શુભારંભ નવી નવલકથાનો ~ || આમંત્રિત || ~ લે. પ્રીતિ સેનગુપ્તા ~ પ્રકરણ:૧
લેખિકા પરિચય
પ્રીતિ સેનગુપ્તા – નામ હી કાફી હૈ. આ નામ બોલાય, વંચાય કે પડઘાય એટલે એક અસીમ પ્રવાસીની આકૃતિ નજર સમક્ષ ઊભી થાય. આજથી તેમની નવી નવલકથાનો આજથી શુભારંભ થાય છે. દર શનિવારે હપ્તો પ્રગટ થશે. એ પહેલા વિશ્વકોશમાં વર્ષ ૨૦૦૮માં તેમનો જે પરિચય આપવામાં આવ્યો છે તે મૂકીએ છીએ. એ પછી પણ ઘણાં પીંછાં ઉમેરાયા છે.
સેનગુપ્તા, પ્રીતિ (જ. 17 મે 1944, અમદાવાદ) : પૃથ્વી પરના બધા જ ખંડોનો સફળતાથી પ્રવાસ ખેડનાર સાહસિક ગુજરાતી નારી. મૂળ નામ પ્રીતિ શાહ. પિતાનું નામ રમણલાલ અને માતાનું નામ કાંતાગૌરી. સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. અહીંની જાણીતી શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાંથી 1961માં એસ.એસ.સી.ની પરીક્ષા, સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અંગ્રેજી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષય સાથે બી.એ. અને 1967માં ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાંથી અંગ્રેજી વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પસાર કરી.
ત્યાર બાદ અમદાવાદની જાણીતી ઉચ્ચ શિક્ષણસંસ્થા હરિવલ્લભદાસ કાળીદાસ મહાવિદ્યાલયમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા તરીકે થોડોક સમય કાર્ય કર્યું. ત્યાર પછી અમેરિકા ગયાં અને ન્યૂયૉર્ક ખાતેના નિવાસ દરમિયાન ચંદન સેનગુપ્તા નામના બંગાળી યુવાન સાથે પરિચય થયો, જે લગ્નગ્રંથિમાં પરિણમ્યો. ત્યારથી કાયમી નિવાસ અમેરિકામાં. ત્યાંથી જ થઈ વિશ્વપ્રવાસની શરૂઆત વર્ષ 1975માં.
સાથોસાથ અમેરિકાની સાહિત્યિક અને સામાજિક સંસ્થાઓમાં અવેતન સેવાઓ આપી. 1980-92 દરમિયાન ત્યાંની ટાગોર સોસાયટીનાં માનદ્ મંત્રીપદે અને ગુજરાત લિટરરી અકાદમીમાં ઉપાધ્યક્ષપદે કાર્ય કર્યું.
બાલ્યાવસ્થામાં પ્રીતિબહેને માર્કો પોલો, કોલંબસ, વાસ્કો દ ગામા જેવા વિશ્વપ્રવાસીઓનું વિસ્તૃત અધ્યયન કર્યું હતું; જેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી અને પ્રવાસનક્ષેત્રે સક્રિય રીતે ઝંપલાવવાનો નિર્ધાર કર્યો. વર્ષ 2005 સુધી તેમણે વિશ્વના 104 દેશોનો પ્રવાસ ખેડ્યો હતો, જેમાંથી મોટાભાગના દેશોનો પ્રવાસ તેમણે એકલા જ કર્યો છે. તેમનામાં રહેલ કુતૂહલ અને અદમ્ય સાહસનો આ સજ્જડ પુરાવો છે. તેમાં દક્ષિણ અને ઉત્તર ધ્રુવના પ્રવાસનો પણ સમાવેશ થાય છે.
ઉત્તર ધ્રુવનો પ્રવાસ ખેડનાર તેઓ પ્રથમ ભારતીય હિંદુ મહિલા છે. આ પ્રવાસને પ્રીતિબહેન સહનશક્તિની સાચી કસોટી કહે છે; કારણ કે ત્યાં તાપમાન-60 ડિગ્રી હોય છે. તેમના આ પ્રવાસની નોંધ દૂરદર્શનની રાષ્ટ્રીય ચૅનલે પણ લીધી હતી. ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી પી. વી. નરસિંહરાવે તેમને અંગત મુલાકાત માટે આમંત્ર્યાં હતાં અને તે દ્વારા પ્રધાનમંત્રીએ આ ‘રખડુ પંખી’ પ્રીતિ સેનગુપ્તાનું સન્માન કર્યું હતું એમ કહેવાય.
તેમનાં પ્રકાશિત થયેલાં પ્રવાસવર્ણનોમાં ‘પૂર્વા’ (1986), ‘દિગ્દિગંત’, ‘સૂરજસંગે દક્ષિણપંથે’, ‘કિનારે કિનારે’, ‘ઉત્તરોત્તર’, ‘મન તો ચંપાનું ફૂલ’, ‘ધવલ આલોક, ધવલ અંધાર’, ‘અંતિમ ક્ષિતિજો’, ‘ઘરથી દૂરના ઘર’, ‘દૂરનો આવે સાદ’, ‘દેશદેશાવર’, ‘નરણી વહે છે નદી’, ‘એક પંખીનાં પીંછાં સાત’, ‘નૂરના કાફલા’, ‘દેવો સદા સમીપે’ અને ‘ખીલ્યાં મારાં પગલાં’નો સમાવેશ થાય છે.
આ પ્રવાસવૃત્તો પુસ્તક રૂપે પ્રકાશિત થયાં તે પૂર્વે ગુજરાતી સામયિકોમાં ક્રમશ: અને યથાસમયે પ્રકાશિત થયાં હતાં. ‘કુમાર’ માસિકે તેમનાં પ્રવાસવર્ણનોની શૃંખલા છાપી છે, જે વર્ષ 2007માં પણ ચાલુ છે. તેમના પ્રવાસ દરમિયાન, અને ખાસ કરીને તેમના એકલા પ્રવાસ દરમિયાન સ્ત્રી હોવાને નાતે તેમને અચરજ પેદા કરે તેવા પ્રસંગોનો સામનો કરવો પડ્યો છે. ઉપરાંત, તેમના આર્કટિક (arctic) સમુદ્રના પ્રવાસ દરમિયાન તેમનું જહાજ બરફના તોફાનને કારણે ડૂબી જતાં તેમણે તેમની પાસેની બધી જ ચીજવસ્તુઓ, નાણાં, પાસપૉર્ટ વગેરે ગુમાવ્યાં હતાં; અલબત્ત, તેઓ આશ્ર્ચર્ય પમાડે એ રીતે આબાદ બચી ગયાં હતાં.
તેમણે વિશ્વના બધા જ ખંડો સાથે મૅગ્નેટિક ઉત્તર ધ્રુવનો વધારાનો પ્રવાસ પણ ખેડ્યો છે (1992). એટલા માટે જ તેમણે માત્ર સાત ખંડો નહિ પરંતુ સાડાસાત ખંડોનો પ્રવાસ ખેડ્યો છે એમ કહેવાય છે. આ બધી વિગતો જોતાં પ્રીતિ સેનગુપ્તાને ‘વિશ્વપ્રવાસી’નું જે બિરુદ આપવામાં આવ્યું છે તે ખરેખર સાર્થક લાગે છે.
પુસ્તકો અને સામયિકોમાં પ્રવાસશૃંખલા ઉપરાંત અમેરિકા અને ભારતનાં વૃત્તપત્રોમાં પણ તેમની ભ્રમણગાથા સમયસમયે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતી રહે છે. તેમનાં અત્યાર સુધી(2007)નાં 31 પુસ્તકોમાં 3 અંગ્રેજી ભાષામાં અને બાકીનાં 28 પુસ્તકો ગુજરાતી ભાષામાં લખાયેલાં છે. તેમાંથી કેટલાંકને ઍવૉર્ડઝ કે પારિતોષિકો પણ મળ્યાં છે.
ભારત અને અમેરિકા ઉપરાંત જાપાન એ તેમનો ત્રીજો પ્રિય દેશ છે. તેનો વર્ષ 2007 સુધી તેમણે ચાર વાર પ્રવાસ ખેડ્યો છે. વિશ્વપ્રવાસી હોવા છતાં પ્રીતિબહેન સંપૂર્ણ શાકાહારી છે. તેઓ તેમનાં લખાણોમાં ગુજરાતી શબ્દોના પ્રયોગ પર વિશેષ ધ્યાન આપે છે, જેને કારણે તેમણે નવા શબ્દોનો આવિષ્કાર કરી ગુજરાતી ભાષાને વિશિષ્ટ રીતે અંશત:, છતાં જરૂરી કહી શકાય એ રીતે સમૃદ્ધ કરવાનો પ્રયાસ પણ કર્યો છે. તેમનાં સર્જનાત્મક પ્રવાસવર્ણનો ભારેખમ નહિ, પરંતુ પ્રાસાદિક હોવાથી તે વાચકોનાં મન તરત જ જીતી લે છે.
અંગ્રેજી ભાષામાં તેમણે જે ત્રણ ગ્રંથો લખ્યા છે તેમાં ‘માય જર્ની ટુ ધ મૅગ્નેટિક નૉર્થ પોલ’; ‘વ્હાઇટ ડેઇઝ્, વ્હાઇટ નાઇટ્સ’ અને ‘જૉય ઑવ્ ટ્રાવેલિંગ અલોન’નો સમાવેશ થાય છે. ઉપરાંત, નૅશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલ ‘વીમેન હુ ડેર્ડ’ શીર્ષક હેઠળની શ્રેણીમાં પ્રીતિબહેને તેમના અનન્ય અનુભવોનું બયાન કર્યું છે.
પ્રીતિબહેનને છબીકલાનો ખૂબ શોખ છે, જે તેમના વિશ્વપ્રવાસ દરમિયાન ખીલી ઊઠતો રહ્યો છે. તેમની પાસે તેમણે પોતે તૈયાર કરેલ આશરે 200 જેટલી સ્લાઇડ્સ પણ છે, જેનો સહાયક સાધન તરીકે તેઓ તેમનાં જાહેર વ્યાખ્યાનોમાં ઉપયોગ કરતાં હોય છે. આ રીતે વિચારીએ તો તેમનાં પ્રવાસવ્યાખ્યાનો દૃશ્ય-શ્રાવ્ય સ્વરૂપનાં હોય છે.
તેમના પતિ ચંદન સેનગુપ્તા અમેરિકાની યુનિવર્સિટીઓમાં એમ.બી.એ. પદવી અભ્યાસક્રમોમાં પ્રાધ્યાપક તરીકેની સેવાઓ આપે છે.
પ્રીતિબહેનને અત્યાર સુધી મળેલા ઍવૉર્ડ્ઝમાં વિશ્વગુર્જરી ઍવૉર્ડ (1993) અને ‘કુમાર સુવર્ણચંદ્રક’ (2007) ઍવૉર્ડનો સમાવેશ થાય છે.
(આવો…. આજથી એમની નવલકથા “આમંત્રિત” દ્વારા એમના કથાવિશ્વમાં પ્રવેશ કરીએ, જેમાં શહેર પણ એક પાત્ર બનીને ઉભરી આવે છે. વાચકોનો પ્રતિસાદ આવકાર્ય છે.)
પ્રકરણ:૧
ન્યૂયોર્ક જેવું શહેર. હડસન જેવી નદી. અહીંની પાનખર જેવી ઋતુ. સુંદર ચિત્ર જેવી આ સવાર. અને વળી, પોતાની આ જિંદગી.
આંખો ખૂલી અને મન જાગૃત થયું કે તરત આવો ભાવ જૅકિના હૃદયમાં ઊભરાઈ આવેલો. આ શહેર અને આ સવાર માટેનાં આ વાક્યો, એમાં કોઈ સ્પષ્ટ વિશેષણ નહીં, પણ તોયે ઓહો, વખાણનો પાર નહીં. એક તો એમ કે, ન્યૂયોર્ક શહેરને વળી વિશેષણોની જરૂર જ ક્યાં હતી?, ને બીજું, સુયોગ્ય વિશેષણો મેળવવા જેવી આવડત જૅકિમાં ક્યાં હતી?
ઊઠતાંની સાથે જૅકિ એટલા આનંદમાં હતી કે પોતાની અણઆવડત દર્શાવતી વાત પર એ હસી શકી. અત્યારે સાથે સચિન હોત તો, આનંદ તો વધત જ, પણ જાણે દૃશ્યનું રૂપ પણ વધ્યું હોત.
સચિનને જૅકિના અપાર્ટમેન્ટમાંથી દેખાતાં દૃશ્યો બહુ ગમતાં. કદાચ એની પાસે જ જૅકિએ આ શબ્દો પહેલી વાર સાંભળ્યા હતા – ન્યૂયોર્ક જેવું શહેર. હડસન જેવી નદી.
એને અર્થ તરત સમજાયો ન હતો. ‘જેવું’ એટલે ‘કેવું’ અને ‘જેવી’ એટલે ‘કેવી’. પછી સચિને સમજાવેલું એટલે કે, એક વ્યાખ્યાન આપેલું, એમ જ કહી શકાય! કેટલું વર્ણન કરેલું શહેરનું અને આ નદીનું, કેટલો ઇતિહાસ જણાવેલો. શહેરનું નામ કઈ રીતે પડ્યું, આ નદીનું નામ કોના ઉપરથી પડ્યું વગેરે. સચિન પાસે જાણે બધી બાબતની જાણકારી હતી.
જૅકિએ બાલ્કનીમાં જઈને જોયું તો સરસ ભૂરા આકાશને લીધે એ સવારે હડસનનું પાણી પણ સરસ ભૂરું લાગતું હતું. ઝાડપાનનાં બદલાતા ગયેલા રંગોની શોભા નીચેના ઉદ્યાન-પરિસરમાં પથરાયેલી હતી.
આ ઋતુમાં અહીં અમુક પ્રમાણમાં તડકો અને ઠંડી મળતાં જાય તેમ-તેમ લીલાં પાંદડાં રંગ બદલતાં જાય. લીલાંમાંથી પીળાં, ગુલાબી, કેસરી, લાલ, મરૂન, જાંબલી, અને શિયાળો બેસવા માંડે ત્યારે, નહીં ખરેલાં પાંદડાં છેલ્લે કાળાશ પડતાં થતાં જાય, પણ એને તો હજી વાર હતી.
પાનખર અને શિયાળાની સંધિનો આ સમય છે, એમ કહેવાય છે, તે જૅકિને ખબર હતી. પણ ઠંડી શરૂ થઈ જાય, અને તે પછી ફરીથી સરસ ઉષ્માના દિવસો આવે, તેને માટે ‘ઇન્ડિયન સમર’ જેવો શબ્દપ્રયોગ હોય છે, તે જૅકિ જાણતી ન હતી. એનો અર્થ પણ એક વાર સચિને જ એને સમજાવેલો.
એ વાતને એક વર્ષ થયું એટલાંમાં જૅકિ એ સમજૂતી જરા ભૂલી ગઈ હતી. ‘ઇન્ડિયન’ એટલે ઇન્ડિયાનાં ઇન્ડિયન નહીં, એટલું જ એને યાદ હતું. ફરીથી સચિનને પૂછવું પડશે.
એ જ ઘડીએ સચિનને ફોન કરવાનું જૅકિને મન થઈ ગયેલું. પણ ફોન કરાય તેમ ન હતો. આજે શનિવાર થયો હતો. શનિવારની સવાર જ નહીં, પણ મોડી બપોર સુધીનો સમય સચિને પોતાના પિતા માટે રાખેલો. બસ, એ નક્કી જ હતું. આ નિયમ નહીં જ બદલવા માટે એ મક્કમ હતો.
સચિનના પાપાની તબિયત બહુ સારી રહેતી ન હતી, એ જૅકિ જાણતી હતી. એ તો ઉંમર પ્રમાણે હોય. પણ એ સિવાયની પણ કોઈ ચિંતાજનક બાબત હોય, એવું એને લાગતું. ઉપરાંત, એની મમ્મીનું નામ એ કેમ કદી લેતો ન હતો? પણ એ હજી સુધી સચિનને પૂછી શકી ન હતી .
હડસન નદીના પહોળા પટના અલભ્ય જેવા દર્શનનો લાભ જૅકિના અપાર્ટમેન્ટની કાચની દીવાલોની આરપારથી આખો દિવસ મળતો અને રાત્રે, નદીની પેલી બાજુ બનેલી બહુમાળી ઇમારતોમાંની બત્તીઓ આકર્ષક લાગ્યા કરતી.
આ અપાર્ટમેન્ટમાં સમય પસાર કરવો સચિનને બહુ જ ગમતો.
એક વાર એ કહી બેઠેલો, “એમ થાય છે કે હું અહી રહેતો હોત તો.”
જૅકિએ ઉતાવળે જવાબ આપી દીધેલો, “તે આવી જા ને. તને આપ્યું આમંત્રણ, ક્યારેય પણ આવી શકે છે. અહીં બે બેડરૂમ પણ છે. એક હું તારે માટે રાખીશ, બસ?”
પણ આ પછી આગળ કશું નહીં, પછી ફરી ક્યારેય નહીં. સચિનને એમ હશે કે જાણે એ બોલ્યો, ને પછી એ શબ્દો ભૂલી જવાના હતા?
પણ જૅકિ ભૂલી ન હતી. એ વાત વારંવાર તો શું, જાણે ક્યારેય કાઢી શકાય તેમ નહતું. એક તો એટલે, કે સાથે રહેવા માંડવા જેવો સબંધ ક્યાં થયો હતો?, ને એને માટે કોઈ ચોખવટ ક્યાં થઈ હતી? અને બીજું, સચિને શરૂઆતમાં જ કહેલું,
“જૅકિ, મારા જીવનમાં એક જ બાબતની કશી પણ કિંમત છે, ને તે મારા પાપાની હાજરી છે. જો પાપા મારી સાથે ના હોય, તો મારી પાસે કશું જ નહીં હોય.”
બાકીનું કહેવાની જરૂર નહતી – કે સચિન પાપાને લઈને જૅકિને ત્યાં રહેવા ના આવી શકે, અને એમને મૂકીને આવવાનું તો વિચારાય તેમ જ નહતું. ધીરજ જૅકિએ જ રાખવાની હતી. રાહ એણે જ જોવાની હતી. અત્યારે તો સચિન સાથે બિનશરતી સંબંધનો આગ્રહ રાખી શકાય તેમ નહતો.
“તો કાંઈ નહીં”, જૅકિ વિચારતી. “આટલું તો છે ને? સચિન મળે તો છે ને? અરે, એ મને જ મળે છે ને? બીજી કોઈ છોકરીને એ ક્યાં મળે છે કે કોઈની સાથે બહાર જાય છે? કે પછી એવું લાગતું નથી?” આવા બેવડા વિચારો એને મૂંઝવતા રહેતા.
સચિન જેવા છોકરા – અરે, યુવાન – સાથે એને ઓળખાણ થઈ હતી, તે માટે પોતે કેટલી નસીબદાર હતી. જૅકિને સચિન પહેલેથી જ ખૂબ ગમી ગયેલો, એની લીલી-ભૂખરી આંખો તરફ તરત જૅકિનું ધ્યાન ગયું હતું.
ત્યારે તો ટીકીને જોવાયું જ ન હતું – એ આંખોમાં, પણ પછીયે જોવાયું ન હતું. બંને મળતાં જ કેટલું? જૅકિને તો સચિનની સાથે જિંદગીભર રહેવાના વિચાર પણ આવતા હતા, પણ સચિન આ વિશે શું વિચારે છે તેનો ખ્યાલ જૅકિને આવતો નહતો.
‘આ તો પશ્ચિમનું જીવન છે, એમાં વર્ષો સુધી છોકરો-છોકરી સાથે હર્યાં-ફર્યાં હોય, અરે, સાથે રહ્યાં પણ હોય, ને બસ, છૂટાં પડી જાય. તું તારે રસ્તે, હું મારે રસ્તે.’ બધે આવું જ બનતું જૅકિને દેખાતું હતું.
ને બધાં પાછાં આ સ્વીકારી પણ લે. છૂટાં પડી જવામાં ભાગ્યે જ કોઈનો વાંક ગણાય. એ તો જાણે આ જમાનાની જીવન-રીતિ જ થઈ ગઈ હતી.
ક્યારેક જૅકિ મનમાં ફફડી જતી, પણ હજી તો સચિન સાથે થોડી મૈત્રી જ થયેલી ગણાય. હજી સાથે તો રહેતાં જ ન હતાં. વળી, કાંઈ બહુ જ વાર, વારંવાર મળતાં પણ નહીં. કોઈક અઠવાડિયે બે વાર, કોઈક અઠવાડિયે તો માંડ એક જ વાર. શનિવારની સાંજે મળવું સચિનને ફાવતું.
આજે શનિવાર, આજે સાંજે સચિન મળશે, જૅકિ ફરી એકલી એકલી હસી.
જૅકિ હતી તો ફ્રેન્ચ મા-બાપની દીકરી, પણ ઇન્ડિયાની જીવનસરણીનો પ્રભાવ એના પર પડ્યો હતો. એના જીવનની વાત બહુ રસપ્રદ હતી, ને તે એ કારણે, કે એનાં માતા-પિતા પહેલેથી, પોતપોતાનાં ફ્રેન્ચ કુટુંબો સાથે પોંડિચેરીમાં રહેતાં હતાં.
એમ તો છેક સત્તરમી સદીથી વીસમીનાં વચલાં વર્ષો સુધી ફ્રેન્ચ સરકારે ત્યાં કૉલૉની સ્થાપેલી, ને તેથી ઘણાં ફ્રેન્ચ નાગરિકો સરકારી અને ધાર્મિક કામકાજ માટે ત્યાં જઈને વસેલાં.
જૅકિનાં મા-બાપનાં કુટુંબો પણ ફ્રેન્ચ સરકારી કાર્યાલયમાં કામ કરતાં હતાં. એમનાં બાળકો સિમોન અને માર્સેલ પોન્ડિચેરીમાં સાથે જ મોટાં થયાં, ત્યાંની ફ્રેન્ચ સ્કૂલમાં ભણ્યાં, અને પરણ્યા પછી પણ ત્યાં જ રહ્યાં. જોકે સિમોનની ડિલિવરી માટે ફ્રાન્સ જવાનું એમણે નક્કી કરેલું, જેથી બાળક ફ્રાન્સનું નાગરિક બને.
બેબીનું નામ તો પાડ્યું, પણ માતા એને ‘જ્ઝૅક્લિન’ કહેતી, અને પિતાને ‘જાકાલિન’ કહેવું ગમતું હતું. જાહેરમાં ‘જાકાલિન’ નામ જ વપરાતું થયું.
એણે હાઈસ્કૂલ પૂરી કરી ત્યારે સિમોન અને માર્સેલને લાગ્યું કે હવે ફ્રાન્સ પાછાં જવું જોઈએ, કે જેથી જાકાલિનને પૅરિસની યુનિવર્સિટીમાં ભણવાનો લાભ મળે. વળી, ઘણાં ફ્રેન્ચ કુટુંબો પોન્ડિચેરી છોડી જવા માંડ્યાં હતાં. ફ્રેન્ચ સરકારને લગતું તો ત્યાં ક્યારનું કશું રહ્યું ન હતું. જેમ જૂની પેઢીનાં સદસ્યો ઓછાં થતાં ગયાં, તેમ એમનાં સંતાનો-સ્વજનો ફ્રાન્સ પાછાં જવાનું પસંદ કરવા લાગ્યાં હતાં.
જાકાલિનને પણ આગળ ભણવા માટે, ફ્રાન્સ પાછાં જવાનો નિર્ણય યોગ્ય જ લાગ્યો. પૅરિસની સર્બૉન યુનિવર્સિટીમાં એણે ચાર વર્ષ અભ્યાસ કર્યો, અને આંતર્રાષ્ટ્રીય કાનૂનના વિષયમાં ડિગ્રી લીધી. પછી નોકરી શોધવા એને જવું જ ના પડ્યું.
એના તેજસ્વી પરિણામને કારણે, એનું નામ ડિપાર્ટમેન્ટ દ્વારા ન્યૂયોર્ક શહેરના ફ્રેન્ચ કોન્સ્યુલેટમાં સૂચવાયું. એ માટેનો ઇન્ટરવ્યૂ પૅરિસમાં જ થયો, અને તરત જ સારી પોઝિશન માટે એની પસંદગી થઈ ગઈ. જાણે આમંત્રણ જ મળ્યું અમેરિકામાં રહેવાનું. જરૂરી વિસાની ગોઠવણ કોન્સ્યુલેટ તરફથી તાત્કાલિક કરી લેવામાં આવી.
એની આવી સફળતાથી બધાં જ ખુશ થયાં હતાં, પણ જાકાલિનને અમેરિકામાં આવતાંની સાથે જ એક મૂશ્કેલી થવા માંડી. તે હતી એના નામ માટેની. એને કે એનાં મા-બાપને ખ્યાલ નહતો કે ‘જાકાલ’ નામનું એક નિશાચર પશુ હોય છે, ને એ હિંસક પણ હોઈ શકે છે. જાણે એના પરથી જ ‘જાકાલિના’ નામ ના બન્યું હોય.
અમેરિકામાં તો જે સાંભળે તે હસે, અથવા એની મશ્કરી કરે. એમાંથી ફક્ત ‘લિના’ નામ તરીકે વાપરવાનું વિચાર્યું, પણ એ એને ગમ્યું પણ નહીં, અને ફ્રેન્ચ જેવું લાગતું પણ ન હતું. ‘જ્ઝૅક્લિન’ નામ વાપરે તો પણ ભાગ્યે જ કોઈ ઉચ્ચાર સરખો કરી શકતું. છેવટનો ઉપાય હતો નામને સાદું, અમેરિકન જેવું કરી નાખવાનો અને એમ, લગભગ પરાણે, એનું નામ બન્યું ‘જૅકિ’.
કામ સારું હતું, કામ કરવાની જગ્યા સારી હતી ન્યૂયોર્ક શહેરના ફૅન્સી ગણાય તેવા ફિફ્થ ઍવન્યૂ પર ઑફીસ હતી. બે વર્ષ ક્યાંયે પસાર થઈ ગયાં. એ પછી એને નોકરીમાં પર્મેનન્ટ બનાવવામાં આવી.
ત્યારે સિનિયર કલીગ રૉલ્ફે એને હવે ભાડું આપ્યા કરવાને બદલે સારો એક અપાર્ટમેન્ટ ખરીદી લેવાની સલાહ આપી. એ માટે તો પર્મેનન્ટ વિસા પણ જોઈએ, ને એ પણ કોન્સ્યુલેટની લાગવગને લીધે કોઈ જ વિલંબ વગર મળી ગયો.
આટલી બધી પ્રગતિ અને તે પણ આટલી ઝડપથી? એનાં મા-બાપને ચિંતા થઈ ખરી, કે તો પછી હવે જૅકિ પાછી કદિયે ફ્રાન્સ આવશે જ નહીં?
અમેરિકામાં રહી જવાનો એનો નિર્ણય ખોટો નથી, તેની ખાતરી કરવા એનાં પૅરન્ટ્સ સિમોન અને માર્સેલ ન્યૂયોર્ક આવ્યાં. જૅકિનાં બધાં કલીગને મળ્યાં, કોન્સુલ જનરલે એમને ખાસ જમવા બોલાવ્યાં, જૅકિના કામનાં અને એની હોંશિયારીનાં ઘણાં વખાણ કર્યાં.
જૅકિને જે બે-ત્રણ અપાર્ટમેન્ટ ગમ્યા હતા, તે જોવા એ એનાં મમા અને ડૅડને લઈ ગઈ. હડસન નદીના સુંદર દૃશ્યને દિવસ અને રાત પ્રદર્શિત કરતો આ અપાર્ટમેન્ટ એ ત્રણેને સૌથી વધારે ગમ્યો. સૌથી મોંઘો પણ હતો, પણ કોન્સ્યુલેટ તરફથી ભથ્થું મળવાની વાત થઈ ગઈ હતી. મમા અને ડૅડની હાજરીમાં જૅકિએ પોતાની સંપત્તિ માટે સહીઓ કરી.
ન્યૂયોર્ક શહેરનું કેન્દ્ર ગણાતા મૅનહૅતન વિભાગના વૅસ્ટસાઇડ કહેવાતા વિસ્તારમાંનું એ બિલ્ડીંગ નદીની નજીક, અને સળંગ બનેલા રિવરસાઇડ પાર્ક પર જ આવેલું હતું. જાણીતી કોલમ્બિયા યુનિવર્સિટી ત્યાંથી બે માઇલ જેટલી જ દૂર હતી.
જૅકિએ તે સમયે ત્યાં ઇન્ટરનૅશનલ લૉ વિષયમાં માસ્ટર્સ કરવા જવાનું વિચારવા માંડેલું. એ શક્યતા આ જગ્યાએ રહેવાના એક વધારાના લાભ જેવી હતી.
નવા અપાર્ટમેન્ટમાં રહેવા ગયા પછી જૅકિએ એક નાની પાર્ટી રાખી. એટલું સારું, કે અહીંની જિંદગીમાં, બહુ મોટું ભોજન બનાવવાની જરૂર જ નહીં. એવી અપેક્ષા જ ના હોય કોઈની.
નાસ્તા જેવી બે-ચાર વસ્તુઓ ખરીદી લાવવાની. મુખ્ય તો પીણાં હોવાં જોઈએ. જોકે આમંત્રિતો પણ વાઇન અને બિયર લેતાં જ આવે. આ જ રિવાજ. ભેગાં થવાની જ અગત્ય હોય બધાંને.
ઑફીસમાંથી સાતેક જણ આવ્યાં. બીજાં બે-એક જણને મળવાનું થયેલું, એમને પણ બોલાવેલાં. એમાં ખલિલ નામનો એક યુવાન પણ હતો. જૅકિને કોન્સ્યુલેટની એક પાર્ટીમાં એની ઓળખાણ થયેલી.
એ આમ તો આઈ.ટી. પ્રોફેશનમાં હતો, પણ એની ઑફીસને ફ્રાન્સ સાથે કામ કરવાનું થતું. સંયોગ એવો થયો કે ખલિલ એના એક ખાસ મિત્રને સાથે લેતો આવેલો. “વાંધો નથી ને?”, એણે જેકિને પૂછી લીધેલું ખરું. એજ મિત્ર હતો સચિન.
જૅકિને હવે તૈયાર થવાની ઉતાવળ હતી. આજે, શનિવારની સાંજે, સચિનને મળવાનું હતું.
(ક્રમશ:)
A very interesting novel
good start.
વાહ. અત્યંત રસપ્રદ આલેખન. પ્રીતિબેન સેનગુપ્તાની કલમે અવતરેલ નવલકથા વાંચવી ગમશે. પ્રસ્તુતિ બદલ આભાર.