‘પોસ્ટર’ ~ સુષમા શેઠ ~ મમતા વાર્તા સ્પર્ધાની દ્વિતીય વિજેતા વાર્તા

લેખિકા: સુષમા શેઠ

વાર્તા: પોસ્ટર

ભાદરવાના મેળામાં મહાલતા લોકોના કોલાહલે ગામ આખાને જીવંત કરી મૂકેલું. ગામને ભાગોળે ભરાયેલા એ મેળામાં જાતજાતની હાટડીઓ મંડાયેલી. એમાં વળી ઊભા કરેલ કામચલાઉ તંબુની વચ્ચોવચ એક છેડેથી સામેના છેડે નાયલોનની જાડી રસ્સી બાંધી દેવાયેલી હતી.

એક તરફ પાથરેલી તારપોલીનની જીર્ણ ચટાઈ પર લાલુનો ક્ષીણ દેહ પથરાયેલો હતો અને બીજી તરફ કીડીવેગે આગળ વધતા લોકોની એક કતાર. કેટલાક પગ થંભી જતા. કેટલાક ધ્રૂજી ઉઠતા પરંતુ દરેકની કુતૂહલભરી નજર મોઢા બહાર ફેંકાતા આશ્ચર્યજનક ઉદગારો સાથે ઘડી બે ઘડી એને તાકી રહેતી.

જીર્ણ કંતાનમાંથી બનાવેલા એ તંબુની બહારથી સંભળાતો કેશવનો ઘાંટો દરેકના કાનમાં પડઘાયા કરતો, ”દેખો દેખો દુનિયાની અજોડ અજાયબી. આવો અને નજરોનજર જુવો, કુદરતનો કરિસમા. ફક્ત દહ રૂપિયામાં.”

બાર વર્ષના લાલુના ફોટા સાથેનું લટકતું પોસ્ટર તંબુની બહાર આમતેમ ઝૂલ્યા કરતું. વારેઘડીએ હવાથી ફફડતા એ પોસ્ટરને કેશવે બે હાથે પકડીને ફરી સરખું ચોંટાડ્યું.

“આ કોણ છે?” અમુક બાળકો નિર્દોષપણે પૂછતા જેના જવાબની લાલુને પોતાનેય ખબર નહોતી. વિચિત્ર પ્રાણી? કુતુહલ જગાવનાર જીવતીજાગતી વસ્તુ, માનવ કે માત્ર એક શ્રાપિત જીવ!

કપાળ કૂટીને એના બાપે કહેલા શબ્દો માથામાં મરાતા હથોડાની જેમ વાગીને મનને આહત કરતા રહેતા, ”મૂઈ તારી મા તનં મૂકીનં ઓલા નપાવટ હાયરે ભાગી જઈ અનં તું અભાગિયો મારા માથે પઇડો.”

વારંવાર એ વાક્યો સાંભળવા ટેવાયેલા લાલુએ પોતાના શરીર પર એક નજર ફેરવી. તેની ઉદાસ આંખોમાં લાચારી તરી આવી. એનેય ક્યાંક ભાગી જવું હતું પણ કેવી રીતે? ક્યાં? અને પછી શું?

તેને યાદ આવ્યો, પોતે કરેલ આપઘાતનો નિષ્ફળ પ્રયત્ન અને પછી નિષ્ઠુર બાપનો ઝીલેલો મરણતોલ માર. આંખનો દરિયોય સૂકાઈ ગયો હતો. જીવન જાણે ખારપાટ. એક એક સ્મૃતિકણ ખારાશથી ભરેલો. એણે આંખો મીંચી દીધી. સામે લોહી ચૂસતો જળો તરવર્યો.

“તૈયાર થૈ જા.” કેશવે સખ્તાઈથી કહ્યું. તદ્દન લાગણીવિહિન કોરો અવાજ પડું પડું થતી દિવાલોમાં અથડાયો. પતરાંની જર્જરિત છત હેઠળ જીવતા બે જીવ એકબીજાને ધિક્કારતા હતા છતાંય પરસ્પરનું અવલંબન એમને જોડી રાખતું હતું.

ગામમાં ત્રણ દિવસનો મેળો ભરાય તેની કેશવ આતુરતાપૂર્વક રાહ જોતો. એ વખતે ટંકશાળ પડતી અને કેટલાય ટંકના ભોજનનો પ્રબંધ થઈ જતો.

લાલુનો હાથ ખેંચી, એની કૃશ કાયાને રીતસર ઘસડીને નળ નીચે બેસાડી એણે તેના હાથમાં સાબુની ગોટી પકડાવી, “ઝટ ન્હાઈ લે. પાસાં ફરતાં મોડી રાત થૈ જાહે.”

લાલુએ સાબુની ગોટી બાપ તરફ ફેંકી નકારમાં ડોકું ધુણાવ્યું, “મારે નૈ જાવું.” બાપની તગતગતી આંખો જોઈ એ એટલું જ બોલી શક્યો. અવહેલના અને અપમાન સહન કરવાની શક્તિ ઠેઠ ગળા સુધી આવી ગયેલી.

“મારી હામું થાય સે? લ્યા, હાલ હવે. પાપી પેટની આગ તો ઠારવી પડસેને.” તુચ્છકારથી બોલાયેલા વાક્યો સાંભળવાની લાલુના બેડોળ કાનને ટેવ પડી ગયેલી.

બરડેથી બહાર નીકળી આવેલી ખૂંધ અને ધડ સાથે જોડાયેલા ત્રણ લબડતા પગને લાલુએ જમણા હાથ વડે ઘસડી બહાર ધકેલ્યા. ઠૂંઠા ડાબા હાથમાં શર્ટની લટકી રહેલી બાંય જોઈ તેના ગળામાંથી એક ઊનો નિશ્વાસ ફેંકાયો. ધૂળવાળા મેલા ગૂંચળા જેવા વાળમાં બાપ મન ફાવે ત્યારે કાંસકો ફેરવી આપતો બાકી તો પોતે અરીસામાં જાતને જોઈ મોઢું ફેરવી લેતો. કંઈ જ કરવું ગમતું નહોતું.

‘પવનના ઝપાટે ચડેલું પોસ્ટર ફાટીને ક્યાંક ઊડી જાય તો એનોય છૂટકારો થાય.’ એ વિચારતો.

એ દિવસેય બાપાએ તેને પોટલાની માફક ઊંચકીને ઠેલણગાડીમાં બેસાડ્યો. ઉબડખાબડ રસ્તેથી પસાર થતી ઠેલણગાડીમાં બેઠેલા આ ઓક્ટોપસ જેવા વિચિત્ર માનવાકારને રાહદારીઓ જોઈ રહેતા.

લાલુની બોલકી આંખો એક તરસ લઈને બાપને તાક્યા કરતી. જાણે પૂછતી હોય, “શું હું પ્રદર્શિત કરવાની જણસ માત્ર છું?”

લાલુને જન્મ આપ્યા બાદ તેની મા ક્યાંક ભાગી ગઈ હતી. બાપ તેને જોતાંવેંત છળી મર્યો. દાદી બોલી પડી, “આ સાપિત આત્મા લાગે સે. આપણે એવાં તે કિયા પાપ કર્યા કે ઉપરવારાએ આલી આલીનં આવો દીકરો આલ્યો?”

“કે પસે ઓલા હરામીની ઓલાદ!” કેશવના મનમાં શંકા સળવળી અને એ જ વખતે પુત્ર પરત્વેની ઘૃણાએ જન્મ લીધો. માએ મોઢામાં આપેલો હરખનો પેંડો એણે હાક્ થૂ કરી થૂંકી કાઢ્યો.

હેબતાઈ ગયેલો કેશવ આવા નમાયા કઢંગા બાળકનું ગળુ ઘોંટીને તેને મારી નાખવાનો હતો ત્યારે લાલુની દાદીએ તેને માંડ રોક્યો.

“ખબરદાર જો કાંઈ આડુંઅવળું કર્યું સે તો. હું બેઠી છઉં આની દાદી. ઉછેરીસ એને. મોટા દાગતરને બતાઇસું ને ઈલાજ કરાઇસું. પાપમાં નો પડાય.”

એ કહેતી પણ એવા કોઈ ડોક્ટરને બતાવવાનો કે ઈલાજ કરાવવાનો સમય ક્યારેય ન આવ્યો. લાલુ દાદીની છત્રછાયા હેઠળ દસેક વર્ષનો થયો અને દાદીનો પરલોક જવાનો સમય આવી ગયો. થોડીઘણી મમતાના છાંટણા એ પામતો એય છીનવાઈ ગયા.

કેશવને લાલુ આંખે દીઠો નહોતો ગમતો. કેશવને તો શું, કોઈનેય નહોતો ગમતો. તેમાંય દાદીના ગયા પછી એ વણજોઈતા ભંગાર સમો એક ખૂણે પડ્યો રહેતો. ભંગારનુંય કંઈક ઉપજે જ્યારે…

લાલુ એટલે જાણે જોવાની રસપ્રદ જણસ; એક મોટું આશ્ચર્ય. બીજા દિવસે તો છાપાવાળાય આવી પહોંચ્યા. લાલુની સ્ટોરી છપાઈ, તેના ફોટા અખબારમાં છપાયા.

અને કેશવને એક કઢંગો વિચાર આવી ગયો, “આને મેળામાં કે સરકસમાં પ્રદરસન હાટું મેલ્યો હોય તો લોક ટિકિટ ખરચીને જોવા આવે હોં.”

પછી તો તેણે લાલુને મારીમચડીને પાળેલા પોપટની જેમ અમુક વાક્યો બોલતાં શીખવેલાં, “બોલ, દયા કરો માઈબાપ, ભગવાન તમારાં બાલબચ્ચાંને હાજાહમાં રાખે.” અને પછી હાથ વાપર્યા વગર બે હોઠ વચ્ચે પેન્સિલ કે પીંછી પકડી ચિત્રકામ કરવાનું ફરમાન છૂટેલું, ‘લાલિયા, કાંક ઇવું કરી બતાય કે લોક પૈસા ફેંકે ને તમાસો દેખે.’

લાલુ કરતો. લોકોની સહાનુભૂતિ અંકે કરવાના બદલામાં બાપ એની તરફ બિસ્કીટ, બ્રેડ, શાક અને લૂખી રોટલી ફેંકતો.

‘બાપુ સિવાય મારું બીજું સેય કુણ?’ વિચારીને લાલુ જાતને આશ્વસ્ત કરતો.

કુદરતી સૌંદર્યના ચિત્રો દોરતાં લાલુ પોતાની શારીરિક કુરૂપતા વિસરી જતો. અસ્ત થતા સૂર્યની આભા, રંગીન પુષ્પોથી લચી પડેલી ડાળખી, શાંત તળાવમાં ચંદ્રનું પ્રતિબિંબ, મુક્તપણે વિહરતા સુંદર પક્ષીઓ… આસપાસની સૃષ્ટિ સુંદર છે, રંગોથી ભરેલી છે એવું તેને ભાન થતું ગયું.

બાપ પરત્વેનો અણગમો વિસારી દઈ પછી તો લાલુ કુદરતના રંગો પીંછી વડે કાગળ પર ઉતારવામાં ઓતપ્રોત થઈ જતો. જાંબલી, લીલો, નારંગી, ગુલાબી આહાહા… દુનિયા સુંદર રંગોથી તરબતર હતી. લાલુ એક એક રંગ પકડી લેતો; પોતાનું સર્જન જોઈ હરખાતો અને કુદરતે કરેલ દોષયુક્ત સર્જનને એ આનંદના રંગોમાં ઝબોળીને ઓગાળી દેતો પણ ઊંડે ઊંડે એને થતું, ‘ક્યાંક કંઈક ખૂટે છે.’

લાલુને ખોલીમાં પૂરીને કેશવ દા’ડીએ જતો. એની કમાણીથી પેટમાં દારૂ ભરાતો અને લાલુની કમાણીથી પેટ ભરાતું. કેશવ દારૂ નહોતો છોડી શકતો અને લાલુ બાપને નહોતો છોડી શકતો. હવે તો આ બધું ગોઠી અને ગાંઠી ગયું હતું અને એય મેળામાં, સર્કસમાં, ફૂટપાથ પર કે મંદિર બહાર ગોઠવાઈ જતો. લાલુની નામના ચોમેર ફેલાવા માંડી.

“ભીખ ન્હોય, આ તારૂં કોમ સે હમઝ્યો?” જેમજેમ સમજણો થતો ગયો તેમતેમ લાલુને સમજાઈ ગયું કે આખી જિંદગી આ જ કામ કરવાનું હતું. ઢસડાતા શરીર સાથે પોતેય ઢસરડો કરવાનો હતો. છૂટકો જ નહોતો.

એ દિવસે પેલા ભલા માણસના શબ્દો એના કાને ન પડ્યા હોત તો આવા કલ્પનાતીત વિચારો પણ ન કર્યા હોત. એના ચિત્રોનું પ્રદર્શન જોવા આવેલ એક માણસ કેશવને કહેતો હતો, ‘મારા સાહેબ શહેરમાં મોટા સર્જન છે. ઈ તારા દીકરાને હારૂં કરી દેશે. એક વાર આઈને બતાઈ જો. સાહેબ બવ દયાળુ છે, ગરીબોના મફત ઈલાજેય કરી આલે છે.”

“એમ?” કેશવને ખાસ રસ નહોતો તોય પૂછાઈ ગયું.

“હાસ્તો. એક બાળકને હાથમાં છ આંગળીઓ હતી તે હરખી પોંચ કરી આલી. એ તો ઠીક ભાઈ, જનમથી જ તે બે બચ્ચા પીઠના ભાગે જોડાયેલા હતા ઈમનું ઑપરેસન કરી છૂટ્ટા પાડી દીધાં ને બેવ હાઈક્લાસ જીવે છે હોં. સાહેબ વિદેસથી આયા છે ને આવાં તો કૈંક ઑપરેસનો કર્યાં છે.”

કેશવ વિચારમાં પડ્યો. લાલુને પોતાની નજર સામે બે પગ, બે હાથ અને બીજા બધા સામાન્ય માણસ જેવો જ ટટ્ટાર ઊભેલો લાલુ દેખાયો. એ મનોમન મલકાયો અને એક આશાભરી મીટ કેશવ તરફ માંડી.

મનમાં પ્રગટેલ આશાનો દીપ તેનો બાપ એક જ ફૂંકથી હોલવી દે તેમ હતું કારણ કે કેશવને મફતમાં થતી કમાણી પર પાણી ફરી જતું લાગ્યું. સોનાના ઈંડા આપતી મરઘી જેવી હોય તેવી પણ એની કતલ ન કરાય, એને પાળી રાખવી પડે એવું તો એય સમજતો હતો.

‘લાલિયો હાજોહમો થૈ જાહે તો ઈને ઝોવા કુણ આવહે?’ મેલા કેશવના મનમાં મેલો વિચાર ઝબકી ગયો. ચોળાયેલી ગંધાતી પથારીમાં એ આળોટતો રહ્યો.

નભમાં આખી રાત જાગતા ટમટમતા તારા સાથે લાલુ પણ જાગતો રહ્યો. એક ખૂણે ટૂંટિયુંવાળી પડેલો લાલુ વિચારતો હતો, ‘પસી તો હુંય ઈસ્કુલમાં ભણવા જૈસ. મારેય દોસતારો થાસે ને  હુંય બાપા હાયરે દાડીએ જાઇસ.’

તારા આથમી ગયા પણ એ સોનેરી દિવસ ઊગ્યો જ નહીં. લાલુ પૂછતો રહ્યો, ‘બાપુ, આપણે મોટા દાગતર પાહેં ક્યારે જાસું?’

આતુરતાના જવાબમાં ઊતરતી ગાળો વરસતી, ‘બેહી રેય સાનોમાનો. આપણને ઈ નો પોહાય. કંઈ આડુંઅવળું થાસે તો કુણ જવાબદાર હેં? ભગવાને હમજી વચારીને સરીર આલ્યું સે. ઈની મંઈ મીનમેખ નો કરાય.’

લાલચુ કેશવના સ્વાર્થમાં ક્રૂરતા ભળી ગઈ. વાત્સલ્યનો છાંટો ધોમધખતા લોભ પર પડીને વરાળ થઈ ગયો. પોસ્ટર તરફ નજર કરી એણે ગળામાં ચોંટેલા ગળફાને ‘હાક્ થ્થૂ.’ કરી થૂંકી કાઢ્યો.

લાલુની આંખો છલકાઈ પણ હોઠ પર હાસ્ય રમતું રહ્યું. ભાગ્યને કોસવાથી કંઈ જ વળે તેમ નહોતું. કેશવ દારૂ પીને એલફેલ બબડતો હતો. એક કોટડીમાં વસતા એકબીજાને આધારે જીવતા બે જીવ છેવટે નિંદ્રામાં સરી પડ્યા.

અડધી રાત્રે લાલુને કાને બાપનો પીડાથી કણસતો સ્વર પડ્યો, “લાલુ…” કેશવના અવાજમાં દર્દ હતું. ઊલટીઓ કરીને બેવડ વળી ગયેલો કેશવ જમીન પર ફસડાઈ પડ્યો હતો. “મમ… મુને પપપોણી અઅઆલ.” માંડ બોલાયું. કેશવે બે હાથે પોતાનું પેટ પકડી લીધું.

લાલુ બાપને જોતો રહ્યો. પાળેલા કૂતરાનેય માણસ પૂચકારીને બોલાવે! એની તરફ તિરસ્કૃત નજરે ખાવાનું ફેંકતો બાપ, એને મળમૂત્રમાં સબડતો છોડીને બહાર નીકળી જતો બાપ, બરડે લાત મારી જગાડતો બાપ, એના દેહને પ્રદર્શિત કરી રૂપિયા ઉસેડતો બાપ; ભૂતકાળ એને નજર સામે દેખાયો. આંખ મીંચી એ પડખું ફરી ગયો.

‘પપપ પોણી…’ એ આર્દ્ર સ્વર નાનકડી ઓરડીમાં પડઘાયો.

લાલુએ આંખો ખોલી. પાણીની તરસના કરૂણ પોકારે એના હ્રદયને ઝણઝણાવી મૂક્યું. એક હાથ વડે લૂલા પગ ઘસડીને એ આગળ વધ્યો. જેમતેમ કરી માટલીમાંથી પવાલું ભરી તેણે કેશવના મોઢામાં પાણી રેડ્યું. સદા અંગારા વરસાવતી કેશવની લાલઘૂમ આંખો અર્ધજાગૃત અવસ્થામાં ઉઘાડબંધ થઈ, ‘મારા દીકરા…’

રેડાતા પાણીએ કેટલું બધું પલાળી દીધું!

‘બાપુ? તમે મનં દીકરો કીધો? દીકરો? તમને કાંય નો થાવા દઉં, હું તમારી પાંહેં છઉં ને તમારો દીકરો.’

લાલુને આવું કહેતો સાંભળી કેશવની ગંગાજમના વહાવતી આંખોએ ઓશીકું ભીંજવી દીધું. પોતાને તાકતી લાલુની બે ભીની આંખોમાં કેશવને એક એવી તરસ દેખાઈ કે જેણે એના સમગ્ર ચેતાતંત્રને હચમચાવી મૂક્યું.

પહેલી વાર કેશવે લાલુના માથે પ્રેમથી હાથ પસવાર્યો, ‘મારા દીકરા, જોજે તું હાજોહમો થૈ જાઇસ હોં. પસી તો એવાં એવાં ચીતર કાઢજે કે લોક આમ ઝોતાં રૈ જાય અનં…’

એકીટસે બાપને જોઈ રહેલા લાલુની આંખો છલકાઈ ગઈ. આંખેથી વહેતી અશ્રુધારા સાથે ગળા હેઠળ સંતોષના ઘૂંટડા ઉતરતા હતા. ધરાઈને એણે પોતાના બાપનું હેત હૈયે ઝીલ્યું. બન્નેની તરસ છીપાઈ.

‘અનં આ મરતા બાપને માફ કરી દેજે દીકરા. મેં તનં બવ અન્યાય કર્યો સે.’

‘બાપુ, એક વાત કંવ? તમં મને એકવાર ગળે વળગાડસો?’ સાંભળતાં જ ડગમગતો કેશવ પરાણે બેઠો થયો અને દીકરાને ભેટી પડ્યો. ખોલીની દિવાલો સ્નેહભીની થતાં ખીલી ઊઠી.

‘મારા ચીતરમાં ખૂટતા’તા ઈ રંગ પૂરાઈ ગ્યા બાપુ. મારે બીજું કાંઈ નો જોવે. હવે તો એવાં ચીતર ચીતરું કે લોક મોંમાં ઓંગરા નાખી દે.’

‘મારા આસીરવાદ સે, મોટો દાગતર તને હાજોહમો કરી દેસે. લે હાલ, આઝ તું મારૂં મોઢું ચીતર.’ કેશવે કહ્યું.

બે હોઠ વચ્ચે પીંછી પકડી ચિત્ર દોરતા લાલુને કેશવ તાકતો રહ્યો. ઝાકળ બાઝેલી એની બે આંખોમાં પૈસા કમાવાની લાલસા નહોતી. એને હૈયેથી વહેતી હતી, ગર્વ અને હેતની લાગણી.

લાલુએ હંમેશા કુદરતી સૌંદર્યના ચિત્રો ચીતર્યા હતાં. આજે એ બાપનો ચહેરો ચીતરી રહ્યો હતો. આંખો દોરતાં એ સહેજ અટક્યો અને બાપની આંખોમાં ડોકાતા ભાવ જોવા એ ઊંધો ફર્યો. એ આંખોમાંથી નીતરતો સ્નેહ ખોબેખોબે ઝીલાયો અને પછી ચિત્રમાં આબેહૂબ કંડારાયો. એણે પાછળ ફરીને જોયું, કેશવે આંખો મીંચી દીધી હતી, કાયમ માટે.

લાલુના બે હોઠ વચ્ચે પકડાયેલી પીંછી છટકી પડી. કેશવના ચહેરાનું એ અધૂરું ચિત્ર પોસ્ટર બનીને લાલુના મનોમસ્તિષ્કમાં છપાઈ ગયું, કાયમ માટે.

‘બાપુ…’ લાલુએ ચીસ પાડી, ‘તું મને ગમતો’તો હોં અને હાચું કે’જે, હુંય તને જીવથીયે વ્હાલો હતો ને? બોલ બાપુ બોલ ને.’ આક્રંદ કરતા લાલુએ કેશવના મૃતદેહને હલબલાવી મૂક્યું.

~ સુષમા શેઠ

(પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી – સંપાદક)

Leave a Reply to Krutika TrivediCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

6 Comments

  1. ગરીબી, લાચારીના લીધે બાપ-દીકરા વચ્ચે સ્વાર્થનો લગભગ મૃતપ્રાય સંબંધ હતો એમાં અંતે સ્નેહનાં બે ટીપાંએ સંજીવની જેવું કામ કર્યુ.

    શ્રી પન્નાલાલ પટેલની અમરકૃતિ ‘મળેલા જીવ’માં ભગતે કહેલું વાક્ય યાદ આવ્યું. ” વાહ રે માનવી, તારું હૈયું! એક પા લોહીના કોગળા, તો બીજી પા પ્રીતના ઘૂંટડા.

  2. ખૂબ જ સરસ….. વાર્તા….. સૂષમાબેનને અભિનંદન….
    શૈલેષ પંડયા નિશેષ