રાજલ (લઘુકથા) ~ નયના

લેખિકા ~ નયના

ખીમરવને એકલો આવેલો જોઈને ઘરના સભ્યો ચોંક્યા. તબડક તબડક દોડતી ઘોડી રાજલ ક્યાં? એકલો કેમ? ચાલીને કેમ? ગઢ ગામમાં ખીમરવ રહે, તેની માનીતી રાજલ સાથે. રાજલ અને ખીમરવની ભારે દોસ્તી, રાજલ વગર ખીમરવને ન ચાલે અને ખીમરવ વગર રાજલને, એક પળનુંય છેટુ ન પડે. ખીમરવની  હિલચાલ પરથી જ રાજલને ખબર પડી જાય કે આને શું થયું હશે, આજે ભાઈને ગુસ્સો આવ્યો લાગે છે, આજે ખૂબ ખુશ દેખાય છે. ખીમરવના મૂડ પર રાજલનો મૂડ હોય. ખીમરવ ખુશ તો રાજલ ખુશ, ખીમરવ દુ:ખી તો રાજલ પણ દુ:ખી. તે ખીમરવને તડકા-છાયામાં, હરહંમેશ સાથ આપતી હતી. 

ખીમરવે તેની બહેન રાંદલના વિવાહ જસા વેરે કર્યા. એક વરસ બહેનનો સંસાર સરસ ચાલ્યો પણ સમય જતાં, જસાએ છૂપી રાખેલી વાતની જાણ ખીમરવને થઈ કે જસાને તો દારૂની લત લાગી છે. બેનને રોજ માર મારે છે, ભૂંડા બોલે છે, રોજ કંકાસ થાય છે.

ખીમરવે બેનને થોડા દિવસ પિયર આવવા કહ્યું. પણ બેનનું મન ન્હોતું માનતું કારણ કે તેનો પતિ અહીં આવે અને ભવાડો કરશે તો માવતરને નીચું જોવું પડશે, દીકરીને કેવે ઠેકાણે પરણાવી? આથી તેને ખૂબ ખચકાટ થતો હતો. તો પણ થોડા દિવસ રહી.

સાંજ પડેને તેને નિરાંત થતી કે હાશ, આજ જસો ન આવ્યો. રોજ સવારે તે પ્રાર્થના કરતી કે જસો અહીં ન આવે. આવી ઉપાધિથી રાંદલને ખાવું પણ નહોતું ભાવતું. રાંદલ રાજલને રોજ રજકો નિરવા જતી અને ત્યાં તેનું હૈયું ઠાલવતી. રાજલથી જાણે આ જોયું ન જતું, તેની આંખમાંથી પણ આંસુ ટપકી જતાં, રાજલને શું કરવું તે સમજાતુ નહોતું, મૂંગું પ્રાણી સમજાવે કેવી રીતે?

રાંદલની વેદનાથી રાજલનું હૈયું ફાટફાટ થતું. તે રજકો પણ નહોતી ખાતી. ત્યારે રાંદલ આંસુ લૂછીને કહેતી, ‘લે બેન, ખાઈ લે. તું કેમ ઢીલી પડે છે. લે ખા બાપ ખા.’ રાજલ તેને ચાટતી, તેના ખભે માથું નાખી દેતી, જાણે કહેતી ન હોય કે, ‘મારી પાસે વાચા નથી તો શું થયું? મારી પાસે તારા માટે અનુકંપા ચોક્કસ છે. તને હું દુ:ખી નહીં થવા દઉં.’     

આવી રીતે થોડા દિવસ વીત્યા. એક દિવસ રાંદલની બીક સાચી પડી. તેનો પતિ જસો વાડીએ આવ્યો.  શાદૂળ ખેતરમાં કામ કરતો હતો, તો જસો ત્યાં ગયો અને શાદૂળ સાથે જીભાજોડી કરવા લાગ્યો. શાદૂળે થોડી વાર તો તેને કાબુમાં રાખ્યો પણ જસો તો હટોકટ્ટો હતો. જયારે શાદૂળ તો સાવ દુબળિયો હતો. શાદૂળને તો ઘરે આવા ખરાબ સમાચાર આપવા નહોતું જવું પણ પોતાનો જીવ બચાવવા માટે જવું પડ્યું.

તેણે ઘરે આવીને ખીમરવને શોધ્યો, પણ ન દેખાયો તેથી રાંદલને કીધું કે વાડીએ બનેવી આવ્યા છે તેથી ખીમરવભાઈને મોકલજો. બેન બાવરી થઈને પૂછવા લાગી, ‘શા માટે આવ્યા છે? પીને તો નથી આવ્યાને?’ પ્રશ્નો પર પ્રશ્નો કરવા લાગી. બેનનાં પ્રશ્નોની ઝડીમાંથી માંડ છૂટીને ત્યાંથી ગયો. માલિકની વાડીએ જવાને બદલે તેના ભાઈબંધની વાડીએ જતો રહ્યો.

રાંદલ રાજલને વળગી પડી, જાણે તેની મોટી બહેનને વળગી પડી, આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી પડ્યો. રાજલ પણ જાણે નાની બેનની વેદના સમજતી હોય તેમ રાંદલને ચાટવા લાગી. નાનપણથી બન્નેનો ઉછેર સાથે જ થયો હતો તેમ જ એક જ આંગણામાં રમવાનું જમવાનું, જેમ બે બહેનોનો ઉછરે થાય તેમ જ. ખીમરવ ઘરે આવ્યો એટલે બેને બધી વાત કરી. રાજલ પણ જાણે નાની બેનના દુઃખનો ભાગ બનવું હોય તેમ ખીલેથી છૂટવા મથતી હતી ખીમરવે રાજલને શાંત પાડી, ‘રાજલ બાપ, શાંત થા માવડી.’

ખીમરવ વાડીએ જવા રાજલ પર સવાર થયો. રાજલ ઝડપથી વાડી ભણી દોડવા લાગી, જમીનને પગ અડ્યો ન અડ્યો, ત્યાં તો વાડી આવી ગઈ. જસો ખાટલા પર લાંબોલ્હ થઈને પડ્યો હતો. ખીમરવને જોતા જ ઊભો થયો જાણે ક્યારનું તેને ચેન નહોતું પડતું. તાણી તાણીથી હુંસાતુસી કરવા માંડ્યો. ખીમરવ શાંત રહ્યો. તેને તો મામલો શાંત પાડવો હતો, તેને શાંતિથી સમજાવવાનું ચાલુ કર્યું. ‘જો જસા દારૂની લત સારી નથી, તું એ છોડીને શાંતિથી રોટલો રળી ખા.’ પણ જસો તો કોઈના બાપનું માને તેવો નહોતો, હવે ખીમરવની ધીરજ ખૂટી. તેણે કહ્યું, ‘તો તું જ્યાં સુધી દારૂ પીશ ત્યાં સુધી હું મારી બેનને સાસરે નહીં મોકલું. જા તારાથી થાય તે કરી લે.’

સાળા બનેવી વચ્ચે આવી રકઝક ચાલતી હતી ત્યાં જ  જસાએ બંદૂક કાઢી અને ખીમરવ સામે તાકી, ખીમરવને થયું કે એમ કંઈ થોડી ગોળી મારશે? પણ બંદૂક બહાર નીકળી એ રાજલની નજર બહાર નહોતું. જસાએ તો ગોળી છોડી, ઈ જ વખતે રાજલ ઊંચી થઈ અને થોડી જ વારમાં નીચે પટકાઈ. જાણે આ જ ઘડીની રાહ જોતી હોય તેમ, ઉછળીને પોતાનું કાળજું વીંધાવા દીધું. તેના મુખ પર પરમ શાંતિ થઈ, જાણે તેણે તેના ભાઈબંધનું ઋણ ચૂકવ્યાની નિરાંત થઈ હોય. પણ ખીમરવ એ જીરવી ન શક્યો તેની રાજલ કાયમ માટે તેને છોડીને ચાલી ગઈ. એક પળનુંય છેટું ન પડવા દેતી રાજલ આજે ભવભવનું છેટું પાડીને ચાલી ગઈ હતી.

~ નયના
(નોંધ- ચોબારી ગામના સુખરામભાઈ પાસેથી સાંભળેલ સત્ય ઘટનાને આધારે)

Leave a Reply to pragnajuCancel reply

2 Comments

  1. ખીમરવ અને તબડક તબડક દોડતી ઘોડી રાજલ ની સંવેદનશીલ વાર્તા