સ્વપ્નનગરી વેનિસ (યુરોપ યાત્રા ભાગ-૩) ~ સંધ્યા શાહ
દુનિયાના તમામ કળાકારોની પ્રેરણા સમા ફ્લોરેન્સના ઐશ્વર્યને અલવિદા કરી અમે વેનિસ તરફ પ્રયાણ કર્યું.
(ભાગ-૨ વાંચવા આ લિંક ક્લિક કરો:)
https://aapnuaangnu.com/2025/04/05/florence-sandhya-shah/
યુરોપની સહુથી લાંબી 9 કિ.મિ.ની ટનલમાંથી પસાર થવાનો અનુભવ બહુ મજાનો હતો. સ્વચ્છ, ચક્ચકિત રસ્તાઓ, દૂર-સુદૂર દેખાતી પર્વતમાળા, રસ્તાની ચોમેર ફેલાયેલી શ્વેત ફૂલોથી શોભતી વનરાજી, પાણીના રેલાની જેમ સરકતી બસ, ટ્રાફિક અને હોર્નના અવાજ વગર અનુભવાતી શાંતિ… મુંબઈ તો દૂર.. દૂર..
વેનિસ એટલે સ્વપ્નનગરી, ‘City of canals’, ‘City of water’, ‘The floating city’… 118 ટાપુઓથી જોડાયેલી આ નગરીમાં કેવળ જળમાર્ગે જ યાત્રા કરી શકાય છે.

અપાર જળરાશિ, વચ્ચે વચ્ચે નાંગરેલા પાંચ-સાત માળના જહાજ (ક્રુઝ) અને તેની આસપાસ સતત ફરતી રહેતી સ્પીડ બોટ દેખાતી હતી. નિરભ્ર આકાશ નીચે જળની સંગાથે મસ્તી કરતો પવન અને પારાવાર ખુશીથી છલકાતું મન.
ગ્રાન્ડ કેનાલ પછી સાન માર્કો સ્કવેર પર ઊમટેલો માનવમેળો દેખાય.

નિર્ભયતાથી આપણા હાથ પર, ખભા પર અને માથા પર બેસી જતા કબૂતરો, મહાકાય બાસિલિકા ને તેના શિલ્પો, એક અદ્દ્ભુત શહેરનો અદ્દ્ભુત નઝારો.. બધું જ સુંદર, બધું જ અપ્રતિમ.

શેક્સપિયરની ‘ઓથેલો’ અને ‘મર્ચંટ ઓફ વેનિસ’ યાદ આવી ગઈ.

ગોંડોલો ટૂર પણ કરવી જ હતી. અહીંના સ્થાનિક લોકો કેવળ આ સુંદર મજાની હોડી દ્વારા જ એકબીજા સાથે સંકળાયેલા રહી શકે છે. ઊંચા, ગોરા યુરોપિયનો- સફેદ કાળી પટ્ટીવાળું જરસી અને બ્લેક પેન્ટ- એ બધી હોડીના આ સુકાનીઓનો નિયત પહેરવેશ. અમે પણ એક ચકચકિત કાળી અને સોનેરી હોડીમાં બેસી ગયા.
વેનિસની ગલીઓમાં સરકતા જળની ઉપર વહેવાનો રોમાંચ કંઈક જુદો જ હતો. અગાધ જળરાશિ પર એક્મેકની સંગાથે વહેવાનું કલ્પનાતીત હતું. અમે ગીતો ગાવા લાગ્યા. ‘દો લફ્ઝોકી હૈ યે જિંદગાની, ક્યા હૈ મુહોબ્બત, ક્યા હૈ જવાની…’
અમારી એ અવિસ્મરણીય ક્ષણોના સાક્ષી હતા- આકાશ, સમંદર અને વહેતો વાયુ. આખું વાતાવરણ એક સ્વર્ગીય અનુભૂતિ કરાવતું હતું. પ્રિયજનની સંનિધિમાં વિતાવેલી આ કોમળ ક્ષણોએ અંતરને નિરવધિ આનંદથી છલોછલ ભરી દીધું.

કાચના આર્ટિકલ બનાવતી મુરાનો ફેક્ટરીની મુલાકાત લીધી. અમારી નજર સમક્ષ 1000 ડિગ્રી જેટલા ઉષ્ણતામાનમાં ત્યાંના કારીગરે છલાંગ મારતો કાચનો ઘોડો બનાવી દીધો.

સહુએ તાળીઓના ગડગડાટથી તેના કૌશલ્યને વધાવી લીધું. ત્યાં ખૂબ ટકાઉ અને કલાત્મક નકશીવાળી કાચની સુંદર વસ્તુઓ અને આભૂષણોનું પ્રદર્શન જોવાની પણ મજા આવી.
આખાય રસ્તે ઠેર ઠેર યુરોપિયન વસ્તુઓના બજાર હતા, વચ્ચે વચ્ચે કોફી અને નાસ્તા માટે ગોઠવાયેલા ટેબલ અને યાત્રીઓની ભરમાર જોવા મળી.

કાળા, ઊંચા હબસીઓના હાથમાં રહેલા પર્સ મને ખૂબ લલચાવતા હતા, પણ અહીં ચોરી અને લૂંટના કિસ્સાઓ બાબતે અમને બધાએ ચેતવ્યા હતા એટલે રસ્તા પરથી ખરીદી કરવાનું ટાળી અમે સ્ટોર્સમાંથી જ પર્સ, ઈમિટેશન જ્વેલરી અને બાળકોના વસ્ત્રો ખરીદ્યા.
પાછા ફરતી વખતે બોટમાં કોઈ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અમારી સાથે હતા. અમારો આનંદ દ્વિગુણિત થઈ ગયો. હિંદી ફિલ્મોના ગીતો અને નૃત્યમાં તેઓ પણ જોડાઈ ગયા.
વિશ્વના આ સહુથી સુંદર સ્થળ પર રોજના 60,000 પ્રવાસીઓ આવી પહોંચે છે. આંતરરાષ્ટ્રીય સંમેલનો અને ફિલ્મ ફેસ્ટિવલ યોજવા માટેનું આ પ્રિય મથક છે. સાહિત્યકારો તથા નાટ્યકારોની આ પ્રેરણાભૂમિ છે.

એક વાયકા એવી પણ છે કે વેનિસ ડૂબી રહ્યું છે. આટલી સ્વપ્નીલ નગરી ડૂબવી તો ન જ જોઈએ ને! ફરી ફરીને અહીં આવવાની ઝંખના છે.

~ સંધ્યા શાહ
+91 9324680809
One Comment