શમા ~ (લઘુનવલ) પ્રકરણ: ૪ ~ મૃગજળમાંથી મોતી શોધતી યુવતીની કથા ~ લે. ગિરિમા ઘારેખાન

પ્રકરણ

શમા અને ખાલીદ એરપોર્ટની બહાર આવ્યા અને તરત જ એક ગોળ, સફેદ, ભરેલી ટોપી પહેરેલો માણસ આગળ આવ્યો અને ખાલીદના હાથમાંથી ટ્રોલી લઇ લીધી. એણે પણ ખાલીદ જેવો કંદોરો જ પહેર્યો હતો પણ કપડું સાધારણ હતું.

એણે ખાલીદ સાથે હાથ મેળવ્યા અને થોડું ઝૂકીને બોલ્યો, ‘માસા અલ ખૈર.’ [ગુડ ઇવનિંગ]. ‘કેઈફ હલાક સાબ?’ [કેમ છો સાહેબ?] એના ‘સાબ’ એવા સંબોધનથી અને એણે હાથમાં પકડેલી ગાડીની ચાવી જોઇને શમાને ખ્યાલ આવ્યો કે એ કદાચ ડ્રાઈવર હશે અને એમને  લેવા આવ્યો હશે. પછી એ બે જણાએ અરેબીકમાં કંઇક વાત કરી.

પેલો શમા સામે જોઇને હસ્યો અને બોલ્યો, ‘અહલાન વા સહલાન’. શમા કંઇક મૂંઝાઈને એની સામે જોઈ રહી. ખાલીદે હસીને કહ્યું, ‘યે તુમકો ‘વેલકમ’ બોલ રહા હૈ.’ શમાએ હસીને ‘થેંક યુ’ કીધું.

‘થેંક યુ’ નહીં, શુકરન’ બોલો.

ખાલીદે શમાનું અરેબીક ટ્યુશન ચાલુ કરી દીધું.

પાર્કિંગની જગ્યા બહુ વિશાળ હતી અને બધી ગાડીઓ એકદમ વ્યવસ્થિત પાર્ક થયેલી હતી. શમા આજે પહેલીવાર ‘પોતાની’ ગાડીમાં બેસવા જઈ રહી હતી. પણ એના આનંદ કરતાં એને ઘેર જઈને કોને મળવાનું હશે એની થોડા ડર મિશ્રિત ઉત્કંઠા વધારે હતી.

‘ઘરમાં ખાલીદના મા-બાપ તો હશે જ ને? એવું કેવું કે દીકરો આમ એકલો જઈને નિકાહ કરી આવે! જો કે ઘણા આરબો આવું કરતાં હોય છે એવું એણે સાંભળેલું તો હતું. આણે ઘરમાં વાત તો કરી હશે ને? એ લોકો મારી સાથે કેવું વર્તન કરશે? મારે શું કરવાનું?’

હજારો પ્રશ્નો મનની ઘંટીમાં ઓરાતા જતા હતા પણ ઉત્તર રૂપે કશું બહાર ન હતું નીકળતું. ખાલીદ તો પેલા ડ્રાઈવર સાથે વાતોમાં પડ્યો હતો.

એ લોકો એક મોટી ગાડી પાસે ઊભા રહી ગયા. આ ચાર બંગડીવાળી ગાડી અમારી છે! શમા એના નસીબને માની ન હતી શકતી. ખાલાએ એને માટે ખરેખર સારું ઘર શોધ્યું હતું! અબ્બા અને અમ્મીને આ બધી ખબર હશે? એટલે જ મને થોડી ‘જબરજસ્તી’ લાગે એવી રીતે સમજાવીને શાદી માટે તૈયાર કરી? રઝીયા, મહેમુદ અને સલમા અહીં આવે તો ગાડીમાં બેસીને કેટલા ખુશ થાય!

નાનું બાળક બગીચામાં ઊંચક-નીચક ઉપર બેસીને બગીચાને જુદી જુદી રીતે જુએ એવી રીતે અત્યારે શમાનું ડામાડોળ મન થોડી થોડી વારે એક જ પરિસ્થિતિને જુદી જુદી રીતે મૂલવતું હતું.

ખાલીદ શમાની સાથે પાછળની સીટ ઉપર ગોઠવાયો પણ એની વાતો તો સતત એના ડ્રાઈવર સાથે જ ચાલુ હતી. શમા એના અનુત્તર રહેલા પ્રશ્નોના ધુમાડાથી ગૂંગળાતી હતી.

છેવટે ‘ઘેર પહોંચીશ એટલે બધી ખબર પડશે. મને એમની ભાષા નથી આવડતી પણ ઘરમાં તો બધાને ખાલીદની જેમ હિન્દી આવડતી જ હશે એટલે હૂં વાતો તો કરી શકીશ.’ એમ એણે વિચાર્યું. પોતાના હંમેશના કરિશ્માથી એ ગમે તેનું મન જીતી લેશે એમ મન મનાવીને શમાએ બારીની બહાર જોવા માંડ્યું.

કોઈ આફ્રિકન સુંદરીના ગાલ જેવા કાળા, લીસા રસ્તા ઉપરથી ગાડી પાણીના રેલાની જેમ સરકતી હતી. રસ્તાની બન્ને બાજુ નાની ટેકરીઓ હતી અને એ ટેકરીઓના ઢોળાવ લાલ, પીળા, સફેદ, જાંબલી ફૂલોથી ઢંકાઈ ગયેલા હતા.

રસ્તામાં આવતા ચાર રસ્તા વચ્ચેના વર્તુળ તો નાનકડા બગીચા જેવા જ લાગતા હતાં. આ તો રણપ્રદેશ છે, ગરમી પણ બહુ પડે! તો પછી આ લોકો આટલા બધા ફૂલો અને છોડવાઓની જાણવણી કેવી રીતે કરતાં હશે એની શમાને બહુ જ નવાઈ લાગતી હતી.

રસ્તા ચોખ્ખા એટલા હતા કે એની ઉપર આળોટો તો પણ કપડાં મેલા ન થાય. સિક્સ લેન રોડ ઉપર એક એકથી ચડિયાતી ગાડીઓ હારબંધ ચાલી જતી હતી. ક્યાંક ટ્રાફિક જામ પણ હતો પણ કોઈ હોર્ન મારતું ન હતું. આટલી બધી ગાડીઓ અને રસ્તા ઉપર અવાજ જ નહીં! નાની બાળકીના કુતૂહલથી શમા બારીની બહાર જોઈ રહી હતી.

થોડી નાની દુકાનો અને ઘરોને પસાર કરીને ગાડી હાઈવે ઉપર આવી ગઈ હોય એવું લાગ્યું. શમાને લાગ્યું કે શહેર તો ક્યાંય પાછળ રહી ગયું હતું. તો પછી ખાલીદ એને ક્યાં લઇ જતો હતો? ખાડીના દેશો વિષે સાંભળ્યું હતું એમ એને કોઈ ખરાબ જગ્યાએ તો લઇ જવામાં નહીં આવે ને? તો એકલી, અસહાય એ શું કરી શકશે? અમ્મીએ આવું કેમ કર્યું? મારો વિચાર જ ન કર્યો? હૂં એમને એટલી બધી ભારે પડતી હતી કે આમ સાવ અજાણ્યા માણસ સાથે મોકલી આપી? એટલે જ એ મને મારા કોઈ પ્રશ્નનો જવાબ નહીં આપતો હોય? ના,ના, હૂં એમ હાર તો નહીં જ માનું. એવું કંઈ લાગશે તો ભાગી જઈશ, મારી નાખીશ નહીં તો મરી જઈશ, પણ ગમે તેવું કામ તો નહીં જ કરું. હૂં શમા છું, રોશની પણ આપી શકું અને જલાવી પણ શકું.

ગાડીની એ.સી.ની ઠંડકમાં પણ શમાને પરસેવો વળતો હતો.

ત્યાં જ ડ્રાઈવરના ફોનની રીંગ વાગી. એણે બ્લુ ટુથ પહેરેલું જ હતું. એણે ફોનમાં એની વાત ચાલુ કરી દીધી. ખાલીદ નવરો પડ્યો.

આ તકનો લાભ લઈને શમાએ થોડા મોટા અવાજમાં પૂછ્યું, ‘આપ મુઝે બતાતે ક્યૂં નહીં કિ હમ કહાં જા રહે હૈ? લગતા હૈ કિ મસ્કત શહર તો પીછે છૂટ ગયા! આપને મુઝે અબ તક યે ભી નહીં બતાયા કિ હમારે ઘરમેં ઔર કૌન કૌન હૈ.’

એની હતાશાએ અવાજમાં ગુસ્સાને ભેળવી દીધો હતો. ખાલીદ સહેજ હસ્યો, શમાની નજીક સરક્યો અને એનો હાથ પોતાના હાથમાં લઈને બોલ્યો,

‘અરે સોરી, મેં તો ભૂલ હી ગયા. ઈતને દિનોંકી યહાં કી ખબરેં જાનની ભી જરૂરી થી, ઈસલિએ બાતોં મેં લગ ગયા. અચ્છા, અબ સુનો તુમ્હારે સારે સવાલોંકે જવાબ. એક તો હમારે ઘરમેં હમ દોનોં હી હોંગે, આપકે ઔર હમારે બીચમેં ઔર કોઈ ભી નહીં. દુસરા હમ લોગ મસ્કતમેં નહીં સોહાર મેં રહેંગે. સોહાર મસ્કત સે ૨૫૦ કિલોમીટર દૂર એક છોટા સા શહર હૈ’.

‘સોહાર!?’ આ નામ તો શમાએ ક્યારેય સાંભળ્યું જ ન હતું. શમાની આંગળીઓ વચ્ચે પોતાની આંગળીઓ નાખીને, બીજો હાથ એની પીઠ ઉપર રાખીને ખાલીદ એને જે કહેતો ગયો એ શમા ધ્યાનથી સાંભળતી રહી.

ખાલીદના કહેવા પ્રમાણે સોહારમાં એનું મોટું ફાર્મ હાઉસ હતું, બહુ જ સુંદર મહેલ જેવું ઘર હતું અને એ લોકો ત્યાં જ રહેવાના હતા. ત્યાં એના ખજૂરના બહુ જ વૃક્ષો હતાં અને ખજૂર તૈયાર થાય એટલે એને ઉતરાવીને, પેક કરાવીને એ વેચતો હતો. આ બધું કરવા માટે ત્યાં એના માણસો પણ હતાં. એનો એ ધંધો બહુ સરસ ચાલતો હતો. મસ્કતમાં પણ બીજા ઘણાં બિઝનેસ હતાં પણ એને સહુથી વધુ ગમતું કામ તો આ ખજૂરનું જ હતું.

એણે એમ પણ કહ્યું કે એણે ઇન્ડિયા આવતાં પહેલાં શમાની હોશિયારી વિષે એની ખાલા પાસેથી બહુ સાંભળ્યું હતું અને એને ખાત્રી હતી કે શમા ધીરે ધીરે એ આખો કારોબાર સંભાળી લેશે.

‘મૈં ? મૈં  કૈસે?’ શમાને આ બધું કંઈ સમજાતું ન હતું. એણે કારોબાર સંભાળવાનો છે? કેમ? આ એવું કંઇક હતું જે એના મગજમાં હજુ બરાબર ગોઠવાતું ન હતું. આવું તો એણે વિચાર્યું જ ન હતું.

અમ્મી તો કહેતી હતી કે ખાલા તો પોતાના બચ્ચાં અને ઘર સંભાળતી હતી. આમ તો જો બધો બિઝનેસ એણે ચલાવવાનો હોય તો એને તો ગમશે જ. પણ સોહારમાં રહેવાનું છે એ વાત જ આખી નવી હતી.

એરપોર્ટ ઉપર તો ઘણા ઈન્ડીઅન્સ દેખાતા હતાં, પણ સોહારમાં કોઈ ભારતીય રહેતા હશે? ફાર્મ હાઉસ એટલે તો કોઈ અડોસપડોસ પણ ન હોય. ખાલીદ કામ માટે બહાર જાય ત્યારે એણે શું કરવાનું? ખાલીદના કુટુંબીઓ ક્યાં રહેતા હશે? ભર્યાભાદર્યાં ઘર અને ભરચક પડોસમાં ઊછરેલી શમા માટે આ બધું પચાવવું અઘરું હતું.

અમદાવાદમાં તો એમનું ઘર એવું હતું કે આજુબાજુના ઘરોમાં મોટે મોટેથી થતી બધી વાતો એકબીજાને સંભળાતી જ હોય. એનાથી પૂછાઈ ગયું, ’વહાં ઈન્ડીઅન્સ હૈ?’

‘સબ કુછ અભી જાન લોગી ક્યા?’ ખાલીદે હસીને વાત ઊડાવી દીધી.

આકાશમાં જેવું અંધારું છવાઈ ગયું હતું એવો જ અંધકાર અત્યારે શમાના મન ઉપર વ્યાપી ગયો હતો. આ ખાલીદ કેમ ઘણા પ્રશ્નોના જવાબ ન હતો આપતો? સોહારવાળી વાત એણે પહેલાં કેમ ન કરી?

મુસાફરીનો અને વિચારોનો થાક શમા ઉપર હાવી થઇ ગયો અને ક્યારે આંખ મળી ગઈ એની એને ખબર જ ન પડી. અચાનક આંખો પર  આવેલી રોશનીથી એ જાગી ગઈ. એમની ગાડી એક મોટા ગેટમાં પ્રવેશી રહી હતી. આવી ગયું સોહાર! આજ હતું એમનું ફાર્મ હાઉસ? ઊંઘ અને સુસ્તી તો ક્યાંય પલાયન થઇ ગયા. એ એના પોતાને ઘેર આવી હતી!

શમાએ એનો હિજાબ સરખો કર્યો અને નીચે ઊતરી. એણે કુતૂહલથી ચારેબાજુ જોયું. ઘર તો ખરેખર મોટા મહેલ જેવું લાગતું હતું અને આખું લાઈટોથી સજાવ્યું હતું. બહાર રાખેલા ફૂલોના છોડવાઓની અન્દર પણ લીલી-પીળી લાઈટો ગોઠવેલી હતી અને એના પાંદડાઓ વચ્ચેથી આવતો પ્રકાશ વાતાવરણને એક રોમેન્ટિક મૂડ આપતો હતો.

મુખ્ય ગેટ અને ઘરના દરવાજાની વચ્ચે એક ફુવારો હતો અને એની અંદરથી વારાફરતી ત્રણ રંગનું પાણી ઊડી રહ્યું હતું. શમાને લાગ્યું કે એ કોઈ પરીલોકમાં આવી ચડી છે. ખરેખર આ એનું ઘર હતું? ખુદાએ  એના ઉપર આટલી બધી રહેમ કરી? એનું સ્વપ્નું પણ ક્યારેય આટલું ઊંચું તો ન હતું જઈ શકતું. આમે ય, પૈસાવાળા થવાનું  સપનું તો એણે ક્યાં ક્યારેય જોયું જ હતું?

એને થયું કે ત્યાં જ એ એક વાર નમાજ અદા કરી લે અને આટલા રહેમગાર બનવા માટે અલ્લાહને શુક્રિયા કહી દે અને સાથે એવી ગુજારીશ પણ કરી દે કે આ બધી જાહોજલાલી સાથે ખરેખર એ જેવા જીવનનું સપનું જોતી હતી એવું જીવન પણ અલ્લા એને બક્ષે.

‘ક્યા દેખ રહી હો?’ શમાને ખબર ન હતી કે ખાલીદ ક્યારનો એની સામે જ તાકી રહ્યો હતો.

‘બસ, ઘર દેખ રહી હૂં, અપના ઘર!’

‘ઘર દેખને કે લિયે તો અંદર જાના પડેગા મેરી મેહ્ઝબીન. આઇયે’

ખાલીદની પાછળ પાછળ શમા ઘરમાં દાખલ થઇ. અંદર જતાંની સાથે જ ખાલીદે બૂમ પડી, ’મરિયમ’! અંદરથી એક શ્યામળી યુવતી બહાર આવી અને નીચું જોઇને બોલી, ‘જી સાબ!’

‘મરિયમ, યે તુમ્હારી માલકિન હૈ – શમા. ઔર શમા, યે મરિયમ હૈ, ઘર કા કામ દેખતી હૈ ઔર ખાના ભી બનાતી હૈ.’

શમાને એનું ઘર યાદ આવી ગયું. સ્કૂલ જતા પહેલાં એણે ઘરનું કેટલું કામ કરીને જવું પડતું હતું! ઝાડુ-પોતા કરવાના અને બધા માટે સવારના નાસ્તા માટે રોટી બનાવવાની. રઝીયા તો મહેમુદ અને સલમાને તૈયાર કરીને સ્કૂલ મોકલતી. અમ્મી કપડાં ધોઈને અબ્બા માટે ટીફીન બનાવી નાખતી કારણકે અબ્બાએ લગભગ આખો દિવસ સ્કૂલમાં જ રહેવું પડતું. અહીં બધા કામ માટે મરિયમ!

આ બધું ખરેખર સાચું હતું! ત્યાં તો એણે ખાલીદનો ખુશખુશાલ અવાજ સાંભળ્યો, ‘આપ પૂછ રહી થી ના કિ વહાં કોઈ ઇન્ડિયન હોગા કિ નહીં? યે મરિયમ સિર્ફ ઇન્ડિયન હી નહીં, આપ કે ગુજરાતકી ભી હૈ.’

શમાને એના કાન ઉપર વિશ્વાસ ન બેઠો. ખરેખર? અહીં એને એના ગુજરાતની છોકરી મળશે એવું તો એ વિચારી પણ ન શકે. ખરેખર અલ્લા કરમ. ઘરમાં અમ્મીના બોલવામાં હિન્દી શબ્દો આવી જતાં, બાકી અબ્બા અને એ ભાઈ-બહેનો તો એવું ગુજરાતી બોલી શકતા કે કોઈને ખ્યાલ જ ન આવે કે એમની માતૃભાષા નથી. એ લોકોની અંદર અંદરની વાતો પણ ગુજરાતીમાં જ થતી. આટલા કલાકોથી જાણે ભાષાનો વિરહ થઇ ગયો હોય એમ એણે મરિયમને તરત જ પૂછી નાખ્યું, ‘ગુજરાતમાં ક્યાંની છે?’

મરિયમના મોં ઉપર પણ એક સ્મિતની વીજરેખા દોડી ગઈ, ‘લખતરની, મેડમ.’

‘કચ્છની? અચ્છા!’

‘હા મેડમ.’

‘તારી સાથે બીજું કોણ છે?’

મરિયમ જવાબ આપે એ પહેલાં જ ખાલીદે શમાને કહ્યું, ‘પહલે ફ્રેશ હો જાઓ, ફિર ખાના ખા લેતે હૈ. મરિયમ, મેડમ કો બાથરૂમ દિખાઓ, ફિર ખાના લગા દો.’

મગજમાં એક નવી જ ખુશી લઈને શમા બાથરૂમમાં ગઈ. અમ્મીએ કહ્યું હતું, “સજતે સંવરતે રહના.” એટલે સરસ તૈયાર થઇ. કપડાં બદલીને, તૈયાર થઈને બહાર આવી ત્યારે એ ઘણી તાજગી અનુભવતી હતી.

અંદરની તાજગી કદાચ મોં ઉપર પણ છલકાતી હશે, એટલે એ બહાર આવી ત્યારે ખાલીદ અને મરિયમ-બન્ને થોડી વાર એની સામે તાકી રહ્યાં. એણે પહેરેલા સલવાર કમીઝ્નો લાલ રંગ એની ગૌર, ચમકતી ત્વચા ઉપરથી પ્રતિબિંબિત થઈને એના ચહેરાને ઉગતા સૂરજની શોભા આપતો હતો.

મહેંદી રંગેલા હાથની લાલ આંગળીઓ અને પગના લાલ પંજા એ સૂરજના દૂર ફેલાતાં કિરણોની જેમ આકર્ષિત કરતાં હતાં. સલવારમાં વચ્ચે નાખેલા ઈલેસ્ટીકને કારણે એની પાતળી કમર વધારે પાતળી લાગતી હતી અને ઉરોજને વધારે ઊભારતી હતી.

એની તપખીરી આંખો, તીણી નાસિકા અને કામદેવના ધનુષ જેવા હોઠનું જાદુ જોનારને સંમોહિત કરી દે એવું હતું. શમાના સૌન્દર્યથી એ વિલાની ભીંતો રંગાઈ ગઈ હોય એવું લાગતું હતું. એની સુંદરતામાં કંઈ ચુંબક હોય એવી રીતે ખાલીદની નજર એના ઉપર સ્થિર થઇ ગઈ. શમાને એ નજર એના શરીરની આરપાર જઈને એને ફંફોસતી હોય એવું લાગ્યું અને એનું મન લજામણી થઇ ગયું, આંખો નીચે ઝુકી ગઈ અને શરીર સંકોચાઈ ગયું.

ખાલીદે કંઈ બોલવા મોં ખોલ્યું પણ પછી મરિયમ સામે નજર કરીને બોલવાનું માંડી વાળ્યું. ખાતી વખતે શમા વિચારતી હતી, ‘એનો ખાલીદ તો કેટલો સારો હતો! પોતાને સરસ સરપ્રાઈઝ આપવા માટે જ એ પહેલેથી કશું કહેતો નથી.’

જમવાનું પણ કેટલું સરસ હતું- ચીકન સૂપ, મટન ટીક્કા, રોટી, બે સબ્જી, બિરયાની અને સૂકા મેવાથી ભરપૂર સેવૈયા. શમાને એના ભાઈ-બહેનો અને અમ્મી-અબ્બા યાદ આવતાં હતાં. પણ ખાલીદ એની સાથે સોહારની, એમના ખજૂરના બિઝનેસની, ત્યાંના દરિયાની, વાતો કરતો રહ્યો અને એ બધું સાંભળવામાં, નવું નવું જાણવામાં, શમા ખોવાતી ગઈ.

ખાલીદે પાથરેલી વાતોની જાજમ ઉપર એ સુખેથી આળોટતી રહી. જમવાનું પતી ગયું. શમાની ઈચ્છા હતી કે જમ્યા પછી બહારના સુંદર બગીચામાં એ ખાલીદના હાથમાં હાથ નાખીને થોડું ફરે, થોડી વાતો કરે, એના કુટુંબ વિષે જાણે. પણ ખાલીદને ક્યાં એ બધામાં રસ હતો?

એમને જમાડીને મરિયમ રસોડામાં ગઈ અને આ તકની રાહ જોતો હોય એમ ખાલીદે શમાને પકડીને એના હોઠ ઉપર એક ચુંબન કરી લીધું અને પછી તો શરમાઈને રતુંબડા થઇ ગયેલા શમાના ગાલ ઉપર ઉપરાઉપરી ચુંબનોની મહોર લગાવતો રહ્યો.

સિતારના તારને કોઈ કલાકાર આંગળીઓથી ઝંકોરે અને તાર જેવી રીતે ઝણઝણી ઊઠે એવી રીતે શમાના શરીરનો એક એક તાર ધ્રુજીને ઝણઝણી રહ્યો. લજ્જા એના અંગઅંગનો શણગાર બની ગઈ.

મરિયમના એ તરફ આવતાં પગલાં સંભળાયા. વાદળ જેવી રીતે મેઘધનુષને ઝાલે એવી રીતે ખાલીદે એની મહેબૂબાને એના બે હાથમાં ઊંચકી લીધી અને એમના વિશાળ, સજાવેલા શયનખંડમાં લઇ ગયો. શમાના તનના કોરા કાગળ ઉપર ખાલીદ પોતાના સ્પર્શથી પ્રેમગીતો લખતો રહ્યો અને શમાનો દેહ એ ગીતોને ગણગણતો રહ્યો.

એ સંગીત હમેશા એવું જ સૂરીલું રહેવાનું હતું?

(ક્રમશ:)

Leave a Reply to Rajul KaushikCancel reply

8 Comments

  1. માનસી મજમુંદાર
    ગિરિમાબેન વાર્તાની ખૂબ સુંદર માંડણી.
    નવા પ્રકરણ માટેની ઉત્સુકતા જળવાઈ રહે છે.
    શમાની જિંદગી કેવો પ્રવાસ કરશે એનો અણસાર આપતાં
    મુક્તકો મારી કલમે
    મૃગજળમાં મોતી ના શોધ્યું જડે
    મરજીવા થઈ પેટાળે ઘૂમવું પડે
    મોતી પાકે ના સપનાના દેશમાં
    છીપની વચાળે ભીંસાવું પડે
    રણની ઉનાશમાં ના મોતી ઠરે
    ઊંડા અંધારે જઈ વસવું પડે

  2. એક એક શબ્દની આંગળીએ આગળ વધીએ એમ એમ એક દહેશત ઊભી થતી જાય છે. રેશમી મુલાયમ લાગતા શબ્દોમાં આવી તાકાત પણ હશે જ તો…
    પળ વારમાં મેઘધનુષી રંગો અને વળતી પળે અમાસના રાતના અંધકારનું ચિત્ર….
    ગિરિમાબહેન, કમાલ કરો છો.

    1. તમારી comments ની રાહ જોવી ગમે છે. તમને ગમે છે એનો આનંદ છે rajulaben.

  3. એક એક શબ્દની આંગળીએ આગળ વધીએ ત્યાં કશુંક અજુગતું બનવાની દહેશત ઊભી થતી જાય છે. રેશમી મુલાયમ શબ્દોમાં આવી તાકાત પણ હશે ત્યારે જ તો…..!

  4. હપ્તો ખૂબ સરસ. કઈક બનશે એવી દહેશત વચ્ચે શમા એશોઆરામ માં રહેવા લાગી. “વાતોની પાથરેલી જાજમ પર આળોટતી રહી” એમાં ખૂબ બધું કહેવાય ગયુ.