નો રિપ્લાય (વાય?) ~ કટાર: બિલોરી (2) ~ ભાવેશ ભટ્ટ
આમ તો ‘નો રિપ્લાય’ શબ્દ સોશિયલ મીડિયા અને મોબાઈલના આગમન પહેલા પણ અસ્તિત્વમાં હતો. પણ એમ કહી શકાય કે ત્યારે એના પર સાડા સાતીની પનોતી હતી અથવા એમ પણ કહી શકાય કે ત્યારે એની સ્થિતિ ‘ઝંજીર’ ફિલ્મ રિલીઝ થયા પહેલાના અમિતાભ બચ્ચન જેવી હતી.
જેવો મોબાઈલ આવ્યો, સોશિયલ મીડિયા આવ્યું, પનોતી હટી ગઈ, ઝંજીર રિલીઝ થઈ ગયું. આજે એ શબ્દ, ભાષાના આકાશમાં કોઈ સિતારાની જેમ ચમકી રહ્યો છે.
પત્રવ્યવહારના જમાનામાં તો આ શબ્દને કદાચ ભારત દેશના વિઝા જ નહોતા મળ્યા. જ્યારે લેન્ડલાઈનના જમાનામાં અમુક સ્ટેટના વિઝા કદાચ મળી પણ ગયા હોય તોય એ પોતાની ઓળખ નહોતો બનાવી શક્યો, એટલે કે પગભર નહોતો બન્યો, કારણ કે એમાં વાગતી રીંગ ઓળખવિહોણી હતી. એટલે ફોન નહીં ઉપડ્યાની ઉપેક્ષાથી છંછેડાવામાં માણસના અહંકારને બહુ રસ નહોતો.
ત્યાર બાદ પેજરના બે ચાર વરસ અને મોબાઈલના નવા નવા આગમન વખતે પણ આ લાગણી જન્મી નહોતી, ઉલ્ટાનું પ્રત્યુત્તર માટે પડાપડી થતી હતી.
ઇમેઇલ અને એસ.એમ.એસ વખતે પણ એ શબ્દનો વપરાશ બહુ ઓછો હતો. કેમ કે, એમાં રિપ્લાય નહીં કરવાવાળાએ હજી સુધી ઇમેઇલ કે મેસેજ જોયો હશે કે નહીં એ વિશે શંકા રહેતી હતી.
આ શંકાનું કદ બહુ નાનું હતું એટલે એ સેન્ડરના ઊંચા ઈગો સુધી નહોતી પહોંચતી. મૂળ તો ઉપેક્ષા, અવજ્ઞા એટલે કે નિગલેક્ટ / ઇગ્નોર જેવા શબ્દોના માઠાપણાથી બચવા લોકો એના શરણે ગયા હોય એવું પણ બન્યું હોવું જોઈએ.
કોઈ પણ વોટ્સએપ મેસેજ કે મોબાઈલ કોલ માટે ‘નો રિપ્લાય થાય છે’ બોલવામાં મોટેભાગે માણસની સ્થિતિ ડબલ રોલ જેવી હોય છે. આસપાસ હાજર લોકો સામે જે નિર્દોષતાથી એ બોલે છે એ નિર્દોષતાથી મનમાં એ વાતને લેતો નથી.
મનમાં તો રિપ્લાય નહીં કર્યા હોવાનો ઝીણો રોષ હોય જ છે. પણ વાતને સાધારણ રીતે બોલીને એ પોતાની પાંચસાત ટીપાની દરિયાદિલી બતાવવા માગતો હોય છે.
આ ‘નો રિપ્લાય’નું પણ એક વિશ્વ છે. ત્યાં પણ અમીર-ગરીબ, નાનો-મોટો, મદદ આપનાર-મદદ લેનાર,બે-ગરજ અને ગરજવાન જેવી ઘણી કક્ષાઓ વસે છે. એટલે આ એકબીજાને નમ્રતાથી એની કક્ષા કે સ્તર બતાવવાનું અહિંસક પગલું છે.
પ્રામાણિક વ્યસ્તતા અને વાસ્તવિક અસુવિધાથી થતા જેન્યુઇન ‘નો રિપ્લાય’ને બાદ કરો તો મોટેભાગે પેલી કક્ષાઓના સમીકરણથી જ સુપિરિયારિટીના ડોઝ લેવાતા હોય છે. એ ડોઝનો નશો પાછો દુર્ગંધ વિનાનો હોય છે એટલે જલ્દી પરખાતો પણ નથી. પાછું એના નશામાં શરીર નહીં પણ મન લથડિયા ખાતું હોય છે.
આવા નશામાં થતા ત્રાગા/તમાશા પર નજર નાખીએ તો એ બહુ જ મજા કરાવનારા હોય છે. જેમ કે, મોટાભાગના લોકો ખાનગી કરતા જાહેરમાં ફોન નહીં ઉપાડવો, કાપવો અથવા મેસેજ જોઈને જવાબ ન આપવો વધારે પસંદ કરતાં હોય છે. એમાંય પાછા આજુબાજુના લોકોને જણાવવા એક કંટાળાભર્યો ઉદગાર કરીને આ કામ કરે છે, જેનાથી લોકોને ખ્યાલ આવે કે આ ભાઈએ એમના દ્વારે આવેલા કોલ/મેસેજને જોઈ મોઢું મચકોડી, હડધૂત કરીને દ્વાર બંધ કરી દીધું છે.
ક્યારેક તો કોઈ ફોનને સામે મૂકીને સતત આવનારી રીંગોને સ્હેજ મલકાટ સાથે જોયા સાંભળ્યા કરે અને ફોનને અડે જ નહીં. ત્યારે એવો પણ વહેમ પડે કે આ મંદિરમાં બિરાજમાન ઈશ્વર તો નથી ને!
કોઈ તો માત્ર રસ્તા પર હોવાથી જ ફોનને ખિસ્સા બહાર કાઢવો પાપ સમજતા હોય છે. પછી ભલે એ રસ્તા ઉપરથી પણ આરામથી વાત કરી શકવાની સ્થિતિમાં હોય!
કેટલાક પહેલી રીંગે વાત કરતા અથવા મેસેજનો તરત જવાબ આપતા પોતાની સંતાડી રાખેલી નવરાશના નજરાઈ જવાનો ડર રાખે છે. તો ઘણા કોલ કાપીને અથવા ન ઉપાડીને પણ રૂબરૂ મળે ત્યારે કોલ બાબત સાવ અજાણ્યા બને છે.
કોઈ તો બાળહત્યાના પાપનો ડર રાખ્યા વગર વોટ્સએપના મેસેજ ખોલ્યા વગર/જોયા વિના જ ડિલીટ કરી નાખે છે.
પાછી બ્લ્યુ ટીક પણ ના થઇ હોય એટલે એમને બાઈજ્જત બરી જ કરવા પડે છે. તો કોઈ આ બધાથી ઊલટું મોબાઈલમાં એટલા બધા રિપ્લાયેબલ થઈ જતા હોય છે કે સામે બેઠેલાં વ્યક્તિ માટે સતત નો રિપ્લાય થયા કરતા હોય છે.
આમ તો આવા બીજા સેંકડો ઉદાહરણ આપી શકાય એવા છે. એટલે કે ઉપર જણાવ્યું એ પ્રમાણે ‘નો રિપ્લાય’નું પણ એક વિશ્વ છે. અહીં કોને કોની કેટલી જરૂર/ગરજ છે? અથવા નથી! કોણ કોના કરતા કેટલા મોટો કે મહત્વનો છે? અથવા નથી.
બસ આવા અમુક ધારાધોરણથી આ વિશ્વનું તંત્ર ચાલે છે અને ચાલતું જ રહેશે. પણ જે ગરીબ કે જરૂરિયાતમંદ માણસ હશે એને મન દરેક રિંગ કે મેસેજ બહુ જ મૂલ્યવાન હોય છે. કયો કોલ/મેસેજ એની કફોડી સ્થિતિ દૂર કરનારો હશે એની ઇન્તઝારી એને સતત રહે છે. એટલે કોઈ કોલ/મેસેજ આવવાથી એના મોઢા ઉપર એક ચમક પણ આવી જાય છે અને એનો રિપ્લાય કરવામાં જાનની બાજી પણ લગાવવી પડે તો લગાવીને તરત જ રિપ્લાય કરે છે.
હવે આ બધા પછી જે એકદમ નાની અને મૂળ વાત કહેવી છે એના પર આવીએ. આમ તો હકીકત એ છે કે અસમાનતાના પાયા પર જ દુનિયાનું અસ્તિત્વ ટકેલું છે.
સમાનતામાં તો ઘર્ષણ અને વિનાશ જ છુપાયેલો હોઈ શકે છે. બસ આ અસમાનતાની કબૂલાત કરવામાં જે ખચકાટ થતા હોય છે એ ત્યજીને નિખાલસ ભાવે સૌએ એને સ્વીકારી લેવો જોઈએ.
પક્ષપાત વગરનો માનવ સ્વભાવ શક્ય જ નથી. બસ એનો ઢાંકપિછોડો ક્યારેક મનદુઃખનું કારણ બને છે. એટલે જેની વેલ્યુ/કિંમત તમારા મનમાં જેટલી હોય એટલી જ સામેવાળાને પણ ખબર હોવી જોઈએ. જેથી ક્યારેય કોઈથી આઘાત ન લાગી શકે.
ફોન/મેસેજના રિપ્લાયમાં જેટલું મહત્વ અપાતું હોય એટલું જ રૂબરૂમાં રાખવું જોઈએ, નહીં વધારે નહીં ઓછું. જેનાથી તમારી તટસ્થતા અને સામેવાળાનો વિશ્વાસ કાયમ સ્વસ્થ રહેશે, કદી જોખમાશે નહીં.
તો આવો સૌ ભેગા મળીને મોબાઈલ યંત્રની મદદથી તંદુરસ્ત અને પારદર્શક સંબંધોના ગ્લોબલ વિશ્વનું નિર્માણ કરીએ.
~ ભાવેશ ભટ્ટ
‘નો રિપ્લાય’ વિષયને કેટલો પંપાળ્યો છે…વાહ
પરિવર્તન યુગ સાથે આજની નવી પેઢીને કટાક્ષ કરીને લાલબત્તી ધરી છે.