શ્રીમદ્ ભાગવત કથા, દ્વિતીય સ્કંધ –સાતમો અધ્યાય ભાગ ૨ – જયશ્રી વિનુ મરચંટ

દ્વિતીય સ્કંધ – સાતમો અધ્યાય ભાગ ૨ – “ભગવાનના લીલા અવતારોની કથા” (બ્રહ્માનારદસંવાદ અંતર્ગત)

ૐ નમો ભગવતે વાસુદેવાય

 (દ્વિતીય સ્કંધના દ્વિતીય સ્કંધ, અધ્યાય સાતમો, ભાગ ૧ “ભગવાનના લીલા અવતારોની કથા” (બ્રહ્માનારદસંવાદ અંતર્ગત) આપે વાંચ્યું કે, ભાગ પહેલામાં આપે વાંચ્યું કે કઈ રીતે પ્રથમ વિરાટપુરુષ પેદા કર્યા બાદ કઈ રીતે અનંતરૂપ ભગવાને પ્રલયજળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે સમસ્ત યજ્ઞમય વરાહ શરીર ધારણ કર્યું અને ત્યાંથી માંડીને અનેક અવતારોમાં પોતાની લીલા વિસ્તારી. ભાગ ૧ માં આપણે જોયું કે માયાપતિ ભગવાને માનવજાત અને આપણા સહુ પર અનુગ્રહ કરીને, ભગવાન શ્રી રામ તરીકે ઈક્ષ્વાકુવંશમાં અવતાર લીધો અને મર્યાદા પુરષોત્તમ તરીકે જીવવાનો આદર્શ સમસ્ત માનવજાતને પૂરો પાડ્યો અને સમસ્ત માનવજાતને રાવણ સમા વિજ્ઞાનના માંધાતા રાક્ષસથી મુક્તિ અપાવી. આ રીતે એમણે એ સાબિત પણ કર્યું કે જ્ઞાન પર દેવો અને દાનવો સહુનો હક તો છે, પણ, એ જ્ઞાન જ્યારે માનવજાત અને અન્ય જીવોને માટે હાનિકારક બની જય છે ત્યારે હરિ જન્મ લઈને, એ આસુરીવૃત્તિવાળા દૈત્યનો નાશ કરીને યુગકાર્ય સંપન્ન કરે છે. હવે અહીંથી વાંચો આગળ, દ્વિતીય સ્કંધ, અધ્યાય સાતમો, ભાગ ૨ )

સૂતજી આગળ કહે છે હે શૌનકાદિ મુનિઓ, હવે બ્રહ્માજી નારદજીને ભગવાન રામ પછી થનારા અવતારો અને એની લીલાની વાત કરે છે. આ વાત એમણે આ પ્રમાણે કરી હતી.  

બ્રહ્માજી નારદજીને કહે છે – “હે નારદ, જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારથી જ એ નક્કી હતું કે જે સમયે અસુરોના અત્યાચાર પૃથ્વી પર વધી જશે ત્યારે, એનો ભાર ઓછો કરવા ભગવાન સ્વયં પોતાના ગૌરવર્ણ અંશમાં બળરામ રૂપે અને શ્યામવર્ણા પૂર્ણ પુરુષ કૃષ્ણ તરીકે અવતાર ધારણ કરશે અને અનેક લીલાઓ કરશે. પ્રભુ પોતાનો મહિમા પ્રગટ કરવા માટે એટલાં અદભૂત ચરિત્રો કરશે કે સંસારના મનુષ્યો તેમની લીલાઓનું સંપૂર્ણ રહસ્ય કદી સમજી શકશે નહીં. આસુરી પ્રકૃતિની માયાવી પૂતનાના પ્રાણ હરવાથી માંડીને ત્રણ મહિનાની ઉંમરે જ પગ ઉલાળીને ઘણું ભારે શકટ (ગાડું) ઉલટાવી નાખવું અને ગોઠણભેર ચાલતાં ચાલતાં આકાશને અડનારાં યમલાર્જુન વૃક્ષોની વચ્ચે પેસીને તેમને ઉખેડી નાખવાં – આ બધાં એવાં કામ છે કે જે ભગવાન સિવાય અન્ય કોઈ કરી શકે નહીં. ભગવાન કાલિયનાગના ઝેરથી યમુના નદીના જળને પવિત્રતા પાછી અપાવશે. તે જ દિવસે રાત્રિના સમયે બળરામ સહિત બધા લોકો યમુના કિનારે સૂકા ઘાસના વનમાં મીઠી નિદ્રામાં સૂતા હશે ત્યારે અચાનક ચારે બાજુ દાવાનળ સળગતાં વ્રજવાસીઓના પ્રાણ સંકટમાં આવી પડતાં, તેઓ સહુ “હે કૃષ્ણ અમને બચાવો” અને ત્યારે કૃષ્ણના સ્વરૂપમાં ભગવાન તેમને બચાવીને વ્રજમાં લઈ જશે. આવા પરમ કૃપાળુ ભગવાન જે કોઈનાય બંધનમાં ક્યારેય આવતા નથી, તે ભગવાન યશોદાના હાથે હસતાં હસતાં બંધાશે પણ ખરાં. ત્યારે પછી શ્રી કૃષ્ણને બગાસું આવતાં મા જશોદાજી એમના મુખમાં અનેક બ્રહ્માંડો જોઈને વિસ્મિત થઈ જશે ત્યારે ભગવાન એમને જ્ઞાન આપીને એમના મનનું સમાધાન પણ કરશે. નંદબાબાને પણ અજગરના ભયમાંથી અને વરુણના પાશમાંથી છોડાવશે.  

હે પુત્ર નારદ, આ બધું જ નિયત થયેલું હતું કે શ્રી કૃષ્ણના અવતારમાં ભગવાન એવી એવી લીલાઓ કરશે કે જેમાં મધુરતા હશે પણ મોહકતા હશે, વાંસળીના સૂર પણ હશે અને જ્યાં ને જ્યારે આવશ્યકતા પડે તો અભૂતપૂર્વ વીરતા અને પરાક્રમ પણ હશે. જેમ કે ઈન્દ્રદેવના કોપના કારણે ઈન્દ્ર જ્યારે મુશળાધાર વરસાદ વરસાવીને વ્રજભૂમિનો વિનાશ કરવા કોશિશ કરશે તો સાત વર્ષની ઉંમરે સાત દિવસ સુધી ગોવર્ધન પર્વતને એક જ હાથે બિલાડીના ટોપની જેમ ઊંચકી રાખીને વ્રજવાસીઓનું રક્ષણ કરશે અને સહજપણે ‘પરાક્રમ-લીલા’ કરશે. તો વૃંદાવનમાં વિહાર કરતાં શરદપૂર્ણિમાની રાતે, પોતાની મધુર વેણુના નાદ પર ડોલતી ગોપીઓની સંગે રાસલીલા પણ કરશે. આ જ વ્રજધામની ગોપીઓને કુબેરનો પુત્ર શંખચૂડ જ્યારે હરી જશે ત્યારે ભગવાન તેનું મસ્તક છેદીને ગોપીઓને છોડાવશે પણ ખરા. બીજા પણ ઘણા બધાં – જેમ કે, પ્રલંબાસુર, ધેનુકાસુર, બકાસુર, કેશી, અરિષ્ટાસુર વગેરે દૈત્યો; ચાણૂર વગેરે પહેલવાનો, કુવલ્યાપીડ હાથી, કંસ, કાલયવન, ભૌમાસુર, શાલ્વ, દ્વિવિદવાનર બલ્વલ, દંતવકત્ર, વગેરે તથા અન્ય મહારથીઓ, જે, મહાભારતના યુદ્ધમાં સામે આવશે તે બધા જ, બળરામ, ભીમસેન, અર્જુન વગેરે નામોની ઓથે સ્વયં ભગવાન વડે જ માર્યા જશે અને પરમ ધામ પણ પામશે. ભગવાનના વરદ હસ્તના સ્પર્શની આ લીલા છે કે જેના વડે મૃત્યુ મળે તો સાથે હરિનું ધામ પણ મળે છે.

હે પુત્ર, હવે હું તમને એક વાત અહીં એ પણ કરું છું કે, કાળક્રમે લોકોની સમજ ઓછી થઈ જાય છે, જ્ઞાનપિપાસા પણ ઓછી થવા માંડે છે. આયુષ્ય પણ ટૂંકું થવા લાગે છે; તે વખતે ભગવાનને વેદવાણીને ફરી પ્રસ્થાપિત કરવા તેઓ પ્રત્યેક કલ્પમાં કોઈ સત્યવતીના ગર્ભથી વેદવ્યાસ રૂપે પોતે જ પ્રગટ થઈને વેદરૂપી વૃક્ષનું વિભિન્ન શાખાઓના રૂપમાં વિભાજન કરે છે. આ શાખાઓમાંથી જ પછી જ્ઞાનાના ભંડાર સમા બીજા વટવૃક્ષો વિકાસ પામે છે. આમ વેદવાણી પણ ભગવાન છે અને વેદવ્યાસ પણ ભગવાનનું જ એક લીલા સ્વરૂપ છે.

હે નારદ, ધૈર્ય, વીરતા, પ્રેમ, જ્ઞાન, વિજ્ઞાન અને ભક્તિનો સંદેશ આપતી ઈશ્વરની આ લીલાઓનો પાર પામવો આથી જ અશક્ય બને છે, એ સાચું પણ એક વાત સમજી લેજો કે, ભગવાન સુધી પહોંચવાનો એક માત્ર સહેલો માર્ગ કાયમ પ્રેમ અને ભક્તિનો રહેશે જ, એમાં કોઈ શંકા નથી. આવનારા સમયમાં દૈત્યો જેવી પ્રકૃતિ ધરાવનારા મનુષ્યો જ્યારે હિંસા અને અધર્મના માર્ગે જશે ત્યારે ભગવાન સ્વયં બુદ્ધ બનીને અવતરશે અને ધર્મ અને ઉપધર્મનો ઉપદેશ કરશે. કળિયુગમાં જ્યારે સત્પુરુષોનાં ઘરોમાં પણ ભગવતકથા કરવામાં, એને સાંભળવામાં કે વાંચવામાં પ્રજાની રુચિ નહીં રહે, મનુષ્યો અધમતાની સીમા ઓળંગવા માંડશે ત્યારે પણ ભગવાન કળિયુગમાં કલ્કિ અવતાર ધારણ કરશે અને પૃથ્વીવાસીઓનો ઉદ્ધાર કરશે. એનું કારણ એક જ છે કે પ્રભુને દરેક કલ્પમાં, કાયમ દરેક જીવોના કલ્યાણની ચિંતા કાયમ રહે છે.”

સૂતજી આગળ કહે છે“હે શૌનકજી અને ઋષિઓ, દેવર્ષિ નારદજી અને બ્રહ્માજી વછે હવે જે સંવાદ થાય છે એને ધ્યાનથી સાંભળશો.”

બ્રહ્માજી કહે છે – “હે પુત્ર નારદ, તમે જિજ્ઞાસાપૂર્વક સરસ પ્રશ્ન કર્યો છે કે સૃષ્ટિની રચના સમયની યોગમાયા અને ભગવાનની અપાર થઈ ગયેલી અને થનારી લીલાઓનો ભેદ કઈ રીતે સમજી શકાય? જ્યારે સૃષ્ટિ-રચનાનો સમય હોય છે ત્યારે તપસ્યા, નવ પ્રજાપતિઓ, મરીચિ આદિ ઋષિઓના અને મારા રૂપમાં, જ્યારે સૃષ્ટિ-રક્ષણનો સમય હોય છે ત્યારે ધર્મ, વિષ્ણુ, મનુ, દેવતાઓ અને રાજાઓના રૂપમાં, તથા જ્યારે સૃષ્ટિ-પ્રલયનો સમય હોય છે ત્યારે અધર્મ, રુદ્ર અને ક્રોધવશ નામના સર્પના તેમ જ દૈત્યો વગેરેના રૂપમાં સર્વશક્તિમાન ભગવાનની માયાવિભૂતિઓ જ પ્રગટ થાય છે. ભગવાન પોતે વિવેકબુદ્ધિને સદા કેન્દ્રમાં રાખીને જ પરાક્રમ કે લીલા કરે છે. ભગવાન જ્યારે ત્રિવિક્રમ અવતારમાં ત્રિલોકીને બે ડગલામાં માપી રહ્યા હતા ત્યારે તેમના ચરણોના અદમ્ય વેગથી સમસ્ત બ્રહ્માંડ ધ્રુજવાની સ્થિતિમાં હતું, પરંતુ, ભગવાને પોતાની વિવેકબુદ્ધિથી અને પોતાના વિશિષ્ટ-જ્ઞાન થકી સ્થિર રાખ્યું હતું. સમસ્ત સૃષ્ટિની રચના અને સંહાર કરનારી માયા તેમની જ્ઞાન અને વિશિષ્ટ જ્ઞાનની શક્તિને કારણે છે. આ સંપૂર્ણ સૃષ્ટિ કે જેમાં કરોડો બ્રહ્માંડો છે, એની રચના અને સંહાર કરનાર એક માત્ર ભગવાન છે. એમની અનંત શક્તિઓના આશ્રયભૂત એમના પૂર્ણ સ્વરૂપને હું પણ નથી જાણતો કે પુત્ર નારદ, નથી તમારા મોટાભાઈઓ સનકાદિ જાણતા. તો એથી આગળ અને વિશેષ તો શું કહું? જે પણ મનુષ્યોમાં કે જીવમાં ‘હું’ અને ‘મારું’ એવી આસક્તિ રહેતી નથી, એ મનુષ્ય કે એ જીવ અંતે પછી ભગવાનની અનંત શક્તિમાં વિલુપ્ત થઈ જાય છે. કેમ અને કઈ રીતે અને શા માટે એનો કોઈ જવાબ મારી પાસે નથી. આ જ ભગવાનની યોગમાયા છે. જે પણ સ્ત્રીઓ, પુરુષો તથા અનેક યોનિઓમાંથી પસાર થતાં કીડી થી માંડીને સહુ પશુ-પક્ષીઓ પણ ભગવાનને શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિથી ભજે છે તેઓ ભગવાનની આ યોગમાયાનું રહસ્ય ભગવાનમાં જ ભળી જઈને પામી લે છે. એમનો ફરી જન્મ થતો નથી. તને થશે કે હે પુત્ર! કીડી, અને પશુ-પક્ષીઓ કઈ રીતે ભગવાનને ભક્તિથી ભજે? તો સાંભળ. આ સૃષ્ટિની કોઈ પણ ચીજ, સજીવ કે નિર્જીવ, ચર કે અચર- નાહક બની જ નથી. દરેક ચીજનું નિયત કાર્ય છે. આ નિયતિના ચક્રમાં નાનામાં નાનો જીવ- કીડીથી માંડીને હાથી- ખંતથી પોતાના જીવ સાથેનું કામ કરતા રહે એ જ એ જીવોની ભક્તિ છે. ઈશ્વર સર્વને પોતાના જીવ સાથે જોડાયેલા કાર્યો એમની શક્તિ પ્રમાણે જ આપે છે. આ જ પ્રમાણે મનુષ્યોના દેહકર્મ, ભાવજગત અને મનોજગતની શક્તિઓ સાથે એમના કાર્યો જોડાયેલાં છે. પ્રેમ, ભક્તિ, શ્રદ્ધા, વિવેક, સમજ અને કરૂણા, આ બધાં જ સદગુણો સાથે કરેલાં સત્કર્મો થકી જ ભગવાન સુધી પહોંચાય છે. આ પરમ પુરુષની યોગમાયાને હું, તમે, સનકાદિ, શંકર, પ્રહલાદ, શતરૂપા, મનુ, મનુપુત્રો, ઈન્દ્રાદિ દેવતાઓ જાણે છે પણ સંપૂર્ણતઃ પામી શકતાં નથી.  

ભગવાનના લીલા અવતારોની વાત મેં તમને કહી નારદ પણ યોગમાયા અને લીલાઓના ભેદની વાત પણ હવે સમજાવું છું. તમને ખબર છે કે પરમાત્માનું વાસ્તવિક રૂપ એકરસ, શાંત, અભય, તેમ જ કેવળ જ્ઞાન સ્વરૂપ છે, શુદ્ધ અને સમ છે તથા સત્ અને અસત્, બંનેથી પર પણ છે. કોઈ પણ વૈદિક કે લૌકિક શબ્દમાં એમના એ સ્વરૂપને પૂર્ણતાથી વર્ણવવાનું સામર્થ્ય જ નથી. ઈશ્વર માટે પણ પોતાના મૂળ સ્વરૂપમાં, શુદ્ધ રીતે પ્રગટ થઈને, સૃષ્ટિમાં સમતોલન અને સંતુલન બનાવી રાખવું સહેલું નથી. અનેકવાર એવી સારી કે વિપરીત પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે કે જેનાથી મુક્તિ મેળવવા ભગવાનને પોતાના કર્મોની લીલા આચરવી પડે છે. મારી સમજણ પ્રમાણે યોગમાયા એટલે ઈશ્વરમાંથી નીકળીને ઈશ્વરના અંશનું એમાં અંતે વિલીન થઈ જવું. જ્યારે લીલા એટલે પરમ પુરુષ અને સર્વશ્રેષ્ઠ કર્મોના પ્રભુનું કોઈ એક રૂપમાં પરાવર્તિત થઈને જગતના કપરા કાર્યોને પાર પાડ્યા પછી ફરી પોતાનામાં પૂર્ણ થઈ જવું. આ પરમ પુરુષ પરમાત્મા જ અજન્મા આત્માના રૂપમાં સર્વજીવવ્યાપી છે.

હે મારા પ્રિય પુત્ર નારદ, સંકલ્પથી વિશ્વની રચના કરનારા, છ ઐશ્વર્યોથી સંપન્ન શ્રી હરિનું મેં તમારી આગળ સંક્ષેપમાં વર્ણન કર્યું છે. કાર્ય હોય કે કારણ હોય, ભાવ હોય કે અભાવ હોય, કશું પણ ભગવાનથી અલગ નથી. પણ, એય સત્ય છે કે બધું જ ભગવાનમય હોવા છતાં, શ્રી હરિ પોતે સ્થિતપ્રજ્ઞ છે અને કશું જ એમને, એમની યોગમાયાને કે લીલાઓને ચલિત કે વિચલિત કરી શકતું નથી. ભગવાને મને જે ઉપદેશ કર્યો હતો, એ જ આ ભાગવત છે કે જેમાં ભગવાનની અનેક વિભૂતિઓનું અને લીલાઓનું જીવ માત્રને તારનારું તત્વ છે, સત્વ છે. જે મનુષ્યો ભગવાનની આ યોગમાયા અને લીલાઓનું અનુમોદન કરે છે, કહે છે અથવા નિત્ય શ્રવણ કરે છે તેમનું ચિત્ત માયાથી ક્યારેય મોહિત થતું નથી.”

સૂતજી કહે છે“હે શૌનકજી અને ઋષિઓ, બ્રહ્માજી અને નારદના સંવાદનું નવનીત મેં તમારી સમક્ષ રજુ કરી દીધું છે.”

શ્રીમદભાગવત મહાપુરાણનો દ્વિતીય સ્કંધનો સાતમો અધ્યાય ભાગ ૨ –“ભગવાનના લીલા અવતારોની કથા” કે જે “બ્રહ્માનારદસંવાદ” અંતર્ગત આલેખાયો છે તે સમાપ્ત થયો.શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. ‘પ્રેમ, ભક્તિ, શ્રદ્ધા, વિવેક, સમજ અને કરૂણા, આ બધાં જ સદગુણો સાથે કરેલાં સત્કર્મો થકી જ ભગવાન સુધી પહોંચાય છે’ આ સત્ય હવે વિજ્ઞાન દ્વારા પણ સિધ્ધ થયું છે. વિજ્ઞાન ભગવાનને superconscious ગણે અને Molecules of Emotion provides startling and decisive answers to these and other challenging questions that scientists and philosophers have pondered for centuries.
    ધન્યવાદ

  2. વેદાન્ત,તત્વ જ્ઞાન નો પરમોચ્ચ ઉત્કર્ષ ભાગવતમાં ભકિત રૂપ લઇ આવે છે.