“સામસામે” ~ નવલિકા ~ રઈશ મનીઆર

(આ નવલિકાનો અંત, સાંપ્રત સમયમાં પણ એકમાત્ર – Applicable Option – લાગુ પડે એવો વિકલ્પ છે, એવું Subtly –  પ્રચ્છન્ન્તા અને ચતુરાઈથી  ફલિત કરે છે. રઈશભાઈની સક્ષમ કલમથી કંડારાયેલી આ નવલિકામાં કથાવસ્તુ કે એનો કાળખંડ કે એની પ્રલંબતા, શેનેય કારણે ક્યાંય પણ રસક્ષતિ નથી થતી, એ આ નવલિકાનું જમાપાસુ છે.)

નદીને કાંઠે જળ ભરીને ઘર તરફ જઈ રહેલી ચિન્મયીને સૂર્યમંત્રના અવાજ સંભળાયો. એણે પાછળ જોયું.

“ઓમ આદિત્યાય નમ: ઓમ ભાસ્કરાય નમ:”

સોએક હાથ દૂર એક યુવક કમર સુધી ડૂબે એ રીતે નદીના પાણીમાં ઊભો હતો. લાલ રંગનું અંગરખુ ઓઢેલ સોળ વરસનું એ શરીર સાવ બાળકનું ય નહોતું. અને હજુ પૂર્ણ વિકસિત યુવાન જેવું માંસલ કે સ્નાયુબદ્ધ પણ નહોતું. ચિન્મયીએ એની તારુણ્યસહજ જિજ્ઞાસાથી નજર એ દૃશ્ય પર ટેકવી રાખી પણ કુમાર તરફ એકધારું જોવામાં તકલીફ પડતી હતી. ઢાલથી સજ્જ છ અંગરક્ષકો એની ફરતે ઊભા હતા. ચારના મોં ચાર દિશામાં હતા. બીજા બે એની આજુબાજુ પહેરો ભરી રહ્યા હતા. એમની હલચલથી દૃશ્ય ઢંકાઈ જતું હતું.  સૂરજસેને તાંબાના લોટા વડે પૂર્વદિશામાં જોઈ અંજલિ આપતી વખતે આંખો મીંચી. છ અંગરક્ષકો સાવધ હતા, જાણે યુવાનનો જીવ જોખમમાં ન હોય! પણ ગમે તેટલા જોખમમાં સૂર્યવંશી કુળમાં જન્મેલ કુમારને માટે આ સૂર્યપૂજા એક અનિવાર્ય કાર્ય હતું.

નદીનો પટ ગામથી થોડો દૂર હતો. અહીં આ કાંઠે નીચાણ વાળો વિસ્તાર હતો તેથી ચોમાસામાં પૂર આવતું એ કારણે સૂરજસેનનું ગામ માનગઢ નદીથી થોડું દૂર વસ્યું હતું, સામા કિનારે ખાસી ઊંચી ભેખડ હતી, ત્યાં પૂરનો ડર નહોતો એટલે એ ગામ સામગઢ બરાબર નદી કિનારે વસેલું હતું. વચ્ચેથી નદીનો સો હાથનો પટ વહી જતો. આ પટ પર પચાસેક હાથના વિસ્તારમાં રેતી હતી. પથરાયેલી હતી. સામી તરફ ઓવારા હતા. ચોમાસામાં નૌકાઓ ફરતી. બાકીનો સમય થોડું ચાલી અને થોડું તરીને નદી પાર કરી શકાતી.

આઠમી સદીની આ વાત છે. અહીંથી પચાસ જોજન પશ્ચિમમાં ચાલુક્ય રાજાઓને પ્રદેશ હતો, પૂર્વમાં ત્રીસ જોજન દૂર રાષ્ટ્રકૂટ રાજાઓનું શાસન હતું. વચ્ચેના જંગલી પહાડી પ્રદેશમાં આવાં થોડાં નાનાં ગામ હતાં જે આ બન્ને સામ્રાજ્યોની પહોંચથી દૂર હતાં, અંતર વધુ હોવાથી વહીવટની દૃષ્ટિએ મોટાં સામ્રાજ્યોને આ ગામો જીતવાથી ખાસ ફાયદો થાય એમ નહોતું તેથી આ બન્ને ગામ અને આવા બીજાં થોડાં ગામ સ્વતંત્ર હતા. નાનાનાના નાયકો અહીં પોતાને ‘રાજા’ ઘોષિત કરી શાસન કરતા. એમની વચ્ચે સત્તાની ફેરબદલી માટે ખૂનામરકી થવી એ બહુ સામાન્ય વાત હતી.

માનગઢ અને સામગઢ વચ્ચે કટ્ટર શત્રુતા હતી. અંગરક્ષકો તેથી જ માનગઢના ‘રાજા’ શંભુસેનના રાજકુમાર સૂરજસેન સાથે આવ્યા હતા.

સૂરજસેનની પૂજા પતી પછી એને નદીમાં ડૂબકી લગાવવાનું મન થયું. વડીલોને રૂચે એવી વિધિ પતી, હવે તરૂણને ગમે ક્રીડા માટે થોડો સમય ચોરી શકાય એમ ધારી એણે તરવાનું શરૂ કર્યું અને મુખ્ય અંગરક્ષકે બૂમ પાડી, “કુમાર! પિતાજીની આજ્ઞા નથી.”

સૂરજસેને આ ચેતવણી પર બહુ ધ્યાન આપવા વગર તરવાનું ચાલું રાખ્યું, સવારના શાંત વાતાવરણમાં પાણીનો છપાકછપ્પ અવાજ ચોતરફ વ્યાપી રહ્યો. હવે છ અંગરક્ષકો સૂરજસેનના તરવાના વિસ્તારને આવરીને એક હરોળમાં ગોઠવાઈ ગયા અને સામેની ભેખડ તરફ નજર રાખવા લાગ્યા.

ચિન્મયીની નજર સામે કાંઠે ભેખડ પર એક તીરકામઠાંવાળાની હલચલ પર પડી અને એકાએક એના મોઢેથી ચીસ નીકળી ગઈ, “સૂરજસેન!”

સૂરજસેને તરત કિનારા તરફ જોયું એટલામાં તીર સનનન્‌ કરતું એના બાવડામાં ઘૂસી ગયું. કદાચ સૂરજસેને કિનારા તરફ ન જોયું હોત તો નિશાન તો સામી ભેખડ પરથી એની છાતીનું જ લેવાયું હતું. બે અંગરક્ષકોએ કુમારને ટેકો આપ્યો બીજા બે અંગરક્ષક ઢાલ ધરી ઊભા રહી ગયા. મુખ્ય અંગરક્ષકે સામે કાંઠે ભાગી રહેલા તીરકામઠાંવાળા મારાની પીઠનું નિશાન લઈ બાણ છોડ્યું. એ લથડિયું ખાઈ ત્યાં જ પડ્યો. બીજા અંગરક્ષકોએ એ લથડતા શરીર પર બીજા બેત્રણ તીર ચલાવી એના દેહની હલચલ શાંત કરી દીધી.

અંગરક્ષકો ઝડપથી ઘાયલ સૂરજસેનને કિનારે લઈ આવ્યા. ચિન્મયી પોતાનો ઘડો મૂકી કાંઠે દોડી ગઈ.

તીર બાવડાં પાસેથી આરપાર નીકળી ગયું હતું. કદાચ એક ઈંચનું નિશાનફેર હોત તો તીર માત્ર ચામડીને સ્પર્શીને ચાલ્યું હોત. એટલે ઈજા ઊંડી કે જીવલેણ નહોતી. પણ બાવડામાં ખૂંપીને અડધું તીર બીજી તરફ લટકી રહ્યું હતું.   તીરની આગળ ફણું હોય અને પાછળ પૂછડી હોય એટલે તીરને ખેંચી કાઢવું સંભવ નહોતું. આ એક ન ગમે એવી અને પીડાકારક સ્થિતિ હતી. એક અંગરક્ષક ગામમાં ખબર કરવા દોડ્યો, જવાબદારીમાં ચૂક થઈ એટલે મુખ્ય અંગરક્ષક ગભરાયેલા હતા. સૂરજસેને ઈજાની વેદના વચ્ચે સ્મિત કરીને એને આશ્વાસન આપવાની કોશીશ કરી. ચિન્મયીએ જઈને પોતાની ચૂંદડીનો છેડો ફાડ્યો. તીરની આસપાસ કપડું એવી રીતે આંટી મારીને બાંધ્યું જેથી ખૂંપેલું તીર સ્થિર થઈ ગયું. અંગરક્ષકોની મદદથી એણે સૂરજસેનનું ધડ એક મજબૂત પથ્થરના ટેકે ગોઠવ્યું. હાથની નીચે વ્યવસ્થિત ટેકો આપવા બીજા બે-ચાર સપાટ પથ્થર ગોઠવ્યા. ચિન્મયીએ બે અંગરક્ષકોને નદી કાંઠેથી કુમારપાઠાં અને કમળના પાંદડા તેમજ ઘાબાજરિયુ વીણી લાવવા કહ્યું. તીરના ફણાની નીચે એક ચપટો પથ્થર મૂક્યો. સહુ અંગરક્ષકો જોઈ રહ્યા હતા કે આ પંદરેક વરસની છોકરી શું કરી રહી હતી. પણ એનો  આત્મવિશ્વાસ જોઈ કોઈએ એને રોકી નહીં. ચિન્મયીએ કાળજીપૂર્વક એક નાળિયેર જેવડો પથ્થર પસંદ કરી, એ પથ્થર હાથમાં લઈ અંગરક્ષકોને કહ્યું, “બે જણા કુમારનું ધડ અને હાથ કસીને પકડી રાખો. સહેજ પણ હાલવું ન જોઈએ. અને એક જણ તીરની પૂંછડી દબાવી રાખો.”  પછી હાથમાંના પથ્થર વડે તીરના ફણા પર જોરદાર પ્રહાર કરી ફણું તોડી નાખ્યું. એક ઝટકામાં તીર તૂટી ગયું. સળિયાની અનિયમિત અણીને બીજા નાના પ્રહારો દ્વારા બુઠ્ઠી કરી. સળિયાનો છેડો ચૂંદડી વડે ચોખ્ખો કરી એક ઝાટકા સાથે ચિન્મયીએ તીર બહાર ખેંચી કાઢ્યું.

ચિન્મયીએ ઘડીભરમાં કુમારપાઠાંથી ઘા સાફ કરી, એને ઘાબાજરિયા સાથે મિશ્ર કરી કમળના પાંદડાની ઉપર ચુંદડી લપેટી મજબૂત પાટો બાંધી દીધો. લોહી બંધ થયું અને સૂરજસેને હાથની આંગળીઓ હલાવી જોઈ ખાતરી કરી કે ઈજા ઉપરછલ્લી જ હતી

મુખ્ય અંગરક્ષકને હવે જરા રાહત થઈ, એ બોલ્યો, “છોકરી! તું તો જાદુગર છે!”

ચિન્મયી તીરનું તૂટેલું ફણું હાથમાં લઈ બોલી, “એમાં જાદુ શું વળી, તીરનો સાંધો જોઈને ત્યાં પ્રહાર કર્યો. લુહારની દીકરીને એ તો ખબર જ હોય ને કે તીરમાં સાંધો ક્યાં આવે!”

“લાલજી લુહારની દીકરી છે! અહીં જ કાંઠે ટીંબા પર રહે છે એ લાલજી લુહાર!” એક અંગરક્ષક બોલ્યો.

લાલજી લુહારને બધા ઓળખે. માનગઢ અને સામગઢ બન્ને ગામ વચ્ચે એ એક જ લુહાર હતો. આખો દિવસ ઘણ-એરણના અવાજોથી ગામલોકને તકલીફ ન પડે એટલે એ નદીકાંઠે એક ટીંબા પર રહેતો. અહીં જ એનું ઘર હતું અને ભઠ્ઠી હતી. બન્ને ગામ માટે તીર, ભાલાં, તલવારો અને ઢાલ એને ત્યાં જ બને.

ચિન્મયી મુખ્ય અંગરક્ષક તરફ જોઈ બોલી, “કુમારને ઘડીક મારા ઘરે પોરો ખાવા દો.”

થોડીવાર પછી ચિન્મયીએ બનાવેલ ઔષધયુકત દૂધ પીને સૂરજસેને વિદાય લીધી. બાકીના અંગરક્ષકો ઘોડા પર બેસી ગયા. સૂરજસેનને લેવા માટે રથ આવ્યો હતો.

વિદાય લેતાં સૂરજસેને પૂછ્યું, “નામ શું છે તારું?”

“ચિન્મયી!”

કુમાર સૂરજસેને અંગરક્ષકને ઈશારો કરીને જમણા હાથનું ચાંદીનું કડું કાઢવા કહ્યું. કડું ચિન્મયીના હાથમાં મૂક્યું.

“છોકરીને લુહારની દીકરીને ચાંદીની ગરજ નહીં, પણ રાખું છું!” ચિન્મયીએ કડું પહેર્યું, “તમારું બાવડું વધે એ માટે કડું કાઢવું જરૂરી હતું અને મારું બાવડું હવે વધે નહીં એ માટે મેં આ પહેર્યું!”

સૂરજસેનને વિદાય આપતાં ચિન્મયી બોલી, “મળસ્કે નદીના પટમાં તમે શસ્ત્રવિદ્યા અને અંગકસરત શીખવા આવો છો, એ હું રોજ જોઉં છું અહીંથી”

સૂરજસેને જોયું કે લુહારના ટીંબા પરથી નદીના પટમાં બનાવેલો અખાડો દેખાતો હતો.

સૂરજસેન હસ્યો, “મને નથી ગમતી શસ્ત્ર વિદ્યા! અને મને વ્યાયામમાં પણ રસ નથી!”

ચિન્મયી હસી, “એ મને આટલે દૂરથી પણ ખ્યાલ આવે છે!”

સૂરજસેને પોતાના ખભે પાટા પર હાથ મૂકી હસીને કહ્યું, “હવે એક હાથ નકામો થયો એટલે એક મહિનો તો વ્યાયામમાંથી રજા મળશે!”

“સમય મળે તો અહીં આવજો. ઘણ તો એક હાથથી પણ વીંઝી શકાય!”

આ નિમંત્રણ ઠુકરાવી શકાય એવી કુમારની ઉમર નહોતી અને ચિન્મયીના અવાજમાં ગજબનો વિશ્વાસ હતો.

“ચિન્મયી નથી, ચિનગારી છે તું!” કહી સૂરજસેને વિદાય લીધી.
**
પાંચસો માણસની વસ્તીવાળા માનગઢ ગામના ધણી શંભુસેનને રાજા કહી શકાય તો એ રાજા શંભુસેન હતો. એકાદ વીઘા જમીનમાં બનેલું એનું સોળ ઓરડાવાળું બે માળનું લાકડાંનું મકાન ગામમાં સહુથી મોટું મકાન હતું. મકાન જ્યાંથી રંગી શકાય ત્યાં ભૂરા પીળા રંગે રંગેલું હતું. એ રંગ આ નાનકડા રાજની ઓળખસમો હતો.  આગળ નાનો ચોગાન, ચોગાનમાં ફરકતી ભૂરા અને પીળા રંગની ધજા. બાજુમાં ઘોડારમાં પંદરવીસ ઘોડા અને એની બાજુમાં શસ્ત્રાગારમાં થોડા શસ્ત્રો. આટલી સમૃદ્ધિને આધારે આ ઈમારતને રાજમહેલ કહી શકાય તો આ માનગઢનો રાજમહેલ હતો.

રાજમેહલમાં આજે  ચહલપહલ હતી. ઉત્તેજના હતી. સેનાનાયક વિરમસિંહે મુખ્ય અંગરક્ષકની પાસેથી કુમાર સૂરજસેન પર થયેલા હુમલાનો હેવાલ લઈને રાજાને સંભળાવ્યો.

“મહારાજ! તાત્કાલિક બદલો તો લઈ જ લીધો!” મુખ્ય અંગરક્ષકે હુમલાખોરનું ઢીમ તરત ઢાળી દીધું એ વાતનો જરા ગર્વ કરીને વાતની પૂર્તિ કરી.  રાજા શંભુસેને મુખ્ય અંગરક્ષકને એક કચકચાવીને લાફો ચોડી દીધો.

સહુ સ્તબ્ધ થઈ ગયા. આવું થાય ત્યારે અધિપતિ કોઈ પર તો ગુસ્સો ઉતારે જ. પણ હુમલાખોરને કુશળતાથી હણનાર અંગરક્ષકને તમાચો પડ્યો, એ વાતથી સહુ હચમચી ગયા.

“માનગઢના કુમાર સૂરજસેનના જીવ પર હુમલો થયો એના પ્રતિકારરૂપે તમે એક મામૂલી તીરકામઠાંવાળાને માર્યો એ બદલો કહેવાય?”

સહુને સમજાયું કે રાજાઓની વિચારવાની રીત જુદી હોય છે. તેથી જ તેઓ રાજાઓ હોય છે.

ગુસ્સાનું રૂપાંતર મક્કમ નિર્ધારમાં કરીને શંભુસેન બોલ્યા, “સૂરજસેનના જીવ પર થયેલા હુમલાથી આપણી જે ક્ષતિ થઈ છે એની પૂર્તિ એક જ રીતે થઈ શકે!”

“કઈ રીતે મહારાજ?” આવી ક્ષણોમાં વિરમસિંહ સિવાય કોઈ બોલવાની હિંમત ન કરે.

“સામગઢનરેશ શિવરાજસેનના પુત્ર કુમાર અમરસેન પર આપણે હુમલો કરીએ તો જ પ્રતિશોધ સંપન્ન થાય!” શંભુસેન બોલ્યા.

સભામાં હાજર લોકો કંઈ વિચારે એ પહેલા ચારણે લલકાર કર્યો, “માનગઢનરેશ મહારાજ શંભુસિંહનો જય હો!”

“જય હો, જય હો”ના નાદથી દિશાઓ ગૂંજી ઊઠી.

શિવરાજસેન અને શંભુસેનના દાદા સગા ભાઈઓ હતા. બન્ને ઝઘડીને છૂટા પડ્યા ત્યારથી લગભગ 60 વરસથી આ બે પરિવારો વચ્ચે અને બે ગામ વચ્ચે વેરઝેરની પરંપરા ચાલુ હતી.

વિરમસિંહે સ્પષ્ટતા કરી, “મહારાજ, કુમાર અમરસેન પર આપણે હુમલો કરીએ એ પૂરતું છે, જીવ લેવાની જરૂર નથી, બરાબર ને? કેમ કે કુમાર સૂરજસેન સુરક્ષિત અને સ્વસ્થ છે!”

મહારાજે એક પળ વિચારી હકારસૂચક શીશ હલાવ્યું. ચારણે ફરી લલકાર કર્યો, “માનગઢનરેશ મહારાજ શંભુસિંહના કુળદીપક કુમાર સૂરજસેન ઘણું જીવો!”

“ઘણું જીવો! ઘણું જીવો!”ના નાદથી દિશાઓ ગૂંજી ઊઠી.

સભાને બરખાસ્ત કરતાં શંભુસેન બોલ્યા, “તમારી પાસે 7 દિવસ છે!”

વિરમસિંહ બોલ્યો, “જી મહારાજ!”
**
અંત:પુરમાં કુમાર સૂરજસેન ઈજાગ્રસ્ત હાથ સાથે, એમની માતાજી સામે વાંસળી વગાડી રહ્યા હતા.

“જો માતે! હું આ હાથે શસ્ત્ર તો ચલાવી નથી શકતો પણ વાંસળી તો વગાડી શકું છું!”

શંભુસેનની રાણી વિજયાકુમારી પોતે એક સમયે નર્તકી હતી, ચિત્રકલાની શોખીન હતી, એના ગુણો પુત્રમાં આવ્યા હતા, પણ પિતાજીની નજરમાં પુત્ર નિર્બળ હતો. એમને લાગતું કે કુમારમાં સાહસનો અભાવ હતો. શાસનની ધુરા સંભાલવા માટે જે ઉગ્રતા જોઈએ, એ હજુ એનામાં વિકસી નહોતી. મહારાજ કઠોર મહેનત કરી રહ્યા હતા કે સૂરજસેન ઘડાઈને માંસલ સ્નાયુબદ્ધ આક્રમક યોદ્ધો બને. પણ કુમાર સૂરજસેન હજુ બાળપણની કુમાશના ઉંબરાને વટાવી નહોતા શક્યા. પુત્રરત્ન પર એક હદથી વધુ ગુસ્સો ન કરી શકાય, ત્યારે શંભુસેન રાણી વિજયાકુમારીને ઠપકો આપતા, “તમારા લાડને કારણે કુમાર નિર્બળ રહી જવા પામ્યા છે!”

એ લાડ સાવ ઓછુ કર્યા વગર પતિદેવ અને પુત્રરત્ન વચ્ચે સંતુલન સાધવું એ જ વિજયાકુમારીનું આયખાભરનું કામ હતું. પતિ સભામાં વ્યસ્ત હતા એટલે એણે પુત્રનું વાંસળીવાદન પ્રેમથી સાંભળ્યું. પુત્રને માથે હાથ ફેરવીને કહ્યું, “ભવિષ્યમાં તું જ્યારે શાસન કરશે, રાજવહીવટના કાર્યોથી જ્યારે તું થાકેલો હશે, ત્યારે આમ વાંસળી વગાડવાથી તારો થાક ઉતરી જશે. એક શોખ તરીકે સારું છે વાંસળીવાદન!” રાણીએ શોખને પ્રોત્સાહન આપતાં આપતાં પુત્રને મુખ્ય જવાબદારીથી અવગત પણ કર્યો.

“મારે બનારસ જવું છે. કહે છે ત્યાં બહુ મોટા ગુરુજી છે જે વાંસળી શીખવે છે.”

“તારા પિતાજી ગઈકાલે વિરમસિંહને કહેતા હતા કે કુમાર સૂરજસેનને માળવા દેશ મોકલવા છે, એ ગુરુ સત્યાશ્રયના ગુરુકુળમાં, જ્યાં વિરમસિંહ પણ યુદ્ધવિદ્યા શીખ્યા છે.”

“પહેલા બનારસ.. પછી માળવા!” કુમાર સૂરજસેન હઠ કરતા હોય એમ બોલ્યા, “માતે, તમે પિતાજીને સમજાવશો ને?” માતાને વિશેષ ભલામણ કરવા માટે જાણે શબ્દોને બદલે સૂર વધુ કારગર થવા હોય એમ ધારી સૂરજસેને ફરી વાંસળીના સૂર છેડ્યા.

તલ્લીન થઈ ધૂન સાંભળી રહેલા વિજયાકુમારી અચાનક ઊભા થઈ ગયા. કુમાર સૂરજસેનને ખ્યાલ આવી ગયો કે રાણીબા કોના સ્વાગતમાં ઊભા થયાં છે, એમની વાંસળીના સૂર પણ થંભી ગયા.

રાજા શંભુસેનની સાથે વીરમસિંહ પણ હતા. શંભુસેને કુમારના ખભે હળવેથી હાથ મૂક્યો પણ એમના પોલાદી હાથના વજનથી કુમારના મોંથી સહેજ ઉંહકારો નીકળી ગયો.

“આમ પોચા ન બનો. આટલી ઈજા પછી તો અમે યુદ્ધો લડયા છીએ!”

“જી, પિતાજી!”

“સાત દિવસ! સાત દિવસ લાગશે આ ઘસરકાને રૂઝાતાં! એ પછી પ્રતિશોધ લેવાનો છે. વિરમસિંહ સાથે અમે ચર્ચા કરીને પ્રતિશોધની યોજના બનાવી નાખી છે!”

“કેવો પ્રતિશોધ? એ હુમલો કરનાર ભીલને તો આપણા રક્ષકોએ હણી નાખ્યો!”

“શરમ આવે છે મને કે રાજના રાજકુમાર પોતાના જીવનું મૂલ્ય એક આદિવાસીના જીવ સાથે સરખાવે છે!”

“જીવનું મૂલ્ય તો સૌનું સરખું જ હોય પિતાજી! ઊલટું એનો જીવ ગયો, હું સુરક્ષિત છું!”

રાજા શંભુસેન ઉશ્કેરાય એ પહેલા સેનાપતિ વિરમસિંહ બોલ્યો, “કુમાર! ઉદાહરણ ખાતર કહું છું, મારા જેવા સેવકના જીવની અને રાજા શંભુસેનના જીવની કિંમત સરખી ગણાય? ન જ કહેવાય! તો એ ભીલના તુચ્છ જીવ કરતાં તમને થયેલો ઘસરકો મોટો ન કહેવાય? તમારે ધુરા સંભળાવાની છે. તમારું જીવન અમૂલ્ય છે, એના ઉપર નજર નાખનારને સખત દંડ કરવો એ આપણો ધર્મ છે!”

“કોને દંડ કરવાનો છે? કેવો પ્રતિશોધ લેવાનો છે?” કુમાર હજુ નાના હતા, રજવાડાઓની રીતથી વિચારી નહોતા શકતા.

“માનગઢના કુંવર પર હુમલો થયો તો હવે સામગઢના કુંવર પર હુમલો થશે!” શંભુસેન બોલ્યા.

“સામગઢના કુંવર અમરસેન પર? પિતાજી! તમારી શત્રુતા શિવરાજસેન સાથે છે, કુમાર અમરસેનને આ વાત સાથે શો સંબંધ?”

“શિવરાજસેનની શત્રુતા મારી સાથે હતી તો એણે મારા કુમાર પર હુમલો કેમ કરાવ્યો?”

“પણ..”

“આગળ એક પણ શબ્દ નહીં!” રાજા શંભુસેન વિજયાકુમારી તરફ ફર્યા અને બોલ્યા, “રાણી વિજયાકુમારી! કુમાર સૂરજસેનને કહી દો કે પ્રતિશોધની યોજના બની ગઈ છે અને એમાં કુમાર સૂરજસેને જ આગેવાની લેવાની છે!”
**
ચાર દિવસ પછી રાજાના ફરમાન મુજબ તાલીમ શરૂ થઈ. વિરમસિંહ અને આઠ ચુનંદા સૈનિકોની સાથે કુમાર સૂરજસેન મળસ્કે નદી કિનારે પહોંચ્યા.

નદી કિનારે લુહારના ટીંબાની બરાબર નીચે નદીના પટમાં એક વિશાળ શિલા હતી. ચોમાસામાં શિલાની બન્ને તરફ ધારા વહેતી, પણ બાકીનો સમય શિલા અને કાંઠાની વચ્ચે રેતાળ પટ રહેતો. શિલા બારેક ફૂટ ઊંચી અને ચાળીસ ફૂટ લાંબી હતી. એની પાછળના રેતીના પટનો અખાડા તરીકે ઉપયોગ થતો. જયારે માનગઢ અને સામગઢ સામસામે આવી જતાં ત્યારે આ શિલાની પાછળ છુપાઈને જ માનગઢના સૈનિકો લડતા. નદીનો સો હાથનો મુખ્ય પટ બે કાંઠાની વચ્ચે હતો. અહીંથી થોડે દૂર બન્ને કાંઠાને જોડતો એક લક્કડિયો પુલ હતો. લક્કડિયાપુલની બન્ને તરફ જમીનો હતી પણ તંગ વાતાવરણને કારણે કોઈ ત્યાં ખેતી નહોતું કરતું માત્ર ચરાણ તરીકે બન્ને કાંઠાનો ઉપયોગ થતો.

વિરમસિંહે રેતી પર કડીયાળી ડાંગ વડે નકશો બનાવી, આયોજન સમજાવ્યું.

ચિન્મયીએ આ ચહલપહલ જોઈ. એ આજે વહેલી જાગી ગઈ હતી, કેમ કે ઘરનાં કામ પતાવી પિતાજીને મદદ કરવાની હતી. ગઈકાલે જ સામેના ગામ સામગઢથી 20 તલવારો અને 20 ભાલા બનાવવાનું કામ આવ્યું હતું. સામગઢવાસીઓને અંદાજો હતો જ કે માનગઢ તરફથી હુમલો આવશે.

વિરમસિંહે કહ્યું, “ત્રણ દિવસ પછી સામગઢના કુમાર અમરસેનની જન્મતિથિ આવે છે. એ સવારે કુળદેવીના મંદિરે પગે લાગવા અચૂક જશે.”

બન્ને ગામની કુળદેવી અલબત્ત એક જ હતી. અહીંથી લક્કડિયો પુલ એક કોસ દૂર હતો અને ત્યાંથી બીજા બે કોસ દૂર માનગઢ તરફના કાંઠે કુળદેવીનું મંદિર હતું.

ઉત્સાહી સૈનિકો બોલ્યા, “કુમાર અમરસેન લક્ક્ડિયા પુલ પરથી પસાર થશે ત્યારે આંતરીશું!”

“પણ કુમાર અમરસેન એના અંગરક્ષકો સાથે લક્કડિયો પુલ પસાર કરીને આવે એ શક્યતા ઓછી છે!” એક અનુભવી સૈનિક જયસિંહ બોલ્યો.

વિરમસિંહે કહ્યું, “હા, સંજોગો જોતાં એ લોકો મંદિરની બરાબર સામેથી નદી પસાર કરીને આવશે!”

મંદિરની સામેના કાંઠેથી નદીના પટમાં થોડું ચાલીને તરીને આ તરફ આવી શકાય. ઉબડખાબડ પટમાં આ ઋતુમાં હોડીઓ તરે એવી તો શક્યતા નહોતી.

“કુળદેવીના દર્શન કરવા આવેલા કુમાર અમરસેન પર આપણે આક્રમણ ન કરી શકીએ! કુળદેવી નારાજ થાય! કદાચ એવો કોઈ નિયમ પણ હશે ને..!” કુમાર સૂરજસેને ભોળપણથી કહ્યું

વિરમસિંહ બોલ્યો, “એ પ્રતિબંધ માત્ર તહેવારો અને પવિત્ર દિવસો પૂરતો છે જ્યારે બન્ને ગામના લોકો શસ્ત્ર વગર નિર્ભીકપણે કુળદેવીના મંદિરે જઈ શકે. બાજુના ચોગાનમાં મેળો ભરાય ત્યારે એ પ્રતિબંધ હોય પણ જન્મતિથિ માટે આ નિયમ લાગુ પડતો નથી!”

જયસિંહે કહ્યું, “આમેય આપણે હત્યા કરવાની નથી, માત્ર હુમલો કરવાનો છે. ઈજાનો બદલો ઈજાથી લેવાનો છે!”

એક સૈનિક બોલ્યો, “એ લોકો પણ તૈયારી સાથે આવશે. આપણાં શસ્ત્રો કટાઈ ગયા છે. ડરાવવા માટે બરાબર છે, પણ લડવા માટે તો ધારદાર તલવારો અને અણીદાર ભાલા જોઈએ!”

વીરમસિંહ બોલ્યો, “સાચી વાત, એમની વસ્તી પણ વધારે, એમની પાસે સૈનિકો પણ વધારે અને એમની પાસે સંપત્તિ પણ વધારે છે, વળી એ કાંઠે ભીલ વસ્તી મોટી છે જે સામગઢ માટે મરવા-મારવા તૈયાર હોય છે. આવી વિપરિત પરિસ્થિતિમાં આપણે અત્યાર સુધી તો સાહસ અને બહાદુરીથી જ ટક્યા છીએ! અત્યારે પણ સંખ્યા ગણવાનું કામ નથી, સાહસ જ કામનું છે!”

કુમાર સૂરજસેન બોલ્યા, “પણ તલવારો અને ભાલાથી લડીશું તો એમના પણ સૈનિકો મરશે અને આપણા પણ!”

“તો?”

“ચાલો ચિન્મયીને મળીએ!”

“શું કહ્યું?”

કુમારે ફેરવી તોળ્યું, “હું કહેતો હતો, લાલજી લુહાર પાસે જઈએ! મારા મનમાં એક વિચાર છે!”
**
થોડી ઘડી પછી વિરમસિંહ જયસિંહ અને સૂરજસેન લાલજી લુહારની સામે હતા. લાલજી લુહાર એક અજીબોગરીબ ચરિત્ર હતો. નદીની બન્ને તરફના ગામ માટે શસ્ત્રો બનાવે, પણ અહીંની વાત કદી ત્યાં ન કરે. કામ હોય તો સામગઢના સૈનિકો રાત્રે છુપાઈને આવે, માનગઢના ધોળે દિવસે આવે. લાલજીને બન્ને પક્ષ વિશ્વાસપાત્ર સમજે.

ચિન્મયી સહુ માટે ઉકાળો બનાવી લાવી અને વાત સાંભળવા બેઠી.

“બોલો કેટલી તલવાર, કેટલા ભાલા?”

વિરમસિંહ બોલવા જતો હતો એને સૂરજસેને અટકાવ્યો, “આ વખતે તલવાર કે ભાલા નહીં!”

“તો?”

સૂરજસેને લાલજીને પરિસ્થિતિ સમજાવીને કહ્યું, “કુમાર અમરસેનને હથિયાર વાપર્યા વગર આંતરી શકાય કે એને વધુ ઈજા કર્યા વગર બંદી બનાવી શકાય એવી કોઈ કળ બતાવો!”

લાલજી લુહાર વિચારે ચડ્યો.

ચિન્મયી બોલી, “પિતાજી, શિકારીઓ જંગલી પશુને પકડવા માટે જે કરે છે એવું કંઈ કરવું પડે!”

વિરમસિંહ બોલ્યો, “કુમાર અમરસેન કોઈ પશુ નથી કે તમે બનાવેલા પાંજરામાં મારણ કે માંસનો ટુકડો જોઈને ઘૂસી જાય!”

“હા માણસને પકડવા કંઈ પાંજરુ ન બનાવાય!” લાલજી બોલ્યો.

“એટલું હું ન સમજું?” ચિન્મયી બોલી, અને આગળ કંઈ કહેવાને બદલે ઊભી થઈને વખારમાંથી લોખંડનો બનેલો એક ગાળિયો લઈ આવી.

સૂરજસેને ગાળિયો જોયો. છ-એક ઈંચનો ગાળિયો હતો. વચ્ચે પટ્ટી જેવું હતું. ગાળિયાની બન્ને તરફ કડા જેવું હતું અને વચ્ચે બેત્રણ ઈંચનો સપાટ ભાગ હતો એના પર કળ ચડાવી ચિન્મયીએ ગાળિયો નીચે મૂક્યો. એક લાકડીનો ટુકડો હાથમાં લઈ કહ્યું, “ધારો કે આ કુમાર અમરસેનનો પગ છે.” એમ કહી ચિન્મયીએ ગાળિયાની વચ્ચેના સપાટ ભાગમાં લાકડીના ટુકડાથી સહેજ પગ મૂક્યા જેવું દબાણ આપ્યું એટલે કળ છૂટી અને બન્ને તરફના કડાથી લાકડીનો ટુકડો ભીંસાઈ ગયો.

વીરમસિંહ નકારસૂચક માથું હલાવી બોલ્યો, “મને ખબર છે આ કળ વિશે, પણ આ શિયાળવાં પકડવા કામ લાગે. શિયાળવું આના પર પગ મૂકે તો આ એનો પગ જકડી લે, એ સાચું પણ કોઈ મગજવાળો માણસ એમાં પગ ન મૂકે.”

“એની પૂરી વાત સંભળી લો પહેલા!’ સૂરજસેને કહ્યું.

ચિન્મયી બોલી, “શિવરાજસેનના અંગરક્ષકો ભીલ છે એ આપ જાણો છો. પરંપરા મુજબ તેઓનો મંદિરમાં પ્રવેશ બાધ્ય છે. એટલે તેઓ બહાર જ પહેરો ભરશે અને અમરસેન એકલા જ અંદર જશે.”

“બરાબર છે.”

“મંદિરના બહારના દરવાજા પર ઘંટ છે, એ કમાન પસાર કર્યા પછી દસેક ડગલા ચાલો પછી મંદિરનો અંદરનો દરવાજો આવે છે. મંદિર જવાના રસ્તા પાસે એક વહેળો છે, એનું પાણી મંદિર તરફ વાળી દેવાથી મંદિરના આ બે પ્રવેશ દ્વારની વચ્ચે પાણી અને કીચડ થઈ જશે. એના પરથી ચાલવા માટે આપણે એકએક હાથના અંતરે દસ પથ્થર ગોઠવી દઈશું એટલે અમરસેને પાણી અને કીચડથી બચવા એ પથ્થર ઉપર પગ મૂકીને જ જવું પડશે. અમરસેને એ દસેક ડગલાં જેટલું અંતર પથ્થરો પર જ ચાલવું પડે એટલું કીચડ ત્યાં આગલી રાતે કરી દઈશું. એમાંથી પાંચમા અને છઠ્ઠા પથ્થરની નીચે આના જેવો જ, પણ આનાથી મોટો ગાળિયો હશે.”

હવે સહુ અધ્ધર શ્વાસે ચિન્મયીને સાંભળી રહ્યા હતા, “પાંચમા પથ્થર પર કુમાર અમરસેનના પગનું વજન આવતાં જ એમનો એક પગ ગાળિયામાં જકડાશે. એટલે કુમાર સંતુલન જાળવવા તરત છઠ્ઠા પથ્થર પર બીજો પગ મૂકશે એ પગ પણ એ જ રીતે જકડાઈ જશે. બન્ને ગાળિયાની સાંકળ એ રીતે જમીન સાથે ઊંડે જડેલી હશે કે પછી અમરસેન એક ડગલુંય નહીં ભરી શકે. નજીક જ આપણો એક સૈનિક જમીનની નીચે ખાડો કરી, ઘાસપાંદડાથી ઢાંકી છુપાયો હશે. એ અમરસેનની છાતી પર ખંજર મૂકીને, એનો કબજો લઈ, ભીલ રક્ષકોને કહેશે કે અમરસેનનો જીવ બચાવવો હોય તો ભાગો!”

વિરમસિંહ બે ઘડી વિચારમાં પડી ગયો. એ કંઈ બોલે એ પહેલા સૂરજસેન બોલ્યા, “લાલજીભાઈ, આવા બે મોટા ગાળિયા બનાવો!”

લાલજી ગાળિયાની રચના જોવા લાગ્યો, ઘણા સમયથી એણે આવા ગાળિયા નહોતા બનાવ્યા. ચિન્મયી બોલી, “બની જશે!”

સૂરજસેને કહ્યું, “આજે રાતે જઈ જગ્યા જુઓ, પાણી કઈ રીતે મંદિરના આંગણમાં વાળી શકાશે, એ જુઓ અને સૈનિકને છુપાવા માટે ખાડો ક્યાં ખોદી શકાય તે નક્કી કરો!”

વિરમસિંહ બોલ્યો, “ખાડામાં કોણ છુપાશે? જયસિંહ? કે હું?”

સૂરજસેન બોલ્યા, “ખાડામાં હું છુપાઈશ!”

“કુમાર! યોજના બરાબર છે પણ તમારો જીવ જોખમમાં ન મૂકાય, કુમાર અમરસેન પણ કુશળ લડવૈયા છે એ એકલા હોય તોય એની ભેંટમાં પણ ખંજર હશે, તલવાર પણ હશે!”

“એના બન્ને પગ જકડાઈ ગયા હશે, એ નહીં લડી શકે”

“પણ તમારાય એક હાથમાં ઈજા છે!”

“જેના બન્ને પગ જકડાયેલા હોય એવા શત્રુને કાબૂમાં લેવા એક હાથ પૂરતો છે!”

“પણ આ કામ હું કે જયસિંહ કરીએ તો?”

“વિરમસિંહ, પિતાજીએ મને આગેવાની લેવા કહ્યું છે ને? તો બસ પછી.. ચર્ચા પૂરી થઈ!”

સૂરજસેને કહ્યું, “લાલજી ગાળિયો ક્યારે બનાવો છો?”

ચિન્મયી બોલી, “અત્યારે બનાવી દઉં!”

સૂરજસેન કહ્યું, “ઘણ હું ફટકારીશ!”

વિરમસિંહે અનુમતિ માંગી. એ અને જયસિંહ બન્ને ઊભા થયા. જતાં જતાં એણે જયસિંહને સૂચનાઓ આપવા માંડી.

લાલજી વખારમાંથી ગાળિયાને લાયક લોઢું શોધવા ગયો.

સૂરજસેને કહ્યું, “ચિન્મયી, હું જોઈ રહ્યો છું કે એક નાનકડી કન્યામાં રાતોરાત બહુ અક્કલ આવી ગઈ!”

ચિન્મયી કહ્યું, “અને કુમાર હું જોઈ રહી છું કે એક નાનકડા કિશોરને મૂછ ફૂટે એ પહેલા રાતોરાત શૌર્ય ફૂટી નીકળ્યું છે!”

સૂરજસેન બોલ્યો, “આ શૌર્ય નથી. તકેદારી છે!”

“કેવી તકેદારી?”

“આ લોકોને આગેવાની સોંપીશ તો એ લોકો પ્રતિશોધના ઝનૂનમાં અમરસેનના જીવની પરવા નહીં કરે. સંજોગ આવ્યે એને હણી નાખશે. અને હું આગેવાની લઈશ તો હું એમ નહીં થવા દઉં!”

ચિન્મયી બોલી, “ઓહો, આ તો શૌર્ય કરતાંય ઉપરનો ગુણ છે!”
**
આગલા દિવસે રાતે બધી વ્યવસ્થા થઈ ગઈ. વિરમસિંહે મંદિરની આસપાસની વ્યવસ્થા જાતે ચકાસી લીધી. મંદિરનું આંગણ નીચાણવાળા વિસ્તારમાં જ હતું એટલે યોજના અનુસાર કીચડ થઈ ગયું અને દસ પથ્થરો જાણે સગવડ માટે જ કોઈ ગોઠવ્યા હોય એ રીતે ગોઠવાઈ ગયા. પાંચમા અને છઠ્ઠા પથ્થરની નીચે ગાળિયો હતો એ કાર્યરત છે એ પણ આગલી રાતે ચકાસાઈ ગયું હતું.

તૈયારીઓથી બરાબર આશ્વસ્ત થઈ મંદિરથી સો હાથ દૂર વૃક્ષો પર તૈયાર કરેલ છુપા માંચડાઓમાં વિરમસિંહ, જયસિંહ અને બીજા સાત સૈનિકો સજ્જ થઈને બેઠા.

મરસેન અને એમના માણસો પણ સાવધ હતા. મંદિર પાસે કદાચ માનગઢના સૈનિકો હોય એમ અગમચેતીથી વિચારી એમણે લગભગ પાંચસો હાથ દૂરથી નદી પાર કરી. જેથી કોઈ મંદિર નજીક હોય તો તીર આટલા દૂરથી તીર ન ચલાવી શકે. વિરમસિંહના માણસોએ દૂરથી વીસ જેટલા સૈનિકોને આ કાંઠે આવતાં ગણ્યા. અંદાજ હતો કે પાંચ છ અંગરક્ષકો આવશે. પણ વીસ આવ્યા. વીરમસિંહને થયું જો સામસામી લડાઈ થશે તો હાર નિશ્ચિત હતી. એ લોકો વીસ હતા અને અહીં કુલ દસ. સૂરજસેને વિચારેલું છટકું સફળ ન થાય તો જાનહાનિ નિશ્ચિત હતી. સૂરજસેનની કુશળતા પર પણ પ્રશ્નાર્થ હતો અને એમનો એક હાથ અત્યારે લગભગ નકામો હતો

સામગઢથી આવેલા ભીલ અંગરક્ષકો જંગલના વાતાવરણના જાણકાર હતા. પક્ષીઓ અને વાંદરાઓના અવાજ પરથી સમજી ગયા કે અહીં માનવપ્રાણીની પણ હાજરી છે. અત્યંત સાવધાનીપૂર્વક આગળ વધી તેઓ મંદિરના દ્વાર સુધી પહોંચ્યા, ખૂબ કુશળતાથી ઝડપથી મંદિરની ચારેકોર આંટા મારી ભીલ સેનાનાયક બોલ્યો, “કુમાર! મંદિરની આસપાસ ઘણાં પગલાંઓની નિશાની છે. લાગે છે માનગઢના સૈનિકો આસપાસ છે! જલદી માથુ નમાવી લો..”

કુમાર અમરસેનની વીસેક વરસની વય હશે. ઊંચાઈ સૂરજસેન કરતા બે ઈંચ વધારે હશે અને વજન દસ રતલ જેટલું વધારે હશે. શરીર પણ ખડતલ. મંદિરમા પ્રાંગણમાં ખાડાની નીચે છુપાયેલા સૂરજસેનને એમની વાતો સંભળાઈ રહી હતી.

અમરસેનનો એક સાથી બોલ્યો, “કુમાર, કોઈ ગરબડ જરૂર છે. આ પથ્થર અને કીચડ અહીં હોતા નથી. અને ઘણા દિવસથી વરસાદ પણ પડ્યો નથી. જંગલમાં બીજે ક્યાં કીચડ નથી.”

બાકીના બધા સાથીઓ ભીલ હતા, એમને મંદિરમાં પ્રવેશબાધ હતો, અમરસેનનો મિત્ર રાઘવસિંહ એની સાથે આવ્યો હતો. એ મંદિરમાં જઈ શકે એમ હતું. પણ અમરસિંહે કહ્યું, “રાઘવસિંહ! તું નજર રાખ હું મંદિરમાં જઈ આવું!”

રાઘવસિંહ અમરસેનને રોકીને બોલ્યો, “પહેલા હું જઈશ! તમે મારી પાછળ આવો.”

અમરસેન કઈ બોલે એ પહેલા રાઘવસિંહે મંદિરના બહારના દ્વારનો ઘંટ વગાડયો અને ઝડપથી છલાંગ લગાવી પહેલા, બીજા, ત્રીજા અને ચોથા પથ્થર પર પગ મૂકી દીધો, પછી પાછળ ફરીને કહ્યું, “કુમાર અમરસેન બધું સુરક્ષિત લાગે છે! બસ સંતુલન જાળવવું પડશે, આવો! હું તમારો હાથ પકડું!”

છ ફૂટ દૂર ખાડો કરીને છુપાયેલા સૂરજસેનને કંઈ દેખાય એમ નહોતું. ઘાસપાંદડાનું છત્ર અત્યારે ખોલાય એમ નહોતું. આ બન્ને પાસે તલવારો હતી. એકના બદલે બે આવ્યા હતા. અમરસેનના બદલે રાઘવસિંહ આગળ ચાલી રહ્યો હતો. આયોજન ભયંકર રીતે ખોરવાઈ ગયું હતું. હવે અમરસેનના બદલે રાઘવસિંહના પગ ફંદામાં આવવાના હતા.

કરવું શું? અમરસેનને બંદી બનાવવાનું આયોજન સફળ થવાનું નહોતું ત્યારે એક વિકલ્પ તો એ હતો કે જોખમ લેવાને બદલે ખાડામાં છુપાઈ જ રહેવું અને સુરક્ષિત રહેવું. શિકાર હાથથી જવા દેવાય? કે જોખમ લેવાય? સૂરજસેને કંઈ નક્કી કર્યા વગર સાવધ રહીને એક પળ રાહ જોવાનું નક્કી કર્યું.

રાઘવસિંહે અમરસેનનો હાથ પકડ્યો. અમરસેન પહેલા અને બીજા પથ્થરથી ત્રીજા પથ્થર પર આવ્યા અને એ સમયે રાઘવસિંહે એમના માટે ચોથો પથ્થર ખાલી કરવા ચોથા પરથી પાચમાં અને છઠા પથ્થર પર તરત પગ મૂક્યો. પગ મૂકતાં જ રાઘવસિંહ જકડાઈને પડ્યો, મરસેનનો હાથ એણે પકડેલો હોવાથી એને પડતો બચાવવામાં એની સાથે અમરસેને પણ સંતુલન ગુમાવ્યું.

સૂરજસેને ઘડીના છઠા ભાગમાં વિચારી લીધું કે માત્ર એક સાજાસમા હાથ વડે બે જણાને કાબૂમાં નહીં લેવાય અને બેમાંથી એક પણ કાબૂમાં નહીં આવે તો જીવ ગુમાવવાનો નક્કી છે. રાઘવસિંહને કાબૂમાં લઈશ તો અમરસેન ખૂબ નજીક છે અને હાથમાં તલવાર છે એટલે કોઈ પણ હિસાબે અમરસેનને જ કાબૂમાં લેવો પડે અને એ ય જકડાયેલા રાઘવસિંહની પહોંચથી દૂર કેમ કે નહિતર એ પડ્યોપડ્યો પણ ખંજર મારી શકે.

સૂરજસેને ત્વરિત નિર્ણય લઈ ઘાસનું છાપરું હટાવી રાઘવસિંહના મોં પર ફેંક્યું અને અમરસેનનો પગ પકડી એને બળ લગાવી પોતાની તરફ ખેંચી લીધો. અકલ્પિત દિશાથી હુમલો થયો અને એમાં ચીકણી જમીન હતી એટલે અમરસેન લપસીને ખાડા તરફ ખેંચાયો. સૂરજસેને બધુ બળ લગાડી એનું ગળું દબોચી એની તલવાર ઝૂંટવીને દૂર ફેંકી ફેંકી.

જમીન પર પડેલો રાઘવસિંહ ઘાસનું છાપરુ હટાવે ત્યાં સુધી તો અમરસેન પર સૂરજસેને નિયંત્રણ લઈ લીધું હતું. રાઘવસિંહે પોતાનું ખંજર ફેંકવા માટે ઉગામ્યું ત્યાં સુધી તો સૂરજસેને અમરસેનના ગળા પાસે ખંજર મૂકી નાનો ઘસરકો કરી દીધો હતો. ઝડપભેર ધસી રહેલા ભીલ કુમાર અમરસેનના જીવનું જોખમ ભાળી અટકી ગયા.

ઉભડક જીવે આ ગતિવિધિ દૂરથી જોઈ રહેલા વિરમસિંહ અને સાથીઓ ખુલ્લી તલવાર સાથે ધસી આવ્યા. સૂરજસેનને સલામત જોઈ સૌનો શ્વાસ હેઠો બેઠો. ચાર સૈનિકોએ કુમાર અમરસેનને બંદી બનાવ્યા. મજબૂત દોરડાઓથી હાથપગ બાંધી દીધા. બે સૈનિકોએ રાઘવસિંહને પણ પકડી લીધો.

બન્ને યોદ્ધાઓ શત્રુની પકડમાં હતા એટલે ભીલસેના દૂર રહીને પણ હુમલો કરે તો આ બન્નેના જીવ ગુમાવવાનો વારો આવે. એટલે ભીલસેના તમાશો જોવા સિવાય કંઈ કરી શકે એમ નહોતી.  છતાં તેઓ બાજી ફેરવાય એની આશામાં તીર તાણીને ઊભા હતા.

સૂરજસેને કહ્યું, “આ રાઘવસિંહને છોડી દો!”

વિરમસિંહ બોલ્યા, “આજ સુધી આપણા સેંકડો માણસોને આ લોકોએ હણ્યા છે, કોઈ પર દયા નથી કરી.”

સૂરજસેને સત્તાવાહી અવાજમાં કહ્યું, “આજે આગેવાન હું છું. નાયક હું છું. હું કહીશ એમ જ થશે!”

માનગઢના સૈનિકોએ રાઘવસિંહને નછૂટકે છોડ્યો. અને ભીલોની ટોળીને સોંપ્યો, સૂરજસેને કહ્યું, “જાઓ રાજા શિવરાજસેનને કહો, કુંવર અમારા કબજામાં છે!”

ભીલ ટોળીનો નાયક સમજી ગયો કે કોઈ પણ પ્રકારની રકઝક કરવાથી અમરસેનના જીવનું જોખમ થશે.

બંદી બનેલ અમરસેન બોલ્યો, “રાઘવસિંહ! જાઓ! પિતાજીને કહેશો કે મરસેનનું આયુષ્ય શેષ હશે તો લડીને શત્રુઓ પાસેથી છૂટીને આવશે!”

સૂરજસેને કહ્યું, “જાઓ! અમારે કુમાર અમરસેનને પકડવાના હતા. અમે પકડી લીધા. હવે તમને પીઠ પાછળથી કોઈ ઈજા નહીં પહોંચાડે! જાઓ, મારું અભયવચન છે!”

રાઘવસિંહ અને ભીલસેનાએ તોય ઊંઘાપગે પીછેહઠ શરૂ કરી.

અચાનક હતાશ રાઘવસિંહે એક ભીલની કમર પાસેથી એક ખંજર લઈ સૂરજસેનની છાતીનું નિશાન લઈ ફેંક્યું. ખંજર બરાબર નિશાન પર વાગ્યું. એક પળમાં જ બાજી પલટાઈ જાય એવું દૃશ્ય ઊભું થયું. વિરમસિંહ અને માનગઢના સૈનિકોએ બેચાર અંધાધૂંધ તીર છોડ્યા. અમરસેને એ સૈનિકોને બેધ્યાન થયેલા જોઈ એમની પકડમાંથી છૂટવા અકલ્પ્ય બળ લગાવ્યું.

ખંજર ખડિંગ અવાજ કરી સૂરજસેનની છાતીએ વાગ્યું. સૂરજસેન માટે ચિન્મયીએ ખાસ ધાતુનું જાળીવાળું બારીક બખ્તર તૈયાર કર્યું હતું. એટલે ખંજર બખ્તર સાથે ટકરાઈ જમીન પડ્યું. ખંજરની અણી બુઠ્ઠી થઈ ગઈ, સૂરજસેનને ઊની આંચ પણ ન આવી. વિરમસિંહે વળતો હુમલો કરી રાઘવસિંહ પર તીર છોડ્યું હતું એ એના સાથળ પર વાગ્યું.

ત્યાં સુધી બંદીવાન અમરસેનના પ્રતિકારથી ઉશ્કેરાયેલા સૈનિકો અમરસેનની છાતી પર ચડી બેઠા હતા. અને એને મુષ્ટિપ્રહારોથી ખાસી ઈજા પહોંચાડી દીધી.

“હવે કોઈ ચાલાકી કરશો તો આ ભાલો અમરસેનની છાતીમાં જશે!” જયસિંહ અમરસેનની છાતી પર ભાલો ટેકવીને બોલ્યો.

આખરે ભીલસેના પાસે કોઈ વિક્લ્પ ન બચતાં એ રાઘવસિંહના ઘાયલ શરીરને ઊંચકીની નીકળી ગઈ.

એક સૈનિકે જયઘોષ કર્યો, “માનગઢ નરેશ શંભુસેનનો જય હો! રાજકુમાર સૂરજસેનનો જય હો!”

તરત માનગઢના દસે સૈનિકો અમરસેનને બંદી બનાવી નીકળી પડયા. ઘણા અરસા પછી માનગઢને આ વિજય હાથ લાગ્યો હતો. રાઘવસિંહને પણ બંદી બનાવી દેવાનો હતો એવો સૈનિકોનો મત હતો. તોય અમરસેન હાથ લાગવાથી વિરમસિંહ અને જયસિંહ રાજી હતા, સૂરજસેનની બહાદુરીની પ્રશંસા કરતાં થાકતા નહોતા.

અમરસિંહે વિકરાળ પશુ પાંજરામાં આવી ગયું હોય એ રીતે ખૂબ ઘૂરકિયા કર્યાં. દોરડાંના બંધનોમાંથી છૂટીને એકલે હાથે દસ જણાનો સામનો  કરી લેવાની ઈચ્છા હશે તેથી બહુ જોર કર્યું. ચાર સૈનિકોએ એને માંડ કાબૂમાં રાખ્યો. જયસિંહે ચારપાંચ વાર એના નાક-મોં પર મુષ્ટિપ્રહાર કરીને એનું મનોબળ તોડવાની કોશીશ કરી. દોરડા સાથે બાવડાનું ઘર્ષણ થવાથી એના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું. આખરે લક્કડિયા પુલ સુધી બે કોસ ચાલવામાં તો એ નિઢાલ થઈ ગયો.

રાજા શંભુસેન આ સફળતાનો શું પ્રતિભાવ આપશે એની કલ્પના કરીને સહુ ખુશખુશાલ થઈ રહ્યા હતા, ત્યાં સૂરજસેનનો સત્તાવાહી અવાજ આવ્યો, “છોડી દો કુમાર અમરસેનને!”

સૌથી વધુ આશ્ચર્ય ખુદ અમરસેનને થયું.

“હાથમાં આવેલા શિકારને છોડી દેવાનો? એ ય રાજાની અનુમતિ વગર?” જયસિંહ બોલ્યો.

સૂરજસેન બોલ્યા, “હું કહું છું એમ કરો!”

કોઈ ચસ્ક્યું નહીં એટલે અમરસેનનું દોરડું ખોલવા કુમાર સૂરજસેન પોતે આગળ વધ્યા. વિરમસિંહ આડો આવ્યો, “કુમાર એ નહીં બને. આ મૂર્ખામી ન કરો!”

“અને અહીં વધુ સમય પણ વેડફાય એમ નથી થોડીવારમાં તો એ લોકો સૈનિકો લઈને આવી પહોંચશે! અહી આ લક્કડિયા પુલ પાસે થોભવામાં સલામતી નથી. આપણે માનગઢ પહોંચી જઈએ. નિર્ણય ત્યાં લેવાશે!” જયસિંહે કહ્યું.

“અમરસેનને અહીં છોડીને જ આગળ વધીશું!” સૂરજસેન કહ્યું, “એ લોકોએ માનગઢના કુંવર પર હુમલો કર્યો. એ જીવલેણ નહોતો. હવે આપણે સામગઢના કુંવર પર હુમલો કર્યો. એ બચી જાય તો વાંધો શું છે?”

મરસેનને પહેલા તો લાગ્યું કે કુમાર સૂરજસેન મજાક કરે છે. શિકારને મારી નાખતા પહેલા ક્રૂર શિકારી એના શિકારના જીવ સાથે થોડીવાર ખેલે, એવી કોઈ રમત રમાઈ રહી છે એવું અમરસેનને લાગ્યું.

પણ ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે સૂરજસેન ખરેખર એને છોડી દેવા માંગે છે. અરે! એણે તો જાતે જ અમરસેનના બંધનો ખોલી નાખ્યાં. અને સૂરજસેને અમરસેનનું બાવડું પકડી એને લક્કડિયા પુલ તરફ ધકેલી કહ્યું, “જાઓ અમરસેન, તમે આઝાદ છો! મંદિરે પૂજા કરવા આવેલાની હત્યા અમે નથી કરતા! જન્મદિને નવો જન્મ શુભ હો!”

“ચાલો સહુ!” કહીને સૂરજસેન આગળ વધવા લાગ્યો..”

લક્કડિયા પુલનો કાંઠલો પકડીને અમરસેન ચિલ્લાતો રહ્યો, ”મને મારી નાખો! મને મારી નાખો! આ અપમાન સાથે હું સામગઢ ન જઈ શકું!”

સૂરજસેન પાછળ નજર કર્યા વગર એના સૈનિકો સાથે સામગઢ પાછો ફર્યો.

પોરો ખાવા માટે સહુ લાલજી લુહારના ટીંબે રોકાયા. ચિન્મયીએ શીતળ જલ અને જલપાનથી સહુને આવકાર્યા.
**
સાંજ સુધી આ બનાવના માનગઢમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા.

રાણી વિજયાદેવી ચિંતામાં હતી કે સૂરજસેને આવડું મોટું જોખમ શા માટે લીધું. જયસિંહ કે વિરમસિંહ હતા, એમને લડવા દેવાય! મરસેનને ખેંચવામાં સૂરજસેનનો રુઝાવા આવેલા ઘા ફરી દૂઝતો થયો હતો, ત્યાં મલમપટ્ટી કરી. અને તાકીદ કરી, “જ્યાં સુધી માળવા જઈ યુદ્ધવિદ્યા શીખી ન આવો ત્યાં સુધી આવું કોઈ સાહસ કરવાનું નથી. તમે હજુ બાળક છો!”

બહાર સભામાં નારાજગી હતી.

“અંત:પુરમાંથી સૂરજસેનને બોલાવી લાવો!” ફરમાન થયું.

ગ્રામજનો નાજુક બાંધાના કુંવરને જોઈ રહ્યા. એણે એકલા હાથે મરસેનને પછાડીને કાબૂમાં કર્યો હતો એ વાત વિસરાઈ ગઈ. કુંવરે હાથમાં આવેલ શત્રુને જવા દીધા એ વાત જ ગ્રામજનોને ન જચી. જયસિંહે સહુ સૈનિકો વતી કહ્યું, “આપણે સહુએ જીવ જોખમમાં મૂકી બે શત્રુઓને બંદી બનાવ્યા. વીસની સામે દસ હતા છતાં આપણે એમને હંફાવ્યા! એવામાં કુંવરને આવી બાળબુદ્ધિ કેમ સૂઝી? આટલા સાહસ પછી, દુશ્મનને છૂટો મૂકી, આમ ખાલી હાથે આવવાનું?

વિરમસિંહે ખભે હાથ મૂકી જયસિંહને શાંત પાડ્યો. ઘટનાક્રમથી એ પોતે પણ નારાજ હતો, “કહો કુંવર! તમે આમ કેમ કર્યું? તમારી એક નાદાનીથી આપણો વિજય રોળાઈ ગયો!”

“આ પણ એક માનસિક વિજય જ છે! આપણે શત્રુને મારી શકતા હતા. શત્રુ આપણી પકડમાં હતો. એનું જીવવું મરવું આપણી દયા પર અવલંબિત હતું. એ સમયે આપણે એને જવા દીધો. હવે એ કદી આપણા ઉપર હુમલો નહીં કરી શકે!”

રાજા શંભુસેન આખી વાત સાંભળી નારાજ થયા, “ખોટી માન્યતા છે તમારી કુંવર! સાપને ગમે તેટલો અધમૂઓ કરો, જ્યાં સુધી તમે એનું માથુ કચડી ન નાખો ત્યાં સુધી એ તમને ડંખ મારે એ શક્યતા રહે જ છે!”

“ક્ષમા કરજો પિતાજી! આજે આપણે અમરસેનની હત્યા કરી હોત તો અત્યારે આપણે આમ શાંતિથી વાત કરતા ન હોત! સામગઢવાસીઓએ કુંવર ગુમાવ્યાનો બદલો લેવા માટે હુમલો શરૂ કરી દીધો હોત!”

એક બે વૃદ્ધો સિવાય કોઈને સૂરજસેનની વાત સાચી ન લાગી. રાજા સહિત સહુ કુંવરને ઠપકો આપવા લાગ્યા.

કુમાર સૂરજસેન સહુને શાંતિથી સાંભળીને બોલ્યા, “હું વ્યથિત છું કે મારો નિર્ણય તમને પસંદ ન આવ્યો. પણ મને લાગે છે કે મેં આપણું સન્માન પણ જણાવ્યું છે અને જાનહાનિ ટાળીને જંગ દૂર ઠેલ્યો છે!”

રાજા અકળાય, “રાજપુત્ર જંગથી ડરે? અરે જંગ તો આપણું જીવન છે!”

જયસિંહ બોલ્યો, “માલિક! હવે તો એ જ અરજ છે કે જંગના  મેદાનમાં ઉતરવાની પુખ્તતા જેનામાં નથી એવા કિશોરને બીજીવાર આગેવાની ન આપવામાં આવે!”

રાજાએ કહ્યું, “હું દિલગીર છું, સાથીઓ, કુંવરના ખોટા નિર્ણયને કારણે આપણે એક તક ગુમાવી. કુમાર સૂરજસેન! આવી બાળકબુદ્ધિ બીજીવાર માફ નહીં કરવામાં આવે!”

જયસિંહ બોલ્યો, “ભવિષ્યને ધ્યાનમાં રાખી કુમાર સૂરજસેનને યુદ્ધવિદ્યા શીખવા માળવાના ગુરુ સત્યાશ્રયના  ગુરુકુળમાં મોકલવામાં આવે!”

વિરમસિંહ બોલ્યો, “કુંવર હજુ નાદાન છે. એક બે વરસ પછી યુદ્ધવિદ્યા શીખવા માટે યોગ્ય થશે!” વિરમસિંહ માળવાના ગુરુકુળથી જ શસ્ત્રવિદ્યા શીખીને આવ્યો હતો. કુંવરનું આજનું વર્તન જોઈ એ નારાજ થયો હતો. બાકી કુંવરને માળવા મોકલવાનું બધું આયોજન થઈ ચૂક્યું હતું. ગુરુ સત્યાશ્રયને એણે એક પત્ર પણ મોકલ્યો હતો. પણ હવે એનું મન ના પાડતું હતું.
**
સભા વિખેરાયા પછી વિજયાકુમારીએ પોતાના અપમાનિત થયેલા બાળકને લાડ કરવા ગળે ભેટીને આશ્વાસન આપવાની કોશિશ કરી. અગાઉ રાજા જ્યારે ઠપકો આપતા ત્યારે કુમાર સૂરજસેન માતાના ખોળામાં માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી લેતા. આજે પણ રાણી વિજયાકુમારીએ કહ્યું, “આવ મારા કુંવર!” પણ આજે સૂરજસેનની આંખો પથ્થર થઈ ગઈ હતી. માતાના ખોળામાં એને શાંતિ મળી નહીં.

મોડી રાતે માંડ નિદ્રા આવી પણ વહેલી સવારે ટેવવશ જાગી જવાયું. વ્યાયામ નહોતો કરવાનો પણ ચાલતા ચાલતાં અખાડા સુધી પહોંચી જવાયું. વિરમસિંહ જયસિંહ અને સહુ સૈનિકો વ્યાયામ કરી રહ્યા હતા. એમને દૂરથી નિહાળી કુમાર સૂરજસેન આગળ નદી કાંઠે નીકળી ગયા.

પાછળ કોઈના પગલા વરતાયા. એ ચિન્મયી હતી.

કુમાર સૂરજસેને રાહ જોઈ. ચિન્મયી સાથે ચાલવા લાગી.

કોઈ વાતની જરૂર ન લાગી. બન્નેને.

ચિન્મયીને ખ્યાલ હતો આગલા દિવસે શું બન્યું એનો.

કિનારાની કરકરી રેતીમાં બન્ને સાથે ચાલતા રહ્યાં. થોડી પળો ચૂપચાપ વીતી.

એક વરસ વાંસળીવાદન શીખવા બનારસ જવાનો વિચાર કુંવરના મનમાં ઝબકી ગયો. પણ આજે તો ગળામાં સૂર પણ સુકાઈ ગયા હોય એમ લાગ્યું. અને ચિન્મયી સાથે આમ ચાલવાનું ત્યજીને ક્યાંય જવુંય નહોતું.

બન્ને લગભગ એક કોસ ચાલ્યા. લક્કડિયા પુલ સુધી આવી ગયા.

નદીને સામે કાંઠે માછીઓનું ટોળું જમા થયું હતું. એમાંથી કોઈ એક ચિન્મયીને ઓળખતો હતો. ચિન્મયીએ એને હાથ કર્યો. એ જોઈને માછીએ સામે કાંઠેથી ડૂબકી લગાવી. આ કાંઠે આવીને હાંફતો હાંફતો બોલ્યો, અહીંથી જલદી ખસી જાઓ. કુમારને સલામત જગ્યાએ લઈ જાઓ.

“કેમ? શું થયું?

“કુમાર અમરસેને પોતાની છાતીમાં ખંજર હુલાવીને આત્મહત્યા કરી છે. કાલે અમને ખબર પડી કે માનગઢના સૈનિકોએ એમને છોડી દીધા. અમે સામગઢ જાણ કરી. પણ પછી અમરસેન ગામમાં આવ્યા જ નહીં. રાજા શિવરાજસેનના સેવકો એમની શોધ ચલાવતા હતા. છેક અત્યારે લાશ મળી. અમરસેન ચિઠ્ઠી લખીને ગયા છે કે આ અપમાન હું જીરવી શકુ એમ નથી અને સામગઢની પ્રજાને મોં બતાવી શકું એમ નથી! અમરસેન એમની છેલ્લી ચિઠ્ઠીમાં આ અપમાનનો પ્રતિશોધ લેવાનું લખી ગયા છે. તમે કુમારને સલામત જગ્યાએ લઈ જાઓ!” એમ કહી માછીમાર ફરી નદીમાં કૂદ્યો.

માછીઓની વસ્તી બન્ને તટ પર કાર્યરત રહેતી અને સાચા અર્થમાં તટસ્થ હતી એટલે યુદ્ધ અને તંગદિલીના સમયમાં આવું સંદેશવહનનું કામ એમના ભાગે આવતું.

વખત વરતીને ચિન્મયીએ કુમારનો હાથ પકડી ઝડપી ચાલે ટીંબા તરફ પગલાં ભર્યા.

“ચિન્મયી! કુમાર અમરસેને આવું કેમ કર્યું હશે?” વ્યથિત અને દિગ્મૂઢ થયેલા સૂરજસેને પ્રશ્ન કર્યો

“કુમાર અમરસેનના આત્મસન્માનને ઠેસ પહોંચી. તમે બંદી બનાવ્યા પછી એમને દયાની રાહે છોડી દીધા, એ એમનાથી ન જીરવાયું.”

“મેં દયાની રાહે એમને નહોતા છોડ્યા, મેં તો છેલ્લે એમને જન્મદિનની શુભેચ્છા પણ પાઠવી હતી!”

“હા, પણ અપમાનબોધના અતિરેકમાં એ શુભેચ્છા એમને સ્પર્શી નહીં અને એમના પક્ષના બીજા કોઈએ તો એ સાંભળી નહીં, એટલે તમારી શુભચેષ્ટા બેકાર ગઈ! હવે અશાંતિનો સમય શરૂ..”

“એક શુભચેષ્ટા બેકાર ગઈ, બીજી તો કરી શકાય ને! જો પિતાજી આજ્ઞા આપે તો હું શિવરાજસેનને મળીને વાત કરીશ!”

“હવે વાતોની કોઈ ગુંજાયશ નથી! હવે યુદ્ધ થશે! અત્યારે તમારું જાહેરમાં દેખાવું પણ ભયથી મુક્ત નથી. તમે અત્યારે વહેલી તકે રાજમહેલ પહોંચો”

વ્યાયામ કરી રહેલા સૈનિકો સુધી પણ આ વાત પહોંચી ગઈ હતી. ત્યાં પણ દોડધામ મચી ગઈ હતી.

પણ આ બધો કોલાહલ જોઈનેય કુમાર સૂરજસેનનું લોહી જાણે શાંત જ રહ્યું, “યુદ્ધ થાય તોય મારે એમાં કંઈ કરવાનું રહેશે નહીં. કેમ કે ગઈકાલે નક્કી થઈ ચૂક્યું છે કે હું બાળક છું!”

ચિન્મયીનો ટીંબો આવી ચૂક્યો હતો. છૂટા પડવાનો સમય હતો. બન્નેના રસ્તા અહીંથી અલગ થતા હતા.

ટીંબાના પગથિયારૂપે ગોઠવેલા પથ્થરો પર પહેલું પગથિયું ચડીને, બીજા પગથિયે ચડતા પહેલા ચિન્મયીએ સહેજ ઝૂકીને નીચે ઊભેલા કુમાર સૂરજસેનના એક ચુંબન કર્યું. હોઠ પર.

અચંબિત સૂરજસેને પોતાના હોઠ પર હાથ ફેરવ્યા..

“હવે કોઈને કહેશો નહીં કે તમે બાળક છો!”

આમ કહીને ચિન્મયી સડસડાટ ટીંબા પર ચડી ગઈ.
**
એ પછીના ચાર દિવસમાં અલગ અલગ રીતે મોરચા મંડાયા. પહેલા તો સામગઢના સૈનિકો માનગઢની ગાયોનું ધણ વાળી ગયા. અગ્નિબાણ છોડીને સામસામે ખેતરોમાં ને ઘરોમાં આગ લગાડવામાં આવી. નદીએ આવનાર સ્ત્રીઓ બાળકો પર પણ પથ્થરો વરસ્યા. ચોથે દિવસે સંયમ તોડી સામગઢના સૈનિકો માનગઢની બહારના વિસ્તારોમાં છૂટક ઘરો હતા, ત્યાં આંતક મચાવી ભાગી ગયા. કેટલાય લોકોના ઢીમ ઢાળી દીધા. સામગઢના સૈનિકોએ માનગઢના કાંઠા વિસ્તાર પર હુમલો કરી બદલો લીધો.

ચાર દિવસ એકમેકની શક્તિ અને ધીરજ ચકાસ્યા પછી યુદ્ધની રણભેરી વાગી. બંને સેનાઓ પોતાની પૂરેપૂરી શક્તિ સાથે સામસામે થઈ. સામગઢની સેનાની આગેવાની શરણસિંહે લીધી, એમની સેના એમના પરંપરાગત લાલ અને પીળા ગણવેશમાં સજ્જ હતી તો આ તરફ વિરમસિંહની આગેવાનીમાં એમની ભૂરા અને પીળા ગણવેશમાં સજ્જ સેના લડવા સામે ગઈ. લક્કડિયા પુલ પાસે, પુલની બન્ને તરફથી બન્ને સેના સામસામે બાણવર્ષા કરવા લાગી. ભાથાંમાંનાં તીર પૂરાં થયાં એટલે આસપાસ ખૂંપેલા શત્રુઓના તીર વડે લડાઈ ચાલી.

સામગઢની સેના મોટી હતી, એટલે સાહસ દાખવીને સામગઢની સેના હોંકારા-પડકારા કરી લક્કડિયા પુલને પાર કરીને આ તરફ આવી. અને સામસામે જંગ શરૂ થયો. હવે ધનુષબાણને બદલે તલવાર અને ભાલાથી લડાઈ શરૂ થઈ. સાંજ થઈ અંધારાના ઓળા ઉતરવા લાગ્યા પણ લડાઈ અટકી નહીં.

જયસિંહને આગેવાની હેઠળ માનગઢના સૈનિકો એક ટોળકી નદીના પટમાં ઉતરી ગઈ અને એમણે નીચેથી તેમાં બોળેલા સળગતા લાકડાઓ ફેંકીને લક્કડિયા પુલ પર આગ ચાંપી.

સામગઢની સેના મોટી હતી, આક્રમણ કરી માનગઢ તરફના કાંઠે આવી ગઈ હતી પણ હવે મુશ્કેલીમાં મુકાઈ ગઈ કેમ કે એક તરફથી સામે વિરમસિંહની સેના હતી અને પાછળ પુલ તરફથી જયસિંહ એના સૈનિકો સાથે હાકોટા કરી રહ્યો હતો.

પુલ પર હજુ આગ પૂરેપૂરી ફેલાઈ નહોતી. જયસિંહે શરણસિંહની સેનાને પીછેહઠ કરવાનું આહ્વાન કર્યું.

સામગઢની સેના આમ કરે તો નામોશી કહેવાય અને થોડીવારમાં પુલ આખો બળી જાય પછી સામગઢ પરત ફરવા માટે નદી ચાલીને અને તરીને જ પાર કરવી પડે જે જોખમી હતું. શરણસિંહે પાછા વળવાનો વિકલ્પ ફગાવી દીધો. એટલે પુલ નજીક્થી જયસિંહે પાછળથી હુમલો કર્યો. આ બેપાંખિયો હુમલો કારગર નીવડ્યો, સામગઢના સૈનિકોની દસેક લાશો ઢળી ગઈ. પરંતુ આમ ફસાઈ જવાને કારણે સામગઢના સૈનિકો મરણિયા થયા. શરણસિંહે કહ્યું, બે જ વિકલ્પ છે કાં બધાને મારીને જઈશુ કાં બધા મરી જઈશું. સામગઢના સૈનિકોની સંખ્યા મોટી હતી અને સેનાનાયકના આ શબ્દોથી શૂરાતન ચઢ્યું.

સૈનિકો જાનની પરવા કર્યા વગર તૂટી પડ્યા. જોતજોતામાં વિરમસિંહની સેના પાંખી થઈ ગઈ. નુક્સાનનો અંદાજો આવતાં વિરમસિંહે હાથોહાથની લડાઈ સમેટીને, પીછેહઠ શરૂ કરી અને પાછળ ખસતાં ખસતાં બાણવર્ષા ચાલુ રાખી.

જયસિંહની આગેવાની હેઠળનું માનગઢના સૈનિકોનું એક જૂથ, પુલ તરફથી, પુલને સળગાવીને આવ્યું હતું. શરણસિંહના સૈનિકોએ એમને હવે નદીની ભેખડમાં ઘેરી લીધા. તુમુલ યુદ્ધ ચાલ્યું.

શરણસિંહ અને જયસિંહ સામસામે થયા. બન્ને એક્મેકની લીલીભૂરી પરિચિત આંખોમાં જોયું. એક પળમાં ભૂતકાળ તરવરી ઊઠ્યો. બન્ને વિદિશા નગરીમાં રહેતા પિતરાઈઓ હતા. લીલીભૂરી આંખો એમનો પારિવારિક વારસો હતી. ચાર વરસ પહેલા કામની તલાશમાં બન્ને એકસાથે વિદિશાથી નીકળ્યા હતા અને બન્ને એક્સાથે શિવરાજસેનના દરબારમાં સેનાનાયકની નોકરી માટે ગયા હતા. શિવરાજસેને એક સ્થાન ખાલી હોવાથી શરણસિંહને નિમણૂક આપી અને જયસિંહ નિરાશ થઈ પાછો વળતો હતો ત્યારે માછીઓએ એને માનગઢ દરબાર સૈનિકોની ભરતી કરે છે એવી બાતમી આપી હતી. જયસિંહે ત્યાં સહાયક સેનાનાયક વિરમસિંહના સાથી તરીકે નોકરી લીધી હતી.

શરણસિંહ અને જયસિંહના પરિવારો હજુ વિદિશાનગરીમાં એક જ ખોરડામાં રહેતા હતા. બન્નેનાં પત્ની-બાળકો હજુ અહીં માનગઢ કે સામગઢ રહેવા આવ્યા નહોતા. પુરુષ વગરના બન્ને પરિવારોમાં ત્યાં સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો એકમેકના ટેકાથી એક છત્ર નીચે દિવસો ગુજારતા હતા. અને અત્યારે બન્ને પરિવારના યુવાન પુરુષો એકબીજાની સામસામે હતા. જીતવું જરૂરી હતું. જે યુદ્ધ જીતે એની બઢતી થાય, એને શિરપાવ મળે, જમીન કે જાયદાદ બક્ષિસમાં મળે તો એ પરિવારને અહીં બોલાવી શકે. બન્ને બળિયાઓની તલવારો ટકરાઈ રહી હતી. બન્ને એકમેકના દાવથી પરિચિત હતા. બાળપણમાં લાકડાની તલવારોથી ખૂબ રમ્યા હતા. આજે બેમાંથી એક માટે આ રમત છેલ્લીવારની થવાની હતી.

આમ તો ગઈ દિવાળી પર બન્ને જવાબદારીમાંથી વિરામ લઈ વિદિશામાં મળ્યા હતા. તહેવાર પરિવાર સાથે ઉજવ્યો હતો. પણ પાછળ ભડભડ બળી રહેલા પુલના પ્રકાશ સામે ગઈ દિવાળીના એ દીવાની સ્મૃતિ મંદ થઈ ગઈ. ‘મારો-કાપો.. મારો-કાપો’ના અવાજોની વચ્ચે, ઘાયલ કણસતાં શરીરોની વચ્ચે લડી રહેલા બે યોદ્ધાઓ પોતા શરીરને બચાવવાની સતર્કતા રાખવા સિવાય બીજો કોઈ વિચાર કરી શકે એમ નહોતા. નાના મોટા ઘસરકાની પરવા કર્યા વગર બન્નેની તલવારો કુશળતાથી ફરી રહી હતી.

થોડીવાર પછી જયસિંહના ખભા પર એક જોરદાર ઘા થયો અને એ લથડ્યો. સંતુલન ગુમાવી જમીન પર પડ્યો. એના હાથથી તલવાર છૂટી ગઈ. એક પળ માટે બન્ને પિતરાઈઓની લીલીભૂરી આંખો મળી. જયસિંહની આંખમાં એક અકળ ભાવ શરણસિંહને વંચાયો. એક ક્ષણ વિચારવા રોકાય તો જયસિંહ એની ભેંટમાંથી નાનુ ખંજર કાઢી ઊભો થઈ જાય એ શક્યતા હતી. શરણસિંહે આંખ મીંચીને જયસિંહના પેટમાં તલવાર ઝીંકી દીધી. નજર ફેરવી લીધી. તરફડી રહેલા જયસિંહનો તરફડાટ શાંત થયાનો અવાજ આવ્યો એટલે એણે “ઓમ શાંતિ” કહ્યું અને પુલ તરફ ગતિ કરી.

સામગઢના રડ્યાખડ્યા બચેલા સૈનિકો જીવ બચાવી સલામત સ્થળે પહોંચી ગયા હતા. હવે કોઈ સામનો કે પ્રતિકાર નહોતા.

શરણસિંહે ભડભડ બળી રહેલો પુલ જોયો. લાલ જવાળાઓની વચ્ચે એમાં મરી રહેલા ભાઈની લીલીભૂરી આંખો જેવી જવાળાઓ પણ દેખાઈ. તલવાર હુલાવતા પહેલા જયસિંહની આંખો શું કહેવા માંગતી હતી?

શરણસિંહનું મગજ બહેર મારી ગયું. બની શકે કે જયસિંહ એમ કહેવા માંગતો હોય, “મારા બાળકોનું ધ્યાન રાખજે!”

બની શકે જયસિંહ એમ કહેવા માંગતો હોય, “મારો દીકરો મોટો થઈને આ હત્યાનો બદલો લેશે!”

શરણસિંહે આ વિચારોથી પીછો છોડાવવા પાણીમાં ડૂબકી મારી.

સામગઢના સૈનિકોએ મશકમાં પાણી ભરી ભરીને પુલની આગ હોલવી નાખી. પુલ એકંદરે સલામત હતો. બચેલા સૈનિકો એના પરથી પગપાળા પરત થયા.

દોઢસો જેટલા સૈનિકોના દેહ હજુ નદીના પટમાં અને આસપાસની સીમમાં પડ્યા હતા. લાશો બન્ને પક્ષની હતી. બન્ને પક્ષે લગભગ સરખી ખુવારી થઈ હતી. મોટાભાગના નિષ્ચેતન થઈ પડ્યા હતા. કેટલાક લાશ જેવા લાગતા હતા પણ  હજુ કણસી રહ્યા હતા. જેમના પગમાં કે કમરમાં થોડીઘણી તાકાત બચી હતી એ ઘસડાઈને સલામત સ્થાને ખસી રહ્યા હતા.

દોઢસો લાશની ઉપર ગીધ મંડરાઈ રહ્યા હતા. ઉપરથી જોતા અમુક દેહ ભૂરાપીળા રંગના તો અમુક લાલપીળા રંગના ગણવેશમાં દેખાતા હશે! આ ગણવેશ જ હવે એમનું કફન બની ગયો. આ વાતાવરણમાં આ લાશો સફેદ કફન ઓઢાવાની શક્યતા ઓછી હતી. એમના સ્વજનો પણ કદાચ નજીક જ રહેતા હશે, કેટલાકને ખબર પડી ગઈ હશે કેટલાકને સમાચાર મળવાના બાકી હશે. પણ અત્યારે કોઈ બહાર નહીં નીકળે. રાત પડ્યે ગીધ અને ઝરખ-વરુઓ વચ્ચે લાશોને ખેંચી જવાની હરીફાઈ થવાની હતી.
**
કુમાર સૂરજસેન બીજા દિવસે વિરમસિંહ અને થોડા સૈનિકો સાથે કાંઠે આવ્યા. અમુક લાશો સલામત હતી. અમુક અર્ધ-ખવાયેલી. ભૂરા વસ્ત્રો વાળી લાશોના માનગઢવાસીઓએ સામૂહિક અગ્નિ સંસ્કાર કર્યા. લાલપીળા વસ્ત્રોવાળી લાશો માછીમારોને સોંપી જે એમને સામે કાંઠે લઈ ગયા.

બન્ને કાંઠે સામૂહિક અગ્નિદાહ થયા. બન્ને કાંઠેથી કાળો ધુમાડો ઊઠ્યો. ઉપર જતાં ધુમાડાની બન્ને સેરો એક થઈ.

માછીમારો મારફતે બન્ને પક્ષો વચ્ચે વાત થઈ અને તેર દિવસનો યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો.
**
સૂરજસેનની ચિન્મયી સાથે મુલાકાત ઘણા દિવસ પછી થઈ.

ચિન્મયીના ટીંબા પર તલવાર-ભાલા વગરે હથિયારોનો ઢગલો જોઈ સૂરજસેનને નવાઈ લાગી. ચિન્મયી બોલી, “અમુક સૈનિકોના પરિવારવાળા જેમને હથિયારો ખપમાં આવે એમ હતા એ હથિયારો લઈ ગયા. અમુક વિધવાઓને હથિયારોનો ખપ નહોતો, એ હથિયારો ફરીફરીને અહીં આવ્યા. કોઈ એમ જ આપી ગયું, તો કોઈ ભંગારના ભાવે આપી ગયું!”

હથિયારોના ઢગમાંથી સૂરજસેને જયસિંહની તલવાર ઓળખી કાઢી. એના પર જયસિંહના ઈષ્ટદેવની મુદ્રા હતી. આ તલવાર વડે જ કુમાર સૂરજસેન ઘણીવાર જયસિંહ અને વિરમસિંહ સાથે તલવારબાજીના દાવ શીખ્યા હતા. જયસિંહનું અહીં માનગઢમાં કોઈ વારસ નહોતું એટલે એની તલવાર અનાથ થઈ અહીં પડી હતી.

જયસિંહ છેલ્લા દિવસોમાં સૂરજસેનથી નારાજ હતો પણ ચાર વરસથી એ રાજનો વફાદાર સેવક હતો. હણાઈ ગયેલા સૈનિકોમાં એનો મોભો સૌથી મોટો હતો. સૂરજસેનને દુઃખ હતું કે એમને યુદ્ધવિદ્યા શીખવનાર બાહોશ સેનાનાયક યુદ્ધમાં ખપી ગયો હતો.

એની તલવાર સૂરજસેને ચિન્મયી પાસે માંગી.

ચિન્મયી બોલી, “રિવાજ મુજબ હારનાર યોદ્ધાની તલવાર એમ ને એમ વાપરવી શુભ નથી, એને ફરી ઓગાળી નવેસરથી બનાવવી પડે!”

“મારે માટે રાખી લેજે આ તલવાર! એનું શું કરવાનું તે તને પછી કહીશ!”

ચિન્મયી અને સૂરજસેન સાથેસાથે સીમમાં ચાલવા નીકળ્યા. યુદ્ધે વેરેલી વિનાશકતાની છેલ્લી નિશાની પૂરી થઈ ત્યાં સુધી બન્ને ચૂપચાપ ચાલતા રહ્યા. બન્ને ચાલતાં ચાલતાં એની આગળ વધી ગયા.

બે કોસ ચાલ્યા પછી ખેતરો દેખાયા, લહેરાતો પાક દેખાયો. આવા સમયમાં કોઈ ખેતરે ક્યાંથી હોય! ગામમાં શોક હતો. અમુક ખેતરો તો સૈનિકોનાં જ હતાં, એમાંથી અમુક તો મરણ પામ્યા હતા. એક ખેતરના કૂવે જઈ બન્ને કૂવાથાળે બેઠા. ચિન્મયીએ કુતૂહલથી ગરગડીની અને કોશની રચના જોઈ. હળ અને ખેતીના ઓજારો જોયાં. લુહારની દીકરીને આમાં પણ રસ પડ્યો, એ સૂરજસેન અચરજથી જોતો રહ્યો.

ખેતરની વાડ પર નાળિયેરી હતી. ચિન્મયીએ દાતરડું ધોઈ એનાથી બે તરોફા સમાર્યા. બન્નેએ નારીયેળપાણી પીધું. કૂવાના થાળા પર એક વાંસળી પડેલી દેખાઈ. ચિન્મયીએ વાંસળી હાથમાં લઈ એમાં એક બેસૂરી ફૂંક મારી. કુમાર સૂરજસેને બહુ દિવસથી વાંસળી વગાડી નહોતી. આ વાંસળી પર એમણે હાથ અજમાવ્યો. સૂર રેલાયા. ચિન્મયી માટે કુમારનો આ નવો પરિચય હતો. ઘણ અને એરણના પ્રહારો સાંભળીને મોટી થયેલી આ ખડતલ કન્યાને વાંસળીના સૂરો ગમ્યા. ચિન્મયી વાંસળીની રચના જોઈને બોલી, “આ વાંસમાંથી બની છે એમ ધાતુમાંથી પણ બની શકે! પણ એના સૂર બરાબર વાગે એ માટે છેદ બરાબર જગ્યાએ પાડવા પડે, એ મને ન આવડે!”

“એ મને આવડે. હું સાંભળીને કહીશ સૂર બરાબર છે કે નહીં તે. ધાતુમાંથી બીજા અનેક વાજિંત્રો બની શકે!” કુમાર સૂરજસેન તુરહી, ઝાંઝ, લોહતરંગ, મોરચંગ જેવા  વિવિધ વાદ્યો વિષે વાત કરતા રહ્યા અને ચિન્મયી રસપૂર્વક સાંભળતી રહી. કુમારના રસીલા અને સૂરીલા હોઠ જોઈ ફરી એનું મન લલચાયું. ગ્રામ્યકન્યાને પોતાના આવેગની અભિવ્યક્તિમાં શરમાવા જેવું કંઈ ન લાગ્યું.

શોકગ્રસ્ત ગામથી દૂર એક સાંજ વીતાવી બન્ને ગામ તરફ પાછા ફર્યા ત્યારે ગામમાં કોઈ પ્રકારની સનસનાટી હતી. કોઈ કંઈ બોલતું નહોતું, પણ ચોક્ક્સ કોઈ ઘટના ઘટી ગઈ હતી.
**
સૂરજસેન મહેલમાં પ્રવેશ્યા ત્યારે રાજા શંભુસેન સેનાનાયક વિરમસિંહ અને અન્ય સિપાહીઓ કોઈ મસલતમાં વ્યસ્ત હતા. સૂરજસેનને સ્નાન કરવું હતું એટલે એ રોકાયા વગર સીધા અંત:પુરમાં ગયા. માતાજીનો ચહેરો જોયો. એમના રાજવંશી તેજસ્વી ચહેરાનું અડધું નૂર ઝંખવાઈ ગયું હતું.

“શું થયું માતે!”

“સામગઢના રાજા શિવરાજસેને માછીઓના નાયક સાથે એક સંદેશો મોકલ્યો છે! એની ચર્ચા ચાલે છે.”

“ફરી પાછું યુદ્ધ? આટલી ખુવારી પછી?”

“ના, હવે બે રાજાઓ વચ્ચે દ્વંદ્વયુદ્ધ થશે!” રાણી વિજયાકુમારી બોલ્યા, “માછીઓના વડા સંદેશ લાવ્યા, એ સંદેશ રિવાજ મુજબ ભરીસભામાં વાંચવામાં આવ્યો. એમાં શિવરાજસેને શંભુસેનને દ્વંદ્વનું આહ્વાન કર્યું છે!”

“એમનું આહવાન ઠુકરાવી ન શકાય?”

“એ સ્વીકારવું જ પડે! સ્વાભિમાનનો પ્રશ્ન છે!”

સૂરજસેન વિચારે ચડ્યા. પ્રજા અને સૈનિકોની ખુવારી ખૂબ થઈ હતી પણ બન્ને પક્ષે હજુ રાજાઓ મેદાનમાં નહોતા ઉતર્યા. કદાચ શિવરાજસેનના મનમાં એવી કોઈ ગુનાહિત ગ્રંથિ કામ કરી ગઈ અને એણે શંભુસેનને લલકારી દીધા!

ગામમાં એ જ ચકચાર હતી કે શિવરાજસેન અને શંભુસેન વચ્ચે દ્વંદ્વયુદ્ધ થશે.

રાણીજી બોલ્યા, “કાં તો હું વિધવા થઈશ કાં તો શિવરાજસેનની રાણી શાંતાકુમારી વિધવા થશે.”

સૂરજસેને કહ્યું, “માતે! મેં તો પહેલીવાર આ દ્વંદ્વયુદ્ધ શબ્દ સાંભળ્યો. રમત રમત માટે પહેલવાનો વચ્ચે મલ્લયુદ્ધ થાય, એ સાંભળ્યું હતું પણ બે રાજાઓ વચ્ચે દ્વંદ્વ થાય અને બેમાંથી એક મરી જાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહે એ તો પહેલીવાર સાંભળ્યું.”

રાણીબા બોલ્યા, “હું તારા જેટલી ઉમરની હતી ત્યારે મેં ય પહેલીવાર આ શબ્દ સાંભળ્યો હતું. તારા જન્મ પહેલા, વીસ-પચીસ વરસ પહેલાની વાત છે. હું સોળ વરસની હતી. તારા પિતાજી સત્તરના હશે. ત્યારે તારા દાદા રાજા શંકરસેન અને અમરસેનના દાદા પૃથ્વીસેન વચ્ચે દ્વંદ્વ થયેલું. એમના પિતાઓ તો સગા ભાઈઓ હતા. પણ રાજકાજ બાબતે ઝઘડી પડેલા. દુશ્મનીનો એ વારસો પુત્રોને મળ્યો. ત્યારે આ જ રીતે યુદ્ધની ખાનાખરાબી પછી શંકરસેને દ્વંદ્વ માટે આહ્વાન મોકલેલું પૃથ્વીસેનને.”

“પૃથ્વીસેન તો હજુ જીવે છે ને!”

“હા, એંસીની ઉંમર હશે!”

“એનો અર્થ એ કે દ્વંદ્વમાં એમણે મારા દાદા શંકરસેનની હત્યા કરી!”

“હા, પણ એ હત્યા પછી એમનું માનસિક સંતુલન ખોરવાયું. એકલા એકલા રહે છે કોઈની સાથે બોલતા નથી અને ત્યારથી જ રાજકાજ શિવરાજસેન સંભાળે છે!”

“અર્થાત, ભાઈની હત્યા કર્યા પછી પૃથ્વીસેન વિક્ષિપ્ત થઈ ગયા!”

“હા, કદાચ! એમ કહી શકાય!”

“અર્થાત દ્વંદ્વમાં એક જે હારે તે મરે, અને બીજો જે જીતે તે પાગલ થાય! આ જ સત્ય છે ને?”

“પણ બળિયાઓ બાથે વળગે ત્યારે એમને કોઈ આ સત્ય સમજાવી ન શકે!”

“માતે! આપણા જીવનમાં વંશ, પરંપરા, સ્વાભિમાન અને સત્તાનું ઝનૂન ન હોય તો ન ચાલે?”

“આ બધું જીવનમાંથી કાઢી લો તો અમુક લોકોનું જીવન જીવન જ ન રહે! પુત્ર! આ જ ક્ષત્રિયધર્મ છે! ”

“પિતાજીને હું સમજાવીશ કે દ્વંદ્વ કરવાને બદલે સમાધાન કરી લે!”

“હું સમજાવી ચૂકી છું અને એ સમજાવટ કરવા બદલ મને એક થપ્પડ પડી ચૂકી છે!”
**
એ દિવસ ઊગ્યો. સૂરજસેન એ દિવસના સૂરજને ઊગતો રોકી શકે એમ નહોતા.

એ દિવસ ધરાર ઊગ્યો. પરંપરા પ્રમાણે બે દ્વંદ્વ થવાના હતા. પહેલું દ્વંદ્વ કોઈ બે સૈનિકો વચ્ચે થાય અને પછી બીજુ દ્વંદ્વ બે રાજાઓ વચ્ચે.

કુળદેવીના મંદિર પાસે એક ચોગાન હતું, જ્યાં વારતહેવારે મેળો ભરાતો. એ સ્થળ પર આજે બન્ને ગામમાંથી હકડેઠઠ લોકો ભેગા થયા હતા. ગામના લોકો ઉન્માદમાં હતા. થોડી ઘડી પછી શું બનવાનું છે અને બેમાંથી એક પક્ષે કેવી અનુભૂતિ કરવાની છે એનો લાંબો વિચાર કરવાની કોઈને તમા નહોતી.

પહેલા દ્વંદ્વ માટે શરણસિંહ અને વિરમસિંહ તૈયાર હતા. એમ નક્કી થયું કે પહેલા હાથથી, ત્યારબાદ તલવારથી અને છેલ્લે ભાલાથી લડાઈ થશે.

રેતઘટિકા ગોઠવવામાં આવી. અને શંખના અવાજ સાથે બંને સૈનિકો વચ્ચે દંગલ શરૂ થયું. શરણસિંહ અને વિરમસિંહ બન્ને બળિયા હતા. ઉત્તેજક લડાઈ ચાલી પળેપળ પાસું પલટાતું રહ્યું. હાથોહાથની લડાઈમાં બેમાંથી એકે પણ નમતું ન મૂક્યું. રેતઘટિકામાં નિયત સમય પૂરો થયો, એક બે પળના વિરામ પછી બન્ને યોદ્ધાઓને તલવારો આપવામાં આવી. તરત દેખાઈ આવ્યું કે તલવારબાજીમાં શરણસિંહ વધુ પાવરધો હતો. વિરમસિંહ પણ કાબેલ તલવારબાજ હતો પણ શરણસિંહને સ્ફૂર્તિ વધુ હતી. વિરમસિંહના બાવડા પર અને છાતી પર ચાર-પાંચ નાના મોટા ઘા થયા છતાં એ હાર માન્યા વગર લડતો રહ્યો. તલવારબાજીનો નિયત સમય પૂરો થયો અને ઘંટનાદ થતાં જ બન્ને યોદ્ધાઓએ તલવાર ફેંકી.  ચાર-પાંચ ઘાવથી ઘાયલ થયેલો વિરમસિંહ ભૂમિ પર ઢળી પડ્યો. પણ એ હજી ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. નિયમ અનુસાર દ્વંદ્વને ચાલુ સમજી બન્નેના હાથમાં ભાલો આપવામાં આવ્યો.

શરણસિંહે એક નજર લથડી રહેલા વિરમસિંહ પર નાખી. શરણસિંહ હજુ થાક્યો નહોતો. પોતાનો વિજય હાથવેંતમાં જાણી ભાલો લઈને ઊભો હતો. એને વિશ્વાસ હતો કે વિરમસિંહ હવે ઊભો નહીં થાય અને જો વિરમસિંહ ઊભો થાય તો પણ તરત એને પહેલા જ પ્રહારે ભોંયભેગો કરી દઈશ, એવી એને શ્રદ્ધા હતી.

વિરમસિંહ જમીન પર પડ્યો પડ્યો વિચારતો હતો કે એકવાર.. ફક્ત એક્વાર.. તાકાત એક્ઠી કરી ઊભા થઈ શકાય? શરીર સાથ નહોતુ આપતું. કોઈના ટેકા વગર ઊઠાય એમ લાગતું નહોતું. પણ દ્વંદ્વના નિયમ મુજબ કોઈ ટેકો ન આપી શકે. વિરમસિંહે પાસે પડેલા ભાલાનો ટેકો લીધો. એના સહારે ઊભો થયો અને એ જ ગતિમાં ભાલો લઈ કોઈ અગમ્ય તાકાતથી દોડીને અસાવધ શરણસિંહની છાતીમાં ઘૂસાડી દીધો. આ એટલી ત્વરાથી બન્યું કે શરણસિંહના તાવ દઈ રહેલા હાથ મૂછો પર જ રહી ગયા અને એ ઢળી પડ્યો. વિરમસિંહે લથડતા પગે વિજયનાદ કર્યો, “માનગઢ નરેશ રાજા શંભુસેનનો જય હો!” માનગઢના સૈનિકો ઘાયલ વિરમસિંહને બાજુ પર લઈ ગયા અને એક રથમાં સુવડાવી એની સુશ્રુષા શરૂ કરી.

રાજા શંભુસેનને એક તરફ પહેલું દ્વંદ્વ જીત્યાનો આનંદ હતો તો બીજી તરફ વિરમસિંહનો જીવ બચશે કે કેમ એની ચિંતા હતી. એ પણ રથ પાસે જઈ ઊભા રહ્યા. વિરમસિંહ અશક્તિના કારણે બોલી શકે એમ નહોતો, પણ ઈશારાથી એણે રાજાને કહ્યું, “સફળ થાઓ!”

રાજા ચોગાન તરફ ગયા ત્યાં સુધી સૂરજસેન ત્યાં હાજર રહ્યા. હવે ગમે તે પરિણામ આવવાનું હોય, આ દ્વંદ્વ જોઈ નહીં શકાય એમ લાગતા એમણે ચિન્મયીના ઘર તરફનો રસ્તો લીધો.

થોડી ઘડીઓ પછી બન્ને રાજાઓ વચ્ચે દ્વંદ્વ શરૂ થયું. બન્ને રાજા સ્થૂળકાય હતા. થોડી જ વારમાં બન્ને પરસેવે રેબઝેબ થઈ ગયા. હાંફવા લાગ્યા. દ્વન્દ્વના પહેલા ચરણનો સમય પૂરો થયો હાથોહાથની લડાઈનું કોઈ પરિણામ ન આવ્યું.  હવે બીજા ચરણમાં બન્નેના હાથમાં તલવારો આવી. બેમાંથી એકની પણ સુરક્ષા કરવાની પદ્ધતિ બરાબર નહોતી પણ બન્ને ઝનૂનથી તલવાર વીંઝી રહ્યા હતા. આડેધડ ઘા થવાને કારણે બન્નેને ઘસરકા થતા રહ્યા. લોહી અને પરસેવાના છાંટા હવે ચોગાન પર ચોખ્ખા દેખાતા હતા. થોડીવારમાં બન્ને રાજાઓ એવા થાકી ગયા કે એમનામાં તલવાર ઊંચકવાની પણ હામ રહી નહીં. શિવરાજસેન અશકત થઈ ચક્કર ખાઈ ભોંય પર પડ્યા. એના પર પ્રહાર કરવા શંભુસેન દોડ્યા એ પણ શિવરાજસેન સુધી પહોંચે એ પહેલા અશક્ત થઈ ભોંયભેગા થયા. થોડી ક્ષણો રાહ જોવામાં આવી બન્ને ઊભા થાય એ માટે પ્રજાએ ખૂબ નારા લગાવ્યા, પણ હવે એકેયમાં તાકાત બચી નહોતી. એમની સઘળી શક્તિ હરાઈ ગઈ હતી. દ્વંદ્વના ત્રીજા ચરણ માટે એમને ભાલો આપવાનો સવાલ રહ્યો નહી. આખરે દ્વંદ્વ અનિર્ણિત જાહેર કરવામાં આવ્યું. લોકોને કોઈ વિજેતા ન મળ્યો એટલે બન્ને તરફના લોકો નિરાશ થયા. બન્ને રાજાને પાલખીમાં ઊંચકીને પોતપોતાના નિવાસ પર લઈ જવામાં આવ્યા. નિયમ મુજબ એક રાત્રિનો યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો. એટલે લોકો કાલ કેવી ઊગશે એની ચર્ચા કરતાં વિખેરાયા.

સૂરજસેન ચિન્મયીના ઘરે હતા. લોકોની ચિચિયારીના અવાજ હજુ એમના કાનમાં પડઘાઈ રહ્યા હતા. કંઈ ન સૂઝ્યું એટલે જયસિંહની તલવાર ભઠ્ઠીમાં ઓગાળવા નાખી.

દ્વંદ્વ પૂરું થતાં લોકો ગામ તરફ વળ્યા. સૌથી પહેલા સમાચાર વિરમસિંહના અવસાનના મળ્યા. એ પછી ખબર મળી કે ઘાયલ દશામાં પિતાજીને મહેલમાં લાવવામાં આવ્યા છે.

મહેલ પર જઈ કુમાર સૂરજસેને પિતાજીનું ઈજાગ્રસ્ત શરીર જોયું. પિતાજીની ઉંમર ચાળીસ-બેતાળીસથી વધુ નહી હોય. સામે પક્ષે શિવરાજસેન સાંઠ વરસના હતા.

બન્નેએ એકમેકને ઈજાઓ કરી પણ બન્ને એકમેકનો પ્રાણ લઈ શક્યા નહીં. પિતાજીના ઘાયલ શરીર પર વૈદ્ય પાટાપીંડી કરી રહ્યા હતા. વૈદ્યરાજ કહી રહ્યા હતા કે ઘાવ ઉપરછલ્લા છે, જીવલેણ નથી. પણ પિતાજી હાંફી રહ્યા હતા. ઈજા ઉપરાંત શારીરિક થાક અને માનસિક થાકને કારણે એમનો ચહેરો ફીક્કો પડી ગયો હતો. આંખો લાલ થઈ ગઈ હતી, આંખના ડોળા સૂઝી ગયા હતા, ત્વચા ઠંડી પડી ગઈ હતી. રાણીબા વૈદ્યની સૂચના મુજબ ક્વાથ બનાવીને લાવ્યા, એના બે ઘૂંટ લઈ, શંભુસેને સૂરજસેનને નજીક બોલાવ્યા. માથે હાથ ફેરવ્યો.

સૂરજસેનના મનમાં બાળપણથી લઈ અત્યાર સુધીને બધી સ્મૃતિઓ તરવરી ઊઠી. રાજાના એકના એક પુત્ર તરીકે માતાપિતાનું વહાલ જ વહાલ મળ્યું હતું. બે રાજની ખટપટો અને ઝઘડાઓની વચ્ચે પણ રાજા શંભુસેને એક પિતા તરીકે કદી ઓછું આવવા દીધું નહોતું. શંભુસેને સૂરજસેનના માથ હાથ ફેરવીને કહ્યું, “કુમાર! કાલે હું કદાચ નહીં હોઉં, તો શાસનની ધુરા તમારે સંભાળવાની થશે. હવે વિરમસિંહ કે જયસિંહ જેવા બળિયા યોદ્ધા કોઈ નથી, હવે તમારે જ નવી સેના તૈયાર કરવાની થશે. જાણો છો ને તમે?” સૂરજસેન કહ્યું, “પિતાજી અમંગળ ન બોલો, વૈદ્યરાજ કહે છે, ઘાવ ઉપરછલ્લા છે!” શંભુસેને કહ્યું, “હું સાંભળી-બોલી શકું છું ત્યાં સુધી મને વચન આપો કે તમે બદલો લેશો. શિવરાજસેનના પરિવારમાં જે કોઈ બચ્યા હશે એમને તમે નામશેષ કરશો!”

કુમાર સૂરજસેન કંઈ બોલ્યા નહીં. શંભુસેન બોલ્યા, “મારા પિતાજી શંકરસેનને મેં વચન આપેલું, એ કમભાગ્યે હું પૂરું કરી શક્યો નથી, હવે એ વચન તમારે પૂરું કરવાનું છે!”

“હું પ્રયાસ કરીશ!” સૂરજસેનને થયું એક રાજવંશના સંતાન તરીકે એની ફરજ છે કે  જે કર્મ આવી પડે તે ઉઠાવવું પડે. જો પિતા જ ન રહે તો વંશની પરંપરાની, રક્ષણની અને પ્રતિશોધની જવાબદારી ઉઠાવવી એ એની ફરજ હતી. એમાં વચન આપવાનો કોઈ સવાલ નહોતો. એ જ એનો ધર્મ હતો.

“મારો ધર્મ હું શ્રેષ્ઠ રીતે બજાવીશ! આપ નિશ્ચિંત રહો” સૂરજસેને કહ્યું.

“શિવરાજસેનના પરિવારમાં કોઈ બચવું ન જોઈએ. કોઈ નહીં!”

રાજા શંભુસેને આંખ મીંચી. નાડી જોઈ વૈદ્યરાજે કહ્યું, “સવાર ઊઠશે ત્યારે સ્વસ્થ હશે.”
**
સામે કાંઠે શિવરાજસેન પણ ઘાયલ હતા. એમનો ઈશારો સમજી રાણી શાંતાકુમારીએ રાજમહેલની સામે આરાધનાભવનમાં રહેતા એમના વૃદ્ધ પિતાજી પૃથ્વીસેનને બોલાવ્યા. પૃથ્વીસેન વીસ-પચીસ વર્ષથી રાજકાજથી અલિપ્ત રહેતા હતા. ગુમસુમ રહેતા હતા. શિવરાજસેનના મહેલની સામે આરાધનાભવનમાં એમનો નિવાસ હતો. ત્યાં કોઈ યોગી કે વૈરાગીનું જીવન નહોતા જીવતા. પાગલ કહી શકાય એટલા વિક્ષિપ્ત પણ નહોતા. બસ, એમના હાથે ભાઈ શંકરસેનની હત્યા થયા પછી એમનું મન ઉખડી ગયું હતું. એમના મનમાં રહેલો રાજા અને એમના મનમાં રહેલો ભાઈ બન્ને કદી સંપ સાધી ન શક્યા. એટલે આ સંસાર માટે પછી એ લાયક નહોતા રહ્યા.

શિવરાજસેનના એકમાત્ર સંતાન કુમાર અમરસેનની આત્મહત્યા પછી, એમને શું સમજ પડી હશે તે ખબર નહીં પણ ત્રણ દિવસ સુધી ખોરાક પાણી લીધા ન હતા. એકે શબ્દ બોલતા નહોતા. પૃથ્વીસેનને સહુ બાપાજી મહારાજ કહેતા. સહુને એમ લાગતું હતું કે હવે બાપાજી મહારાજ નહીં બચે, પણ એ પછી એમની તબિયત આશ્ચર્યજનક રીતે સુધરવા માંડી હતી. જે રીતે સામગઢમાં પ્રતિશોધની ગતિવિધિ ચાલી રહી હતી એમાં એમને રસ પડવા લાગ્યો હતો. ગ્રામજનો પણ બાપાજી મહારાજને બહાર નીકળતા જોઈને રાજી હતા. થોડા દિવસ પહેલા તો એમણે તલવાર ઉઠાવીને એક સૈનિક સાથે ગમ્મતમાં તલવારબાજી પણ કરી હતી.

પૃથ્વીસેનને લઈ આવવામાં આવ્યા. આજે એંસી વર્ષેય એ ટટ્ટાર અને સજ્જ હતા. તલવાર લીધા વગર બહાર ન નીકળે એવો એમનો પ્રભાવ પહેલેથી હતો. એમણે ઘાયલ શિવરાજસેનને જોયા. એમને ઘાયલ જોઈને જરા વિચલિત થયા. એમનો હાથ તલવારની મૂઠ પર ગયો.

“બાપાજી મહારાજ, આજે દ્વંદ્વ હતું!” એક સેવક બોલ્યો.

બાપજી મહારાજ  બોલ્યા, “પચીસ વરસ પહેલા મેં દ્વંદ્વમાં દુશ્મનના કટકા કરી નાખેલા!” પૃથ્વીસેન હવે એ ભૂલી ગયા હતા કે એ દુશ્મન એમના ભાઈ જ હતા, એમની અંદરનો દ્વંદ્વ યુદ્ધના વાતાવરણમાં સમાપ્ત થઈ ગયો હતો.

“શિવરાજસેન! તું હારી ગયો દ્વંદ્વમાં?”

“ના પિતાજી! હાર્યો નથી. દ્વંદ્વ અનિર્ણિત રહ્યો!”

પૃથ્વીસેનના મનમાં પચીસ વરસ પહેલાની વિસરાયેલી આન-બાન પાછી જાગી, “સામગઢના લડવૈયા કદી હારે નહીં! યાદ છે પચીસ વરસ પહેલા..”

“યાદ છે પિતાજી, યાદ છે! પિતાજી, હજુય આપણું સૈન્ય મોટું છે. ઘણા બહાદુર સૈનિકો છે! માનગઢવાળાને એમ સહેલાઈથી જીતવા તો નહીં જ દઈએ!” બોલતા બોલતાં શિવરાજસેનને હાંફ ચડી, “કુમાર અમરસેનનો પુત્ર એક વરસની વયનો છે. હવે એ જ રાજનો વારસ છે! પણ એ મોટો થાય ત્યાં સુધી ધુરા તમારે સંભાળવાની છે! પ્રતિશોધની આગેવાની તમારે લેવાની છે ”

શિવરાજસેનની વાત સાંભળી પૃથ્વીરાજનું રહ્યુંસહ્યું પાગલપન જાણે ઓસરવા લાગ્યું, એણે દીકરાનો હાથ હાથમાં લીધો. થોડીવારમાં એ હાથ નિશ્ચેતન થઈ ગયો.
**
બીજી તરફ શંભુસેન પણ સવારે જાગ્યા નહીં. એમનું મન જીવનભર જેટલું ઝનૂન ઝીલી શક્યું, તન એટલી તકલીફો એક દિવસ પણ ઝેલી શક્યું નહીં.

નવો દિવસ ઊગ્યો ત્યારે આ બે મૃતાત્માઓ સિવાય, બન્ને ગામ એના વેરઝેર સાથે જાગ્યા. બન્ને સેનાઓ એના ધર્મ અને કર્મની જૂગજૂની સમજ સાથે જાગી. એક સેનાના નાયક હતા એંસી વરસના વૃદ્ધ પૃથ્વીસેન. બીજી સેનાના નાયક હતા સોળ વરસના કુમાર સૂરજસેન.

યુદ્ધઘેલા ગ્રામજનોએ બન્નેનો રાજ્યાભિષેક કર્યો.

માનગઢની રાજ્યભિષેકવિધિમાં સૂરજસેન જલદી લગ્ન કરી રાજને વારસ આપે એ મુજબના મંત્રોચ્ચાર થયા. અને ત્યાં સામગઢમાં અમરસેનના હીંચકે ઝુલતા કુંવર રાજસેનનો રાજ્યાભિષેક થયો અને એના વતી એના પરદાદા પૃથ્વીસેનને સત્તાનું સૂત્ર સોંપવામાં આવ્યું.

હવે પછીની લડાઈ કેવી રીતે અને ક્યાં થશે એની ચર્ચાઓ ગ્રામજનોમાં ચાલી.
**
થોડા દિવસમાં શ્રાદ્ધ વગેરે પત્યા પછી કુમાર સૂરજસેને માછીઓના વડા સાથે સંદેશો મોકલ્યો.

સામગઢ દરબારમાં એ સંદેશો વાંચવામાં આવ્યો. કુમાર સૂરજસેનની મતિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે શું? એમણે સામગઢ નરેશ પૃથ્વીસેન સાથે પોતે દ્વંદ્વ કરવાનું આહ્વાન કર્યું હતું.
**
દાદા પૃથ્વીસેન એમના જમાનાના કુશળ યોદ્ધા હતા પણ એંસી વરસે એમને કોઈ દ્વંદ્વ માટે લલકારે એ કોઈને કલ્પના નહોતી. બાપાજી મહારાજને સૈનિકોએ સમજાવ્યું. બાપાજી મહારાજ તો લડવા તૈયાર થઈ ગયા, કહેવા લાગ્યા, “એ સોળ વરસના છોકરડાને હું એક જનોઈવઢ ઘા કરીને વેતરી નાખીશ!”

દ્વંદ્વનો દિવસ આવી ગયો. સૂરજસેનને પહેલીવાર ગ્રામજનોએ શસ્ત્રસજ્જ જોયો. ઘરડાઓ તો બોલી ઊઠ્યા, અરે આ વેશસજ્જામાં તો કુમાર તો આબેહૂબ એના દાદા શંકરસેન જેવા દેખાય છે!”

દ્વંદ્વની શરૂઆત થઈ. પૃથ્વીસેન બોલ્યા, તલવાર આપો. એમને સીધા એક ઘા અને બે કટકા જ કરવા હતા. હાથોહાથની લડાઈને બદલે સીધી તલવારબાજી શરૂ કરવાનું નક્કી થયું. બન્નેના હાથમાં તલવારો આપવામાં આવી.

પૃથ્વીસેને એમની તલવાર ઉગામી. સૂરજસેન બન્ને હાથમાં તલવાર આડી પકડી આગળ વધ્યા.

સૂરજસેને માથું ઝુકાવી તલવાર પૃથ્વીસેનના ચરણ પાસે મૂકી દીધી.

પૃથ્વીસેન લલકાર કર્યો, “કાયર! તલવાર ઉઠાવ!”

“માત્ર મારી જ નહીં, માનગઢની તમામ તલવારો હવે આપના ચરણોમાં છે!”

સૂરજસેને ઉપર જોયું. સૂરજસેનની આંખો જોઈને પૃથ્વીસેનને શંકરસેનની આંખો યાદ આવી.

આ આંખો નહોતી, આ દૃષ્ટિ હતી. એ દૃષ્ટિના તેજમાં પૃથ્વીસેનની અંદરનો યોદ્ધો બળીને ભસ્મ થઈ ગયો.

“શંકરસેન! મારા ભાઈ!” કહીને એ સૂરજસેનને ભેટી પડ્યા!

સૂરજસેને જાહેર કર્યું આજથી બન્ને ગામના રાજા પૃથ્વીસેન છે. એમની આજ્ઞાથી બન્ને તરફના  સૈનિકો બન્ને પ્રદેશની સુરક્ષા સંભાળશે. સુરક્ષા એટલે માત્ર સુરક્ષા. કોઈ આક્રમણ નહીં. અને અમરસેનનો પુત્ર રાજસેન જ્યારે પુખ્ત થશે ત્યારે બન્ને ગામનું શાસન એને સોંપાશે!

લોકોના હોઠે સવાલ ડોકાઈ રહ્યો હતો, “અને તમે?”
**
જયસિંહ અને શરણસિંહના પરિવારજનો એમના અસ્થિ લેવા આવ્યાં ત્યારે સૂરજસેને સારી એવી રકમ ઉપરાંત જયસિંહની તલવાર ઓગાળીને ચિન્મયીએ બનાવેલા બળદગાડાંની પ્રતિકૃતિ એમના બાળકોને ભેટ આપી.
**
થોડા દિવસ બન્ને ગામમાં સ્થપાયેલી શાંતિના વાતાવરણમાં શ્વાસો લઈ, એક દિવસ સૂરજસેન અને ચિન્મયી માનગઢ છોડી નીકળી ગયાં. માનગઢથી ખાસે દૂર ખેતી માટેની જમીન લઈ ત્યાં ભઠ્ઠી શરૂ કરી, હળ અને કોશ બનાવ્યા, ખેતીમાંથી સમય મળ્યો તો વાજિંત્રો પણ બનાવ્યાં. થોડા દિવસ પછી ચિન્મયી રમકડાં બનાવતી દેખાઈ. સૂરજસેનને તરત સમજાયું કે એમના વંશમાં પહેલીવાર કોઈ બાળક વેરના ભાર વગર જન્મ લેવાનું છે.

અસ્તુ!

 

Leave a Reply to DipakCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

17 Comments

  1. વાહ વાહ જુના કાળ ની વાર્તા વાંચવાની મજા આવી..મને તો આવી ખોટી શૂરવીરતા ને વેરઝેર માં ભ્રષ્ટ મતિ જ દેખાય છે…પણ અંધારા ઓરડામાં દીવા સમ સૂરજ નો પ્રકાશ ને મીઠડી ચિન્મયી મજા કરાવી ગઈ

  2. નદીનો કિનારો, લાકડાનો પુલ , રેત માં અખાડો,લુહારનો ટીંબો,નવલિકાના મુખ્ય પાત્ર સુરજસેન અને ચિન્મયી …. નવલિકા વાંચતા વાંચતા બધા દ્રશ્યો અને પાત્રો નજર સામે ચલચિત્ર માફક ઉપસતા ….. રઈશભાઈ તમારી કલમની કમાલને સો સો સલામ…….
    નવી નવલિકાઓ ની આતુરતાથી રાહ જોવાશે

  3. કોઈ બીજા જ યુગની પાર્શ્વભૂમિમાં જઈને વાર્તા કહેતાં કહેતાં વાચકને પકડી રાખવો આસાન નથી
    પણ લેખકે જરાય મચક મૂકી નહીં!
    આ કથાના વાક્યો ટૂંકા હોવાથી જાણે વધારે સાંદ્રતા ધરાવે છે અને લેખકને ધાર્યું કામ આપે છે! ખૂબ જ સરસ સંદેશ આપતી રસપ્રદ વાર્તા છે. લેખક પોતે કવિ પણ છે. પ્રતીકોથી શોભતી વાર્તા કહે છે…વાર્તાની ભાષા પણ કયારેક કાવ્યરસ નિષ્પન્ન કરે છે! બાળમનોવિજ્ઞાનના વિજ્ઞાનના નિષ્ણાત ડોક્ટર હોવાથી વાર્તારસ કરતાં પણ એમની વાર્તાઓમાં મળતા એમના જ્ઞાનના આડકતરા લાભ વધારે મહત્વના મને લાગે છે.

  4. વાંચવાનું શરુ કરીએ પછી પૂરી કરે જ છૂટકો. નવલિકા ખરેખર રસપ્રદ છે.ચિન્મયીનું પાત્ર સરસ ઉપસ્યું છે. અંત તો ખરેખર સરસ…

  5. ખૂબ જ રસપ્રદ નવલિકા…

    રઈસભાઈ, તમારી ગઝલ શીબીરમાં “ચમત્કૃતિ” શબ્દનો અર્થ સમજ્યો હતો.

    આ નવલિકા તો ચમત્કૃતિથી ભરેલી છે – એકવાર વાંચવાનું શરૂ કરીએ પછી અંત સુધી છોડવાનું મન નથી થતું.

    અંતની ચમત્કૃતિ તો ખૂબ સ્પર્શી ગઈ!

  6. વાહ સાહેબ, વાર્તાના રસ પ્રવાહમાં એ રીતે ડૂબી જવાયું કે વાર્તાની અનેક વિશેષતાઓને તારવવા માટે બીજી વખત જરૂર વાંચીશ પણ સૌથી લાંજવાબ તો આપના શીર્ષકની યથાર્થતા; સામસામે શીર્ષક એક જ સાથે અનેક અર્થોમાં સાર્થક છે; જેમાં અત્યારની વૈશ્વિક પરિસ્થિતિ પણ ગણી શકાય; ચિન્મયની બુદ્ધિ પ્રતિભા અને અંતે વાર્તાનો અંત ખરેખર અવિસ્મરણીય બની રહેશે. ખૂબ ખૂબ વંદન આપને અને આપની કલમને સાહેબ.
    -વિપુલ વ્યાસ ‘દર્શન’

  7. રઈશભાઈ,ખૂબ સરસ વાર્તા, સરસ આલેખન. અંત તો ખૂબ જ ગમ્યો. અભિનંદન. અને આવી અનેક વાર્તાઓ માટે શુભેચ્છા.

  8. રઈશભાઈ, સો-દોઢસો-બસો વર્ષ પહેલાંનો કાળ સજીવન કર્યો! સરસ આલેખન. હું એ જોવા માંગતો હતો કે વાર્તાનો અંત તમે કેવો લાવો છો. સરસ લોજિકલ એન્ડ. ચિન્મયીનું પાત્ર પ્લાન્ટ કરવું એક માસ્ટરસ્ટ્રોક કહી શકાય. વળી વાર્તા કઈ તરફ ગતિ કરશે એ દિશા પણ દેખાવા માંડી હતી. એમ છતાં એનું નિરૂપણ કેવી રીતે થાય છે તે જોવું હતું. સરસ, વાર્તાની ઘડામણ તાર્કિક પધ્ધતિએ થઈ છે. તમામ પાત્રો પોતપોતાની સ્ક્રિપ્ટ મુજબ વર્ત્યા. સાધંત સરસ રચના. ગુડ જોબ!

    1. કિશોરભાઈ આપની
      વાર્તાની સમજનો હું ચાહક છું, વાર્તાકળાને જીવન સમર્પિત કરનાર આપ જેવા સંનિષ્ઠ અભ્યાસુને મારી વાર્તા ગમી, એનાથી મોટી સાર્થકતા કઈ હોઈ શકે?

  9. સરસ સંદેશ આપતી વાર્તાની બહુ જ સરસ રજૂઆત..અભિનંદન રઈશભાઈ