે તમે ઘરમાં મારી વાત કરો અને જલ્દી તમને મળવા આવું. મારા વિષે વધારે કાંઈ જાણવું હોય તો પણ જણાવશો. આપણે બે મટીને એક થવાનાં હોઈએ ત્યારે કોઈપણ વાત છૂપાવવી ના જોઈએ. બસ હવે હું તમારી ઈ-મેઈલની રાહ જોઈશ. જેમાં મને પોઝિટિવ જવાબ મળશે એવી આશા રાખું છું કે તમારા પપ્પા જાતિ, કુળ વગેરેમાં માનતા નહિ હોય. મને તો જાતિ કે કુળ માં કોઈ રસ નથી. મને તો જન્મકુંડળીમા પણ રસ નથી. જો કે, મારી પાસે મારી જન્મ કુંડળી છે પણ નહિ. માંગશો તો કઢાવવી પડશે!

ક્યારેક સમય મળે તો કૉલ કરશો. તમે જ્યારે મારા માટે ગંભીરતાથી વિચારશો ત્યારે હું મારા જીવન વિષે તમને ચોક્કસ બતાવીશ. મારે મારી જીવનસંગિની સાથે કોઈ રહસ્ય રાખવા નથી.

તમે મોરપીછ સાડીમાં ‘મોરની’ જેવા શોભતા હતાં. ખરેખર ખૂબ સુંદર લાગતા હતાં.  તમારી વાત કરવાની સ્ટાઈલ પણ મનમોહક હતી. મને આશા છે કે મારા સિવાય બીજા કોઈ તમારા દિવાના ન હોય અને તમે ફક્ત મારા જ છો !!

સાગર મલ્હોત્રા”

નેહા સાગરનો પ્રેમ નીતરતો ઈ-મેઈલ વાંચી રહી. ફરી ફરીને વાંચતી રહી. જિંદગી ક્યારેક એક સામટું કેટલું બધું આપી દે છે અને છીનવવા બેસે ત્યારે એક સામટું કેટલું બધું છીનવી લે છે? પણ માનવીએ દરેક પરિસ્થિતિનો સામનો કરવો જ રહ્યો. સફળતા નિષ્ફળતા ભગવાનને હાથ છે પણ નિષ્ફળ થઈ ફરી ઊભા થઈ આગળ વધવું એ માનવના હાથમાં છે. નેહાએ એજ કર્યું હતું. એક વાર એ નિષ્ફળ ગઈ. ચેતનકુમારને હાથે હારી પણ એ ઊભી થઈને લડી અને હાર ન માની.

સાગરને શું જવાબ આપવો એ, નેહા નક્કી કરી શકતી નહોતી. એની સામે આખી જિંદગી પડી હતી. એની કેરિયર, એનો શોખ! શું સાગર આ બધું એને લગ્ન પછી કરવા દેશે? એને પોતાને તો હજુ સુધી સાગર માટે અતિ પ્રેમની લાગણી થતી નહોતી. હા એને ગમતો હતો, પણ દિલ ઊછળીને બહાર આવી જશે એવું કાંઈ તો હતું નહિ. ઉતાવળ શા માટે કરવી? એક મુલાકાત કરી લઈએ. જોઈએ, પપ્પા શું કહે છે. બા શું કહે છે. જિંદગી ખાલી લગ્નનું બંધન જ નહિ ઘણું બીજું પણ હોય છે. મને આશા છે કે સાગર આ વાત સમજી શકશે ! પણ આજ હું પપ્પાને જરૂર વાત કરીશ. કોઈને મળવું હોય તો પપ્પાની પરવાનગી જરૂર લઈશ.

આ બાજુ, સ્નેહા સુઈ ગઈ હતી. એનું  નિર્દોષ સૌંદર્ય ચાંદની સાથે હરીફાઈમાં ઊતર્યું હતું. નેહાએ એને જોઈ અને એનું વહાલ ઊભરાયું. સ્નેહાના માથેથી લટ હળવેથી ઊંચી કરીને નેહા વિચારતી હતી, “મારી વહાલી બહેન. મારી કેટલી ચિંતા કરે છે. પણ મને એની ચિંતા છે. એ ભોળી છે. રખેને, એ કોઈની વાતોમાં આવી જાય, એવી એની ઉંમર છે. એને પણ જિંદગીના સબક શીખવવા પડશે.”

આજ એને ઊંઘ આવતી નહોતી. એની ચોરસ બારીમાંથી શરદ પૂર્ણિમાનો પૂરો ખીલેલો ગોળ ચાંદ દેખાતો હતો. મચ્છરદાની હતી, છતાં ચાંદના કિરણો મચ્છરદાનીને વીંધીને એના તનબદનમાં આગ લગાવી રહ્યાં હતાં. ચાંદ હંમેશા એની નબળાઈ રહ્યો હતો. એના શીતળ કિરણોમાં એના હૃદયમાં પ્રણયોર્મિ જગાડવા માટે સક્ષમ હતા. સાગરની યાદ આવી ગઈ. યુવાન હૃદય અને શરીર દઝાડે એવાં  ચાંદનીના કિરણો!  કુછ ના કુછ તો હોના થા! એની આંખોમાં મદહોશી છવાઈ ગઈ. અને થોડીવારમાં એ સપનાંની દુનિયામાં ખોવાઈ ગઈ!

આજ પહેલીવાર એને સપનામાં  સાગર આવ્યો. એની દ્રઢ ભુજામાં એ સમાઈ ગઈ હતી. અને એની વિશાળ છાતીમાં માથું રાખી એ આંખો બંધ કરી ઊંડાઊંડા શ્વાસ લઈ રહી હતી. અને સાગરે નીચા નમીને એના ગુલાબની કળી જેવા ઓષ્ટ ચૂમી લીધા. અને એ વેલીની જેમ સાગરને વીંટળાઈ ગઈ. સપનાં પણ ક્યાં સાચાં  પડતાં હોય છે? એ ઝબકીને જાગી ગઈ. એ રેશમી તકિયાને પોતાના બંને હાથોથી દબાવી રહી હતી! ઓહ આવું સપનું કેમ આવ્યું? શું સાગરનો પ્રેમ મારામાં ફૂટી રહ્યો છે? શું સાગર મારા અંતરાત્મા સુધી પહોંચી ગયો છે?

પ્રકરણઃ  ૨૧

તંદ્રામાં એની આખી રાત ગઈ અને સાગર આસપાસ ફરતો રહ્યો. સવારે ઊઠીને એને જાણવું હતું કે ચેતનકુમારનું શું રિએક્શન આવ્યું હતું. પણ કોની પાસેથી જાણવું? ‘હા, મીનાક્ષીદેવીને કોલ કરું? કે સાંજ સુધી રાહ જોઉં? હા, સાંજ સુધી રાહ જોઉં. કાંઈ ને કાંઈ સમાચાર આવી જશે. ચેતનકુમાર ફડફડીને બેસી રહે એવો તો નથી જ.’ નેહાને નાની ઉંમરે ઘણું શીખવા મળી ગયું હતું. ધીરજ રાખવી, એ પણ એક લેસન હતું. એણે નક્કી કર્યું કે; ચાલો, સાંજ સુધી રાહ જોઈએ.

સવારે નાસ્તા પાણી કરી નાહી ધોઈને કૉલેજ જવા ઉપડી. કૉલેજ પહોંચતાં જ છોકરાઓ એની સામે જોઈ ગુસપુસ કરતા હતા. પણ જે પહેલા મજાક ઉડાવી હતી એવી સ્થિતિ નહોતી. પણ નક્કી  કંઈક બની ગયું હતું.  પણ નેહા ધ્યાન આપ્યા વગર પોતાના ક્લાસમાં જવા લાગી. રસ્તામાં એને પ્રોફેસર ચુડાસમા મળ્યા.

‘હલ્લો મિસ નેહા, કેમ છો ? અરે તમે તો એક દિવસમાં સ્ટાર બની ગયા શું વાત છે!’

નેહા બોલી, “હું સમજી નહિ સર તમે શું કહેવા માંગો છો?”

“અરે કાલે તમારો ઈન્ટરવ્યુ જોયો, તમે તો કમાલ કરી દીધી. ખૂબ સરસ ઈન્ટરવ્યુ આપ્યો. આપણી કૉલેજ તમારા માટે ગર્વ લે છે. જૂઠ્ઠા લોકોને ઉઘાડા પાડવા જ જોઈએ. હું હંમેશા તમારી સાથે જ છું. કોઈપણ જાતની તકલીફ હોય તો મને જરૂર જણાવશો. હું તમારી પડખે ઊભો રહીશ.” પ્રોફેસર બોલ્યા.

“ચોક્કસ સર, હું જણાવીશ. થેંક્યુ સર. પણ શું તમને લાગ્યું કે મેં બરાબર કર્યું છે?”

“હા ચોક્કસ, તમે સાચું જ કર્યું છે. તમે સ્ક્રિપટ લખી હતી, તેનો હું સાક્ષી છું. તેથી તો કહ્યું કે મારું કામ હોય તો કહેશો. આ ફિલ્મ તમારી છે અને એમાં તમને રાઈટર તરીકેનું સન્માન મળવું જ જોઈએ.” પ્રોફેસર બોલ્યા.

એ આભાર માની ક્લાસમાં જવા નીકળી. આજ પહેલીવાર પ્રોફેસર ચુડાસમાએ જરા હસીને વાત કરી હતી. આ પ્રોફેસર કોઈને દાદ નથી આપતા. પણ નેહાને સામેથી અભિનંદન આપ્યા. નેહા ખુશ થઈ ગઈ. કૉલેજમાં થતા ગણગણાટનો અર્થ હવે એને સમજાયો. એને થયું, “બધાએ મારો ઈન્ટરવ્યુ જોયો હશે. ચાલો, ખૂબ સરસ ઈન્ટરવ્યુથી સાચી વાત બહાર આવી. એટલે મારી મજાક ઉડાડવાનું બંધ થશે, એટલું જ નહીં, સ્ટુડન્ટ્સની સહાનુભૂતિ પણ મળશે.”

આજનો દિવસ ખૂબ લાંબો લાગ્યો. ચેતનકુમારનું રિએક્શન જાણવા માટે દિલ તલપાપડ થતું હતું. જો પ્રેક્ષકોની સહાનુભૂતિ મળશે, તો ચેતનકુમારે પોતાની ઈમેજ સંભાળી રાખવા માટે પણ નમતું મૂકવું પડશે. નેહાને ચેતનકુમારને નીચું દેખાડવામાં કોઈ રસ નહોતો. પણ બીજા સાથે આવું હીણું કામ ના કરે એ જ જોવાનું હતું. એ સ્ત્રીને નબળી સમજતો હોય તો એને નારી શક્તિનો પરચો દેખાડવાનો હતો. બધા નવોદિત ચૂપચાપ બેસી ના રહે. કોઈએ તો પોતાનો અવાજ અન્યાય સામે અવાજ ઉઠાવવો જ રહ્યો.

એ કૉલેજથી નીકળી અને ફોનની રિંગ વાગી. સાગરનો કૉલ હતો.

“હલ્લો મિસ નેહા, મારી ઈ-મેઈલ મળી?”

“હા. મળી ગઈ હતી. સોરી, તમારી  ઈ-મેઈલનો જવાબ આપી શકી નથી. પણ તમારી પ્રમાણિકતા મને ગમી. હું તમારા માટે વિચારું છું, પણ હું મારી જિંદગીનો ફેંસલો આટલી જલ્દી કરવા માગતી નથી. હું હાલમાં તો મારી ફિલ્મની સ્ક્રિપટના પ્રોબ્લેમને લઈને ખૂબ પ્રિઓક્યુપાઈડ રહું છું. હા, બાય ધ વે, તમે મારી પ્રશંસા કરી, એને માટે ખૂબ ખૂબ આભાર.”

‘મિસ નેહા. હવે મારી ધીરજ હું ખોઈ રહ્યો છું. પણ હાલમાં તમે સ્ટ્રેસમાં છો તેથી હું તમારા પર વધુ દબાણ નહિ કરું. પણ એક વાત ચોક્કસ કહીશ કે અત્યારે મારે શું કરવું, હું એ અસમંજસમાં અટવાઈ ગયો છું. હું તમારી મનોસ્થિતિ સમજી શકું છું. આજે માત્ર એટલું જ કહીશ કે મારી કોઈ પણ મદદની જરૂર હોય તો જરા પણ ફોર્માલિટી રાખ્યા વિના જણાવશો. આઈ એમ ઓન્લી અ ફોન કોલ અવે. બાય નાઉ.” સાગરના અવાજમાં થોડી ઉદાસી અને કદાચ થોડો ગુસ્સો કે અકળામણ પણ હતી. પણ એ શું કરે? નેહાને પણ એનો આવી રીતે ફોન રાખી દેવો એને ગમ્યું નહોતું.

પણ એના દિલમાં કૈક ખટક્યું. હા, એક વાત સાચી હતી. એણે આજ સુધી સાગર વિશે ગંભીરતાથી વિચાર્યું નહોતું. શું એક ફેન, એક ચાહક અને એ પણ સાગર જેવો માણસ, એની પાછળ ગાંડો થઈ જાય? જેને એ કદી મળી નથી અને જે એવો પેપર પર આટલો ‘એકોમ્પ્લિશ્ડ’ લાગતો યુવક આમ કી રીતે એના માટે ગાંડો થઈ જાય? શું એ જિંદગીને મજાક સમજતો હશે? આમ કંઈ ખરેખર એક વાર્તા વાંચવાથી થોડો પ્રેમ થઈ જાય? અને પોતે પણ એની સાથે શું કામ આટલી વાતો કરતી રહી? એટલું જ નહીં, પણ રાતના એકાંતમાં સુષુપ્ત મનથી એને કેમ ઝંખે છે? મનમાં પોતાના સવાલના જવાબ આપતી એ ઘરે પહોંચી ગઈ.

બા અને સ્નેહા રાહ જોઈને બેઠા હતા. સ્નેહા તરત જ બોલી,” શું સમાચાર છે? ચેતનકુમારે કૉલ કર્યો? કૉલેજમાં શું થયું? મારે તો આજ પિરિયડ હતા નહિ તેથી હું કૉલેજ આવી નહોતી.”

નેહાએ નકારમાં માથું ધુણાવ્યું. એને વિચાર આવ્યો કે મીનાક્ષીદેવીને કોલ કરું. પણ જો એમની પાસે કોઈ સમાચાર હોત તો મને કૉલ કર્યો હોત. ઠીક છે, એક દિવસ વધુ રાહ જોઈએ. નહીંતર પછી હું કૉલ કરીશ.

જમીને એને કોમ્પ્યુટર ખોલ્યું. સાગરની ઈ-મેઈલ હતી. ઈ-મેઈલમાં એક ફૂલનો બુકે મોકલેલો હતો અને ફક્ત એક જ વાક્ય લખ્યું હતું. ‘સોરી’. એ હસી પડી. એને ખાતરી થઈ ગઈ કે સાગર એનો પીછો છોડવાનો નથી. એણે જવાબ આપ્યો.

‘સાગર,

તમારે મને સોરી કહેવાની જરૂર નથી. હું તમારી લાગણી સમજી શકું છું. પણ ખરેખર, હાલ તુરંત, હું કોઈ નિર્ણય લેવા માટે શક્તિમાન નથી. કોઈના પર વિશ્વાસ કરો અને એ તમારો વિશ્વાસ ભંગ કરે ત્યારે કેવું દુઃખ થાય છે એ તમે સમજી શકતા હશો. દુર્ભાગ્યે ચેતનકુમારનો વિશ્વાસ કરીને મેં મોટી ભૂલ કરી છે. મારા મનના હીલિંગ માટે તમારે મને સમય આપવો પડશે. હું જ્રરૂર તમને મળવા માંગુ છું. પણ એ પહેલાં આ એક કમનસીબ ઘટનામાંથી મારે પહેલાં બહાર આવવું છે જેથી જીવનનાં નિર્ણયો હું ફરી મારા આત્મવિશ્વાસથી કરી શકું. આઈ હોપ, તમે મને નક્કી જ સમજી શકશો. અને પ્લીઝ, તમારે માફી માંગવાની સાચે જ જરૂર નથી.

નેહા.’

નેહાએ કોમ્પ્યુટર બંધ કર્યું. પરીક્ષા માથા પર આવી રહી હતી. ચેતનકુમારે એની જિંદગીને ઉથલપાથલ કરી દીધી હતી. હવે શું કરવું ? એ સવાલ પર મગજની સોય અટકી ગઈ હતી. એણે સ્નેહા સામે જોયું. એ આરામથી પોતાની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. સ્નેહાએ આર્ટસ લીધું હતું. એને લખવાનો જરાપણ શોખ નહોતો પરંતુ એને ફિલ્મો ગમતી હતી.

સ્નેહાએ પુસ્તકમાંથી માથું કાઢી નેહા સામે જોયું. પછી હસીને બોલી, ” નેહા, તું શું કામ ચિંતા કરે છે. ઈશ્વર પર શ્રદ્ધા રાખ.  એ જરૂર તારા પક્ષમાં ન્યાય કરશે. સૂઈ જા , અથવા અભ્યાસમાં ધ્યાન દે. વોહ સુબ્હ કભી તો આયેગી.”

નેહાએ સ્મિત કર્યું, ઊભી થઈને પાણી પી આવી. સાચી વાત છે. ‘વોહ સુબ્હ કભી તો આયેગી. એની શ્રદ્ધા ના ડગવી જોઈએ.’

(ક્રમશઃ)

આપનો પ્રતિભાવ આપો..