શ્રીમદ્ ભાગવત કથા – દ્વિતીય સ્કંધ – દસમો અધ્યાય – “ભાગવતનાં દસ લક્ષણો”

દ્વિતીય સ્કંધ – દસમો અધ્યાય – “ભાગવતનાં દસ લક્ષણો” 

ૐ નમો ભગવતે વાસુદેવાય

 (દ્વિતીય સ્કંધના દ્વિતીય સ્કંધ, અધ્યાય નવમો, “બ્રહ્માજીએ કરેલું ભગવાનના ધામનું દર્શન અને ભગવાને તેમને કરેલો ચતુઃશ્લોકી ભાગવતનો ઉપદેશ” અંતર્ગત આપે વાંચ્યું કે, ભગવાન બ્રહ્માજીની ભક્તિ અને શ્રદ્ધાપૂર્વકના હજાર વર્ષોના તપથી પ્રસન્ન થઈને, તેમને પોતાનું અને પોતાના વૈંકુઠધામનું અલૌકિક દર્શન કરાવે છે અને બ્રહ્માજીને વરદાન આપતાં કહે છે કે, “હે બ્રહ્માજી, હું તમને મારું સમસ્ત ગોપનીય વિજ્ઞાન અને એનાં રહસ્યથી તમને વિદિત થાઓ એવું વરદાન આપું છું. હું જેટલો છું, જે ભાવો મારામાં છે, જે રૂપ, ગુણ અને લીલાઓથી હું સમન્વિત છું, તે બધા તત્વોનું વિજ્ઞાન તમને મારી કૃપાથી પ્રાપ્ત થાઓ. આ સૃષ્ટિના પૂર્વે પણ હું હતો, એની ઉત્પત્તિમાં પણ હું હોઈશ અને એના નાશ પછી પણ હું હોઈશ. મારૂં પરમતત્વ જાણવા એટલું જાણવું આવશ્યક છે કે પરમાત્મા જ સર્વદેશ અને સર્વકાળમાં વિદ્યમાન છે. તો તમે આમ ઉત્કૃષ્ટ સમાધિ દ્વારા મારા આ સિદ્ધાંતમાં સ્થિત થાઓ જેથી તમે કલ્પકલ્પાંતરોમાં પણ ક્યારેય અને ક્યાં મોહિત નહીં થાઓ.”

બ્રહ્માજીને આ પ્રમાણે ઉપદેશ કરીને ભગવાને પોતાના એ રૂપને અદ્રશ્ય કરી દે છે. બ્રહ્માજી બે હાથ જોડીને ભગવાનનું સ્મરણ કરીને, પહેલા કલ્પમાં જેવી સૃષ્ટિ હતી તે જ રૂપમાં વિશ્વની રચના કરે છે. એકવાર બ્રહ્માજીના પુત્ર પરમ ભક્ત નારદજીએ ભગવાનની માયાનું તત્વ શું છે, એ જાણ જ્યારે પ્રશ્નો કરે છે ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થઈને નારદજીને દસ લક્ષણોવાળું ભાગવત્ પુરાણનું જ્ઞાન આપે છે. જેમાં ભગવાને તેમને કરેલો ઉપદેશ અને લીલાઓ હોય છે. મહાભારતના યુદ્ધ પછી જે સમયે ભગવાન વેદવ્યાસજી ઉદ્વિગ્ન થઈને સરસ્વતીતટે બેસીને પરમાત્માના ધ્યાનમાં મગ્ન હોય છે તે સમયે દેવર્ષિ નારદજી એ જ ભાગવતપુરાણ તેમને કહી સંભળાવે છે. શુકદેવજી પરીક્ષિતને ને એ જ ભાગવતપુરાણ સંભળાવવા ઉદ્યત થાય છે .હવે અહીંથી વાંચો આગળ, દ્વિતીય સ્કંધ, અધ્યાય દસમો, “ભાગવતનાં દસ લક્ષણો”)

સૂતજી શૌનાકાદિ ઋષિઓને કહે છે – હે શૌનકાદિ ઋષિઓ, શુકદેવજી ભાગવતપુરાણ પરીક્ષિતને સંભળાવે એ પહેલાં એમને ભાગવતનાં મુખ્ય દસ લક્ષણો વિષે સમજાવવાનું ઉચિત માને છે અને પરીક્ષિતને કહે છે કે વિરાટ પુરુષની ઉત્પત્તિ વિષે તો આગળ જણાવ્યું છે અને એની વ્યુત્પત્તિ વિષે પણ સમજણનો આ પૂર્વે ઉલ્લેખ કર્યો છે. આ વિરાટ પુરુષની વ્યુત્પત્તિ અને મનુષ્યોના જીવનની દિશા અને દશા સાથે જોડાયેલાં જે દસ લક્ષણો છે, તેનો વિસ્તાર ભાગવતમાં વર્ણવેલી ભગવાનની લીલામાં પણ છે. તો ભગવાનની આ લીલાને સમજવા માટે મનુષ્યના જીવન સાથે જોડાયેલાં આ દસ લક્ષણો શુકદેવજી નીચે પ્રમાણે ભાગવતપુરાણમાંથી રાજા પરીક્ષિતને નીચે પ્રમાણે વર્ણવે છે.

શુકદેવજી કહે – હે પરીક્ષિત, ભાગવતપુરાણ એક વિજ્ઞાન- એટલે કે વિશિષ્ટ જ્ઞાન પણ છે. ભગવાનની લીલાઓમાં આ જ ઉચ્ચ જ્ઞાન સાંકેતિક ભાષામાં છુપાયું છે કે જેથી અનધિકૃત લોકો – એ લોકો કે, જેમણે પૂર્ણ અભ્યાસ નથી કર્યો અને એ જ્ઞાનને પામવાની કે પચાવવાની સાધના નથી કરી- એવાના હાથમાં આ જ્ઞાન ન આવે. અહીં એક એ સમજણ પણ મળે છે કે જ્ઞાનને પામવા, સર્જવા, પચાવવા અને વિસ્તારવા અધિકૃતતા ઊંડા અભ્યાસ અને ચિંતનની જરૂર છે. જો એ ન પામ્યા હો તો આ અધકચરા જ્ઞાન અને વિજ્ઞાનનો પ્રયોગ આખી સૃષ્ટિ માતે ભયાવહ નીવડી શકે. તો મનુષ્યના જીવન સાથે જોડાયેલાં એ દસ વિષયો- લક્ષણો કે જેનું ભાગવતમાં વિસ્તારથી નિરૂપણ કરાયું છે તે નીચે પ્રમાણે ધ્યાનથી સાંભળજો.

૧. સર્ગ** – ઈશ્વરની કૃપાથી અને પ્રેરણાથી આગળની કથામાં જણાવ્યું એમ, ત્રણ મુખ્ય ગુણોમાં અંતરાય આવતાં કે એનું સંમિશ્રણ થતાં આકાશ સહિતનાં પંચ મહાભૂતો, શબ્દ વગેરે તન્માત્રાઓ, ઈન્દ્રિયો, અહંકાર અને મહત્ત્વની ઉત્પત્તિ થાય છે તેને “સર્ગ” કહે છે. (સર્ગ** ઉત્પત્તિ.  સૃષ્ટિ, સર્જન) સર્ગની પ્રક્રિયા એ માનવીઓના જીવન તબકાઓ દરમિયાન શરીરની અંદર પેદા થતાં રાસાયણિક ક્રિયાનો આધાર છે.

૨. વિસર્ગ** – આગળ મેં જણાવ્યું કે વિરાટ પુરુષનું સર્જન ભગવાને કઈ રીતે કર્યું હતું. એ વિરાટ પુરુષથી ઉત્પન્ન બ્રહ્માજી વડે જે વિભિન્ન જડ-ચેતન સૃષ્ટિઓનું નિર્માણ થાય છે તેને વિસર્ગ કહે છે. (વિસર્ગ** છોડી દેવું એ, ત્યજી દેવું એ, ત્યાગ) અહીં વિરાટ પુરુષના વિસર્ગ કરવાથી જ બ્રહ્માજી પેદા થયા છે.

૩. સ્થિતિ – સૃષ્ટિનું નિર્માણ ભગવાન જ કરાવે છે. જેનું નિર્માણ થાય છે એનો વિનાશ પણ થતો હોય છે. જેમ જીવના જન્મ સાથે જ એનું મૃત્યુ પણ જન્મે છે એમ જ, આ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ તો થઈ પણ એ સતત જ એના અંતિમ નાશ તરફ તો સૂક્ષ્મ ગતિ જતી જ હોય છે. મનુષ્યના જન્મ અને મરણ વચ્ચેની મર્યાદામાં જે જીવન જીવવાની સ્થિરતા છે એની જેમ જ, પ્રત્યેક પગલે નાશ તરફ આગળ વધતી આ સૃષ્ટિને એની મર્યાદામાં સ્થિર રાખવાથી જ ભગવાન વિષ્ણુની શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે. આ સૃષ્ટિની ગતિવિધિને ઉત્પત્તિ અને નાશ વચ્ચે સતત નિયંત્રિતતાથી સ્થિરતા જાળવી શકાય એ રીતે રાખવી – એક Maintenance Mode માં રાખવી એ કપરું કામ છે. આ કામના અધિષ્ઠાતા – દેવતા ભગવાનનું જ સ્વરૂપ, ભગવાન વિષ્ણુ છે. મનુષ્યના જીવનને પણ જન્મ અને મૃત્યુ વચ્ચે એક સ્થિરતાથી જાળવવું એ કામ ભગવાન વિષ્ણુનું છે.

૪. પોષણ – જન્મ પામેલા પ્રત્યેક જીવને એની એક આવરદા જીવવા માટે તથા શરીર અને મન, બેઉનો ઉમર પ્રમાણેનો વિકાસ થાય એ માટે સપ્રમાણ પોષણ જોઈએ છે. આ જ પોષણની જરૂરિયાત, વૈશ્વિક ફલક પર જોઈએ તો સમસ્ત સૃષ્ટિમાં પણ મૂળભૂત રીતે હોય છે. મનુષ્યનું જીવન પણ સૃષ્ટિના જ અધિનિયમો દ્રારા પ્રભાવિત છે. માતા જન્મ આપીને બાળકને પોષે છે. સમસ્ત સૃષ્ટિને જન્માવનારા ભગવાને જ એમાં વસનારા સૌ પ્રાણીઓના પોષણ માટેની વ્યવસ્થા સદા કરેલી છે પણ જીવો આ સમજી ન શકવાને કારણે અને પોતાની સર્વોપરિતા સ્થાપવાના મોહ અને લોભને કારણે આ વ્યવસ્થામાં અવરોધક બને છે અને પોષણનું Logistics – પોષણના સારસરંજામ પૂરો પાડવાની વ્યવસ્થા – ખોરવાય છે, અવરોધિત થાય છે. આને કારણે ત્યાંથી બેલેન્સ – પોષણની વ્યવસ્થાનું સંતુલન પણ અસર પામે છે. આ માત્ર મનુષ્યના જીવનની શારિરીક પોષણ માત્રની વાત નથી પણ આત્મા અને મનના પોષણની પણ વાત છે. મનનું પોષણ સારા વિચારો અને સત્કર્મોથી થાય છે. સારા વિચારો અને સત્કર્મો સજ્જન માતા-પિતાના સંસ્કારો થકી, સાધુ-સંતોના સમાગમ ને સત્સંગ થકી અને સત્ય પર આધારિત સમાજ વ્યવસ્થા દ્વારા પોષાય છે.

૫. મન્વંતર*** – મન્વંતરોના અધિપતિ મનુ સદૈવ ભગવદ્ ભક્તિ અને પ્રજાપાલનરૂપી શુદ્ધ ધર્મનું સદૈવ અનુષ્ઠાન કરે છે. આથી દરેક મન્વંતરના મનુના શિર પર એના પ્રજાના પાલનપોષણ અને ધર્મ પાલનની જવાબદારી હોય છે. આ જવાબદારીનું પાલન દરેક મન્વંતરમાં કોઈ પણ ખલેલ વિના થાય એવા વહીવટની વ્યવસ્થા પહેલેથી જ કરી રાખવામાં આવી છે. માણસોના પ્રજા જીવનમાં પણ દેશ-કાળ પ્રમાણે આ જ વ્યવસ્થા ઓછાવત્તા અંશે જોવા મળે છે. અહીં ફરક એટલો છે કે પ્રજાપાલન અને પ્રજાના ધર્મ પાલનની વ્યવસ્થાની જવાબદારી તથા રાજધર્મની ગરિમા, હે પરીક્ષિત, તમારા જેવા રાજાના શિરે છે.

(મન્વંતર*** અને એની વહીવટ વ્યવસ્થા: હિન્દુ કાલ નિર્ધારણ અનુસાર, 4 યુગનો અર્થ થાય છે 12,000 દિવ્ય વર્ષ. 4-4 કરવા પર 71 વર્ષ થાય છે. 71 યુગનો મન્વંતર થાય છે. 14 મન્વંતરને એક કલ્પ ગણવામાં આવે છે. 1 કલ્પ એટલે બ્રહ્માજીના લોકનો એક દિવસ થાય છે. મોટાભાગનાં પુરાણોના મત મુજબ પ્રત્યેક મન્વંતરમાં પાંચ અધિકારી હોય છે કે જે પોતાનું વિશિષ્ટ કાર્ય કરીને જાય છે અને તેમના કાર્યનો સમય પૂરો થતાં મન્વંતર બદલાય છે અને તેમની જગ્યાએ નવા વહીવટકર્તાઓ નિમાય છે. આ અધિકારીઓના રૂપમાં વિષ્ણુશક્તિ ક્રિયાશીલ રહે છે અને આ અધિકારીઓ વિષ્ણુપુરાણ મુજબ વિષ્ણુની જ વિભૂતિઓ ગણાય છે. આ પાંચ અધિકારીઓ એટલે (૧) મનુ (૨) સપ્તર્ષિ (૩) દેવ (૪) દેવરાજ ઇન્દ્ર (૫) મનુપુત્ર અને તેમની જવાબદારી નીચે મુજબ છે. સપ્તર્ષિ: વિષ્ણુપુરાણ અનુસાર જ્યારે ચતુર્થ યુગ સમાપ્ત થાય છે ત્યારે વેદોનો લોપ થાય છે. ત્યારે વેદોનું પુનરાવર્તન જરૂરી છે અને રાષ્ટ્રહિતના ખાતર સપ્તર્ષિ સ્વર્ગમાંથી ભૂતલ પર આવી લુપ્ત થયેલા વેદો પાછા પ્રવૃત્ત કરે છે. આ રીતે સપ્તર્ષિ પ્રત્યેક મન્વંતરમાં વેદોના પ્રત્યેક અધિકારી છે. મનુ: તે જ રીતે સૂર્ય સિદ્ધાંત મુજબ ચતુર્થ યુગના અંતમાં જળ પ્રલય થાય છે. તેથી પ્રત્યેક સત્યયુગમાં મનુષ્યોની ધર્મ મર્યાદા સ્થાપિત કરવા સ્મૃતિના નિર્માણ માટે મનુનો જન્મ થાય છે અને મનુની વ્યવસ્થા મુજબ દ્વિજો માટે યજ્ઞસેવાદન નિતાંત આવશ્યક છે તેથી મન્વંતરના અંત સુધી દેવતાઓ યજ્ઞયાગાદિનું ફળ ભોગવી પોતાના કર્તવ્યનું પાલન કરે છે. દેવ : દેવોના રાજા તરીકે ઇન્દ્રનું હોવું પણ આવશ્યક છે. સંસારની વૃદ્ધિ તથા અભ્યુદય માટે બીજનું હોવું પણ જરૂરી છે અને આ કાર્ય માટે જળની વૃષ્ટિનું કાર્ય ઇન્દ્ર સંભાળે છે તેથી મન્વંતરમાં તેનો તે વિશેષ અધિકાર છે. મનુપુત્ર: મનુપુત્રનું હોવું એટલા માટે આવશ્યક છે કે ક્ષત્રિય રાજાઓ કે જે આ સમગ્ર પૃથ્વીનું પાલન તથા રક્ષણ કરે છે તો તે દ્રષ્ટિથી રાજાઓ મનુના સંતાન છે અથવા તો વંશમાં ન હોવા છતાં મનુએ નક્કી કરેલી વ્યવસ્થા મુજબ દંડનીતિ તથા પ્રજા સંરક્ષણની જવાબદારી ઉપાડે છે અને ભાગવત મુજબ પ્રત્યેક મન્વંતરમાં હરિનો અવતાર થાય છે અને તે અવતારનું કાર્ય ધર્મ સંસ્થાપનનું તથા અધર્મના વિનાશનું કાર્ય છે. સાભારઃ “આપણાં પુરાણો” – પરમાનંદ ગાંધી, “દિવ્ય ભાસ્કર” ૨૦૧૨)

૬. ઊતિ – ભગવાનની આજ્ઞા લઈને બ્રહ્માજીએ સૃષ્ટિ તો પેદા કરી. અનેક પ્રકારના જીવો પણ જન્મ્યા. આ જીવો જન્મથી મરણ સુધીના સમયમાં તેઓ જે પણ કર્મો કરે એના બંધનોમાં પોતે બંધાય છે. આ બધાં જ જીવો અનેક કર્મો સદભાવનાથી કરે છે અને અનેક કર્મો વાસનાઓથી કરવામાં આવે છે. આ વાસના એટલે માત્ર કામવાસના નહીં પણ, દા.ત. જે અનાધિકૃત હોય, (જેને માટે પોતે લાયકાત ન કેળવી હોય) એને પણ સતત પામવાની ઈચ્છા કર્યા કરવી, એ પણ વાસનાનું જ એક સ્વરૂપ છે. આ અને આવી અન્ય વાસનાઓ માનવીને કર્મના બંધનમાં નાખે છે જેને ઊતી કહે છે. આ સૃષ્ટિમાં પણ વેર, ક્રોધ, મોહ, લોભ, દ્વ્રેષ વગેરે દ્વરા પોષાયેલી અદમ્ય ઈચ્છાઓ પણ ઊતિ ગણાય છે.

૭. ઈશકથા – ભગવાનના વિભિન્ન અવતારોની અને તેમના પ્રેમી ભક્તોની, વિવિધ આખ્યાનોવાળી કથાઓ ‘ઈશકથા’ છે. આ ઈશકથાઓ દ્વારા ભગવાનની લીલાઓની કથા જીવનમાં સાંભળવાથી ભક્તિ, જ્ઞાન અને સત્કર્મોમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે. સૃષ્ટિના સર્જનના મૂળમાં રહેલા ભગવાનની પ્રતિતી આ કથાઓ સતત પૂરાવતી રહે છે. સમસ્ત સૃષ્ટિમાં અને દરેક માણસના મનમાં, હ્રદયમાં સદા મંગલમયતા અને શાંતિ રહે એ માટે દરેક દેશ-કાળમાં ઈશકથાઓનું શ્રવણ અને કીર્તન થવું જ જોઈએ.

૮. નિરોધ** – ભગવાન જ્યારે યોગનિદ્રા અપનાવીને યૌગિક શયન કરે છે ત્યારે માનવી અને સૃષ્ટિના પ્રત્યેક જીવોનું પોતાની આધિ, વ્યાધિ અને ઉપાધિઓ સહિત ભગવાનમાં લીન થવું એ નિરોધ છે. સૃષ્ટિમાં દરેક જીવને એક પ્રકારનું Reset – પુનઃ સુયોજિત થવા માટે શયન કરવું, પૂરતી ગાઢ નિદ્રા લેવી એ જીવન ટકાવવા માટે જરૂરી છે. બિલકુલ એ જ રીતે જેમ સૃષ્ટિના સર્જનહાર એમની પોતાની સર્જેલી સૃષ્ટિને રિસેટ કરવા માટે સ્વયં યોગનિદ્રા લઈને એના સ્પદંનો સમસ્ત સૃષ્ટિમાં ફેલાવે છે. ગાઢ નિદ્રા દ્વારા માયાની મોહજાળથી તત્પૂરતી મુક્તિ મળે છે, કારણ કે એ સમયે જીવમાત્રનું સુષુપ્ત મન ઈષ્ટદેવમાં પરોવાય છે. આમ થવાથી માનવીના રોજિંદી દિનચર્યાની મોહ, લોભ, ક્રોધ અને દ્વેષની શૃખલાં તૂટે છે અને આમ રિસેટ શક્ય બને છે. રિસેટની Intensity – તીવ્રતા અને કાર્યસાધકતાનું પ્રમાણ અને જરૂરિયાત અલગ હોય શકે પણ પ્રભુને પણ પોતાની સર્જેલી પૂરી સૃષ્ટિમાં સમતોલન અને સંતુલન જાળવવા યોગનિદ્રા કરવી જ પડે છે.  

(નિરોધ** ચિત્તવૃત્તિઓનો નિગ્રહ, મનના વલણ ઉપરનો કાબૂ.  ચિત્તની બધી પ્રવૃત્તિઓ ઇષ્ટદેવમાં પરોવી દેવી એ.)

૯. મુક્તિ – આ વિષય, આ લક્ષણ એ સર્વ જીવનનું સૃષ્ટિમાંથી લીન થવા પહેલાંનો છેલ્લો માઈલસ્ટોન, પરિસીમા છે. અજ્ઞાન પ્રેરિત, કાલ્પનિક કર્તાપણું, ભોક્તાપણું વગેરે અનાત્મભાવનો પરિત્યાગ કરીને પોતાનું મૂળ સ્વરૂપ, આત્માને ઑળખીને પરમાત્મામાં ચિત્તને સ્થિર કરવું એ જ મુક્તિ છે. સૃષ્ટિના દરેક જીવ માટે મુક્તિના આ દ્વાર ખુલ્લા જ છે, બસ, ત્યાં સુધી સાચા રસ્તેથી પહોંચવું જોઈએ.

૧૦. આશ્રય – સૃષ્ટિ આખીનું અંતિમ આશ્રય સ્થાન, જેમાં બ્રહ્માજી સહિત બધાં જ દેવી, દેવતા, અસુરો, મનુષ્યો અને જીવમાત્રનો સમાવેશ તો થાય છે જ પણ બધી ચર-અચર વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. પરમાત્મા જ અંતે તો સર્વનું આશ્રયસ્થાન છે, અન્ય કોઈ નહીં.

શુકદેવજી આગળ કહે છે – હે રાજન! તમે અહીં સમજ્યાં છો કે ભાગવતમાં વર્ણવેલાં દસ વિષયો અથવા દસ લક્ષણો કેવા સમષ્ટિથી માંડીને એક અદના જીવ ટકાવી રાખાવા માટે કેટલાં અગત્યના છે! મેં આગળ વિરાટ પુરુષની ઉત્પત્તિ અને વ્યુત્પત્તિનું અને ભગવાનનાં સ્થૂળ અને સૂક્ષ્મ – વ્યક્ત અને અવ્યક્ત – બે રૂપોનું વર્ણન વિગતવાર સુણાવ્યું છે. સાચા અર્થમાં તો ભગવાન પોતે પોતાની શક્તિથી જ સક્રિય બને છે અને પછી તો તેઓ સ્વયં જ ઉદાહરણ રૂપે બ્રહ્માનું અથવા વિરાટનું રૂપ ધારણ કરીને, વાચ્ય અને વાચકના- શબ્દ અને અર્થના રૂપમાં પ્રગટ થાય છે. એટલું જ નહીં, સમય અનુરૂપ અનેક નામો, સ્વરૂપો અને ક્રિયાઓ અપનાવે છે.

ભગવાન જ વિશ્વના પાલન-પોષણ માટે ધર્મમય વિષ્ણુનું સ્વરૂપ લઈને દેવતા, મનુષ્ય, પશુ, પક્ષીના રૂપોમાં અવતાર લે છે. આ જ ભગવાન પ્રલયનો સમય આવતાં જ રુદ્રનું રૂપ લઈને પોતે જ બનાવેલા વિશ્વને અને સમસ્ત સૃષ્ટિને પોતાનામાં લીન કરી દે છે. હે પરીક્ષિત, પરંતુ જ્ઞાનીઓ અને ઋષિ-મુનિઓ એમને માત્ર સર્જન, પાલન અને પ્રલય કરનાર તરીકે નથી પીછાણતાં કારણ તેઓને ખબર છે કે પરમાત્મા તો એનાથી પણ પર છે. પરમાત્માનું ન આદિ છે ન અંત છે. જ્યારે આ સૃષ્ટિ અને બ્રહ્માંડો નહોતાં ત્યારે પણ પરમાત્મા હતા અને જ્યારે આ સર્વ એના નિયત સમયે નાશ પામશે ત્યારે પણ પરમાત્મા હશે જ એ નિશ્વિત માનજો.

હે મોક્ષાર્થી પરીક્ષિત, મેં તમને ભાગવદપુરાણના ભગાવનની સૃષ્ટિ અને માનવજીવનને લગતાં દસ વિષયો અને લક્ષણોને બારીકીથી સમજાવ્યા છે જેથી તમે પણ તમારા અંતિમ ગંતવ્ય તરફ, આશ્રયસ્થાન તરફ શાંતિથી પ્રસ્થાન કરી શકો.

સૂતજી કહે – આ પ્રમાણ શુકદેવજીએ રાજાને બોધ કર્યો અને પરમાત્મા સાથે એકરૂપ થવાની સમજણ આપી.

શ્રીમદભાગવત મહાપુરાણનો દ્વિતીય સ્કંધનો દસમો અધ્યાય – “ભાગવતનાં દસ લક્ષણો” – “પુરુષસંસ્થાનુવર્ણન” અંતર્ગત સમાપ્ત થયો.

ઈતિ દ્વિતીય સ્કંધ સમાપ્ત

શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

(આવતા અઠવાડિયાથી ત્રીજો સ્કંધ શરૂ થશે)

Leave a Reply to Hasmukh KidechaCancel reply

3 Comments

  1. ભાગવતમાં વર્ણવેલાં દસ વિષયો અથવા દસ લક્ષણો કેવા સમષ્ટિથી માંડીને એક અદના જીવ ટકાવી રાખાવા માટે કેટલાં અગત્યના છે તેમા નિરોધ- ચિત્તવૃત્તિઓનો નિગ્રહ, મનના વલણ ઉપરનો કાબૂ. ચિત્તની બધી પ્રવૃત્તિઓ ઇષ્ટદેવમાં પરોવી દેવી એ.અંગે ખૂબ અગત્યની વાત સરળ ભાષામા બારીકીથી સમજાવવા બદલ ધન્યવાદ નમો નારાયણ

  2. સમગ્ર જીવનને આવરી લેતાં દસ લક્ષણોની વિશિષ્ટ વાત ભાગવતનું ગૌરવ છે. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી-દાદાજીએ-વ્યાસવિચાર પુસ્તકમાં તેનું અત્યંત સુંદર ભાષ્ય આપેલ છે. તે વાંચવાથી વિષય સ્પષ્ટ થઈ જાય છે.

    1. જી હા સંપૂર્ણ છે તેમાં દાદાજી ના પુસ્તકમાં