શ્રીમદ્ ભાગવત કથા, દ્વિતીય સ્કંધ –ચોથો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

દ્વિતીય સ્કંધ – ચોથો અધ્યાય – પુરુષસંસ્થાનુવર્ણન – રાજાનો સૃષ્ટિવિષયક પ્રશ્ન અને શુકદેવજી દ્વારા કથા પ્રારંભ અને કથા પૂર્વ ભૂમિકા

ૐ નમો ભગવતે વાસુદેવાય

 (દ્વિતીય સ્કંધના ત્રીજા અધ્યાય, મહાપુરુષવર્ણનમાં આપે વાંચ્યું કે, શુકદેવજી એ વિજ્ઞાન સમજાવે છે કે કોની ઉપાસના કઈ સિદ્ધિ માટે અને શા માટે કરવી જોઈએ. દરેક દેવી-દેવતાઓ તો આત્મા અને ભક્તિની શક્તિનો સમન્વય છે. જેને ભજવાથી, જેની સાધના કરવાથી, આપણા તન અને મન, એ શક્તિપ્રપાતને ઝીલવા માટે સમર્થ બની શકે છે. આમાં મુખ્ય ત્રેવીસ શક્તિઓ છે જે માનવીના જીવનને ટકાવી રાખવા અને નૈસર્ગિકતાથી ચલાવવા માટે આવશ્યક છે..  આથી જ આ સહુ શક્તિપ્રપાતોની કૃપા થાય અને અંતરમાં સમભાવ કેળવાય થાય તો જ એક સંતુલિત જીવન શક્ય બને છે અને આ જ પુરુષમાંથી ‘મહાપુરુષ’ બનવાની પ્રક્રિયાનું ઉગમ સ્થાન છે. ભગવાન તો સર્વે શક્તિઓનું સંગમસ્થાન છે. ભગવદ પ્રેમી મનુષ્યોના સત્સંગમાં ભગવાનની લીલા કથાઓ દ્વારા પરોક્ષ રીતે સદભાવ, સમર્પણ અને ભક્તિ તથા પ્રેમની પ્રાપ્તિ થાય છે. શરીરની સર્વ ઈન્દ્રિયો અને હ્રદય વિશુદ્ધ થાય છે અને પરમ આનંદનો અનુભવ થાય છે. જ્યારે ઉચિત સમયે કર્મોના બંધનો છૂટી જાય છે ત્યારે કૈવલ્ય-મોક્ષનો સર્વસંમત એવો પરમ ભક્તિયોગ પ્રાપ્ત થાય છે. ભગવાનની આવી લીલા-કથાઓમાં રસ પછી એવો પડે છે કે આત્મા સ્વયં જ શ્રી હરિમય થઈ જાય છે. આ સાંભળીને શૌનકજી સૂતજીને પૂછે છે – હે સૂતજી, શ્રી શુકદેવજીએ રાજા પરીક્ષિતને જે કંઈ પણ આગળ સૃષ્ટિ વિષયક કહ્યું અને કથાનો પ્રારંભ ક્યારે કર્યો એ અમને વિસ્તારથી સમજાવો. અમને શુકદેવજીએ કહેલી કૃષ્ણ લીલાની કથા શરૂઆતથી, વિગતવાર સાંભળવી છે, તો હે સૂતજી, અમારા ભક્તિભાવથી કરેલા આ વંદન સ્વીકારી, અમને આ કથા કહીને ઉપકૃત કરો. હવે અહીંથી વાંચો આગળ, દ્વિતીય સ્કંધ, અધ્યાય ચોથો)

સૂતજી કહે છે – શુકદેવજી રાજા પરીક્ષિતના સૃષ્ટિવિષયક પ્રશ્નના ઉત્તરરૂપે કથાની પૂર્વભૂમિકા દ્વારા કથા આરંભ કરે છે. શુકદેવજીના વચનો ભગવદ્ તત્વથી પ્રચુર હતા. રાજા પરીક્ષિતે એમના અલૌકિક વચનો સાંભળીને પોતાની બુદ્ધિને શ્રી હરિના પાવન સ્મરણોથી શુદ્ધ કરીને ભગવાનના ચરણોમાં અનન્યભાવે સમર્પિત કરી દીધી હતીહિઉ૭ર્યુ

. રાજાએ પોતાની ઈશ્વરમાં અપ્રતિમ પ્રીતિ હોવાને કારણે શરીર, ભાઈ, બંધુ, પત્ની, પુત્રો, કુટુંબીજનો, મિત્રગણ વગેરે સૌમાં એમની જે મમતા હતી એનો ત્યાગ કરી દીધો. આ સાથે રાજાએ ધર્મ, અર્થ, અને કામ સાથે જોડાયેલાં બધાં જ કર્મોમાંથી સંન્યાસભાવ કેળવી લીધો. અને રાજા પરીક્ષિત પછી ભક્તિપૂર્વક શુકદેવજીને સવાલ પૂછે છે કે હે વ્યાસનંદન, તમારી પવિત્ર વાણી થકી ધીરેધીરે મારા અજ્ઞાનના આવરણો દૂર થઈ રહ્યાં છે. હું આપની પાસેથી એ જાણવા માગું છું કે

૧. ભગવાન પોતાની માયા વડે કેવી રીતે આ રહસ્યપૂર્ણ સંસારસૃષ્ટિ રચે છે?      

૨. ભગવાન કેવી રીતે સમસ્ત વિશ્વનું રક્ષણ કરે છે અને પછી પોતે જ એનો વિનાશ પણ નિરમે છે?

૩. અનંતશક્તિ પરમાત્મા કઈ શક્તિનો આશ્રય લઈ, જેમ બાળકો રમકડાંના ઘરો બનાવે તેમ રમત, રમતમાં બ્રહ્માંડો બનાવે  

   છે અને પછી એમ જ રમત, રમતમાં નષ્ટ પણ કરે છે?

૪. ભગવાન તો એક છે પરંતુ ક્યારેક તેઓ સત્વ, રજસ અને તમસ ગુણોને એકી સાથે કઈ રીતે ધારણ કરીને અનેક કર્મો કરે

   છે અને શા માટે કરે છે? ઉદા. ભગવાન માત્ર સત્વગુણ ધારણ કરીને ભગવાન કપિલની જેમ, રજોગુણ ધારણ કરીને

   મત્સ્ય ભગવાનની જેમ અને ક્યારેક તમોગુણ ધારણ કરીને નરસિંહ ને પરશુરામ જેમ લીલા કરતા રહે છે. ભગવાન

   પૂર્ણાવતારમાં ત્રણેત્રણ ગુણો એકીસાથે ધારણ કરે છે પણ આંશિક અવતારમાં દરેક ગુણ ને દેશ અને કાળની આવશ્યકતા

   પ્રમાણે ધારણ કેમ કરે છે? મારી આ જિજ્ઞાસાનું સમાધાન કરો હે વ્યાસપુત્ર.

આ સાંભળીને શુકદેવજીએ પુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરીને મહિમા ગાઈને શ્રી હરિના પ્રતાપનું વર્ણન કરવાનો પ્રારંભ કર્યો. શુકદેવજી કહે છે કે પુરષોત્તમ ભગવાને સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની લીલા કરવા સત્વગુણ, રજોગુણ અને તમોગુણરૂપી ત્રણે શક્તિઓને આત્મસાત કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં રૂપો ધારણ કર્યા છે. ભગવાનના આ સ્વરૂપો અને એની પ્રાપ્તિનો માર્ગ માત્ર બુદ્ધિનો વિષય નથી કે માત્ર હ્રદયની લાગણીઓનો વિષય નથી. બુદ્ધિ અને લાગણી સાથે ચર-અચરમાં વ્યાપ્ત થવામાં પ્રયોજન પણ જનહિતનું હોવું જરૂરી છે. ભગવાનના આ બધાં જ સ્વરૂપો સત્પુરુષોનાં દુઃખ દૂર કરવા અને દુષ્ટોનું દમન કરવા માટે છે. સમસ્ત પ્રાણીઓના આત્માના અંશ રૂપે આપ જ વિરાજમાન છે. પરબ્રહ્મ પરમાત્મા તો સર્વે સમર્પિત ભક્તોને ઈચ્છિત પરમતત્વની પ્રાપ્તિ કરાવનારા છે. જેઓ સદા ભક્તવત્સલ છે, સર્વ ઐશ્વર્યસંપન્ન છે, જેમનું સ્મરણ, કીર્તન, દર્શન, વંદન અને પૂજન સર્વ જીવોનાં પાપોનો નાશ કરનારા છે એવા પુણ્યકીર્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોનો આશ્રય લઈને, વિવેકબુદ્ધિવાળા મનુષ્યો આ લોક અને પરલોકની આસક્તિથી મુક્ત થઈ જાય છે અને બ્રહ્મપદને પામે છે. જ્યાં સુધી પોતાની જાતનું, સાધનાનું અને અસ્તિત્વ સાથે જોડાયેલાં બધાં કર્મોનું સંપૂર્ણ સમર્પણ થાય નહીં ત્યાં સુધી પરમ બ્રહ્મપદ પામી શકાતું નથી. આ આત્માની ઉચ્ચતમ ગતિ છે, જેને પ્રાપ્ત કરવામાં ઉચ્ચ કે નીચ જાતિનો ભેદભાવ કદી કરાતો નથી. જીવન ટકાવવા કોઈ પણ પ્રામાણિક કામ કરનારાને એમના કામ અનુસાર જાતિઓમાં મૂકીને એમને નીચ જાતિના માનવા, એના જેવો અન્યાય બીજો હોઈ ન શકે. માનસિક રીતે પાપકર્મ અને લોભ, મોહ, મત્સરને કારણે અન્ય જીવોને તકલીફ આપવા માટે કરેલું અધમ કામ જ માણસોને નીચ જાતિના પૂરવાર કરે છે.  

શુકદેવજી આમ કથાની પૂર્વ ભૂમિકા બાંધે છે અને કથાનો પ્રારંભ કરતાં પહેલાં ભગવાનના અનુગ્રહ પરીક્ષિત અને સર્વ શ્રોતા જનો પર થાય એ માટે પ્રાર્થના કરતાં કહે છે કે હે સમસ્ત સંપત્તિઓના સ્વામી, સમસ્ત યજ્ઞોના ભોક્તા ને ફળદાતા, સઘળા જીવ માત્રના રક્ષક ને પાલનહાર, આ પૃથ્વી ને બ્રહ્માંડના સ્વામી, ભક્તવત્સલ, સંતજનોના રક્ષક તથા સર્વસ્વ એવા ભગવાન શ્રી કૃષ્ણ આપણા સહુ પર પ્રસન્ન થાય. ભગવાનનો અંશ જ પંચ- મહાભૂતોથી આ શરીરોનું નિર્માણ કરીને તેમનામાં જીવરૂપે પ્રવેશ કરે છે. પરમ પરમાત્મા જ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ પ્રાણ અને એક મન – આ સોળ કળાથી યુક્ત થઈને આ જીવો દ્વારા સોળ વિષયોનો ભોગ પણ કરે છે. આવા સર્વ ભૂતમય ભગવાન મારી વાણીની ઈન્દ્રિયને એમના ભજન અને નામ-સ્મરણના સર્વ ગુણ વડે અલંકૃત કરે જેથી હું શ્રી હરિની કથાને યથોચિત કહી શકું. સંત પુરુષો જેમના મુખકમળમાંથી મકરંદની જેમ ઝરતી જ્ઞાનમયી સુધાનું પાન કરતા રહે છે તે શાસ્ત્રોના રચયિતા વાસુદેવના અવતાર, સર્વજ્ઞ ભગવાન વેદવ્યાસના ચરણોમાં પણ મારા વારંવાર નમસ્કાર.

વ્યાસજી આમ ભગવાનને અને પિતા વેદવ્યાસને વંદન કરીને કથાનો પ્રારંભ કરતાં પહેલાં કથાની પૂર્વ ભૂમિકા રૂપે આમ ઈશ્વરનું સ્મરણ કરે છે અને પરીક્ષિતને તથા સર્વ શ્રોતાજનોને કથા સાંભળવા પહેલાં સંપૂર્ણ સમર્પણ પ્રભુને કરવું જોઈએ એવી શીખ પણ આપે છે. દરેક પુરુષે જીવનના પુણ્યશાળી કાર્યો કરતી વખતે ઈશ્વરના મહિમાનો ગુણગાન કરવો જ જોઈએ. પ્રભુની શ્રીમદ્ ભાગવત કથા એક સંસ્થાન છે, જીવનનું અંતિમ સુધારવાનું અતિપુણ્યશાળી સાધન છે. એનું હું અહીં સવિસ્તાર વર્ણન, હે પરીક્ષિત, તમારું મૃત્યુ સુધરી શકે એ માટે હું જરૂરથી કરીશ.

હે પરીક્ષિત, વેદગર્ભ સ્વયંભૂ બ્રહ્માજીએ નારદજીના પૂછવાથી આ વાત કહી હતી. જેનો સ્વયં ભગવાન નારાયણે બ્રહ્માજીને ઉપદેશ કર્યો હતો, એ જ ઉપદેશ કહેવા પહેલાંની આ પૂર્વ ભૂમિકા મેં તમને કહી છે. તમારો સૃષ્ટિ માટેનો પ્રશ્નનો. જવાબનો ઉઘાડ આગળ ધીરેધીરે થતો જશે.  

 શ્રીમદભાગવત મહાપુરાણનો દ્વિતીય સ્કંધનો ચોથો અધ્યાય –“પુરુષસંસ્થાવર્ણન” સમાપ્ત થયો.શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. હંમેશની જેમ ખૂબ સરળ સુંદર સમજૂતિ સાથે ‘ શુકદેવજી એ વિજ્ઞાન સમજાવે છે કે કોની ઉપાસના કઈ સિદ્ધિ માટે અને શા માટે કરવી જોઈએ. દરેક દેવી-દેવતાઓ તો આત્મા અને ભક્તિની શક્તિનો સમન્વય છે. જેને ભજવાથી, જેની સાધના કરવાથી, આપણા તન અને મન, એ શક્તિપ્રપાતને ઝીલવા માટે સમર્થ બની શકે છે. આમાં મુખ્ય ત્રેવીસ શક્તિઓ છે જે માનવીના જીવનને ટકાવી રાખવા અને નૈસર્ગિકતાથી ચલાવવા માટે આવશ્યક છે.’આવા વૈજ્ઞાનિક અભિગમે કહેવાતા બુધ્ધિશાળી અને રેશનાલીસ્ટોને પણ સમજાશે.