‘ગઝલ ત્રયી’ ~ ભાવેશ ભટ્ટ

૧. ગાય છે ભેગાં….! ~ ગઝલ

વિચારો આપના હલચલ થતા ગભરાય છે ભેગાં
રવાના એકને કરતા, બધા થઈ જાય છે ભેગાં!

કપાઈ જ્યારે જ્યારે વીજળી ઘરની તો આવ્યાં’તાં
શરમ ને ડર વળી ક્યાં રોજ તો દેખાય છે ભેગાં !

હવામાં સાથ ઉડનારાં કદી ફંટાઈ પણ જાતાં
ન આસાનીથી છૂટે જે કદી કચડાય છે ભેગાં

નથી તું પણ ગલીમાં, હું ય આજે ક્યાંક રઝળું છું
છતાં પણ નામ તો ત્યાં આપણાં બોલાય છે ભેગાં

જુએ ઉપર રહીને તું અને નીચે રહીને હું
ભલે ભેગાં નથી પણ આ જગત જોવાય છે ભેગાં

તમારી હાજરી પણ જીવ લાવે કોઈ આંખોમાં
ન વરસે સૌ ભલે પણ વાદળો ઘેરાય છે ભેગાં

જવાના પોતપોતાના ઘરે એ પારકાં માફક
યુગલ જે મંચ ઉપર પ્રેમગીતો ગાય છે ભેગાં

દરદ વરસો પુરાણું એ જ આશ્વાસન ઉપર જીવે
અજાણ્યા લોક ચીસો સાંભળીને થાય છે ભેગાં

 –      ભાવેશ ભટ્ટ

૨.  ‘બધું વંચાય છે’ ~ ગઝલ

એમ જ્યાં લાગે કે સંબંધો વિના જીવાય છે
ભેટવામાં શર્ટની ઇસ્ત્રી પછી ચૂંથાય છે

ખુદ કરે નક્કી દિશા એવી પવનને ક્યાં સમજ !
કોઈ છે આગળ કે પાછળ જેની એ ફૂંકાય છે

વ્હેમ એમાં પણ મહામાનવ બન્યાનો પાળશે
ખુદના કોઈ કૃત્ય માટે જો જરા પસ્તાય છે

ઘાવ દેવાની જગા તેથી નવી લાગે તને
હોય છે જૂના જે એમાં રૂઝ આવી જાય છે

એક પીંછી હર ક્ષણે સંજોગની ફરતી રહે
આપણા ચહેરા ઉપર ચિત્રો સતત દોરાય છે

આપજે ક્યારેક એ દુનિયામાં પણ અમને જનમ
રોકવા જ્યાં કોઈને ચાહો ને એ રોકાય છે

છે નહીં અફસોસ અક્ષરજ્ઞાન જો ના મેળવ્યું
બાદ કરતા અક્ષરો એને બધું વંચાય છે

–    ભાવેશ ભટ્ટ

૩. કોનો ફાળો છે …! ~ ગઝલ

નિહાળ્યું વૃક્ષ કોઈ તો થયું ખતરામાં માળો છે
અસલમાં તો નથી ફૂટી આ ચોંટાડેલી ડાળો છે

સ્વજન ટાળે છે મારા નામને મારા ભલા માટે
કરાવે એમ ઓળખ કે ‘જરૂરિયાતવાળો છે’

સરળતા ચાલવામાં થઈ સદા આવા દિલાસાથી
છે પથરાળો ઉપરથી માર્ગ, નીચેથી સુંવાળો છે !

દઝાડે તોય ગમતી એની રંગત સૌની આંખોને
અહીં વાતાવરણમાં રંગબેરંગી વરાળો છે

ફકત બે ત્રણની સોબતમાં છબી બદલાય દુનિયાની
ઘડીમાં કદરૂપો ચહેરો ઘડીમાં તો રૂપાળો છે

ઉણપ દેખાડવાની છે પછી પગ આપનારાને
તમારા ચાલવામાં યાદ રાખો કોનો ફાળો છે !

વગર લેવા કે દેવા આપણે બ્રહ્માંડમાં આવ્યા
નહીંતર આ ગ્રહો સાથે ગ્રહોનો બસ બખાળો છે

–  ભાવેશ ભટ્ટ

આપનો પ્રતિભાવ આપો..

One Comment