|

સાવ અમસ્તાં (કાવ્ય) ~ જયશ્રી વિનુ મરચંટ ~ ૨૩ ડિસેમ્બર: જન્મદિનની શુભેચ્છાઓ સાથે…

વરસાદ ભલે ન આવે તો પણ
ચાલ વરસીએ સાવ અમસ્તાં
મોસમ બદલે કે ના બદલે
ચાલ બદલીએ સાવ અમસ્તા

પવન ગાય છે ગીત મજાનાં
પંખી એમાં સાદ પુરાવે
ચાલ આપણે એવી રીતે
ગામ જગવીએ સાવ અમસ્તા

સાવ અમસ્તાં આંખો મીંચી
પૂરપાર બસ દોડયાં કરીએ
વળી અચાનક સ્તબ્ધ થઈને
ક્યાંક અટકીએ સાવ અમસ્તાં

પુષ્પ ઉપરનું ઝાકળ જોઈ
ગગન મહીં એક વાદળ જોઈ
ફૂલ સરીખાં ખીલી જઈને
ચાલ મરકીએ સાવ અમસ્તાં

ચાલ મીણની જેમ જ આપણે
એકમેકને ભેટી લઈએ
એકમેકનાં હૈયાં અંદર
ચાલ પીગળીએ સાવ અમસ્તાં
~ જયશ્રી વિનુ મરચંટ

 

 

Leave a Reply to હરીશ દાસાણી.મુંબઈCancel reply

4 Comments

  1. સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ ને જન્મદિનની શુભેચ્છાઓ
    ચાલ મીણની જેમ જ આપણે
    એકમેકને ભેટી લઈએ
    એકમેકનાં હૈયાં અંદર
    ચાલ પીગળીએ સાવ અમસ્તાં
    વાહ
    સ રસ રચના
    યાદ આવે

    સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
    ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

    બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
    પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

    માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
    બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

    તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
    છળના રણમાં છાનાંમાનાં મૃગજળ મૃગજળ રમીએ.

    હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
    પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

    ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
    મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

    હું ય ‘ગની’, નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
    અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ

  2. કારણ વગર જે અમસ્તું થાય તેનું સુખ અનોખું.આવા અમસ્તા સુખની સરસ કવિતા.