ખુલ્લી બારી રાખી છે ~ કટાર: અર્ઝ કિયા હૈ + ૧૭ શેર/મુકતક

(સાભાર:  ગુજરાતી મિડ-ડે)

બારી આપણને બહારના વિશ્વ સાથે જોડી આપે છે. બારી આકાશ સાથેનું અનુસંધાન છે. કોઈ પણ સંબંધને સાચવવો હોય તો એમાં એક સ્પેસ હોવો જોઈએ. બારી આપણને આ સ્પેસનો અનુભવ કરાવે છે. બારી ખોલવાથી સંબંધનો ઉઘાડ થયો હોય એવું લાગે.

GoodTherapy | Window of Tolerance

ભૂમિ પંડ્યા આ જગ્યાનું મહત્ત્વ સમજાવે છે…

ના વહેલું હતું ના હતું; બાદમાં
એકસાથે બેઉની વારી હતી
બાગ, મંદિર, મહેલ જેવી ના કોઈ જગા
જ્યાં અમે ગયાં મળી, એક બારી હતી

The Woman in the Window Netflix Review | Vanity Fair

ફિલ્મોમાં દર્શાવાતી ઑફિસમાં દીવાલની જગ્યાએ કાચ હોય છે જેમાંથી શહેરની સ્કાયલાઈન જોઈ શકાય.

New York Night Window View Images - Free Download on Freepik

સાંકડમુકડ અને બારી વગરના પરિસરમાં કામ કરવાથી ઉંમર હોય એનાં કરતાં પાંચ વર્ષ વધારે લાગે. ઘરની બારી પાસે નિરાંતનો વૈભવ હોય તો સ્કવેર ફીટનો ભાવ આપોઆપ બસ્સો રૂપિયા વધી જાય. અલ્પા વસા `કાયાકલ્પ’ સ્કાયસ્ક્રેપરના ઊંચા માળે રહેવાની અનુભૂતિ બયાં કરે છે…

સૂરજ, ચાંદો, તારા ઘરમાં
વટથી ડોકાયા કરતા
ગ્રહના ઓછાયામાં તરતી,
એકાવનમે માળેથી

આંગણ, ફળિયું ક્યાં ગોતું?
બારીએ ઝૂલે મેઘધનુષ
રંગો સાથે પાંગરતી,
એકાવનમે માળેથી

HD wallpaper: woman sitting on top of building overlooking on city by the bay during daytime, woman sitting on building while looking at cityscape near body of water | Wallpaper Flare

ઊંચાઈએ આવેલી બારી વિહંગાવલોકનની તક પૂરી પાડે. ઊડતા પંખીની નજરે ધરતીને  જોવાની એક મજા હોય છે. વાદળોને નજીકથી જોવાનો જલસો માણવા આપણે દૂરદૂરના હિલ સ્ટેશન પર જવું પડે છે. શહેરોમાં ઊંચા મકાનોને કારણે નસીબદાર લોકોને આ દર્શન બારી ખોલતાં જ થઈ જાય છે.

Rising about the clouds: The world's tallest building peaks above the mist as Dubai's skyscrapers are dwarfed by stunning sea of fog | Mail Online

બારી આપણો સંબંધ ટહુકા સાથે પણ જોડી આપે છે. કેવી રીતે જોડાય એ ભારતી ગડા સમજાવે છે…

શહેરોની ભરચક વસ્તીમાં
તુલસીક્યારી રાખી છે
ચણવા આવે પંખીઓ માટે
ખુલ્લી બારી રાખી છે

Ways to Make Your Balcony Bird-Friendly

અમારા ઘરે બર્ડ નેટ લગાડેલી છે. કબૂતર ગમે ત્યારે અંદર આવી જાય, પંખો ચાલુ હોય તોય  ઘરમાં પેસી જતાં એટલે આ નેટ કરાવવી પડી. વળી એના ચરકને કારણે શ્વાસ સંબંધિત અનેક સમસ્યાઓનો ભય સતાવ્યા કરે. કબૂતર આવવાના બંધ થયા એનો અફસોસ થોડા દિવસમાં ઓગળી ગયો કારણકે ખિસકોલી ઉપરાંત ચકલી, દેવચકલી, બુલબુલ જેવા પંખીઓ વાઈફાઈની જેમ નેટ ભેદીને બિનધાસ્ત આવજા કરવા લાગ્યા.

મિતુલ કોઠારી બારીનું  ડ્યુએટ ગાય છે…

હા! નજર મેં એકધારી રાખી છે
એની બારી સામે બારી રાખી છે
સ્વચ્છતાની આગ્રહી છે એટલે
મેં હવા પણ સંજવારી રાખી છે

સંજવારી એટલે સાવરણી. આમ તો ઝાડુ પણ કહેવાય, પણ હવે ઝાડુ શબ્દ સંભળાય તો કેજરીવાલ દેખાય છે.

Aam Aadmi Party (AAP) | Formation, Ideology, Elections, & Facts | Britannica

આવું પતન સહન થતું નથી એટલે સાવરણી શબ્દ ચલણમાંથી નીકળી ગયો હોવા છતાં વ્હાલો લાગે છે. બારીના કાચને સ્વચ્છ કર્યા પછી આકાશ નાઈધોઈને મળવા આવ્યું હોય એવું લાગે. ક્યારામાં ઊગેલા ફૂલો વધારે સોહામણા લાગે. બારીના કાચ પર બેસેલું પતંગિયું અને પાંદડાં પર બિરાજમાન ઈયળ વર્તમાન અને અતીતનું સહિયારું વિસ્મય વરસાવે.

Butterfly Sitting Window, butterfly, window, HD wallpaper | Peakpx

કમલેશ શુક્લ પ્રણયના વિસ્મયને ઉજાગર કરે છે…

જો ના દેખાવ બારીએ,
ગલી લંબાય છે આખી
ઝલક જોવા મળે તો
નજર રંગાય છે આખી

તમારી હાજરી થઈ
તો બધું લાગે અહીં ઝળહળ
હતી જે ધૂંધળી કેડી
હવે દેખાય છે આખી

Street view outside window - Picture of Brera Apartments in San Fermo, Milan - Tripadvisor

સુરેશ દલાલ જન્મભૂમિ પ્રવાસીમાં `મારી બારીએથી’ નામની કટાર લખતા. એમાં ઘણા લેખ એમણે ઈમેજની ઑફિસના દરવાજાની બહારની અવરજવર જોઈને લખ્યા હતા. એમાં ક્યારેક આનંદ તો ક્યારેક વિષાદ વર્તાતો.

Mari Bariethi-01 Mari Bariethi (Gujarati Edition) by Suresh Dalal | Goodreads

રશ્મિ અગ્નિહોત્રી વિષાદના ભાવને સાદ્યંત કરે છે…

કોઈ બેઠું અટારીમાં
કોઈ બેઠું છે બારીમાં
સ્મરણ વીતેલી સંધ્યાનું
ભરે ડૂસકાં પથારીમાં

રાત્રે સૂતાં સૂતાં બારી બહાર જોવાનો વૈભવ ચૂકવા જેવો નથી. શહેરોમાં તો હવે પ્રદુષણને કારણે તારાઓ વિશેષ દેખાતા નથી પણ ચંદ્ર જોઈને શાતાનો અનુભવ થાય. આકાશી ઐય્યાશી બધાને પ્રાપ્ત થતી નથી.

Looking For The Man In The Moon, moon, window, girl, trees, night, HD wallpaper | Peakpx

ઝૂંપડપટ્ટીઓ અને ચાલમાં રહેતા લાખો લોકો બારી વગર જીવતા હોય છે. મેધાવિની રાવલ `હેલી’ એમની વિડંબના સમજે છે…

પાનખરની વારતા ધીરેથી કહેવાઈ મને
પીળચટ્ટી શકયતા થોડીક દેખાઈ મને
ઓરડાની બંધ બારી જે ઘડી નજરે પડી
વાતની ગંભીરતા બાદ સમજાઈ મને

Photo Of An Old Buildings Closed Window Covered With Peeling Paint Wooden Blinds Picture And HD Photos | Free Download On Lovepik

લાસ્ટ લાઈન

ઘર ખાલી, ખાલીપો બારી,
સાંકળ ખખડી, ખોલો બારી!

નહીંતર ઘેરી લે અંધારું
ભીતરમાં એક વાવો બારી

દૃશ્યો ઝળહળ દેખાશે, જો-
ચણાક ચોખ્ખી રાખો બારી

ઘરની ચકલી ચીખી રહી છે
ઘરમાં એક બનાવો બારી

ક્યાં કીધું,  દીવાલો તોડો?
ભીંતે બસ ચિતરી દો બારી

ફેલાવે છે ઝેર હવામાં,
અફવાને કાં આપો બારી?

બારીએથી આવનજાવન
ચકલીનો દરવાજો બારી

ખુદથી ખુદને લાગે ડર તો-
કાયમ ખુલ્લી વાખો બારી

~ હિમાદ્રી આચાર્ય દવે

‘બારી’ વિષય આધારિત ગઝલ શિબિરના અન્ય શિબિરાર્થીઓએ લખેલા ૧૭ શેર/ મુક્તક:

૧.
આમ તો સાક્ષાત આવી તું શકે
આ હ્રદયને દ્વાર કે બારી નથી
તું કહે તો સાત દરિયા પી જઉં
ના કહે તો કોઈ તૈયારી નથી
~ સ્વાતિ રાજીવ શાહ

૨.
રોકાય નહિ તો કંઈ નહિ, તું આવ તોય બસ છે
ના વાત કરવી હો તો, બોલાવ તોય બસ છે
થોડાક જ ભેજથી જે ફૂલી ગઈ છે એવી
વરસોની બંધ બારી, ખોલાવ તોય બસ છે
~ ભારતી વોરા

૩.
ઊગે છે રોજ એક આકાશ બારીમાં
દીવાલોને મળે છે આશ બારીમાં
કદી મુંઝાય ઘરમાં ઓરડો, તો
ભરે છે મોકળા બે શ્વાસ બારીમાં
~ કિરણ જોગીદાસ ‘રોશન’

૪.
હૃદયમાં રાખ જરા બારી-બારણાં જેવું
કશુંક આવતું-જાતું રહે હવા જેવું
~ ડૉ પ્રણય વાઘેલા

૫.
ચાહે જીવ અલગારી રાખો
મનની ખુલ્લી બારી રાખો
સંબંધોની ભીંતો વચ્ચે
સંવાદોની બારી રાખો
~ રશ્મિ અગ્નિહોત્રી

૬.
સંકટ સમયમાં તો ખરી બારી જિગર છે, આશ પણ
મોટી કરી બારી પછી મોટું થયું આકાશ પણ
આંખો, હૃદય, મન, બુદ્ધિ ક્યાં ખુલ્લાં રહે છે કાયમી?
જ્યાં કાવ્યની બારી ખુલી, ઉઘાડ ત્યાં, અજવાશ પણ
~ પૃથા મહેતા-સોની

૭.
બસ એટલે ખુલી નહિ, લક્કડ એ બંધ બારી
ગભરાતી રહી જીવનભર, સજ્જડ એ બંધ બારી
પહોળું થયું ન પિંજર, સોનાથી જે મઢાયું
રોકી સદાય બેઠી, હુલ્લડ એ બંધ બારી
~ વિદ્યા ગજ્જર ‘વિદ્યા’, રાજકોટ

૮.
જિંદગી એના  પછી તો, સાવ અંધારી થઈ
બંધ ઘર સામેની તારી, જ્યારથી બારી થઈ
ક્યાં ગયો ઉજાસ ને ઉઘાડ મનનો શું ખબર
ક્યાંક ખીલી જિંદગી ને ક્યાંક બીચારી થઈ
~ દિલીપ ધોળકિયા ‘શ્યામ’

૯.
ઘણા  વિકટ સવાલોના જવાબો  શોધવા પડશે
તમારે જાણવા ઉત્તર,  પુરાણો શોધવા પડશે
થશે જો એક બારી બંધ બીજી ખોલવી પડશે
જરા અજવાસ મેળવવા ઉપાયો શોધવા પડશે
~ કમલેશ શુક્લ

૧૦.
સૂર્ય હો કે હોય પંખીની ચહક
હો અષાઢી મેઘની મીઠી મહક
શું કહું બારી મને શું બક્ષતી
એક મુઠ્ઠી આભ પર મારોય હક
~ ગુરુદત્ત ઠક્કર

૧૧.
રાખો ન વાત મનમાં, હળવા થવાને બોલો
અંધારું દૂર થાશે, બારી જરાક ખોલો
આવ્યાં છે આંગણામાં, પંખી, હવા, કિરણ તો
કુદરતની ભેટ જોઈ, બાળક બનીને ડોલો
~ અંકિતા મારુ ‘જીનલ’

૧૨.
આમ તો જીવનમાં કોઈ દુ:ખ કે લાચારી નથી
આમ પૂછો તો દશા મારીય કંઇ સારી નથી
આમ તો તકલીફ ક્યાં છે કોઇપણ ઘરમાં મને
આમ છટપટતાં આ મન પાસે છટકબારી નથી
~ ડૉ પ્રણય વાઘેલા

૧૩.
આવે નવા વિચારો, ખુલ્લી રહે જો બારી
કાયમ વિરાટ દર્શન માટે ઝૂરે, જો બારી
એકાદ પળમાં તમને થઈ જાય છે સમાધિ
એ પળ પરંતુ મળશે,આખી ખૂલે જો બારી
~ ડૉ. સેજલ દેસાઈ

૧૪.
આંખમાં આંખો મિલાવી બે ઘડી જોઈ શકું
લાજના પરદે છુપાયેલી છબી જોઈ શકું
એટલે રાખી છે એના ઘરની સામે બારી મેં
ઊંઘમાં જોયેલા સપનાને ફરી જોઈ શકું
~ ઇમ્તિયાઝ મોદી ‘મુસવ્વિર’

૧૫.
અશ્રુ આવ્યાં એ પછી હૈયું જરા હળવું થયું’તું
ક્યાંક એવું થાય છે આંખો હવાબારી સમી છે
~ અતુલ દવે, વડોદરા

૧૬.
ભીંતો વચ્ચે બારી રાખો સાથી રે
વાતોચીતો જારી રાખો સાથી રે
પોતાની અંદર ઉતરીને જીવશો શું?
થોડી દુનિયાદારી રાખો સાથી રે
~ સ્વાતિ રાજીવ શાહ

૧૭.
આ હૃદયને પ્રેમથી ધરવું પડે
બસ અમસ્તા એમ પણ મરવું પડે
આપણે તો ભીંત તોડી નાખીએ
એમની બારીનું કંઈ કરવું પડે
~ સાગર

***

Leave a Reply to Alpa VasaCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. નાનકડી બારીમાંથી ય દેખાય મસ મોટું આકાશ…..

  2. ખૂબ સરસ સંકલન.
    સર્જક મિત્રોને અભિનંદન.
    ધન્યવાદ!