પાંચ ગઝલ ~ હર્ષ પંડ્યા (કવિ અમીર) ~ જૂનાગઢ/ઉના

કવિ પરિચય:  હર્ષ આર. પંડ્યા (કવિ અમીર). વતન :- જૂનાગઢ, હાલ :- ઉના, વ્યવસાય :- ગણિત/વિજ્ઞાન શિક્ષક. 2011થી ગઝલ લખવાનું શરૂ કર્યું. 2017થી ‘ગઝલ શીખીએ’ ગ્રુપના એડમીન તરીકે સેવા આપે છે.
1. ધ્યાનમાં 

સ્થિરતા આવી જવાની ધ્યાનમાં,
મુગ્ધતા એણે ભરી લોબાનમાં.

એક અતિસુંદર અવસ્થા પ્રેમની,
દેહ જાગ્રત હોય, મન બેભાનમાં.

છે નકાબી એક ચહેરો આજ પણ.
જેમ હો, તલવાર તીખી મ્યાનમાં.

રાત આખી એક પડખે હોઉં છું.
સ્વપ્ન એના રાખે છે બેભાનમાં.

આ લથડવું પણ કળા લાગી મને.
હું વધારે પી ગયો છું ભાનમાં.

નામ રાખ્યું અપ્સરા, ખોટું નથી.
એને મેં જોઈ છે ભીના વાનમાં.

આંખથી એકીટશે જોયા કરે,
એ ઈશારો એનો સમજો શાનમાં.

એક લીટીમાં લખી નાખ્યું ‘અમીર’,
“અંત મારો ‘ને તું અનુસંધાનમાં”

2. જાય છે

એ મને જોઈ પાછા વળી જાય છે.
એમ કરવાથી રસ્તા ફરી જાય છે?

આંખ સાથે કરો કલ્પના આભની,
આંસુ ટપકે, સિતારા ખરી જાય છે.

હું કહેતો નથી તોય સમજી જશે.
મા દરદ કેવી રીતે કળી જાય છે?

પ્રેમ જો થાય દરિયાને તો શું થશે?
લાશ ડૂબે ‘ને પથરા તરી જાય છે.

જામ ‘ને પ્રેમ વચ્ચેની છે સામ્યતા,
હોઠે લાગે તો બન્ને ચડી જાય છે.

ઝેર શું હોય એ જાણવું છે “અમીર”
રાણો આપે ‘ને મીરા ગળી જાય છે.

3. તારા ગયા પછી
આ રાતનું વધવું રહ્યું તારા ગયા પછી.
સપનું હવે અડધું રહ્યું તારા ગયા પછી.

પાંપણ ઉપર શું ભાર છે જાણી ગયો હતો.
ખારું ઘણું ભળતું રહ્યું તારા ગયા પછી.

શાને રહ્યો છું એકલો કારણ મળ્યું હવે.
બસ હું પણું નડતું રહ્યું તારા ગયા પછી.

મયખાનની આદત નથી તોયે જતો રહ્યો.
સાકી થકી મળતું રહ્યું તારા ગયા પછી.

સૂરજ થકી જે ના થયું એવું સતત થયું.
કે સાંજને ઢળવું રહ્યું તારા ગયા પછી.

રાખ્યા હતા મેં સાચવી એ પણ દડી પડ્યા.
એ આંસુનું ખરવું રહ્યું તારા ગયા પછી.

તારા વિરહનું દર્દ મેં કોઈને કહ્યું નથી.
ભીતર સતત વધતું રહ્યું તારા ગયા પછી.

કિનારે છું કે છું હું મઝધારે ખબર નથી.
બસ પાણી થઈ તરવું રહ્યું તારા ગયા પછી.

પકડો કલમને હાથ પણ સળગી ઉઠે “અમીર”.
આ જાતનું બળવું રહ્યું તારા ગયા પછી

4. લાગી
મન ઉપર કાળની નજર લાગી.

લાગણી ત્યારે બેઅસર લાગી.

મોતનો દાવ જીતવા માટે,
જિંદગી આખી દાવ પર લાગી

સાથ છૂટ્યા પછી જ સમજાયું.
હાથને હાથની કસર લાગી.

આ નદીનું વહેવું ખળખળ થઈ,
બે કિનારાને પણ સફર લાગી.

એક સેંથો પૂર્યા પછી જાણે,
દીકરી બાપનેય ઘર લાગી.

ચાલ મનડા જીવી લે ક્ષણ-ક્ષણને,
શ્વાસને શ્વાસની ઉંમર લાગી.

અંતની રોટલી મા એ આપી,
એને તો ભૂખ રાતભર લાગી.

એમ થોડી સુકાય લીલીછમ,
ડાળને પાંખની કદર લાગી.

5. આવશે
આ જ રસ્તે એમનું ઘર આવશે.

એ મને જોઈને છત પર આવશે?

દર્દ ફૂલોનું હું સમજાવી શકું.
ખુશ્બુ લઈને જ્યારે અત્તર આવશે.

આપવાની એટલે આદત પડી.
માંગવા ક્યારેક ઈશ્વર આવશે.

લાશ સમજી ફેંકો દરિયામાં છતાં,
ડૂબશે નહિ એ તો ઉપ્પર આવશે.

નીચે ના મુકો તમારા પગ સનમ.
ફૂલો વચ્ચે ક્યાંક કંકર આવશે.

તું ભલે કિનારા કર બન્ને તરફ,
મળવા સરિતાને સમંદર આવશે.

એ ચહેરાને હું ભૂલી ના શક્યો!
નક્કી આજે સ્વપ્ન સુંદર આવશે.

આ રીતે ઉપકાર ના કર, એ ખુદા!
પાછો મારા પગમાં પથ્થર આવશે.

ને કહો તો હું વલોવું આંખ, પણ
ઝેર પીવા પાછા શંકર આવશે?,

~ હર્ષ પંડ્યાકવિ અમીર
+91 96247 74473

Leave a Reply to શૈલેષ પંડ્યા નિશેષCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

6 Comments

  1. ખૂબ જસરસ… અભિનંદન.. હર્ષભાઈ….

  2. બધીજ ગઝલ ખૂબ સરસ.
    કવિને અઢળક શુભેચ્છાઓ!

  3. હર્ષભાઈની પાંચે પાંચ ગઝલ ખૂબ સરસ છે. અમૂક શેર ઉત્તમ કોટિના પ્રગટ્યા છે.કવિ અમીરને ખૂબ ખૂબ અભનંદન અને શુભેચ્છાઓ…