કાવ્યાંજલિ : 3 ~ હરીન્દ્ર દવેની તરહી પંક્તિ પર આધારિત નવી ગઝલો ~ વિવિધ કવિઓ દ્વારા
[આપણું આંગણું બ્લૉગની ગઝલ શિબિરના શિબિરાર્થી મિત્રો દ્વારા હરીન્દ્ર દવેને કાવ્યાંજલિ.]
(સંકલન: રક્ષા શાહ, મીતા ગોર મેવાડા)
12) ડૉ. દીપક ‘મંથન‘
થોડો ઉદાસ છું અને માફક હવા નથી,*
પડકાર છે જૂના બધા, કોઈ નવા નથી.
તું જે કહે, બધું મને મંજુર હોય છે,
મારે સવાલ કોઈ તને પૂછવા નથી.
છે દોષ કોનો કેમ કરીને કહી શકું
અંગત બધા છે નામ હવે આપવા નથી.
જે સ્મિત કરીને આમ મને છેતરી ગયા,
એ ભાગ્યના પ્રહારને પંપાળવા નથી.
જો થઈ શકે તો આવ ફરીથી વિચારીએ,
સંબંધો આમ વાંક વગર કાપવા નથી.
‘મંથન’, સફરની ચાહ તને હોય તો હવે,
તું કર પ્રયાણ, માર્ગ હવે માપવા નથી.
13) કુસુમ કુંડારિયા
થોડું રડી શકું તો દિલાસો મળી શકે.*
તારા સહારે દોસ્ત કિનારો મળી શકે.
જો કર્મના કદી તો હિસાબો મળી શકે.
તારા સવાલનોય ખુલાસો મળી શકે.
મહેનત વિના કદી કશું ના સાંપડે અહીં,
ઉદ્યમ થકી અનેક દિશાઓ મળી શકે.
ખોટી દલીલ ના કરો સાચાં જ જીતશે,
ને જીદથી સદાયે વિવાદો મળી શકે.
આજે ભલે સતત તમારે દોડવું પડે,
ક્યારેક ફળ રૂપે તો વિસામો મળી શકે.
14) પાયલ ઉનડકટ
આ જિંદગીનું ગીત પ્રથમથી મીઠું નથી.
સર્વસ્વ દઈ દીધું ને છતાં કંઈ કીધું નથી.
સમજાવવું કઠિન આ હૃદય માનતું નથી,
જાણે છે પ્રણયગીત સરળ ને સીધું નથી!
ચહેરો સનમનો ચાંદ, અધર ફૂલ લાગતાં,
લાગ્યું નયનના જામ સરીખું પીણું નથી.
આપે સમય ને શ્વાસ અહીં પ્રિયને સહર્ષ,
બદલામાં પ્રેમના એ કશું પણ લીધું નથી.
આખુંય વિશ્વ ઢોલ પીટે છે વિરોધના,
વાજિંત્ર પ્રેમનું તો રણકતું ધીમું નથી.
(ક્રમશ:)
Vaaaah……Khub Khub saras