|

પથ્થર થઈને બેઠો છે (આસ્વાદલેખ) ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ ગુજરાતી મિડ-ડે ~ હિતેન આનંદપરા

બેસવું એ નિરાંતની નિશાની છે. ધ્યાન ધરતા લોકો માટે બેસવું એ ભીતરની લટાર છે. બેઠા રહેવું એ આળસની નિશાની છે. પત્ની કામ કરતી હોય અને દારુડિયો પતિ ઘેર બેઠો-બેઠો રોટલો તોડતો હોય એ બેદરકારીની નિશાની છે. ઘરે આવતી કામવાળી બાઈને પૂછી જોજો, આવા ઘણા બેઠાડુ કિસ્સા મળી આવશે. હાઈવે ઉપર પ્રદર્શન કરતાં બેસી પડવું એ ખેધીલાપણાની નિશાની છે જે પ્રદીર્ઘ અને પેઈડ કિસાન આંદોલનમાં આપણને જોવા મળી. કવિઓ કેવા ભવિષ્યદૃષ્ટા હોય છે તેનો ખ્યાલ મરીઝસાહેબની પંક્તિમાં આવશે…
બન્ને દશામાં શોભું છું ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું
રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું મરીઝ
ને આમ જોઈએ તો સાધુ સંત છું
સાધુ કે સંત એ માત્ર બાહ્ય લેબલ નથી, એ આંતરિક શક્તિ છે. બાહ્ય દેખાવ પુષ્ટિ આપે પણ સૃષ્ટિ તો ભીતર જ વિકસતી હોય. વસ્ત્રો માન્યતાને દૃઢ કરવામાં સહાયરૂપ થાય છે. એનાથી વ્યક્તિત્વનો પણ ઉઘાડ થતો હોય. વસ્ત્રોને જાણે વાચા હોય એવું લાગે. સંતસંગ આપણી ગ્રંથિઓને ઓગાળે અને મૂરઝાયેલી ચેતનાને ઝંકૃત કરે. આદિલ મન્સૂરીના શેરમાં ઉપદેશ નહિ પણ આત્મીય આમંત્રણ પામી શકાય છે…
કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો
તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો
પરપોટાનું આયુષ્ય ટૂંકુ હોય છે. જો સમગ્ર સૃષ્ટિની આયુ વિશે વિચારીએ તો આપણું આયુષ્ય પણ પરપોટા જેવું જ લાગે. લાખો વર્ષો સામે સિત્તેર-એંસી વર્ષની સરખામણી કઈ રીતે થઈ શકે. છતાં આ ટૂંકી હયાતી મહત્ત્વની છે. ફૂલ એક દિવસ જીવે તોય પોતાનું કર્તવ્ય બજાવી સુગંધ પાથરતું જાય. એનું આયુષ્ય લાંબું નથી પણ એ જે સંદેશ આપે છે તે સનાતન છે. એવી જ એક શીખ ગૌરાંગ ઠાકર પાસેથી મળે છે…
તું પહેલા વેંત નીચો તો નમી જો
તને એ બેઠો કરવા માથું આપે
ખરી ઈશ્વરકૃપા એને ગણી લ્યો
કદી કોઈના માટે આંસુ આપે
કોઈના માટે આંસુ સારવા અનુસંધાન વગરનું સંવેદન જોઈએ. આ સંવેદનાથી કઈ નીપજે નહિ તોય એનું હોવું આવશ્યક છે. થોડાક દિવસ પહેલાં જોયેલું એક દૃશ્ય હજી આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું છે. કાંદિવલી વેસ્ટમાં મહાવીરનગર વિસ્તારમાં ડી-માર્ટ છે. અહીં ખરીદી માટે સતત ભીડ રહેતી હોય છે. એક સાંજે બસમાંથી પસાર થતો હતો ત્યારે જોયું કે ડી-માર્ટનો લાલ ટીશર્ટધારી શરીરે ભરેલો એક કર્મચારી છ-સાત વર્ષના એક ગરીબ બાળકને નિર્દયતાથી મારી રહ્યો હતો. કારણ શું? તો એટલું જ એ બાળકનું ત્યાં હોવું કસ્ટમરો માટે નડતરરૂપ લાગી રહ્યું હતું. એ ધારત તો એનો હાથ પકડી બાજુમાં લઈ જઈ શક્યો હોત, પણ તેણે બેરહેમ હાથ ઉપાડ્યો. આવા રાક્ષસી માણસોને જોઈએ ત્યારે આપણી મુઠ્ઠીમાં લશ્કરી ઝનૂન ન હોવાનો પારાવાર રંજ થાય. આવી નિર્મમતા સામે લાચારીને કઈ રીતે બચાવી શકાય? ચિનુ મોદી કહે છે એવી કોઈ ટ્રીક ભગવાન આપણને પણ શીખવાડે…
શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા‘?
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા
પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા
સમય ઘણી વાર સંવેદનાને આંતરી લે છે. આપણું ઝરણું ક્યારે સુકાતું થઈ જાય એનો ખ્યાલ જ ન રહે. આપણી લડત જ હંફાવી દેતી હોય ત્યારે અન્ય ઘર્ષણને શું કામ વ્હાલું કરીએ એ વિચાર આવવાનો જ. જો કે આ વિચારને બધા જ લોકો વળગી રહે તો કોઈ એનજીઓ સ્થપાઈ જ ન શકે. રુસ્વા મઝલુમી  લખે છે એવી ખુમારી અને નિસબત સમાજને પણ ઉપકારી નીવડતી હોય છે…
છું એક મુસાફર, નિર્ભય થઈ, હું સાંજ સવારે ચાલું છું
બુદ્ધિનું ગજું શું રોકે મને, અંતરના ઈશારે ચાલું છું
થાકીને લોથ થયો છું, પણ કયારેય નથી બેઠો રુસ્વા
આ ગર્વ નથી ગૌરવ છે, હું મારા વિચારે ચાલું છું 

ક્યા બાત હૈ

નટવર થઈને બેઠો છે
પગભર થઈને બેઠો છે

ઈશ્વર જેવો ઈશ્વર પણ
પથ્થર થઈને બેઠો છે

આંખો સાથે દરિયો પણ
સરભર થઈને બેઠો છે

આ માણસનું શું કરવું?
નડતર થઈને બેઠો છે

રસ્તો ખુદ જે ભૂલ્યો તે
ઠોકર થઈને બેઠો છે

મૃત્યુને મળવા ‘રાજ’ હવે
તત્પર થઈને બેઠો છે

~ રાજેશ બ્રહ્મભટ્ટરાજ’
ગઝલસંગ્રહઃ
સાવ એવું પણ નથી

 

આપનો પ્રતિભાવ આપો..

One Comment

 1. તું પહેલા વેંત નીચો તો નમી જો
  તને એ બેઠો કરવા માથું આપે
  ખરી ઈશ્વરકૃપા એને ગણી લ્યો
  કદી કોઈના માટે આંસુ આપે
  વાહ્
  રસ્તો ખુદ જે ભૂલ્યો તે
  ઠોકર થઈને બેઠો છે

  મૃત્યુને મળવા ‘રાજ’ હવે
  તત્પર થઈને બેઠો છે
  બહોત ખૂબ

  ~ રાજેશ બ્રહ્મભટ્ટ ‘રાજ’ને ધન્યવાદ