સકુબાઈ (એકોક્તિ) ~ યુગલ પંડિત, સુરત ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૨૭
ચોપડીનાં પાનાઓની જેમ દિવસો પલટતા જાય છે. ખબર જ નથી પડતી કે એ જાય છે કે આવે છે. આ કચરા, પોતાં, વાસણ, કપડાં કરતાં કરતાં દસ વરસ નીકળી ગયાં, તોય મારા જીવનની ગાડી હજી એ જ સ્ટેશને ઊભી છે. ખબર નહિ એ ક્યારે વિકાસના પાટે ચઢશે.
બળ્યું વિકાસનું નામ લઈએ ને લોકોને રાજકારણ દેખાય છે. અરે શું જીવનને વધુ સારું બનાવવું એ અંગત વિકાસ નથી? મારું કામ કચરા કાઢવાનું ને પોતાં મારવાનું છે અને હું મારું કામ ચોક્કસ નિયમોથી કરું છું.
તમને તો એવું થતું હશે કે વળી કચરા-પોતાં કરવામાં શું નિયમો ને શું ચોકસાઈ, વાહ ભાઈ? તમારું કામ કામ ને મારું કામ તમામ? કચરો કાઢવો હોય તો આમ આગળ ચાલવું પડે એન્ડ પોતું મારવું હોઈ તો આમ પાંચ પગે ચાલવું પડે. જો આ નિયમ વગર કામ કરોને તો તમારાં કરેલાં કામ પર તમારાં જ પગલાં પડી જાય.
અરે! અરે દીકરા! આમ કેમ દોડતો-હાંફતો આવે છે? શું કહ્યું? બાપાએ મોકલ્યો છે? કેમ? લૉટરી લાગી છે?! કોને? શું કહે છે? આપણી લૉટરી લાગી છે?! દસ કરોડવાળી લૉટરી?
હે હજાર હાથવાળી મારી માડી તારી કૃપા અપરંપાર છે. આખરે તે મારું સાંભળ્યું ખરું, પણ મા આ ખુશીના સમાચાર સાંભળીને હું કંઈ બેભાન નહિ થઈ જાઉં. એવું તો ફિલ્મમાં ને નાટકમાં થાય. હું તો આ ચાલી મારા લૉટરીના રૂપિયા લેવા. હવે તો કચરા-પોતાંથી હું અને મારાંથી કચરા-પોતાં છુટાં પડીશું.
આ ડૉમિનોઝના પિઝા તો એવા ને કે ખાધા જ કરો ને ખાધા જ કરો. આહા આહા… અને ડૉમિનોઝ જ શું કામ ભાઈ, મેં તો બધા પિઝા ખાધા છે, ડૉમિનોઝ, લિપિનોઝ, પિઝા રિટો, પિઝા હટ, અરે હટ!! મારે ક્યાં ખોટ છે…
રમીલા… અરે ઓ રમીલા.. આ પિઝાનાં બૉક્સ છે ને તે ઉઠાવીને કચરામાં નાખી દેજે. બળ્યો એનોએ મોટો ઢગલો થતો જાય છે. ખબર છે હમણાં તો એવી આદત પડી ગઈ છે ને કે આ પીઝઝો ખાઈને થમ્સ-અપ તો પીવી જ પડે ક્યાં તો આઈસ-ક્રીમ ખાવો પડે. એમાંએ પાછો ડર લાગતો હોય તો માઉંટેઈન-ડ્યું પીવું પડે તો જ જીત મળે… એટલે કે શાંતિ મળે.
મારે ક્યાં ખોટ છે…. જીવન તો એવું જઈ રહ્યું છે કે દિવસની રાત અને રાતનો દિવસ ક્યાં થઈ જાયને એ ખબર જ નથી પડતી. પહેલા તો એક રૂમનું ઘર હતું. એક ખૂણામાં રહોડું ને બીજા ખૂણામાં ચોકડી અને બાકીની જગ્યામાં મહેમાન આવે ને ત્યારે મેળો ભરાતો. અને હવે તો રસોડું, ચોકડી, બેડરૂમ, ડ્રોઈંગ રૂમ બધું અલગ. ટીવીનો રૂમેય અલગ.
અરે પેલી રાશિ રિક્ષાવળીને જોઈ મારું મન મોહી ગયું…. હા…. હા…. પેલી ટીવી પર સિરિયલ આવે છે ને એની જ વાત કરું છું. ખાઈ-પીને નવરા પડીએ એટલે એ….ય ટીવીની સામે બેસી જવાનું. ઝોકાં આવે ત્યાં સુધી જોવાનું ને પછી એસી ચાલુ કરીને પડવાનું. મને ક્યાં ખોટ છે….
પણ આટલી એશો-આરામવાળી જિંદગી અને મેહનત વગરની જિંદગીથી જે તકલીફો થાય છેને એ મને પણ થવા લાગી છે. છાસવારે હાથ-પગ ઝલાઈ જાય છે. હાથ-પગના ગોટલા દુખે છે અને ખાવાનું નથી પચતું તે નફામાં.
મને ક્યાં ખોટ છે એ મારા મનનો વહેમ છે. ખરી ખોટ તો શરીરની તંદુરસ્તી છે. ચાર ઘરમાં કામ કરીને થાકેલી હું….. મને પથારીમાં પડતાંવેંત જ મીઠી નીંદર આવી જતી, પણ મારી માતા તારો હું ખૂબ પાડ માનું છું કે તે મને એટલી સાબૂત રાખી કે હું મારી ભલાઈનો રસ્તો જોઈ શકું. આપણે તો કાલથી જ આપણા અસલ કામ પર પાછાં ચડી જવાના. કચરા-પોતાં-વાસણ-કપડાં અને કાલથી શું કામ.. કાલ કરે સો આજ કર..
ઓ મીનાબેન…. આ સકુબાઈ ઘરકામ કરવા પાછી આવી ગઈ છે. દરવાજો તો ખોલો….
yugalkishorp@yahoo.com
સરસ