ફરિયાદ (ગીત) ~ લાલજી કાનપરિયા

સ્વર: રેખા ત્રિવેદી
(બાઈજી = સાસુ )
અહીં ગીતનાયિકા સાસુ સાથે પોતાના વરની થોડી મીઠી અને થોડી કડવી વાત કરે છે.)
(ગીત)
બાઈજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે
હું મૂઈ રંગે શામળી ને લાડમાં બોલવા જઉં
હાલતાં ચાલતાં બોલ વ્હાલપના પરણ્યાજીને કઉં
બાઈજી! તારો બેટડો મુંને કૉયલ કહીને પજવે!
બાઈજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે
જરાક અમથી ભૂલ ને પછી પરણ્યો મારે મ્હેણું
આંસુનાં ઝરણાંની સાથે ભવનું મારે લેણું
બાઈજી! તારો બેટડો મારી આંખો ચોમાસું ઊજવે!
બાઈજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે
મોલ ભરેલા ખેતરમાં નહીં પતંગિયાનો પાર
નજરુંના અડપલાંનો છે મહિમા અપરંપાર!
બાઈજી! તારો બેટડો મારા ગાલને છાના ભીંજવે!
બાઈજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં રીઝવે!
(કાવ્યસંગ્રહઃ નવા ચંદ્રની કૂંપળ)
રેખાબેન નો અવાજ કમાલ નો છે ..
આ સરસ ગીતરચના સાંભળીને થાય છે કે જો હું સાસુ હોઉં તો
સાસુ નહીં, મા નહીં, આવી મીઠી દીકરાવહુની બહેનપણી બનીને
રહું ! !
લાલજીભાઇ કાનપરિયાની ખૂબજ સુંદર રચના, દક્ષેશ ભાઇ ની સંગીત ની સુરાવલી અને રેખાબેન નો સૂરીલો કંઠ. મધુરો ત્રિવેણી સંગમ !!!!
મજાની મીઠી રચના.
સરયૂ પરીખ
શ્રી લાલજી કાનપરિયાનુ સુંદર ગીત ફરિયાદના સ્વરકાર: દક્ષેશ ધ્રુવનુ મધુર સ્વરે : રેખા ત્રિવેદી દ્વારા ગાન માણ્યુ…..મજા મજા
Thanx Hitenbhai અને આપણું આંગણું