આખી જે ઘટના ઘટી, એ હિન્દનું અપમાન છે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
પહોંચેલા લોકોની માયા ગજબ હોય છે. ગુનેગાર હોય છતાં છુટ્ટા ફરે. એકથી એક બળુકા કિસ્સાઓ વિદેશ ભાગી ગયા છે. બીજા ભારાડીઓ જે અહીં રહે છે તેઓ દેશનું ગૌરવ હણે છે. એમાં એક નામ હમણાં લમણે વાગતું થયું એ રેસલિંગ ફેડરેશનના ચીફ અને સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનું.
ચહેરો જોઈને જ કાળ ચડે એવું ખીજભૂષણ અસ્તિત્વ સત્તાના જોરે તાગડધિન્ના કરી રહ્યું છે. આવા શોષણભૂષણ બેખોફ વિહરે છે. સંજય રાવનો આક્રોશ ખોટો નથી…
વરુઓ હજી કેમ છૂટાં ફરે છે?
નથી ન્યાય, નીતિ, ને છે ક્યાં શરમ પણ
રમત છે મતોની, જે નેતા રમે છે
રમત રમાડે રામ ઉક્તિને બદલીને કહેવું હોય તો કહી શકાય કે રમત રમાડે કામ. અહીં કામ કામદેવના અર્થમાં છે, કાર્યના અર્થમાં નહીં.
સાત પીડિતોમાં સમાવિષ્ટ અને જેના સગીર હોવા-ન હોવા વિશે પ્રશ્નો ઉછાળાયા છે એ કમભાગી યુવતીના પિતાનું નિવેદન જુઓ: ‘દીકરીએ સોળ વર્ષની ઉંમરે ઝારખંડના રાંચીમાં નૅશનલ ગેમ્સમાં જુનિયર રેસલિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. અહીં જ ફોટોગ્રાફ્સ લેવાના બહાને બ્રિજભૂષણે દીકરીને બળજબરીથી પોતાની નજીક ખેંચી હતી. તે પોતાની જાતને છોડાવવા માટે પણ આગળ વધી શકી નહીં. બ્રિજભૂષણ તેનો હાથ ખભા પરથી નીચે લઈ ગયો.’
સગીર હોય કે ન હોય, આ કૃત્ય જ હિચકારું છે. વક્રતા છે કે આરોપી અટ્ટહાસ્ય કરે છે અને પીડિતા ગૂંગળાય છે. મીતા ગોર મેવાડા એને બયાં કરે છે…
આ બંધનોને તોડવાની વાત કરી દઉં
હું મુક્ત થઈ જવાની શરૂઆત કરી દઉં
ગૂંગળાઉં છું સતત હું આ સત્તાની આડશે
આઝાદ એક ગગનની મુલાકાત કરી દઉં
કુલ સાત મહિલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. લજ્જિત એ કારણે થવાય છે કે ખેલાડીઓની વાત સરકારના રાજકારણી રૂ ખોસેલા કાનમાં પહોંચતાં બહુ મોડું થયું છે. ખેલાડીઓ સાથે દિલ્હી પોલીસનું ગેરવર્તન પણ શરમજનક બન્યું.
ગૌરવ મેળવનાર નારીપ્રતિભાઓનું ખાનગીમાં ચારિત્ર્યહનન થયું અને જાહેરમાં ગૌરવહનન થયું. ભારતી વોરાની વાત સાથે નતમસ્તકે સંમત થવું જ પડે…
એક તરફ બદનામી છે ને
એક તરફ સન્માન છે
જાણો છો સઘળું છતાંય
આંખ આડા કાન છે
માફ કરજો હું નહીં
રાખી શકું મેડલનું માન
આખી જે ઘટના ઘટી,
એ હિન્દનું અપમાન છે
સિત્તેરના દસકમાં કર્ણપ્રિય ગીતો આપનાર સંગીતકાર બ્રિજભૂષણ સહાનીએ શત્રુઘ્ન સિંહા અને રીના રૉય અભિનીત ‘મિલાપ’ ફિલ્મમાં એક ગીત સ્વરબદ્ધ કરેલું જેની મુખડું હતું : બજરિયા કે બીચ ક્યા નજરિયા મિલાઉં, મિલે જો તૂ અકેલા તો ગલે લગ જાઉં.
આ ગીત નાયિકા ગાતી હતી. સ્ત્રીલિંગનું પુલ્લિંગ કરીએ તો ખલનાયક સાંસદ બ્રિજભૂષણે આવી જ માગણીઓ સ્ત્રી ખેલાડીઓ પાસે કરેલી : મિલે જો અકેલી તો… કવિ રમેશ મારુ ખફાની વાત મુખર હોવા છતાં વાસ્તવિક છે…
શ્વાસ લેવો પણ હવે
મુશ્કેલ છે આ યુગમાં
સત્ય બોલો તો મળે,
એ જેલ છે આ યુગમાં
ખોટું કરનારા ફરે છે
મોજથી, ડરતા નથી
આમજનતા ન્યાય ઝંખે,
ખેલ છે આ યુગમાં
જનતા બધું જોતી હોય છે. કુસ્તીબાજોના શોષણના કિસ્સામાં સરકારનું વિલંબિત વલણ વિસ્મયકારક અને સંશયકારક છે.
દેશને કીર્તિ અપાવનારા ખેલાડીઓની છડેચોક અવહેલના થતી હોય તો બાપડા સામાન્ય માણસનું તો શું ગજું? તેને બિચારાને ઊંચકીને ફેંકી દે તો હોબાળો શું, હલચલ પણ ન થાય. આ પ્રકારની ઘટનાઓ સમાજનું હીર અને ખમીર ચૂસે છે. ડૉ. સેજલ દેસાઈ સંયમિત ભાષામાં હતાશા વર્ણવે છે…
આ મન વડે તકરાર કરવી ક્યાં સુધી?
ને જાતને પુરવાર કરવી ક્યાં સુધી?
જ્યાં એક વત્તા એક પણ બે થાય નહીં
ત્યાં ઊર્મિઓ બેકાર કરવી ક્યાં સુધી?
લાસ્ટ લાઇન
ગુનેગાર માણસ, પુરાવા બધા છે
સજા, જેલ આપો; સમય તો ગયો છે
હજી મંદ સ્વરમાં અરજ છે અમારી
જશે ક્યાંક પારો, સમય તો ગયો છે
~ કમલેશ શુક્લ
ના નથી કંઈ જીવવું નાલેશી સાથે
આપીએ પડકાર સામે સાંભળી લો
જશને માથે જૂતી સાલોથી સહી છે
બસ હવે બસ સમજી લો, કાં તો લડી લો
~ રશ્મિ જાગીરદાર
મારી જ જેમ એય પડી છે પથારીમાં
કેમે કરીને સાજી થતી હોય તો કરો
ઊભા રહો બજાર વચાળે જઈ દીપક
પોતાની જો હરાજી થતી હોય તો કરો
~ દીપક ઝાલા અદ્વૈત
કલમનું કામ માત્ર ધરતી અને ગગનની કવિતાઓ જ રચવાનું નથી ; સમાજને જાગૃત કરવાનું પણ છે એ તમારી લેખમાળામાં જણાય છે . ને એટલે સાહિત્ય સાથે સમાજનું કાર્ય કરવા બદલ અભિનંદન પણ ખરાં . મારી નારી ગૌરવની વાતો કરતાં આપણે હવે નારી રક્ષણ માટે વધારે ઉગ્ર કાયદા ઘડવા પડશે .
આટલો સુંદર લેખ આટલી સંયમિત રીતે લખવા બદલ ભાઈ શ્રી હિતેનને અને અહીં સમાવિષ્ટ કરાયેલા શેરોના રચયિતા સર્વ શાયરોને હાર્દિક અભિનંદન. અહીં એક વાત પ્રતીત થાય છે કે આપણાં ગુજરાતી સાહિત્યકારો વખત આવે સામાજિક જવાબદારી નિભાવવા માટે બૌદ્ધિક અને નૈતિક રીતે માત્ર બાધ્ય જ નહીં, પણ સક્ષમ અને સજ્જ છે. આવી સજ્જતા હોય ત્યારે આપણાં સહુની વહાલી ગુજરાતી ભાષા જીવશે જ એની ધરપત અનાયસે થાય છે.
સ્વ. શ્રી દુષ્યંતકુમારની ખૂબ જ જાણીતી આ પંક્તિઓ ફરી ટાંકવાનો મોહ હું જતો કરી શકતી નથી. –
“सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,
मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।
मेरे सीने में नहीं तो तेरे सीने में सही,
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए।”
– સ્વ. દુષ્યંત કુમાર
ગુનાનો પ્રતિભાવ છંછેળે અનેક હ્રદયને. પ્રતિસાદ ને જરુર મળશે પરમેશ્વર નો ન્યાયી પ્રકોપ. કવિયીત્રિઓ ને પ્રણામ.
જબરદસ્ત લખાણ
ખૂબ જ સરસ સંકલન હિતેનભાઈ .
બધાજ કવિ મિત્રોની ખૂબ સરસ રચનાઓ, સૌને અભિનંદન.
સાથે રહી શીખવાની મજા કંઈક ઔર છે.
સાંપ્રત ઘટના ઉપર સરસ લેખ હિતેન ભાઈ
અત્યાર સુધી નક્કી કરી શકાતું ન હતું કે બ્રિજભૂષણ ખરેખર ગુનેગાર છે કે કોઈ રાજકીય કારણોસર તે પહેલવાનોના નિશાન પર છે વળી તેણે જાહેરમાં આત્મવિશ્વાસ સાથે એવું નિવેદન કર્યું કે મારા પરનો એક પણ આરોપ સાબિત થાય તો હું જાતે જ ફાંસી પર ચઢી જઈશ. હવે તમારો આ લેખ વાંચી નક્કી થઈ ગયું કે આ આરોપી ગુનેગાર છે જ. તો તેની વિરુદ્ધ પુરાવા શોધી તેને ફાંસીએ ચઢાવી દેવો જોઈએ, સત્વરે.. દિલ્હી પોલીસ ઉતાવળ કરે…
અશોકભાઈ, નમસ્તે!
તમે લખ્યું છે,
“હવે તમારો આ લેખ વાંચી નક્કી થઈ ગયું કે આ આરોપી ગુનેગાર છે જ. તો તેની વિરુદ્ધ પુરાવા શોધી તેને ફાંસીએ ચઢાવી દેવો જોઈએ”
તમારી કમેન્ટ વાંચીને મારાં મનમાં કેટલાક પ્રશ્નો ઉઠ્યા છે. શક્ય હોય તો ઉકેલી આપશો.
આ કેસ અત્યારે અદાલતમાં વિચારાધીન છે. અને આરોપી વિરુદ્ધ હજી પુરાવાઓ શોધાયા (કે અદાલતમાં રજૂ કરાયા) નથી. તે છતાં આરોપી વિરુદ્ધ અદાલતની બહાર આંદોલન કરવું અને એને
ગુનેગાર જાહેર કરવા દબાણ ઊભું કરવું ન્યાયસંગત છે?
દેશના કાયદા મુજબ ગુનેગાર પુરવાર કરવાને બદલે પ્રચાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં ઊહાપોહ સર્જીને સરકારપર આરોપીને સજા કરવા દબાણ કરવું ન્યાયસંગત છે? સરકાર કાનૂની નિર્ણય આવવાની રાહ જુએ તો એનાપર આરોપીને મદદ કરવાનો આક્ષેપ કરવો કઇ રીતે યોગ્ય છે?
અશોકભાઈ, તમે લખો છો ઉપરોક્ત લેખ વાંચી એ નક્કી થઇ જ ગયું કે આ આરોપી ગુનેગાર છે જ. લેખ તો મને પણ ખૂબ ગમ્યો છે. એમાં ટાંકેલા ગઝલના શેર હ્રદયસોંસરવા નીકળી જાય એવા છે. પરંતુ હવે આપણા સમાજમાં કોઈ આરોપી દોષિત છે કે નહીં એનો નિર્ણય આપણે કાવ્યપંક્તિઓ ટાંકેલા લેખ લખીને કરીશું? આરોપીને ફાંસીએ ચડાવી દેવાનો નિર્ણય પહેલાં કરી લઇને એ પછી એની વિરુદ્ધ પુરાવા શોધવા નીકળશું? અશોકભાઈ, આ મહિલા રમતવીરોને ન્યાય મળે એની તમારી જેમ હું પણ તરફેણ કરું જ છું. પરંતુ દેશની ન્યાયપ્રક્રિયા દ્વારા દોષિત સાબિત કર્યા વગર આરોપીને સોશિયલ મીડિયા ટ્રાયલનો ઘોંઘાટ કરી ફાંસીએ ચડાવી દેવાનો આગ્રહ રાખીશું તો મોદી હટાવ ટૂલકીટના હિસ્સા દેખાશું.