ગોખલાનાં ચપટીક અજવાળાં (લલિત નિબંધ) ~ અનિલ જોશી

(નોંધ: લલિત નિબંધ શિબિરના ભાગ રૂપે મુકાયેલ નિબંધ)

દિવાળીના દિવસો પાદરમાં આવી ઊભા હોય ત્યારે અમારી શેરીમાં જબરી હલચલ મચી જાય. આકાશમાં સૂરજ ઊંચો આવે કે તરત દરેક ઘર કામથી ધમધમવા લાગે. કોઈએ અભરાઈનાં વાસણો ઉટકવા કાઢ્યાં હોય તો કોઈએ છાપરાં ઉપર ગાદલાં-ગોદડાં તપાવવા મૂક્યાં હોય. કોઈનાં ફળિયામાં ખાટલીનું ઝોળો ખાઈ ગયેલું વાણ સીધું કરાતું હોય તો કોઈનાં આંગણામાં છાણનાં લીંપણ થતાં હોય. આમ આખાં વરસની નવરાશને ખંખેરીને સંજવારીમાં કાઢી નાખવાની જાણે કે હરીફાઈ યોજાઈ હોય એવું વાતાવરણ શેરીમાં જામી જતું.

અમારું ઘર મેડીબંધ હતું. શેરીમાં ડેલી પડતી. ડેલીની કોરેમોરે દીવા મૂકવાના ગોખલા હતા. એ ગોખલા દીવાની મેશથી કાળા ધબ્બ પડી ગયેલા દેખાતા. દિવાળી આવે એટલે ઘરની વહુવારુઓ હાથ એકનો ઘૂમટો તાણીને ગોખલા સાફ કરવામાં લાગી જાય. મને બરાબર યાદ છે કે અમારી ડેલીથી થોડેક આઘે ઝીણીમાની ડેલી પડતી. હજી દિવાળી આડો એક મહિનો હોય તોપણ ઝીણીમા કલબલ કલબલ કરતાં ડેલી બહાર નીકળી પડતાં અને ગોખલા સાફ કરવામાં લાગી જતાં. ઝીણીમા સિત્તેર-પંચોતેરનાં હશે પણ એનું શરીર ભારે વળતું – હવાની એક ઝાપટ વાગતાં ઊડી જાય એવું શરીર હોવા છતાં એને નવરા બેસવું ગમે નહીં. એ કંઈ ને કંઈ કર્યા જ કરતાં હોય. ઘરમાં કંઈ કામ ન હોય તો પડોશીને ત્યાં ઠામ વિછળવા જાય કે ગોદડાં સીવવા જાય. અમારી શેરીમાં એ તિતિઘોડાની જેમ ઊડ્યાં જ કરતાં હોય. 

ઝીણીમાંની જીભ હાથ એકની હતી. એ કામ કરતાંય બોલબોલ કર્યા કરતાં હોય. એ અમસ્થા શેરીમાં ઊભા હોય ને પડખેથી ગાય પસાર થાય તો એ ગાયને પણ કંઈક કહે. શેરીનાં કૂતરાં તો ઝીણીમાને જોંતાવેંત જ ઊભી પૂંછડિયે ભાગે. અમારી શેરીમાં ઝીણીમાનું વિશિષ્ટ સ્થાન હતું. વહુવારુઓ માટે ઝીણીમા કોઠો ઠાલવવાનું સ્થળ હતું.

શેરીની સાસુઓ ઝીણીમા ઉપર ખાર રાખતી અને કહેતી : ‘ઝીણીનાં પેટમાં તાંદળજો ટકતો નથી.’ પણ વહુવારુઓ ઝીણીમાનું કાયમ ઉપરાણું લેતી. ઝીણીમા બોલવા ચડે એટલે એને કોઈ ન પૂગે. તમે ઝીણીમાને ખાવા ન આપો તો ચાલે પણ એને બોલવા તો જોઈએ જ. બોલવું એ ઝીણીમાનો ખોરાક હતો.

એકવાર એવું થયું કે મારો પતંગ ગોથું ખાઈને ઝીણીમાનાં ફળિયામાં પડ્યો. હું બીતો બીતો ઝીણીમાની ડેલીએ ગયો. ડેલી અધખૂલી હતી એટલે હળવેકથી સરકીને ફળિયામાં આવ્યો, એ વખતે ઓસરીમાં ઝીણીમા ઠાકોરજીને નવડાવતાં બબડતાં હતાં:

‘આખાં મલકનો ગાડું એક મેલ ભઈરો સે. આંબલીમાં પલાળું તોય ઊજળો નૈ થા ! કર હાલે છે ને ત્યાં સુધી ધમારીશ પછે તો તું જાણ્ય ને તારી જમના જાણે !’ કહી ઝીણીમાએ કૃષ્ણની કાળી મૂર્તિએ લૂગડાના ગાભાથી લૂછીને તરભાણામાં મૂકી. હું તો ડઘાઈ ગયો. પતંગ લઈને સીધો ડેલી બહાર નીકળી ગયો. મારી જિંદગીમાં ભગવાન સાથે વાત કરતાં ઝીણીમા સિવાય મેં બીજા કોઈને નથી જોયાં.

ઝીણીમાને દીવાબત્તી કરવાની ભારે હોંશ. દિવાળીના દિવસોમાં કોઈના ઘરમાં અંધારું જોઈ જાય તો ઝીણીમા તરત એ ઘરમાં દોડી જાય અને કહેવા લાગે : ‘તમારા ડાચામાં અંધારું ભરીને સું બેઠા સો. હાલો, ઊભા થાવ ! અહર થઈ ગયું સે.’

સંધ્યાટાણે મેં ઝીણીમાને કાયમ ઓસરીમાં બેસીને ફાનસ સાફ કરતાં કે દીવાની વાટ સરખી કરતાં જોયાં છે. ગોબર ઝીણીમાનો એકનો એક દીકરો હતો. અમે બધાં એને ગોબરો કહી બોલાવતા. અમારાથી એ ઉંમરમાં ઘણો મોટો હતો. પણ દિવાળી આવવાની હોય ત્યારે અમારી સાથે એ ભળી જતો. શેરીનાં નાકા ઉપર ખોબા જેવડી કરિયાણાની દુકાન ચલાવતો હતો એટલે અમને ટાબરિયાંઓને ગોબરાનું ભારે આકર્ષણ રહેતું. ગોબરો પોતાની દુકાનમાં પિપરમેન્ટની બરણી ભરતો હોય ત્યારે અમે મુગ્ધભાવે, રીતસરની લાળ પાડતા ઊભા હોઈએ. આ ગોબરો દિવાળીના છાપા પાડવામાં એક્કો ગણાતો. દિવાળી આવવાની હોય એ દિવસોમાં એ ચિરોડી ખાંડવા બેસી જાય. ગાયનાં છાણથી આંગણું લીંપવામાં લાગી જાય. બજારમાંથી પોટાસ લાવીને સિગારેટનાં ખોખાની સોનેરી ગોળીઓ વાળવા બેસી જાય. પોટાશ ફોડવાની આકી ઠપકારીને રિપૅર કરતો પણ દેખાય. ગોબરાની આ બધી પ્રવૃત્તિઓમાં અમે બધા હાથવાટકો બની રહેતા. 

ગોબરો દેખાવમાં બેઠી દડીનો હતો પણ કામકાજમાં ભારે લોંઠકો. એને પતંગ બનાવતાં આવડે, દિવાળીના છાપા પાડતા આવડે, પોટાશની ગોળીઓ વાળતાં આવડે, માતાજીની આરતી ગાતાં આવડે, કોઈવાર તો એ સાઇકલનું પંક્ચર પણ કરી આપે. એ ગોઠણ સુધીની ભૂખરી ચડ્ડી પહેરતો એટલે બીજી શેરીના છોકરા એને ‘પોણી ચડ્ડી… પોણી ચડ્ડી…’ કહીને ખીજવતા પણ ગોબરાનું રૂવાડુંયે તપે નહીં. ગોબરનાં માથામાં ધૂપેલ-તેલ એટલું બધું ભર્યું હોય કે ગાલ ઉપર રંગાડા ચાલતા. ઝીણીમા ઓશીકાનાં ખોળિયાં ધોવા કાઢે ત્યારે ગોબરા ઉપર ગાળ્યુંનો રમણે વરસાવતાં. એકવાર ગોબરો બીડી પીતાં પકડાઈ ગયો ત્યારે ઝીણીમાએ કાગારોળ કરી મૂકી હતી. પણ ગોબરો કોઈ દિવસ ઝીણીમા સામું બોલતો નહીં. એ ઝીણીમાનો પડ્યો બોલ ઝીલી લેતો.

એક દિવાળીએ એવું બન્યું કે અમે બધા ગોબરાની ઓસરીમાં ચિરોડી ખાંડતા હતા. ગોબરો કાગળમાં છાપા કોતરતો હતો. સંધ્યાટાણું થવા આવ્યું હતું એટલે ઝીણીમા અંદરના ઓરડામાં ફાનસ સળગાવતાં હતાં. દીવાબત્તી-ટાણું થાય એટલે ઝીણીમા ગોબરાને તરત બરકી લ્યે. ગોબરો પણ સત્તર કામ પડતાં મૂકીને ગોખલામાં દીવા મે’લવા ધોડ્યો જાય. પણ એ સાંજે ઝીણીમાએ ગોબરાને બરક્યો નહીં.

સાંજના ઓળા ફળિયામાં ઊતરતાં જતા હતા. ગૂગળ અને લોબાનનાં ધૂપથી મકાનો મહેકતાં હતાં. અમે બધા ચિરોડી ખાંડવામાં અને છાપા કોતરવામાં મગ્ન હતા. એવામાં ઝીણીમાની ભયંકર ચીસ સંભળાઈ. ગોબરો ચિરોડી ચાળવાની ચારણીને ઠેબે ઉડાડતો દોડ્યો. અમે બધાએ ભયભીત આંખે જોયું તો ઝીણીમા સળગતાં સળગતાં, કાળજું ફાટી જાય એ ચીસો પાડતાં ફળિયામાં દોડી આવ્યાં. અગનઝાળો ઝીણીમાને વીંટળાઈ વળી હતી. આખાં ફળિયામાં ઝીણીમાના ભડકાનું લાલ અજવાળું પથરાઈ ગયું હતું.

આજુબાજુનાં મકાનોમાંથી અરેરાટી કરતાં સૌ દોડી આવ્યાં. ઝીણીમાનાં સળગતાં શરીરને કોઈએ ગોદડું વીંટીને ઠાર્યું પણ આગબળતરાથી ઝીણીમાની ચીસો ઘરમાં પડઘાતી રહી. ઝીણીમાનું આખું શરીર બળી ગયું હતું. શેરીના બે-ચાર છાતીવાળા માણસોએ ઝીણીમાને ખાટલી ઉપર લીધાં. દાક્તર બોલાવી લાવ્યા. અમારી આખી શેરીમાં હોહોકીરો મચી ગયો. દરેક ઘરના રાંધ્યા રજક રહ્યાં. એ ભયંકર રાત્રિએ અમારી આખી શેરી સૂઈ શકી નહીં. ગોબરાની હાલત તો એવી હતી કે એને કાપો તોય લોહી ન નીકળે. અમને બરાબર યાદ છે કે રાત્રિનું પહો ફાટે એ પહેલાં જ ઝીણીમા ગુજરી ગયાનું પોકારણ ગોબરાએ મૂક્યું. એ દિવાળીએ ઝીણીમા વિના અમારી શેરી સાવ સૂની થઈ. 

આજે વરસોનાં વહાણા વાયા પછી હું મારી શેરીમાં પગ મૂકું છું ત્યારે અસંખ્ય સ્મરણોથી મારું મન ભરાઈ જાય છે. એ શેરીમાં હું જેમ જેમ આગળ વધતો જાઉં છું તેમ તેમ મારી આંખ સામે દીવા મૂકવાના ગોખલા મોટા ને મોટા થતા જાય છે, ઝીણીમાની ડેલી પાસે આવીને અટકું છું. ડેલીનું લાકડું ખવાઈ ગયું છે. ડેલીનાં બારણે ખૂબ જ ઝાંખા અક્ષરે લાભ-શુભ વંચાય છે.

બારસાખમાંથી વેલો ફૂટી નીકળી છે. ડેલીના ગોખલામાં કરોળિયાએ જાળા બાંધ્યાં છે, એ ગોખલાઓમાં દીવાની મેશ હજી સુધી ટકી રહી છે. કોઈકે કહ્યું છે તેમ દીવાની મેશવાળા ગોખલા જોતાં એવી ખાતરી થાય છે કે વરસો પહેલાં આ ગોખલામાં અજવાળું રહેતું હતું. ઝીણીમાની ડેલી વટાવીને હું આગળ વધું છું તો આંખ સામે ધુમ્મસ પથરાતું જાય છે.

શેરીનાં નાકે એક ગાય ઊભી ઊભી કાગળ ચાવે છે. ક્યાંક ફટાકડા ફોડાય છે. સાંજના ઓળા અમારી શેરીમાં ઊતરતા જાય છે. કાળીમેશ ભેંસનું ધણ શેરીમાં દોડી આવ્યું હોય એમ અંધારું ભરાઈ જાય છે ત્યારે વીજળીના ઝીણા ઝીણા બલ્બોથી ડેલીઓ ઝગમગી ઊઠે છે. શેરીના દરેક ઘરમાં ફટાફટ ટ્યૂબલાઇટો થવા લાગે છે. થોડીવારમાં તો આખી  શેરી અજવાળાંથી ભરાઈ જાય છે. પણ મારી આંખ સામેથી શેરીના ગોખલા ખસતા નથી.

રોશનીનાં ધોધમાર અજવાળાંથી ઝળાઝળા મારી શેરીમાં હું ગોખલાના ખોબોક અજવાળાંને શોધ્યા કરું છું પણ એ અજવાળું મને હાથતાળી આપીને ક્યાંક ઊડી ગયું છે. રોશનીની ઊભરાતી અંધારી શેરીમાં મને કાંઈ સૂઝતું નથી. આપણી આંખને મોતિયો આવ્યો હોય તો ઉતરાવીએ પણ આંખને શૈશવ આવ્યું હોય તો કયા જાણભેદુ પાસે ઉતરાવીએ ? 

~ અનિલ જોશી

Leave a Reply to pragnajuCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. .
    શ્રી અનિલ જોશીનો’ ગોખલાનાં ચપટીક અજવાળાં સ રસ લલિત નિબંધ

  2. અદભુત ! એક આખો સમય તેમાં જીવતા માણસો સાથે આંખ સામે ઊભો થઈ ગયો.