પંચેન્દ્રિયનો ઉત્સવ પ્રકૃતિની લયલીલા ~ લલિત નિબંધ ~ ઉષા ઉપાધ્યાય

જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ રાજેન્દ્ર શાહે એક મુલાકાતમાં કહેલું કે-
“આ પ્રકૃતિને, સૃષ્ટિને અને બ્રહ્માંડને પોતાનો લય છે. કરોડો વર્ષથી આ ગ્રહ નક્ષત્રો, તારાઓ બ્રહ્માંડમાં પોતાના આગવા લયથી ઘૂમી રહ્યાં છે.  પૃથ્વી પણ પોતાના નિજી લયમાં ધરી પર ઘૂમતી સૂર્યની પ્રદક્ષિણા કરી રહી છે. માનવી પણ જેા આ કુદરતના લય સાથે પોતાના જીવનનો સંવાદી લય સાધે તો એનું જીવન વધારે સુખી બની શકે.”


ઘણી વાર કવિ રાજેન્દ્ર શાહના આ શબ્દો યાદ આવે ને આંખ મીંચતાં જ પંચેન્દ્રિયના અનુભવો ઉઘડવા લાગે. ગારમાટીનાં ને નળિયાથી ઢાંકાયેલા નાનકડા ઘરમાં આછા અંધકારભર્યા અંદરના ઓરડે હીંચકતા નાનાજીના હીંચકાનો એકઘારો લયબદ્ધ કિચૂડાટ બાળપણમાં સબ-સલામતની કેવી અજબ અનુભૂતિ કરાવી જતો !  

ઉનાળાની રજાઓમાં દાદીને ત્યાં જતી ત્યારે ગામને પાદર આવેલા કૂવે પાણી ભરવા જવાનું થતું. એ સમયે કૂવા પરની ગરગડીએથી ઘડાને લઇને કૂવામાં ઉતરતા-સરકતાં દોરડાનો ‘સર્ સર્’ અવાજ અને અંતે જળસ્પર્શની વધાઈ ઉચ્ચારતો ઘડાનો છપ્પાક્ અવાજ મને અવશપણે કૂવામાં ડોકિયું કરવા આકર્ષી જતો. ઘડામાં પાણી ભરાતું જાય ને જાણે તૃપ્તિનો હોય એવો બુડબુડ અવાજ પનિહારીને સંકેત આપે કે હવે જલતૃપ્ત ગાગરને ઉપર ખેંચી લો. જેમ જળનો તેમ અગ્નિસ્પર્શનો પણ આગવો ધ્વનિ…

ચૂલામાં સડસડ અવાજ સાથે બળતી તુવેરની સાંઠી ને આછા ભડભડ ધ્વનિ સાથે સૂકાં પાંદડાઓમાં પ્રજ્વળી ઊઠતો અગ્નિ ક્યારેક સગડીનાં કોલસામાં તડતડ તિખારા ઉડાડતો. ત્યારે મારું કિશોર મન કુતૂહલ મિશ્રિત આનંદ અનુભવતું…ને આ પવન ! કોઈ આકાર કે કોઈ રૂપ વિનાનો આ પવન ઋતુએ ઋતુએ ને દિવસ-રાતના પ્રહરે પ્રહરે કેવી અનોખી રૂપરમણા રચે છે!

બાળપણમાં સ્કૂલના શિક્ષકે શીખવેલું એક ગીત અમારી બાળકોની ટોળી ખુલ્લાં મેદાનમાં, ખુલ્લાં કંઠે ઉછળી ઉછળીને ગાતી. “અમે ઊની ઊની લૂ મહીં ન્હાતાં’તાં, વા વા વંટોળિયા…” ઉનાળાની ગરમ હવાનો એ દઝાડતો સ્પર્શ ને શિયાળામાં ત્વચાને સૂકવી દેતો એનો બરફીલો સ્પર્શ ચોમાસામાં ઝીણી ફરફર સાથે વાળમાં મોતી સજાવી જતો. ક્યારેક ઘરને માથે લઈ લેતાં તોફાની બાળક જેવો સૃષ્ટિને ધમરોળતા પવનનો હૂહૂકાર ઘરનાં બારી-બારણાં જ નહીં, હૈયાનાં કમાડ પણ ખખડાવી જતો. તો કવિ રાજેન્દ્ર શાહ ગ્રીષ્મ વિશેના એમનાં ગીતમાં વર્ણવે છે એવો “ટૂંકી એની પોતડી ને લાંબી એની ચાલ” એવા ભોળા મહાદેવ જેવા ઉનાળાની કોઈ બપોરે જે કંઈ માર્ગમાં આવ્યું એને સાથે લઇને ઘુમરીએ ચડતા ને વંટોળિયા રચતા પવનનું ઘુમર નૃત્ય કોઈ અજબ સૂસવાટથી કાન ભરી દેતું.

એક લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતમાં અભિનેત્રી માધુરી દીક્ષિત ઉલ્લાસસભર નૃત્ય સાથે “ઓ સાવન રાજા, કહાં સે આયે તુમ !” કહીને જેને વધારે છે એ વરસાદ-વૃષ્ટિનો લય આ સૃષ્ટિને કેટકેટલી લયભંગિમાઓથી શણગારે છે ! પતરાંના છાપરાં પર ટપ્ ટપ્ અવાજ સાથે પોતાના આગમનની જાણ કરતો વરસાદ ધીમી ધારે વરસતાં જાણે મંદ્ર સપ્તકથી મધ્ય સપ્તક તરફ ગતિ કરતાં તાલબદ્ધ નાદ રેલાવે છે. ક્યારેક પોતાનાં રૌદ્ર રૂપનું દર્શન કરાવતો વરસાદ જ્યારે અનરાધાર વરસે છે ત્યારે પતરાંના છાપરાં ત્રમ્-ત્રમ્ નાદ સાથે ગાજી ઊઠે છે ને એ ત્રમઝૂટ નાદમાં આસપાસના બધાં ધ્વનિઓ વિરમી જાય છે. છાપરાંના નેવાંથી નિતરતાં આ જળની ધ્વનિલીલા પણ કેટલી નોખી નોખી લયભાત ધરાવે છે ! નેવેથી દદડતું, નીતરતું, ટપકતું – આવાં જળધારાની ગતિનો અનુભવ કરાવતા, વિવિધ સ્વરનાદ ધરાવતા કેટલાં બધાં શબ્દો છે આપણી ભાષામાં !

 આભથી વરસતાં ને છાપરેથી નીતરતાં આ વર્ષાજળ પાકાં મકાનની અગાશીએથી નીતરતા નથી પણ ધાબાને છેડે લગાવેલા નાળચામાંથી સીધાં ખાબકે છે નીચે ઉભેલા વરસાદને ઉજવતા બાળકના મસ્તકે અભિષેક કરતાં ને આનંદભરી કિલકારીમાં ફેરવાઈ જાય છે. ખાબોચિયાઓમાં છપાક્ ધ્વનિ સાથે રસ્તે ચાલીને જતાં રાહીના મનમાં અણગમો જગાવતું જળ જ્યારે શેરીઓમાં ખળખળ ધ્વનિ સાથે વહેવા લાગે છે ત્યારે એ હીંચકે ઝૂલતાં કોરાધાકોર વડીલોને પણ પોતાની સાથે ખેંચી જવાની તાકાત ધરાવે છે. કવિ નિરંજન ભગતની કવિતાની પંક્તિઓ છે –
 “જ્યારે ઝૂકી આભથી સારા
    ઝીંકાતી આષાઢ ધારા..”
 એવે સમયે છાપરાં નીચેનાં નીડમાં એક-બીજાની હૂંફમાં લપાઈને બેઠેલાં “નમણાં ને નિર્દોષ પારેવાં”ની જેમ એક છત્રી નીચે ચાલી રહેલાં યુવક-યુવતી વરસાદથી બચતાં ને પ્રેમથી ભીંજાતાં જઈ રહ્યાં હોય ત્યારે આસપાસના બધાં ધ્વનિ વિરમી જઇને પ્રેમરસનો અદ્ભુત સમ રચતા હોય છે. 

 વર્ષો પહેલાં કલકત્તામાં અસમિયા અને હિન્દી બન્ને ભાષામાં કાવ્યસર્જન કરનાર, એનું સ્વરનિયોજન અને અદ્ભુત ગાન કરનાર કવિ-સંગીતકાર ભૂપેન હજારિકાને સાંભળવાનો અવસર મળ્યો હતો. એમનું એક ગીત હતું દરિયો ખેડવા ગયેલા અને પાછા નહીં આવેલા માછીમારની પત્નીના વેદનાસભર સંદેશનું. કવિ કાલિદાસના ‘મેઘદૂત’માં વિરહી યક્ષનો સંદેશ લઇને જતાં મેઘની જેમ અહીં વિરહી મછુઆરણ વારે વારે કિનારે દોડી આવતી સાગરલહેરને સંદેશો આપે છે કે –
“ઓ લહર જા, જા મૂઈ આરપાર જા,
રમૈયા કા સમય હો ગયા…”
સાગરમાં જ્યાં ક્યાંય રમૈયા – પતિ અટવાયો હોય એને શોધીને સંદેશો આપવાનું કહેતી આ મછુઆરણની ચિંતા અને વ્યથા ભૂપેન હજારિકાના ઘુંટાયેલા કંઠમાં વધુ ઘુંટાઇને આવતી, હૃદયને આરપાર વીંધી જાય છે.

પૃથ્વી તટે નિરંતર દૂધધવલ ફીણની ઝૂલ પાથરતી રહેતી સાગરલહેરનો નિનાદ દીવના ચક્રતીર્થ બીચ જેવા ખડકાળ કિનારાઓ ઉપર પ્રચંડ ઘોષમાં રૂપાંતરિત થઈ જાય છે. સાગરના પેટાળમાંથી જાગતાં હોય એવાં મોજાં ધીરે ધીરે કિનારા તરફ આવતાં વધારે ઉન્મત્ત થતાં જાય છે, એની ઊંચી દિવાલ રચાતી આવે છે ને પછી કોઈ અડીખમ યોદ્ધાઓ જેવા ખડકો સાથે અફળાઇને પ્રચંડ નાદ જગાવતા ફીણ-ફીણ થઈ વિખેરાઈ જાય છે. કિનારાના ખડકો સાથેનું મોજાઓનું આ અવિરત યુદ્ધ અને ધોર નાદ એક સાથે ભય, વિસ્મય અને આકર્ષણનો એવો અનુભવ કરાવે છે કે ત્યાંથી ખસવાનું મન નથી થતું. સોમનાથના દરિયાકિનારે આ જ મોજાંઓ સિંહની ગર્જનાનો અનુભવ કરાવતું સમુદ્રયાળનું રૂપ ધરે છે. દૂર સાગરપટ ઉપરથી ઊઠતું મોજું ધીરે-ધીરે ઊંચે અને આગળ વધતું વધતું બંકિમ છટાથી કિનારા પર ત્રાટકે છે ત્યારનો એનો ઘોર ધ્વનિ વળતી જ પળે ફીણ-ફીણ થઇને પાછાં સાગરમાં સમાઈ જતાં જળરાશિના મંદ-મધુર સર-સર ધ્વનિમાં પરિવર્તિત થઈ જાય છે. સરસરાહટ સાથે પાછાં વળતાં આ જળ સાથે જ ખેંચાતી, દદડતી રેતી અને નાનાં શંખ-છીપલાંઓનું નિઃશબ્દ સમર્પણ આપણી નજરને મોહી લે તેવું રમણીય હોય છે.

 જળરાશિનો આવો ઘોર ધ્વનિ માત્ર દરિયાનો જ ઇજારો નથી. પહાડ ઉપરથી પડતાં ધોધ, નર્મદા નદીના ભેડાઘાટ-ઘુંઆધારના ધોધ અને પોતાના બે બાહુ પસારીને એક સાથે અમેરિકા અને કેનેડાને ‘હલ્લો’ કહીને હસ્તધૂનન કરતા વિરાટ નાયગરા જેવા ધોધ પાસે પણ જળનો આ રુદ્રધોષ તમને સ્તબ્ધ-મૂક કરી દે છે. પણ જળરાશિનું એ રુદ્ર રૂપ રેવાતટે સૌમ્ય-મધુર બની રહે છે. કિનારે પથરાયેલા પથ્થરો સાથેના આસ્ફાલનથી મધુર રવ રેલાવતા નર્મદાના જળપ્રવાહને તેથી જ ‘રેવા’ નામ અપાયું છે. તો ડાંગના વનોમાં ચોમાસે વહી નીકળતાં અનેક ઝરણાંઓ ત્યાં વસતા વનવાસીના મહુરી પાવાની જેમ નિજાનંદે સૂર રેલાવતાં રહે છે.

પરોઢ થતાં જ આંગણે ઊડાઊડ કરકતી ચકલીઓની ચકચક વચ્ચે દૂરની વૃક્ષઘટમાંથી સરી આવતાં શો-બીગી પંખીના મધુર ટહુકા, કહો કે સંગીતની સુરાવલિ કાનમાં ઝીલાતાં જ જાણે સુખસમાધિ લાગી જાય છે. દૈયડ નામના પંખીના ટહુકાનું પણ એવું જ… આજનો ફેશનેબલ યુવાન જે રીતે કાળાં ભમ્મર કેશરાશિ ઉપર એકાદ રૂપેરી રંગનો લસરકો કરીને મસ્તીમાં ઝૂમતો અદાથી ફરે છે એ રીતે દૈયડ પણ એની ચળકતી કાળી ભમ્મર પાંખમાં સફેદ પટ્ટો સજાવીને અદાથી મીઠાં સૂર રેલાવતું આપણા મન-હૃદયને બાંધી લે છે.

એક સાંજે હું જમ્મુથી કટરા પહોંચીને પગપાળા ચાલતાં મધરાતે વૈષ્ણોદેવી મંદિરે પહોંચી હતી. દર્શન અને ચારેક કલાકની વિશ્રાંતિ પછી વહેલી સવારે પાંચેક વાગે નીચે ઉતરવાનું શરૂ કરેલું. એ વહેલી સવારે આથમતા તારાઓ અને ઓસરતા અંધકાર વચ્ચે દૂરથી વહી આવતી પહાડી બુલબુલની સીટી ચેતનાના તારેતારને ઝંકૃત કરી ગઈ હતી. મેદાની બુલબુલના મધુર ટહુકા કરતાં આ પહાડી બુલબુલની સીટી વધારે ઉર્જાવાન અને તારસ્વરે ગુંજતી હતી. લક્કડખોદની ઠક ઠક, ઘંટીટાંકણાની ટૂક-ટૂક અને હવામાં તરંગલીલા રચતી ઉડાન સાથે મીઠાં ટહુકા રેલાવતાં ચંડૂલને તો જેમણે સાંભળ્યા હોય એને અચૂક આ વૈવિધ્યસભર સૂરલીલાનો અનુભવ ફરીફરી લેવાનું મન થશે. ધીમી ફુસફુસાહટ જેવા ધ્વનિ સાથે માથાની કલગી ખોલીને જમીન પર લેન્ડિંગ કરતું ‘હુદ હુદ’, કોઈ મિજાજી માણસની જેમ નામરજી હોય ત્યારે કર્કશ અવાજથી કાન બંધ કરાવતું તો મોજમાં હોય ત્યારે મધુર ટહુકાઓ રેલાવી વૃક્ષઘટાઓમાં એને શોધવા આપણી નજરને ચંચળ બનાવી દેતો ખેરખટ્ટો, બગીચાના ફૂલ-છોડ પર પાણી છંટાતાં પાનમાં ઝીલાયેલાં પાણીમાં સ્નાન કરવા ઉતરી આવતાં સક્કરખોર-આ પંખીલોકનો સમૃદ્ધ સૂરલોક કેટકેટલી સૂરાવલિઓથી આપણી હયાતીને માધુર્યથી છલકાવી જાય છે ! બેંક બેલેન્સ નહીં, પરંતુ પંચેન્દ્રિયનો ઉત્સવ રચતી આ પ્રકૃતિની લયલીલા જ આપણી સાચી મૂડી છે એવું તમને નથી લાગતું !

ઉષા ઉપાધ્યાય
મો. 94264 15887

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. સુંદર નિબંધ. પ્રકૃતિના વર્ણન સાથે વહી જવાયું. અભિનંદન બેના.

  2. સાદ્યંત સુંદર નિબંધ. જાણે વહેતી ગદ્ય કવિતા .

  3. “બેંક બેલેન્સ નહીં, પરંતુ પંચેન્દ્રિયનો ઉત્સવ રચતી આ પ્રકૃતિની લયલીલા જ આપણી સાચી મૂડી છે એવું તમને નથી લાગતું !”
    ચોક્કસ લાગે છે.❤🙏