“દુશ્મન ભાભી “ ~ વાર્તા ~ વસુધા ઈનામદાર
પાંચેક દાયકા પહેલાંની આ વાત, અમદાવાદથી અમારી બદલી થઈ. ત્યાંનું ઘર સંકેલીને થોડા દિવસ પહેલાં જ તાલુકાનું બિરુદ પામેલા રામપુર નામના એ ગામમાં અમે પ્રવેશ કર્યો.ગામમાં પેસતાં જ નાના મોટાં વૃક્ષોની હારમાળાએ ધ્યાન ખેંચ્યું .પંખીઓના કલબલાટથી વાતાવરણમાં જાણે ઉર્જાનો સંચાર થતો લાગ્યો. આગળ જતાં નાનકડાં તળાવની આસપાસ ઉગેલાં વૃક્ષોપર વાનરસેનાની હૂપાહૂપ ચાલતી હતી . અમારાં આંગળીએ વળગીને ચાલતી દીકરી કૂતુહલથી અને થોડાક ડરથી વાનરો સામે જોઈ બોલી , “મમ્મી ,કેટલા બધાં હનુમાન દાદા ! “ એના પપ્પાએ એને ઊંચકી લીધી .
અમે હવે ગામમાં પ્રવેશી ચૂક્યાં હતાં. આમ તો એ ગામ તમને ધૂળિયું જ લાગે ! શહેર છોડી આવા ગામડામાં અમે થોડાક ડરથી ને થોડીક હિંમતથી ચાલતાં રહ્યાં. અમે અમારી દીકરીને લઈને સાંકડી શેરીમાંથી પસાર થયાં ને કહેવાતા મુખ્ય રસ્તા પર આવ્યાં . રસ્તાની ડાબી બાજુએ એક વિશાળ દરવાજાવાળો વાડો જેને ડોક્ટર સાહેબનો ડેલો પણ કહેતાં, તે દેખાયો ! ધૂળથી ભરેલું, ને ઝાંખું થયેલું એક પાટિયું ત્યાં લટકતું હતું , જેના પર લખ્યું હતું, “દવાખાનું. “
સાથે આવનાર ભાઈએ કહ્યું ‘ સાહેબ , આ ગામનાં આ મોટા ડોક્ટર છે.’
મેં પૂછ્યું ,’સરકારી દવાખાનું છે ?’ એમણે કહ્યું , “ના બેન, આ તો ખાનગી દવાખાનું છે. સરકારી દવાખાનું ગામની બહાર, ને તેય ત્યાં ડોક્ટરસાહેબ બહારગામથી આવે છે, ગામમાં બીજા બે ડોક્ટર છે પણ બધાં અહીં નાણાવટી સાહેબને ત્યાં જ આવે !’
ગામમાં પેસતાં ધૂળિયાં દવાખાનાની અણગમતી કલ્પના મનમાં સાકાર થઈ ગઈ. એમના એ દવાખાનાં આગળથી બે રસ્તા નીકળતા હતા .એક તળાવ તરફ ને એક ગામ તરફ હું વિચારતી આટલા બધાં વર્ષના શહેરના વસવાટ પછી આ ગામડામાં અમને કેમ ફાવશે ? દીકરી બિમાર પડશે તો શું? આ ધુળીયા દવાખાનામાં આવવું પડશે ? અમે અમારા કંપનીના મકાનમાં આવ્ચાં, બે માળનું મોટું મકાન નીચે કંપનીની ઓફિસ અને ઉપર રહેવા માટે બે મોટા ઓરડાને અડીને એક નાનું રસોડું ! રસોડાને અડીને મોટી બાલ્કની જે બરાબર ગામના બજાર વચ્ચે પડે, ત્યાં ઊભાં રહીએ તો ગામનું મુખ્ય બજાર અને એમાં થતી લોકોની ચહેલ પહેલ દેખાય . એટલું જ નહીં , વાહનોની અવર જવર માટેનો એ રસ્તો, અહીંના બજારમાંથી પસાર થતો. ખાસ તો સરકારી વાહનો , જેમાં મોટા ભાગે જીપ હોય, તો ક્યારેક બસ સ્ટેન્ડ પર પેસેંજરને લઈ જતી ઘોડાગાડી અથવા તો દર રવિવારે ભરાતી શાકમાર્કેટમાં આવતી બળદગાડીઓ પણ હોય. એથી બજારનો એ રસ્તો હંમેશા જીવંત ભાસતો. અમારી દીકરી મોટે ભાગે બાલ્કનીમાં આવતા જતા લોકો અને વાહનો જોતી. ક્યારેક પસાર થતા વાહનચાલકો એને હાથ હલાવી સ્માઈલ આપતા તો સામે એ પણ હાથ હલાવી એમનું અભિવાદન કરતી ! એને ગામડું કે શહેર કોઈ ફરક ન હોતો પડતો !
અમે જ્યાં રહેતાં ત્યાં મકાનની નીચેની ઓફીસમાં આંખને ઊડીને વળગે એવી સ્વચ્છતા ! હું હજી સ્વસ્થ થઈને રસોડામાં જઈને ત્યાંની વ્યવસ્થા વિશે વિચારું તે પહેલાં તો ઓફીસના પટાવાળાએ કહ્યું, ’બહેન, રસોડું ગોઠવાય ત્યાં સુધી તમારી જમવાની વ્યવસ્થા સ્ટાફે કરી દીધી છે.’ મેં મારા પતિ સામે જોયું. એ કશું કહે તે પહેલાં જ પટાવાળાભાઈ બોલ્યા , “સાહેબ, આ ગામમાં આવનાર નવા સાહેબ માટે આપડી ઓફીસનો આ રિવાજ જ છે, એવું સમજોને !”
ત્યાંતો ઓફીસમાં પાણી ભરવાનું ને સફાઈનું કામ કરતાં મંગુબહેન નવી નકોર માટલીમાં પાણી લઈને આવ્યાં, એમણે પાણિયારે જઈ માટલી મૂકી, પિત્તળનું ચકચકતું બુજારું ને બાજુની ખીલી પર ડોયો મૂક્યો! અમે કશું કહીએ તે પહેલાં એ જ બોલ્યાં , ‘સાહેબ, મારું નામ મંગુ પણ બઘાં મને માજી કહે છે. અહીં કામ કરતાં કરતાં આ માથે ધોળાં આયા ! ‘ અને એ સૂકલકડી ઠીંગણી કાયાવાળાં મંગુબહેન ઉર્ફે માજી હસી પડ્યાં ! ને જતાં જતાં બોલ્યાં ,”અહીં ઉપર પાણી વહેલી સવારે એક જ વાર આવશે. તમે ચિંતા ના કરશો. હું પહેલાં તમારું પાણી ભરીશ અને પછી ઓફિસનું ! હા સાહેબ, એક વાત કહેવાની. તે આ તમે સ્ટાફને જરા દાબીને કહેજો. મારા રોયા, પાણી પીએ ઓછું અને ઢોળે વધારે ! આ ગામની ભોંય તો સાવ સૂકીભટ ! પાણી તો જીવનદાતા કહેવાય! એનો બગાડ થાય ? ખરું ને, બેન? “ પવનની એક નટખટ લહેરકીની જેમ માજી આવ્યાં ને ગયાં !
હું અને મારા પતિ એક ન સમજાય એવી મુંઝવણ અનુભવતા હતાં. ગુજરાતના સૌથી ઉત્તરે આવેલું આ ગામ વિષમ હવામાન ધરાવતું હતું . અહીંની આબોહવા એકદમ સૂકી. ઉનાળામાં સખત ગરમી અને ઉત્તરે આવેલાં રણને કારણે શિયાળામાં સખત ઠંડી પડતી હતી .
બપોરના બાર વાગવા આવ્યાં હતા. દીકરીને ઊંધ ચઢી હતી. અમે વિચારવાં લાગ્યાં, તેને ક્યાં સૂવાડવી ? અમે બાજુના રુમમાં ગયાં. ત્યાં જ દાદરા પરથી કોઈનો પગરવ સંભળાયો. આધેડ વયના થોડાક ઊંચા પણ નમીને ચાલતા નાથાભાઈ હાથમાં પંખો લઈને આવ્યા, ને બોલ્યા, “સાહેબ, આજે ગરમી ખૂબ છે. આ રુમનો પંખો એકાદ બે દિવસમાં રીપેર થઈ જશે. હું રાતની ડ્યુટી કરું છું, ચોકીદાર છું. લાગે છે કે આજે આંધી આવશે. સાહેબ, બારી બારણાં બંધ કરજો. આ લોબીમાં ધૂળ આવશે, એ તો માજી આવે તે પહેલાં હું સાફ કરીને જઈશ ને કંઈ કામ હોય તો નાથાભાઈ કહીને બૂમ પાડજો તરત જ આવી જઈશ.“
એમના ગયા પછી અમે એકબીજાની સામે જોઈ રહ્યાં , દીકરી પડખું ફેરવીને સૂઈ ગઈ. બીજે દિવસે સવાર થતા થતામાં તો મંગુબેન ઉર્ફે માજી આવી ગયાં. એમને જોતાં જ મેં હાશકારો અનુભવ્યો !
અમને જોઈને એમની આંખો હસી ઊઠી ,અને છી હાસ્યની સાથોસાથ પ્રસન્નતા સમગ્ર ચહેરા પર ફેલાઈ ! જાણે વર્ષોની ઓળખાણ ! માજીએ દીકરીની નજીક જઈ એના માથે હાથ ફેરવી પાર્લેનું બિસ્કુટનું પેકેટ એના હાથમાં મૂક્યું , દીકરી દોડતી આવી ને મારી સામે જોઈ રહી તે જોઇને માજી બોલ્યાં “લે , લઈ લે. લેવાય હોં ! “
મેં કહ્યું, “પણ માજી ……”
“આ તો છોરું કહેવાય બેન. તમારે ત્યાં કામે આવતાં હમણાં જ લઈને આવી છું “
આમ ગ્રામ્ય વાતાવરણમાં પ્રેમાળ માણસોની વચ્યે ધીરે ધીરે અમે ગોઠવાઈ ગયાં દિવસો વિતતા ગયા અમદાવાદ માનસપટ પરથી ભૂલાતું ગયું. જેમ અહીં ગરમી વધારે તેમ ઠંડી પણ એટલી જ ! એક દિવસ અચાનક મારી દીકરી માંદી પડી , ને મને અમદાવાદ અને ત્યાંના ડોક્ટરો યાદ આવ્યા. એમની ઓફીસમાંથી કામ કરતા ભાઈને ખબર પડી ને તેઓ અમારી મદદે દોડી આવ્યા. “સાહેબ , અહીં ડોક્ટર નાણાવટી ખૂબ સારા છે, બહુ જ સેવાભાવી છે, વડોદરા યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલીસ્ટ છે , આમ તો સર્જન છે છતાંયેબાળકો માટે પણ ખુબ સારા છે. આપણી કંપનીના ઘણા ખરા ત્યાં જ જાય છે . સાહેબ એમનું દવાખાનું બહુ દૂર નથી. ચાલીને જવું છે કે પછી ઘોડાગાડી બોલાવવી છે ? નાથાભાઈને મોકલું ? એ દીકરીને તેડી લેશે. ‘
અમે એમને ના પાડી. દીકરીને ખભે ઊંચકીને ડોક્ટર નાણાવટી સાહેબને ત્યાં અમે ગયા. અંદર જઇને જોયું તો એટલા મોટા વાડામાં ધૂળનું નામો નિશાન નહીં . અંદર પ્રવેશતાં જમણી બાજું ડોક્ટરની નાનકડી ઍાફીસ. ત્યાં એક પ્રૌઢ પણઅત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિએ મંદ સ્મિત સાથે ‘આવો’ કહીને અમારું સ્વાગત કર્યું ! એમને જોતાં જ અજાણતાં નમસ્કારની મુદ્રામાં અમારાં હાથ જોડાઈ ગયા. એમણે હસીને મારી દીકરી માટે એક નાનકડી ખુરસી ખસેડી અને એને બેસવાનો ઈશારો કર્યેા ! દીકરી એના પપ્પાને વળગીને ડોક્ટરને જોઈ રહી.
તેઓએ દીકરીને તપાસી ને તે બોલ્યા, “વિ .એમ .કંપનીનાં નવા મેનેજર છો ને ! જુઓ ભાઈ, તમારી દીકરીને સીઝનલ બીમારી છે. મારું માનો તો કોઈ દવા કે ઈંજેક્ષનની જરુર નથી. છતાં તાવ ના ઉતરે તો આ બે ટેબ્લેટ આપું છું. “ ને પછી નાના બાળકોને શક્ય એટલી ઓછી દવા તેમાંય ખાસ કરીને એન્ટીબાયોટીક દવાઓ આપવાનું પોતે કેમ ટાળે છે તે સમજાવ્યું .
એમના દવાના ચાર્જની વાત કરી ત્યારે હસીને કહ્યું, “અમે સાંભળ્યું છે કે તમે બ્રીજ અને ચેસ ખુબ સારું રમો છો. સમય હોય તો ઘરે આવો, એ તમારો ચાર્જ ! મારાં પત્ની મીડવાઈફ છે. સ્ત્રીઓનું ડીપાર્ટમેંટ એ સંભાળે છે, ખાસ કરીને ડીલીવરીના કેસ ને ક્યારેક સિઝરીયનના કેસમાં મારી સહાયક હોય છે. પત્તા રમવાની શોખીન છે .(ત્યારે રેડીઓ સિવાય અન્ય કોઈ મનોરંજનનાં સાધનો નહોતા.) મારા પતિએ કહ્યું, “અમે પણ એમના વિશે સાંભળ્યું છે કે તેઓ વાનરોને અને રખડતાં કૂતરાને નિયમીત રોટલા ખવડાવે છે, ખરું ને ?“
“અરે એ વાત પર તો સાત દિવસની સપ્તાહ બેસાડવી પડે ! “ને પછી ડોક્ટર સાહેબ ખડખડાટ હસ્યા !
આગળ જતાં એમની સાથે ખુબ નીકટનાં સંબધો બંધાયા. ગામમાંથી બહાર જતાં કે આવતાં એમના દવાખાના ઉપરાંત એમના ઘરે વાડામાં જવાનો વણલખ્યો નિયમ બન્યો ! મનમાંથી અમદાવાદ ભૂંસાતું ગયું. અમે હવે બરાબર ગોઠવાઈ ગયાં હતાં. મારા પતિ પણ નિયમિત રુપે ત્યાંની ક્લબમાં જતા. એ ક્લબમાં જનારા રમતો રમવા ઉપરાંત સમાજ સેવાનું કાર્ય પણ કરતા.
એક દિવસ મારા પતિેએ કહ્યું, ”આજે અમારી જોડે ક્લબમાં રમવા આવતા ઠાકોર સાહેબને આપણે ત્યાં લંચ માટે આમંત્ર્યા છે. તેઓ મોટા ઓફીસર છે. તેઓ બહુ કડક સ્વભાવના છે. એવું સાંભળ્યું છે. એટલે થોડું સંભાળજો ! “
માજીની મદદથી અમે થોડીક હળવી વાનગી ઘરે બનાવી . લંચનો સમય થયો એક રુઆબદાર પર્સનાલીટીવાળી વ્યક્તિ મોઢામાં લાંબી સીગાર સાથે ઘરના દરવાજે ઊભી રહી. હું અને મારી દીકરી, એમને આવકારવા ઊભાં જ હતાં. અમે ક્ષણેક એમની સામે જોઈ જ રહ્યાં. મેં માજીને બોલાવીને દીકરીએમને સોંપીને અત્યંત મક્કમતાથી કહ્યું , ”આવો સાહેબ, પણ આ સીગાર સાથે નહીં .“
તેઓ ક્ષણેક સ્તબ્ધ થઈ મને જોઈ રહ્યા ! મારા પતિના ચેહરા પર છવાયેલી ચિંતાની મેં નોંધ લીધી. ઠાકોર સાહેબ મને સહેજ નમન કરતા બોલ્યા, ”ઓકે ,ભાભીજી.“
અને બાજુમાં મૂકેલાં ફૂલનાં કુંડામાં એમણે સીગાર ઓલવી. એમની એ સહજતા ને સરળતાનું અમને બંનેને આશ્ચર્ય થયું. આગળ જતા એમની પત્ની સાથે મારે દોસ્તી થઈ. તેઓ પણ અમારે ત્યાં આવતાં. ઠાકોરસાહેબ ક્લબમાં જવા માટે મારા પતિને બોલાવવા હોય તો દાદરા આગળ ઊભા રહીને મને કહેતા, ”ઓ દુશ્મન ભાભી, જરા મેનેજર સા’બ કો નીચે ભેજો .”
તેઓએ જાણે મને ‘દુશ્મન ભાભી ‘નું મૈત્રી ભર્યુ બિરુદ આપ્યું હતું ! અમે રહ્યાં ત્યાં સુધી મને “દુશ્મન ભાભીજી “ જ કહેતા. ક્યારેક એમની પત્ની મને કહેતી ,”ભાભીજી , આપને તો ઉનકો ઈસ તરહસે ટોકા, મૈં ક્યા, મેરે સસુરજી ભી ઉસ બારેમેં ઉનકો કુછ કહેને કી હિંમત નહી કર સકતે ! આપકે ઘર આતે વખ્ત વો અપની સીગારકા બોક્સ ઘર પર છોડકે આતે હૈં!” અમારી દોસ્તીમાં એમનું એ “દુશ્મન ભાભી”નું સંબોધન, મૈત્રી સભર હુલામણો ટહુકો બનતો ગયો ! એ વાતને દાચકાઓ વીત્યાં. ક્યાં હશે ઠાકોર સાહેબ ?
આમ એ ગામ હવે અમને પોતીકું લાગતું હતું. આમ જ , એકવાર ડોક્ટર સાહેબ સાથે વાતોનો દોર ચાલતો હતો ને ત્યાં એક બળદગાડી દવાખાનાના વાડામાં પ્રવેશી , એમાં સૂતેલી પીડાતી સ્રીનો અવાજ સંભળાતો હતો. વાતો અધૂરી મૂકી ડોક્ટર સાહેબ સામે દોડી ગયા. ડોક્ટરને જોતા જ ગાડી ચાલક નીચે ઉતરી એમના પગ પકડવાની કોશિસ કરતા કહેવા લાગ્યો, “સાહેબ, મારી ઘરવાળીને બચાવો બે દિવસથી પીડાય છે.” અત્યંત પીડાથી કણસતી ગર્ભવતી સ્રીને એમણે દવાખાનામાં દાખલ કરી. ત્યાં તો એમની પત્ની આવીને બોલી ,”પહેલાં ત્રણસો રુપિયા ટેબલ પર મૂક પછી જ ,જે કાંઇ કરવું હશે તે અમે કરીશું ! “
‘બેન, આ સો રુપિયા લો બાકીના પછી ‘,
‘એ ના ચાલે ‘
‘પણ બેન , હાલ આટલા જ છે ,’
‘તો જા. તારા બળદ ગીરવે મૂકી આવ. ‘ ને, બેને ધડાક દઇને મેટરનીટીનો વોર્ડ તો નહી પણ ડીલિવરી વાળી રુમનો દરવાજો બંધ કર્યો , નાણાવટી સાહેબ આશ્ચર્યથી એ બધું જોઈ રહ્યા ,એમણે પોતાની ઓફીસમાં જઇને બસ્સો રુપિયા કાઢીને ખિસ્સામાં મૂક્યા ને ગાડીવાળાને આપ્યા ને કહ્યું ,
‘જા. તારું બળદ ગાડું લઇને બહાર જા અને પાછો આવીને બેનને પૈસા આપીને કહેજે કે બળદો ગીરવે મૂકીને લાવ્યો છું. જા, તારી ઘરવાળીનું ઓપરેશન કરવું પડશે તો હું કરીશ “.
આવા તો અનેક પ્રસંગ દાયકાઓ પછી પણ કોઈ ડોક્યુમેટ્રી ફીલ્મની જેમ સ્મરણ પટે ફિલ્માયા કરે છે. સાંભળ્યું છે કે એ વાડો હવે ખંડેર હાલતમાં છે. અમારી બદલી થયા પછી ઠાકોર સાહેબની પણ બદલી થઈ ગઈ હતી. પણ એ ગામમાં વિતાવેલો સમય યાદ કરીએ છીએ ત્યારે નાણાવટી સાહેબ જેવા દયાળું ડોક્ટર અને “ઓ દુશ્મન ભાભી “ જેવા નિસ્વાર્થ મૈત્રીના ટહુકા દિલમાં વસંત બનીને મહોરી ઊઠે છે !