એક મુક્તક અને બે ગઝલ ~ શૂન્ય પાલનપુરી

(પઠનઃ શૂન્યસાહેબના પોતાના અવાજમાં)

(શૂન્ય પાલનપુરી જન્મદિનઃ 19 ડિસેમ્બર)
1. મુક્તક
જ્યારે ધૂંધવાયા પ્રાણ ત્યારે તો હવા દીધી નહીં
પાળિયા પર શીશ પટકે છે વૃથા વેભવ હવે
મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો
આવ કે જોવા સમો છે શૂન્યનો વૈભવ હવે

2. તિમિરમાં રોશની (ગઝલ)
ક્યાંકથી ફૂટી તિમિરમાં રોશની
આગિયાએ આત્મ-પૂજા આદરી

ઊંટ હાંફ્યું આંબતાં દિગંતને
દંગ છે કે સીમ ક્યાંથી વિસ્તરી!

ઝાંઝવાં જળ સીંચશે એ આશ પર-
રણમાં તૃષ્ણાએ કરી છે વાવણી

સૂર્યને ગ્રસવાની ભીડી હામ પણ-
ચાંદને ખોવી પડી નિજ ચાંદની

બુદ્ધિના બાજે નગારાં ચોતરફ
તોય પીપૂડી ન મૂકે લાગણી

કામ દુઃશાસનનું સહેલું થઈ ગયું
વસ્ત્ર ખુદ કાઢી રહી છે દ્રૌપદી

ક્યારથી કોરી રહ્યા છો નામ પણ-
શૂન્ય એ તક્તી છે કેવળ મીણની

3. પ્યાસ નથી (ગઝલ)
ગુલોમાં પહેલા સમાં રંગ ને સુવાસ નથી
નવી બહાર ચમનમાં કોઈને રાસ નથી

અફાટ રણમાં શીતળ છાંયડાની આશ ન કર
સિવાય કાંટા અહીં કોઈનો વિકાસ નથી

હવે તો ધોળે દહાડે છે એવું અંધારું
હજાર સૂર્ય બળે તોય કૈં ઉજાસ નથી

કૃપાઓ એટલી વરસી છે મૃગજળો રૂપે
અમારે થાકીને કહેવું પડે છે, પ્યાસ નથી.

વિવેચકોને કહો જાળવે અદબ એની
કે ‘શૂન્ય’ શબ્દનો સ્વામી છે, કોઈ દાસ નથી

~ શૂન્ય પાલનપુરી

“શૂન્યની સૃષ્ટિ – સમગ્ર કવિતા”
(675 પાનાંનો ગ્રંથ)
પ્રાપ્તિસ્થાનઃ નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001. ફોનઃ 079 – 2213 9253/ 2213 2921. વેબસાઈટઃ www.navbharatonline.com

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

 1. ૪૦ થી વધારે વરસો થયાં હશે. મુંબઇ ના ભાઈદાસ હોલમાં સાહિત્ય ના સંદર્ભમાં બે દિવસ ના સેમીનાર નુ આયોજન કરવામાં આવ્યું હતું
  કવિ સંમેલન મા બે જ ગઝલકારોને ત્રણ નિમંત્રણ હતું. શૂન્ય સાહેબ ને બેફામ સાહેબને. ગઝલ ની ઉપેક્ષા પણ થઇ હતી ત્યારે એના જવાબ આપતાં શૂન્ય સાહેબે ઉપરની ગઝલોની રજુઆત કરી હતી
  એવું સ્મરણ મા છે.જૂની યાદનો તાજી થઇ ગઇ. હિતેન અભિનંદન

 2. એક મુક્તક અને બે ગઝલ ~સ્વ. શૂન્યસાહેબના પોતાના અવાજમાં) પઠનઃથી વધુ મજા આવી.પઠન કેવી રીતે થાય તે પણ શીખ્યા. જન્મદિનની મધુરી સ્મરણ યાદ

 3. ‘Old wine in new bottle’ની જેમ જ
  શૂન્ય સાહેબની ગઝલ જુના રંગમાં હોય કે નવા રંગમાં
  નશો એનો એ જ – જોરદાર . . . ચોટદાર . . . !