મન ન માને (ગઝલ) ~ શાયરઃ હેમેન શાહ ~ સ્વરાંકનઃ આલાપ દેસાઈ ~ સ્વરઃ ગાર્ગી વોરા

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ

રોજ વિઘ્નો પાર કરતા દોડવાનું છોડીએ
પાતળી સરસાઈથી આ જીતવાનું છોડીએ

પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ

આવશે, જે આવવાનું છે એ પાસે ખુદ-બ-ખુદ
અહીં કે ત્યાં, આજે કે કાલે, શોધવાનું છોડીએ

મ્હેકની ભાષા સમજીએ, જેટલી સમજાય તે
કિન્તુ પાકટ પથ્થરોને પૂછવાનું છોડીએ

હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ
જળને વ્હેવાની રસમ શીખવાડવાનું છોડીએ

કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ

કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો?
છોડીએ તો એક સીમાચિન્હ નાનું છોડીએ

~ હેમેન શાહ
~ ગઝલસંગ્રહઃ
લાખ ટુકડા કાચના

 

Leave a Reply to Sikandar multani Cancel reply

2 Comments

  1. શ્રી હેમેન શાહની સ રસ ગઝલ મન ન માનેનુ સુંદર સ્વરાંકનઃ આલાપ દેસાઈ નુ અને મધુરતમ સ્વરઃ ગાર્ગી વોરાનો માની મઝા આવી