યે મેરા દીવાનાપન હૈ (વાર્તા) ~ રાજુલ ભાનુશાલી

ઘણી ના પાડી હતી છતાં અનેરીભાભી હાંડવો આપી ગયા. મેં એમને કહ્યું પણ ખરું કે હું કશુંક ઓર્ડર કરી દઈશ. આજકાલ તો ફૂડ ઓર્ડર કરો તો જે તે સ્ટેશન આવે એટલે છેક તમારી સીટ પર ડિલિવર થઈ જાય. પણ ભાભી માન્યા જ નહિં અને ધરાર આપી ગયાં.

જોકે, હવે તારા અત્યંત પ્રિય એવા હાંડવા સિવાય બીજી કોઈ વસ્તુ એમના ઘરેથી આવતી નથી. એમની આંખોમાં તારા જતા રહેવાની પીડા કાયમ માટે ઘર કરી ગઈ છે. પાછલા કેટલાય સમયથી જાતને પણ સમજાવું છું કે તું મારા જીવનમાંથી ચાલી ગયો છે. પણ અનેરીભાભીની જેમ મારું મન પણ હજુ એ માનવા તૈયાર નથી.

રોજ સવારના ઉઠું ત્યારે હથેળીઓમાં તારી હથેળીઓની હૂંફ અનુભવું છું. હોઠ પર તારા હોઠનો થોડોઘણો સ્વાદ પણ રહી જતો હોય છે. જાણું છું કે આ બધા પ્રયત્નો વ્યર્થ છે. પરંતુ મારા સ્વપ્નોને એટલી સમજ નથી. એ પ્રયત્નો કર્યા કરે છે અને ક્યારેક તું એ રીતે ખરેખર મળી જાય છે. એટલિસ્ટ સ્વપ્નમાં તને મળી શકાય છે એનો અપાર આનંદ છે પણ પછીથી જે ઉદાસી ઘેરી વળે છે એનું શું કરવું? એ અસહ્ય છે.

જાગતી હોઉં ત્યારે તો તને એટલો બધો મિસ કરતી હોઉં છું કે.. જવા દે, તું આ બધું હવે ક્યાં જાણવાનો છે! ખરેખર તો તું મારા માટે કોઈ બીજા નક્ષત્રમાંથી આવ્યો હતો!

હું નથી જાણતી કે હવે મારા વિશે શું વિચારે છે. હું તને જેટલું મિસ કરું છું, એટલું જ તું પણ મને મિસ કરે છે કે નહીં? કદાચ નહીં. નહીંતર આમ છોડીને ઓછો જતો રહ્યો હોત! ક્યારેક થાય કે બધું મૂકીને તારી પાસે આવતી રહું. પણ પછી..

તને ગયે છ વર્ષ થઈ ગયાં છે પણ તને પહેલીવાર મળ્યા પછી મારા હ્રદયમાં જે ઈંદ્રધનુષ ઊગી નીકળ્યું હતું એ હજુય ત્યાં જ છે! આપણા સહજીવન દરમિયાન તે મને જે ધોધમાર સ્નેહમાં તરબોળ કરી દીધી હતી એ સ્નેહ હવે સતત આંખોના ખૂણેથી વરસ્યા કરે છે. મારાં ટેરવા અશ્રુ લૂછીલૂછીને ચીમળાઈ જાય છે.

આ અત્યારે હાંડવાનો ડબ્બો ખોલીને બેઠી છું પણ આંગળીઓથી ચમચીને બરાબર ગ્રીપ લેવાતી નથી. ચમચી વારેવારે હાથમાંથી સરકી જાય છે. સારું છે સામેની સીટ પર કોઈ પ્રવાસી નથી આવ્યો. નહીંતર એ શું વિચારત!

તારા જતાંની સાથે જીવનમાંથી સ્વાદ અલોપ થઈ ગયો છે. ખાઉં છું કારણકે જીવવા માટે ખાધા વગર છૂટકો નથી અને અનેરીભાભીના હાથનો હાંડવો તો અગાઉ પણ ક્યારેય નથી ભાવ્યો. તને ન જાણે કેમ આટલો ભાવતો!

ગઈકાલે મંદિરે ગઈ હતી. તારા જન્મદિવસે મંદિરે જવાનો ક્રમ ચાલુ રાખ્યો છે. પ્રસાદ લેતી વખતે પૂજારી સામે હાથ લંબાવ્યો તો તેઓ થોડીક ક્ષણો માટે મારા આંગળાને જોતા રહ્યા અને પછી બોલ્યા,”આ મંદિરની અખંડ જ્યોત પર જરાક હથેળી શેક, સારું લાગશે. ઈશ્વર ખૂબ દયાળુ છે.” હું અવશપણે મંદિરના ગર્ભમાં પ્રવેશી, અખંડ દીવા પર હાથ રાખ્યા અને આશકા લીધી. તારા માટે પ્રાર્થના કરી. ઈશ્વર તારા પર સદા રાજી રહે.

આ શહેર છોડવાનો નિર્ણય લીધો ત્યારે જ તારા જન્મદિવસ પછીનો એટલે કે આજનો દિવસ પસંદ કર્યો હતો. શહેર ભલે બદલું છું પણ મંદિરે જવાના ક્રમમાં ખાડો નહીં જ પડે એનું અત્યારે આ ટ્રેનના દોડતાં પાટાઓની સાક્ષીએ વચન આપું છું.

મુંબઈમાં ચોમાસું વિધિવત્ત બેસી ગયું છે. અઠવાડિયાથી સતત ઝરમર ચાલુ છે. ચારે દિશાઓ લીલીછમ થઈ ગઈ છે. ગઈકાલે આવી ઝરમર વચ્ચે આપણે જેમ વહેલી સવારે ગાડી લઈને લોનાવલા કે ઇગતપૂરી નીકળી પડતા તેમ નીકળી પડવાનું મન થયું. પણ હજુ થોડો ઘણો સામાન વાઇન્ડ અપ કરવાનો બાકી હતો એટલે રહેવા દીધું. યુ નૉ, આ ઝરમરને હું બહુ જ મીસ કરતી હતી.

મને ખબર છે તું હોત તો ચોક્કસ ટેરેસ પર ખેંચી જાત. હમણાં લિવિંગ એરિયામાં મની પ્લાન્ટના બે કૂંડા મૂક્યા હતા. માળી કહેતો હતો કે એને વધુ સૂર્યપ્રકાશની કે પાણીની જરુર નથી હોતી. ગમે ત્યાં મૂકશો ને અઠવાડિયે એકાદ વખત પાણી આપશો તોય ઊગી જશે. પરંતુ એને પાણી આપવાનું પણ ભૂલાઈ જવાતું હતું.

આજે સવારના જોયું તો બેચાર પાંદડા પીળા પડી ગયાં હતાં. એ કૂંડા સાથે લઈ લીધાં છે. આ છોડવા પણ ઝરમર મિસ કરતાં હશે? એમણે તો ક્યારેય વરસાદ જોયો જ નથી. જેમણે ક્યારેય વરસાદ જોયો જ ન હોય એ કઈ રીતે મિસ કરે?

તું સાચું કહેતો કે પૃથ્વી પરના દરેક જીવે જીવનમાં એકવાર તો આ અનુભવ લેવો જ જોઈએ! પહેલાં તો એમને બાલ્કનીની પાળી પર મૂકવાનું વિચાર્યું પણ પછી થયું કે વધારે પડતી ઝરમર એને ક્યાંક નુકસાન ન કરી બેસે એટલે રહેવા દીધું. પછી તો હું દોડીને ગાડીમાંથી પેલી કાચ સાફ કરવાની સ્પ્રેની બાટલી લઈ આવી. એમાં પાણી ભર્યું અને છોડવાઓ પર સ્પ્રે કર્યું. છોડવા ભીના થઈ ગયા. એના હ્રદય આકારના આછા લીલા રંગના પાંદડા ભીંજાઈને જાણે મલકી રહ્યાં હતાં અને મારી આંખો વહી રહી હતી.

હું છેલ્લે ક્યારે મલકી હતી એ યાદ કરવાનો પ્રયત્ન કર્યો પણ યાદ આવ્યું નહીં. મંદ પવનમાં એ નાનકડી વેલ ઝૂલી રહી હતી. દરેક પાંદડામાં લીલા રંગના કેટલા બધા અલગઅલગ શેડ છે જે ભીંજાઈને વધુ મોહક લાગવા માંડ્યા છે. આખેઆખી વેલ જ સરાબોર ભીંજાઈ ગઈ પછી બધાં જ રંગો થોડા વધુ ગાઢ થઈ ગયા છે!

પ્રેમમાં ભીંજાવાથી પણ આ જ રીતે બધાં જ રંગો ગાઢ થઈ જતાં હોય છે. તારા ચાલ્યા ગયા પછી પણ આપણા પ્રેમના બધાં જ રંગો એટલા જ ગાઢ છે. પણ એમાં તું ખૂટે છે.

ખરું કહું? ક્યારેક તારો અવાજ સાંભળવા માટે તરસી ગઈ છું. આંખો બંધ કરીને જે રીતે તું મને સાદ દેતો એ યાદ કરીને સાંભળવાનો પ્રયત્ન કરું છું. ક્યારેક નહાવા જતી વખતે તું જાણીજોઈને ટુવાલ બહાર ભૂલી જતો અને પછી મારા નામની કેવી બૂમાબૂમ કરી મુકતો! એ બૂમાબૂમના પડઘાંની કલ્પના કરું છું.  પણ મારી કલ્પનાઓ નબળી સાબિત થઈ જાય છે અને કલ્પનામાંનો તારો અવાજ તારા સાચુકલા અવાજ જેવો જરાય નથી લાગતો.

હું તરસી જ રહી જાઉં છું. તારા અવાજના ખાલીપાને અન્ય અવાજોથી ભરવાના પ્રયત્ન કરતી રહું છું. બાજુમાંથી સડસડાટ પસાર થઈ જતી સુપર ફાસ્ટ ટ્રેનની ચિચિયારીરીઓ સાંભળ્યા કરું છું.

વારંવાર ચાયની કિટલી લઈને ફરતા પેન્ટ્રીવાળાની બૂમ, બાજુના કંપાર્ટમેન્ટમાં રમાતી અંતાક્ષરીના આવાજ, બાળકોની દોડાદોડ અને એમની મસ્તીનો અવાજ ધ્યાન દઈને સાંભળું છું.

અત્યારે કોઈક સાથે વાત કરવાની અદમ્ય ઈચ્છા થઈ ગઈ છે. ફોનબુકમાંથી રેન્ડમ નંબર પર કૉલ કરી લઉં એવો વિચાર આવી ગયો પણ દબાવી દીધો. આમ પણ ચાલુ ટ્રેને સળંગ ટાવર પણ ક્યાં મળે છે.

કોઈક અંતાક્ષરીમાં તને ગમતું મુકેશનું ગીત ગાઈ રહ્યું છે એ સાંભળું છું. પરંતુ આ જિદ્દી હ્રદય ખુશ થતું જ નથી. એને તારો સાચુકલો અવાજ જ સાંભળવો છે, બીજું કશું નહિં. બોલ હવે શું કરું? કેવી રીતે એને તારો અવાજ સંભળાવું? તું તો તારી બારી બંધ કરીને બેસી ગયો છે. કાશ, હું એ બારી આ તરફથી ખોલી શકત! બારીમાંથી ટ્રેનની સમાંતરે દોડતાં પાટાને જોયા કરું છું.

એવું લાગે છે કે જાણે બધું જ થંભી ગયું છે. આ શ્વાસ પણ આમ જ થંભી જાય તો કેવું સારું! ગઈકાલે આવા ચિત્રવિચિત્ર વિચાર આવી રહ્યાં હતાં અને એ જ સમયે અનેરીભાભીએ ડોરબેલ વગાડી. તારા ગયા પછી એમણે મને ઘણીવાર નબળી પળે સાચવી લીધી છે. હું જ્યારેજ્યારે તને ખૂબ મિસ કરું, એમને ન જાણે કેવી રીતે અંદેશો આવી જાય છે અને તેઓ પહોંચી આવે છે.

એમના આવવાથી ખરેખર ખૂબ સધિયારો મળે છે. પણ ગઈકાલે એ અંદર આવ્યાં અને ઘરનો બધો જ સામાન વાઇન્ડ અપ થયેલો જોઈને હેબતાઈ ગયાં હતાં. મારે જ એમને સધિયારો આપવો પડ્યો હતો. સવારે તને ખૂબ ભાવતો હાંડવો આપી ગયા. એમને ખબર છે કે એમના હાથનો દૂધીનો હાંડવો મને  બિલકુલ નથી ભાવતો તો પણ. જોકે આજે મેં ખાઈ લીધો છે.

તારા ગયા પછી ઘણીવાર વિલ્સ લઈ આવતી. ક્યારેક એમાંથી એકાદ હોઠની વચ્ચે પકડી રાખીને તને અનુભવવાના મિથ્યા પ્રયત્ન કરતી. હવે તો તારી જેમ સિગારેટ પીવાની આદત પડી ગઈ છે.

સોફા પર તું સામે પડેલા સેન્ટર ટેબલ પર બેઉ પગ લંબાવીને બેઠો હોય ને બે આંગળીઓ વચ્ચે પકડેલી સિગારેટમાંથી ધુમ્રસેર નીકળતી હોય એ દ્રશ્યની કલ્પના કરું અને પછી છેક એ સ્ટાઇલમાં સિગારેટ લઈને બેસું. એ ધુમ્રસેરોની વચ્ચેથી તને ચોરીને કરેલા તસતસતાં ચુંબનો મને મને આજે પણ અત્યંત વિહ્વળ કરી મૂકે છે. મારી ત્વચા પર ફરતાં તારા ટેરવામાંથી આવતી સિગારેટની ગંધ મને અત્યંત ગમતી.

મેં તને ઘણીવાર કહ્યું હશે છે કે સિગારેટ પી પીને તારા હોઠ કાળા થઈ ગયા છે. પણ સાચું કહું તો મને તારા કાળા હોઠ પણ ગમતાં જ!

પહેલીવાર જ્યારે મેં સિગારેટ સળગાવેલી ત્યારે એવો ભ્રમ થઈ ગયેલો જાણે તું અહીંયા હાજર છે. એ અનુભવને મેં તે દિવસે મનભરીને માણ્યો. એ જ દિવસે અનેરીભાભી પણ આવ્યાં હતાં. અંદર આવતાં જ તેઓ બે પળ માટે દરવાજામાં થીજી ગયાં હતાં એ મેં નોંધ્યું હતું.

એમની આંખોમાં હજુય તારા તરફની આસક્તિ સ્પષ્ટપણે ડોકાયા કરે છે. તારા ગયાના છ વર્ષ પછી પણ! દિવાલ પર લટકતી ફ્રેમમાં મઢાયેલો તારો હસતો ચહેરો એ મારી નજર ચૂકવીને જોઈ લેતાં હોય છે.  એ વખતે તરલ થઈ જતી એમની આંખો મેં અનેક વખત જોઈ છે. એ દિવસે તારી આંખમાં કશુંક ગયું હતું અને અનેરીભાભી પોતાની ઓઢણીની મુઠ્ઠી બનાવી, એમાં ગરમગરમ શ્વાસ ભરીને રાહત આપવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં તે મને જરાય નહોતું ગમ્યું. એ મારે કરવું હતું.

જે રીતે હું રસોડામાં હોઉં અને તું હળવેકથી સાદ દેતો એવી રીતે અથવા નહાતી વખતે ટૂવાલ લેવાનું ભૂલી જાય ને પછી મારા નામની બૂમાબૂમ કરી મૂકે એ રીતે પણ તું મને બોલાવી શક્યો હોત. પણ તેં એવું નહોતું કર્યું. પરંતુ તે અનેરીભાભીનેય આવું કરવાનું કહ્યું નહોતું એ મને ખબર છે. એ તને ચાહે છે આ વાતની તને ખબર હતી કે નહિં એ હું નથી જાણતી પણ મને ખબર હતી. મને એ વાતની ઈર્ષ્યા થતી. ભયંકર ઈર્ષ્યા.

મારા સિવાય કોઈ તને ચાહી જ કેમ શકે? હું ક્યારેક વેલ્વેટનો મરુન કલરનો મોટો ચાંદલો કરું એ તને ખૂબ ગમે છે એ જાણ્યા પછી પોતે સાવ નાનકડી ટપકાં જેવડી બિંદી લગાવવાનું મૂકીને વેલ્વેટના મરુન કલરના મોટા ચાંદલા કરવાનું ચાલુ કરેલું એ પણ મને જરાય નહોતું ગમ્યું.

તારા ગયા પછી પણ એમણે એવા મોટા ચાંદલા રેગ્યુલર કરવાનું રાખ્યું છે, પરંતુ હવે મને એ ગમે છે. એ રીતે પણ સતત તારી હાજરી અનુભવાય છે. આજે જ્યારે ઘરેથી નીકળી ત્યારે મારા ખાલી કપાળ પર એમણે જ વેલ્વેટનો મરુન કલરનો મોટો ચાંદલો લગાવી આપ્યો. એમને તો સ્ટેશન સુધી આવવું હતું, પરંતુ મેં જ એવી તકલીફ લેવાની ના પાડી હતી અને એ તરલ આંખે મને ટેક્સીમાં બેસતાં જોઈ રહ્યાં.

તું માત્ર મને જ ચાહે છે એની મને ગળા સુધી ખાતરી હતી. પણ મારા મન પર સતત એ ભાર રહેતો કે કોઈ દિવસ તું જાણી ગયો અને અનેરીભાભી તરફ ઢળી ગયો તો? આવા અનેક પ્રશ્નો ઉદ્દભવતાં જેનો મારી પાસે કોઈ જવાબ નહોતો. હું ડરી ગઈ હતી. આ ડર અને ઈર્ષ્યા મન પર હાવી થઈ ગયેલાં. એટલે જ તારા વારંવારના ખુલાસાઓ છતાં મેં મહિનાઓ સુધી અબોલા તોડ્યા નહોતાં.

મારા અબોલાથી તું અંદરથી કેટલો બધો પીડાઈ રહ્યો છે એ સમજાઈ રહ્યું હતું છતાં. મને સમજાવી ન શકવાની લાચારી તારી આંખોમાં હું વાંચી શકતી. તું વારંવાર કહેતો રહ્યો કે તને અનેરીભાભી પ્રત્યે કોઈ જ ફીલિંગ નથી, કે તું માત્ર અને માત્ર મને જ પ્રેમ કરે છે. પણ હું ન માની અને તું એ ભાર લઈને એક દિવસ જતો રહ્યો.

મુશ્કેલી એ છે કે અનેરીભાભી તારા ગયા પછી પણ તને ચાહતાં રહ્યાં છે. એમની આંખોએ મને હજારો વખત એ પ્રશ્ન પૂછ્યો છે કે એવું તે આપણી વચ્ચે શું થયું હતું કે તે આવી રીતે બધાથી પર થઈને ચાલ્યા જવાનો રસ્તો લઈ લીધો!

એ પ્રશ્ને ધીમે ધીમે ફરિયાદનું સ્વરુપ લઈ લીધું હતું. તેઓ વારંવાર આપણા ઘરમાં આવવાના બહાના શોધતાં. મોટામોટા મરુન કલરના ચાંદલા લગાવીને તને ભાવતો દૂધીનો હાંડવો બનાવીને લાવતાં, તારા ફોટાને જોયા કરતાં.

મને એમ હતું કે સમય જતાં એ તારી મમત મૂકી દેશે પણ હજુ એમણે તને છાતીસરસો ચાંપી રાખ્યો છે. એમના તરફ  ઢળી જઈશ તો. તું નથી એ સ્થિતિ અઘરી ચોક્કસ છે પરંતુ તું હતો ત્યારની સ્થિતિ કરતાં અત્યારે…!

એટલે જ મેં આ ઘરથી દૂર જવાનો નિર્ણય લીધો. અનેરીભાભીને ગઈકાલે જ ખબર પડી કે હું જઈ રહી છું.

ના, આપણું ઘર હું ક્યારેય નહીં વેચું. આપણા સહજીવનની ક્ષણો આ ઘરમાં કાયમ સચવાયેલી રહેશે. આવતી-જતી રહીશ. જાણું છું, મારું આ ઘર બંધ કરીને બીજા શહેરમાં સ્થાયી થવું તને નહીં ગમે પરંતુ અનેરીભાભીથી તને દૂર લઈ જવાનો આ એકમાત્ર ઉપાય મને જડ્યો છે. જોકે એકાદવાર આર્થિક મુશ્કેલીનો વિચાર કરીને ઘર વેચી નાખવાનો વિચાર આવ્યો હતો ખરો પરંતુ આવતાંવેંત જ એને રદ્દ કરી નાખ્યો હતો.

ઘરના બારણે લટકતું તાળું એમને અનુભૂતિ કરાવશે કે તને ચાહવાનો એમને હક નહોતો. તું હતો ત્યારેય નહીં અને તું નથી ત્યારેય નહીં.

આજે વચન આપું છું કે હવે તને યાદ કરીને નહીં રડું. કોઈ દિવસ નહીં. આજે સવારે બેડરુમની બારી ખોલતાં જ રજા વગર અંદર પ્રવેશી જતાં સફેદ સૂર્યપ્રકાશનો પહેલો ટુકડો આરસની સફેદ ફર્શ પર પડ્યો અને તું જાણે આળસ મરડીને બેઠો થઈ ગયો હોય એવી અનુભૂતિ થઈ હતી. એ સાથે જ ઘર છોડીને જતા રહેવાનો જે સહેજ ખટકો હતો એ પણ જતો રહ્યો છે.

તું સફેદ રંગ છે, તારામાંથી જ તમામ રંગોનો ઝળહળાટ નીકળે છે. તું કોઈ ઉદાસ કવિતા નથી કે તારા ખોવાઈ જવા પર રડતા રહેવું. તું મારા જીવનનો રસ છે, રાગ છે, નૃત્ય છે. તારા હોવાથી જ તો હું છું.

ગઈકાલે ખૂબ શોપિંગ કરી છે. તને ગમતાં સફેદ રંગના ઘણા બધા ડ્રેસ લઈ આવી છું. નવી જગ્યાએ નવી શરુઆત કરીશ, નવી હું હોઈશ અને નવો તું હોઈશ. તું મારા હ્રદયમાં છે, વિલ્સમાંથી નીકળતી ધુમ્રસેરોમાં છે, મારા ટેરવામાંથી આવતી સિગારેટની ગંધમાં છે, આ પૂરપાટ દોડતી ટ્રેનની બારીની પાર વરસતી ઝરમરમાં છે. તને મારી આસપાસ અનુભવું છું અને મારું અસ્તિત્વ રણઝણી ઊઠે છે. પરંતુ આજે આ ઘડીએ એક કબૂલાત પણ કરવી છે. હું જાણતી હતી કે તે દિવસે તારી અને અનેરીભાભી વચ્ચે કશું જ થયું નહોતું!

ચલ, થોડીવાર બાજુના કમ્પાર્ટમેન્ટમાં અંતાક્ષરી રમતાં ગૃપ પાસે બેસવા જઉં છું. તને ગમતાં મુકેશના ગીતો ગાવાની મજા આવશે.

~ રાજુલ ભાનુશાલી
rajulbhanushali51@gmail.com

Leave a Reply to Rajul BhanushaliCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments