N.O.C. (લઘુકથા) ~ અશોક જાની

ચીં…. ચીં….. ચીં….. ચીં………. સવાર પડી અને ચકલા-ચકલીનો ચકચકાટ ચાલું થઈ ગયો હતો, મમ્મીનું મગજ આજે ફરી છટક્યું : અનુજ, આજે તો રવિવાર છે… કાઢ આ ચિબાવલીઓને…!! નવાઈનાં ઈંડા મૂકવાની છે તે ઘરને જાણે ચિડિયાઘર બનાવી દીધું છે..!! રવિવારની પૂર્તિના એકાદ લેખને ચાની ચુસ્કી સાથે ગળે ઉતારતાં, પપ્પાએ છાપામાંથી ડોક બહાર કાઢી મારી તરફ લંબાવતાં કહ્યું : આ રંગબેરંગી સુતરાઉ દોરામાંથી બનાવેલો લૅમ્પ શેડ મુંબઈથી લાવીને આપણે ચકલીઓ માટે અહીં લટકાવ્યો છે?!! લૅમ્પ શેડ પર માળો કરવા બેઠાં છે બોલો..!! પછી આગળ ઉમેરતાં બોલ્યા : ઉપર ગોઠવે છે એના કરતાં ચાર ગણો કચરો નીચે વેરે છે અને તારી મમ્મી એ સાફ કરવામાંથી નવરી નથી પડતી. સાડીનો છેડો કમ્મરમાં ખોસતી મમ્મી રસોડાની બહાર ધસી આવી : આ સ્ટૂલ પર ચઢ અને ફેંસલો કર આજે તો..!! આ કચરો સાફ કરતાં કંટાળી હું તો…

દસેક દિવસથી હું જોતો હતો કે અમારા દીવાનખંડમાં લટકાવેલા એ લૅમ્પશેડ પર ચકલીના એક જોડાંએ માળો બાંધવો શરૂ કર્યો હતો. તાલબદ્ધ ચીં..ચીંના નાદ સાથે તેમની સવાર પડી જતી. ક્યાંકથી ઘાસના તણખલાં, પીંછાં, કાગળના ટુકડા, દોરા જેવી ચીજો એકઠી કરી, લૅમ્પશેડની ટોચ પર ગોઠવવા માંડી હતી. ઉપરનો ભાગ અંદર તરફના ઢાળવાળો હોઈ, ઘણી વસ્તુ સરકીને દીવાનખંડની ફર્શ પર વેચાતી. મમ્મી એ સાફ કરતાં થાકતી-કંટાળતી. જોકે મને ચકલીઓની આ ગતિવિધિ જોવાની મજા પડતી, ખાસ કરીને સ્કૂલે જતાં પહેલાના સમયમાં. ધીરે ધીરે માળો મોટો થતો હતો. પણ આજે અચાનક મમ્મી અને પપ્પા બંનેનો માળો હટાવવાનો હુકમ થતાં થોડીવાર માટે હું પણ બઘવાઈ ગયો, પણ પછી ચકલીઓની વ્હારે ધાતાં મેં કહ્યું :હવે માળો પૂરો જ થવા આવ્યો છે, પછી કચરો નહીં પડે. ચકલીઓ અંદર ઈંડા મૂકશે. તેમાંથી બચ્ચાં નીકળશે. જોવાની કેવી મજા પડશે..! રહેવા દે ને મમ્મી…!!

પણ આજે મમ્મી ફેંસલો કરવા પર જાણે અટલ હતી. ના! હમણાં તો કચરો પડે છે પછી ઈંડા મૂકશે, એમાંથી એક ઈંડું સરકીને નીચે પડે એટલે ખલ્લાસ..!! એ ગંધાતું કોણ સાફ કરે..?  

શુદ્ધ વૈષ્ણવ નાગર ગૃહિણીનો જીવ કોચવાતો હતો, ઈંડું ફૂટવા માટે નહીં પણ ફૂટેલા ઈંડાને સાફ કરવા માટે. પપ્પાએ પણ એમાં સાથ આપતાં ઉમેર્યુઃ માળો બાંધતી વખતે NOC લીધેલું?? ઇચ્છા થાય ત્યાં માળો બાંધી દે તે થોડું ચાલે..! પાછો આપણે તેને હટાવવાનો પણ નહીં..!

મારે મજબૂરીથી સ્ટુલ પર ચઢવું પડ્યું, માળા તરફ લંબાતા મારા હાથ જોઈ, ચકલા-ચકલી બન્નેએ દેકારો કરી મૂક્યો; પણ એમનું ક્યાં કશું ચાલવાનું હતું..! લગભગ પૂરો થવા આવેલો માળો આસ્તેથી ઉઠાવી મેં કચરા ટોપલી પાસે મૂક્યો. માળાના ઘાસ, તણખલાં એમને બીજે ક્યાંક માળો બનાવવા કામ લાગે એમ વિચારીને. બન્ને જણ શિયાંવિયાં થઈ મારા નિર્દય ચહેરાને જોઈ રહ્યાં. એમની નાનકડી આંખોમાં આંસુની ચમક હું જોઈ શક્યો.

ત્યાં પપ્પાના મોબાઈલનો રિંગટોન વાગી રહ્યોઃ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ… પપ્પા મોબાઈલ પર વાત કરી રહ્યા… ‘બોલો પંડ્યા સાહેબ..! … NOC નું થઈ ગયું? અરે ના શું માને..!! એમને જે પ્રસાદ ધરાવવો હશે તે ધરાવીશું…..’

‘ના ના, બંગલો તો ત્યાં જ બાંધવો છે. આપણા મોભા પ્રમાણેના લોકેશન પર જ એ પ્લોટ છે, એ તો જોઈશે જ.’

સાહેબને મનાવવાનું કામ તમારું પંડ્યા સાહેબ. અરે! તમારા પણ મેં ગણ્યા જ છે..!

મમ્મીએ પણ વચ્ચે સાદ પૂરાવ્યો – ‘જો જો હોં…! એ પ્લોટ જવો ના જોઈએ.’

મને થયું – ચકલીઓને માળો બાંધવાનું NOC સેવાસદનની કઈ ઑફિસમાં મળતું હશે?!

~ અશોક જાની (વડોદરા)

આપનો પ્રતિભાવ આપો..

10 Comments

  1. મગજમાંથી માંગણીઓનો માળો વીંખાયો
    હૃદયમાં લાગણીઓનો માળો બંધાયો ! !

    ‘સિધ્ધ’ પાલનપુરી – ( Ex’વડોદરા’ )

  2. સૃષ્ટિના કેન્દ્રમાં પોતાની જાતને મૂકીને જીવતા માણસની અને સંવેદનાની ઉપેક્ષાની સરસ કથા

  3. બહુ જ સરસ રીતે માનવી ના સ્વાર્થ ની વાત રજુઆત કરી છે 🙏🙏

  4. ચકલીઓને માળો દ્વારા લઘુ નવલ મા માનવીની સ્વાર્થવૃતિ પર સ રસ પ્રકાશ પાડ્યો

  5. કેટલી કરુણ વાત, માનવી પોતાના સ્વાર્થ સિવાય આગળ જોવાની દરકાર નથી કરતો…
    સરયૂ

    1. વાર્તા દ્વારા માણસની માણસાઈ ઉજાગર કરી છે….