“ચાલો, જઈએ ઍન્ટાર્કટિકાની સફરે” ~ (૩) ~ ઍન્ટાર્કટિકાની ક્રુઝ: મારો અકસ્માત અને ક્રુઝ બની યાત્રા! ~ ગીતા ભટ્ટ  

“લીધી અમે વાંસળી ને લીધી અમે કામળી, નીકળી પડ્યાં ગીત ગાતાં અમે!” અમારું એક્સાઈટમેન્ટ હવે ચરમ સીમા પર હતું. ક્યારેક ‘અદીઠ’નો ભય પણ લાગતો કે બધું સમુંસૂતરું પાર તો ઊતરશે તો ખરુંને?

અમે તો આવા એક “એડ્રેનલિન હાઈ’ (Adrenalin High – કિડની પાસે આવેલી ગ્રંથિમાંથી નીકળતું હોર્મોન જે રુધિરાભિસરણ અને સ્નાયુઓમાં ઉત્તેજના ફેલાવે છે.) જેવા સ્ટેટમાં હોંશેહોંશે દક્ષિણધ્રુવ ક્રુઝની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

સારી ડિલ મળી હતી એટલે અમે નજીકનાં મિત્રવર્ગને પણ  જોડાવા જણાવ્યું. પણ અમારાં મિત્રોએ જયારે ક્રુઝ બાબત તપાસ કરી ત્યારે એ ડિલ પૂરી થઇ ગઈ હતી. હવે ક્રુઝની ટિકિટના ‘નોન – ડિસ્કાઉન્ટેડ” 

ભાવ મુજબ વ્યક્તિ દીઠ, દસ હજાર ડોલર અને તે પણ રેગ્યુલર કેબિન માટે માંગતાં હતાં. (બાલ્કનીવાળી રૂમના ભાવ એથીયે વધુ હતા.) આથી અમારા મિત્રો ન જોડાઈ શક્યાં.

આગળ જણાવ્યું હતું એમ, સાઉથ અમેરિકાના આર્જેન્ટિના દેશના બોયનાસ એરીસ શહેરના પોર્ટ પરથી અને આ ક્રુઝ શરૂ થવાની હતી. અમે લોસ એન્જલસથી ડલાસ અને ડલાસથી ફ્લાઈટ બદલીને બોયનાસ એરીસ ફ્લાઈટમાં જવાનાં હતાં.

એટલે દૂર જતાં હતાં એટલે ક્રુઝ પહેલાં એક દિવસ અને ક્રુઝ પૂરી થાય પછી ચાર દિવસ અમે આર્જેન્ટિનાના શહેરોમાં ફરવાનું નક્કી કર્યું. વચ્ચે જ્યાં જ્યાં રોકાવાનાં હતાં, એ બધી ટ્રાવેલ દરમિયાન રહેવાની વ્યવસ્થા તથા જોવા જેવી જગ્યાઓ વિષે માહિતી પણ એકઠી કરી લીધી હતી જેથી ત્યાં પહોંચીને સમય ન વેડફાય. બધું જ એક વ્યવસ્થિત સ્કેડ્યુઅલ પ્રમાણે ચાલી રહ્યું હતું.

અનેક જગાએ ઊતર-ચઢ કરવાની હોવાથી સ્વાભાવિક રીતે જ સામાન ઓછો જ રાખવાનું નક્કી કર્યું હતું. ત્યારે ઓચિંતો જ મનમાં વિચાર આવ્યો કે છેલ્લા ડેસ્ટિનેશન, મૃત્યુ સુધી પહોંચતા, સતત પૂરપાટ ભાગતી, જિંદગીની વણથંભી સફરમાં આપણે રાગ, દ્વેષ, ધિક્કાર, મોહ, લોભ, ગુસ્સો, ગમા-અણગમા, નાત-જાત અને કાળા-ગોરાનાં ભેદભાવ, ધર્મ, અમીર-ગરીબ – અધધધ્.. કેટલો બોજો, કેટલો ભાર, આત્મા પર લઈને જીવતાં હોઈએ છીએ…! જો એક મિનીટ માટે થોભીને, વિચારીને, નકારાત્મક એનર્જીનો વધુ પડતો “સામાન” ખેરવી નાખીએ તો સફર કેટલી સરળ અને ભારહીન બની જાય! આ બધું જોકે, ઘર છોડવા પહેલાં, “સ્મશાન વૈરાગ્ય”ની ઘડી પૂરતું જ ‘બ્રહ્મજ્ઞાન’ હતું!

અમે માનસિક રીતે તો સંપૂર્ણ રીતે ‘સફરમય’ થઈ ગયાં હતાં. ગણતરીના જ દિવસો હવે સફર માટે બાકી રહ્યા હતા. ત્યાં જ એક ન બનવાની ઘટના બની ગઈ.

એન્ટાર્કટિકાની ક્રુઝમાં જવાના થોડાક દિવસો પહેલાં મારો એક અકસ્માત થઈ ગયો. આ એક અણધાર્યો ધક્કો હતો. એ રાતે હું બાથરૂમ જવા ઊઠી પણ થોડી અસ્વસ્થ તબિયતને કારણે મને ઓચિંતા જ ચક્કર આવી ગયાં અને ઘરમાં જ હું ઊંધે મોઢે પડી. પણ પડતાંની સાથે ખાસ્સું એવું વાગી ગયું. મોંમાં મેન્ડિબ્યુલાર ફ્રેક્ચર થઈ ગયું. Mandibular Fracture (જડબાનું ફ્રેક્ચર)ને કારણે મોં પૂરું ખોલી શકાય નહીં.

જીભ પર પણ ઈન્જરી થઈ. ઈમર્જન્સીના ડૉકટરે  દાઢી પાસે તો  થોડા ટાંકા લીધા, અને જીભ એની જાતે જ રૂઝાઈ જશે એમ કહ્યું. એની સાથે એ પણ કહ્યું કે મેક્સિલોફેસિઅલ સર્જરી Maxillofacial Surgery ની જરૂર છે તો સર્જન પાસે જવા કહ્યું. માત્ર એક જ સેકન્ડમાં બાજી બદલાઈ ગઈ !
હવે ?
‘કેલેન્ડરમાં ચિતરેલ કૂતરું સાચું થઈને કરડે’ એવો ઘાટ થયો! રાજા પરીક્ષિતને ચીતરેલો તક્ષક નાગ કરડ્યો પણ સાત દિવસનો સમય તો આપ્યો હતો ને? અહીં અમે હજુ કંઈ સમજાય તે પહેલાં, ઘડીભરમાં ઈમરજન્સી વોર્ડમાં આવી ગયાં હતાં!

“કોઈ પણ સંજોગોમાં પ્રવાસે ન જ જવાય!” એમ ઘરનાનાં અને મિત્રોનાં અભિપ્રાય હતા.

એક-બે દિવસ તો “Post Trauma” – આઘાતમાં જ ગયા. પછી થોડીક કળ વળી. અચાનક જ, ૧૯૯૯ના એ સમાચારોની યાદ આવી. “આઈસ બાઉન્ડ” પુસ્તકની નાયિકા અને લેખિકા, ડૉ. જેરી નેલ્સન કે જેણે સાઉથપોલ પર અટકી જવાથી માત્ર રસોડાના રોજિંદા વપરાશનાં સાધનો વડે પોતાની  જાતે જ, એની કેન્સરની ગાંઠ બાયોપ્સી કરેલી. એટલું જ નહીં પણ ભીષણ ઠંડીને લીધે સાત મહિના સુધી ત્યાં કોઈ પ્લેન ઊતરી શકે એવું ન હોવાથી પૅરૅશૂટ દ્વારા મોકલાતી કીમો માટેની આવશ્યક દવાઓ વડે સાત મહિનાઓ સુધી એણે પોતાને ટકાવી રાખી હતી, પણ અમે તો, “ઘેરથી જ નીકળી શકાશે કે નહીં” એ દ્વિધામાં હતાં.

પછી મનોમન અમે એવું નક્કી કર્યું કે, “સર્જરી થઈ જાય પછી, સર્જનના અભિપ્રાય પછી નક્કર નિર્ણય લઈશું.”

આ દરમિયાન, મેક્સિલોફેસિઅલ સર્જરી વિષયમાં અમે કંઈ જ  વધુ જાણતાં નહોતાં તો એ વિષે વધુ સમજવા પ્રયત્ન કર્યો. એમાંયે વળી “ગુગલમા”એ સમજણને બદલે કન્ફ્યુઝન વધારી! હરીફરીને ત્યાં જ આવીને અટકી જતાં હતાં કે સર્જરી થાય નહીં ત્યાં સુધી હવે કંઈ થઈ શકે એમ તો નથી જ.

પછી ધીરજથી વિચારતાં યાદ આવ્યું કે અમે નાના હતાં ત્યારે અમારા પિતાજી અમને ભાઈભાંડુઓને કોઈ નિર્ણય લેવાનો આવે ત્યારે કાયમ એક શ્લોક કહેતાઃ
‘ઉદ્યમ્, સાહસમ્, ધૈર્યમ્, બુદ્ધિ, શક્તિ, પરાક્રમઃ
ષડ્ એતે યત્ર વર્તન્તે,  તત્ર દૈવ  સહાય  કૃતમ્!”
આ શ્લોક  ઘણી વાર  અમારાં જીવનમાં  દીવાદાંડી  સમ બની રહ્યો છે. જીવનમાં નવું સાહસ કરતી વખતે, મૂંઝવણ થતી હોય તો અમે આ શ્લોક આજે પણ યાદ કરીએ છીએ. ઘણીવાર વિષય જો અઘરો હોય તો માત્ર ચર્ચા જ ના કરતાં, આજે પણ, નોટબુકમાં લાભ-ગેરલાભ; (પ્લસ અને માઇનસ) એમ બે વિભાગ પાડીને એ વિષય પર બધું જ વિગતે લખી, પછી વિચાર-વિમર્શ કરીને નિર્ણય લઈએ છીએ.

તે દિવસે એ જ પ્રમાણે અમે સૌ પહેલાં પરિસ્થિતિનું પ્રામાણિક રીતે વિશ્લેષણ કર્યું. દક્ષિણધ્રુવના આર્કટિક સર્કલ સુધી પહોંચવાની તક જતી કરવા માટે  મન જરાયે માનવા તૈયાર નહોતું. પણ સર્જરી કરી, તરત જ થોડાંક દિવસોમાં આટલી મોટી મુસાફરી કરી શકાય નહીં. તો હવે શું કરી શકાય, એનાં વિકલ્પો શોધવા માંડ્યાં. થોડા સમય પહેલાં અમારાં  એક વડીલ મિત્રનું એમની નાજુક તબિયતને કારણે, આનાથી પણ ગંભીર પરિસ્થિતિ હોવા છતાં એમનું ઓપરેશન થઈ શક્યું નહોતું. એમણે ઘેર જ ખૂબ કાળજી રાખી એટલે સમય જતાં કુદરતી રીતે જ હાડકું સંધાઈ ગયું હતું.

પણ મારો એવો કેસ નહોતો. સર્જરી જરૂરી હતી. સર્જરી તો થઈ ગઈ. હવે રિકવરી પિરિયડ હતો. અમે સર્જન સાથે વાત કરી. પોસ્ટ સર્જરી શું કાળજી લેવી એ માટે સર્જન ડોક્ટર પાસેથી માર્ગદર્શન માગ્યું. મારું મોઢું ખોલી શકાતું નહોતું. પણ ધીમેથી માત્ર હોઠ ફફડાવીને જરાતરા બોલી શકાતું હતું. જોકે એક્સ્ટ્રા સાવચેતી તરીકે બોલવાની તો મનાઈ જ કરી હતી. માત્ર લખીને જ વાત કરવાની હતી. ખોરાક પણ માત્ર સ્ટ્રો વડે જ લઈ શકાતો, એટલે કે લિક્વિડ બનાવીને જે પણ ખાવું હોય તે ખાવાની છૂટ હતી.

બાકી, સર્જનનું કામ તો થઈ ગયું હતું. બેઝિકલી, જ્યાં સુધી ફ્રેક્ચર સંધાઈ ન જાય ત્યાં સુધી પૂરું મોઢું ખોલવાનું નહોતું, બસ, આટલી જ પ્રિકોશન્સ લઈએ તો જઈ શકાય એમ હતું. અને, છેલ્લે, અમે ખૂબ વિચારીને ઉદ્યમ કરવાની તૈયારી, કાંઈક નવું કરવાની તમન્ના, અને ધીરજથી મનોબળ કામે લગાડીને, આ “હનુમાન કૂદકો” મારવાનું નક્કી કર્યું.  હા, મારાં મોં પર થોડા પાટાપિંડી હતાં પણ એ માત્ર પ્લેનમાં  અને અન્ય સમયે જડબાનાં હાડકાં પર કોઈ આંયકો ના આવે તે માટે (છીંક, બગાસું કે ઉધરસ આવે તે સમયે) ધ્યાન રાખવા પૂરતાં જ.

બસ, હવે અમે તૈયાર હતાં અમારી સત્તર દિવસની યાત્રા માટે, પણ, છેલ્લી ઘડીએ અમારાં સામાનમાં એક વસ્તુ નવી ઉમેરવી પડી. બધાં જ ખોરાકની ‘સ્મૂધી’ બનાવી શકાય તે માટે પોર્ટેબલ બ્લેન્ડર અને ગમે તે ચીજનો ભુક્કો કરી શકાય તે માટે ગ્રાઈન્ડરની ઓન લાઈન તપાસ કરીને મંગાવી લીધાં કે જે ફોનના ચાર્જરથી ચાર્જ કરી શકાય.

બીજું એક કામ કરવાનું હતું. અમારે કારણ વિનાનું રિસ્ક લેવું નહોતું એટલે અમે આર્જન્ટિનાની લેન્ડટ્રીપ કેન્સલ કરીને સીધા જ ક્રુઝ પર જઈ શકીએ એ રીતે ફ્લાઈટ બદલી. અમારી પાસે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ હતો એટલે ખાસ તકલીફ ન પડી.

અમારો પ્રવાસ અમારી યાત્રા બની ગઈ હતી. કોઈ સ્પષ્ટ ધ્યેયપ્રાપ્તિ માટે, અંતરની શક્તિની પરીક્ષા કરીને, આત્મશક્તિનો ઉત્સવ ઉજવવાની યાત્રા! સંજોગો વિપરીત હતા, પણ દક્ષિણધ્રુવ પર જઈને પરમને પોતાની આત્મશક્તિ થકી પામવાનો હવે ઉલ્લાસ વધી ગયો હતો. પૂનમને દિવસે, દ્વારકા પગપાળાં જતાં શ્રદ્ધાળુઓ જેમ દ્વારિકાધીશ દર્શન માટે ભાવ વિભોર હોય છે તેમ, એન્ટાર્કટિકાની એ અક્ષાંશ રેખાઓ ઓળંગવા અમારું દિલ તત્પર હતું.

મને યાદ આવી, ૧૮મી સદીમાં સૌથી પહેલાં ૭૦ અક્ષાંશ સુધી પહોંચનાર કેપ્ટન કૂકની વાર્તાઓ, જેને વાંચીને અને જેનાં કાર્ટુન જોઈને તો અમારાં સંતાનોને અને અમારી પ્રિસ્કુલનાં બાળકોને મેં ઉછર્યાં હતાં! અરે, શનિવારની સવાર કેપ્ટન કૂકના સાહસોની ટીવી સિરિયલનાં બ્રેકફાસ્ટથી જ તો શરૂ થતી હતી. અમે અમારા આ સાહસ માટે અનેરો ઉત્સાહ અનુભવી રહ્યાં હતાં.


આમ પણ માંદગીમાં ડોક્ટર હવાફેર કરવા કહે છે ને? દક્ષિણ ધ્રુવની સ્વચ્છ હવાથી વધારે શુદ્ધ હવા અને ક્રુઝના અન્નકૂટ સમાન વિવિધ વ્યંજનોથી વધુ  વાનગીઓ અમને બીજે ક્યાં મળવાની હતાં? અમે બમણાં ઉત્સાહથી અને ચાર ગણી સાવધાનીથી, આ “હવાફેર”ની યાત્રા માટે તૈયાર હતાં.

લોસએન્જલ્સથી ત્રણ કલાકની ડલાસની ફ્લાઇટ અને ત્યાંથી  ચાર કલાક હોલ્ટ બાદ, સાડા દસ કલાકની લાંબી ફ્લાઈટમાં આર્જેન્ટિનાના એરપોર્ટ બોયનાસ એરીસ
પહોંચ્યાં.

અને અમને આવકાર મળ્યો: Buenos Dias! બોયનાસ દિયાસ! સિન્યોર -સિન્યોરીતા!  (શુભ પ્રભાત , શ્રીમાન -શ્રીમતી) ત્યાં તો કોઈ બોલ્યું, “ઓત્તારી! આ તો કોઈ નવા જ પ્રદેશમાં આવી ગયાં હોઈએ એમ લાગ્યું! અમેરિકા કરતાં સાવ જુદું જ, પણ અમદાવાદ – મુંબઈનાં એરપોર્ટથીયે જુદું જ એવું એ એરપોર્ટ હતું .

રસ્તામાં આર્જેન્ટિનાનું આ કેપિટલ શહેર જોતાંજોતાં અમે ટેક્સીમાં એરપોર્ટથી શિપ સુધી પહોંચી ગયાં.

(ક્રમશઃ)

Leave a Reply to Pravina shahCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. આ પ્રવાસકથા છે પણ વાર્તા જેવી ઉત્તેજક પણ છે.