નસીબ (વાર્તા) ~ લેખક: પ્રકાશબાબુ વૈદ્ય

“પ્રવીણ! તને કેટલીવાર કહ્યું કે તારે મારી પાસે બીડી, સીગારેટ ન પીવાં. પીઓ તમે અને ધુમાડા અમારે ખાવાના?”

આ સાંભળી પ્રવીણ હસવા લાગ્યો.

“અરે હસે છે શું? તને કેટલીવાર સમજાવ્યું કે આ છોડી દે. આ બહુ સારાં નહી. પણ માને કોણ? હવે ઠૂઠું ફેક ને અંદર જા. સાહેબ બોલાવે છે.” 

આ રોજનું થયું. ગણપતભાઈ રોજે રોજ પ્રવીણને કહે ને જેમ સાસુની રોજની ટકટકથી વહુ રીઢી થઇ જાય તેમ પ્રવીણ સાંભળીને રીઢો થઇ ગયો હતો. ગણપતભાઈ સમજાવતા આ છોડી દે. આનાથી કેન્સર થવાનો ભય રહે છે. ને જો એક વખત લાગુ પડશે તો તારું શરીર તો ખલાસ થશે જ પણ સાથે સાથે શરીર, ઘર, પૈસે ટકે પણ, બધું જ ખતમ થઇ જશે. 

“કેન્સર એટ્લે કેન્સલ, ખરું ને ગણપતકાકા. આમેય આપણે ક્યાં ઝાઝું જીવવું છે? હું તો અનાથઆશ્રમમાં મોટો થયો અને ત્યાં જ રહીને ભણ્યો. મારે આગળપાછળ છે જ કોણ? આ જમાનામાં તો જેમ વહેલું છૂટાય તેમ સારું.” પ્રવીણ આમ સામો જવાબ વાળતો.

“તારે ન જીવવું હોય તો કઇ નહિ, પણ મારે હજુ ઘણું બાકી છે, સમજ્યો?”

“એવું કંઇ નથી થવાનું, કાકા.” પ્રવીણ બોલ્યો.

“શું એવું કંઇ નથી થવાનું? બીડી, સિગારેટ ન પીતા હો તો પણ તેના ધૂમાડા શ્વાસમાં જાયને તો પણ કેન્સર થાય એની તને ખબર પણ છે? અને તુ અનાથ છે, એવું કદી બોલતઓ નહીં! તુ મને ‘કાકા’ કહે છે તો એનું તો માન રાખ..! ” ગણપતભાઈ સામી દલીલ કરતા અને હકથી પણ કહેતા.

“તમે કાકા છો એની ના નહી!. ચાલો, હું પોતાને અનાથ નહીં કહું, થયું? પણ, જીવવું, મરવું, એ બધાં તો નસીબના ખેલ છે, ખેલ.. કાકા!” પ્રવીણ સીગારેટનો દમ મારતાં ને ગણપતભાઈ તરફ ધૂમાડા ફેકતાં બેફિકરાઈથી જવાબ વાળતો. 

ગણપતભાઈ હાથેથી ધૂમાડા આમતેમ કરતાં કહેતાં, “પ્રવીણ, એક વાત સમજી લે. નસીબના કોઈ જ ખેલ નથી. સફળતા, નિષ્ફળતા, ચડતી –પડતી કે માંદગી વગેરે ઘણી બાબતોમાં નસીબને દોષ આપવાની આપણને ટેવ પડી ગઈ છે. બાકી તો મોટા ભાગે ઘણી બાબત માટે આપણે પોતે જ જવાબદાર હોઈએ છીએ. જેમ મોટર એક્સિડન્ટમાં કાં ચલાવનાર અથવા સામેવાળો બે માંથી એક જવાબદાર હોય છે, તેમ જિંદગીમાં મોટા ભાગનાં બનતા બનાવોમાં કેવળ કોઈ મનુષ્ય જ-વ્યક્તિ જ જવાબદાર છે. નહિં ઈશ્વર કે નહિં નસીબ. પણ આ બધું તને તારી ગધાપચીસીમાં નહીં સમજાય!”

એટલામાં તો  ઠુંઠીયું ફેંકતા પ્રવીણ બોલ્યો, “કાકા, તો તમે ભૂલો છો. એવું હોત તો તો કોઈ નસીબમાં માનતું જ ન હોત!”

“એ તો સહુ સહુની વિચારસરણી પર આધાર રાખે છે પ્રવીણ. બાકી માણસનો સ્વભાવ આશ્વાસન ગોતવાનો છે અને માટે નસીબનો આશરો લઈને આશ્વાસન મેળવે છે!” ગણપતભાઈ આમ જવાબ આપતા. ગણપતભાઈની કોઈ જ વાતની અસર પ્રવીણ ઉપર ન થતી.  

આ વાત ૧૯૯૨ની સાલની છે. ગણપતભાઈ અને પ્રવીણ મહાનગરપાલિકામાં નોકરી કરતા હતા. એક જ ટેબલ ઉપર બેસીને કામ કરતા. ગણપતભાઈને 25 વર્ષ નોકરીમાં થઇ ગયાં. પણ હજુ જુનિયર ક્લાર્ક તરીકે જ હતાં. સ્થાનિક રાજકારણ અને સાહેબોની કદમબોસી કરવું તેમના સ્વભાવમાં ન હોવાને કારણે જ્યાં ના ત્યાં જ હતાં. ઓફિસના છેલ્લાં ન્યુઝ પ્રવીણ લાવ્યો હતો કે તેમને હવે ટૂંક સમયમાં જ સિનિયર ક્લાર્કનો ઓર્ડર મળવાનો હતો. આ સાંભળીને ગણપતભાઈ મનોમન ખુશ થયા હતા કે, ‘પ્પરમોશન સાથે પગાર વધારો થશે અને સાથે સારો એવો વધારો પેન્શનમાં પણ થશે’ એ વિચારથી જ એમનામાં ઉર્જા આવી ગઈ હતી. 

ગણપતભાઇનું જીવન સીધું સાદું સરળ હતું અને વિચારો ઉચ્ચ હતા. ન કોઈને બે શબ્દો કહેવા, ન ઉધાર-ઉછીનું કરવું કે ન કરેલા કામના બદલામાં બક્ષીસ લેવી કે ન તો ટેબલ નીચેથી રકમ લેવી. આ એમનો સિદ્ધાંત હતો. એમને શોખ હતો માત્ર વાંચનનો. સારાં સારાં પુસ્તક વાંચવાનો. આજના યુગમાં જેને હોંશિયારી કહે છે, એવી આવડત કે પછી તક મળ્યે બે પૈસા કમાઈ લેવા, એવું તેમના સ્વભાવમાં જ નહોતું. મોંઘવારીના આ જમાનામાં પૈસાની સતત ખેંચ તેમને રહેતી. આમ છતાં પણ તેમની નિષ્ઠા ડગી ન હતી. જરૂર પડે ઓફિસમાંથી, બહારથી બીજેથી ઉછીના ઉધાર કરી પ્રસંગ સાચવી લેતા. આમ તેમનું ગાડું ગબડ્યે જતું. 

ગણપતભાઈ તેમનાં પત્ની કુસુમબેન, દીકરો ભરત અને દીકરી પૂજા. આ ચાર જણાનો તેમનો પરીવાર. ભરત કોલેજના બીજા વર્ષમાં હતો ને સાઈડમાં એકાદ બે ટ્યુશન તથા રાત્રીના S.T.D. P.C.O. માં બે ત્રણ ક્લાક જતો. ને એ રીતે થોડા પૈસા કમાઈ પોતાનો ખર્ચ ખેંચી કાઢતો. પૂજા દસમા ધોરણમાં ભણતી હતી. આટલા વરસની નોકરી હોવા છતાં વધતી જતી મોંઘવારીને કારણે તેમનું બેન્ક બેલેન્સ શૂન્ય હતું ને તેથી સ્વાભાવિક છે કે “ઘરનું ઘર” ના સ્વપ્નને સાકાર નહોતા કરી શક્યા. વર્ષોથી સસ્તા ભાડાની ચાલીમાં રહેતા હતા. પણ એકાદ મહિનામાં એમને પ્રમોશન મળતાં જ ઘરમાં બધાં ખૂબ આનંદમાં આવી ગયાં હતાં. ગણપતભાઈ પણ મન લગાવીને ખૂબ મહેનતથી કામ કરતા હતા.

પણ, છેલ્લા કેટલાક સમય થયા ગણપતભાઈની તબિયત સારી રહેતી ન હોવાનું તેમને લાગતું હતું. બધાંને ઘરમાં ચિંતા ન થાય માટે તેઓ કોઈને ઘરમાં કશું કહેતા નહોતા અને રોજિંદું કામ ખેંચ્યે જતાં હતા. થોડો વખત તો આ બધું ચાલ્યું. પણ કુસુમબેનની ચકોર અને અનુભવી આંખોએ જાણી લીધું કે તેમના પતિ ભલે કંઈ બોલતા નથી પણ ક્યાંક કંઈક તબિયતમાં વાંધો છે. તેમનો ખોરાક પણ ઘટી ગયો હતો. ત્રણ રોટલીમાંથી માત્ર એક જ રોટલી અને થોડાં દાળ-ભાત આ સિવાય બીજું કશું નહીં. કુસુમબેન પૂછે તો કહેશે કે ‘ભૂખ નથી. રૂચિ નથી.’ વધુ કંઈ પણ ચર્ચા કર્યા વગર ગણપતભાઈ ઊભા થઇ જતાં. કોઈને ખબર ન પડે એમ, ક્યારેઅક, ક્યારેક, બાથરૂમમાં ઊલ્ટી કરી આવતા. ક્યારેક પેટમાં દાહ થતો છતાં પણ કશી જ ફરિયાદ કરતા નહોતા.

કુસુમબેન વિચારતા કે રોજ આ જમીને તુરંત બાથરૂમમાં કેમ દોડે છે? પહેલાં તો આવું નહોતા કરતાં. આનો તાળો નહોતો મળતો. એકાદ વખત તેમણે પૂછવાનો પ્રયાસ કરેલો. પરંતુ ગણપતભાઈએ જવાબ ઉડાવી દીધેલો કે નવું નવું પ્રમોશન મળ્યું છે અને કામ વધુ રહે છે એટલે થાકને કારણ એહશે. આવતા મહિને રજા લઈને થોડો આરામ કરી લઈશ તો બધું જ બરાબર થઈ જશે. 

એક દિવસ, ગણપતભાઈ જમીને ઊભા થયા અને તરત બાથરૂમમાં દોડ્યા. કુસુમબેન પણ પાછળ ગયા અને દરવાજો બંધ થાય એ પહેલાં જ પહોંચી ગયા હતા. આજે કુસુકબેનને હવે ગણપતભાઈના આ વર્તનનો જવાબ મળી ગયો. ગણપતભાઈએ ઘણું સમજાવ્યા કે આ તો આજે જ થયું છે. જમવામાં કશુંક આવી ગયું હશે. એટલે આમ થયું હશે. બાકી કશું જ નથી. પણ કુસુમબેન એકના બે ન થયા. તેમણે પરાણે સમ દઈને પથારીમાં સુવાડી દીધા. ભરતને કહ્યું, તારા પપ્પાનો  રજાનો રીપોર્ટ ઓફિસે આપતો આવ. કુસુમબેને કપાળે અડીને જોયું તો તેમને તાવ હોય તેવું લાગ્યું. હાથ અને પેટ પણ ગરમ લાગ્યાં. 

“તમને તો તાવ લાગે છે.” કુસુમબેને કહ્યું.

“ના, ના. એ તો અમસ્તું શરીર તપતું હશે. હમણાં શરદી થયેલી તેથી થોડું કચર-પચર જેવું રહે છે.” ગણપતભાઈ એ જવાબ વાળ્યો.

કુસુમબેને પરાણે ઓઢાડી ને સુવાડી દીધા. ગણપતભાઈને પોતાની પોલ પકડાઈ ગઈ ગમ્યું નહીં. પણ પત્નીની હઠ આગળ એમણે નમતું જોખ્યું ને પથારીમાં સૂઈ ગયા એથી એમને થોડું સારું લાગ્યું. કુસુમબેને માથા પર હાથ ફેરવ્યો. કપાળ દાબ્યું, ને પગ દાબ્યાં, એ વધુ સારું લાગ્યું. સાંજે ફેમીલી ડોક્ટરને બતાવવા તેમના દવાખાને ગયા. ડોક્ટરે તપાસ્યા. વિગત પૂછીને ડૉક્ટરે દવા લખી આપી. અને ચાર દિવસ પછી આવવા જણાવ્યું. ચાર દિવસમાં કશો ફેર ન જણાતાં ડોક્ટરે ફરી દવા બદલાવી. તેનાથી પણ કશો ફેર ન લાગતાં ડોક્ટરે સ્પેશયાલિસ્ટ ડોક્ટર ઉપર ચીટ્ઠી લખીને મોકલ્યા. એ ડોક્ટરે બરાબર તપાસ્યા. ટેસ્ટ કરાવ્યા. દવા લખી આપીને કહ્યું બધાં રીપોર્ટ આવતા અઠવાડિયા સુધીમાં આવી જશે. અઠવાડિયાની દવા લખી આપી ને પછી મળવાનું કહ્યું. કુસુમબેનને એક અઠવાડિયું તો ખાસ્સું એક મહિના જેટલું લાંબુ લાગ્યું હતું. ગણપતભાઈને મનમાં રહ્યા કરતું હતું કે રીપોર્ટ જેમ મોડા આવે તેમ સારું. વહેલા આવે તો વહેલી ઉપાધી…!  

જેમ તેમ કરીને અઠવાડિયું પસાર થયું. કુસુમબેનનો જીવ તો પડીકે બંધાયો હતો. તેઓ ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે સરસ રીતે વાત કરીને કહ્યું, “ચિંતા જેવું નથી. થોડો સમય લાગશે, પણ મટી જશે. પણ હવે તો હમણાં આરામ જ કરવો પડશે.” 

પછી ગણપતભાઈ હાલ શું કરે છે, ઘરમાં કોણ કોણ છે ને શું કરે છે, કમાનારા કોણ કોણ છે, ઘરમાં બીજા કોઈ વડીલ છે કે નહીં, નોકરી કેટલા વર્ષની છે, વગેરે… આ બધું સાહેબે ખૂબજ કુશળતાથી પૂછ્યું ને કુસુમબેને બધાં જવાબ તો દીધા પણ છેલ્લે અકળાઈ ગયાં.

તેમનાથી પૂછાઈ ગયું. “કેમ સાહેબ, આ બધું પૂછો છો?”

“કંઈ નહિ…આ…તો… અમસ્તું જ પૂછું છું.” સાહેબે વાત વાળી લેતા કહ્યું. “આ તો હજુ એક રીપોર્ટ આવવાનો બાકી છે. માટે હવે તમે ધક્કો ન ખાશો. તમારા દીકરાને જ મોકલજો. તેને દવા વગેરે બધું સમજાવી દઇશ. કંઈ ચિંતા ન કરશો.”

સાંજે સાત વાગે ભરત ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે તેને બેસવાનું કહ્યું. બે-ચાર પેશન્ટ પતાવીને નવરા થયા. હવે કોઈ પેશન્ટ દવાખાનામાં ન હતું.
“આવ ભાઈ, આવ, શું કરે છે તું?” સાહેબે ભરતને વહાલથી પૂછ્યું. 

“જી, હું કોલેજના બીજા વર્ષમાં છું.”
“સરસ.”
“આર્ટ્સ, કોમર્સ કે, પછી..”
“જી, આર્ટ્સમાં.”
“બહુ સરસ.”

ડોક્ટર સાહેબ આમ ભરતને આડાઅવળા આવા બે-ચાર સવાલો પૂછ્યા અને પછી મૂળ મુદ્દા ઉપર આવ્યા.

તેમણે કહ્યું “ભરત તમારા પપ્પાને કેન્સર છે. પેટનું કેન્સર છે. અને એટલું ફેલાઈ ગયું છે કે ઓપરેશનના કોઈ ચાન્સીસ નથી. જે કંઈ દવાઓ છે એ માત્ર એમના સિંપ્ટમસ મેનેજ કરવા ખાતર આપી છે. ઈશ્વરે એમનું આયુષ્ય જેટલું ધાર્યું હશે, એટલો વખત તે રહેશે. ને જેટલો વખત એ રહે તે આનંદ અને પ્રેમથી રહે તે ઘરનાં સહુએ જોવાનું છે. ધ્યાન રાખવાનું છે.”

ભરત તો વાત સાંભળીને શૂન્યમનસ્ક થઈ ગયો. તેના ઉપર તો જાણે વજ્રઘાત થયો. પપ્પાનો ચહેરો નજર સમક્ષ તરવા લાગ્યો. તેના મોઢે ડૂમો ભરાઈ આવ્યો. તે ભાંગી પડ્યો, રડી પડ્યો.

ડોક્ટર  સાહેબે હિંમત આપતાં કહ્યું, “ભાઈ, તું આમ ઢીલો થઈ જઇશ તો કેમ કામ આવશે? હવે તું જ ઘરનો વડીલ છો. તારે જ તારી મમ્મી તથા નાની બહેનનું ધ્યાન રાખવાનું છે. ગણપતભાઈની જેટલી સેવા ચાકરી થાય એટલી કર. તેના આશીર્વાદ મેળવી પુણ્ય મેળવ. તારી હાલત હું સમજું છું. તારા મન ઉપર શું વીતતું હશે એ હું જાણું છું. પણ આનો બીજો કોઈ જ ઉપાય નથી. ગમે ત્યારે કંઈ મારી જરૂર પડે તો વિના સંકોચે જરૂર આવજે. “

ભરત ક્યારે ઘરે પહોચ્યો ને ક્યારે ચાલીના પગથીયા ચડીને ક્યારે દરવાજો ખટખટાવ્યો તેની તેને કશી ખબર ન પડી. બારણું ખોલીને પૂજાએ અંદરના રૂમ તરફ નજર કરી અને કુસુમબહેનને કહ્યું, “ભાઈ આવી ગયો.” પછી ભરત તરફ  ફરીને પૂછ્યું, “ભાઈ, કેમ આટલું બધું મોડું થયું? મમ્મી-પપ્પા ક્યારની તારી રાહ જુએ છે!”

ભરતે કશો જવાબ ન આપ્યો. ખુરશીમાં આવીને ફસડાઈ પડ્યો. ત્યાં તો અંદરથી કુસુમબેનનો અવાજ આવ્યો. “ભાઈ, ડોક્ટરસાહેબ પાસે જઈ આવ્યો? શું કહ્યું ?”

ભરતે કંઈ પ્રત્યુતર ન આપ્યો. “ભાઈ! મમ્મી તને પૂછે છે. પૂજાએ ભરતનો ખભ્ભો પકડીને હલાવતાં કહ્યું.  “હેં??!! હા, હા, આવું, મમ્મી!” કરતો ભરત ઊભો થયો. રૂમમાં ગયો. મમ્મી પપ્પાના પગ દબાવતા હતાં.

“મમ્મી! સાહેબ પાસે જઈ આવ્યો પરંતુ હજુ રીપોર્ટ આવ્યો નથી. કાલ આવી જશે. તેમ સાહેબે કહ્યું છે.” 

ભરતે આમને આમ બે-ત્રણ દિવસ કાઢી નાખ્યા. મમ્મી ને શું કહેવું, કેમ કહેવું તેની તેને સૂઝ પડતી ન હતી. અને વળી જીભ પણ કહેતા ઊપડતી ન હતી. કુસુમબહેને જોયું ભરત આજકાલ ઓછું બોલે છે. આનંદની વાતો કરનારો ને બોલબોલ કરનારો ભરત નજર મેળવી વાત નથી કરી શકતો. અને રોજ ભગવાન પાસે ખાલી માથું નમાવીને જનારો ભરત, દીવો- અગરબત્તી કરી બેસી ગાયત્રી ચાલીસા, હનુમાન ચાલીસાના પાઠ કરવા બેસે છે અને ખાસ્સી વાર બેસી રહે છે.  આજે નાહીને ભરત બેઠો અને દીવો પેટાવ્યો. અગરબત્તી કરીને હાથમાં ગાયત્રી ચાલીસા લઇને આસન ઉપર બેઠો.

ત્યારે કુસુમબહેન ત્યાં આવ્યાં. એને માથે હાથ ફેરવતાં બોલ્યાં, “દીકરા, શું વાત છે?”

આટલું પૂછ્યું ત્યાં તો ભરતની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા માંડ્યાં.

તે ‘મમ્મી’ માત્ર આટલું બોલીને મમ્મીના ખભે માથું મૂકી મોકળા મને રડી પડ્યો. મમ્મીએ વાંસે હાથ ફેરવતાં ફેરવતાં પૂછ્યું, “બેટા! શું છે, કહે તો ખરો?” કુસુમબહેને આટલું પૂછ્યું ત્યાં તો ભરત વધુ રડવા લાગ્યો. પૂજા ચા પીતી હતી. તેણે અડધી ચાની રકાબી હાથમાંથી નીચે મૂકી પાણીનો પ્યાલો લઈને આવી. પાણીનો પ્યાલો ભરતને આપતાં કહ્યું, “ભાઈ, પહેલાં પાણી પી લે.”

ભરતે બે-ચાર ઘુંટડા ભર્યા. એટલે કુસુમબહેને ફરીથી પૂછ્યું, “શું વાત છે બેટા? જે હોય તે કહી દે.”

ભરત ફરીથી રડવા માંડ્યો. પૂજા પણ ગભરાઈ ગઈ હતી. “શું છે એની વાત તો કર ભાઈ, તો કંઈ ખબર પડે. આટલો બધો રડે છે કેમ?”

ભરતે હવે ના છૂટકે રડતાં કહ્યું, “મમ્મી, પપ્પાને કેન્સર છે.” 

“હેં! શું કહે છે?” કુસુમબહેનથી રાડ નીકળી ગઈ.

“હા, મમ્મી, ડૉક્ટરે રીપોર્ટ જોઈને કહ્યું છે.” 

“તો હવે શું?” પૂજાએ રડમસ અવાજે પૂછ્યું.

“તો હવે કાંઇ નહીં. કેન્સર એટલે કેન્સલ!” ત્રણેયે ચમકીને જોયું તો રૂમના બારણા પાસે ગણપતભાઈ ઊભા હતા. આ શબ્દો એમના હતા. ભરત, પૂજા અને કુસુમબહેન ગણપતભાઈને વળગી પડ્યાં!
******** 

ભરત, કુસુમબહેન અને પૂજાએ મન સાથે સમાધાન કરી લીધું હતું. તેમણે એ જ વિચાર્યું કે જેટલા દિવસ ગણપતભાઈના પસાર થાય એ આનંદથી પસાર થાય. એમની નાનામાં નાની ઇચ્છા પૂરી થાય અને બને એટલો સહુએ પ્રેમભર્યો વર્તાવ રાખવો અને એમના હ્રદયને જરા પણ ઠેસ ન પહોંચે તેનો ખ્યાલ રાખવો. આ બાજુ ગણપતભાઈ સતત ચિંતિત રહેતાં હતાં. ‘હવે શું થશે? મરવા સામે એમનો વાંધો ન હતો. પરંતુ ખર્ચનું શું? ભરતને હજુ નોકરી નથી. પૂજા પણ હજુ ભણે છે. એનું ભવિષ્ય શું? ને તેમાં આ મહારોગ. બધો ખર્ચો કેમ નીકળશે?’ અને આ બધાં વિચારો ગુસ્સામાં પરીણમતાં અને ગુસ્સાનો ભોગ ઈશ્વર-ભગવાનને બનવું પડતું. તેઓ ગુસ્સે થઈને કુસુમબેન પાસે હૈયાવરાળ ઠાલવતાં. એકી શ્વાસે બોલવા લાગતા. 
“આ અત્યાર સુધી નિતિથી જીવ્યો. બદલામાં શું મળ્યું?”
“આજસુધી એક પૈસાની લાંચ નથી લીધી. એનો બદલો શું મળ્યો?” 
“આ નિતિ, ન્યાય, સત્ય બધાં શબ્દો ચોપડીમાં જ સારા લાગે છે. જીવનમાં નહીં. સળગાવી નાખજો આ બધી ચોપડીઓ અને કાં વેચી મારજો. જે પૈસા આવ્યા એ…” 
“જીવવું હોય તો મારી ખાવ. ખાઈ ખાઈ ને ભેગું કરો. લોકો તો જ તમને સલામ ભરશે. પગે પડશે. અને ભેગું કરેલું નાણું છોકરાંઓને ગોઠવવામાં, એના ભણતરમાં, લગ્નમાં, સાજે-માંદે કામ આવશે. આ તો હું જ વેવલો ને બુદ્ધિનો બળદીયો કે બે પૈસા ભેગા ન કરી કરી શક્યો. પૈસા હોત તો આજે કામ આવત ને!” 
“ખોટું કરે કે હરામનું ખાય એને જ કંઇક થાય એવું નથી. આ કાંઈ ન કર્યું તોય કેન્સર થયું ને!?” 
“ભગવાનીયાએ આ બધું કાંઈ ન જોયું? સાલો, કેવો આ ભગવાન છે?”
“ઈશ્વર જેવી સાલ્લી કોઈજ ચીજ જ નથી. એવું જો કંઇ હોય તો આમ હોય? આવું હોય?” 

કુસુમબેન જરાપણ આકરા ઉતાવળા થયા વિના, શાંતિથી સાંભળતા અને આશ્વાસન દેવાનો પ્રયત્ન કરતા. તે જાણતા હતાં કે એમના પતિની ફરિયાદ સામે આ આશ્વાસન લુખ્ખાં છે. આમ છતાં દીધાં વગર પણ  છૂટકો ન હતો. “હશે જેવાં આપણાં નસીબ! આપણાં કરતાં પણ વધારે દુ:ખી  માણસો આ જગતમાં છે અને જીવે છે. તમેજ ધૂમકેતુની પોસ્ટ ઓફિસ વાર્તાનું પેલું વાક્ય ઘણીવાર કહેતા કે, “જીવનને બીજાની દ્રષ્ટિથી જોવામાં આવે તો અડધું જગત શાંત થઈ જાય” એવું સમજનારા અને અમને સમજાવનારા તમે આજ આવું બોલીને નાહિંમત થઇ જાવ છો? નકામી ચિંતા કરવાથી શું વળવાનું છે? કાલ સવારે ભરતને સરસ નોકરી મળી જશે અને ટાણું આવ્યે પૂજાનું પણ ગોઠવાઈ જશે. માટે નાહકની ચિંતા ન કરો. “

પરંતુ ગણપતભાઈ જાણતા હતા. વર્તમાન કાયદા સવર્ણ અને પછાતના વર્ગભેદના ચોગઠામાં પડેલી આંટીઓ વચ્ચે ભરતને સરકારી નોકરી નહીં મળે. મળશે તો પ્રાયવેટમાં મળશે. જે ટૂંકા પગારમાં, સવારથી સાંજ સુધી ગધ્ધાવૈતરું કરાવશે. સિવાય કે ભરતના નસીબ જોર કરે તો સારી સરકારી નોકરી બધી પરીક્ષાઓ પાસ કર્યા પછી મળે. નહીં તો હરિભજન. બાકી અકર્મીનો પડિયો તો કાણો જ છે.

ગણપતભાઈએ લાંબી “સિકલીવ” લીધી છે એવા સમાચાર ઓફિસમાં પહોંચતાં જ પ્રવીણ ખબર કાઢવા આવ્યો. અને આવીને પોતાની બોલવાની હંમેશની સ્ટાઈલ મુજબ બોલવા માંડ્યો. “કાં કાકા, કેમ છો? શું માંદા પડી ગયા? તમે ને માંદગી..! બને જ નહીં. હું તો માનતો ન હતો પણ થયું, લાવ આંટો મારી આવું.”

પ્રવીણને આવકાર આપતાં ગણપતભાઈ બોલ્યા, “આવ, પ્રવીણ આવ.”

પણ પ્રવીણે એ  સાંભળ્યા વિના ખુરશીમાં ગોઠવાતાં બોલવાનું ચાલુ જ રાખ્યું, “તમને વળી શેની માંદગી આવે? નથી કોઈ વ્યસન કે નથી અમારી જેમ ચા-પાન-બીડી-બાકસ કાંઈ લેતા નથી. પછી શેના માંદા પડો? કે પછી અમસ્તા આરામ કરવાને બહાને માંદગીનો દેખાવ કરો છોં હેં?!” પ્રવીણે હસતાં હસતાં પ્રશ્નાર્થ સાથે પૂર્ણવિરામ મૂક્યું.

“કોઈ વ્યસન નથી એ સાચું. પણ માણસ તો છીએને? એટલે ગમે ત્યારે માંદગી આવે અને ગમે તે આવે.”  ગમે તે ઉપર ગણપતભાઈએ ખાસ ભાર મૂક્યો.

“ગમે તે” એટલે કાકા તમે શું કહેવા માંગો છો? પ્રવીણે જરા ગંભીર બનીને પૂછ્યું.

“તું બીડી પીતો ત્યારે હું તને ખીજાતો. ત્યારે તું કહેતો બહુ બહુ તો કેન્સર થશે. એજ ને! બસ, એ કેન્સરનું નિદાન ડોક્ટરે કર્યું છે. કેન્સર એટલે કેન્સલ ખરું ને પ્રવીણ?”

“હેં? શું કહો છો? કેન્સર? કાકા.. તમને કેન્સર?” પ્રવીણની રાડ ફાટી ગઈ. 

“હા પ્રવીણ. આપણી પરમીટ નીકળી ગઈ છે. હવે ઉપરવાળા સાહેબની સહી થાય એટલીવાર છે!” આમ કહી ઉપર તરફ અંગુલી નિર્દેશ કર્યો.

પ્રવીણ આ સાંભળી સ્તબ્ધ થઈ ગયો. તેની કલ્પના બહારનું બની ગયું. તે માનવા તૈયાર ન હતો. તેણે કહ્યું, “કાકા, બને જ નહીં. તમને કેન્સર થાય જ નહીં. રીપોર્ટ ખોટા હશે. ચાલો આપણે બીજા કોઈક સ્પેશ્યાલીસ્ટને બતાવીએ. આ આપણાં ડોક્ટરોનો કંઈ ભરોસો નહીં. ઘણીવાર રીપોર્ટ પણ સાચા નથી હોતા. અરે ડોક્ટરને લેબોરેટરીવાળા  દીધમદીધ કરતા હોય છે. તમે ખર્ચની ચિંતા ન કરતા. હું બેઠો છું ને! હું તમને ડોક્ટર જ્યાં કહેશે ત્યાં લઈ જઈશ. મુંબઈ જવું પડશે તો મુંબઈ, મદ્રાસ, દેશના કોઈ પણ ખૂણે લઈ જઈશ.”

“પ્રવીણ, ક્યાંય જવાની જરૂર નથી. રોગની શરૂઆત, તેનાં ચિન્હો અને બાયોપ્સી રીપોર્ટ તેમ જ મેડીકલ એક્સપર્ટનો રીપોર્ટ મને કેન્સર છે તેમ કહે છે. તારી લાગણી હું સમજું છું. પણ આપણે લાચાર છીએ. આ દુનિયામાં એક જ વસ્તુ સત્ય છે અને તે છે મૃત્યુ. મને કેન્સર છે એ એટલું જ નક્કર સત્ય છે.” ગણપતભાઈ એ વ્યથા સાથે પોતાની આગવી ફીલસૂફી સમજાવી.

એ માનવાનો ઈન્કાર કરતાં પ્રવીણ બોલ્યો, “પણ સત્ય આવું હોય? આવું જો હશે તો કોણ વિશ્વાસ કરશે? ભગવાનને કોણ માનશે? તમારા જેવાને કેન્સર થાય એ હું તો નહીં જ માનું. કેન્સર થાવું જોઈએ તો મને થવું જોઈએ. પણ કાકા તમને નહીં….તમને તો હરગીઝ નહીં.” આમ કહી પ્રવીણ રડવા લાગ્યો. 

ગણપતભાઈ પ્રવીણને આશ્વાસન આપતા કહેવા લાગ્યા. “પ્રવીણ, રડ નહીં. એ તો જેનાં જેવાં નસીબ. કર્મની પીડા માંડી હશે તે ભોગવ્યે છૂટકો. ક્યાં જઈએ?”

આંખમાં આંસુ સાથે પ્રવીણ બોલ્યો, “ના, કાકા, ના. આ બધાં લુખ્ખાં આશ્વાસન છે. આજે મને તમારી વાત સમજાય છે. મારે કારણે જ તમને કેન્સર થયું છે. બીડી હું પીતો ને ધૂમાડા તમને આપતો. એનું જ આ પરીણામ છે. મારો જ વાંક છે. કાકા, મારો જ વાંક છે. ફટ છે મને કે તમારા જેવા સારા માણસની જિંદગી બરબાદ કરી નાખી. મને જીવવાનો કોઈ અધિકાર નથી.” આમ કહી પ્રવીણ દિવાલમાં માથું પછાડવા માંડ્યો.

તુરંત ગણપતભાઈ ઊભા થયા. કુસુમબેન પણ રસોડામાંથી ધસી આવ્યા. “અરે, અરે, પ્રવીણભાઈ આં શું કરો છો?” આમ કહી તેમણે પ્રવીણને રોકી લીધો.
ગણપતભાઈએ ખભા પાસેથી પ્રવીણને પકડી લીધો ને કહેવા માંડ્યા, “પ્રવીણ, ગાંડો થયો છે કે શું? આમ કરાય? તારા આમ કરવાથી મારૂ કેન્સર થોડું જતું રહેવાનુ છે? જે થઈ ગયું તે થઈ ગયું!” 

કુસુમબેને પૂજાને હાક મારીને પાણી લાવવા કહ્યું અને ચા મૂકવા કહ્યું. પ્રવીણને ચા-પાણી પીવડાવી સમજાવી શાંત કર્યો. હિબકે ચડેલો પ્રવીણ માંડ શાંત થયો. પ્રવીણ શાંત થયો એટલે ગણપતભાઈએ વાતને જરા જુદી રીતે વળાંક આપતાં કહ્યું, “તું આવ્યો છે તો જરા એક કામ તો કરજે. મારી રજાનું શું છે એ જાણી લેજે. માંદગી માટે ઓફીસ તરફથી શું સવલત મળે છે વગેરે. અને હા, જો ભરતનું આમાં કંઈ ગોઠવી શકાય તો એ ખાસ તપાસ કરજે. વારસદાર તરીકે લઈ લેતા હોય તો હું સ્વૈચ્છીક રાજીનામું આપી દઉં. આ માટે કોઈ કોર્પોરેટરને મળવું પડે તેમ હોય તો મળી જોજે. મારી જરૂર પડે ને મારે આવવું પડે તો હું મળી જઈશ. પણ મારા ભરતનું કંઈ કરી દે. પ્લીઝ, પ્રવીણ!” ગણપતકાકા બિચારા કરગરવા જેવા લગભગ થઇ ગયા અને ભરતના નામ સાથે બે અશ્રુબિંદુ આંખના ખૂણા ભીનાં કરી ગયું.

“કાકા, તમારે પ્લીઝ-બ્લીઝ ના કરવાનું હોય. તમારે તો હુકમ કરવાનો હોય. તમે આરામ કરો. હું બધી તપાસ કરી લઉં છું. બીજી કંઈ ચિંતા ન કરશો. હું આવતો-જતો રહીશ. તબિયત ખાસ સંભાળજો.” જતાં જતાં પ્રવીણ ફરી ગળગળો થઇ ગયો અને કુસુમબેનને કહેવા લાગ્યો, “કાકી તમારો સાચો ગુન્હેગાર હું છું. મારી બીડી પીવાની ટેવે તમારા સહુની જિંદગી બરબાદ કરી નાખી. કાકાની વાત સાવ સાચી છે. મનુષ્ય જ બીજા મનુષ્ય માટે જવાબદાર છે. કાકાની એ ફીલોસોફી ત્યારે હું ધૂમાડાના ગોટા સાથે ઉડાડી દેતો. પણ આજે આ સમજાય છે. કાકાની માંદગી માટે હું જ જવાબદાર છું. કાકા નહીં. નસીબ નહીં. અને ભગવાન પણ નહીં.” 

“તો ભાઈ, હવે એક કામ કર. તને ખરેખર એમ લાગતું હોય તો બીડી-તમાકુ આજથી જ બંધ કરી દે.” કુસુમબહેને સહાનુભૂતિ દર્શાવતાં કહ્યું. 

“કાકી, આજથી જ શું કામ? અત્યારથી જ. આમ કહી પ્રવીણ બારણાં પાસેથી પાછો ફર્યો. ગણપતકાકાના ચરણ સ્પર્શ કરી માથે ચડાવીને બોલ્યો, “ગંગામૈયા જેવા પવિત્ર મારા કાકાના ચરણનાં સોગંદ ખાઈને કહું છું અત્યારથી જ બીડી-તમાકુ-સિગારેટ હરામ. અત્યારથી જ છોડી દઉં છું.” આમ કરી તેના ખિસ્સામાં રહેલી બીડી બાકસ બધું બહાર ફેંકી દીધું. પછી ગણપતભાઈને ઉદ્દેશી ને કહે, “કાકા, છોડી તો દીધી પણ એક વસવસો કાયમનો રહી જશે કે બીડી તો છોડી પણ ઘણું મોડું કર્યું. જબ ચીડીયા ચુગ ગઈ ખેત….. “

“જાગ્યા ત્યારથી સવાર ભાઈ. એક કામ કરજે . આ ડોક્ટરની ચીઠ્ઠી છે. મારી બાકીની રજા સેન્ક્શન કરવી લઈશ?” ગણપતભાઈએ જવાબ વાળ્યો. પ્રવીણ ખિન્ન હ્રદયે રવાના થયો. કુસુમબેન પણ તેને જોઈ રહ્યાં. 

બીજે દિવસે ઓફિસમાં જઇને પ્રવીણે ગણપતભાઈનો રજા માટે ડૉક્ટરની ચીઠ્ઠી રીપોર્ટ આપતાં સાહેબને બધી વાત કરી અને કહ્યું, “સાહેબ, થઈ શકે તો એમના દીકરાને  નોકરીમાં લઈ  લ્યો. બિચારા ખૂબ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યાં છે. વારસદારમાં થાય તો તેમ, નહિં તો રોજમદાર તરીકે ક્યાંય ગોઠવાઈ શકાય તો તેમ. ગણપતકાકાને તેમના દર્દ કરતાં તેમના દીકરા ભરતની વધુ ચિંતા છે.”

“પ્રવીણ, હમણાં નોકરીમાં તો કેમ લઈ શકાય? ભરતી તો બંધ છે. ખર્ચમાં કાપ મૂકવાની દ્રષ્ટિએ રોજમદાર સ્ટાફ છે એને છૂટા કરવાની વિચારણા ચાલી રહી છે. હા, તેમને આર્થિક સહાય માટે આપણે સ્ટાફમાંથી  ફંડ ફાળો કરીને મોકલીએ. એ થઈ શકે.” સાહેબે ફાઈલોમાં સહી કરતાં કરતાં પ્રવીણને કહ્યું.

“સાહેબ, હું ગણપતકાકાને સારી પેઠે ઓળખું છું. એ કદી ફાળો કે આવી મદદ નહીં સ્વીકારે. પણ આપણી ઓફીસ કંઈ મદદ ન કરી શકે?”

“એક વસ્તુ થાય.” સાહેબે ફાઈલો આઘી ખસેડતા કહ્યું. “ગણપતભાઈ આર્થિક સહાય માટે અરજી કરે અને આ અરજી કમિશ્નર સાહેબના રીમાર્ક સાથે સ્ટેન્ડિંગ કમીટીમાં મૂકીએ. કમીટીમાં પાસ થઈ જાય અને પછી દરખાસ્ત જનરલ બોર્ડમાં જાય. પણ ત્યાં કંઈ આસાનીથી પાસ થઈ જાય એનો ભરોસો નહીં.. આવી બાબતમાં જો કે કોઈ વાંધા વચકા કાઢે એવું થવું તો ન જોઈએ. પરંતુ અરજી તો તેમણે લખીને આપવી પડે. માંગ્યા વગર મા પણ ન પીરસે.” 

પ્રવીણને થયું વાત તો સાચી છે. મનોમન વિચાર્યું ગણપતકાકાને આ બાબતમાં ગમે તેમ સમજાવીને અરજી લખાવી લેશે. આમ છતાં તેણે દલીલ ખાતર સાહેબને કહ્યું. “સાહેબ, હું લખાવી લઈશ પણ નહીં માને તો? એ એમ કહેશે કે આ બધું કરવું, તેના કરતાં મારા દીકરા ભરતને વારસદાર તરીકે લઈ લ્યો. મારે કોઈ આર્થિક સહાય નથી જોઈતી.”

“પણ, કઈ રીતે ભરતને લેવાય?” સાહેબે નિયમોનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું. “આપણા નિયમો જ એવા છે કે વારસદારને વારસદાર તરીકે નોકરીમાં ત્યારે જ લઈ શકાય કે નોકરીયાતનું નોકરી દરમિયાન આકસ્મિક અવસાન થાય કે ખૂન થાય તો તેમના પુત્ર-પુત્રી જે કોઈ પુખ્ત ઉંમરના હોય અને મેટ્રીક પાસ હોય તો મળે.” પ્રવીણે આ સાંભળી મનોમન કહ્યું, ‘સાહેબ, બધું જ છે. માત્ર આકસ્મિક મૃત્યુ નથી!’

પ્રવીણે આવીને ગણપતકાકાને બધી વાત કરી. થોડીવાર ઓફિસની અને બીજી આડીઅવળી વાતો કરી વિદાય લીધી. અરજીના સંદર્ભમાં પોતાનો પ્રતિભાવ આપતાં કહે વિચારી જોઉં. પછી લખીશ. તે રાત્રે ગણપતભાઈ ઊંઘી ન શક્યા. તબિયતની તકલીફને કારણે આમેય ઊંઘ ઓછી થઈ ગઈ હતી. દિવસે દિવસે વધુ ને વધુ લથડતા જતા હતા. તેમાં પણ વારસદારને જોબ તો જ મળે જો આકસ્મિક મૃત્યુ નોકરી દરમિયાન થાય, એ વાતે એમના મન સાથે મગજનો કબજો લઈ લીધો. આ વાતે એમના જીવનમાં રહેલો થોડો ઘણો રસકસ જીવવાનો રહ્યો હતો તે પણ ઊડી ગયો. તે આખો દિવસ સુનમુન બેસી રહેવા લાગ્યા. ન બોલવું, કોઈ સાથે ન ચાલવું. કુસુમબેને, ભરત, પૂજા બધાએ ફરી ફરીને પૂછયું પણ વ્યર્થ. કોઇને કશો જવાબ ન આપ્યો.    

બહારની ચાલીવાળા રૂમમાં જ ગણપતભાઈની પથારી રહેતી. જ્યાં રાત્રે ભરત તેમની પાસે સૂતો. રોજની માફક આજે પણ ભરત સૂતો હતો. ત્યાં તેને કાને અવાજ સંભળાયો. ગરમી હોવાને કારણે ચાલીમાં પડતી બારી ખુલ્લી રાખતા. રાત્રે અવરજવર ન હોઈ  અને ત્યાંથી પવન સારો આવતો હોવાથી ખુલ્લી રાખતા. દિવસે ઘોંઘાટ અને ચાલીમાં અવરજવર ને કારણે લગભગ બંધ જેવી જ બારી રહેતી.

“ભરત એ ભરત!” ગણપતભાઈએ બૂમ પાડી.

બીજી બૂમે તો ભરત તુરત જ ઉઠીને આવ્યો.  “શું છે પપ્પા?” કહેતો આવ્યો.”

“કાલે પ્રવીણને કહી આવજે મને મળી જાય. અગત્યનું કામ છે.”

“ભલે પપ્પા.” આમ કહી ભરત પાછો સૂઈ ગયો.

બીજે દિવસે પ્રવીણ આવ્યો. રૂમમાંથી ગણપતભાઈએ બધાંને બહાર કાઢ્યા. બારણું અટકાવાતું કુસુમબેને જોયું. હવે રૂમમાં પ્રવીણ અને ગણપતભાઈ સિવાય કોઈ ન હોતું. થોડીવાર કંઈ અંદરો અંદર ધીમી વાતચીત થતી હોય તેમ લાગ્યું. કુસુમબેન તો રસોડામાં જઇને કામે વળગ્યા. વાસણ ગોઠવતાં તેના કાને કંઈ જોરજોરથી અવાજ આવતો. ‘પૈસા, પૈસા.. ‘એવા શબ્દ કાને પડ્યા. અવાજ સાંભળી તેમને થયું ચાલીમાં કંઈ ગરબડ લાગે છે. ત્યાં નજર કરી પણ કશું દેખાયું નહીં. હવે તેમણે ધ્યાનથી સાંભળ્યું તો ખ્યાલ આવ્યો કે આ અવાજ ગણપતભાઈના ઓરડામાંથી આવતો હતો. પ્રવીણ મોટેથી બોલતો હતો. કુસુમબેન બારણાં પાસે ગયા અને બારણાને ધક્કો મારવા ગયા પણ બારણું વાસેલું હતું. અંદરથી એકલા પ્રવીણનો જોરજોરથી અવાજ આવવા લાગ્યો. જાણે ગણપતભાઈ સાથે પ્રવીણ ઝગડો કરતો હોય તેમ તેમને લાગ્યું. હવે કુસુમબેન ગભરાયાં.

તેમણે બારણું ખખડાવા માંડ્યું અને કહેવા લાગયા, “પ્રવીણભાઈ, બારણું ખોલો! પ્રવીણભાઈ, બારણું ખોલો.” પરંતુ બોલવાની કોઈ જ અસર નહોતી પડતી. કુસુમબહેનને ફાળ પડી. તેણે હાક મારી પૂજાને બોલાવી. ભરત બાજુવાળા ચમન ચોપટીયાની રૂમ પાસે ઉભો હતો. તે બહારથી આવતો હતો. ચમન તેને કશું પૂછતો હતો ત્યાં રાડ સાંભળી એ દોડ્યો. સાથે ચમન પણ દોડીને આવ્યો. 

બારણ ખટખટાવતાં થોડીવાર બધુ એકદમ શાંત થઈ ગયેલું લાગ્યું. પ્રવીણે બારણું ખોલ્યું. એ કંઈ પણ બોલ્યા વગર સડસડાટ ચાલ્યો ગયો. કુસુમબેન તરત રૂમમાં ધસી આવ્યા. જોયું તો ગણપતભાઈ નિષ્ચેષ્ટ હાલતમાં પડ્યા હતા. આંખો તારવી ગયા હતાં. તેમણે કપાળે હાથ મુક્યો કપાળ ઠંડુ લાગ્યું. કુસુમબહેન હજુ કંઈ સમજે વિચારે બોલે ત્યાં તો ચમન ચોવટીયો ગાજવા માંડ્યો, “ગણપતભાઈ નું ખૂન થયું છે.” અને તેમ કહી આખી ચાલી ગજવી મૂકી. ચાલીવાળાં બધાં જ ભેગાં થવા માંડ્યાં હતાં અને જેને જે સૂઝે તે કહેતા ગયાં. જાતજાતનાં સૂચનો અનેકનાં મોઢેથી આવવા માંડ્યાં

“ઊભા છો શું? જાવ, જાવ. પોલીસને ફોન કરો.”
“અરે, એમબ્યુલન્સ તો મંગાવો, પહેલાં. કદાચ જીવ હજુ ઊંડેઊંડે બાકી હોય.”” 
“પોલિસ આવશે તો પહેલાં પોસ્ટમોર્ટ્મ કરાવશે જ.”. 
“અરે પણ કોણ આવ્યું અને ખૂન કરી ગયું?”
“ગણપતભાઈ જેવા ભગવાનનાં માણસ સાથે આવી દુશ્મની કોની હશે, રામ જાણે!”
“ઘરમાં કુસુમબેન તો હતાં. એમને કેમ કંઈ ખબર ન પડી?”

આવા જાતજાતના અવાજો અને સલાહો આવવા માંડી. કુસુમબેન, ભરત, પૂજા દિગ્મૂઢ થઇને બેસી ગયા હતાં. તેમને કશું જ સુઝતું ન હતું. પોલીસ આવી, કુસુમબેનનું સ્ટેટમેન્ટ લીધું. કુસુમબહેને બિચારાએ નિર્દોષ ભાવે જે જોયું હતું ને જાણતાં હતાં તે બધુ પોલીસને કહ્યું. પોલીસે પ્રવીણની ધરપકડ કરી. કોર્ટમાં કેસ ચાલ્યો પ્રવીણે કોઈ બચાવ ન કર્યો કે ન કોઈ  પોતાનો વકીલ રાખ્યો. એણે ગુન્હો કબૂલી લીધો, એટલું જ નહીં, આગળ મોટી કોર્ટમાં અપીલ કરવાની પણ ના પાડી. મેજીસ્ટ્રેટે પ્રવીણને ફાંસીની સજા કરી. ફાંસીની સજા આપતા પહેલાં અપરાધીની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે એમ, પ્રવીણને પણ પૂછવામાં આવી. પ્રવીણે કુસુમબહેન અને ભરતને છેલ્લીવાર મળવાની ઈચ્છા વ્યક્ત કરી. મરનારની છેલ્લી ઈચ્છાને માન આપવા માટે જ ફાંસીના આગલા દિવસે સાંજે, ખાનદાનીથી કુસુમબેન તથા ભરત આવ્યાં. 

કુસુમબહેને ક્રોધ મિશ્રિત અવાજે કહ્યું. “મારું સર્વસ્વ લૂંટાઈ ગયા પછી ક્યા મોઢે અમને મળવા બોલાવ્યાં છે? હજુ શું બાકી રહે છે? તમે જિંદગી કરતાં પૈસાને મહત્વના ગણ્યા. તમે આવા અધમ અને સ્વાર્થી હશો એની તો કલ્પના જ ન હતી. અરે તમે કહ્યું હોત તો હું તમારા પૈસા ગમેતેમ કરીને આપી દેત. પણ કમભાગ્ય મારાં કે આ વિષે હું જાણતી ન હતી.”

“કાકી, તમે જે જાણતાં નથી, એ જ તમને કહેવું છે. મરતાં પહેલા મારા મન પરનો ભાર હળવો થઈ જાય તો શાંતિ થી મરી શકું માટે જ તમને તથા ભરતને બોલાવ્યાં છે. પહેલા એ કહે ભરત, તું નોકરીએ લાગી ગયો? 

“હા. વારસદાર તરીકે મને ઓફિસમાં લઈ લીધો છે. એક મહિનો થયા ઓફિસે જાઉં છું.” 

“સરસ. કાકી, ગણપતકાકાએ મારી પાસેથી કશું જ ઉધાર નથી લીધું. ગણપતકાકાની અંતિમ ઈચ્છા ભરતને સરકારી નોકરી મળી જાય એ હતી. હવે તેમના આત્માને શાંતિ થઈ ગઈ હશે. તેઓ એક જ રટ લઈને બેઠા હતા કે ‘મારું આકસ્મિક મૃત્યુ થાય તો જ ભરતને વારસદાર તરીકે નોકરી મળે. મારાથી ઊઠાતું હોત તો કોઈ કાર કે ટ્રક સામે જઈને પડતું મૂકત પણ હું એટલું ચાલી શકું એવીયે મારામાં તાકાત રહી નથી. માટે  તુ જ મારું ગળું દાબીને મારી નાખ, પ્લીઝ.’ મેં એમને કેટલું કહ્યું કે કાકા, આ પાપ છે. મને સજા થશે, એનો ડર નથી પણ આમ આત્મહત્યા એ પાપ છે. જોકે હું જાણું છું કે તમારો ગુનેગાર હું છું. સિગરેટના ધુમાડાથી મેં જ તમારું મોત નોતર્યું છે. પણ આત્મહત્યા કરવામાં તમારી સહાય કરું, એવી મારામાં હિંમત નથી!”

“શું કહો છો? પ્રવીણભાઈ ! તમારા કાકાએ આવું બધું તમને કહેલું?”

“હા કાકી. ગણપતકાકા મને કહે, હું આમેય મરવાને વાંકે જીવું છું. વેદના સહન થતી નથી અને આપઘાત પણ નથી કરી શકતો! મારી આ કાયરતા હવે વેઠાતી નથી.” તેમણે ગાંધીજીની ફીલોસોફી સમજાવતાં કહ્યું. મને કહે કે, “ઘાયલ થયેલ ઘોડો તરફડિયા મારતો હોય તો તેને ગોળી મારવી એ પાપ નથી. એ મુક્તિ છે. મને મુક્તિ અપાવ, પ્રવીણ!” આમ કહી તે બે હાથ જોડી મને પગે લાગવા લાગ્યા. દયાની ભીખ માંગવા લાગ્યા અને  મારાં બંને હાથ પકડી તેમની ડોકની આજુબાજુ ગોઠવી દીધા. અને એટલીવારમાં એમનાં પ્રાણ નીકળી ગયા.  મેં માંડ એમના નિર્જીવ હાથમાંથી મારા હાથ છોડાવ્યા અને હતબુધ ઊભો રહ્યો.”

“તો પછી તમે ત્યારે કેમ ન બોલ્યા? પૈસા, પૈસા કેમ બોલતા હતા?” ભરતે કહ્યું.

“શું કહું? ત્યારે મારા મગજમાં એક જ વાત ઘુમરાતી હતી કે આ મૃત્યુ આકસ્મિક તો જ ગણાશે જો એ ખૂન હોય. મારી આંગળીના નિશાન એમની ગરદન પર તો હતાં જ. અને મોટિવ માટે ‘પૈસા, આપો પાછાં!’એવું મોટેથી બોલું તો જ આ ખૂન લાગે! મને ત્યારે થયું કે આ રીતે ભરતને નોકરી મળી જશે અને મારું પ્રાયશ્ચિત પણ થઈ જશે. બસ, આથી જ હું બારણું ખોલીને સડસડાટ ત્યાંથી નીકળી ગયો. આમેય મારે તો આગળપાછળ રડવાવાળું કોઈ નથી અને આજ સુધી, મેં કોઈ દિવસ કંઈ પણ સારું કામ કોઈના માટેય કર્યું નથી. ઊલટાનું, સિગરેટ ફૂંકીને નિર્દોષ કાકાને…!” અને, પ્રવીણની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા..!

“પણ પછી કોર્ટમાં કેમ આ બધું તમારા બચાવમાં ન કહ્યું? કેમ કોઈ વકીલ પણ ન રાખ્યો? કમ સે કમ સજા તો ઓછી મળત અને તમે અપીલમાં પણ જઈ શકત..!” ભરતે પૂછ્યું. 

“મને થયું કે હું બચાવ કરીશ તો ભરતને સરકારી નોકરીમાંથી હાથ ધોવા પડશે તો? ભરત, પૂજા બેઉનું જીવન રોળાઈ જશે! આમ જુઓ તો કાકાના આ અસાધ્ય રોગ માટે અને આડકતરી રીતે કસમયના મૃત્યુ માટે જવાબદાર તો હું જ છુંને! બસ, મારી જવાબદારીમાંથી ભાગવા કરતાં મેં એને સ્વીકારી લીધી. જતાં જતાં એટલો સંતોષ લઈને જઇશ કે ગણપતકાકાની ઈચ્છા પૂરી થઈ અને ભરતને એમની જગા પર સરકારી નોકરી પણ મળી ગઈ. ભરતની નોકરી માટે હું નિમિત બન્યો. એનાથી મોટો આનંદ મારા જીવનમાં ક્યો હોઈ શકે?” 

“તમે તો તમારા મનને સતત કચોટતા અપરાધનું પ્રાયશ્ચિત કરી લીધું, પણ હવે અમને.. અમે .. શું કરીએ.. આ ભાર કઈ રીતે જીરવીશું? અમે  જ અભાગિયા…તમને ઓળખી ન … શક્યાં. માફ કરજો, અમને માફ કરજો પ્રવીણભાઈ. હું બહાર જઈને કહી દઉં છું કે અમને તમારા પર કોઈ કેસ કે સજા….!” આટલું બોલતા કુસુમબહેનની આંખો છલકાઈ આવી.

“ભૂલમાં પણ આવી ભૂલ ન કરતાં! મને વચન આપો… આ મરતા માણસની છેલ્લી ઈચ્છા છે… પ્લીઝ, મને વચન આપો…!” અને કરગરતા, પ્રવીણે જેલના સળિયામાંથી પોતાના હાથ કાઢીને, કુસુમબેન અને ભરતના હાથ પકડી લીધા, “બધું જ એળે જશે અને ઈંક્વાયેરી બેસશે તો ભરતને નોકરી પણ છૉદવી પડશે.. આ સરકારી કામકાજ તમને નહીં સ્મજાય… ! કાકાના આત્માની શાંતિ ના હણતાં, પ્લીઝ…! મને વચન આપો કે આ વાત કદી કોઈને નહીં કહો… મેં માત્ર તમને ગેરસમજ ન થાય કે જેમને હું ‘કાકા’ કહેતો એનું ખૂન મેં કર્યું છે..! આ જો ન કહેતે તો ભવિષ્યમાં મારા જેવાં અનાથનો તમે કદી ભરોસો નહીં કરતે….! બસ, આ જ કારણસર મારે આ કહેવું પડ્યું..! ” 

“ચાલો, મુલાકાતનો સમય પૂરો થઈ ગયો છે!” આમ કહેતો એક હવાલદાર આવ્યો ને પ્રવીણને એની સાથે લઈ ગયો. પ્રવીણે છેલ્લી આજીજીભરી નજર ભરત અને કુસુમબેન પર નાખી અને પીઠ ફેરવી લીધી. કુસુમબેન તથા ભરત સજળનેત્રે એને જતો જોઈ રહ્યાં..! 

સમાપ્ત

Leave a Reply to હરીશ દાસાણી.મુંબઈCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. કઠોર વાસ્તવ,જડ નિયમો અને સંવેદનની સચ્ચાઈની લાગણીશીલ વાર્તા