એ અડધો દિવસ અને રાત (વાર્તા) ~ રાજુલ ભાનુશાલી

(Words: 1796)

એ દિવસે ડીલેય્ડ ફ્લાઈટ છેવટે કેન્સલ થઈ ગઈ હતી. લગભગ અડધો દિવસ અને પછી રાત પણ એમણે જોડે જ વિતાવી હતી.

ગુલશને યાદ કરવાનો પ્રયત્ન કર્યો, કે એ વાતને એક્ઝેટલી કેટલા વર્ષો થયા? આઠ-દસ? ના.. વધુ જ થયા હશે. ગુલશનને એની સાદાઈ ખૂબ ગમી ગઈ હતી. એણે સફેદ શર્ટ અને બ્લૂ જિન્સ પહેર્યું હતું. જો કે એના પહેરવેશમાં પણ એવું ખાસ કંઈ નહોતું કે કોઈનું ધ્યાન ખેંચાય.

બીજે દિવસે સવારે પણ એણે એ જ કોમ્બિનેશનનો ડ્રેસ પહેર્યો. સફેદ શર્ટ અને બ્લૂ જિન્સ. એની બેગમાં બીજો કોઈ રંગ જ નહોતો.

ગુલશને ઇમેજિન કરી જોયું કે બીજા રંગમાં એ કેવો દેખાશે. આખરે પોતે એ વાત પર આવીને અટક્યો કે સૌથી વધારે કાતિલ તે આ જ કોંબિનેશનમાં લાગશે. સફેદ શર્ટ, બ્લૂ જીન્સ અને હાથમાં ડનહિલ સિગારેટ!

આમેય સફેદ રંગ પર કોઈ પણ પ્રોજેક્શન કરી શકાય છે. સફેદ બધા જ રંગોને એબ્ઝોર્બ કરી શકે છે અને એ રંગ જેવો જ રંગ ધારણ કરી લે છે.

ગુલશન વારી ગયો. હાઇટાઇડ પછી સમુદ્રના કિનારે બાકી રહી જતી સફેદ રેતીનો રંગ પણ આવો જ હોય છે. એને થયું કે એ રેતી પર પોતાનું નામ લખી નાખે.. અને, એણે ખરેખર લખ્યું પણ ખરું.

જોકે પહેલી વખત એને જોયેલો ત્યારે ખાસ કશું ધ્યાનમાં રહી જાય એવું લાગ્યું નહોતું સિવાય કે એનું ગોલ્ડ કલરનું વિન્ટેજ સિગારેટ કેસ અને મેટાલિક ગ્રીન કલરની ફાઉન્ટન પેન.

આ જમાનામાં હવે ફાઉન્ટન પેન કોઈ વાપરતું નથી ત્યારે આ સામે બેઠેલા માણસના ખિસ્સામાં ફાઉન્ટન પેન જોઈને ગુલશનને આશ્ચર્ય થયેલું. પછી વાતચીત દરમિયાન ખબર પડેલી કે એની પાસે આવી પેનોનું મોટું કલેક્શન છે. પણ ગુલશનને સિગારેટ કેસમાં વધુ રસ પડેલો.

આંગળીઓમાં સિગારેટ પકડવાની એની સ્ટાઇલ વિશિષ્ટ હતી પણ જે રીતે એણે સિગારેટને બે હોઠોની વચ્ચે મૂકી એ  લૂક કાતિલ હતો.

“સ્મોકિંગ કિલ્સ!” એને સિગરેટ પીતો જોઈને ગુલશનના મોઢામાંથી નીકળી ગયેલું અને પેલો હસી પડ્યો હતો. સાવ હળવેકથી બોલાયેલા શબ્દો પણ પેલો સાંભળી ગયો છે એ વિચારીને ગુલશન એમ્બેરેસ થઈ ગયો.

પેલાએ એક સરસ મજાનું સ્માઇલ આપ્યું હતું અને હાથ લંબાવીને એ ગોલ્ડ કલરના વિન્ટેજ કેસમાંથી એક સિગારેટ પણ ઓફર કરી હતી.

એ સાંજે જેટ એન્જિનના હળવા અવાજની સાક્ષીએ એરપોર્ટની એ લાઉન્જમાં બે અજાણ્યા લોકો પોતપોતાની જિજ્ઞાસા ઓળંગી ગયા હતા. પેલા ગોલ્ડ કલરના વિન્ટેજ કેસમાંથી સિગારેટ શેર કરવાથી શરુ થયેલી વાત છેક બેડ શેરિંગ સુધી પહોંચી હતી.

કેન્સલ્ડ ફ્લાઇટને કારણે પડતી અગવડ વિશે શરૂ થયેલી વાત થોડીવાર પછી હળવી મજાક સુધી પહોંચી અને ત્યાર બાદ એકસાથે કલાકો ઓગળી ગયા. એમણે ડિનર પણ ભેગું જ લીધું. ડિનર પછી રુમમાં કોફી પીવાઈ.

આ દરમિયાન કઈ ક્ષણે બંનેની વચ્ચે ચૂપની નદી વહેવા લાગી અને આંગળીઓ બોલવા લાગી એ ખબર જ ન પડી. પેલાએ પણ કદાચ ગુલશનની આંખોના ભાવ વાંચી લીધા હતા.

એ રાત્રે હોટેલના રુમમાં એણે પોતાની ફાઉન્ટન પેનમાંથી ગુલશનના શર્ટ પર શાહીના બ્લૂ છાંટા ઉડાડયા અને એનું શર્ટ ઉતરાવી નાખ્યું પછી ગુલશને એને પણ છેક સવાર સુધી કશું જ પહેરવા નહોતું દીધું. એના ટેરવા એટલા ગરમ થઈ ગયેલા કે ત્યારે જો એમની વચ્ચે સિગારેટ પકડી હોય તો પેટાવવા માટે લાઇટરની જરુર ન પડે. એ ગરમીમાં બન્ને પૂરેપૂરા ઓગળી ગયેલા.

હોટેલના રૂમની એ ડીમ લાઇટમાં ગુલશને એને જોયો ઓછો અને માણ્યો વધુ હતો. એ રાત ગજબ વીતી હતી. સવારના બન્ને સ્માઇલ સાથે છૂટા પડ્યા હતા. આ રાત વિશેની વાત બન્નેમાંથી ક્યારેય કોઈના હોઠ પર નહીં આવે એ પ્રોમિસ સાથે. એમની વચ્ચે ફોન નંબરની આપલે નહોતી થઈ. એમણે કરી જ નહોતી!

અને,

વર્ષો પછી ગુલશને એને આજે સવારના પાર્કિંગ લોટમાં જોયો. સ્મૃતિમાં સચવાયેલો એ અડધો દિવસ અને રાત નજર સામેથી પસાર થઈ ગયા.

છૂટા પડ્યા પછી આપણે એકબીજા માટે અજાણ્યા છીએ એવી વાત થયેલી એ ગુલશનને બરાબર યાદ હતી. પરંતુ ફરી એકવાર એને મનભરીને જોવાનો મોહ ગુલશન ટાળી ન શક્યો. એ અહીંયા રહેતો હશે કે પછી કોઈને મળવા આવ્યો હશે એ દુવિધા તો હતી જ, પણ એણે એકવાર રિસેપ્શન પર પૂછવાનું નક્કી કર્યું.

“મયંક શાહ..” એણે વાક્ય અધૂરું છોડી દીધું.

“આપ પાર્ટીમેં આયેં હૈં?” સિક્યુરિટીએ સલામ ઠોકીને પૂછ્યું.

“પાર્ટી?”

“મયંકસાબ અભી ટેરેસ પે મિલેંગે. આજ ઉનકી મધર કે બર્થ ડેકી પાર્ટી હૈ ના.”

“હ્મ્મ્મ..” એણે ઉત્તર વાળ્યો.

સિક્યુરિટીએ ફરી સલામ ઠોકી. એ લિફ્ટથી ટેરેસ પર પહોંચ્યો અને ખુલ્લા દરવાજામાંથી પાર્ટીમાં પ્રવેશ કર્યો.

ટેરેસ પર જલસાનો માહોલ હતો. સરસ મજાનું ડેકોરેશન થયેલું હતું. એ ઘડીભર ડેકોરેશનને જોતો રહ્યો. સર્વત્ર વાઇટ અને બ્લુ લીલીઝ હતાં. ગુલશનના ચહેરા પર સ્માઇલ આવી ગઈ. વાઇટ અને બ્લુ – એના ફેવરિટ કલર્સ!

મહેમાનોમાંથી કેટલીક નજરો આ નવા આવનારા આગંતુક તરફ ખેંચાઈ અને ઓળખાણના અભાવે ફરી પાછી નિજાનંદમાં વ્યસ્ત થઈ ગઈ. ડ્રિંક્સના ગ્લાસિસ અને કેપ્સિકમ રિંગની પ્લેટો સાથે વેઇટર્સ ફરી રહ્યા હતા.

પાર્ટીમાં નવા પ્રવેશેલા મહેમાનને જોઈને એક વેઇટર ડ્રિંક્સની ટ્રે સાથે નજદીક આવ્યો. એને એક્વા બ્લુ રંગનું પીણું ભરેલો ગ્લાસ ઉપાડવાનું મન થયું પણ કંઈક સંકોચથી રહેવા દીધું.

ગુલશને નોંધ્યું કે દરેક વસ્તુમાં એનો સ્પર્શ વર્તાઈ રહ્યો હતો. ડ્રેસ કૉડ પણ વાઇટ એન્ડ બ્લુ હતો! પાર્ટીનો રંગ બરાબર જામી ગયો હતો. વાતાવરણમાંની મસ્તીનો મિજાજ મહેમાનના દિલોદિમાગ પર હાવી થઈ રહ્યો હતો.

ગુલશન ધીમા ડગલે થોડોક અંદર આવીને એક તરફ ઊભો રહ્યો. એ અડધો દિવસ અને રાત જેની સાથે ગાળી હતી એ ચહેરાનો અણસાર શોધવા એની નજર બધી જ દિશાઓમાં ફરી વળી.

થોડેક દૂર એક યુવતી અને એક જાજરમાન સ્ત્રી ઊભા હતાં. યુવતી એ સ્ત્રીને મોતીની માળા પહેરાવી રહી હતી. આ મયંકના મમ્મી હોવા જોઈએ એવો ગુલશને અંદાજ લગાવ્યો. એણે એ સ્ત્રીઓની તરફ ડગલાં ભર્યા.

“મમ્મી, પાર્ટી પતી જાય પછી મારી સાથે બ્યુટી ટિપ્સ શૅર કરજો હો.” યુવતી બોલી અને એ જાજરમાન સ્ત્રી હસી પડી.

“પપ્પાજી તમારા પર કેવા ઓળઘોળ છે. આ ઉંમરે પણ મયંકના મોટાભાઈ જેવા લાગે છે. તમે બન્ને મેડ ફોર ઇચ અધર છો.” એ સ્ત્રીએ હસતાં હસતાં યુવતીના ગાલ પર હળવેકથી ટપલી મારી અને માળા ઠીક કરતાં કરતાં બીજા મહેમાનો તરફ આગળ વધી ગઈ.

યુવતીનું ધ્યાન આ નવા આવેલા મહેમાન તરફ ગયું. એ નજદીક આવી. મીઠી સ્માઈલ સાથે એણે આગંતુકને નમસ્તે કર્યું પણ પરિચિતતાનો કોઈ જ અણસાર એને વર્તાયો નહિ. એ મૂંઝાઈ અને પેલી સ્ત્રીને બૂમ પાડી, “મમ્મી…”

પળભર એ સ્ત્રી પણ નવા આવેલા આ આગંતુકને જોઈ રહી. ચહેરાની એકાદી રેખા પણ ઓળખાય તો સ્મૃતિના ખજાનામાંથી આખેઆખી આકૃતિ જડી આવે. પણ કશી જ ઓળખ પડી નહિં.

“ભાઈ, માફ કરજો. હું આપને ઓળખી નહિ. આપનો પરિચય આપશો?” એમણે આગંતુકને ઉદ્દેશીને કહ્યું.

“…અં…અં….મયંક… મયંક શાહ.. હું… હું મયંક શાહને મળી શકું?”

“ઓહો.. તમે મયંકના મિત્ર છો. હું મયંકની મમ્મી, હંસા પ્રતાપરાય શાહ.” એમણે હસીને જવાબ આપ્યો અને પાછળ જોયું. મયંક દેખાયો નહીં.

“જા તો બેટા અયના, મયંકને બોલાવી લાવ.” એમણે પેલી યુવતીને કહ્યું.

દૂરથી મયંકને આવતો જોઈને ગુલશનની આંખોમાં ચમક આવી ગઈ.

“બેટા, આ ભાઈ… તને મળવા આવ્યા છે.”

મયંકે હંસાબેન તરફ જોયું અને પછી સામે ઊભેલી વ્યક્તિ તરફ પરંતુ એનેય ઓળખનો કોઈ અણસાર આવ્યો નહીં.

“યેસ, આઈ એમ મયંક શાહ.” મયંકે કહ્યું. અને ગુલશનના ચહેરા પર નજર માંડી.

મયંક સાથે નજર મળતાં જ ગુલશનની આંખોમાં ઓળખનાં ટશિયા ઘાટાં થયાં, ચહેરાની તંગ રેખાઓ થોડીક હળવી થઈ અને આછું સ્મિત પથરાયું. એણે હસ્તધનૂન કરવા માટે પોતાનો હાથ આગળ વધાર્યો.

“હાઈ.. મયંક..”

મયંકે હાથ મિલાવ્યો, એ હજુ પણ પેલી વ્યક્તિને ઓળખવાની મથામણમાં પડ્યો હતો.

“હું આપને ઓળખ્યો નહિં..”

“અરે! હું ગુલશન. ગુલશન સહાની.”

“માફ કરજો, પણ આપણે પહેલા મળ્યા છીએ?” મયંક હજુય એમ જ તાકી રહ્યો હતો.

“યેસ, આપણે મસ્કત એરપોર્ટ પર મળ્યા હતા. ઓમાન એરવેઝની પેરિસ જતી ફ્લાઈટમાં સાથે હતા.”

મયંક અવઢવમાં પડ્યો. એણે યાદ કરવાની કોશિશ કરી.

મહેમાનોમાંથી પણ એકાદ બે જણ આ તરફ આવ્યા. “કોણ છે મયંક?” કોઈકે પૂછ્યું પણ ખરું.

મયંક થોડો સ્વસ્થ થયો.

“જુઓ ભાઈ, તમે શું વાત કરી રહ્યા છો એ મને સમજાઈ નથી રહી. હું આપને ઓળખતો નથી.” આ વખતે મયંકે પોતાના અવાજ પર જરાક વજન આપ્યું.

ગુલશન સહાની આજુબાજુના ટોળાથી સાવ અલિપ્ત, ફક્ત મયંકને જોઈ રહ્યો હતો.

એ થોડોક વધુ નજદીક આવ્યો. “હોટેલ રેસિડહોમ.. પેરિસ.. યાદ આવ્યું?”

“જુઓ, હું પેરિસ ક્યારેય નથી ગયો એટલે તમને ત્યાં મળવાનો પ્રશ્ન જ આવતો નથી.” મયંકના અવાજમાં હવે ચીડ ભળી.

ગુલશન છોભીલો પડી ગયો. એ દિવસે છૂટ્ટા પડ્યા પછી હવે આપણે એકબીજા માટે અજાણ્યા છીએ એવી વાત થઈ હતી એ બરાબર પરંતુ મયંક આટલી સિફ્તપૂર્વક પોતાના ચહેરાના હાવભાવ સપાટ કઈ રીતે રાખી શકે છે એ વિચારીને ગુલશનને થોડુંક આશ્ચર્ય પણ થયું.

બધું જોઈ રહેલા હંસાબહેન પુત્રની વહારે આવ્યા..”ભાઈ, તમારી કશી ચૂક તો થતી નથીને?” એમણે ગુલશન સહાનીને પ્રશ્ન કર્યો.

ગુલશન સહાનીએ હંસાબહેનના પ્રશ્ન પર ધ્યાન આપ્યું નહિ. એ હજુ અપલક આંખે મયંકને જોઈ રહ્યો હતો.

“મમ્મી, હું આ ભાઈને નથી ઓળખતો. એ કહે છે કે તેઓ મને પેરિસમાં મળેલા પણ હું ક્યારેય પેરિસ ગયો જ નથી.”

“કેમ આવું બોલે છે? અને તે આટલું બધું વજન ઉતારી નાંખ્યું?” ગુલશનને મયંક સિવાય બીજી કોઈ જ બાબતમાં રસ નહોતો!

“અચાનક તને પાર્કિંગમાં જોયો તો મળવાની લાલચ રોકી શક્યો નહિં અને ઉપર આવી ગયો. બીજું કશું જ નહીં.”

“જુઓ મિસ્ટર, તમે શું બોલો છો એ અમને કોઈનેય સમજાઈ નથી રહ્યું. અત્યારે અમારા ઘરે પાર્ટી છે. આપ પછી આવજો.” મયંકના અવાજમાં અણગમો સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો હતો.

“અત્યારે જો બે મિનિટ વાત થઈ શકે તો ઠીક. કાલ સવારની મારી ફ્લાઇટ છે. પણ તું ચિંતા ના કરીશ. મેં કોઈને કીધું નથી ડિયર અને કશું કહીશ પણ નહીં.” ગુલશનના સ્વરમાં આજીજી ભળી. એની આંખોમાં કશુંક હતું, ખૂબ તરલ. જે કોઈનાથી ઉકેલાઈ નહોતું રહ્યું.

આ તરફ હવે બીજા બેચાર મહેમાનોનું ધ્યાન પણ ખેંચાયું હતું.

“એક તો તમને અહીંયા કોઈ જ ઓળખતું નથી. ઇન્વીટેશન વગર પાર્ટીમાં આવી ગયા છો અને ઉપરથી આટલી લપ કરો છો. મારી મમ્મીનો બર્થડે છે અને અત્યારે અમારા ઘરે મહેમાન છે. તમને વાત કરવી હોય તો કાલે મળજો. આવજો.”મયંકે હાથ જોડ્યા અને પીઠ ફેરવીને ચાલવા લાગ્યો.

“વેઇટ..” બોલતાં ગુલશને બે ડગલાં આગળ વધીને મયંકનો હાથ પકડી લીધો.

“તમે એમ નહીં સમજો.. ” બબડતાં મયંકે ગુલશન સહાનીને બાવડાંમાંથી પકડ્યો અને દરવાજા તરફ લઈ જવા લાગ્યો. દરવાજાની નજદીક પહોંચીને હળવો હડસેલો મારીને એને બહાર ધકેલી દીધો. ગુલશન સહાનીના ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ. એણે મયંકે ઝાલી હતી શર્ટની એ સ્લિવ બીજા હાથે ખંખેરી.

“મયંક.. સાંભળ તો ખરો..”

“સિક્યોરિટી..” એનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ મયંકે બૂમ પાડી.

ગુલશનનો ચહેરો તંગ થઈ ગયો. “ડ્યુરિંગ હૂક-અપ યુ વર નોટ લેટિંગ મી અવે… યુ વર ક્રેઝી ધેન! યુ સન ઓફ બીચ! ઍન્ડ નાઉ…” ગુલશન સહાનીએ વાક્ય અધૂરું છોડી દીધું. એણે મયંક તરફ ધારધાર નજરે જોયું અને પછી ઊંધો ફરીને સડસડાટ દાદરા ઉતરી ગયો.

અયના દિગ્મૂઢ થઈ ગઈ ને હંસાબેન સ્તબ્ધ! મયંક આંખો ફાડીને ગુલશન સહાનીને જતાં જોઈ રહ્યો. જે મહેમાનોએ ગુલશન સહાનીની એ વાત સાંભળી લીધી હતી એમની વચ્ચે ગણગણાટ શરુ થઈ ગયો. મયંક સ્તબ્ધ હતો.

એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે ગુલશન સહાની જતાંજતાં શું બોલી ગયો.

બીજી તરફ,

પ્રતાપરાય.. આ બધી ભાંગજડ શરુ થઈ એ પહેલાં જ ધીરેથી ડાબી સાઈડ આવેલા વૉશરૂમમાં સરકી ગયા હતા અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. દરવાજાને પીઠ અઢેલી, આંખો બંધ કરીને તેઓ ઊભા રહ્યા અને ચઢી ગયેલા શ્વાસને હેઠો લાવવાના પ્રયત્નો કરવા લાગ્યા.

બે-ચાર ઉંડા શ્વાસ લઈ એમણે આંખો ખોલી. સામે જ આદમકદનો આયનો હતો. એમાં પોતાનું જ પ્રતિબિંબ નીરખીને આવા તંગ વાતાવરણમાં પણ તેઓ મલકી પડ્યા. આ ઉંમરે પણ ટકાટક સાચવેલા પોતાના શરીર સૌષ્ઠવ પર એમને ગર્વ થયો. પહોળા ખભા, સ્નાયુબદ્ધ બાવડાં, ફ્લેટ પેટ અને કમર પાસેનો પરફેક્ટ ‘વી’ શેપ.

અને…

ફરતી ફરતી એમની નજર ચહેરા પર થઈને કાન પાસેના વાળમાં આસ્તે આસ્તે ફેલાઈ રહેલી સફેદી પર ગઈ. એમણે જમણાં હાથની આંગળીઓ ત્યાં ફેરવી અને તણી ગયેલો શ્વાસ હેઠો મુક્યો.

“સારું થયું ગઈ કાલે ડાઈ કરવાનો સમય ના મળ્યો!” તેઓ બબડ્યા. એમણે દૂરથી જ ગુલશનને અંદર આવતાં જોઈ લીધેલો.

~ રાજુલ ભાનુશાલી
rajulbhanushali51@gmail.com

Leave a Reply to Kalpana DesaiCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 Comments

  1. આ વાર્તા બારડોલીમાં તમારી પાસેથી સાંભળેલી…રસપ્રદ અને રહસ્યમય..