વિશ્વ જળ દિવસ નિમિત્તે ~ જળ-મહેફિલ ~ ૭૫ કવિઓના ચૂંટેલા શેર/મુક્તક ~ ૨૨ માર્ચ ૨૦૨૩
જળ~મહેફિલ
૭૫ કવિઓના ચૂંટેલા શેર-મુક્તક
ક્રમ: ૧થી ૧૦
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.
~ ઓજસ પાલનપુરી
હરપળમાં જીવી લેવું આ પણ ઉપાસના છે,
ખળખળમાં જીવી લેવું આ પણ ઉપાસના છે.
આ તાપ-તેજ વચ્ચે સૂરજને દેવ માની,
ઝાકળમાં જીવી લેવું આ પણ ઉપાસના છે.
~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ
જળને વહેવાની રસમ શીખવાડવાનું છોડીએ
~ હેમેન શાહ
શાંત જળમાં કાંકરી નાખી અમે,
ત્યાં તરત આવ્યા વિચારો જીવલેણ.
*
સભ્યતા જો આંખની,
આંસુ વિધિવત્ નીકળે.
*
આંખ મીંચું કે તરત સપના અધીરા થાય છે,
જેમ પ્હાડોથી દડી ઝરણા અધીરા થાય છે.
કોઈ કાપી નાખો પગને એટલે વાત જ પતે,
મૃગજળ ભાળ્યા પછી હરણા અધીરા થાય છે.
*
પ્હાડ! આવી રીતે હડસેલા ન મારો,
જાત ઝરણાની છે, હળવેથી ઉતારો.
~ નીલેશ ગોહિલ
જળને ભીનાશ જેટલો સંબંધ કાયમી,
અમથા અહીં અવાજથી સગપણ નહીં જ હોય;
~ મનોજ ખંડેરિયા
એના મિલનની ઝંખના મૃગજળ બની હશે,
રણને તરી જવાના કારણ પૂછો નહીં.
~ દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ના હું અમસ્તો જળમાં લીટા કરી રહ્યો છું;
રત્નોને શોધવાના રસ્તા કરી રહ્યો છું.
~ નાઝિર દેખૈયા
બચશે, બચાવશો તો; બચશો, બચાવશો તો!
ઉખાણું આ સમજજો, જેનો જવાબ જળ છે!
*
ત્યાં નશીલા જામ છે ને ત્યાં અમીની ધાર પણ
લે છલોછલ આંખની આખી નદી આપું તને!
*
આગમન વરસાદનું, કાં ત્યાં જ ખેંચી જાય છે?
બાળપણની શેરીએથી ભેરુ દે છે સાદ પણ!
*
એના આંગણની નદી પણ આખરે સુકાઈ ગઈ
શુ કરું હોડી હલેસાનું કે મારી જાતનું!
*
પરસ્પર છે હોવાપણુ આપણું આ
તમે ઊંડા સાગર અમે તો કિનારા!
~ હિમાદ્રી આચાર્ય દવે
છે રણમાં સૂર્યની શિરમોર સત્તા,
આ નદી મૃગજળની, તીરે પહોંચવું છે.
~ ભગવતીકુમાર શર્મા
સ્મિત રાખી હોઠ પર કેવાં સહ્યા દર્દો બધાં!
બંધ તોડી છેવટે આ પાંપણોએ જળ લખ્યું.
*
ના, પુરાવા તો પ્રણયનાં સ્હેજ પણ ઓછાં નથી,
અશ્રુ આંખોની અદાલતમાં જુબાની આપશે.
*
શક્ય ક્યાં છે જિંદગીમાં પળ બધી સીધી સરળ!
એટલે તો ભેજનું પાંપણ તળે અસ્તર મળે.
~ અતુલ દવે, વડોદરા
ક્રમ: ૧૧થી ૨૦
તમે સાવ અધવચ્ચે મૂકીને ચાલ્યા
વહ્યા’તા એ આંસુ વફાદાર લાગે.
*
સાવ ઊંડા એ કૂવામાં ઉતરું
નાદ એનો મૌનમાં સંભળાય છે.
~ ડૉ. ભૂમા વશી
સદા એને સિંચું છું હૂંફાળા જળથી
મેં આંખોમાં વાવી છે તારી પ્રતીક્ષા.
~ શબનમ ખોજા
કોઈ તરસે તડપતો જેમ પાણી કેરી આશામાં,
તપેલી આ ધરા વરસાદ અનરાધાર માંગે છે.
~ રશ્મિ જાગીરદાર
વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ,
આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ.
~ રમેશ પારેખ
એકદમ જળ જેવી છે આ જાત પણ,
કોતરો ને ભેખડોમાં હોઇએ !
~ સુધીર પટેલ
આંસુને તડકે કદી સુકવ્યું નથી,
લાગણીઓ કાંઈ ભીનું રૂ નથી.
બે કિનારાને અલગ પાડ્યા પછી,
જે નદી આગળ વધે એ હું નથી.
*
પાણી તરસ ન હોય છતાં પી ગયાં તરત,
જ્યાં દીકરીએ ગ્લાસ ભરી બાપને ધર્યો.
~ રક્ષા શાહ
કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
વહાલસોયી દીકરી ઘરથી વળાવી જોઈએ.
~ ગૌરાંગ ઠાકર
મટી ગઈ જલન, જ્યારથી ચાંદ જેવો,
ચહેરો નિહાળી અમીધારા પીધી!!
*
હું પર્વત નથી કે નથી કોઈ સાગર,
તને સ્પર્શ કરવા, થયો અલ્પ વાદળ.
*
હા, સફર ટૂંકી હતી તો શું થયું?
કોઈ જળ પણ ન ધરે વરસાદમાં??
~ પ્રતિક. ડી. પટેલ (સુરત)
શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઈ થોડું ખળભળાવે તો કહું !
~ રાજેન્દ્ર શુક્લ
પગ વગર ચાલી શકે પાણી હવે,
માછલીએ વાયકા જાણી હવે.
~ મનીષ પરમાર
ક્રમ: ૨૧થી ૩૦
આંસુનું ટીપું આંખથી જ્યારે સરી ગયું
વાદળ પણ આસમાનથી જાણે ખરી ગયું
~ ભારતી વોરા ‘સ્વરા’
રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ,
એમ ઊજળું મરણ કરી દઈએ !
~ આબિદ ભટ્ટ
વ્યય પાણીનો થતાં શું આપણે અટકાવશું?
માણસોને સાદી વાતો કેમ રે સમજાવશું?
ખૂબ તરસ્યો રાખી એને ઝાંઝવા જોવા જ દો
તાપથી ભરપૂર રણમાં એમને દોડાવશું?
– ડૉ. ગિરીશ દાણી
ઊંટના પગલાંમાં હું બેસી રહ્યો;
જીભ એ મૃગજળની ટળવળતી રહી.
~ મનહરલાલ ચોક્સી
જૂનું ઘર ત્યજીને જવું’તું નવામાં
નમીં કેમ તોપણ નયનના ખૂણે થઈ?
~ તનુ પટેલ
તું ગઈ, ને, એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.
ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.
~ આશા પુરોહિત
જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું
~ વિવેક કાણે ‘સહજ’
કૂવો, નદી તળાવ અને ગામ આવ્યાં,
કંઠે તરસનાં કૈંક નવા નામ આવ્યાં.
મારી ઉદાસ આંખનાં સરવરને પીવા,
હોઠે પ્રથમ તો સાકી પછી જામ આવ્યાં.
*
કેવા કેવા અંજળ આવે,
પીવા જળને મૃગજળ આવે.
નસનસમાં ફૂલો ખીલ્યાં તે
ઝળઝળિયામાં ઝાકળ આવે.
~ શૈલેષ પંડ્યા નિશેષ
જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થઇ દરિયાઈ.
~ રવીન્દ્ર પારેખ
જળ ગયું અંજળ ગયું ભીની તરસ તે લઇ ગયા,
રેત મુઠ્ઠીમાં રહી, સરકેલી પળ તે લઇ ગયા.
મોજ કે દુઃખ હોય તો આંસુ હવે નહી નીકળે,
સાંભળ્યું છે આંખનું એ ઊંડું તળ તે લઇ ગયા.
~ કેતન ભટ્ટ
ક્રમ: ૩૧થી ૪૦
આભમાંની શ્વેત જળની ધાર તે મીરાં હશે ?
ને ધરા પર થાય એકાકાર તે મીરાં હશે ?
સાંભળે માધવ તણો દરિયો સદા જે લીન થઈ,
ગીત લઈ વહેતી નદી ચોધાર તે મીરાં હશે ?
~ વ્રજેશ મિસ્ત્રી
પર્વત, નદી, સરોવર; આ કેટલી સખાવત,
ચારે તરફ દે દર્શન, ઈશ્વરને લો વધાવી!
*
દેશ ને પરદેશમાં આ રોજનો ઉકળાટ છે.
તાપ વધતો દિનપ્રતિદિન, જળ વિનાના ઘાટ છે!
~ કમલેશ શુક્લ
જળની જ કોઈ દેરી ને જળનો પવન હશે,
કૈં વાર ધજા જેમ ત્યાં ફરફરતી માછલી.
~ હર્ષ બ્રહ્મભટ્ટ
અશરફ વહી ગયો છે છોને પ્રવાહ સાથે,
જળ લખેલું એનું લખવાનું બાદ ના કર.
~ અશરફ ડબાવાલા
તું ભલે વરસે અહીં તરસ ક્યાં છે?
ને પલળવાની તો ગરજ ક્યાં છે?
કોરીકટ છે ભૂમિ અહીં મનની
જે ઝીલે ભાવ એ કળશ કયાં છે?
*
ખારું ભલે ને હોય એ બંનેનું જળ છતાં
આંખોમાં દરિયા જેવા તો કોઈ વમળ નથી.
~ મિતા ગોર મેવાડા
વાંક જળનો ક્યાં જરાએ હોય છે?
લાકડીની જેમ એ બોળે મને !
~ ફિલિપ ક્લાર્ક
બને એ રુદન ભાવતું ક્યાંક લાગે,
હો પોતાપણું, પારકું ક્યાંક લાગે.
ગમે ત્યાં રડો છો એ આદત તો બદલો,
અચાનક રુદન માવઠું ક્યાંક લાગે.
~ કિલ્લોલ પંડ્યા, ગાંધીનગર
પ્રેમ જેવું નામ છે એ તો છે એક વ્હેતી ભીનાશ
જળ વિના કોઈ નદી તટ, પટ કે પનઘટમાં નથી
~ જવાહર બક્ષી
સમય એવો હતો જ્યારે ધરા જળમાં હતી, આજે…
ધરા પર જળ રહે માટે, કરે છે પ્રાર્થના માનવ.
~ભૂમિ પંડ્યા (રાજુલા)
એકાદ હરણું હોય છે સહુમાં અહીં,
તું જળ અને મૃગજળ વિષે, ચર્ચા ન કર!
~ ડૉ. મહેશ રાવલ
ક્રમ: ૪૧થી ૫૦
તમારી ભૂલ છે કે મત્સ્ય માની જાળ નાખી
બનીને બુદબુદા, જળથી અમે નીકળી જવાના.
~ ઉર્વિશ વસાવડા
અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે
આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે
~ કુલદીપ કારિયા
કરો છો કાંકરીચાળો વહેતાં નીરમાં રમતાં,
નદીનું વહેણ જો બદલાય તો કહેતા નહીં અમને.
~ કોકિલા ગડા ‘કોકી’
લોક મોટાભાગના મૃગજળ સમા,
એટલે હું થઈ ગયો’તો રણ પછી.
~ અર્પણ ક્રિસ્ટી
એ રીતે પીડા બધી દુનિયાથી છુપાવી શક્યા,
આંસુ છે જે, તે ખુશીનાં, એવું સમજાવી શક્યા.
~ સંજય રાવ, વડોદરા
ધધખતી રેત પરે એ વિચારે નિંદ કરું,
કદાચ આવે સપન સોનેરી જળાશયનું.
~ એસ. એસ. રાહી
વહી જાય જળ રેત પરથી સમયનું,
ને વેરાન ખાલી કિનારા રહે છે.
~ ડૉ. પરેશ સોલંકી
આ આષાઢી મેહુલો ટપટપ વરસતો આભથી
ને ધરા પર સોડમોની લાપશી રંધાય છે.
*
આંખમાં દરિયા સમું તરતું હતું
એ ખરેખર રૂપનું ટીપું હતું
*
તું કહે છે કે નદીનું નીર છે
હું કહું છું કે એ જળમંદિર છે.
~ જય સુરેશભાઈ દાવડા
તું બને વરસાદ તો ઈચ્છાઓ જામગરી બને
ને રમત અગ્નિ અને જળની વધુ અઘરી બને
~ મુકુલ ચોકસી
મીઠાં જળના શ્રીફળ જોયાં.
નેહ ભરેલા વાદળ જોયાં.
અંદર અંદર વાત કરે ત્યાં,
મનમાં સૌના બાવળ જોયા.
*
સ્મિત જે આપે છે મને જાહેરમાં,
આંસુની એ ભેટ છાની મોકલે.
~ અલ્પા વસા ‘કાવ્યાલ્પ’
ક્રમ: ૫૧થી ૬૦
સાવ સાચુકલી નદી પણ સાવ નિર્જળ નીકળે
ઊઘડે જો રેતની મુઠ્ઠી તો કૂંપળ નીકળે.
~ સાહિલ
ચંદ્રનું સત ઓગળ્યું, જળ ચાંદી ચાંદી થઈ ઊઠ્યાં, તો-
મેં ય મરજીવાઓ પાછળ ઝંપલાવ્યું વહાણ મૂકી
~ સંજુ વાળા
આસુંનો વ્યાપાર બારેમાસ ચાલે છે અહીં,
કોઈના પણ પેટનું પાણીય હાલે છે અહીં?
~ દર્શિતા શાહ
અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,
આંખમાં સાચી સભરતા હોય છે.
~ કુમાર જૈમિની શાસ્ત્રી
મળે જો સમંદર ફરી નાવડી લઉં
દિશા એક સાચી હું નક્કી કરી લઉં!
~ મલ્લિકા મુખર્જી
જળનું વહેવું છે સનાતન ઘટના,
આ તરંગો તો વૃથા છે જાનાં.
~ ડૉ. રશીદ મીર
આમ તો એ આંસુ છે, તું ભેજ પણ માની શકે,
પાંપણોને તું સુંવાળી સેજ પણ માની શકે.
આપણા બંનેની એની પર સહી જ્યારે થશે,
કોઈ બાનાખત કે દસ્તાવેજ પણ માની શકે.
*
મેં સતત એને ઉલેચી તોય ખાલી ના થઈ,
આંખનું ઊંડાણ કૂવાથી જરા પણ કમ નથી.
*
છાપરું ચૂવે તો નળિયાં એક-બે બદલી શકો,
“દીપ” બારે મેઘ ખાંગા થાય ત્યારે શું કરો?
*
આ બરફ બીજું કશુંયે છે નહીં,
પાણીની થીજી ગયેલી લાગણી.
*
આભથી વરસાદ વરસે કે પછી બે આંખથી,
આ ગરીબો તો બિચારા કાયમી નુકસાનમાં.
~ દીપક ઝાલા “અદ્વૈત”, નૈરોબી
અર્ધથી ઉપરાંત આંસુ ખોઈ તો બેઠા છીએ,
ખોઈ બેઠા શ્વાસ પણ ચંચળ, કશું ના જોઈએ.
~ ગુણવંત ઉપાધ્યાય
એટલે પપ્પા કદી રડતા નથી,
મારા જન્માક્ષરમાં જળની ઘાત છે.
*
ટીપાં વિશે પુસ્તક લખે છે વાદળાં
જાણે બની લેખક, લખે છે વાદળાં
સૌ વાચકો બેઠાં છે રેઇનકોટમાં,
તો શું કરે? ભરચક લખે છે વાદળાં.
~ ધાર્મિક પરમાર
નદી ,કાંઠા ,ઝરણ, ખીણો,પહાડોની સફર રાખી
મહેક એવી ભળી કે શ્વાસમાં એની અસર રાખી
*
ક્યાં સ્થાન સાંપડ્યું છે, એનું જ મૂલ્ય છે
ફૂલો ઉપર પડેલા ઝાકળની વાત છે.
*
બસ ખરીદી લો હવા,પાણીને સાથે પ્રેમ પણ
આંખમાં આંસુ ઠરે છે બહાર ઉભરાતું નથી.
*
બરફ જેમ થીજી જશે પ્રીત મારી
નહી પીગળેએ કરામત કરી છે.
~ ભારતી ગડા
ક્રમ: ૬૧થી ૭૦
યાદનું કાજળ કર્યું મેં આંખમાં,
આંસુઓ પાપણ સુધી આવી ગયા.
~ દિવ્યા સોજીત્રા
મળી જાય ચહેરો અરે શાંત જળમાં,
અહમ્ ઓગળી જાય છે એક પળમાં.
*
આજે જુઓ હકથી કરે છે વીજળી,
વાદળ ઉપર એની સહી વરસાદમાં.
~ ડૉ. સેજલ દેસાઈ
બેરંગ પાણી મૂળમાં, રંગો છતાં ખીલે ખરા!
સહુ કોસમાં, સહુ કોષમાં પાણી રહે- જીવે ધરા!
*
આંખો મહીં છાલક સમો શો ચેતના સંચાર જલ!
લોકો નદીમાં પૂજતા તે સંસ્કૃતિ વિસ્તાર જલ!
આકાશમાં, ધરતી પરે, ઠારે અગન, ભીને પવન
પાંચેય તત્વે સંચરે જીવન તણો આધાર જલ!
~ પૃથા મહેતા સોની
ના બેડલાં, ઇંઢોણી, ના ગોરીઓની ગપશપ
કૂવાં થયાં છે જર્જર , નળ જળ ભરે છે ઘર ઘર
*
ચંચળ નદીપ્રવાહો, ધીમા વહી રહ્યાં છે
ભેગા થઈશું વહેલાં, કાંઠા કહી રહ્યા છે
*
છે યાદ વારતા એ, જળ, કાગ, કાંકરાની
બુદ્ધિ હતી ને તેથી, તરસ્યાએ પીધું પાણી
છે એજ કાગડાઓ, બુદ્ધિ હજીયે એવી
જુદી છે વાત આજે, કુંજા નથી ના પાણી.
~ તૃપ્તિ ભાટકર
જાણું છું એના નગરના પાણીની તંગી વિશે,
શું કરું કે આંખોમાં આસુંય ખારા જળના છે!
~ દિક્ષિતા શાહ
તું વહે છે, તો વહ્યા કરજે સતત,
ભીતરી મૃગજળનો દરિયો થઈ જશે.
~ સુનીલ શાહ
માછલી સાથે જ દરીયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.
~ ધૂની માંડલિયા
સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.
~ ચિનુ મોદી
છે સુંવાળપ બધે જળમાં પ્રસરી રહી ,
આંગળી જ્યારથી તેં ઝબોળી હતી !
~ પીયૂષ પરમાર
હું ધારું છું-સુકાઈ ગઈ હશે સાચી તરસ મારી,
કદાચ એથી જ મારા ભાગ્યમાં મૃગજળ પીવાનું છે.
~ બેફામ
ક્રમ: ૭૧થી ૭૫
પાણી ભરેલ વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે દોસ્ત! આ શહેરોને ઝાડવાં!
~ વિવેક મનહર ટેલર
રેતમાં જળના ચરણ કેટલું ચાલી શકે ?
આખરે થાકી નદી રણમાં ઠરી ગૈ રણ બની.
~ કિસન સોસા
સંકોચ શું છે એની ખરી ત્યારે જાણ થઇ,
મૃગજળને જઇને પૂછ્યો મેં વહેતાં ઝરણનો અર્થ.
~ સૈફ પાલનપુરી
દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયાં તરસ,ત્યાં વાદળી ઊંચે ચડી છે !
~ શ્યામ સાધુ
આંખમાં આંસુ સદા રહેતા હતા,
પણ પ્રસંગો સાચવી લીધા હતા.
~ આદિલ મન્સૂરી
(વિશ્વ જળ દિવસ નિમિત્તે… જો આપને આ સંકલન ગમ્યું હોય તો Share કરવા તથા Comment આપવા વિશેષ વિનંતી. )
સુંદર સંકલન.
અદભૂત
અરે વાહ, બહુ સરસ સંકલન !
આભાર
સુંદર સંકલન, ખરેખર મહેફિલ માણવાનો જ અનુભવ થયો.
‘સુંદર સંકલન +
‘અખિલ બ્રહ્નાંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપે અનંત ભાસે;
પવન તું, પાણીતું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે…’’
નરસિંહ મહેતા
…
ભવ-શિવનું
જળમય સ્વરૂપ
જળ= જીવન
સુંદર…
ખૂબ સરસ સંકલન.. આભાર હિતેનભાઈ
અભિનંદન ખૂબ સુંદર સંકલન …. 🌹