પગલું માંડું હું અવકાશમાં ~ આત્મકથા (પ્રકરણ : ૨) ~ વર્ષા અડાલજા

|| વિશેષ વ્યવસ્થાપકીય નોંધ: ||

આત્મકથાના પ્રથમ પ્રકરણથી જ અપાર વર્ષા વરસાવનારા સૌ વાચકોનો “આપણું આંગણું બ્લોગ” વર્ષાપૂર્વક આભાર માને છે. અનેક વાચકોએ આત્મકથાના દરેક પ્રકરણની લિંક નિયમિત મળે તે માટે વિનંતી કરી છે, તો આ રહ્યા ત્રણ પર્યાયઃ

  • જો આપ ઈમેલ-સેવી હો અને કોમ્પ્યુટર/લેપટોપ પર વાંચવાનું પસંદ કરતા હો, તો આ બ્લોગ સબ્સક્રાઈબ કરો. પોસ્ટની એકદમ બોટમમાં, કોમેન્ટ્સ પૂરી થાય પછી SUBSCRIBE બટન દૃશ્યમાન થશે. આમ કરવાથી આપને ઈમેલ પર પ્રત્યેક પોસ્ટનાં નોટિફિકેશન મળતાં રહેશે.
  • વાચકો માટે ત્રણ વોટ્સએપ ગ્રુપ કાર્યરત છે, તેની લિંક નીચે આપી છે. એમાં જોડાઈ આપ મોબાઈલ ઉપર બ્લોગ પર પ્રકાશિત થનાર પ્રત્યેક/ચુનંદી પોસ્ટની લિંક મેળવી શકો છો. આ આસાન પર્યાય છે. મોબાઈલ ઉપર વાંચનાર વાચકો માટે આ સરળ રહેશે.

ભારત માટે બે લિંક છે, જેમાં જગ્યા મળે તેમાં જોડાઈ શકો છો.
વોટ્સએપ ગ્રુપ-૧,
https://chat.whatsapp.com/BqdlqXyaXmqLt5EX2OYg7t
વોટ્સએપ ગ્રુપ-૨,
https://chat.whatsapp.com/EJss3i8MVL1J9vAi99V97h

અમેરિકા-પરદેશ માટેનું વોટ્સએપ ગ્રુપ:
https://chat.whatsapp.com/LKoEAWj17Bo2q0NRHzPrVG

જો ઉપરના વોટ્સએપ ગ્રુપ ફૂલ થઈ જાય તો +91 8850074946 નંબર પર Hi મેસેજ મોકલવો. અમે નવું વોટ્સએપ ગ્રુપ બનાવીને આપને વ્યક્તિગત રીતે એકાદ દિવસની અંદર નવી લિંક મોકલીશું.

  • મોબાઈલ પર ગુગલ સર્ચમાં https://aapnuaangnu.com/ વિઝિટ કરો. ક્લિક કરી બ્લોગની અંદર પ્રવેશો. મોબાઈલ સ્ક્રીન પર જમણે ટોપ પર ત્રણ ડૉટ દેખાશે. તેના પર ક્લિક કરી આ પર્યાય પસંદ કરો: Add to Home Screen (આમ કરવાથી શું થશે? બ્લોગનો આઇકોન આપની મોબાઈલ સ્ક્રીન ઉપર ગોઠવાઈ જશે, તે પણ વિશેષ મેમરી રોક્યા વિના. આ આઇકોન ક્લિક કરી આપ ઇચ્છો ત્યારે વાંચી શકો છો. ~ બ્લોગ સંપાદક ]
    ————————————————-

પ્રકરણ – ૨ : જો અને તો (આત્મકથા ~ વર્ષા અડાલજા) 

    ચંદ્રશંકર બૂચ ‘સુકાની’

પુરાતત્ત્વવિદની જેમ અમે ખોદી કાઢેલાં એ પોટલાનાં ‘ગ્રંથાગાર’માં બીજાં બે પ્રસંગો છે, ‘સિંહ અને શિકાર’ અને બીજો ‘દેવો ધાધલ’ જેવી સાગરકથાના લેખક ચંદ્રશંકર બૂચ ‘સુકાની’ સાથેનો.

દાદા પોપટભાઈ પોલીસ સર્વિસમાંથી રિટાયર થયા. ઘન જંગલો, દુર્ગમ પહાડો કે નદીનાં કોતરોમાં છુપાવેલા ધાડુપાડુ, ડાકુઓ સાથે હવે મૂઠભેડ ન હતી છતાં રિટાયરમૅન્ટ પછી પણ એમણે પ્રિય બંદૂકનું લાઇસન્સ જાળવી રાખેલું અને પપ્પાના શબ્દોમાં ‘સગ્ગા દીકરાથી એમને અલગ કરી શકાય, પણ બંદૂકથી નહીં.’

એજન્સીનું વડું મથક જેતલસર કૅમ્પ. ગીર જંગલનું પાદર. સોરઠ પ્રાંતનાં ગોરા હાકેમની રાજધાનીનું નાનું નગર. એ સમયે તો મહાદેવની જટાજૂટ જેવું ગીરનું જંગલ હશે ને! ગીરના સિંહો ગામના પાદર સુધી લટાર મારતા.

1914, પ્રથમ વિશ્વયુદ્ધના કાળમાં કાઠિયાવાડમાં ગોરા હાકેમની ગીરના સિંહ જેવી કાળજુ કંપાવતી ડણક. વનરાજ જેવો પૉલિટીકલ એજન્ટ કાર્નેગીનું અહીં પૉસ્ટિંગ. બરછીની ધાર જેવો તીખો મિજાજ. એ રાત્રે બે ઘોડાની બગીમાં જૂનાગઢથી જેતલસર આવે. નથુ કોચમેન અને શંકર આઇસ (ઘોડાગાડી પાછળ ઘોડાગારનો માણસ ઊભો રહે તેને સાઇસ કહેવાય).

હણહણતા ઘોડાની બગી નદી પાસેના પુલ પાસેથી વળાંક લેતાં પુલ પર એક મદમસ્ત ડાલામથ્થો સમ્રાટની અદાથી બેઠેલો. ભયને સૂંઘતા ઘોડા ભડક્યા, ભયંકર ત્રાડ પાડતા સિંહે છલાંગ મારી એક ઘોડાને ઘસડતો જંગલમાં ઉઠાવી ગયો. બે જ ઘડીનો ખેલ. નથુ અને શંકર તો એક શ્વાસે ભાગ્યા હતા. ગુસ્સાથી ધૂંઆપૂંઆ કાર્નેગી ઘરે તો આવ્યો પણ પોતાની જ ઉપર એનો ક્રોધ બૉમ્બની જેમ ફાટ્યો; હું અંગ્રેજબચ્ચો થઈને ભાગ્યો! લોકો મને કાયર કહે!

સિંહે જાણે એના અહમ્ પર જ તરાપ મારી. નો, આઇ મસ્ટ શૂટ ધેટ લાયન. પાછો જાઉં. લોકો સમજશે હું ભાગ્યો નહોતો, પણ બંદૂક લેવા ઘરે આવ્યો હતો. મૅડમ રડી, કકળી, પણ કાળ સાદ પાડે એને કોણ રોકી શકે! બંદૂક લેતો કાળઝાળ એ જંગલમાં દોડ્યો. ભેંકાર નિસ્તબ્ધતામાં ઘોડાના ચામડું ચીરવાના અવાજે કાર્નેગીએ ગોળી છોડી. સિંહને છરકો કરતી ગઈ હશે. વિફરેલો કાળઝાળ સિંહ ડણક પર ડણક દેતો કાર્નેગી પર ત્રાટક્યો અને એક ઝાટકે લોહી નીંગળતું માથું લઈ જંગલમાં અદૃશ્ય થઈ ગયો. ધડ રઝળતું પડ્યું રહ્યું.

સિંહની ઝનૂનભરી ડણક અને મેડમ કાર્નેગીની ચીસો અને હૈયાફાટ રુદનથી ગામ આખું કંપી ઊઠ્યું. દાદા બંદૂક લઈ દોડતા મૅડમ પાસે ગયા. એમની વાત સાંભળી ન સાંભળી, દાદાએ તત્કાળ ફોજદારને સંદેશો મોકલ્યો અને જંગલ તરફ દોડ્યા. વિફરેલો સિંહ અને તે પણ તાજા મારણ પર બેઠેલો! અવ્વલ નિશાનબાજ દાદાની શબ્દવેધી તીર જેવી ગોળીઓની વર્ષાથી ત્રાડ પાડતો સાવજ ઢળી પડ્યો.

પપ્પા લખે છે, “કર્નલનું લોહી નીંગળતું માથું અને ધડ લઈ મારા પિતા પોલીસ ટીમ સાથે પાછા ફર્યા. મૅડમનું છાતીફાટ કલ્પાંત આજે પણ હું ભૂલી નથી શક્યો. મૃત્યુએ રંગભેદ ભૂંસી નાંખ્યો હતો. મૅડમ મારી માના ખોળામાં બેભાન પડેલાં. પછી તો મૅડમ ઇંગ્લૅન્ડ ચાલી ગઈ, પણ દર વર્ષે એક ભલામણચિઠ્ઠી મારા પિતાને એ અચૂક મોકલાવતી. જે કાઠિયાવાડના બધા ગોરા અમલદારો પર રહેતી.”
* * *
વાતનો તંતુ હજી લંબાય છે.

1914નો આ પ્રસંગ.
અને 1935ની આ ઘટના.
1914માં તો પપ્પા ચૌદેક વર્ષના કિશોર અને 1935માં રાણપુરમાં ‘સૌરાષ્ટ્ર’નાં તંત્રી. એમના ક્રાંતિકારી લેખો અને ફ્રીડમ મૂવમૅન્ટની પ્રવૃત્તિઓથી ઍજન્સી પપ્પા પર ગિન્નાયેલી. એમની પર કૅસ અને વૉરન્ટ. હદપાર કરી એજન્સીને ધરાર સોંપી દેવાની તાતી માંગણી.

હું ધારું છું ત્યારે પપ્પા ભૂગર્ભમાં હશે એ વાતનો તાળો પણ મળે છે. એક વાર ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં હું કોઈ નાના ગામમાં ગઈ હતી. ત્યાં એક બહેન મને મળવા આવ્યા. કહે, તમારા બાપુજી આચાર્યભાઈ રાણપુરથી છટકી ટ્રેનના પાટિયા નીચે છુપાઈને, વેશપલટો કરી મારે પિયર જૂનાગઢ આવેલા. બહુ દિવસો અમે એમને સંતાડેલા. રોજ રાત્રે ફાનસને અજવાળે એ ડાયરો જમાવતા. મારા પિયરના ખૂબ આનંદના એ દિવસો. મેં સાંભળ્યું કે આચાર્યભાઈની દીકરી આવી છે, એટલે તને મળવા આવી. એ વૃદ્ધ સન્નારીએ વહાલથી મને બાથમાં લીધી. અમારી બંનેની આંખ છલોછલ.

હા, તો ફરી 1935માં.

પપ્પાએ છેલ્લો દાવ અજમાવ્યો. પિતાની જૂની ફાઇલોમાંથી વર્ષો પહેલાંની મૅડમ કાર્નેગીની ભલામણચિઠ્ઠી શોધી પોતાના પરનું વૉરન્ટ રદબાતલ કરવાની અરજી સાથે જોડી દીધી.

એક વાર દાદાની કદકાઠીએ આચાર્ય કુટુંબને તાર્યું હતું. ફરી ચમત્કાર થયો. આ ભલામણચિઠ્ઠીની હૂંડીનો સ્વીકાર થયો. પપ્પાને તાર મળ્યો. ટૂંકો ને ટચ, તમારી પરનો કેસ પાછો ખેંચવામાં આવે છે. એ સમયે મૅડમ કાર્નેગીના અવસાનનેય વહાણાં વાઈ ગયાં હતાં અને કંઈક અંગ્રેજ અફસરોની બદલી થઈ ગઈ હતી. તોય શામળા ગિરધારીએ હૂંડી સ્વીકારી. જોકે પછી પણ પપ્પાની સ્વાતંત્ર્યસંગ્રામની કોઈ ને કોઈ પ્રવૃત્તિ તો ચાલુ જ રહી હતી.

મારા દાદાની ઝિંદાદિલી અને વર્ષો પહેલા મૃત પામેલી વ્યક્તિની ભલામણચિઠ્ઠીનો આદર કરનાર તેય દુશ્મન દળના અજાણ્યા અંગ્રેજ હાકેમની ખાનદાની આજના દ્વેષીલા વાતાવરણમાં એક ચમત્કાર નથી શું!
* * *
પ્રસંગમાળાનો બીજો પ્રસંગ. ‘દેવો ધાંધલ’ અને ‘ઘૂડકિયો બાણ’ જેવી અદ્ભુસ સાગરકથાઓનાં લેખક ચંદ્રશંકર બૂચ ‘સુકાની’ અને ગુણવંતરાય આચાર્ય, બે સાગરપુત્રોએ ગુજરાતની ઉજ્જ્વળ વહાણવટને જીવંત રાખનારા ખલાસીઓના ઉત્કર્ષ માટે કેટલી મથામણ કરી તેનો રસપ્રદ લેખ છે. એ લાંબા લેખની આ થોડી જ વાત.

‘સૌરાષ્ટ્ર’ના પ્રતિનિધિ તરીકે પપ્પા કરાંચીમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં ‘સુકાની’ને સિંધિયા સ્ટીમ નેવીગેશન કંપનીની કરાંચીની ઑફિસમાં મળેલા. બે દરિયાલાલપ્રેમીઓની પ્રથમ મુલાકાત પછી બન્નેને નિકટની મિત્રતા થઈ. એમના ઘરે પપ્પા મળવા ગયા ત્યારે ‘સુકાની’નું વિશાળ ઘર ગ્રંથાલયની જેમ ખીચોખીચ પુસ્તકોથી ભરેલું જોયું. ત્યારે ખબર પડી કે સાગરપ્રેમી લેખક ગુજરાતી વ્યાકરણના ઊંડા અભ્યાસી હતા. ત્યારે કૉમ્યુનિકેશનનાં સાધનોમાં પત્રનું જ મોખરાનું સ્થાન. બંને વ્યસ્ત. ક્યારેક પત્રો લખતા.

1955-56માં ‘સુકાની’એ પપ્પાને મળવાનું નિમંત્રણ આપ્યું ત્યારે હિંદી વહાણવટાના વિકાસ માટેની સરકારી વિભાગમાં એ ડેપ્યુટી ડિરેક્ટર જનરલ હતા. બંને સાગરપુત્રો ‘મોજું’ શબ્દની જાતિ વિષે લાંબી ચર્ચાએ ચડી ગયા. હિન્દી વહાણવટને નવજીવન આપવા. ખારવાઓના શિક્ષણ વગેરે માટે કમિટી નીમી. એમને સંગીન કામ કરવું હતું અને એ કમિટીના ઍડવાઇઝરી બૉર્ડ પર પપ્પાની નિમણૂક કરવી હતી. આ જ કામ જયંત ખત્રીને કચ્છમાં સોંપ્યું હતું.

આ સાગરપુત્રો બહુ મથ્યા, જેની ખાસ કોઈ જ નોંધ લેવાઈ નથી. સરકારી બાબુઓની ફાઇલોમાં એ કાગળો, અહેવાલો, અરજીઓ બંધ થઈ ગઈ અને ઉપર લાખની મહોર સીલ્ડ ઍન્ડ પુટ ઇન ટુ કોલ્ડસ્ટોરેજ. એક સમયે ચોર્યાસી બંદર પર વાવટા ફરકતા હતા, ખારવાઓએ દરિયામાં અસંખ્ય આહુતિ આપી ભારતીય વહાણવટને જીવંત રાખી હતી, એમનું ભાવિ વહાણના ભંડકિયામાં પુરાઈ ગયું. ચંદ્રશંકર બૂચ-ચંદુભાઈને ઊંડા આઘાતથી હાર્ટઍટેક.

જો એ સંગીન કામ થયું હોત તો ભારતના વહાણવટાનો ખારવાઓનાં જીવનનો આલેખ જુદો જ હોત.

જો અને તો.

બે એકાક્ષરી શબ્દો. એકલપંડ પણ અત્યંત શક્તિશાળી. જો અને તો વચ્ચે અનંત શક્યતાઓનો કેવો મહાસાગર ઘૂઘવતો હોય છે!
* * *
આમ તો ભાનુ ઝવેરીના ‘ગ્રંથાગાર’માંથી આ બે પ્રસંગ મળ્યા. નિયતિ કે યોગાનુયોગ આ લખી રહી છું ત્યારે જ મારા હાથમાં નાનું પત્રિકા જેવું મૅગેઝિન આવ્યું ‘માનવ’. સહજ પાનાં ઊથલાવતાં હું નવાઈ પામી ગઈ. પપ્પાએ વર્ષો પહેલાં કોઈ કૉલમ કે ક્યાંક એક પ્રસંગ લખ્યો હશે તે આખો લેખ તેમણે મૅગેઝિનમાં યથાતથ પ્રગટ કરેલો. લેખ તો ચારપાંચ પાનાંનો લાંબો છે, કારણ કે ઘટનામાં પણ અનેક વળાંકો છે.

1931-32ની સાલ. હિંદુ-મુસ્લિમ હુલ્લડો ચરમસીમાએ. પપ્પા ત્યારે ‘સૌરાષ્ટ્ર’ના તંત્રી. જૂનાગઢમાં નવાબી રાજ્યમાં-વેરાવળમાં બનેલી આ ઘટના. ટ્રેનમાં મુસાફરી કરતાં પપ્પા વેરાવળ સ્ટેશને ઊતર્યા. ત્યાં એક મિત્ર મળી જતાં વાતમાં વાત નીકળતા એમણે કહ્યું કે જે નાના બાળકનું મંદિરના પૂજારીએ નવરાત્રિમાં હવનમાં બલિદાન આપ્યું હતું એને ફાંસીની સજા જાહેર થઈ. ફાંસીને થોડા દિવસોની જ વાર અને પપ્પાએ ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર તરીકેના અનુભવ પરથી કેસના સગડ કાઢ્યા. કેસ ખોલાવ્યો. સર પુરુષોત્તમ ઠાકોરદાસે પછી વાત હાથમાં લીધી. લૉર્ડ વિલિંગ્ડન (Lord Willingdon) જેવા વાઇસરૉયે જૂનાગઢ રાજ્યમાં અંગ્રેજ જજની ખાસ નિમણૂક કરી. કેસની ફરી સુનાવણી થઈ, પૂજારી નિર્દોષ ઠર્યો એટલું જ નહીં એને સારું વળતર પણ મળ્યું અને નવાબને માનભંગ થવું પડ્યું.

પપ્પા અંતે લખે છે, “આજે પણ ગમે તેટલા સોનાથી સત્યનું મુખ બંધ કરો તો પણ ઈશ્વર બોલે છે, પણ દુનિયાદારીના અવાજમાં આપણે એ અવાજ કાન માંડી સાંભળવો જોઈએ.”

ના – પિતાની વડાઈ માટે નહીં, પણ એ સમયે પત્રકારો એમના ધર્મ-કર્મ અંગે કેવા સજાગ હશે તેથી આ વાત.
* * *

પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પિતા સાથે ઘન જંગલોમાં બહારવટિયાઓનો પીછો કરતા, પગેરું દબાવતા, ધિંગાણા ખેલતા પોલીસો સાથે નાનો ગુણવંત તો હોય જ. નિર્ભયતાનો વારસો લોહીમાં. જોખમી સ્થળોએ રાતવાસાનાં પડાવમાં તાપણાં ફરતે ભાંગતી રાતે મેર અને વાઘેર, બારોટ અને ગઢવી સાથે અલકમલકની વાતોનાં ડાયરા જામતા. જીવસટોસટનાં સાહસો અને સ્વાર્પણની, જવાંમર્દીની અને સરફરોશીની કથાઓનો કસુંબો ઘટક ઘટક પીવાતો. ગુણવંત અધ્ધર શ્વાસે સાંભળતો.

પણ એક રાત્રે ખરાખરીના ખેલની દિલધડક વાતોથી નાનો ગુણવંત ધ્રૂજી ઊઠ્યો. પિતાને થયું, અરે, મારો દીકરો ભીરું! તુરંત આદેશ, અત્યારે જ, અહીંથી રાત્રે જંગલી જાનવરોથી ભરેલા ઘન જંગલમાં એકલો દોડીને આવ. નહીં તો આવા ધીંગાણામાં તારી સામેલગીરી હવેથી નહીં. આ તો ખરેખર આકરી સજા! તરત ગુણવંતે જય અંબેનો જાપ જપતાં, અથડાતાં કુટાતાં જંગલમાં દોટ મૂકી. ઘેરા અંધકારમાં પણ એ શ્વાસભેર દોડતો રહ્યો.

પિતા તરફથી મળેલું આ સાહસ અને નિર્ભયતાનું દેવતુલ્ય વરદાન. એ સમયે એને ક્યાં ખબર હતી કે જીવનભર સંસારસાગરમાં ઊઠતા ભયાનક ઝંઝાવાતી ગાજૂસનો સામનો દરિયાછોરું થઈ કરવો પડશે! ત્યારે આ જ વરદાન તેનું રક્ષાકવચ બની રહ્યું.
* * *
સામાન્ય રસોઇયામાંથી મોટી ઉંમરે ખંતથી ભણીને પ્રતિષ્ઠિત વકીલ થયેલા પિતાનો વિદ્યાનુરાગ પપ્પામાં તો હતો, મોટાભાઈ મનુભાઈમાં પણ ખરો. 1924માં સંસ્કૃત સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થનાર એ જ્ઞાતિમાં પ્રથમ યુવાન. કચ્છ-માંડવીમાં શિક્ષક તરીકે નોકરી મળતા, મોટાભાઈ સાથે પપ્પા પણ માંડવી આવ્યા.

અહીંનું જગત સાવ અલગ જ હતું. અહીં ન ઘનઘોર જંગલો કે બહારવટિયાઓ સાથે જીવ સટોસટની બંદૂકબાજી. તાપણાં ફરતે ડાયરાની કસુંબલ વાતો તો ક્યાંથી હોય!

રોજ શાળાએ જતો કિશોર ગુણવંત માંડવી બંદરને ધક્કે ઊભા રહી હિલોળા લેતા દરિયાને જોઈ એને એવી મોહિની લાગી કે દરિયાનાં મોજાં એની નસનસમાં ઊછળવા લાગ્યાં, જાણે પૂર્વજન્મની પ્રીત! દરિયાદેવે જ જાણે સાદ પાડી એને બોલાવ્યો હતો, મારી ભીતર અઢળક કથાઓ ધરબાઈને પડી છે, જગત સામે તારા વિણ કોણ મૂકશે! કિશોર ગુણવંત જાણે સ્વયં ખારવો થઈ ગયો. એમનાં વસ્ત્રો, ભાષા, રહેણીકરણી, વહાણની બાંધણી અને અંગ-ઉપાંગો વિષે સતત પૃચ્છા, માંડવીથી વહાણમાં મસ્કત બસરા સુધી વહાણવટું પણ કર્યું કિશોરવયે.

દરિયો એની પર ઓળઘોળ થઈ સાગરકથાનાં અનેક કિંમતી રત્નોની એને ભેટ આપી અને એ મૂલ્યવાન ખજાનો એણે ગુજરાતને ચરણે ધરી દીધો.
* * *
યુ.કે.ના વાર્તાલેખક વલ્લભ નાંઢાએ મને કહ્યું હતું કે એમને જામનગરના રોઝી બંદર પરના એક વૃદ્ધ ખારવાએ વાત કરી હતી કે ગુણવંતરાય આચાર્ય રોઝી બંદર પર હાજરીપત્રક પૂરવાની નોકરી જ્યારે કરતા હતા ત્યારે મોડી રાત સુધી રોકાતા. વહાણના અનેક પ્રકારો, એના વિષેની પૂરી જાણકારી, મારા સંભારણાના પ્રસંગો, અનુભવો એ સતત પૂછતાં. અમારા ખારવાવાડમાં ગુણવંતરાય આચાર્ય સિવાય કોઈ જણે આજ સધી પગ મૂક્યો નથી એટલે આચાર્ય મને બરાબર યાદ.
* * *
1928માં પપ્પા રાણપુરમાં ‘સૌરાષ્ટ્ર’માં જોડાયા ત્યારે મેઘાણી સાથે તેમની પત્રકાર ટીમ હતી. સમાચારો મેળવવા, ખરાઈ કરવા બંને સાથે કામ કરતા. ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ આજના સમયની દેન નથી, આ જાંબાઝ પત્રકારોએ અહીંથી શરૂઆત કરી હતી એનાં પ્રસંગો પપ્પા અને મેઘાણીએ લખ્યા છે.

  મેઘાણી

‘સૌરાષ્ટ્ર’નો સ્ટાફ એક જ ડેલામાં સાથે રહેતો. પપ્પા અમને કહેતા મેઘાણી એમનાં નવાં ગીત એમને જ કંઠે પહેલાં અમને સંભળાવે એવી શરત હતી અને એમની પણ શરત કે બા ભજિયાં બનાવે તો જ એ ગીત ગાય. બા કહેતી, ‘ભાંગતી રાત્રે મેઘાણીભાઈના બુલંદ કંઠે અમે ગીત સાંભળીએ, ત્યારે રાત્રે બે વાગ્યે પણ મેં ભજિયાં તળ્યાં છે.’

1930માં મીઠાનાં સત્યાગ્રહમાં આખું તંત્રીમંડળ જેલમાં ગયું, પપ્પાને પ્રેસની અને કર્મચારીઓના નિર્વાહની જવાબદારી સોંપીને. પ્રેસ પર તો સરકારનાં તોતિંગ તાળા. પપ્પાએ રસ્તો કર્યો. બહારના ચોગાનમાં વૃક્ષ નીચે બેસીને લખ્યું, અવિરત લખ્યું. નવું ‘રોશની’ શરૂ કર્યું, બહાર પ્રેસમાં છપાય. સામે સાઇકલ પર માણસ હોય, પપ્પા સડસડાટ લખતા જાય, સાઇકલ દોડે. સ્ટાફનાં યોગક્ષેમવર્હામ્યમ્ માટે આફ્રિકા નાનજી કાલિદાસ પાસે પપ્પાએ ટહેલ નાંખી પાછલી હરોળનાં સ્વાતંત્ર્‌યસૈનિકોને મદદની જરૂર છે. પપ્પાએ તો દરિયાદેવને ભરોસે શીશો પાણીમાં તરતો મૂક્યો. રામુ ઠક્કર દ્વારા નાનજી કાલિદાસે વહાર મોકલી હતી.

માત્ર ગિરધારી જ ગરુડે ચડીને નથી આવતા.

‘સૌરાષ્ટ્ર’ અને મેઘાણી સાથે પપ્પાના અનેક પ્રસંગો છે, પણ મને આશ્ચર્ય (અને દુઃખ પણ) એ વાતનું છે કે એની કોઈ નોંધ જ લેવાઈ નથી! પપ્પાના રાણપુર વખતના પત્રકારમિત્રે લખ્યું છે કે, મેઘાણીની શોકસભામાં તેમને આમંત્રણ પણ નહીં. બહાર ક્યાંય સુધી ઊભા રહી ભારે હૃદયે ચાલ્યા ગયા હતા.

એક નોટમાં પપ્પાના હાથે લખેલી એક નોંધ છે, મડિયા સાથે એમણે ‘મેઘાણી સ્મૃતિગ્રંથ’નું સંપાદન કરેલું. ઝંઝાવાતમાં પાંદડું ફંગોળાય એમ અનેક ગામ, ઘર બદલતાં, રઝળતાં એમનાંય પુસ્તકો, લખાણો એમની પાસે નહોતા. કદાચ કોઈ નાના ગામની લાઇબ્રેરીના ખૂણામાં, ‘ગ્રંથગાર’ના પોટલાની જેમ એ ગ્રંથ ધૂળ ખાતો હશે.
* * *
પપ્પા યુવાવયે વતન, જ્ઞાતિના દાયરાની બહાર નીકળી ગયેલા. ફિલ્મ્સ અને રંગભૂમિ સાથે દૃઢ નાતો. બબ્બે નાટ્યસંસ્થા સ્થાપી. પ્રખ્યાત ઇપ્ટા થિયેટર સાથે પણ જોડાયેલા. પૃથ્વીરાજ કપૂર, બલરાજ સહાની, કવિ પ્રદીપજી, પંડિત ઇન્દરરાજ આનંદ જેવા કલાકારો, કવિઓ સાથે મિત્રતા.

એ સમયે જેનો ડંકો વાગતો એ સરદાર ચંદુલાલ શાહના રણજીત સ્ટુડિયોનો વાર્તાવિભાગ સંભાળે. એમની વાર્તાઓ પરથી અનેક હિંદી, ગુજરાતી ફિલ્મો બની હતી. સરદાર ચંદુલાલ શાહે પપ્પાને ગુરુજીનું બિરુદ આપ્યું હતું તે આજીવન મુંબઈ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તેમની સાથે રહ્યું. બા પણ પપ્પાને ગુરુજી કહેતી.

પપ્પા સ્વભાવે રૂઢિભંજક. નારીસ્વાતંત્ર્ય અને સન્માનની પ્રબળ ભાવના. 1927-28થી 1940 જેટલા સમયગાળામાં એમણે અનેક સામાજિક નવલકથાઓ-નવલિકાઓ લખી જેમાં તેમનાં ક્રાંતિકારી વિચારો ગૂંથી લેતા. ‘સૌરાષ્ટ્ર’ના પત્રકાર તરીકે સમાચારો મેળવવા, એની ખરાઈ જાણવા એમણે ગામડાં ખૂંદેલાં ત્યારે સ્ત્રીઓની સ્થિતિ નજરે જોયેલી. વાર્તાઓમાંની એ કથાવ્યથા આજે પણ એટલી જ પ્રસ્તુત છે. ત્રીસીનાં દાયકામાં એમણે ‘અજમાયશી લગ્ન’ એટલે આજની મૉડર્ન સોસાયટીની લિવ-ઇન રિલેશનશિપની વાત કહી છે. તો પતિ જ્યારે બળજબરીથી દીકરીને બીજવર સાથે પરણાવવાની તૈયારી કરે છે, ત્યારે લગ્નની આગલી રાત્રે મા દીકરીને ઘર છોડી જવાની પ્રેરણા આપે છે. મુંબઈની બાજુના ટાપુ પર યુવાનો યુવતીઓ સ્ત્રીપુરુષ સમાન સમાજ રચવાની હામ ભીડે છે.

વર્ષો પછી આવનારા ફૅમિનીઝમની આ કથાઓ આલબેલ નથી પોકારતી!
* * *
ત્રીસીનાં દાયકામાં બ્રાહ્મણ પણ નાગરબ્રાહ્મણ જ્ઞાતિની બહાર મમ્મી સાથે પપ્પાએ લગ્ન કર્યા તે પણ કોર્ટમાં રજિસ્ટર્ડ. જ્ઞાતિમાં હાહાકાર મચી ગયો. તરત જ જ્ઞાતિબહાર મુકાયા. પણ પપ્પાને શો ફરક પડે! એ તો સ્વયં જ્ઞાતિબહાર નીકળી વતનનોય ઉંબરો ઓળંગી ગયા હતા!

એક સમય એવો કપરો આવ્યો કે ઘરકામ, રસોઈ, બીમાર પત્નીની ચાકરી, પુત્રની સંભાળ, તંત્રીપદનો તાજ બ્રિટિશરાજની એમની પર ખફા નજર… કેવા વિષમ સંજોગો!

એવા સમયે પણ એમણે 1938માં ‘દરિયાલાલ’ જેવી અમર કૃતિ લખી. ત્યારે માહિતીના સ્રોત કયા હતા! ટેબલ ખુરશી કાગળ સુધ્ધાં નહીં! અખબારની ન્યૂઝપ્રિન્ટને પૂંઠા પર રાખી ખરબચડી ભોંય પર વાંકા વળી લખતા. આખી રાત. દિવસે તો પ્રેસનાં, ઘરનાં અસંખ્ય કામ.

વિદ્વાન ઇતિહાસજ્ઞ નરોત્તમ પલાણ લખે છે, ‘મનુષ્યજાતિ પાસે આટલો મોટો દરિયાકિનારો છે, પણ કયા દેશની, કઈ ભાષામાં આટલી દરિયાઈકથાઓનું ખેડાણ થયું છે! એ દૃષ્ટિએ કદાચ વિશ્વસાહિત્યમાં પણ ગુણવંતરાય આચાર્ય અદ્વિતીય સિદ્ધ થાય.’

જીવનમાં અનેક ચડાવઉતાર આવ્યા. ઘનઘોર જંગલમાં અંધારી રાત્રે દોડતો, જય અંબે જાપ જપતો, કિશોર હંમેશાં ઘેરી અંધારી રાત્રે જીવનનાં જટાજૂટ જંગલમાં પણ એકલવીર દોડતો જ રહ્યો.
* * *
હવે હું અહીં અટકું.

મારા દાદા અને પિતાની લાંબી સિદ્ધિ અને સંઘર્ષભરી જીવનકથાનાં આ તો થોડાં જ પૃષ્ઠો. ના, આ એમની પ્રશસ્તિકથા નથી. મારો એવો આશય પણ નથી.

વિશ્વયુદ્ધોનો તોળાયેલો ભયાનક ઓથાર, જીવલેણ રોગની અનેક મહામારીઓ, સ્વાતંત્ર્‌યસંગ્રામની તેજીથી ફૂંકાતી હવા, ગાંધીજીનો પ્રભાવ અને પ્રબળ દેશપ્રેમની ભાવના, રાજરજવાડાંની ખટપટો, સ્વાતંત્ર્‌ય પછી વિભાજનની વ્યથા… સમાજને અવળોસવળો કરતી ઊથલપાથલનો આ એક લાંબો સમયગાળો. એ સમયનાં અનેક લોકોનું જીવન વેરણછેરણ થઈ ગયું હશે. તોય જીવનમાં ખુમારી હતી. સાદગી અને નમ્રતા. અત્યારે સહજ લાગતી અનેક સગવડો સાધનો તો સ્વપ્નમાં પણ નહીં. ઇલેક્ટ્રિક ઉપકરણો હજી અનેક પ્રકાશવર્ષ દૂર હતા. સાદા સીધા કાળા ટેલિફોનનો ડબ્બોય આકાશકુસુમવન.

દેશની આવી આબોહવા, પિતાની વિચારધારા અને ઘરનો આ માહોલ, એવામાં રાણપુરમાં સ્વયં મેઘાણીને કંઠે રક્ત ટપકતી સાંભળતા, પારણામાં ઝૂલતા મારા મોટાભાઈ શિશીરભાઈનો અને મોટીબહેન બિન્દુબહેનનો જન્મ થયો.

હજી હું કુટુંબની બહાર ઊભી છું, મારા જન્મની પ્રતિક્ષામાં.

(ક્રમશ:)

Leave a Reply to Jagruti FadiaCancel reply

15 Comments

  1. વર્ષા બેન…દોડી ને એ જમાનામાં જાવાનુ મન થઇ ગયું. મારા માં અને પિતા દરિયાલાલની કથા ખૂબ વાંચતા. શૈલી અદ્ભૂત.

  2. કેટલું સુંદર રસપ્રદ આલેખન. વાંચવું જાણવું ગમ્યું, વર્ષાબેન . બાળપણની યાદો કદીયે ભૂલાતી નથી.

  3. વર્ષાબહેનના પિતા ગુણવંતરાય આચાર્યના જીવનના એ જો અને તો વચ્ચે અનંત શક્યતાઓના ઘૂઘવતા મહાસાગરની વાતો વર્ષાબહેનની મંજાયેલી કલમે માણવાની ઉત્સુકતા.આપની જેમ અમને પણ એ ઉત્સુક્તા છે જ.

  4. વર્ષાબહેનના પિતા ગુણવંતરાય આચાર્યના જીવનના એ જો અને તો વચ્ચે અનંત શક્યતાઓના ઘૂઘવતા મહાસાગરની વાતો વર્ષાબહેનની મંજાયેલી કલમે માણવાની ઉત્સુકતા.
    * * *

  5. જો અને તો.

    બે એકાક્ષરી શબ્દો. એકલપંડ પણ અત્યંત શક્તિશાળી. વર્ષાબહેનના પિતા ગુણવંતરાય આચાર્યના, એ જો અને તો વચ્ચે અનંત શક્યતાઓના ઘૂઘવતા મહાસાગરને વર્ષાબહેનની કલમે માણવાની ઉત્સુકતા.

  6. રોમાંચક અને દિલધડક કથા . ગુણવંતરાય આચાર્યનું જીવન ચરિત્ર લખાયું છે ?

  7. વાહ ખૂબ જ સરસ વર્ણન રજૂઆત કરી છે.મારા પ્રિય લેખક અને તે મની અમરકથા ઓ હજુ પણ રોમાંચ કારી છે

  8. વર્ષાબેન ગુણવંતભાઈની દીકરી આવીજ હોય જેની કલમ સડસડાટ દોડતી હોય આપણા વિચારોથી પણ આગળ! ખૂબ રસપ્રદ..હવે તમારા વિષે જાણવાની ઉત્સુકતા!

  9. Just one word. fascinating!! 👌👌👍 વર્ષાબહેન સ્મૃતિમંજૂષા અને સંશોધન બંન્ને સાથે લઈને માંડેલી વાત. ઇતિહાસના સાવ અજાણ્યા પાના, વણખેડયા પ્રદેશ એક.પ્રકરણમાં મૂકી દીધા💐💐😊

  10. વર્ષાબહેન! કયાં છે શબ્દપુષ્પો? જેના વડે આપની સડસડાટ વહેતી ગંગાની ધારા જેવી કલમને વધાવું? ધન્ય એ માત-પિતાને જેમની દીકરીએ કલમનો વારસો અમર કરી દીધો!

  11. ખૂબ સરસ રસપ્રદ કથાઓ આ પ્રકરણમાં વાંચકને જકડી રાખે છે.

    1. ખુબ જ સરસ લખાણ , રસપ્રદ પ્રસંગો…. આતુરતા થી રાહ જોવાય છે આગળ નાં પ્રકરણ ની…. આપ મારા માનીતા લેખક રહ્યા છો ❤️👍