મેલેનીન રંગદ્રવ્ય ~ માના વ્યાસ
![](https://i0.wp.com/aapnuaangnu.com/wp-content/uploads/2020/11/rang-dravya-png.png?resize=117%2C117)
(વાર્તા)
સલોનીએ દર્પણમાં જોયું. દર્પણ ગરમ પાણીની વરાળને કારણે ધૂંધળો થઈ ગયો હતો. સલોનીએ હાથથી એને સાફ કર્યો.
પોતાનું પ્રતિબિંબ તો ઘણીવાર જોયું હતું. આજે સત્યાવીસમે વર્ષે ઘણું બદલાયું હતું. આંખો પહેલાં કરતાં વિશાળ અને ચંચળ થઈ હતી. પાંપણો વધુ લાંબી ને વળાંકદાર. નાક પણ સીધું અને સુરેખ થયું હતું. લંબગોળ ચહેરો, સુરેખ એકસરખા દાંત, લીસી ચમકતી ત્વચા, સુડોળ ઘાટીલો દેહ… બધું તાજગીભર્યું યુવાન હતું. કંઈ ન બદલાયું હોય તો શ્યામ વર્ણ, એ તો હજી એવો ઘેરો છે. શ્યામ તો સારો શબ્દ છે… કાળી, કાળકા માતા, શ્યામા, કાળીની રાણી, ડસ્કી, ડાર્ક, કોકાકોલા… કંઈ કેટલાં વિશેષણો એના નામ આગળ લાગતા રહેતા. સલોની સાંભળી રહેતી. સ્કૂલમાં તો ‘કલર જાય તો પૈસા પાછા’ એ ઉક્તિ વારંવાર સાંભળવી પડતી.
મમ્મી ફરીથી ન્યુ ઇમ્પ્રુવ્ડ ફેર એન્ડ લવલી લઈ આવી.
કેટલી વાર એને સમજાવ્યું છે કે શરીરનો વર્ણ કે રંગ મેલેનીન રંગસૂત્રને આભારી છે. મેલેનીન દ્રવ્ય વધુ ઉત્પન્ન થાય તો ત્વચાનો રંગ ઘેરો બને. કોઈ ક્રીમ એને ઉજળી ન બનાવી શકે. ફૈબા નાની હતી ત્યારથી કેસર અને દૂધ, ચણાનો લોટ, નારંગીની છાલનો પાવડર… વગેરે અનેક પ્રયોગો કરી ચૂક્યા પણ જરા અમથોય ફરક પડ્યો નહીં.
સોળમું વર્ષ બેઠું ને સલોનીના યૌવને પાંખો ફફડાવી. ઘણી બહેનપણીને બોયફ્રેન્ડ હતા. કેવી મીઠી મીઠી વાતો થતી હતી.અગિયારમા ધોરણનો પહેલો દિવસ. વિજ્ઞાનશાખામાં કેમેસ્ટ્રી માટે પાર્ટનર બનાવવા શિક્ષકે લિસ્ટ ખોલ્યું. સલોની પરીખ અને રિહાન ઘાસવાળા.
સલોનીએ હાથ ઊંચો કર્યો અને જોયું કે કોણ પાર્ટનર છે. રિહાન અત્યંત ગોરો અને આકર્ષક છોકરો હતો. રિહાને હાથ ઊંચો કરી સલોની સામે સ્મિત કર્યું. થોડું એક ફુસફુસાતું હાસ્યનું મોજું ફરી વળ્યું.
સલોનીને રિહાન અત્યંત સાલસ અને બેફિકરો લાગ્યો. પહેલા દિવસથી જ એમની કેમેસ્ટ્રી જામી ગઈ. સલોનીના રંગને લઈને ઉદ્દભવેલી લઘુતાગ્રંથિ પલકવારમાં અદ્રશ્ય થઈ ગઈ. બે મહિના પછી બંને ગાઢ મિત્રો બની ગયા. પ્રેક્ટિકલ વખતે અજાણતાં થતો સ્પર્શ સલોની ક્યાંય સુધી મમળાવ્યા કરતી અને રિહાન એની મુલાયમ ત્વચાને જાણીજોઈને સ્પર્શ કરતો.
રિહાન અત્યંત ગોરો અને સલોની શ્યામ… ક્લાસમાં બેઉનું નામ વેનીલા ચોકલેટ આઈસક્રીમ પડી ગયું હતું. સલોની ખૂબ જ સંકોચાઈ જતી પણ રિહાન તો મસ્તરામ. એને રંગભેદ જરા પણ સ્પર્શતો નહીં. ઘણીવાર બે જણા એમના નાના શહેરની બહાર આવેલી નહેર પાસે પહોંચી જતાં. નિતર્યા જળમાં બંને પગ બોળીને બેસતાં. પગ તીવ્ર વિરોધાભાસ પ્રગટ કરતાં. રિહાન સલોનીની સ્નિગ્ધ ત્વચા પર હાથ ફેરવતો રહેતો. સલોનીને સ્વર્ગની અનુભૂતિ થતી.
બારમા ધોરણની પરીક્ષાને હવે થોડા દિવસ રહ્યા હતાં.
એક દિવસ ટ્યુશનથી બારોબાર રિહાન અને સલોની નહેરકાંઠેથી બાઈક પર પરત આવી રહ્યા હતા કે એક કારે ઓવરટેક કરી તેમને આંતર્યા. કારમાંથી બુરખાધારી સ્ત્રી સાથે દાઢીધારી પુરુષ ઉતર્યો અને રિહાનને બે-ચાર તમાચાં મારી દીધાં. બુરખાધારી સ્ત્રીએ ચીસ જેવા અવાજે કહ્યું,
‘તો આ કાલી કલુટીના ઝાસામાં આવ્યો છે? શરમ નથી આવતી છોકરાને ફસાવતા.’
ડઘાયેલા રિહાને કાંઈ બોલવા પ્રયત્ન કર્યો પણ વ્યર્થ… સલોનીના તો કાન આગળ કશું સાંભળી શક્યા નહીં. રંગભેદ તો હતો ઉપરથી ધર્મભેદ નીકળ્યો. રિહાન સ્કૂલ છોડી બીજા શહેરમાં જતો રહ્યો.
સલોનીએ બધી ધૃણા, બધું અપમાન નિચોવીને સખત મહેનતના રૂપમાં રેડી દીધું. જેનું પરિણામ બારમામાં જ્વલંત સફળતા. એ કાળી તો હતી જ એણે કાળી મહેનત કરી હતી.
કોમ્પ્યુટર એન્જિનીયર બનવા છતાં મમ્મી માટે હજીયે સમસ્યા હતી કે પોતાની આવી કાળી છોકરીના લગ્ન કઈ રીતે થશે… કેવો છોકરો મળશે… ઘણી વાર શરૂઆતમાં મમ્મીને ખુશ કરવા છોકરો જોવાની હા ભણી દેતી. આખરે ઓછું ભણેલા કે એનાથી અડધું કમાતા છોકરા પણ ‘કાળી લાગી’ કહીને ના પાડી દેતા.
આ સમસ્યાનો અંત ત્યારે આવ્યો જ્યારે એને સુપર પ્રમોશન સાથે બેંગ્લોરની આખી ઓફિસ સંભાળવા માતા-પિતાથી અલગ થવું પડ્યું.
ઓફિસમાં લગભગ બધા ઉચ્ચ શિક્ષિત હતા. હવે સહુ રંગ કરતાં બુદ્ધિ અને વ્યવસાયિક અભિગમને પ્રાધાન્ય આપશે એવી એણે આશા રાખી હતી, પણ વ્યર્થ.
સહકર્મચારીઓએ એને બ્લેક બ્યુટીનું ઉપનામ આપ્યું હતું. એની તેજતર્રાર બુદ્ધિ અને અમાપ કાર્ય કરવાની શક્તિ કરતાં સલોનીના શ્યામવર્ણની ચર્ચા વધુ થતી.
આજે સલોની રોજ કરતાં જરા વહેલી ઓફિસ આવી હતી. આછા પિસ્તા કલરના ડ્રેસમાં એની કમનીય કાયા ખીલી ઊઠી હતી.
લિફ્ટમાં જવા એણે બટન દબાવ્યું અને પાછળથી એને ધક્કો વાગ્યો. સલોની માંડ માંડ પડતા બચી. જરા ગુસ્સે થઈ એણે પાછળ જોયું તો એક યુવાન, સરસ ઉંચો પાતળો, સરસ ઘટ્ટ વાળથી શોભતું સોહામણું નિર્દોષ મુખ, આંખ પર ગોગલ્સ અને હાથમાં લાકડી.
સોરી મેડમ… કહી એનાથી અનાયાસે પકડાઈ ગયેલો સલોનીનો હાથ છોડી દીધો.
તમે ખરેખર ખૂબ જ સુંદર હશો… કે મારા જેવો અંધ પણ તમને જોઈ ઠોકર ખાઈ ગયો. આઈ એમ રીયલી સોરી. કંઈક ગુંચવાઈ ગયેલી સલોની અસમંજસમાં પડી ચૂપ રહી.
ઓહ… મેડમ મને ખરેખર નથી દેખાતું… જુઓ કહી એણે ચશ્માં કાઢ્યાં. મોટી સુંદર આંખો ફરફરતી હતી પણ એમાં જીવ નહોતો. એ નિર્દોષ ખુલ્લું હસી પડ્યો.
સલોનીએ ઓઝપાઈને સોરી કહ્યું અને લિફ્ટ બંધ થઈ.
‘તમારે કયા ફ્લોર પર જવું છે?’ સલોનીએ પૂછ્યું.
જવાબમાં યુવાને ફંફોસીને નવમા બટનને દબાવ્યું. હસતા હસતા એણે કહ્યું, ‘હું ઘણીવાર અહીં આવું છું. હું નવમા ફ્લોર પર આવેલા નાદ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગીત રેકોર્ડ કરવા આવ્યો છું. બપોરે ત્રણ વાગ્યે ફાઇનલ રેકોર્ડિંગ હશે. તમે સાંભળવા આવજો. જો તમને ઈચ્છા હોય તો.’
‘હં… હા જોઈશ…’ સલોનીએ ધીમેથી કહ્યું.
‘તમે ખરેખર ખૂબ સુંદર હશો… તમારી ત્વચા ખૂબ સુંવાળી… સોરી હું સ્પર્શથી માણસને જોવાનો અને ઓળખવાનો પ્રયાસ કરું છું.’
દસ મિનિટ પછી સલોની કામમાં વ્યસ્ત થઈ ગઈ. સહસા ચાર વાગ્યે એને યાદ આવ્યું કે નીચે રેકોર્ડિંગ જોવા માટે કોઈએ આમંત્રણ આપ્યું હતું. અને એ તો એનું નામ સુદ્ધાં જાણતી નહોતી.
ધીમે પગલે સલોની બિલ્ડીંગના નવમા માળે આવેલા વિશાળ સ્ટુડિયોમાં પ્રવેશી. કોઈને ઓળખતી પણ નહોતી. કોઈ પૂછશે તો કોને મળવા આવી છું તો શું કહીશ!!
‘ઓ હો પ્લીઝ વેલકમ બ્યુટીફૂલ મેડમ.’ બાજુના કમરામાંથી નીકળતાં એ અંધ યુવાને કહ્યું… ‘મારું નામ વિશાલ છે અને તમારું?’
‘હું સલોની… અને હું સુંદર નથી ખૂબ કાળી છું.’
…….
આઠ મહિના પછી વિશાલ અને સલોની એક સાદા સમારંભમાં પરણી ગયાં. મમ્મી અંધ જમાઈને લઈને થોડી નારાજ હતી પણ લગ્ન તો થયા બસ…
સલોની ખૂબ ખુશ હતી. એના અને વિશાલના અનહદ પ્રેમમાં રંગભેદ નડતો નહોતો. વિશાલના સુરીલા ગીતો એ બંધ આંખે માણતી રહેતી…
~ માના વ્યાસ
RANG BHED MANAV SARCHIT CHE. KALO HOY KE DHOLO KE KOI PAN RANG NO HOY PARANTU ISHWARE DAREK NE BLOOD-LOHI RED-LAL C0LOR NU APEL CHE BHED BHAV NATHI KARYO. MANAS MARVA PADE LOHI NI JARUR HOY TYARE NATHI JOTO KE KALA NU KE DHOLA NU LOHI APECHE? PAN MANE BCHAVO TEJ DHYEY HOY CHE. TO PACHI VASVATIK JIVAN MA KALA- DHOLA NO BHED BHUSHAVA MATE TAYAR THAI JAVO. HARJAN- HARI NO MANAS NU LOHI LAL CHE. EK JANE GAMMAT MA EK BEN JE RUDHICHUST HATA (RUDHI CHUAST-VAISHANV) MADA PADYA NE LOHI APVANI JARUR PADI ,HOSPI MA LOHI APYU. SAH THAYA ,GHARE AVYA. SAGA NA CHOKRAE KAHYU MASI TAMNE LOHI APYU TE HARIJAN NU HATU. TARAT BATH LIDHO NE TENI CHINTA MA AKHO DIVAS BOLE HI HU HARIJAN THAYI VATLAI GAYI? NE CHEVTE EK J MAS MA PRABHU PASE PAHOCHI GAYA. KETLO BADHO APREM MANVI TARAF,
બહુ સરસ કથાની જમાવટ અને ઉદાર મતવાદી અંત!
સલોની અને વિશાલના અનહદ પ્રેમની હ્રુદયસ્પર્શી સ રસ વાર્તા. ધન્યવાદ.
રેહાનને બદલે વિશાલ નીકળ્યો !
ધારેલા so called અણધાર્યા અંત કરતાં અણધાર્યો અંત ! !
હ્રદયસ્પર્શી વાર્તા. અભિનંદન માના વ્યાસ.
રંગભેદનું પ્રકૃતિએ આપેલું સમાધાન