શ્વાસની કરતાલ ~ કવિ: જયંત ડાંગોદરા “સંગીત” ~ સ્વરાંકન-ગાન: જ્હોની શાહ

કવિ: જયંત ડાંગોદરા “સંગીત”
સ્વરાંકન-ગાન: જ્હોની શાહ

(ગઝલ)
શ્વાસની કરતાલ રાખી એકલા નાચી જુઓ,
જાત સામે જાત મૂકી જાત આરાધી જુઓ.

કાંઇપણ ઊગે નહીં જેના થકી ક્યારેય તે,
એક પળ જોગી સમી બસ એક પળ વાવી જુઓ.

હું જવાબો દઇશ નહિ મારા થિરકવાને વિશે,
આ સતત નાચી રહેલા આભને પામી જુઓ.

આંસુઓ બહુ બહુ તો ઇચ્છાને ટકાવી રાખશે,
આંસુને બદલે હવે લોહીને અજમાવી જુઓ.

કાંઈ બીજું કામ નહિ આવે કદી ‘સંગીતજી’,
મૌન મારું વાંચવા મારી ગઝલ વાંચી જુઓ.

~ જયંત ડાંગોદરા “સંગીત”

આપનો પ્રતિભાવ આપો..

8 Comments

 1. વાહ.. સરસ ગઝલ..સરસ પ્રસ્તુતિ.. બન્નેને અભિનંદન.. સુકામનાઓ..💐💐

 2. કોલેજ કાળથી આરંભાયેલી આપશ્રી ની કાવ્ય યાત્રાનો હું સાક્ષી રહ્યો છું આ કવિ-યાત્રા સ્વરાંકન સુધી પહોંચી, ખુબ જ સુંદર સ્વરમાં શબ્દો ની ગહેરાઇ માણી…. ખૂબ રાજીપો થયો
  ભાઈશ્રી જયંત ખૂબ ખૂબ અભિનંદન હજુ આગળ વધતા જ રહો તેવી શુભેચ્છાઓ 💐🌹💐

 3. કવિ: જયંત ડાંગોદરા “સંગીત”ની સુંદર ગઝલનુ : જ્હોની શાહ દ્વારા સરસ ગાન

  1. Exilant
   મન ને મોભે એવું સંગીત લાવ્યા છે
   હદયને સ્પર્શે એવું સ્મિત લાવ્યા છો.