કરફ્યુ (વાર્તા) ~ હેમાંગિની આસિત દેસાઈ
(વાર્તા)
અમદાવાદથી કોમી હુલ્લડોનો દોર શરૂ થયો. જ્યાં જુવો ત્યાં મારો-કાપો ને ચીસાચીસના અવાજ સંભળાતા હતા. માણસમાંથી માણસાઈ નામનું તત્ત્વ કારમા ઉનાળામાં જમીનમાંથી ઉડી જતાં પાણીની જેમ અદ્રશ્ય થઈ ગયું હતું.
કહે છે ને, ટોળાનો કોઈ ધર્મ નથી હોતો પણ અહીંયા તો ધર્મના નામે જ ટોળાં થયાં હતાં. એવામાં અમદાવાદની પોળને છેવાડે બધાથી લપાતો છુપાતો એક યુવાન ઘર પર ‘લાભ-શુભ’નું તોરણ જોઈને બારણું ખખડાવે છે. એનું હૃદય જેટલું જોરથી ધબકતું હતું એટલા જ જોરથી બારણું ખખડાવતો હતો. અંદરથી સ્ત્રીનો અવાજ આવ્યોઃ ‘‘કોણ છો?’’ અવાજ પરથી ઉંમરનો અંદાજ લગાવી યુવકે કહ્યું… ‘‘મા… એક રાત કાઢવી છે. મેં કંઈ પણ કર્યું નથી છતાં મારી જાતિ જ મારો ગુનો છે.’’ એની પાસે હથિયાર નથીની ખાતરી આપતાં તેણે પોતાની માના સોગંદ ખાધા પછી દરવાજો ખુલ્યો ને ગરીબાઈમાં ઘૂંટાતી વૃદ્ધા ને સાથે એક વિધવા યુવતી નજરે પડ્યા…
પાણી પીને બેઠાં પછી યુવાને પૂછ્યું કે તમે મારા પર કેમ ભરોસો કર્યો? ત્યારે જવાબ આપતાં વૃદ્ધા બોલી – કોઈ ગમે તેટલું નઠારું હોય, કદાચ ભગવાનનાં સોગંદ ખાઈ લે, પણ માના ખોટા સોગંદ કોઈ ખાય નહિ. વૃદ્ધાએ સહજતાથી ગરમ પાણી કરી યુવકના શરીરે પડેલા નાના-મોટા ઉઝરડાને સાફ કરતા વાત માંડી. આવા તોફાન ટાણે કેમ નીકળ્યો? કામ તો પછીય થાય. જીવ જાય તો? યુવાન જાણે મનના ખૂણે પડેલી લાગણીને વાચા આપતા આપવીતી કહે છે કે, કેટલાંક કામો જીવ કરતા વધારે અગત્યનાં હોય છે, વૃદ્ધાશ્રમમાં મૂકેલી માની અસ્વસ્થ તબિયતના સમાચાર મળતાં જ દોડી આવ્યો છે. જાણીને માને ત્યાં મૂકવાનું કારણ જાણવાની ઉત્કંઠા રોકી શકાય એવી નહોતી.
યુવાન જાણે આજે ખુલીને પશ્ચાતાપ કરવા કોઈને શોધતો હતો એમ બોલી ઊઠ્યો. પરણ્યા પછી તેની પત્ની તથા માતાને સાથે રહેવાનું ફાવતું નહોતું. ગરીબ માના દીકરાને ખરીદી શકાશે એમ સમજી પ્રેમનું કે પછી આકર્ષણનું ઓઠું લઈને પરણી આવ્યા પછી અમીરની પુત્રીના સામાન્ય એવા પરિવારમાં સેટ થવાના કહોને કે નહીં થવાનાં એંધાણ સ્પષ્ટ વર્તાવા લાગ્યાં. માણસ જાતને બદલવા કરતાં બીજાનો બદલો લેવામાં વધારે ધ્યાન આપે છે.
વીતેલી વાતોને વાગોળતાં યુવાન પોતાના અતીતને જીવવા લાગ્યો. અનાયાસ શબ્દો એના મોઢામાં ગોઠવાતા ગયા. ફક્ત માણસ જ જે નથી તેને મેળવવા ધમપછાડા કરી હાથમાં રહેલાં સુખોને ધુત્કારતો હોય છે. વૃદ્ધા એના શરીર પરના જખમો ધોતી ગઈ – યુવાનના મનનાં ઉઝરડા તાજા થતા ગયા. ઋતુઓ બદલાય, દિવસ-રાત બદલાય પણ ઘરમાં અડ્ડો જમાવીને બેઠેલી મનદુઃખની ઉધઈ વધતી ચાલી, પરિણામે એક પળ એવી આવી જ્યારે કઠણ મને માને વૃદ્ધાશ્રમ મૂકવી પડી.
વાત-વાતમાં પેલી યુવાન-વિધવા ઘરમાંથી રોટલી ને અથાણું સાથે પાણીનો લોટો ભરી આવી. વિવેક ખાતર હા-ના કરતો યુવાન બધું ઝાપટી ગયો. વૃદ્ધા વહાલના વ્હેણમાં વહી જતી જાતને બચાવતાં બોલી – પ્રભુનો પાડ માન કે તને સહિસલામત રાખ્યો. હવે વિચારોનો વીંટો વાળીને સૂઈ જા. થોડો આરામ મળશે.
બહાર પણ જામતી રાતે શહેર કરફ્યુમય હોય એમ લાગતું હતું. છતાં પોલીસના દંડુકા પછાડાવાનો ધ્વનિ શેરીએ-શેરીએ સંભળાતો હતો. બધાનાં મન ઊંચા હતા. શું થશેની ચિંતા જાણે આંખોનો કબજો લઈને બેઠી હતી. યુવાનને જાણે એક રાતમાં વીતેલી જિંદગી જીવી લેવાનો હોય એમ સ્મરણોની આંગળી ઝાલી સમયના પડદાની પાર ચાલ્યો ગયો હતો. ગમતા પ્રસંગો, ન ગમતી ઘટનાઓ સમયના પડદા હટાવી સ્મરણોની ગલીઓમાં પોતાની આંગળિયે લઈ જશે. વૃદ્ધા પણ ક્યાંથી સુવે? તેની આંખો તો ભૂતકાળની એક ભયાનક ઘટના જોઈ રહી હતી.
ગામમાં બૂમરાણ થઈ… વસાએ ફાંસો ખાધો… ગોકીરો કરતું ટોળું આવ્યું ને ફળિયામાં જુવાનજોધ વસાને લાંબો કરીને સુવાડ્યો. વહુની ચીસથી ભલભલાનું કાળજું કંપી ઊઠ્યું. મારો વસો… આટલું બોલ્યા પછી એની વાચા હણાઈ ગઈ. જાણે જમરાજ તે દિવસે બે જીવ લેતો ગયો. જીવતી લાશ જેવી મૂંગી મંતર કંકૂ…
ઢોરનેય ભૂખ તરસે ભાંભરવાની ટેવ પણ કંકૂડી તો જાણે… વસાના ઓશિકા નીચેથી ચિઠ્ઠી મળી, જેમાં તેણે પોતે પિતા બનવા અસમર્થ હતો ને કંકૂએ સમ દઈને કોઈને કહેવાની ના પાડી’તી તેમ લખેલું… ને ભલામણ કરી’તી કે ‘‘મા – મારાથી હવે મેણાં જીરવાતા નથી ને તેમાંય તારા મોઢેથી વાંઝણી સાંભળીને જનોઈ-વઢ ઘા પડ્યો મારે કાળજે. જાઉં છું કંકૂને તને સોંપીને. મને માફ કર્યો હોય તો મારા જેટલું વ્હાલ કંકૂને કરજે.’’ બંને પોતપોતાના ભૂતકાળના ભારને જીવતાં રહ્યાં. આપણી ભીતરનો કેટલોક ભાગ મીણનો બનેલો છે જેને સહેજ હૂંફ મળતાં તરત જ પિગળવા માંડે છે – જો આવું ના બને તો આપણા માણસપણા પર પ્રશ્નચિહ્ન લાગે!
યુવકે જિજ્ઞાસાવશ પ્રશ્ન કર્યો કે તમે બંને એકલાં જ રહો છો? જેના જવાબમાં વૃદ્ધાએ શૂન્યમનસ્કપણે જવાબ આપ્યો કે દુઃખ નામનો અતિથિ બે વર્ષથી ધામા નાખીને પડ્યો છે. માસીયાઈ ભાઈની પત્નીને લકવા પડ્યો ને છોકરાં નાનાં તે અમને ગામડેથી તેડાવી બાજુના ઘરમાં આશ્રય આપ્યો છે. કહે છે ને ઈશ્વર બારણું બંધ કરતાં પહેલાં નાનકડી બારી ખોલતો હોય છે. જેને જોવાની નિરાશ મનને આદત નથી હોતી તેથી ઉઘડતી બારી જોતાં નથી.
ભાઈ સૌને કહેતા સાંભળ્યા છે કે સમય ઘાને ભરી દે છે. પણ મેં તો જાણ્યું ને ભોગવ્યું છે કે એક હાથ કપાયા પછી એ સંધાતો નથી – આપણે એના વગર જીવતાં શીખી જઈએ છીએ… જરૂરિયાત નહીં પણ જીદ જીવનને નરક બનાવે છે. જોને દાદી બનવાના અભરખામાં મારા જ ખોળાને મેં સૂનો કરી દીધો. મોટી-મોટી ખુશીઓની રાહમાં હાથમાંના નાના-નાના આનંદને ખોઈ બેસીયે છીએ.
રાતની ભયાનકતા માઝા મૂકતી ને શાંતિ ભેંકાર લાગતી હતી. સમજાતું નહોતું કે જીવી રહેલી પળ વધારે ભારે છે કે જીવાઈ ગયેલી ને ગળે ડૂમો થઈને બાઝેલી યાદો વધુ વસમી છે. યુવાન વૃદ્ધાના કરમાયેલા ચહેરામાં પોતાની માને શોધતો રહ્યો. જાણે મા બનતી પ્રત્યેક સ્ત્રીએ ઈશ્વરની ઝીણી-ઝીણી જવાબદારીઓ વહેંચી લીધી હશે!
બાકી આવી તોફાની રાતે ઘરમાં શરણું મળવું. આવી પ્રેમાળ મહેમાનગતિ મળવી – માત્ર સંજોગો ન હોઈ શકે. નિયતિને કંઈ કામ જરૂર હશે. સવારનો પ્હો ફાટવાની તૈયારીમાં હતો ને વૃદ્ધાના મનમાં સોનેરી વિચાર ઝળક્યો. મારી કંકૂનો હાથ આ યુવાનને સોંપ્યો હોય તો?
વૃદ્ધાએ ઈશ્વરને મનમાં સ્મરીને યુવાનના ખભે હળવેથી હાથ મૂક્યો ને કહ્યું… જાણે કંઈક કારણસર જ ઈશ્વર સૌને મેળવતો હોય છે. તને ખરાબ ન લાગે તો મારું એક કામ કરીશ? પછી ખૂબ સ્વસ્થતાથી પોતાના મનની વાત કરી. યુવાન તો સ્તબ્ધ થઈ ગયો ને પૂછ્યું… મા બીજું તો બધું ઠીક પણ મારા વિશે વધુ જાણવાની ઈચ્છા નથી થતી? વૃદ્ધાએ કહ્યું કે મારી અનુભવી આંખો કદી જુઠ્ઠું ન બોલે. ને વળી પળમાં પરખાઈ જાય તે માણસ… તારી સાથે વાતચીત કરીને ખાતરી થઈ ગઈ કે મારા મનનો ભાર અને જવાબદારી બંને હળવા કરવા જ તું આવી તોફાની રાતે આવ્યો છે. સવારનો સૂરજ ત્રણેય જણના જીવનમાં સોનેરી સવાર લાવ્યો. તોફાનો ઘર-સંસાર ઉજાડે તે સામાન્ય બાબત છે પણ આ વખતે તોફાને ઘર બાંધી આપ્યા. એકલો આવેલો યુવાન કંકૂને સાથે લઈને વૃદ્ધાશ્રમના રસ્તે ચાલી નીકળ્યો. વૃદ્ધા હરખની હેલીમાં ભીંજાતી રહી.
~ હેમાંગિની આસિત દેસાઈ
(સૌજન્ય : લેખિની)
~સુ શ્રી હેમાંગિની આસિત દેસાઈ ની સ રસ વાર્તા
કરફ્યુ મા તોફાનો દ્વારા અનુભવાયેલી વાત
ધન્યવાદ