|

“તારી પીંછી, મારી કલમ..!” ~ ચિત્રોઃ રાજુલ ઠક્કર ~ કાવ્ય પંક્તિઃ શ્રી ઉદયન ઠક્કર

“તેરે સૂર ઔર મેરે ગીત, દોનોં મિલકર બનેગી પ્રીત”- “ગુંજ ઊઠી શહનાઈ”નું આ ગીત આજે અનાયાસે આ લખતાં મનમાં ગુંજી રહ્યું છે.

આ ચિત્રો અને કાવ્ય પંક્તિઓનો સમન્વય એટલે રાજુલબહેનની રંગોભરી પીંછીની સુગંધમાં ઉદયનભાઈની કલમના સોના જેવા અ-ક્ષરોનો સુભગ સંગમ.

રાજુલબહેન અને ઉદયનભાઈ, બેઉનાં સાયુજ્યની વાત કરતાં પહેલાં બેઉને અદના વ્યક્તિ તરીકે જાણવાનો લહાવો લેવો એ પણ એક લહાવો છે. પણ, આજે આ ચિત્રોમાં ઉદયનભાઈના ગીત/ગઝલની પંક્તિઓ ઉમેરાતાં, આકાર અને રંગો એકમેક પર ઓળઘોળ થઈને, શબ્દો સાથે “દે તાલી” કહીને અન્યોન્યના હોવાપણાનો ઉત્સવ ઉજવતા હોય એવું લાગે છે ને? બસ, રાજુલબહેન અને ઉદયનભાઈને સાથે મળોને, ત્યારે બિલકુલ એવું જ લાગે કે આ બેઉ એકમેક પર ઓળઘોળ થઈને જિંદગીને “દે તાલી” કહીને ઉજવી રહ્યાં છે.

ઘણીવાર, કેટલાં વર્ષોથી એકમેકને જાણીએ છીએ, કે, કેટલીવાર મળ્યાં, એનું ગણિત અર્થહીન બની જાય છે, ખાસ કરીને એ વ્યક્તિઓ રાજુલબહેન અને ઉદયનભાઈ જેવા “યારોના યાર” સમા મોજીલા હોય!

ઉદયનભાઈ અને રાજુલબહેન, બેઉ જણ સમય, સંજોગ અને સ્વભાવે ચોક્કસ. છતાં પણ મારા જેવા ‘અચોક્કસ’ રીતે ચોક્કસ કે ‘ચોક્કસ’ રીતે અચોક્કસને – (Basically Goofy..?) પણ પ્રેમથી સહન કરી લે! એટલું જ નહીં, પણ એમાંયે ઉદયનભાઈ તો એમની વિશિષ્ટ વિનોદવૃત્તિથી વાતાવરણને પણ ખરાબ ન લાગે એમ, આજુબાજુની હવામાં હળવાશ ભરી દે.

મિત્રો માટે દિલ અને  ઘરનાં દરવાજા બેઉ ખુલ્લા રાખે, પણ, કોઈને એમની દરિયાદિલી કે ચોક્સાઈ સાથેની બુદ્ધિમતાથી “Impress” કરવાથી સો જોજન દૂર ભાગે!

એ બેઉને પહેલીવાર કે કેટલીયે વાર મળીયે તોયે આત્મીયતાની Intensityને એક સમતોલપણું – (Balance) અને સંતુલન – (Equilibrium) રાખીને જાળવી શકે અને એ સાથે, સામી વ્યક્તિને, એ બેઉની સાથે વાતચીત કરતી વખતે હૂંફના કુમળા તડકાના અદૃશ્ય આવરણ તળે, એક સાચા મિત્રની સાથે હોવાની સલામતી ન અનુભવાય, તો જ નવાઈ!

બેઉનું ભણતરનું ક્ષેત્ર અકાઉન્ટન્સીનું પણ કાર્યક્ષેત્રે આગવાપણું પણ ખરું. ઉદયનભાઈ (ઓફિશ્યલી કવિ તરીકે પ્રસ્થાપિત થયા પછી) ત્રીસેક વર્ષો પહેલાં ફિલાડેલ્ફિયા આવ્યા હતા ત્યારે એમની કવિ તરીકેની પ્રતિભાથી હું અને મારા પતિ, વિનુ બિલકુલ અંજાઈ ગયેલાં.

મિતભાષી વિનુએ ત્યારે કહ્યું હતું, “એમની કવિતામાં નાવીન્ય છે પણ નવીનતાને જ મારી-મચડીને કવિતા તરીકે રજૂ નથી કરતા અને એ જ એમની સૌથી મોટી યુ.એસ.પી. છે.” ઉદયનભાઈ, આજે પણ તમારી કવિતા નવાપણાના સૌષ્ઠવથી શોભે છે પણ એ સાથે એનાં કાવ્યતત્ત્વને ઊની આંચ આવતી નથી.

ઉદયનભાઈ એમની કવિતાના શબ્દેશબ્દે  જાણે “પતંગિયાની પાંખમાં રંગોળી પૂરતાં હોય” એવી જ આશાએશથી સંવેદનાનું ચિત્ર દોરે છે. એમની કવિતાને સમજતાં એમની જ પંક્તિઓ યાદ આવી જાય છેઃ
“પાંખડીઓને વકાસી, સૂર્યની સામે કમળ જોયા કરે છે ક્યારનું,
જે છુપાવે મોં તિમિરથી, એને અજવાળું સમજતાં વાર તો લાગે જ ને?”

એક કવિની ઓળખ કવિતા હોય, પણ કવિતાની ઓળખ માણસ કેવો છે એના પર આધાર રાખે છે. ઉદયનભાઈની ઓળખ આપવી હોય તો એવું કહી શકાય કે વિસ્મયમાં હકીકત સ્વીકારતા અચકાય નહિ અને હકીકતને વિસ્મયથી રજૂ કરતા પણ કોઈ છોછ નહિ.

એમની જ પંક્તિઓ જુઓ, આ જ વાતની પ્રતીતિ પૂરે છેઃ
“એક વાતે વાયરો મૂંઝાય છે
જેનાં જેનાં રંગ અને રોનક વધે
મ્હેક એની ઓછી કેમ થાય છે?”

એમણે અનેક અન્ય ભાષાના સાહિત્યને વાંચ્યું જ નથી પણ પચાવ્યું છે. એમના આસ્વાદો અને વિવેચનો-ચિંતનો એમની કલમ અને કોલમમાં વાંચતા મનમાં સળવળાટ તો જરૂર થાય. આ જ “સળવળ કરતી હલચલ” રાજુલબહેનનાં ચિત્રો માટે ઉદયનભાઈએ લખેલી પંક્તિઓ મચાવી જાય છે.

રાજુલબહેન એક સૌમ્ય, સ્વસ્થ અને સુંદર વ્યક્તિત્ત્વના સ્વામિની. એમની હયાતીમાંથી કોઈ આંટીઘૂંટી વિનાની સાલસતા અને સાદગી ઊભરાય. એમણે દોરેલાં ચિત્રોમાંયે એમની સરળ વિચારધારાનાં સંકેત મળે છે. વોટરકલર અને ઓઈલ પેઈન્ટનાં આ ચિત્રો એમની પીંછીમાંથી નીતરતા રંગોને કારણે એમનાં જેવાં જ જાજરમાન અને દેદીપ્યમાન બન્યાં છે.

રાજુલબહેન સાથે વાત કરવાનું ખૂબ સહેલું લાગે. પહેલીવાર મળો તોયે લાગે કે વર્ષોથી મળતાં રહ્યાં છીએ. ચિત્રોના વિષયો અને રંગોમાં રાજુલબહેનની કલ્પના, ઉદયનભાઈની કવિતાની કલ્પના સાથે ભળી જતાં એવું લાગે કે એમનાં ચિત્રોમાંના રંગોએ ઉદયનભાઈના શબ્દોમાં ભળી જઈને, ચિત્રોને રજવાડી લિબાસ પરિધાન કરાવ્યો છે, સાવ સહજતાથી.

પણ, તે છતાંયે આ ચિત્રોની સાદગી અને એની સચ્ચાઈ ઊડીને આંખે વળગે છે. એનું કારણ છે, રાજુલબહેનની જેવા છે એવા જ દેખાવાની નિર્દંભતા, જે એમને મળનારાં સહુને સ્પર્શ્યા વિના રહેતી નથી. આ જ કારણસર, એમના માટે દરેક મિત્ર “ખાસ” છે, એ વાત એમના દરેક મિત્ર સુધી કહ્યા વિના પહોંચી પણ શકે છે.

આપ સહુ વાચકોને રાજુલબહેનનાં આ ચિત્રો, રંગો અને કાવ્ય પંક્તિઓને માણવાનું આમંત્રણ આપું છું. ઉદયનભાઈની આ પંક્તિઓથી વિરમીએઃ
“સમંદર  પારના  પંખીને તું દે  છે ક્યો  નકશો?
છતાં એ ગોતી લે છે, એની રીતે એના રસ્તાઓ”

તો ચાલો, રાજુલબહેન અને ઉદયનભાઈની સાથે પીંછી અને કલમની અનોખી જુગલબંધીની મુસાફરીએ નીકળી પડીએ.

~ જયશ્રી વિનુ મરચંટ

જતાં સિતારાલોકમાં,
મારગ મળિયાં ફૂલ

પતંગિયાથી થઈ ગઈ,
કેવી  નમણી ભૂલ!

On her way to the stars,
she spotted flowers

The butterfly made such a
beautiful mistake!

*********

જોઈને રાતા રાતા થઈ
ગયા છે ફૂલના ચહેરા
ને હું ગોત્યા કરું કે એમની
ચિઠ્ઠી ગઈ ક્યાં છે?

Oh flowers!
Why do you blush?

have you secretly
read her letter?

*********

કઈ તરકીબથી પથ્થરની
કેદ તોડી છે?
કૂંપળની પાસે શું
કુમળી કોઈ  હથોડી છે?

By which trick does it escape
the stone-walled prison?

Does the blade of grass
wield a soft hammer?

*********

કાં તો સાંભળશે ને કાં તો બોલશે
આપને શ્રીમાન, પંખી શું કહે?
વૃક્ષની પાસે જ હૈયું ખોલશે.

She will either speak or listen. The bird has nothing to say to you, Sir.
She will open her heart
only to the tree.

*********

સૂરજના કેસરિયા લસબસતા રેલામાં કોક સાંજ ડૂબવાની કેવી મજા?
એક જ સમય પર મારું-તમારું આ દુનિયામાં હોવાની કેવી મજા?

Isn’t it a great pleasure to swim in the glowing saffron of the sun?
Isn’t it a great pleasure to be in this world simultaneously?
*********

ચસચસાવી ચુસકી ચાની લીધી
કીટલીમાંથી કરિશ્માઓ થયા
વાત અલ્લાદીનની માની લીધી

I take a sip of tea.
The kettle is pure magic!
True indeed is the
story of Aladdin.
*********

That is the beauty
of this picture.
Rays can be seen
but not the sun.
*********

ન કૂંપળ, ન કળીઓ,
ન કુસુમો, ન ક્યારો

સુગંધોને  હોતો
હશે કંઈ કિનારો?

Neither bud nor branch;
Neither flower nor flower-bed

fragrance knows
no boundaries.
*********

કવિતાઓ કરે છે પંખીઓ,
તો પણ કવિ ક્યાં છે?

ટહુકાઓની નીચે નામ,
સરનામું, સહી ક્યાં છે?

Birds create poetry
but are not poets

Their songs bear neither
name nor autograph.

*********

બાલદી, શીશી, તપેલી,
પ્યાલું, ડબ્બો, ટોપિયું

ફૂલ જ્યાં બોળે ચરણ,
ત્યાં ફૂલદાની થાય છે.

Bucket, bottle, box, glass, goblet
whatever a flower touches with its toe, turns into a flower vase!
*********

અસ્તરેખા  જોઈને  સૂરજની,
કૂકડાએ કહ્યું

આપના પ્રારબ્ધમાં બહુ
ચડઉતર દેખાય છે.

Rooster said
to the setting sun:

Fate has in store for you
many ups and downs
*********

 

Leave a Reply to Sonal ParikhCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

9 Comments

  1. કાવ્યને મળ્યો ચિત્રદેહ
    કે
    ચિત્ર ને મળ્યો કાવ્યદેહ!👌
    અતિસંવેદનશીલ અને અજોડ આ સાયુજ્ય!
    👌👌👌👌👍👍👍👍💐💐💐

    દિવ્યા શાહ

  2. વાહ ,

    રાજુલબહેનની કલ્પના અને ઉદયનભાઈનાં કાવ્યપંક્તિઓનો શું સુંદર સમન્વય !

  3. આહા…શું સરસ પરિચય આપ્યો છે !! આજે રાજુલબેન્નો પણ સરસ પરિચય થયો. શબ્દો અને પીંછી દ્વારા.. ઉદયન ભાઈને તો વાંચ્યા જ કરીએ..

  4. વાહ. આપણું આંગણું આ ઉપહાર સુંદર લઈ આવ્યું છે. તે માટે ઉદયનભાઈ અને રાજુલબેનની સાથે આ બ્લોગના સંયોજકો અને લેખકોનો પણ આભાર.

  5. Rajul is Udayan bhai’s inspiration; And essence of life is Rajul’s inspiration. In the bargain we get to enjoy double.

  6. વાહ…ખૂબ સુંદર રજૂઆત… નાવિન્યસભર…